Showing posts with label GUJARATI ARTICLE. Show all posts
Showing posts with label GUJARATI ARTICLE. Show all posts

Wednesday, March 5, 2014

શતં જીવેત શરદઃ (સો વર્ષના થાવ.)


શતં જીવેત શરદઃ (સો વર્ષના થાવ.)

" The rich rules over the poor, and the borrower is the slave of the lender." (Holy Bible Verses about Foolish-Proverbs 22:7)

અર્થાત્ - અમીર હંમેશાં ગરીબ પર આધિપત્ય ધરાવે છે અને દેણદાર હંમેશાં લેણદારની ગુલામી કરે છે.
====

પ્રિય મિત્રો,

જીવનદાતા ઈશ્વર સમગ્ર બ્રહ્માંડમાં સહુથી અમીર છે અને સમગ્ર જીવસૃષ્ટિ હંમેશાં તેની દેણદાર છે આ બાબતને કાળા માથાનો માનવી ઇરાદાપૂર્વક વીસરી ગયો છે. આ કારણસર જ, ઉપર બાઈબલમાં દર્શાવેલ વિચારોને અનુરૂપ હંમેશાં દરિદ્ર તથા અકારણ દેણદાર જેવી ગુલામી અવસ્થામાં સબડતા મૂર્ખ માનવીઓ માટે, મહર્ષિ શ્રીવેદવ્યાસજીએ ૧૦૦ લક્ષણ ધરાવતા `મૂર્ખ શતક`ની રચના કરી હતી..! ચાલો, આપણે લેખના પ્રારંભે આવા એક મૂર્ખ માનવીનું એક કાલ્પનિક દૃશ્ય માણીએ. સ્થળ છે, `યમરાજનો દરબાર.`

યમદૂત, એક બેફિકર જણાતા જીવને લઈને, ચિત્રગુપ્ત સમક્ષ ઉપસ્થિત થાય છે. આ જીવનું નામઠામ મેળવીને ચિત્રગુપ્ત તેના જમાઉધારના ખાતાને સાવ કોરુંધાકોડ જોઈ મૂંઝવણભર્યા સ્વરે ઉચ્ચારે છે." આ શું...! પૃથ્વી પર તું આટલાં બધાં વર્ષ રહીને આવ્યો છતાં, તેં સારું કે નરસું કાંઈ કામ જ કર્યું નથી? મારે તને કયા વિભાગમાં ફાળવવો..!"

જાણે ચિત્રગુપ્તની વાત સાંભળી ન હોય તેમ, આળસુ જીવે બેફિકરાઈ ભરી નજર ચારેબાજુ ફેરવી. ચિત્રગુપ્તે અકળાઈને ફરી સવાલ કર્યો,"અરે..! તેં સારું કે નરસું, કોઈપણ કામ કર્યું હોય તો જણાવને ભાઈ..!"

આળસુ જીવે બગાસું ખાતાં-ખાતાં કહ્યું," એક કામ કર્યું હતું. એક ગરીબ-કમજોર વૃદ્ધને, ચોર સમજીને કેટલાક ગુંડા જેવા લાગતા બદમાશ ક્રૂરતાપૂર્વક મારતા હતા, તેમને પડકારી પેલા વૃદ્ધને બચાવવાની મેં કોશિશ કરી હતી."

ચિત્રગુપ્તે ફરીથી તેની કોરીધાકોડ ખાતાવહીમાં નજર નાંખી પૂછ્યું ,"એમ..! ક્યારે?"

શાંત ભાવ સાથે, આળસુ જીવે કહ્યું," બસ, હમણાં બે મિનિટ પહેલાં જ..!"

મને ખાત્રી છેકે,ફક્ત આ એક સત્કર્મ બદલ આ આળસુ જીવની ફાળવણી અવશ્ય સ્વર્ગ વિભાગમાં કરવામાં આવી હશે..!

જોકે,ઉપર યમરાજના દરબારમાં વર્ણવ્યા તેવા કેટલાય આળસુ અને અજ્ઞાની જીવ સો વર્ષ જીવે છતાં,ધરતી પર પોતે શામાટે આવ્યા છે, તે બાબતનું જ્ઞાન સુપેરે પામી શકતા નથી..! જ્યારે એક દ્વાર બંધ થાય ત્યારે ઈશ્વર હંમેશાં બીજું દ્વાર ખોલી આપે જ છે પરંતુ, આપણે બંધ દ્વાર સામે નિહાળી એટલા શોકમગ્ન થઈ જઈએ છેકે, બીજા ખુલ્લા દ્વારની સૂધ લઈ શકતા નથી. આથી, અહીં દુઃખ એ વાતનું પણ છેકે,આપણા અસ્તિત્વના સહુથી અગત્યના ત્રણ આધાર એવા તન,મન અને જીવનના અમૂલ્ય મહત્વને, આપણે સાચા અર્થમાં સમજવાનો ક્યારેય પ્રયત્ન જ નથી કરતા. પરિણામે,તેના આધારભૂત મૂળમાં જ ઘા મારી-મારી તેને સતત ક્ષીણ કરવાના અનિષ્ટ કાર્યોમાં આપણે દેખાદેખી જોતરાઈ જઈએ છે, જે છેવટે ઈશ્વરના વરદાન રૂપે પ્રાપ્ત થયેલા આપણા લાંબા આયુષ્યના અકાલ અંતમાં પરિણમે છે.

હવે આપ જ કહો જોઉં..! આવા સંજોગોમાં, વિશિષ્ટ પ્રકારના આ આળસુ મૂર્ખ જીવોને, સો વર્ષ જીવવાના સચોટ ઉપાય મળી જાય તોપણ આ ધરતીનું શું દળદર ફીટી જવાનું..! કારણકે, તેઓ પોતાની અનૂકુળતા પ્રમાણે, અમેરિકન ચિંતક-લેખક મિ.એલ્બર્ટ હૂબાર્ડના ચિંતનને અત્યંત ગંભીરતાપૂર્વક, અનુસરે છેકે,

" જિંદગીને બહુ ગંભીરતાથી ન લેશો, તમે ક્યારેય જીવતા, સ્વર્ગે સિધાવવાના નથી."- એલ્બર્ટ હૂબાર્ડ (અમેરિકન ચિંતક-લેખક.)

જોકે, આમ છતાંય,આ સવાલ તો હજી એમ જ ઊભો છેકે, પૃથ્વી પરનો દરેક વ્યક્તિ શું, સો વર્ષ સુધી જીવી શકે? ઉત્તર આ રહ્યો," કેમ નહીં..! અવશ્ય જીવી શકે પરંતુ, જો અને જો, તેને સાચા માર્ગે જીવતાં આવડે તો..!" આમ પણ, આપણા શાસ્ત્રોમાં કેવળ શતાયુ જ નહીં પણ, અશ્વત્થામા, બલિરાજા, મહર્ષિ વેદવ્યાસજી, શ્રીહનુમાનજી, વિભીષણ, શ્રીકૃપાચાર્યજી તથા  શ્રીપરશુરામજી એમ  સાત પુણ્યાત્માના ચિરંજીવીપણા (અમરતા) નો સુદ્ધાં ઉલ્લેખ છે.

अश्वत्थामा बलीर्व्यासो हनुमानस्च बिभीषण: ।
कृप:परशुरामस्च सप्तैता चिरजीविन:॥  यजुर्वेद । 


યાદ રહે, જીવન (પ્રાણશક્તિ) એક પવિત્ર યજ્ઞ છે તથા આપણાં તન-મન એક પવિત્ર યજ્ઞશાળા. જીવનમાં દુશ્મનની માફક કનડતા તમામ દુર્ગુણોને રોજિંદાં યજ્ઞકાર્યમાં `સ્વાહા` કહીને ભસ્મીભૂત કરવાથી જ સો વર્ષનું દીર્ઘ આયુ ભોગવી શકાય તે નિતાંત સત્ય છે. જુઓને, કોઈપણ દેશના સૈનિક ભરતી મેળામાં તેમની શારીરિક, માનસિક તથા વ્યવહારિક ક્ષમતાનું આકરું પરીક્ષણ કર્યા બાદ જ તેમની પસંદગી સૈન્યમાં કરવામાં આવે છે ને..! તો શું સમગ્ર જીવનકાલ દરમિયાન, આપણે આપણી જાતને ઈશ્વર સમર્પિત વફાદાર સૈનિક માનીને આપણે સુદ્ધાં બેઈમાની,અહંકાર,શોષણ, વ્યભિચાર, છલકપટ, અંધવિશ્વાસ,જાતિ-જ્ઞાતિ ભેદ જેવા અનેક દુશ્મનો સામે ઝઝૂમવા કાજે આપણા તન-મન અને જીવનની ક્ષમતાને આજીવન એક સૈનિકની માફક અખંડ રાખવાની જરૂરિયાત નથી?

શતં જીવેત શરદઃ - પ્રલોભન કે પ્રતાડન?

મિત્રો, જ્યારે, આપણને કોઈ  સો વર્ષ જીવવાના સચોટ ઉપાય કે અણમોલ જડીબુટ્ટી અંગે આતુરતાપૂર્વક સવાલ કરે ત્યારે, માણસ સો વર્ષ શામાટે જીવવા ઇચ્છે છે, તે જાણવાની જિજ્ઞાસા જાગે તે સાવ સ્વાભાવિક બાબત છે..! ક્યારેક પ્રશ્ન થાય કે શતાયુના આશીર્વાદ અથવા તેની મહેચ્છા શામાટે? શું આવા આશીર્વાદ કે મહેચ્છા, એક લોભામણું પ્રલોભન માત્ર છે? `કદાચ હા, થોડા ઘણા અંશે,તે પ્રલોભન પણ છે.` કારણ,માત્ર એટલું કે દીર્ઘાયુ થવાની લાયમાં માનવી પોતાના તનમન અને જીવનના (પ્રાણશક્તિના) અસ્તિત્વ તથા મહત્વને સમજવાનો ખચીત પ્રયાસ કરે..! શું, આપણા વડીલો આપણને આશીર્વાદ આપે કે,`શતં જીવેત શરદઃ`(સો વર્ષ જીવો) તે આપણા પ્રત્યેની અનન્ય લાગણી માત્ર હશે? જી નહીં..! જો આપણે શતાયુ ન ચાહતા હોઈએ તો, કોઈ પણ આશીર્વાદ આપણને આપોઆપ શતાયુ કરી શકતા નથી. એનાથી વિપરીત, આપણે સાચા હ્રદયથી શતાયુ ઇચ્છતા હોય તો, કોઈ શાપ (બદદુઆ) આપણને ૧૦૦ વર્ષ જીવતાં અટકાવી શકતો નથી. જેમ ભર સમુદ્રમાં કુશળ સુકાની જ્યારે વહાણની દિશાથી વિપરીત પવન ચાલતો હોય ત્યારે શઢને આમતેમ ફેરવી વહાણને સાચી દિશામાં દોરી જાય છે તેમ, આપણે પણ જિંદગીના વહાણના શઢને સાચી દિશામાં ફેરવીને, જીવનને સુપેરે `શતાયુ` મંજિલ સુધી અવશ્ય પહોંચાડી શકીએ છે. 

જુઓને, અત્યારે પણ શરદ ઋતુનો પ્રભાવ છે. ભલભલાં તંદુરસ્ત માનવીને પછાડી દેનારી આ શરદ ૠતુમાં, જો આરોગ્યની યોગ્ય પ્રકારે કાળજી લેવામાં આવે તો, `શતં (સો), શરદઃ (શરદ ઋતુ સુધી) જીવેત (જીવો)`, વડીલોના આશીર્વચન સહુ કોઈને અવશ્ય ફળે છે. આમ તો, માનવીનું સો વર્ષ જીવવું તે કોઈ મહાન ઉપલબ્ધિ નથી કિંતુ, સો વર્ષ સુધી જીવલેણ વ્યાધિ રહિત, તંદુરસ્ત જીવવું તે જ મહત્વની ઉપલબ્ધિ ગણી શકાય. અન્યથા, શતાયુ એક પ્રતાડન બની રહે અને યાતનામય નર્કાગારનો અનુભવ થવાને કારણે, જીવતેજીવત ન તો કહેવાય કે ન સહેવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય.

तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् । पश्येम शरदः शतं जीवेम शरदः शतं श्रुणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतमदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॥
(શુક્લયજુર્વેદસંહિતા. ૩૬/૨૪)

અર્થાત્ - પૂર્વ દિશામાં ઉદિત થનાર, શુભ,સ્વચ્છ,નિષ્પાપ, જગતનાં ચક્ષુ સમાન, હે સૂર્યદેવ, આપને અમારી પ્રાર્થના છેકે, અમે સહુ ૧૦૦ શરદ ઋતુ સુધી આપનાં નિત્ય દર્શન કરીએ, અમારી દૃષ્ટિ તેજોમય રહે,અમારું જીવન સો વર્ષ સુધી અખંડ રહે,અમારી કર્ણેન્દ્રિય સ્વસ્થ રહે,અમારી વાક્શક્તિ પ્રબલ રહે,અમારી કર્મેંદ્રિય તથા જ્ઞાનેન્દ્રિય પણ સો વર્ષો બાદ જેમની તેમ પ્રબલ રહે,તથા આપની આ સર્વ કૃપા સો વર્ષ બાદ પણ નીરોગી જીવન ધારણ કરી શકે.

આથી,એ પ્રમાણિત સત્ય છેકે, જે માનવી વિધ્વંસક જીવન શૈલી અપનાવી પોતાની પ્રાણશક્તિને યુવાનીમાં જ ક્ષીણ કરે છે, તેને શતાયુનાં સ્વપ્ન જોવાનો અધિકાર હરગિજ નથી. કદાચ,આ એક કિસ્સો આપણી આંખ ઊઘાડવા પૂરતો થશે..! નગરના સુંદર બગીચાના બાંકડા પર, એક ઘરડા માણસનું અભિવાદન કરી બાજુમાં બેઠેલી એક યુવતિએ તેમની લાંબી ઉંમરનું રહસ્ય જાણવા ચાહ્યું. તે માણસે કહ્યું," હું દરરોજ અત્યંત ચરબીયુક્ત ફાસ્ટફૂડ આરોગું છું. શારીરિક શ્રમ ક્યારેય કરતો નથી. દિવસનાં પાંચ પેકેટ સિગારેટ તથા મોંઘા શરાબનું સેવન પણ નિત્ય કરું છું."

યુવતિએ આશ્ચર્યચકિત થઈને ફરી પૂછ્યું,"ઓહ..! છતાં આપ આટલાં બધાં વર્ષ જીવ્યા..! માફ કરશો પરંતુ, શું હું આપની ઉંમર જાણી શકું છું?"

પેલા ઘરડા માણસે હતાશ વદન સાથે ઉચ્ચાર્યું," ગઈકાલે હું બત્રીસમાં વર્ષમાં પ્રવેશ્યો...!"

જુઓને..! કોઈની પણ સલાહ કાને ન ધરીને, આવા માણસો કાયમ લાખોની ભીડમાં પણ એકલા જીવતા હોય છે. એમ ભાસે છેકે, આ ધરતી પર તેઓ માત્ર હાજરી પુરાવવા આવ્યા છે, જીવવા માટે નહી. તો શું, તનમન અને જીવનના મહત્વને સમજ્યા વિના આપણે પણ સામે ચાલીને અકાળ વૃદ્ધત્વને ગળે વળગાડીએ છે?

શતં જીવેત શરદઃ - અણમોલ પુરસ્કાર, પરંતુ ક્યારે?

મિત્રો, કેટલીય વ્યક્તિઓ આપને એવી પણ ભટકાઈ હશે જે, કોઈપણ પ્રકારના અગત્યના મુદ્દા વગર જ, અન્ય સાથે બાથ ભીડી કિંમતી જીવન ઊર્જાને વ્યર્થ વેડફી નાંખતી હશે..! ખરેખર, આ પ્રાણ ઊર્જાને સંચિત કરીને તેનો વ્યર્થ વ્યય અટકાવવો તે આપણા જ હિતમાં છે. આ સંચિત પ્રાણ ઊર્જાની મદદથીજ ઈશ્વરે અણમોલ પુરસ્કાર સ્વરૂપે પ્રદાન કરેલ `દીર્ઘાયુ` દરેક જીવ અવશ્ય પ્રાપ્ત કરી શકે પરંતુ, તે કાજે આપણે આપણી પ્રાણશક્તિને સુપેરે સમજવી અત્યંત આવશ્યક છે. યોગશાત્રમાં વર્ણવ્યા પ્રમાણે, આપણા પગથી માથા સુધી સર્વ અંગોનું પોષણ તથા નિયંત્રણ કરનારી મધ્ય ભાગની મુખ્ય નાડી તે `સુષુમણા નાડી.` આ નાડી સાથે જોડાયેલ ભાગ તે `કુંડલિની.` જ્યારે તનમનમાં ફેલાયેલી નાડીઓ શુદ્ધ થાય અને `કુંડલિની` જાગૃત થાય ત્યારે પ્રાણશક્તિ સુખરુપ સુષુમણા નાડીમાં પ્રવેશ કરીને તનમન અને જીવનને નવી ઊર્જા પ્રદાન કરી શતાયુ બક્ષે છે. યોગશાસ્ત્ર સંપૂર્ણપણે વિજ્ઞાન આધારિત છે અને તેને નહીં માનવાને કોઈ કારણ નથી.

જોકે, વિડંબના એ છેકે, આપણી પ્રાણશક્તિના ઈંધણ સમાન રોજેરોજના ભોજનને પકાવતા અગાઉ, આપણે શાકભાજી તથા અનાજને શુદ્ધ જળથી ધોઈને સાફ કરવાનું ધ્યાન અવશ્ય રાખતા હોઈએ છે, પરંતુ, જેમ ઘણીવાર, આળસને કારણે કેટલાક આળસુ લોકો નાહવાને બદલે માત્ર હાથપગ ધોઈને માથાબોળ સ્નાનનો સંતોષ માણી લેતા હોય છે તેજ પ્રકારે, આપણા તનમન તથા સ્વજનના પાલન-પોષણ માટે આરંભાયેલા દરેક આર્થિક કાર્ય માટે આપણે દૂષિત લક્ષ્મીનો (બ્લૅક મની) વધુને વધુ આગ્રહ રાખી બાદમાં થોડું દાન કરીને પાપ ટાળ્યાનો સંતોષ પણ મેળવી લઈએ છે..! આથીજ, ધરતી ઉપર નવાસવા અંકુરિત થયેલા કુમળા છોડ સમાન નવજાત શિશુઓના બાધારહિત વિકાસ કાજે, યમરાજ નામના જમીનદાર પોતાના ખેતસેવકોને (યમદૂતને) કામે વળગાડી, આ નવજાત કુમળા છોડના મુક્ત વિકાસને અવરોધતા નીંદણનું અટલેકે, તનમન-જીવનને ન સમજી શકનારા તમામ આળસુ જીવોનું, નિરંતર નીંદણું કરાવતા જ રહે છે. સૃષ્ટિનો આ જ અફર,દૃઢ ક્રમ છે. યમદૂત નામના ખેતસેવકોની યાદીમાંથી આપણે, જો આપણું નામ ૧૦૦ વર્ષ પર્યંત રદ કરાવવા ઇચ્છતા હોઈએ તો, આટલું અવશ્ય ધ્યાન રાખીએ.

* ૬૦ વર્ષ બાદની બોનસની જિંદગીને કરકસરથી જાળવીને ખર્ચ કરીએ.* ચિંતા રહિત, કલાત્મક જીવન જીવતાં શીખીએ.* જે છે તેનો સંતોષ મન ધરીએ.* અહંકારને દૂરથી જ વંદન કરીએ.* માનસિક યાતના, ન કોઈને આપીએ, ન આપણે સ્વીકારીએ. * રોગ અને દુશ્મનથી જોજન છેટા રહીએ.* હકારાત્મક કર્મશીલ બનીએ.* નકારાત્મક વિચારો માટે મનના દ્વાર ચપોચપ ભીડી દઈએ.* વિકાર ફણગાવે તેવા ભાઈબંધ, ભોજન તથા `ભગવાન`થી (કથિત સંત-મહંતથી) દૂર રહીએ.* યાદશક્તિને નિત્ય કસરત કરાવીએ.* હતાશા ખંખેરી પ્રાતઃ રોજ નવો જન્મ ધર્યાના ભાવ સાથે આંખ ઉઘાડીએ.* તન-દુરસ્ત,મન-દુરસ્ત તો પ્રાણશક્તિ-જીવન-દુરસ્તના મંત્રને હ્ર્દયે ધરીએ.* કોઈના તરફ યથા સંભવ મદદનો હાથ લંબાવીએ.* જીવમાત્ર કાજે લાગણીની પરબ માંડીએ.* રોગમુક્તિનાં પુસ્તકોને બદલે, ભોગમુક્તિનાં પુસ્તકોનો સંગ વધારે પ્રિય સમજીએ.* વૈદ્ય-તબીબને આપણા તનમનના માલિક બનાવી આપણું શોષણ ન કરવા દઈએ.* કોઈપણ બીમારી વિના માત્ર શંકાને કારણે ઔષધ સેવન ન કરીએ.* નાનાં હોય કે મોટાં, સર્વ કોઈની સલાહ-સૂચનને કદાપિ ન અવગણીએ.*કોઈપણ વયે શારીરિક, માનસિક ઉદ્યમને તિલાંજલિ ન આપીએ.* `આપ જ મોંઘાં અને આપ લાડકવાયાં` થઈ ફુલાતા ન ફરીએ.*ચારિત્ર્ય ભ્રષ્ટ,વ્યવહાર ભ્રષ્ટ વ્યક્તિનો વિશ્વાસ ન કરીએ.* દંભ કે દેખાડાને બાય-બાય કહીએ.* પોતાની હયાતીમાં, પોતાની સ્થાવર-જંગમ મિલકત કોઈના પણ નામે ન કરીએ.* વાતવાતમાં સવાર થતા ક્રોધની લગામ કસીએ.* દેખાદેખી વ્યર્થ ઉડાઉપણું ન દાખવીએ.

`Scientific Proof That You Can Heal Yourself.`નામના જીવન ઉપયોગી પુસ્તકનાં લેખિકા ડૉ.લિસા રન્કિન (એમ.ડી.ન્યૂયોર્ક.)ના મત અનુસાર, દિવસે થોડી મિનિટની વામકુક્ષિ જીવનને નવું જોમ બક્ષે છે. આપણા ઘણા મિત્રો માટે તો આ મનગમતી સલાહ છે..! આ ઉપરાંત, *પૌષ્ટિક આહાર લઈએ.* શરીરને સપ્રમાણ રાખીએ.* સ્વજનોની સંભાળમાં રહીએ.* જરૂર પૂરતું જ જમીએ.* યોગ-મેડીટેશન તથા કસરતને પ્રાધાન્ય આપીએ.* સતત મનગમતી પ્રવૃત્તિમાં કાર્યરત રહીએ.* સામાજિક સંપર્ક વધારીને એકમેકની હૂંફ પ્રાપ્ત કરીએ.* સત્કર્મ હેતુલક્ષી અભિગમ અપનાવીએ.* દિવસ દરમિયાન એકાંતમાં થોડી અંગત પળ માણીએ.* વાસ્તવિક અધ્યાત્મવાદી બનીએ.* સંખ્યામાં થોડા પરંતુ, સ્વભાવે ઉમદા હોય તેવા મિત્રો બનાવીએ.* સદૈવ આનંદિત રહી અન્યને પણ આનંદમાં તરબોળ કરીએ.

મિત્રો, અમૂલ્ય માનવજીવન એક સુંદર તક છે કિંતુ, કેવળ આ તક મળવાથી જ આપણે શતાયુના હક્કદાર નથી થઈ જતા. હા કદાચ, આવી તકને ચૂકી જવાને કારણે વૈરાગ્યના હક્કદાર જરૂર થઈએ છે..! આપને ઉજ્જનના પ્રસિદ્ધ મહારાજા વિક્રમાદિત્યના જેષ્ઠ ભ્રાતા, રાજા ભર્તૃહરિની કથા યાદ હશે જ. તેઓ પણ હાથ આવેલી તક ચૂકી ગયા અને અંતે વૈરાગના પંથે ચાલી નીકળ્યા. ઉજ્જનના મહારાજા ભર્તૃહરિના લલાટે કંડારાયેલા એક મહાન સંતના લક્ષણોને પારખી ગયેલા સમર્થ ગુરુ ગોરખનાથે, સ્ત્રીઓના તથા રાજપાટના મોહમાંથી મુક્તિ અપાવવા, દીર્ઘાયુ યુવાન તથા નીરોગી રાખીને અમરતા પ્રદાન કરનારું એક અમરફળ રાજા ભર્તૃહરિને આપ્યું. રાજા ભર્તૃહરિએ આસક્તિને વશ થઈ,ફળની વિશેષતા જણાવીને, પોતાની અત્યંત સુંદર રાણી પિંગલાને ફળ આરોગવા આપ્યું.જોકે રાણી પિંગલા રાજ્યના એક રાજસેવકને પ્રેમ કરતી હોવાથી, પોતાના પ્રેમીને અમર કરવા તે ફળ તે પ્રેમીને આપ્યું. અમર થવાના ભેદ ફોડીને રાજસેવકે તે ફળ પોતાને પ્રિય એવી રાજનર્તકીને આપ્યું. રાજા ભર્તૃહરિને ધર્માત્મા તથા પ્રજાવત્સલ હોવાનું માનતી રાજનર્તકીએ તે ફળ ફરીથી રાજા ભર્તૃહરિને આપ્યું. રાજા પોતાનું જ અમરફળ  ફરી પોતાની પાસે આવતાં આઘાતથી સન્ન થઈ ગયા. છેવટે તપાસ કરાવતાં, તમામ વરવી વાસ્તવિકતા નજર સામે આવતાંજ રાજા ભર્તૃહરિને સંસાર પરત્વે મોહભંગ થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ગુરુ ગોરખનાથના શરણમાં પહોંચી ગયા એટલુંજ નહીં રાણી પિંગલાના અઠંગ પ્રેમી તરીકે `શૃંગાર શતક`, નીતિવાન રાજા તરીકે,`નીતિ શતક`ના ૧૦૦-૧૦૦ શ્લોક લખનારા વૈરાગી ભર્તૃહરિએ, `વૈરાગ શતક` નામથી પણ ૧૦૦ શ્લોક લખ્યા. જે આજે પણ પઠન-મનન કરવા લાયક છે.

યેષાં ન વિદ્યા,ન તપો,ન દાનં,જ્ઞાનં,ન શીલં,ન ગુણો,ન ધર્મ:|
તે  મર્ત્યલોકે  ભુવિ  ભારભૂતા, મનુષ્યરૂપેણ  મૃગાશ્ચરન્તિ ||


અર્થાત્ - જે વિદ્યાપ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરે, ન તપ કરે, ન દાન આપે, ન જ્ઞાન કેળવે, ન શીલ સાચવે, ન સદ્ગુણ કેળવે, ન ધર્માચરણ કરે. આવા માનવ, મૃત્યુલોકમાં ઘરતી પર એક બોજ સમાન ગણાય તથા તે મનુષ્ય રૂપ હોવા છતાં જાનવર સમાન છે.

જુઓ, નીતિશતક જેવા પઠનીય-મનનીય શ્લોક રચનારા વિદ્વાન રાજા ભર્તૃહરિએ, શતાયુ-અમર `જિંદગી` નામની પ્રિયતમાને આકંઠ ચાહવાને બદલે, રાણી `પિંગલા` નામના હાડમાંસના માળખાને મોહાંધ પ્રેમ કર્યો, તેના વિપરીત પરિણામનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.

મિત્રો, આ કથા પરથી આપણે એ ધડો લેવો રહ્યોકે, ભલેને જીવનનાં કેટલાંક પ્રકરણ દુઃખમય તથા કેટલાંક આનંદમય હોય પરંતુ, તે સર્વે એકઠાં મળીને જ તો એક મહાન જીવનગ્રંથ બને છે. ખરુંને..! આપણને પણ રાજા ભર્તૃહરિની માફક ઈશ્વરે તનમન અને જીવન નામનું `અમરફળ` જન્મતાં જ અર્પીને, ઈશ્વરના અંશ સ્વરૂપે નિષ્કામ સત્કર્મની આરાધના કાજે, ધરતી પર મોકલ્યા છે.જેમ કાચ અને મણિ દેખાવમાં એકસરખા ભાસે છે છતાં, તેના ગુણ તથા મૂલ્યમાં ઘણો તફાવત હોય છે તેમ, આપણે માનવ થવું કે જાનવર તે આપણા જ હાથની બાબત છે.

જોકે,એ બાબત અલગ છેકે, મોટાભાગના માનવ જિંદગીની અપાર મહત્તાને સહેજ પણ પારખ્યા વગર, તેઓના જેવા જ અજ્ઞાનીઓની મધ્યે, આ અલૌકિક અમરફળને નધણિયાતા ફૂટબોલની માફક આમતેમ ઉછાળવા સોંપીને અંતે પેટભરીને પસ્તાય છે..! 

શતાયુ ૨૦૧૩નો  `ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ.`

પરમ સત્ય એ છેકે, આજથી જ આપણે જિંદગીને આપણી સહુથી પ્રિય મિત્ર માની લેવી જોઈએ. કારણકે, આપણે જેઓને પોતાના સ્વજન અથવા મિત્ર માનીએ છે તે સહુ આપણી નજર સામેથી આઘાપાછા થઈ, ખરા સંકટ સમયે આમતેમ સરકી જઈ શકે છે પરંતુ એકમાત્ર જિંદગી નામની વફાદાર મિત્ર જ આપણા છેલ્લા શ્વાસ સુધી સુખ-દુઃખમાં આપણો સાથ નિભાવે છે.

અમેરિકન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના લેખક તથા તબીબ ડૉ.વૉલ્ટર માઇકલ બોર્ટ્ઝ, કે જેમણે ૧૦૦ વર્ષના દીર્ઘાયુ વિષય પર ઘણું સંશોધન કરેલ છે, તેઓનું તારણ છેકે," આપણી બૂરી આદતો જ આપણને ૧૦૦ વર્ષ જીવતાં અટકાવે છે." સાવ સાચી વાત..! આપણા શરીરમાં સ્થાપિત કુલ-૩૫,00,000 કરોડ કોષ (Cells)ને યોગ્ય રીતે સાચવ્યા વિના આપણે શતાયુ ભોગવવાની કલ્પના કેવી રીતે કરી શકીએ..! આમતો,આપણા જેવા વિકાસશીલ દેશમાં સરાસરી આયુ ૭૫ વર્ષ માનવામાં આવે છે.પરંતુ,દેશમાં પર્યાવરણ તથા આરોગ્યલક્ષી સવલતના અભાવને કારણે આપણે ત્યાં નિશ્ચિત આયુષ્યની ચોક્કસાઈ કરવી અત્યંત કઠિન કાર્ય છે. આમ છતાં,તાજેતરમાં કાશ્મીરના ફિરોઝ-અન-દીન-મીર નામની વ્યક્તિએ તા.૧૦ માર્ચ.૧૮૭૨ના સરકારી જન્મ પ્રમાણપત્રના પુરાવા સાથે પોતે હાલ ૧૪૧ વર્ષની વયે પણ જીવિત હોવાનો દાવો કરેલ છે. આ અગાઉ, આપણા દેશમાં મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના તલકેસરી ગામના એક ખેડૂત નામે પરસરામ ગુર્જર, ૧૨૫ વર્ષ આયુના (૧૮૮૬-૧૯૧૧) દેશમાં સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ મનાતા હતા, એટલુંજ નહીં, તેઓને તા.૧ ઑક્ટોબર ૨૦૧૧ના રોજ,`વિશ્વ વડીલ દિન` નિમિત્તે, સરકાર દ્વારા `શતાયુ` સન્માન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

જોકે, ૨૦૧૩ના `ગિનિસ વર્લ્ડ રૅકોર્ડ` મુજબ, વિશ્વના સૌથી વધુ વય ધરાવતા હયાત વ્યક્તિ હોવાનો વિશ્વવિક્રમ, ન્યૂયોર્કના ગ્રાન્ડ આઈસલેન્ડ પરગણાના મિ.સલિસ્ટીયાનો સાંચેઝ (આયુ-૧૧૨ વર્ષ.),  ધરાવે છે.

બ્રિટનના `The Independent News` દૈનિક અખબારના (તા.૦૪-સપ્ટેમ્બર ૨૦૧૩ના) એક અહેવાલ મુજબ,વિશ્વના સૌથી વયોવૃદ્ધ માનવી તરીકે,`ઈશાન આફ્રિકા`ના `ઈથોપિયા`માં `ડાકૉબા એબા` (Dhaqabo Ebba) નામના એક નિવૃત્ત ખેડૂતની ઉંમર ૧૬૦ વર્ષ નોંધાઈ છે, જેનો જન્મ સન-૧૮૫૦માં થયો હતો.

ઈથોપિયાની રાજ્યાશ્રિત ટીવી ચેનલ` ઑરોમિયા ટીવી` પર આ વયોવૃદ્ધ ખેડૂતનો અડધો કલાકનો ઇન્ટરવ્યૂ પણ પ્રસારિત થયેલ છે. ત્યાંના વિખ્યાત પત્રકાર મોહમ્મદના જણાવ્યા અનુસાર જો તેનું પ્રમાણપત્ર મળી આવશે તો તે, ફ્રાન્સના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ જિન કૅલમન્ટનો (Jeanne Calment. ૧૮૭૫-૧૯૯૭.) ૧૨૨ વર્ષ-૧૬૪ દિવસના વિક્રમી આયુનો રેકૉર્ડ પણ ભંગ થશે.

વિશ્વના વિકસિત દેશો માટે એક આનંદના સમાચાર છેકે, તાજેતરમાં ડેન્માર્કમાં થયેલા એક સંશોધન પ્રમાણે, સન-૨૦૦૦ બાદ જન્મેલી વ્યક્તિઓને શતાયુ પ્રાપ્ત થવાની સંભાવના સૌથી અધિક છે તથા તેઓ ૭૦ વર્ષની ઉંમર સુધી નિવૃત્તિનું નામ પણ નહીં ઉચ્ચારે..! આવી ૧૦૦ વર્ષ ની આયુ એ પહોંચનાર વ્યક્તિને, સેન્ટેનેરિયન `Centenarian` કહે છે. ૧૧૦ વર્ષ કે તેથી વધુ વય પસાર કરનાર વ્યક્તિને સુપર સેન્ટેનેરિયન કહે છે. વિકસિત દેશોમાં સેન્ટેનેરિયનનું પ્રમાણ દર હજારે માત્ર એક વ્યક્તિનું હોય છે.

આપણા હ્રદયની માંસપેશીઓમાં પ્રાણવાયુના પ્રવાહની માત્રા જેને `VO2max` મૂલ્ય કહે છે, તે ઉંમર વધવાની સાથે ક્રમશઃ ઘટતી જાય છે.સ્વસ્થ જીવનરીત અપનાવીને જો આ `VO2max` મૂલ્યની માત્રાને જાળવી રાખવામાં આવે તો તે વ્યક્તિ ૧૦૦ વર્ષ કરતાં પણ વધુ વર્ષ જીવી શકે છે. `VO2max` મૂલ્યની ગણતરી ટ્રેડમીલ દ્વારા માપી શકાય છે. વિશ્વ જનગણના અહેવાલ પ્રમાણે, સમગ્ર વિશ્વમાં છેલ્લા ૩૦ વર્ષોમાં શતાયુ વ્યક્તિઓની ટકાવારી ૬૫.૮ નોંધાઈ છે. જેમાં, પુરુષ કરતાં સ્ત્રીઓમાં VO2max ની માત્રા ૨૦% ઓછી હોવા છતાં, ૮૨.૮%  સ્ત્રીઓ શતાયુ છે. જ્યારે, પુરુષનું પ્રમાણ માત્ર ૨૦.૭ છે. જે વ્યક્તિમાં ૬૦+ બાદ પણ VO2max ની માત્રા ૪૪.૨% જેટલી જળવાઈ રહે તે વ્યક્તિ ૧૦૦ વર્ષ કરતાં વધારે જીવિત રહી શકે છે. આ ઉંમરે  VO2max ૨૫.૦ % માત્રા કરતાં ઓછી હોય તો તે જીવન માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે.

જાણવા જેવું -

અબ્રાહમ લિંકને કહ્યું છે,"આપણે એટલા જ સુખી થઈ શકીએ છે, જેટલો આપણે મનથી દ્રઢ સંકલ્પ કરી શકીએ." ચાલો ત્યારે આપણે સુદ્ધાં,`જાગ્યા ત્યારથી સવાર` ન્યાય અનુસાર, શતાયુની સંક્લ્પનાને સાકાર કરવા કાજે, આજથી જ દ્રઢ નિશ્ચય કરીએ. સમગ્ર વિશ્વમાં એવાં અગણિત ઉદાહરણ છે, જેમાં અનેક મહાન નરનારીઓ સાવ નાની ઉંમરે અકાલ મૃત્યુને વર્યા હોવા છતાં, તેઓએ માનવજાત તથા સૃષ્ટિના હિત કાજે કરેલાં અપ્રતિમ કાર્યોથી ઇતિહાસમાં અમરતાને વર્યા છે. આપણા દેશમાં પણ અનેક ફ્રીડમ ફાઇટર યુવાનીમાં જ શહીદ થયા, તે શતાયુ ન ભોગવી શક્યા છતાં, તેઓના કામ તથા નામથી અમર છે જ. ખરેખર સત્ય એ છેકે, આપણે કેટલું લાં...બું જીવીએ છે, તે બાબત મહત્વની નથી પરંતુ, કેવું સા..રું જીવન જીવીએ છે તે મહત્વનું છે. દેશપ્રેમી સર્વે મહાન આત્મા પાસે પણ, આપણી માફક આંસુ સારવાનાં અનેક કારણો હતાં, છતાં તેઓ આપણને દુઃખમાં પણ હસતા રહેવાનો સંદેશ પાઠવતા ગયા.ચાલો, આપણે વિશ્વમાં `શતાયુ` અંગે કેવી સ્થિતિ પ્રવર્તે છે તે વિગત પર જરા એક નજર કરી લઈએ.

આંતરરાષ્ટ્રિય સંસ્થાન યુ.એન. ના જુલાઈ-૨૦૧૩ના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં કુલ-૩,૧૬,૬૦૦ હયાત વ્યક્તિઓ શતાયુ છે. જાપાનમાં દર-૧,૦૦,૦૦૦ વ્યક્તિએ ૩૪.૮૫ વ્યક્તિઓ શતાયુ છે. ત્યારબાદ ફ્રાન્સ- ૨૭.૦૧, થાઈલેન્ડ-૨૬.૮૦, સ્પેઈન-૨૬.૪૪, કેનેડા-૨૨.૩૧, ઈન્ગ્લેડ ૨૦.૯૭ અને છેલ્લે અમેરિકા- ૧૭.૩શતાયુ છે. સ્વીડનમાં `Tjikko` નામનું વૃક્ષ હાલ ૯૫૫૦ વર્ષ જુનું હોવા છતાં અડીખમ છે. આપણો કબીરવડ પણ શતાયુ છે. સામાન્ય ઉંદરનું આયુષ્ય ૪ વર્ષ હોય છે. કૂતરાં- ૨૯ વર્ષ; બિલાડી-૩૮ વર્ષ; રીંછ-૪૨ વર્ષ; ઘોડા-૬૨ વર્ષ તથા હાથીનું આયુષ્ય ૮૬ વર્ષ જેટલું હોય છે. સહુથી વધારે કાચબાનું આયુષ્ય ૧૯૦ વર્ષ જેટલું હોય છે.

નવાઈની વાત છેકે, જો અબોલ વૃક્ષ તથા સ્થળચર-જલચર જીવો શતાયુ જીવી શકતા હોય તો તેમના કરતાં અનેક પ્રકારે શ્રેષ્ઠ એવો માનવી, તેને પોતાને જીવનની અગત્યતા સમજ આવે ત્યારથી, દર દસ વર્ષના ગાળાના ઉમદા આયોજન સાથે જીવન પદ્ધતિમાં સુયોગ્ય ફેરફાર કરે તો ૧૦૦ વર્ષનું તંદુરસ્ત જીવન સહેજ પણ અશક્ય બાબત નથી. સત્ય તો એ છે, આપણે આપણી જાતને એટલો અનહદ પ્રેમ કરવા લાગ્યા છેકે, આપણે આસપાસ દૃશ્યમાન સૃષ્ટિને સુદ્ધાં પ્રેમ કરવો જોઈએ, તે જ્ઞાન આવતાં પહેલાં મૃત્યુશય્યાને આધીન થઈએ છે. આપણે આપણા વહાલાં સ્વજન,મિત્રો, જિંદગીનું સુખચેન ગુમાવી દઈએ ત્યારબાદ જ આપણે તેઓની કિંમત સમજીએ છે અને ત્યારે અત્યંત મોડું થઈ જવાને કારણે પાછળથી પેટ ભરીને પસ્તાઈએ છે..!

મિત્રો, શતાયુ પાર થવા માટેના રસ્તા સાવ સરળ છે તેતો આપણે જોયું પરંતુ, તે રસ્તા સાવ સસ્તા હરગિજ નથી. શું આપણે કાંઈક મેળવવા કાજે, ઘણું બધું ત્યાગ કરવા તૈયાર છે ખરા? જે માણસ અમૂલ્ય જિંદગીને લાંબો વિચાર કર્યા વિના સાવ હસવામાં કાઢી નાંખે છે તેને જિંદગી અંતમાં હંમેશ ચોધાર રડાવે છે.

ગુજરાતના આદરણીય સુપ્રસિદ્ધ  હાસ્યલેખક શ્રીજ્યોતીન્દ્ર દવેસાહેબના બ્લૉકબસ્ટર પુસ્તક,`જ્યોતીન્દ્ર તરંગ`માં, તેઓને કોઈએ છેતરીને પકડાવી દીધેલી ખોટી બે આની, લેખકશ્રી  વટાવવા માટે કરિયાણાવાળા મોદીને આપે છે ત્યારે, મોદી અર્ધ તિરસ્કૃત અવાજે તે ખોટો સિક્કો તેમને પરત કરે છે. યમરાજના દરબારમાં ચિત્રગુપ્ત નામના મોદી, અર્ધ તિરસ્કૃત અવાજે, આપણને પણ ખોટી બે આનીમાં ખપાવી નરકાગારમાં ધકેલી દે, તે પહેલાં ચેતી જવા જેવું ખરું..! ચાલો, સન-૨૦૧૪ના નવા વર્ષના શુભારંભે આજે જ નક્કી કરી લઈએ. આપણે શતાયુ મંત્ર આત્મસાત્ કરવો છેકે પછી આ તકને હાથમાંથી સરી જવા દઈ ખોટા સિક્કામાં ખપી જવું છે..! હા મિત્રો, નક્કી તો આપણે જ કરવાનું છે.

સર્વ પાઠક મિત્રોને શતાયુ હાર્દિક શુભેચ્છાસહ, શત-શત તંદુરસ્ત અભિનંદન.

Wish you`Shatayu` & Happy Long life.

માર્કંડ દવે.તા.-૦૧-૦૧-૨૦૧૪.

Saturday, September 7, 2013

10 pages letter to God..! ૧૦ પાનાંનો પત્ર-મારા ભગવાનને..!


10 pages letter to God..! ૧૦ પાનાંનો પત્ર-મારા ભગવાનને..!

====
નોંધઃ હાલમાં કોઈએ કોઈને લખેલા ૧૦ પાનાંના પત્ર સાથે આ પત્રને સ્નાનસુતકનો સંબંધ નથી.આ પત્ર કાલ્પનિક છે,બંધબેસતી પાઘડી પહેરવી નહીં.
====

શ્રીમાન ભગવાન,
 
હું..નીચે સહી કરનાર તારો અનન્ય (?) ભક્ત `માનવ` (હાલ અંડર ફ્રસ્ટ્રેશન-Frustration) નિરાધાર કાર્ડ નંબર ; X..Y..Z  અને હિંદુસ્તાનના આ વિશાળ કેદખાનાના વિસ્તાર નં. 382443 માં રહેનારો, મારા માનવ-દેહથી  નિવૃત્ત થયા બાદ મને સ્વર્ગના(?) મળનારા તમામ લાભો સ્વૈચ્છિક રીતે છોડીને, તારા ભક્ત પદેથી નીચેનાં ધોરણે રાજીનામું આપવા માગું છું.

મારા સમગ્ર માનવ કાર્યકાલમાં મારી એક ફરજના ભાગ રુપે, કથિત અનેક સાધુ-સંત,ઑલિયા,ફકીરના મિલન (એન્કાઉન્ટર ?) કેસ સંદર્ભે, તારી સરકારના `યમરાજ` ક્રાઈમ બ્રાંચનાય પ.પૂ.પિતાશ્રી સમાન, આ `હિંદુસ્તાન-ભારત-INDIA`ના ચૌદશિયા અધિકારીશ્રીઓ દ્વારા મારા પ્રત્યેક કાર્ય કરતી વેળાએ વારંવાર મારી કાર્ય-પકડ કરવામાં આવી છે. ઉપરાંત, સુપ્રીમ કોર્ટ સમાન, મારા અત્યંત અનુભવી અનેક  કથિત હિતેશ્રીઓના(?) આદેશથી મારા પ્રત્યેક કાર્યને (કેસને)  `અહીંથી તહીં - તહીંથી અહીં`  અવારનવાર ટ્રાન્સફર કરવામાં આવી રફેદફે કરવામાં આવે છે..!  જો આમ ગણીએ તો આજે, આ ઘર -પેલા ઘરના મળીને, ભારતીયતાની સગાઈ ધરાવતા અનેક  મેમ્બર્સ આ `હિંદુસ્તાન-ભારત-INDIA` ની જેલમાં જન્મ્યા ત્યારથી સબડી રહ્યા છે..! આ ઉપરાંત, એવા ઘણા બધા કે,  જેમને હું મારા મિત્ર કે વેલ-વિશર્સ માનું છું, તેવા અનેક નિર્દોષ  લોકોનાં નામ પણ, આ `હિંદુસ્તાન-ભારત-INDIA` ની કૉર્ટની `જન્મ-મરણ`ની ચાર્જશીટમાં નોંધવામાં આવેલાં જણાય છે.

જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી, આ `હિંદુસ્તાન-ભારત-INDIA`  સિવાય સમગ્ર બ્રહ્માંડમાં આટલી મોટી સંખ્યામાં માનવ જાતની કમબખ્તી (કાર્ય-પકડ) થઈ નથી તથા તે  સર્વને આટલા લાંબા સમય સુધી તારી સમયસર જામીનમુક્ત (મોક્ષ?) થવાની કૃપાથી `હે ભગવાન` તેં  વંચિત રાખ્યા નથી..! આ પ્રકરણની મહત્વની બાબત એ છે કે, જેઓ તારા વફાદાર સૈનિકો હતા, જેઓ સંપૂર્ણ ઈમાનદારી, પ્રમાણિકતા અને ગંભીરતા સાથે કોઈપણ પ્રકારની લાલચ રાખ્યા સિવાય, તારા સોંપેલા માનવતાના ધર્મકાર્યને ક્રૂરતાથી હણવા તત્પર  થયેલા આતંકવાદીઓ  વિરુદ્ધ  લડ્યા  હતા, તેઓને આજે  પરાણે  જાણે `હિંદુસ્તાન-ભારત-INDIA` ની આ  વિશાળ  જેલમાં સબડી રહેવા માટે મજબૂર કરાયા છે..!

અહીં હું સંપૂર્ણ સન્માન સાથે એ જણાવવા માગું છું કે, હું મારા સહ  માનવબંધુ સાથે ભૂતકાળમાં એ તમામ સમયે  માનવતાના કાર્યમાં તારી સરકારની પડખે તમામ સંકટકાળમાં અનન્ય ભક્તિ દાખવીને એક દિવાલની જેમ અડીખમ ઊભો રહ્યો છું. હવે આજે જ્યારે હું અને મારા  હિંદુસ્તાનવાસીઓ એવા જ અસહ્ય સંકટમાં મુકાયા છે ત્યારે તારી સરકારની એ ફરજ બને છે કે તે અમારી પડખે એટલા જ ઉત્સાહ અને સમર્પણની સાથે આવીને ઊભી રહે. જોકે, મને એ વાતનો આઘાત પહોંચ્યો છે કે, આવું કશું જ બન્યું નથી. મારી પરમ આસ્થાના સ્થાન સમા બાવાઓ-બાપુઓ જેમની તાજેતરમાં `શ્લીલ-અશ્લીલ` કાર્ય-પકડ કરવામાં આવી છે તેમને પણ સમગ્ર  `હિંદુસ્તાન-ભારત-INDIA` દ્વારા અગાઉથી જ આરોપી માની લેવામાં આવ્યા છે. તે સિવાય, હું એક પુત્ર, પતિ, પિતા,સામાજિક કાર્યકર તથા એક સિનિયર ભક્ત હોવાને નાતે, માનવતા વિરોધી આતંકવાદીઓના ઍન્કાઉન્ટરના કાર્યમાં, લાગતાવળગતા અન્ય સર્વ કોઈને સમજાવી, મેં  સહુને સહભાગી બનાવ્યા છે. પરંતુ, આજે મને એ કહેતાં દુઃખ થાય છે કે, હે મારા ભગવાન, તેં  અથવા તારી સરકારે અમારા સહુ પ્રત્યે કોઈપણ પ્રકારનું ધ્યાન આપ્યું નથી..! તારા કહેવાતા પ્રતિનિધિ એવા સાધુ-સંત-ઓલિયા-ફકીરો તથા પોતાને શહેનશાહોના પણ `અમિટ-શાહ` માનતા-મનાવતા પાસેથી પણ સમયાંતરે, જુઠ્ઠાં અને ગેરમાર્ગે દોરનારા શાબ્દિક આશ્વાસન સિવાય અમને કાંઈ મળ્યું નથી..!

સમય પસાર થવાની સાથે મને સમજાયું છે કે, તને કે તારી સરકારને અમને આ `હિંદુસ્તાન જેલ`ના નિર્દોષ કેદીઓને બચાવવામાં કોઈ જ રસ નથી, સાથેજ હું અને મારા ૧૩૦ કરોડ (- તમામ સત્તાધીશ)  હિંદુસ્તાનવાસી સહુ આ જેલમાં સબડ્યા જ કરીએ તેવા તારા દ્વારા ગુપ્ત રાહે સતત પ્રયાસ થઈ રહ્યા હોય તેમ લાગે છે, જેથી તું ખુદ બ્રહ્માંડનો સર્વોચ્ચ સત્તાધીશ હોવાની મહત્તાનાં મીઠાં ફળ આરોગતો રહે અને  બ્રહ્માંડના અધિપતિપદનો લાભ ખાટતો રહે..! એ તો સૌ કોઈ જાણે છે કે, તેં અને તારી સરકારે અનેક વિચિત્ર નીતિનિયમ-કાનૂન તથા અનેક નામ-વાડા નિર્ધારણ કરી, અમને સૌને આપસમાં લડાવી મારીને, છેલ્લા કેટલાય યુગોથી  સમગ્ર  `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની જેલને નરકાગાર બનાવી, તેં  અને તારા કહેવાતા પ્રતિનિધિ સમાન સાધુ-સંત-ઓલિયા-ફકીરો તથા પોતાને શહેનશાહોના પણ `અમિટ શાહ` માનતા-મનાવતા સહુ કોઈએ અનેક જાતના ફાયદા ઊઠાવ્યા છે અને સામે પક્ષે તેં કે તારી સરકારે  આ જેલમાં સબડતા તારા અનન્ય વફાદાર ભક્તોના ભવિષ્યની કોઈ જ ચિંતા દેખાડી નથી.

જ્યારે, કથિત સાધુસંત-ઓલિયા-ફકીર કે પોતાને શહેનશાહોના પણ `અમિટ` શાહ`માનતા-મનાવતા માનવંતા(?) લોકોના દુષ્કાર્યોથી ત્રસ્ત જનતા દ્વારા કાર્ય-પકડ કરવામાં આવી ત્યારે જ તારી જ સરકાર અચાનક સક્રિય થઈ ગઈ હતી. આવા `અમિટ મનાતા શાહો`ને ઊગારવા દેશના સૌથી જ્ઞાની અને અત્યંત મોંઘા એવા જેષ્ઠ મલાણિયા (=મોટા પહેલવાન)  પંડિતોને રોકી અત્યંત ખર્ચાળ યજ્ઞયાગાદિ કરવામાં આવ્યા..! આ જ્ઞાની પંડિતોએ દેશની નાનામાં નાની દેરીથી લઈ દેશનાં સર્વોચ્ચ ધાર્મિક સ્થળોએ ખુદ હાજર રહી વિધિવત્ પૂજાઅર્ચના કરી તેઓને ફરીથી તમામ વિધ્નોમાંથી માત્ર  ત્રણજ  મહિનામાં મુક્ત  કરાવ્યાનાં ઉદાહરણ મોજૂદ  છે. સામે પક્ષે  અમારા પ.પૂ.બાપુ (પિતાશ્રી.) અને અન્ય  કેદી પરિવાર જ્યારે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે કોઈપણ પ્રકારના જ્ઞાની પંડિતોની સેવા પુરી પાડવાનું તું સાવ ભૂલી ગયો? એટલું જ નહીં પણ,  `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની જેલમાં સબડતા સહુ કેદીઓ સદાને માટે જેલમાં જ રહે તેવા કારસા ઘડવામાં પણ તેં કાંઈ બાકી રાખ્યું નથી..! તેમાંય શરમજનક ઘટના તો એ બની કે, અમારામાંથી કેટલાક આરોપીઓ `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની જેલમાંથી જિંદગીથી છુટકારો મેળવી (મૃત્યુ પામી) આ જેલની ચુંગલમાંથી કાયમી આરોપ મુક્ત થયા ત્યારે તેં અને તારી સરકારે તેમની મુક્તિ રદ કરાવી ફરી-ફરીને મુશ્કેલીમાં મુકતા જન્મજન્માંતરના ફેરામાં ફસાવી એની એજ, `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની આ જેલના સળિયા પાછળ ફરી એકવાર ધકેલી દીધા?

હજુ હું તારી સરકારના આવા વિશ્વાસઘાત અને દગાબાજીને સમજવાનો પ્રયાસ કરતો હતો ત્યાંજ, અહંકારથી ફાટીને ધુમાડે ગયેલી તારી સુપ્રીમ ઓથોરિટીના આદેશને પગલે, પૂર્વ જન્મના અત્યંત અમીર ઘરમાંથી વિદાય થયેલા હિંદુસ્તાની અભાગિયા મૃતજીવોને, હાલ સાવ ચીંથરેહાલ, મરવાને વાંકે જીવતા તથા ફૂડ ગેરંટી બીલની આશાએ અત્યારે તો બે ટંક માત્ર દૂષિત પાણી પીને પેટ ભરતા કોઈ ગરીબ ઘરમાં જન્મ-કેસની સુનાવણી ખસેડવામાં આવી? હું ગંભીરપણે માનું છું કે, આમ કરવા પાછળ તારા પ્રીતિપાત્ર પોતાને `અમિટ` માનતા અનેક બ્રહ્માજી જેવા શાણા `શાહો`નું જ આ કાવતરું છે, જ્યાં તેમનો એકમાત્ર હેતુ તારી સરકારમાં તેમનો એકહથ્થુ અધિકાર સ્થાપિત કરવાનો છે..! આમ કરીને આ સહુએ અમારા જેવા અનેક અબુધ કેદીઓ સાથે વિશ્વાસઘાત તો કર્યો જ, સાથે જ આ સહુ કથિત સ્વર્ગીય છતાં મરેલા એવા લાચાર મૃતાત્માઓને નિરક્ષરતા,બેકારી,કુપોષણ અને ભૂખમરાની પરિસ્થિતિમાં મૂકી દીધા. તારા `અમિટ`કહેવાતા આ જ `શાહો`, અમારા સહુની ઉપર લગાવવામાં આવેલા નિરક્ષરતા, બેકારી,કુપોષણ અને ભૂખમરાના ગંભીર કેસની સાથે-સાથે આતંકવાદ,ગુનાખોરી,અપહરણ,બળાત્કાર જેવા અનેક જીવલેણ રોગના કેસ પણ ભેળવી દેવામાં સફળ રહ્યા હતા જેથી આ મુશ્કેલીમાંથી ઉગરવાની કોઈપણ `હિંદુસ્તાની` કેદીમાં સહેજપણ ક્ષમતા બાકી ન બચે..!

આ કારણસર જ મારો તથા `હિંદુસ્તાન-ભારત-INDIA`નામની આ જેલના મારા અન્ય સહુ કેદીઓનો તારી સરકારમાંથી સંપૂર્ણ વિશ્વાસ ઊઠી ગયો છે. આ કેદખાનામાં અવતર્યો ત્યારથી હું જોઈ રહ્યો છું કે, તારા ગૃહખાતાના પુનર્જન્મ નિર્ધારણ સમિતિમાં નીમેલા `અમિટ શાહો` તેમના ખાતાનો વહીવટ ખોટી રીતે ચલાવી રહ્યા છે. મને એ કહેતાં દુઃખ થાય છે કે, તારી સરકારના બ્રહ્મા અને યમરાજના મંત્રાલયને નિષ્પક્ષ તથા અસરકારક બનાવવાને બદલે તારા અનેક `અમિટ શાહ` મંત્રીઓએ અંગ્રેજોની `ભાગલા પાડોને રાજ કરો`ની નીતિ અપનાવી છે જેમાં, આ `હિંદુસ્તાન` નામની જેલમાંથી અગાઉ મરેલા તારા ચમચાઓ એવા તમામ દુષ્ટાત્માઓ દ્વારા તને ઇરાદાપૂર્વક કાયમ ખોટી માહિતી પુરી પાડવામાં આવી છે. હાલ તેમણે એવી સ્થિતિ પેદા કરી છે કે, અહીં `હિંદુસ્તાન` જેલમાં સબડતા કોઈપણ ધર્મના કેદીઓ એકબીજા પર વિશ્વાસ કરતા નથી. આ કારણે દરેક કેદી-કેદી વચ્ચે એક મોટી ખાઈ પેદા થઈ છે. આગળ જતાં આ અવિશ્વાસના વાતાવરણે તમામ કેદીઓ વચ્ચે યાદવાસ્થળી જામી છે સાથે જ ઘણા પુન્યાત્માઓને મરણમુક્તિ કૅન્સલ કરાવીને ફરીથી આ જેલના સળિયા જ ગણવાના દિવસો જોવા પડ્યા છે. તારા યમરાજના મંત્રાલયે પોતાની નોકરીના ભાગ સ્વરૂપે માનવતા વિરુદ્ધ ત્રાસવાદ સંબંધી ગુનાઓ વિશ્વભરમાંથી શોધી કાઢ્યા હતા. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય આતંકી નેટવર્કને ઊઘાડા પાડ્યા હતા જેમાં કેટલાક નકલી સાધુસંત-ઓલિયા-ફકીર તથા દંભી `અમિટ શાહો`ની સાથે અમારા મિલન(એન્કાઉન્ટર?)ના વર્તમાન કેસોનો પણ સમાવેશ થાય છે.

હિંદુસ્તાનની સમગ્ર માનવજાત જ્યારે માનવસર્જિત ભ્રષ્ટાચાર,ધર્માંધતા તથા કુશાસન જેવી અનેક આફતોના જેહાદી આતંકથી ત્રસ્ત હતી ત્યારે તું અને તારી સરકારના ઉચ્ચસ્થાને બિરાજેલા અનેક પ્રતિનિધિઓ દરરોજ અમારા સહુ ભક્તોના સ્વપ્નમાં હાજર અચૂક થઈ, અમો ભક્તજન માનવજાતના તારણહાર છીએ તેમ અમને સમજાવતા હતા. પરંતુ, મારી અને મારા જેવા અનેક ભક્તોની ઉપયોગિતા પુરી થઈ ગઈ તથા અમો જ્યારે ઉપરોક્ત આતંક સામે એન્કાઉન્ટર કરતાં મુશ્કેલીમાં મુકાયા ત્યારે તેં કે તારી સરકારના એકપણ પ્રતિનિધિએ અમારા ખબર અંતર પૂછવાનો વિવેક પણ દાખવ્યો નથી..! તારી સરકાર તારા `વફાદાર ભક્ત સૈનિકો`ને બચાવવામાં નિષ્ફળ રહી છે, જેણે માનવજાતને ખતમ કરવા તત્પર થએલા દૂષિત આતંકવાદ સામે બાથ ભીડી હતી. આથીજ તું અને તારી સરકાર  બ્રહ્માંડ પર રાજ કરવાનો અધિકાર ગુમાવી ચૂકી છે. એવો એક દેશ જેનું નામ વિશ્વના જાણીતા સન્માનિત નેતા મહાત્મા ગાંધી સાથે સંકળાયેલું છે,તેની શાખ આજે વિશ્વમાં સાવ તળીએ જઈ બેઠી છે.

તું અને તારી સરકારના યમરાજ ક્રાઇમ બ્રાંચના સર્વ સંકલિત ડિપાર્ટમેન્ટ, માનવતાની રક્ષા કાજે અમોએ લડેલી લડાઈને `ફેક-નકલી એન્કાઉન્ટર` ગણાવી રહ્યા છે. જો તે સાચું હોય તો આવા તમામ એન્કાઉન્ટરની તપાસ કરી રહેલા તારા અધિકારીઓએ તેના નીતિનિર્માતા (એટલેકે તારી પણ?) કાર્ય-પકડ કરવી જોઈએ. કારણકે અમે સહુ ભક્તજનોએ તો માત્ર તારી સરકારના આચારસંહિતા ગ્રંથ (ગીતા-કુરાન-બાઈબલ?)માંથી પ્રેરણા,દિશાનિર્દેશ, અને દોરવણી (ઉશ્કેરણી?) હેઠળ જ તે નીતિઓ પર અમલ કર્યો હતો. આ કારણસર મારો પોતાનો મત એવો છેકે, હે ભગવાન, તું અને તારી સરકાર પણ, બ્રહ્માંડમાં વસવાને-બેસવાને બદલે, આ `હિંદુસ્તાન-ભારત-INDIA`ની જેલમાં હોવી જોઈએ.

સીધો સાદો તર્ક છે. તું અને અમો સહુ ભક્ત કેદીઓ એક જ નૌકામાં વિહાર કરનાર છે અને તારે અને અમારે હિંદુસ્તાની જેલના કેદીઓએ સાથે જ તરવાનું કે ડૂબવાનું છે. કોઈએ એકબીજાને પછાડવાનો કે એકબીજાના ભોગે તરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા ચાહું છું કે, તારી સરકાર, તારા સાધુસંત-ઓલિયા-ફકીર કે પોતાને શહેનશાહોના પણ `અમિટ શાહ` માનતા-મનાવતા માનવંતા દુષ્ટાત્મા અધિકારીઓની ગંદી રમત દ્વારા માત્ર પોતાના જ અંગત સ્વાર્થ સાધી રહી છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. બીજી તરફ આવી ગંદી રમત તારા વફાદાર ભક્તજનોને ડુબાડી રહી છે અને `હિંદુસ્તાન`ના વિશાળ કેદખાનામાં ડુબાડીને તેઓને મોતના મુખમાં ધકેલી રહી છે. મને ખાત્રી છે મારા ભગવાન કે, આવો આત્મઘાતી માર્ગ અપનાવીને  તું અને તારી સરકાર તેનો પોતાનો મૃત્યુઘંટ જ વગાડવા માટે ઉતાવળી થઈ છે..!

એક અનન્ય ભક્તજન તરીકેના અનુભવ મુજબ,આ દેશની જનતા, વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ, કાર્યદક્ષ અને સંસ્કારી મનાતી હતી. આજે એ ગૌરવાન્વિત છબી છેલ્લા ઘણા વર્ષોથી, સમગ્ર દેશભક્તો સાથે સતત થઈ રહેલા વિશ્વાસઘાતને પરિણામે તથા દેશ ``હિંદુસ્તાન`નામના વિશાળ કેદખાનાની યાતના ભોગવી રહ્યો હોવાને પરિણામે તારી તથા તારી સરકારની છબી વિશ્વમાં જ નહીં, સમગ્ર બ્રહ્માંડમાં ખરડાઈ છે અને તેનું નૈતિક અધઃપતન થયું છે.

સાતમા આસમાનમાં વિહાર કરતા તારા સંત્રી-મંત્રીઓ ભારત માતા અને માનવજાતનું ઋણ ચૂકવવાની વાત યોગ્ય રીતે જ કરી રહ્યા છે. માનવતાપ્રેમી દરેક ભક્તની એ જ પવિત્ર ફરજ છે. પરંતુ, તેમને એ વાત યાદ અપાવવી છે કે, દુષ્ટાત્માઓમાંથી દેવભૂમી તરફ આગેકૂચ કરવાની ઉતાવળમાં તેઓ એ વાત ભૂલી ન જાય કે `હિંદુસ્તાન`ના કેદખાનામાં કેદ અનેક વફાદાર ભક્તો પરત્વે પણ તેમણે ઋણ ચૂકવવાનું બાકી છે. અમારા જેવા અનન્ય હરિભક્તોને કારણે જ અન્ય દેશો કરતાં આ દેશમાં તારી તથા તારી સરકારની સમજદારી-બહાદુરીના ગુણગાન ગવાય છે. બીજા દેશોમાં કોઈ  ભગવાનને આવું માન મળ્યું નથી. મારા મતે અમને કેદખાનામાંથી મુક્ત કરાવવા તે પણ માનવતાનું ઋણ ચુકાવવાનો જ એક ભાગ છે.

હું ફરી એકવાર મારું વલણ સ્પષ્ટ કરવા ચાહું છું કે, હું અત્યાર સુધી બ્રહ્માંડના માનનીય મુખ્યાધિપતિ શ્રીભગવાન પ્રત્યે અત્યંત શ્રદ્ધા,સર્વોચ્ચ આદરને કારણે જ, હિંદુસ્તાનને આઝાદી મળી ત્યારથી આટલા લાં..બા સમય સુધી ચુપ રહ્યો છું. હે ભગવાન, તને હું ભગવાનની જેમ માનતો હતો પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, તારા યમરાજ ડિપાર્ટમેન્ટના સર્વેસર્વા `અમિટ` માનતા-મનાવતા અનેક દુષ્ટાત્મા `શહેન-શાહો`ના દુષ્પ્રભાવમાં આવી જઈને મારા ભગવાન તેમનું એ સ્તર જાળવી શક્યા નથી..! આ દુષ્ટાત્મા `અમિટ-શાહો` મારા ભગવાનનાં આંખ અને કાન બની ગયા છે અને અમારા જેવા ગમે તે વફાદાર ભક્તને બલીનો બકરો બનાવીને છેલ્લા અનેક યુગોથી ભગવાનને સફળતાપૂર્વક ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ દુષ્ટાત્માઓનો કાળો પડછાયો મારા ભગવાનના વહીવટીતંત્ર પર એટલો મજબૂત છે કે, `હિંદુસ્તાન`નામના કેદખાનામાં તેમનો જ પડ્યો બોલ ઝીલાય  છે. આ `અમિટ-શાહો` દ્વારા `હિંદુસ્તાન`ના કેદખાનામાં સબડતા ભક્ત કેદીઓમાંથી કોને બચાવવા (સ્વર્ગવાસી કરવા?) અને કોને સપડાવવા (નર્કવાસી કરવા?) તેની યુક્તિ પ્રયુક્તિને કારણે તારી સરકાર આજે નહીં તો પણ કાલે, હે ભગવાન તારી જ કબર ખોદી રહી છે.

મને લાગે છે ઉપર દર્શાવેલા સંજોગો જોતાં, મારી ઇચ્છા ન હોવા છતાં, મારે મારા હિતોનું રક્ષણ તથા મારી મુક્તિનો માર્ગ મારે જાતે જ કંડારવો કરવો પડશે. એટલું જરૂર કહીશ કે,હે ભગવાન, તારી સરકાર  ફક્ત બોલવામાં જ શૂરવીર, કર્તવ્યમાં કાયર તથા કૃપા વરસાવવામાં સાવ નપુંસક(નપાણિયાં), કરોડરજ્જુ વગરની હોવાથી, મારી નિષ્ઠા,વિશ્વાસ અને વફાદારી સાવ ગુમાવી ચૂકી છે અને એટલે જ તારા ભક્તપદે સેવારત રહેવાનું કોઈ કારણ રહેતું નથી..!

હું તો મારા દેશ,`હિંદુસ્તાન` પ્રત્યેના પ્રેમને ખાતર આટલા વર્ષોથી આ વિશાળ કેદખાનામાં મારા જીવનના તમામ શ્વાસોશ્વાસનું નિરંતર બલિદાન આપી રહ્યો છું અને આ દેશપ્રેમને કારણે જ, મારા માનવ-દેહથી  નિવૃત્ત થયા બાદ મને સ્વર્ગના(?) મળનારા તમામ લાભો સ્વૈચ્છિક રીતે છોડીને, મોટું બલિદાન આપવા તૈયાર થઈ ગયો છું.

આ છેલ્લી નોંધ સાથે, હું તારા સમગ્ર તને તારી સરકારને તથા બ્રહ્માંડને `ગૂડબાય`કરી રહ્યો છું. જોકે, હું મારી માતૃભૂમિ, `હિંદુસ્તાન`ના આ કેદખાનાના એક સભ્ય-કેદી  હોવાનો મને અત્યંત ગર્વ અને આનંદ છે..!
 
તમારો આભાર..!
 
વણઝારની જેમ આમતેમ રઝળતો,
એક હતાશ નિરાધાર કેદી નંબર-XYZ...!
 
તા.ક. હે ભગવાન? આ લાં..બા પત્રને તારે બ્લૅકમેઈલ તરીકે માનવો હોય તો તું તેમ જ માનજે..!
===

આળવીતરું-
" દેશની દારુણ દુર્દશા જોઈને સાલું,`GOD` ને `GOD` માનવા મન નથી માનતું ત્યાં, કેટલાક અલ્પમતિ લોકો, કાળા માથાના માણસને  `GOD(`S)  FATHER` શું કામ માની લેતા હશે..!

માર્કંડ દવે.તાઃ૦૬-૦૯-૨૦૧૩.




Saturday, May 11, 2013

ધરા-ધરી-નારી વિણ અધૂરી જિંદગાની.


ધરા-ધરી-નારી વિણ અધૂરી જિંદગાની.

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता  ।
यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला क्रिया ।।

અર્થાત્- જ્યાં નારીને પૂજા સમાન સન્માનવામાં આવે છે ત્યાં હંમેશાં દેવો નિવાસ કરે છે. જ્યાં તેમનું સન્માન નથી કરવામાં આવતું ત્યાં અન્ય સઘળી ક્રિયા વિફલ થઈ જાય છે. - મનુસ્મૃતિ.

પ્રિય મિત્રો, સાચું કહેજો, સવારે આંખ ખોલતાની સાથે ઘણા બધા પાઠક મિત્રોને પહેલાં શેની યાદ આવે? ઇગ્ઝેક્ટલી..! ચ્હા-કૉફી વગેરે..વગેરે..સ્ફૂર્તિદાયક પેયની, ખરું..ને? હવે એ જણાવો કે, જેઓને જાતે ચ્હા,કૉફી બનાવતાં ન આવડતું હોય અથવા સવાર-સવારમાં, ઊઠતાં સાથે પલંગમાં `બેડ ટી-Bed Tea` (કેપછી, Bad Tea?) ગટગટાવવાની પ્રબળ ઇચ્છા જાગે ત્યારે, તેમનો પહેલો સાદ, અત્યંત સ્ફૂર્તિથી, વિવિધ સ્વરૂપે, ઘરમાં આમતેમ ભાગદોડ કરતા, `નારી` નામના માનવ પ્રાણીના નામનો જ હોય..! ગરમાગરમ ચ્હા, કૉફી પીને પોતાના આખા દિવસને સુધારવાની ખેવના રાખનાર વ્યક્તિ પાસેથી, અત્યંત વહાલથી તૈયાર રાખેલી ચ્હા, કૉફીને છેક પથારી સુધી પહોંચાડનાર આ મહાશક્તિ નારી, દિવસ દરમિયાન સહુની પાસેથી શેની આશા-અપેક્ષા રાખે..! બિલકુલ બરાબર જવાબ છે, પ્રશંસાના બે શબ્દની. (આપે,આજે કરી?) 

જોકે,મને તો ઘણી વાર અનહદ આશ્ચર્ય થાય છે..! આટલી ઘર-કુટુંબ-સમાજ સમર્પિત નારી અંગે ચાણક્યએ શીદને ઘસાતા શબ્દ કહ્યા હશે..! શીદને, આશરે ત્રણહજાર વર્ષ પહેલાં, શ્રીતુલસીદાસજીએ રામાયણમાં નારીને પશુ સાથે સરખાવી `સબ હૈ તાડન કે અધિકારી` ગણી હશે..! કદાચ, સંત વચનના ગૂઢાર્થ આપણે પામી શકતા નથી તેથી અનેક ભ્રમ-વિવાદ ઉત્પન્ન થાય છે તે નિશ્ચિત છે. જેતે સમયકાળમાં, પુરુષપ્રધાન સમાજના અખંડ-પ્રચંડ આધિપત્યના પ્રભાવની અસર અનેક ટીકાકારોના વિચારો પર પડી હોય તે સંભવ છે. આખરે તો, તેઓ વિદ્વાન હોવા સાથે, માનવ સહજ નિર્બળતાઓના શિકાર પણ થયા હશે અથવા એક પ્રબળ શક્યતા એવી પણ છેકે, કાલાંતરે મૂળ રચના સાથે નિર્મમ ચેડાં થયાં હશે? જોકે, સંત કબીરજીના બોધવચન પ્રમાણે તો, 

जीवत  मिरतक  हो  रही, तन  मन  सेती  नेह ।
कहें  कबीर  ता  नारि  की, हम  चरनन  की  खेह ।।

અર્થાત્-આપણા જીવનના અભિન્ન અંગ સમાન નારી, જે ચૈતન્ય સ્વરૂપે પોતાના તન-મનની હયાતીમાં, પ્રેમ-સેવા-સમર્પણ દ્વારા જીવનમુક્તિને પ્રાપ્ત કરી ચૂકી છે તે નારીના ચરણોની આપણે સહુ ધૂળ-રજ સમાન છીએ. 

મિત્રો, એક આંતરરાષ્ટ્રિય સર્વે પ્રમાણે, વિશ્વના વિકાસશીલ દેશોની મહિલાઓના મુકાબલે, ભારતની ૮૨% મહિલાઓ પાસે પૂરતો આરામ કરવાનો સમય નથી તથા ૮૭% જેટલી મહિલાઓ તો ૨૪ કલાક ભય અને માનસિક તાણમાં જીવે છે. સ્વાભાવીક છે, આ કારણસર ભારતની મહિલાઓનું સ્વાસ્થ્ય, પુરુષોના મુકાબલે, વધારે ચિંતાજનક હદે પહોંચી ગયું છે. આમ પણ પુરુષ વર્ગ કરતાં નારીની ધીરજની કસોટી પ્રત્યેક ક્ષણ થતી હોય છે. આજની નારી ઘર,ઑફિસ,ખરીદી તથા સમાજની જવાબદારી નિભાવીને સાંજ પડે થાકી જાય પણ, સવાર થતાંજ તે પોતાની નવી અસીમ ઊર્જા અર્ચિત કરીને કામે  લાગે છે. તેથીજ તેને શક્તિ સ્વરૂપ માનવામાં આવે છે. આજના યુગમાં હવે નારી જ્યારે, મહાશક્તિ સ્વરૂપે જીવનના દરેક પાસાંઓ તથા ક્ષેત્રમાં પુરુષ સમોવડી સ્થાપિત થઈ ચૂકી છે ત્યારે, દરેક બાબત,`બાલ કી ખાલ કાઢનારા`, વિવેચક-ટીકાકારોના વ્યર્થ નારી વિરોધી વિચાર-તર્ક સાથે અનેક વિદ્વાન પાઠક મિત્રો સહમત ન જ થઈ શકે, તે બાબત પણ સ્પષ્ટ છે. 

ધરા-ધરી-ધુરા-નારી વિણ અધૂરી જિંદગાની.

જુઓને, આપણે પૃથ્વીને પણ અત્યંત લાડમાં ધરા અથવા ધરતીમાતા કહીએ છીએને..! સાથેજ, એ પણ માનીએ છે કે,પૃથ્વી પોતાની કલ્પિત ધરી પર,સહેજપણ થાક્યા વગર અવિરત ભ્રમણ કરી, આપણને મધુર રાત્રિની શાંત નીંદરની તક પૂરી પાડી, સહુનો દિવસભરનો થાક હણી લે છે. અત્રે, ધરી એટલેકે આધાર અને ધુરા એટલે એક જવાબદાર આગેવાનીના ગુણ જેનામાં સમાવિષ્ટ છે તેવી, નારી વિના પુરુષની જિંદગી સાવ અધૂરી હોય છે. આ ધરા પર નર પ્રાણીના કલ્યાણાર્થે, તેના જીવનરથની ધરી બની, જીવનના અંત સુધી, ધુરા (આગેવાની) સંભાળવા માટે જ ઈશ્વરે નારીનું સર્જન કર્યું હશે..! એવી કેટલીય પૌરાણિક કથાઓ છે જે પ્રમાણે,પ્રેમ તથા સેવાના પ્રતીક સમી નારીનો ખોળો ખૂંદવા સાક્ષાત્ ઈશ્વર પણ આતુર હોય તેમ વર્ણન કરવામાં આવ્યું છે. 

એક પ્રમાણ તો આ રહ્યું. પ્રાચીન  સપ્તર્ષિમાંના એક ઋષિ અત્રિનાં પત્ની મહાસતી અનસૂયાના સતીત્વની પરીક્ષા કરવા ઋષિના આશ્રમમાં, ત્રિદેવ-બ્રહ્મા,વિષ્ણુ,મહેશ, બ્રાહ્મણ યાચકનું રૂપ ધરી ભિક્ષાર્થે આવ્યા.જોકે, ભિક્ષા સ્વીકારતા અગાઉ ત્રણે દેવોએ શરત મૂકી કે, મહાસતી જો વસ્ત્રવિહીન અવસ્થામાં ભિક્ષા પ્રદાન કરે તોજ ભિક્ષા સ્વીકારશે અન્યથા ખાલી હાથે તેઓ પરત થશે. પોતાનો અતિથિ ધર્મ જાળવવા કાજે, મહાસતીએ પોતાના તપના બળે ત્રણે દેવોને સાવ નાના બાળ સ્વરૂપ બનાવી દીધા અને બાદમાં, એક માતા પોતાના સાવ નાના બાળક પાસે સંકોચ ન કરે તેમ, વસ્ત્રવિહીન અવસ્થામાં ત્રણે શિશુને ભિક્ષા પ્રદાન કરી. અનસૂયાનો એક અર્થ ઈર્ષા-દ્વેષવિહીન થાય છે આથી દેવી સરસ્વતીજી, લક્ષ્મીજી અને પાર્વતીજી દ્વારા, મહાસતી અનસૂયાજીની ક્ષમાયાચનાસહ પ્રાર્થના કરતાં ત્રિદેવોને ફરીથી મૂળ સ્વરૂપ આપ્યું. જોકે, સતીત્વની કસોટીમાંથી સફળતાપૂર્વક પસાર થવાને કારણે, સતી અનસૂયાજીને ત્રણે દેવોએ પ્રસન્ન થઈ ત્રણ પુત્રનું વરદાન આપ્યું.જે પુત્રો કાલાંતરે શ્રીદત્તાત્રેય(વિષ્ણુ), શ્રીચંન્દ્રાત્રિ (બ્રહ્મા) અને શ્રીકૃષ્ણાત્રિ (શિવ) તરીકે ઓળખાયા.આમ ઈશ્વરને પણ પૃથ્વી પર આવવાનું મન કરે, મહાસતીનો ખોળો ખૂંદવાનું મન કરે તે સામર્થ્ય જેનામાં છે તે મહાશક્તિ નારી છે. 

જોકે,કેટલાક વિવેચક(?) નારીને `અબળા-સબળા-પુરુષ સમોવડી` જેવા વિશેષણથી જ્યારે નવાજતા હોય છે ત્યારે, ઘણા પ્રબુદ્ધ વિદ્વાન મિત્રોએ હસવું કે રડવું તે જ તેઓને સમજાતું નથી..! કારણકે, જેમ પુરુષમાં તેની ખામીઓ-ખૂબીઓ છે તેમ, નારીને પણ તેમની ખામી કે ખૂબી સાથે સ્વીકારીને, નારીના અસ્તિત્વને જેમ છે તેમ અવસ્થામાં સન્માનવું તેજ જીવનદર્શનનો સાચો માર્ગ છે. આપણા સુપ્રસિદ્ધ કવિવર શ્રીસુંદરમજીના મતાનુસાર," મનુષ્યમાં જો દિવ્યતા ન સુતેલી હોત તો એના જેવો પાજી જીવ આ પૃથ્વી ઉપર શોધવાનું મુશ્કેલ બની રહેત." આપણે એનાથી એક ડગલું આગળ વધીને, એમ ચોક્કસ કહી શકીએકે," નરના મુકાબલે, નારીમાં આ દિવ્યતા સદૈવ જાગૃત હોય છે..!"

એક યુવા મિત્રએ, મને કહ્યું,"મારા ઘરમાં, મારા મમ્મી-પપ્પાના લાં..બા, લાં..બા ઝઘડા જોઈને, હું તો પરણવાનું જ માંડી વાળવાનો છું." મેં તેને સલાહ આપી," મિત્ર, તારે લાં..બું જીવવું છે?" તે થોડો મૂંઝાયો," કેમ..!" મેં કહ્યું," જો ભાઈ, કુંવારા કરતાં, પરણેલા પુરુષ વધારે લાંબું આયુષ્ય ભોગવે છે." (જોકે, લગ્નના અનુભવ બાદ, ઘણા પરિણીત પુરુષ, લાંબુ જીવન જીવવા રાજી હોતા નથી, તે સાચી વાત છે?) સાચી વાત તો એ છેકે, સ્ત્રી-પુરુષ વચ્ચે ઝઘડા થાય જ નહીં જો, ૧.તમામ સ્થળે,સ્ત્રીઓને આદર આપવામાં આવે. ૨.નારીને એક ગુલામ કે,ઘરમાં વગર પગારની બાઈ સમજવાનું બંધ કરવામાં આવે. ૩.નારી પરત્વે શુદ્ધ પ્રેમ તથા સાચી પ્રશંસા વ્યક્ત કરવાની તક જતી ન કરાય.  ૪. મિલિટરીમેન જેવો કડક સ્વભાવ ત્યજી, નારી સાથે બૉસપણું  ન કરવામાં આવે.

જોકે, એમ માનવામાં આવે છેકે, ઓગણીસમી સદીમાં નારીને, કેવળ એક ઉપભોક્તા તરીકે નિહાળીને, લે-વેચની વસ્તુ માનવામાં આવતી હતી. તે બાબતે. વિશ્વભરની કેટલીક જાગૃત,સાહસિક નારીઓએ વિરોધ કર્યો અને નારી સન્માનને સુપેરે સ્થાપિત કરવા, `વિશ્વ મહિલા દિવસ` મનાવવાનો ખ્યાલ તે  કારણે જ ઉદ્ભવ્યો.

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ.

મિત્રો, વિશ્વના સૃજનકર્તાનું અણમોલ સર્જન એટલે નારી. માતા-બહેન-પુત્રી-મિત્ર-પ્રિયા ઉપરાંત, કેટલાક નામ વગરના સ્નેહ સંબંધને સાચવીને નિભાવી જાણે, તેનું નામ છે નારી. વસંતે વધામણી સ્વરૂપ અને પાનખરમાં સધિયારા સ્વરૂપ, તેનું નામ છે નારી. જગતભરના `નર`ને જગન્નિયંતા નારાયણનું અણમોલ નજરાણું, તેનું નામ છે નારી. કદાચ આથીજ, નારી શક્તિના વિવિધ સ્વરૂપે પ્રગટ થયેલ અણમોલ પ્રેમ, સરલતા, સેવા, સમર્પણ, સહનશીલતા, દયા, કારુણ્ય, ક્ષમા, સરલતા, મિત્રતા જેવા, અનેક સદ્ગુણોને તથા નારીના અસ્તિત્વને-મહત્વને સન્માનવા કાજે, સમગ્ર વિશ્વમાં દર વર્ષના, માર્ચ માસની આઠમી તારીખે `આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ-INTERNATIONAL WOMEN`S DAY`ની ધામધૂમથી ઉજવણી કરી, સ્ત્રી શક્તિને બિરદાવવામાં આવે છે. 

ઐતિહાસિક તથ્યો અનુસાર,પ્રાચીન ગ્રીસમાં, ફ્રેંચ ક્રાંતિ દરમિયાન યુદ્ધ સમાપ્તિની માગણી સાથે સામાન્ય ગૃહિણીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. બાદમાં, તારીખ-૨૮ માર્ચ સન-૧૯૦૯માં `સૉશિયલિસ્ટ પાર્ટી ઑફ અમેરિકા` દ્વારા સમગ્ર અમેરિકામાં મહિલાઓના સન્માન દિનનો વિચાર વહેતો થયો. જ્યારે,વિશ્વમાં સર્વપ્રથમ રાષ્ટ્રિય મહિલા સંમેલનનું આયોજન, સન-૧૯૧૦માં ડેન્માર્કના કૉપનહેગનમાં કરવામાં આવ્યું. સન-૧૯૧૭માં રશિયાની જાલિમ રાજાશાહી સામે જબરદસ્ત લોકક્રાંતિનાં મંડાણ થયાં અને અનેક ચળવળકારી મહિલા ક્રાંતિની આગેવાની સંભાળી લીધી. વિશ્વમાં મહિલા જાગૃતિનું આ ક્રાંતિને પણ એક મહત્વનું કારણ માનવામાં આવે છે.(Wikki.) 

જોકે, ત્યારબાદ તો દેશ,જાતિ,ભાષા,રાજનીતિ કે સાંસ્કૃતિક ભેદભાવ વિના,એક સાથે હળીમળીને પ્રત્યેક વર્ષના માર્ચ માસની આઠમી તારીખે, સમગ્ર વિશ્વની મહિલાઓ `આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ`મનાવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ, મહિલાઓને સમાન અધિકાર તથા તેમના હક્ક તથા સલામતીને કાજે કેટલીક નીતિઓ તથા માપદંડ નક્કી કર્યા છે. જે મુજબ, વિશ્વમાં કોઈપણ સમાજમાં ઉદ્ભવેલી સામાજિક,આર્થિક અને રાજનૈતિક સમસ્યાઓના ઉકેલમાં મહિલાઓની ભાગીદારી અતિ આવશ્યક છે.

આપણું ભારતીય બંધારણ પણ સાર્વભૌમત્વ, સમાજવાદ અને બિનસાંપ્રદાયિક સિદ્ધાંતોથી બંધાયેલું છે. આપણા દેશમાં કાયદા દ્વારા, દીકરી-દીકરાનો ભેદ અમાન્ય ગણીને, ભૃણ હત્યા વિરુદ્ધ કડક કાયદા કરવા ઉપરાંત, સ્થાવર-જંગમ મિલકતમાં પણ, મહિલાઓને સમાન હક્ક સાથે રક્ષણ આપવામાં આવ્યું છે. સમાજમાં શારીરિક, માનસિક, મૌખિક, જાતીય, આર્થિક, સાંસ્કૃતિક અથવા કૌટુંબિક સતામણી સામે, મહિલાઓની સુરક્ષા માટે `પ્રોટેક્શન ઑફ વિમેન ફ્રોમ ધ ડૉમેસ્ટિક વાયલંસ એક્ટ-૨૦૦૫` ઘડવામાં આવ્યો હતો. જેમાં, તાજેતરમાં દિલ્હીમાં બનેલા ઘૃણિત બનાવ,`દામિની બલાત્કાર કેસ` બાદ બળાત્કારીઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં ભભૂકી ઊઠેલા રોષને કારણે, કેન્દ્ર સરકારે સંવેદનશીલતા દાખવીને, જુના એક્ટની ખામીઓ દૂર કરી, તે કાયદો વધારે કડક બનાવવા માટે મજબૂર થવું પડ્યું, તે બાબત સમગ્ર સમાજ માટે આવકારદાયક કદમ છે. આમ પણ આપણા દેશના બંધારણમાં અનુચ્છેદ ૧૪-૧૮ પ્રમાણે સ્ત્રી-પુરુષ સર્વને સમાન હક્ક-અધિકારની ભાવના પ્રગટ કરીને, જૂની અપભ્રંશિત પૌરાણિક સાહિત્યમાં વર્ણવેલી અનેક માન્યતાઓનો છેદ મૂળમાંથી જ ઉખાડી નાંખવામાં આવ્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૫(૧) તથા ૧૫(૨) પ્રમાણે ઘર્મ,મૂળ,વંશ,જાતિ,જન્મ, સ્થાન,લિંગ (સ્ત્રી-પુરુષ)ના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ અમાન્ય રાખવામાં આવ્યો છે.એટલુંજ નહીં, તેમાં અનુચ્છેદ ૧૫(૩) મુજબ જે રાજ્યોમાં પરંપરા,રિવાજના નામે સ્ત્રીઓની સતામણી, બાલવિવાહ, વિધવાવિવાહ, દહેજ વગેરે અત્યાચારનું પ્રમાણ વધારે હોય ત્યાં સ્ત્રીઓનું શોષણ થતું અટકાવવા માટે વિશેષ પ્રબંધ તથા અતિરિક્ત કડક કાયદા દ્વારા સ્ત્રીઓને વિશેષાધિકાર સ્થાપિત કરવા ભલામણ કરવામાં આવી હોવા છતાં, દુઃખની બાબત એ છેકે, જ્યારે સન-૧૯૯૬માં બંધારણની ૭૩-૭૪મી કલમમાં સુધારો કરીને, દેશની પંચાયત-નગરપાલિકામાં મહિલાઓને ૩૩% અને ત્યારબાદ ૫૦% અનામત નિશ્ચિત કરવામાં આવી હતી તે સમયે જ,ચૂંટાયેલી સંયુક્ત મોરચા સરકાર દ્વારા, વિધાનસભા-સંસદમાં મહિલા અનામત બીલનો મુસદ્દો પણ ઘડવામાં આવ્યો હતો.પરંતુ, હવે જાણે, `જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે` કહેવતને ખોટી સાબિત કરવાનું સહુને ઝનૂન ઊપડ્યું હોય તેમ, આજદિન સુધી, પુરુષ આધિપત્ય ધરાવતી સંસદના દરેક સત્રમાં, એક યા બીજા બહાને, આ મુસદ્દાને અધ્ધર લટકતો રાખવામાં કેટલાક નારી વિરોધી તત્વ વારંવાર સફળ થયા કરે છે, તે આપણી લોકશાહી માટે એક સહુથી મોટું કલંક છે. આ સહુ સત્તાના રખેવાળ ઇરાદાપૂર્વક તે બાબત વીસરી ગયા છેકે, જો પૂ.કસ્તુરબાની હુંફ, પ્રેમ,સમર્પણ અને કુનેહ,પૂજ્ય.ગાંધી બાપુ સાથે ન હોત તો, આજે મહિલાનું સ્વમાન-સન્માન ઘવાય તેમ, એલફેલ બકવાસ કરતા, આવા કેટલાક તુંડમિજાજી સાંસદો સંસદમાં બિરાજમાન ન થયા હોત..! 

" Woman is the companion of man,gifted with equal mental capacity." Mahatma Gandhi.

જોકે,આ સાંસદોની આવી મહિલા વિરોધી માનસિકતા એ ખરેખર તો, કેવળ, પૂ.કસ્તુરબા જ નહીં પણ, દેશની આઝાદીમાં તનમનધન સમર્પિત કરીને,પોતાની જાન પણ ન્યોછાવર કરનાર પ્રત્યેક બહાદુર દેશભક્ત સન્નારીના અપમાન સમાન ગણી શકાય..! કદાચ, મહિલાઓ પરત્વે, આવા વિકૃત માનસ ધરાવનારાઓ  કહેવાતા રાજનેતાઓને નિહાળ્યા બાદ, આપણા એક પ્રાચીન કવિએ અકળાઈને કહ્યું હશેકે,

"જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં, શૂર,
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર."

ભારતમાં મહિલા દિવસની ઉજવણી.

આમતો, ભારતમાં પણ મહિલા દિવસની ઉજવણીની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે. સમાજમાં સેવા, શૂરવીરતા, રાજનીતિ, સંગીત, ફિલ્મ, સાહિત્ય, શિક્ષણ જેવા ક્ષેત્રમાં સમાજોત્થાનના અનેરા કાર્યો માટે મહિલાઓને સન્માનિત કરનારા અનેક કાર્યક્રમ, મહિલાઓ માટે જ્ઞાનવર્ધન શિબિર તથા જરૂરિયાતમંદ ગરીબ મહિલાઓને આર્થિક સહાય-મેળાનું આયોજન આ દિવસે કરવામાં આવે છે. આઝાદીના લગભગ ૬૦ દસક બાદ સરકારી-અર્ધસરકારી તથા અનેક સ્વૈચ્છિક એન.જી.ઓ. દ્વારા સતત સંનિષ્ઠ પ્રયત્નને કારણે, આધુનિક ભારતીય મહિલાઓએ લશ્કર, ઍરફોર્સ, પોલીસ, આઈ.ટી, ઍન્જિનિયરીંગ, તબીબી સેવા તથા શિક્ષણ જેવા મહત્વનાં ક્ષેત્રોમાં પણ નામના મેળવી હોવાના અનેક ઉદાહરણ સમાજમાં મોજૂદ છે. કદાચ, આજ કારણસર, હવે માતા-પિતા, દીકરા-દીકરીના લિંગ ભેદભાવમાંથી ધીરે-ધીરે મુક્ત થઈ રહ્યા છે. યુ.કે.ના સુપ્રસિદ્ધ વાર્તાકાર મિ.જૉસેફ કીપ્લીંગના (૧૮૬૫-૧૯૩૬) મતાનુસાર," નારીમાં નર કરતાં છઠ્ઠી ઈન્દ્રિય વધારે જાગ્રત હોવાને કારણે, નારીનાં અનુમાન, નર કરતાં વધારે સચોટ હોય છે." આપણા દેશની આવીજ કેટલીક સચોટ જાગ્રત છઠ્ઠી ઈન્દ્રિય ધરાવતી મહિલાઓએ સર કરેલાં શિખરોનાં આ રહ્યાં સચોટ ઉદાહરણ. * પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ- સુશ્રીકંચન ચૌધરી ભટ્ટાચાર્ય. * પ્રથમ મહિલા બૅરિસ્ટર- કોર્નલિઆ સોરાબજી * પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ ઑફ હાઈકોર્ટ- સુશ્રીલૈલા શેઠ * પ્રથમ મહિલા ઍર માર્શલ- સુશ્રી પી.બંદોપાધ્યાય * પ્રેસિડન્ટ ઑફ યુ.એન. જનરલ એસેમ્બલી- સુશ્રીવિજયાલક્ષ્મી પંડિત * પ્રથમ મહિલા તબીબ- સુશ્રીકાબંબીની ગાંગુલી * પ્રથમ મહિલા ઍરલાઈન પાયલટ-સુશ્રીદુર્ગા બેનરજી * પ્રથમ મહિલા મૂખ્યમંત્રી- સુશ્રીસુચેતા કૃપલાની (U.P.) * પ્રથમ મહિલા ગવર્નર- સુશ્રીસરોજીની નાયડુ (U.P.) * પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ-સુશ્રીપ્રતિભા પાટીલ * પ્રથમ મહિલા લોકસભા સ્પીકર- સુશ્રીમીરા કુમાર * માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા- સુશ્રીબચેન્દ્રી પાલ * પ્રથમ મહિલા પાયલટ- હરિતા કૌર દેઑલ * પ્રથમ મહિલા આઈ.એસ ઑફિસર-અન્ના રાજન જ્યોર્જ.   

આ ઉપરાંત, પ્રથમ મહિલા આઈ.એસ ઑફિસર કિરણ બેદીજી, સુશ્રીલતામંગેશકર, સ્વ.ઇંદિરા ગાંધી, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, સ્પેસ ભ્રમણ કરનાર સુશ્રીકલ્પના ચાવલા તથા વિદેશથી ભારતમાં આવીને અહીંના સમાજમાં દુધમાં સાકરની જેમ ભળી જઈ, દીનદુઃખીનાં આંસુ લૂછનાર આદરણીય નૉબલ પ્રાઈસ વિનર સ્વ.મધર ટૅરેસા તથા પોંડિચેરીના `ડિવાઈન મધર`, (પૂ.માતાજી) ને કેમ ભૂલાય..!

ગુજરાતમાં મહિલા સશક્તિકરણ.

"The fastest way to change society is to mobilize the women of the world."
CHARLES HABIB MALIK. (Lebanese philosopher and diplomat.)

ગુજરાતના ઉચ્ચ સંસ્કાર પ્રમાણે આદિકાલથી, સમગ્ર ગુજરાતી સમાજ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ હોવાને કારણે, અલગ ગુજરાત રાજ્યની સ્થાપના બાદ, સત્તા સ્થાને આવેલી દરેક સરકાર દ્વારા, ગુજરાતની મહિલાઓના કલ્યાણ અર્થે, અમલમાં મૂકાયેલા અનેક સફળ કાર્યક્રમોને કારણે, આજે આખા દેશમાં ગુજરાતી નારીનો પણ દરેક ક્ષેત્રમાં દબદબો જોવા મળે છે. ઉપર દર્શાવેલા મિ.ચાર્લ્સના કથનને, ચોથીવાર ગુજરાતના મૂખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા આપણા દીર્ઘદૃષ્ટા, શ્રીનરેન્દ્ર મોદીજીએ પણ આત્મસાત્ કર્યું છે. જે તેઓશ્રીના જાહેર વક્તવ્યમાં આપણને અવારનવાર સાંભળવા મળે છે.

સમાજમાં આર્થિક અને સામાજિક રીતે નબળી મહિલાઓના સર્વાંગી વિકાસના શુભ આશયથી તથા રાજયની મહિલાઓ સ્વાવલંબી બનીને પોતાના કુટુંબના આર્થિક વિકાસમાં સહયોગી બની શકે તે હેતુથી, માર્ચ ૧૯૮૧માં ભારતીય કંપની ધારા ૧૯૫૬, હેઠળ ગુજરાત `મહિલા આર્થિક વિકાસ નિગમ`ની રચના કરવામાં આવી છે.આ નિગમ દ્વારા મહિલાઓને રોજગારલક્ષી, વ્યાપારલક્ષી અને ગૃહઉદ્યોગલક્ષી તકનીકી તાલીમ પૂરી પાડવામાં આવે છે. તાલીમ બાદ આ મહિલાઓને, ઉદ્યોગ, ધંધો કે વ્યવસાય શરૂ કરવા, આર્થિક સહાય માટે નેશનલ બેંકો સાથે સંપર્ક કરાવી આપવામાં આવે છે.

૧. ઘરદિવડા યોજના હેઠળ, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા નિયત કરેલ ૨૧૮ પ્રવૃતિઓની બેંકની લોન માટે, રાષ્ટ્રીયકૃત બેંકોને મહિલાઓને રૂ.૫૦,૦૦૦/- સુધીની લોન સહાય કરવા માટે ભલામણ કરવામાં આવે છે. આ યોજના હેઠળ ધંધા માટે વિપુલ માત્રામાં સબસિડી પણ આપવામાં આવે છે. ૨. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવતી શોષિત મહિલાઓનું વ્યવસાયિ પુનર્વસન થાય તે કાજે, નામદાર સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર, દેહ વિક્રય સાથે સંકળાયેલ મહિલાઓને `વ્યવસાયિ પુનર્વસન યોજના` અંતર્ગત, તે મહિલા સાથે કુટુંબના અન્ય સભ્યોને પણ આવરી લઈ, વિવિધ પ્રકારની વ્યવસાયિ અને કૌશલ્ય વિકાસલક્ષી તાલીમ અપાય છે. ૩. પ્રદર્શન સહ-વેચાણ- કુટીર, ગૃહઉદ્યોગ તેમજ અન્ય સ્વરોજગારલક્ષી પ્રવૃતિઓ કરતી ગ્રામ્ય અને શહેરી મહિલાઓની ઉત્પાદિત વસ્તુઓને યોગ્ય બજાર પુરુ પાડવા, રાજય તેમજ રાજય બહાર યોજાતા પ્રદર્શનમાં તેઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે વિના મૂલ્ય સ્ટૉલ ફાળવવામાં આવે છે.રાજય સરકાર દ્વારા દર વર્ષે રાજય સ્તરે એક તેમજ મોટા શહેરોમાં ચાર પ્રદર્શનસહ વેચાણ કાર્યકમો યોજાય છે. ૪. સામાન્ય તાલીમ અંતર્ગત ગરીબી રેખા હેઠળની ૧૮ થી ૩૫ વર્ષની વયની જરૂરીયાતમંદ મહિલાઓને પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃતિઓ માટે કૈાશલ્ય વિકાસની તાલીમ અપાય છે. ઉપરાંત,પ્રોત્સાહનરૂપે માસિક રૂા.૨૫૦ સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવે છે. ૫. મહિલા સશકિતકરણ કેન્દ્ર - રાજયની મહિલાઓના આર્થિક અને વ્યવસાયિ વિકાસલક્ષી પ્રવૃતિઓ એક સ્થળેથી થઈ શકે તેમાટે, મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા, અમદાવાદ,પાલડી ખાતે મહિલા સશકિતકરણ કેન્દ્ર ભવનનું નિર્માણ  કરી, આ કેન્દ્ર અંતર્ગત મહિલાઓના આર્થિક સશકિતકરણની સાથે-સાથે કાઉન્સલીંગ, તાલીમ, પ્લેસમેન્ટ, ડોકયુમેન્ટેશન જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. મહિલા સશકિતકરણ ભવનના બાંધકામ માટે બજેટમાં રૂા.૧૦૦.૦૦ લાખની જોગવાઈ કરાઈ છે.

આ ઉપરાંત, ગુજરાત સરકાર મહિલાઓ માટે મોબાઈલ હેલ્પલાઈન સહાયતા, આપાત મદદ બચાવ ટર્મિનલ, વધુ ૩૫૦૦ મહિલા પોલીસ કર્મીઓની ભરતી, દરેક જીલ્લામાં એક મહિલા પોલિસ સ્ટેશન સ્થાપીને મહિલાઓને ત્વરીત સુરક્ષા પ્રદાન કરવા કટિબદ્ધ છે. આથીજ, સમગ્ર દેશમાં મહિલાઓ સૌથી વધુ સુરક્ષિત ક્યાંય હોય તો તે ગુજરાતમાં છે. મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરી ડામવા માટે, ગુજરાત સરકારે ત્રિપાંખિયો વ્યૂહ અપનાવ્યો હોવાથી તથા ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં એક પણ દિવસ કર્ફ્યૂ નાંખવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ ન હોવાને કારણે, ગુજરાતમાં સમગ્રતયા શાંતિપૂર્ણ વાતાવરણે ગુજરાતને માટે વિકાસનાં દ્વાર ખોલી, દેશ-વિદેશના અનેક મોટા ઔદ્યોગિક ગૃહોને નવા મૂડી રોકાણાર્થે આકર્ષ્યા છે.

મિત્રો, ગુજરાતની કેટલીક નોંધપાત્ર સફળ સન્માનનીય મહિલાઓના ઉલ્લેખ વિના આપણો આ લેખ અધૂરો ગણાશે. આ રહ્યાં કેટલાંક નામ- *પ્રથમ મહિલા ફોટોગ્રાફર- સ્વ. હોમાઈ વ્યારાવાલા * ન્યાયવિદ- સુશ્રીસુજ્ઞાબહેન ભટ્ટ * શાસ્ત્રીય નૃત્યાંગના- સુશ્રીમૃણાલિની સારાભાઈ * શિલ્પકાર - સુશ્રીજસુબહેન શિલ્પી * પ્રથમ નાટ્યવિદ કલાકાર- સુશ્રીઉર્મિલાબહેન ભટ્ટ * નેશનલ ફિલ્મ કલાકાર- સુશ્રીદીનાબહેન પાઠક-સુશ્રી સરિતા જોશી * માનવસેવા ભેખધારી- સ્વ.અનુબહેન ઠક્કર * સેવા સંસ્થાના સંસ્થાપક-સુશ્રીઈલાબહેન ભટ્ટ * પ્રસારણ જગતનો સિતારો- સુશ્રીવસુબહેન ભટ્ટ * સાહિત્ય સુશ્રી વિનોદિની નીલકંઠ * પ્રથમ લેફ્ટનન્ટ કર્નલ -સુશ્રીનિલાબહેન પંડિત * લોકગાયિકા - સુશ્રીદિવાળીબહેન ભીલ તથા અંતે સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષી- સુશ્રીઉષાબહેન મહેતા; સ્વ.મણિબહેન પટેલ (દીકરી-શ્રીસરદાર પટેલ) 

જ્યારે, ઘણા મિત્રો નરનારીને મજાક-મજાકમાં જીવનરથનાં બે પૈડાં સાથે સરખાવે ત્યારે, અત્રે ચોક્કસ એમ કહેવાનું મન થાય કે,  જીવનરથનાં બે પૈડાં તો પુરુષ+સંતાન જ હોઈ શકે. હા, આર્થિક, સામાજિક, શૈક્ષણિક તથા પશ્ચિમી સંસ્કાર પ્રભાવની ઊબડખાબડ ભૂમિ ઉપર, વારંવાર આડાઅવળા પછડાતા, કુટુંબમાં પુરુષ+સંતાન નામના બે પૈડાંને એકદમ સરળતાપૂર્વક, સંતુલિતપણે સતત ગતિશીલ રાખવા માટે, નિઃસ્વાર્થ પ્રેમનું ઊંજણ પૂરીને, પોતાની જાત ઘસી નાંખીને, જીવન રથના સર્વ ભારનું મૂંગા મોઢે વહન કરતી ધરી તેનું નામ નારી છે. જ્યારે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં ગર્ભમાં થતી સ્ત્રીભૃણ હત્યાનું પ્રમાણ વધવાને કારણે, સ્ત્રી-પુરુષનું પ્રમાણ ભયજનક રીતે ડામાડોળ થઈ ગયું છે, વળી આખો દેશ જ્યારે મોંઘવારી-આતંકવાદની સહિત અનેક ભયાવહ સમસ્યાઓથી ભડભડ સળગી રહ્યો છે. તેવા સંજોગોમાં, નારી વિહીન વિશ્વની કલ્પના માત્રથી કાંપી જવાય છે..! આ જ કારણે, નારીમાં સમાવિષ્ટ દિવ્યતાને આપણે જો `ખુદાઈ`(ઈશ્વરી શક્તિ) માનીએ તો, યોગાનુયોગ, આઠમી માર્ચના રોજ જાણીતા હિન્દી કવિ-શાયર શ્રીસાહિર લુધિયાનવીજીની જન્મજયંતી (૮-માર્ચ-૧૯૨૧) પણ હોવાથી, ફિલ્મ-`તાજમહાલ`માં(૧૯૬૩)તેઓએ રચેલા સુપ્રસિદ્ધ ગીતના શબ્દો અત્રે યાદ આવે છે. "જો વાદા કિયા વો નિભાના પડેગા. રોકે જમાના ચાહે, રોકે ખુદાઈ, તુમ કો આના પડેગા." 

હવે તાઃ ૮ માર્ચ ૨૦૧૩ના રોજ સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ભલે ઉજવણી થાય. પરંતુ, સાચા અર્થમાં મહિલા દિવસની સાર્થકતા ત્યારેજ ગણાશે જ્યારે, દરેક મહિલા કોઈપણ પ્રકારની માનસિક તાણ અનુભવ્યા વગર આર્થિક, માનસિક, શારીરિક રીતે આત્મનિર્ભર, સંપૂર્ણ સુરક્ષિત તથા સ્વયં નિર્ણય લેવાની આઝાદી અનુભવશે. કોઈ બાળકીને ગર્ભમાં મારવામાં નહીં આવે. સ્ત્રીઓને દહેજ અથવા અન્ય કંકાસને કારણે જીવતી સળગાવી નહીં દેવાય.ઉપરાંત,સમગ્ર દેશમાં મહિલાઓના ક્રૂર બળાત્કાર દ્વારા તેમનું શોષણ નહીં કરાય. ટૂંકમાં, મહિલાઓને પણ માણસ સમજવામાં આવે. આમ થશે ત્યારેજ, બહેન-દીકરી-માતા-પત્ની કે અન્ય નારીનું હ્રદય ક્યારેય કકળતાં એમ નહીં બોલે, "अगले जन्म  मोहे  बिटिया  ना  कीजो । "

અને છેલ્લે, આજકાલ તો બેટરીથી ચાલતાં સસ્તાં ચાઇનીઝ રમકડાંઓના પ્રભાવમાં, જૂનાં માટી-લાકડાંનાં રમકડાં નામશેષ થઈ ગયાં છે. પરંતુ, જે મિત્રો બાળપણમાં જાતે, ભમરડાની `આર` (અણીદાર ખીલીની ધરી) બેસાડીને, ભમરડા પર દોરી લપેટી, ભમરડાને ઝૂ...મ્મ કરતાંને ફેરવવાની કળામાં પારંગત હશે, તેઓને એ પણ ખ્યાલ હશે કે, જો ભમરડાની આર એટલેકે ધરી વાંકી હોયતો ભમરડો રગડી જઈ, ફરે જ નહીં. ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાની, `બિગબોસ`માં જોવા મળેલી માથાભારે, `ગુલાબી ગેંગ`ની સ્થાપક સંપતદેવી સાથે જોડાઈને, આજની નારી પોતાના હાથમાં લાઠી ઉઠાવી, નારીઓનું સન્માન ન કરતા પુરુષ નામના `ભમરડા` ના `ભ` ઉપર જાલિમ, `હલ્લા બોલ` કરે તે પહેલાં તથા આટલું લાં..બુ પઠન કર્યા પછી, જો કોઈને એમ લાગેકે, આ લેખનું એકાદ વાક્ય પણ સત્ય છેતો ચાલો, કુટુંબરથની મહત્વની ધરી-નારી પરત્વે સન્માન દાખવવાની આપણા ઘરથીજ શરૂઆત કરીને, મહિલા દિનની ઊજવણીને સાચો અર્ઘ્ય આપવાનો આજે, અત્રે, આપણે સહુ દૃઢ સંકલ્પ કરીએ.

`તથાસ્તુ.`

માર્કંડ દવે.તા.૨૨-૦૨-૨૦૧૩.

Thursday, November 22, 2012

સુપર્વ દીપોત્સવી પૂર્વે દિવાસ્વપ્ન..!



સુપર્વ દીપોત્સવી પૂર્વે  દિવાસ્વપ્ન..!

“Knowledge without wisdom is a load of books on the back an ass”
Japanese proverb.

=====

પ્રિય મિત્રો,

માનવી આસ્તિક હોય કે નાસ્તિક કિંતુ, જીવનની દરેક ક્ષણે, દરેક માનવીનો અંતિમ ધ્યેય, સત્‍-ચિત્‍-આનંદ સમન્વયની પ્રાપ્તિ હોય છે. જોકે આ મનઃસ્થિતિ પ્રાપ્ત કરવા કાજે, માનવીએ પ્રેમભાવ-જ્ઞાનભાવને આત્મસાત્ કરવા અત્યંત અનિવાર્ય છે. સ્વાભાવિકપણે, આ માટે  અનેક સિદ્ધ મહાનુભવોના જાતઅનુભવ તથા ગાઢ ચિંતનના આધારે રચાયેલા અણમોલ સાહિત્યનું સામીપ્ય, જેતે વ્યક્તિએ કેળવવું પડે..! લેખના મથાળે અંકિત થયેલ જાપાની કહેવતનો મર્મ પણ એ જ છેકે," ડહાપણ વગરનું જ્ઞાન, તે ગધેડાની પીઠ પર લદાયેલાં પુસ્તકો સમાન છે." જોકે, આ જાપાની કહેવત આત્મસાત્ કરીને હવે, મારી મૂંઝવણ એ છેકે, આજ બાબતને આપણી માતૃભાષાની ગામઠી કહેવત,"ગધેડી ગંગામાં નહાય તો ય, ગાય ન થાય" દ્વારા સમર્થન આપી શકાય? આપ સર્વે ને મારો નમ્ર દુરાગ્રહ છેકે, તાઃ ૧૩ નવેમ્બર ૨૦૧૨ ના રોજ દીપોત્સવી સુપર્વ હોંશભેર ઊજવાશે. હવે તે પૂર્વે,  "આવા ખર-ખરી (ગદર્ભ-ગદર્ભરાણી..!) જીવાત્મા, ખરેખર  દિવાસ્વપ્ન જુવે ત્યારે, કેવાં-કેવાં અદ્ભુત દિવાસ્વપ્ન જોઈ શકે..!" તે બાબતે જો આપને `મનમોહક` અસહ્ય મોંઘવારી નડતી ન હોય તો, વિક્રમ સંવત-૨૦૬૯ ના નવા વર્ષને આવકારવા માટે, આપ પણ એકાદ દિવાસ્વપ્ન ફોગટમાં જોઈ જ નાંખો..! આમ તો, ખ્યાતનામ અમેરિકન હાસ્ય લેખિકા ઈરમા,`Erma Louise Bombeck`ના મત પ્રમાણે,"તમે માણેલાં દિવાસ્વપ્નોને અન્ય વ્યક્તિ સમક્ષ જાહેર કરવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે." હવે, આ ચસકેલ ડાગળીવાળાં આદરણીય સુશ્રીઈરમાબહેનને આપણે શું કહેવું..! આપ સહુને નમ્ર વિનંતી છે, એમની વાત પર સહેજ પણ ધ્યાન ન આપશો..! 

"હે મહાન અમેરિકા નિવાસી, પરમ મહાજ્ઞાની સુશ્રીઈરમાબહેન..! જાગતાં દીઠેલાં દિવાસ્વપ્નની ગાંડીઘેલી વાત જાહેર કરવા, આપના અમેરિકામાં ભલેને સો વખત વિચારીને, માંડ-માંડ હિંમત એકઠી કરવી પડતી હશે પણ..! મુક્ત સ્વચ્છંદ આચાર, મુક્ત સ્વચ્છંદ વિચાર, મુક્ત સ્વચ્છંદ વ્યાપારમાં માનતા, અમારા દિલદાર સ્વચ્છંદ ભારતમાં તો, અ..હા..હા..હા..! એ...ય...ને, આલીયા હોય, માલીયા હોય કે પછી વાલિયા (લૂંટારા?) હોય, જેને જે મનફાવે તે દિવાસ્વપ્ન ધરાર જુવે, પછી દ્ગશ્ય-શ્રાવ્ય માધ્યમના કેટલાક `સૂટેડ-બૂટેડ` નવરાધૂપ  મિત્રોને એકઠા કરે અને તમામ દિવાસ્વપ્ન, જાહેરમાં,(Yes,I repeat..જાહેરમાં) હિંમતભેર, પૂર્ણ આત્મવિશ્વાસ સાથે, મરચું-મીઠું ભભરાવીને પ્રગટ કરે, ત્યારબાદ કેટલાક કહેવાતા નિષ્ણાતો ભેગા મળીને (જન્મજાત પ્રાપ્ત સંસ્કારી ભાષામાં..!) પેલા દિવાસ્વપ્ન જોનાર ભાઈ કે બહેને વર્ણવેલા દિવાસ્વપ્નનું તાર્કિક-અતાર્કિક પિષ્ટપેષણ, આપણે હારી-થાકી-કંટાળીને ઊંઘી ના જઈએ ત્યાં સુધી, કર્યા કરે?"

મિત્રો, માનવી મોટાભાગે ત્રણ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, પ્રથમ માર્ગ જે સહુથી વધુ પ્રભાવશાળી છે તે પ્રગાઢ વાંચન-ચિંતન-મનન દ્વારા, બીજો સરળ પણ અનુચિત માર્ગ તે કોઈના આંધળા અનુકરણ દ્વારા તથા ત્રીજો અઘરો પણ સર્વોચિત માર્ગ તે, જાત અનુભવ દ્વારા. જોકે, જાત અનુભવ કેળવવાની શરૂઆત દિવાસ્વપ્ન જોવાથી કરવી પડે, ત્યારબાદ દિવાસ્વપ્નને અમલમાં મૂકીને કાર્યાનુભવ મેળવવાનો તબક્કો આવે. દિવાસ્વપ્ન એટલે કલ્પિત મનોરાજ્ય;તરંગ;કલ્પના વગેરે..! તો પછી ચાલો ને, હવે આપણે શું કરીશું? આપ સહુ લગીરે માઠું ન લગાડતા અને જો માઠું લાગે તો દિવાળીમાં, અમારા વતી (કાળાબજારિયા ગેસના બાટલે, ઘરમાં બનાવેલી..!) સફેદ સુંવાળી બેચાર વધારે ખાજો પણ, આજે તો કોઈની સહેજે સાડાબારી રાખ્યા વગર, પેલી જાપાનીઝ કહેવત મુજબ, અમારી પીઠ પર લદાયેલાં પુસ્તકોના અસહ્ય ભારને, આપના મન-આંગણે ઠાલવ્યા વગર અથવા તો અમારાં જોયેલાં કેટલાંક દિવાસ્વપ્ન અત્રે પ્રગટ કર્યા સિવાય, અમારા વિદ્વાન પાઠક મિત્રોનો કેડો અમે મૂકવાના નથી..નથી..ને..નથી..! કારણકે, અમને એમ પણ લાગે છેકે, આઝાદી બાદ, આખો દેશ પ્રથમ વાર આટલી ગંભીર મરણતોલ બીમારીમાં સપડાયો છે, તેથીજ જેમ આપણે બીમાર પડીએ અને અનેક માયાળુ જણ આવીને, આપણા ભલા કાજે ઉરાંગઉટાંગ જેવા ઉપાય સૂચવે તેમ, અમે પણ..!  

" હે નિર્દોષ દેશવાસીઓ, જરાપણ ડરશો મા..! આજે જ આપની તમામ ચિંતાઓને ચિતાગ્નિમાં ભસ્મ કરી દો, અમારાં દિવાસ્વપ્નરૂપી, નવઆશા-દીપ હારમાળા દ્વારા, નવલા વર્ષમાં દેશોદ્ધારનો પ્રકાશ રેલાવવા કાજે, માથે કફન બાંધીને, અમો પણ દિવાસ્વપ્ન એક્સ્પર્ટ/ઍક્ટિવિસ્ટ  બનીને  જાહેર મેદાનમાં આવી ગયા છે..! આપે તો ફક્ત, બસ સાચા દિલથી પ્રાર્થના કરવાની રહેશે કે, અમારાં તમામ દિવાસ્વપ્નને ઈશ્વર પ્રત્યેક તરંગસહ સાંગોપાંગ સાર્થક કરે..! ભવતુ ઉર્ફે આ..મી..ન..!" 

તો બોલો, ક્યાંથી શરુ કરીશું, આપણે સહુ, ભલે વોટ આપવા જતા હોય કે ન જતા હોય પરંતુ, પરમ દેશભક્ત હોવાથી દેશહિતના દિવાસ્વપ્નનું વર્ણન સહુ પ્રથમ કરીશું? 

चलो, यहीं  से  शुरु  करते  हैं..!  Silence  Please..!

નવવર્ષનું ઊજળું ભવિષ્ય.

વિ.સં.૨૦૬૯. માસ-કારતક 

* તા.૧૪ નવેમ્બર ૨૦૧૨, વિક્રમ સંવત-૨૦૬૯ ના પવિત્ર માસ કારતક સુદ એકમ (બેસતા વર્ષ) ના રોજ, માનનીય રાષ્ટ્રપતિશ્રીના ધમકીભર્યા આગ્રહને કારણે, તમામ રાજકીય પક્ષે પોતાની નોંધણી ચૂંટણી પંચ સમક્ષ રાષ્ટ્રહિતાર્થે સમર્પિત (Surrender) કરી છે..! ચૂંટણી પંચે આ દરખાસ્તનો સહર્ષ સ્વીકાર કરીને હવેથી તમામ ધારાસભ્ય-સાંસદ-ઉમેદવારને અપક્ષ તરીકે ઠેરવવા ફરમાન કર્યું છે, આ સાથે આજરોજ મળેલી વર્તમાન ૧૫મી સરકારની રાજ્યસભા-લોકસભાની અંતિમ સભામાં, કેન્દ્ર તથા રાજ્ય સરકારોના તમામ મંત્રીઓ દ્વારા પોતાના વર્તમાન પદત્યાગ કરીને, વડાપ્રધાન ઉપરાંત તમામ મંત્રીઓની જનમત દ્વારા સીધી નિમણુંક કરવા, સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે..!

વિ.સં.૨૦૬૯. માસ-માગશર

* માગશર સુદ એકાદશી `ગીતા જયંતી`ના રોજ માનનીય રાષ્ટ્રપતિશ્રીએ, જનમત દ્વારા બહુમતીથી ચૂંટાયેલા નવા વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીજીને, પવિત્ર ગ્રંથ ગીતાજીના તથા દેશની ૧૨૦ કરોડ જનતાના નામે, ગુપ્તતા અને વફાદારીના સોગંદ લેવડાવ્યા..! દેશવાસીઓ જોગ પોતાના પ્રથમ ભાષણમાં શ્રીમોદીજીએ માત્ર ત્રીસ દિવસમાં મોંઘવારી પર કાબૂ મેળવવાનો દ્રઢ સંકલ્પ જાહેર કર્યો..! નવા વડાપ્રધાનશ્રીની હ્રદયદ્રાવક અપીલને કારણે, પક્ષાપક્ષીથી પર થયેલ નેતાઓએ, પોતાના પક્ષની, પોતાની તથા પોતાના નજીકના તમામ સગાસબંધીની, (બ્લેક-વ્હાઈટ; દેશી-વિદેશી) તમામ સ્થાવરજંગમ મિલકત સ્વેચ્છાએ સર્વાનુમતિથી દેશોત્થાન કાજે, સરકારી ખજાનામાં જમા કરાવીને, "જાગ્યા ત્યાંથી સવાર" ઉક્તિનું  ઉત્તમ  દૃષ્ટાંત દેશવાસીઓ સમક્ષ પૂરું પાડ્યું છે..!

પર અરથે શ્રમ જે કરે,તે જન જનુની ધન્ય,પરમારથે તો લાગતો,સજ્જનને અતિ રમ્ય. -૧.
એખલપેટા   બાઈલા,  દ્વેષી   કપટી   જેહ, ધિઃક  જનૂની તે  તણી, જણતર વંઠ્યું તેહ.-૨. 
(ડાંડિયો-કવિ નર્મદ.)

આખા દેશના વ્હિસલ-બ્લૉઅર્સ સંગઠનના સર્વમાન્ય પ્રમુખ નેતા શ્રીકેજરીવાલે, દેશમાં રામરાજ્યની સ્થાપના કરી, ફરી સતયુગમાં પ્રવેશ કરાવવા બદલ નવા વરાયેલા વડાપ્રધાનશ્રીનો, ગળગળા કંઠે, હ્રદયપૂર્વક આભાર માનીને દેશ કાજે હવે અપ્રસ્તુત મનાતાં, દેશભરમાં ફેલાયેલાં તમામ `વ્હિસલ-બ્લૉઅર સંગઠન` એકજ ઝાટકે વિખેરી નાંખ્યાની આવકારદાયક જાહેરાત હર્ષભેર કરી છે..!

વિ.સં.૨૦૬૯. માસ- પોષ.

* ગત માસ દરમિયાન, દેશની નવી ચૂંટાયેલી ૧૬મી કેન્દ્ર સરકારના કડક વલણ તથા લોકજાગૃતિના અનેક સફળ કાર્યક્રમોને કારણે, દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુના ભાવમાં કૂદકેને ભૂસકે આવકારદાયક ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાણકારનું માનવું છેકે, જીવનજરૂરી ચીજવસ્તુના ભાવમાં સતત ઘટાડો આમ જ જારી રહેશે તો વર્ષાંતે દેશની તમામ ભાષાઓના શબ્દકોષમાંથી `મોંઘવારી` શબ્દ રદ કરવાની ફરજ પડશે..! તમામ સંગ્રહખોરો, કાળાબજારિયા, ભ્રષ્ટાચારીઓનું હ્રદય પરિવર્તન થવાથી બજારમાં અચાનક  `શ્રી૧। `નો (સવા=૧.૨૫%નો) ઈમાનદાર વ્યાપાર ફરીથી પ્રચલિત થયો,તે નિહાળીને આખું વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે..! આથીજ, વિદાય લેતી મોંઘવારીના સગાવહાલાઓને બે પંક્તિ આપણા સહુ વતી અર્પણ,

(આદ્ય કવિ શ્રીનરસૈંયાજીની ક્ષમાયાચનાસહ.) 
ધનલોભીને  કપટ સહિત છે, કામ ક્રોધ  કંઠ લગાવ્યા રે,
ભણે દુભાયેલાં,તેનું દરશન કરતાં,અશ્રુ નિરંતર સાર્યાં રે.


વિ.સં.૨૦૬૯. માસ- મહા.  

* મહા માસમાં, દેશની નવી ચૂંટાયેલી ૧૬મી કેન્દ્ર સરકારની એક ડરામણી અપીલ પર, નાની મોટી તમામ કન્સ્ટ્રક્શન કંપની તથા મોટા ઉદ્યોગપતિઓની દિલ્હી ખાતે  મળેલી રાષ્ટ્રિય પરિષદમાં, સર્વે  દેશભક્ત બિલ્ડર્સ, ઉદ્યોગપતિઓએ, સર્વાનુમતે ઠરાવ પસાર કરી, વિ.સં.૨૦૬૯ના અંતે એક પણ ગરીબ કુટુંબ છત વગરનું ન હોય તેવી ભીષ્મ પ્રતિજ્ઞા સાથે અચાનક જાહેરાત કરી કે, પોતાની કંપનીઓના છેલ્લા દસ  વર્ષના સરવૈયામાંથી નફાનો ૫૦% ફાળો દાન તરીકે ખર્ચીને, તેમના ઉદ્યોગોની આસપાસ, ફાજલ પડી રહેલી જમીનમાં, તમામ જીવનજરૂરી સવલત સાથેની `અકિંચન કૉલોની` નિર્માણ કરી, ગરીબ દેશ બાંધવોને વિના મૂલ્ય અર્પણ કરી, `સૌનો ઉદ્ધાર,દેશનો ઉદ્ધાર` સૂત્રને સાર્થક કરી દેશનું ઋણ અદા કરવું..! 

વિ.સં.૨૦૬૯. માસ- ફાગણ.

* વસંત ઋતુના આગમનને વધાવી નવા વરાયેલા વડાપ્રધાનશ્રીના ઉદ્યમી હસ્તક્ષેપને કારણે, સાર્વજનિક સ્વરૂપે `કૃષિ-ફાગોત્સવ`નું દરેક રાજ્યમાં ભવ્ય આયોજન કરી, ગરીબ ખેડૂત દ્વારા  મહામહેનતે ઉગાડેલા પાકનો વચેટિયા ગેરલાભ ન ઉઠાવે તે માટે, દરેક ખેડૂતને તેમના પાકને પોષણક્ષમ ભાવે, સહકારી ધોરણે ખરીદી કરી સરકારી ગોદામોમાં સંગ્રહ કરવામાં આવ્યો. નવાઈની બાબત છેકે, આઝાદી બાદ દરેક રાજ્યમાં પ્રથમ વાર અન્નનો એકપણ દાણો ન વેડફાય તે માટે, દેશભરમાં ફક્ત એક જ માસમાં, લાખોની સંખ્યામાં અદ્યતન વાતાનુકૂલિત ગોદામ નિર્માણ કરવામાં આવ્યાં છે..! આ માટે આખા દેશમાં એકપણ ઘર-ખેતર-ગોદામ-સ્થળ `થ્રી ફેઝ પાવર` સપ્લાયથી વંચિત ન રહે તે માટે, યુદ્ધના ધોરણે હજારોની સંખ્યામાં પાવર પ્લાન્ટ કાર્યરત કરી, કરોડો કિ.મી. કેબલ પાથરવાનું મહા ભગીરથ કાર્ય જાંબાઝ ભારતીય સેનાના સહયોગથી તાબડતોબ ફક્ત ત્રીસ દિવસમાં સંપન્ન કરવામાં આવ્યું છે,જે સ્વયં એક વર્લ્ડ રેકૉર્ડ મનાય છે..! 

વિ.સં.૨૦૬૯. માસ- ચૈત્ર.

* `ચૈત્ર ચડવો નહિ અને વૈશાખ ઊતરવો નહિ.` એટલેકે, `હાલની પરિસ્થિતિમાં કાંઈ પણ ફેરફાર ન થવો.` આ જાણીતી ઉક્તિને સાવ ખોટી ઠેરવી, ચૈત્ર એટલેકે એપ્રિલ માસની માથાફાડ ગરમીમાંથી, `વિદ્યાતુર` પરંતુ, `પરીક્ષાક્ષુબ્ધ` વિદ્યાર્થીઓને માનસિક તાણ મુક્તિના શુભ આશયથી કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ તમામ પરીક્ષાર્થીઓને પોતપોતાના નિવાસસ્થાનથી કોઈપણ ટૅન્શન વિના પરીક્ષા આપી શકે તેવી ગોઠવણ કરી, સમગ્ર દેશની શાળા-કૉલેજ-ઈન્સ્ટિટ્યુટ્સમાં, દરેક વિદ્યાર્થી માટે, `પાતાળ-પ્રવેશ` નામનાં કરોડો ટેબલેટ્સ સાવ `મફત` ભેટ કર્યા છે, જેને વિદ્યાર્થી જગત,શિક્ષણજગતના તમામ નિષ્ણાતોએ આ ક્રાંતિકારી પગલાંને એક અવાજે વધાવી લીધું છે..!

વિ.સં.૨૦૬૯. માસ- વૈશાખ.

વૈશાખ-મે માસના (ગ્રીષ્મ ઋતુના) સખત તાપ દરમિયાન, લગ્નોત્સવ માણવા અધીર થયેલાં અનેક લાયક નવયુવક-યુવતીઓને, અચાનક લગ્નકામજ્વરનો સખત રોગચાળો ફાટી નીકળવાથી, દેખાદેખી-ભવ્ય  લગ્નસમારંભના નામે દેશની કિંમતી સંપત્તિ ન વેડફાય તે માટે સમગ્ર દેશના સંતો-મહંતો-મૌલવીઓ-પાદરીઓ તથા અન્ય ધર્મગુરુઓ દ્વારા, સરકારને અસરકારક આગ્રહભરી અપીલ  કરવાને કારણે, સરકાર દ્વારા આખા દેશમાં `માત્રને માત્ર` કોર્ટ મેરેજની પ્રથા અમલમાં મૂકી, ભવ્ય લગ્નોત્સવ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, કૉર્ટમાં નવા કાયદા અનુસાર, હવેથી `સ્ત્રી ભૃણ હત્યા`નો ગુનો IPC ની કલમ ૩૦૨ હેઠળ, ડૉક્ટર્સ, બાળકીનાં માતા-પિતા તથા જેતે વિસ્તારના સરકારી તપાસનીશ અધિકારીઓ સહિત તમામને જવાબદાર માનીને,તેઓ મૃત્યુદંડની સજાને પાત્ર છે, તે બાબતની સમજ આપીને, દરેક વર-વધુ પાસે ` સ્ત્રી ભૃણ હત્યા` નહીં કરવા અંગે કાયદેસર સોગંદનામું લેવા નક્કી કરાયું છે..! જેને લગ્નોત્સવ માણવા અધીર થયેલાં, લગ્નકામજ્વરથી ગ્રસિત પરંતુ, દેશહિતને પ્રાધાન્ય આપતાં અનેક લાયક નવયુવક-યુવતીઓ, તેમના માતાપિતા, તમામ ધર્મોના ધાર્મિક વડા તથા સામાજિક સેવા સંગઠનોએ હ્રદયપૂર્વક આવકાર્યો છે, એટલું જ નહીં પરંતુ, સહુ લાગતાવળગતાએ, પોતાના આંગણે લગ્નપ્રસંગની ભવ્યતા પાછળ ખર્ચ કરવા ધારેલ અઢળક ધનરાશિને દરેક ગામમાં તબીબી ક્ષેત્રે ચેરિટી હૉસ્પિટલ્સ નિર્માણ જેવાં જનકલ્યાણનાં કાર્યો માટે ઉદારતાપૂર્વક દાન કરીને, સામાજિક જવાબદારી પાલન કર્યાનું  સ્મરણ કરાવ્યું છે..! 

જોકે, આ ક્રાંતિકારી સુધારાવાદી નિર્ણયને કારણે, અસંખ્ય સંખ્યામાં બેકાર થયેલા તમામ સંબંધિત કર્મચારી-વ્યવસાયીઓને અન્યાય ન થાય તે હેતુથી, જેતે પાર્ટી પ્લૉટમાં સાદગીભર્યા અનેક સમારંભ યોજીને, સક્ષમ સરકારી અધિકારીશ્રી દ્વારા સરકારી નોકરીનાં નિયુક્તિપત્ર તાત્કાલિક ધોરણે પાઠવવામાં આવ્યાં..!   

વિ.સં.૨૦૬૯. માસ- જેષ્ઠ.

* (જૂન માસ) જેઠનો અર્થ અગ્રજ (સૌથી મોટા) થાય છે આથીજ આ માસ દરમિયાન દેશની તમામ કે.જી.થી લઈને કૉલેજ સુધીની તમામ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ-સંચાલકશ્રીઓ તથા આચાર્યશ્રીઓ દ્વારા પોતાના ઉદાર (સૌથી મોટા) હ્રદયનો પરિચય આપીને મોટાઈપણું દર્શાવતાં, સમગ્ર દેશમાં એકપણ વિદ્યાર્થી  શાળા-કૉલેજ પ્રવેશથી વંચિત ન રહે તેવા ઉમદા  આશયથી ગરીબ કે તવંગરના ભેદ રાખ્યા વગર તમામને જેતે વિદ્યાશાખામાં વિના ડોનેશન પ્રવેશ આપવા સંકલ્પ કરવામાં આવ્યો. ગામડાના વિદ્યાર્થીઓ ઉમદા શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શહેરી અદ્યતન શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત પ્રાધ્યાપક મંડળે, સપ્તાહમાં ત્રણ દિવસ, ગામડાના વિદ્યાર્થીઓને `ગુરુકુળ` પ્રથા અમલમાં મૂકીને સઘન તાલિમ આપવા સર્વાનુમતે ઠરાવ કર્યો છે..!    

વિ.સં.૨૦૬૯. માસ- અષાઢ.

* અષાઢ માસ એટલે મહાકવિ કાલિદાસના ખંડકાવ્ય,`મેઘદૂત`ના માધ્યમ દ્વારા પ્રેમાધીર યક્ષ નાયકે, પોતાની પ્રાણપ્રિય પ્રોષિતપતિકા (વિજોગણ) નાયિકાને પાઠવેલા,`અષાઢસ્ય પ્રથમ દિવસે..!`ની વિરહ વ્યથાને વ્યક્ત કરવાનો માસ..! આ માસ દરમિયાન સમગ્ર દેશના પ્રેમાતુર જોડકાં-કજોડકાંઓને પરસ્પર પ્રેમની અભિવ્યક્તિમાં કશી ખલેલ ન પહોંચે તે માટે, ખાસ અદ્યતન નિર્માણ પામેલા `લવર્સ પાર્ક` દેશભરમાં ખુલ્લા મૂકવામાં આવ્યા છે, જેમાં કોઈ અસલી-નકલી પોલીસ કે પાપારાઝી પત્રકાર-મીડિયાકર્મીના છદ્મરૂપમાં કોઈ અસામાજિક તત્વો આવીને પ્રેમાતુર નાયક-નાયિકાઓનો `તોડપાણી` ન કરી જાય તેવા શુભ ઉદ્દેશ્યથી લવર્સ પાર્કના દરવાજે બી.એસ.એફ.ના જવાનોની લોખંડી સિક્યુરિટી તહેનાત કરવામાં આવી છે..! દેશભરના (૧૮ થી ૮૦ વયના) પુખ્ત નરનારી નાગરિકોએ આ પગલાંને દિલથી આવકાર આપ્યાના અહેવાલ વિવિધ સમાચાર માધ્યમમાં પ્રસારિત થઈ રહ્યા છે..! 

વિ.સં.૨૦૬૯. માસ- શ્રાવણ.

* શ્રાવણ માસમાં રક્ષાબંધન-બળેવના પવિત્ર તહેવારે શેરી-પોળ-સોસાયટીઓમાં સહુ  કોઈના સહયોગથી સામૂહિક જાહેર રક્ષાબંધનનો પવિત્ર તહેવાર, માતાપિતાના આગ્રહને કારણે, ઉમંગભેર રંગેચંગે ઊજવવામાં આવ્યો છે, જેમાં `લવર્સ પાર્ક`માં જવા માટે ગેરલાયક ઠેરવાયેલા  ઘણાં યુવક-યુવતિઓએ રાજીખુશીનાં(?) અશ્રુ વહાવતાં-વહાવતાં સાચા(?) દિલથી રક્ષાબંધન પર્વ ઊજવ્યું, એટલું જ નહીં,   આખા દેશના તમામ ભાઈઓએ રક્ષાબંધનની ભેટ તરીકે, બહેન પ્રત્યે વહાલના પ્રતીક રૂપે,પર્યાવરણ પ્રેમ દર્શાવી, પોતાના આંગણામાં ઘર દીઠ એક-એક વૃક્ષ વાવી તે વૃક્ષનું આવતા રક્ષાબંધન સુધી, પ્રાણના ભોગે રક્ષણ કરવાનું પોતાની ધર્મની બહેનને વચન આપ્યું છે..!  

ઉપરાંત, આજ શ્રાવણ માસમાં અંધ માતાપિતાને કાવડમાં બેસાડી તીર્થયાત્રા કરાવનાર `અંધક` મુનિના સપૂત `શ્રવણ`ના માનમાં, માનોકે જાણે અદ્ભુત ચમત્કાર થયો હોય તેમ, અર્વાચીન શ્રવણ સ્વરૂપ સપૂત-સુપુત્રીઓએ દેશભરનાં સઘળા `ઘરડાઘર`ને તાત્કાલિક મજબૂત લોખંડી તાળાં લગાવી,તેમાં મજબૂરીથી વસવાટ કરતાં તમામ માતાપિતાને મનાવી-પટાવી, માનભેર પોતાના નિવાસસ્થાને પરત લઈ આવ્યાના સુખદ સમાચારો ચારેકોરથી પ્રાપ્ત થઈ રહ્યા છે..!

વિ.સં.૨૦૬૯. માસ- ભાદરવો.

* ભરપૂર  ભાદરવે, ભયંકર ભૂરાંટા થઈ, સરહદ પર તથા દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી, આપણા શાંતિપ્રિય દેશવાસીઓ સામું સતત ભસી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી, હડકાયી થયેલી આતંકી પરદેશી શ્વાનજાતિને બરાબરનો પાઠ ભણાવી, તેમને જડબાતોડ જવાબ આપવા માટે, આપણા નવા તેજાબી, ધૂઆઁધાર વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રને નામ સંબોધન દ્વારા આખા દેશની જનતાની રક્તવાહિનીઓને ઉત્તેજિત કરી, રક્તચાપ વધારે તેવી,`એક એક કો ચૂન-ચૂન કે મારુંગા`ની સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવી છે, સાથેજ, પોતપોતાના વિસ્તારના સીમાડા-શેરી-પોળ-સોસાયટીના તમામ શ્વાનસમાજને દરરોજ દેશી ઘીનો શીરો ખવડાવી, કોઈપણ ગંભીર આતંકી સ્થિતિનો સામનો કરવા ખૂંખાર શ્વાનસૈન્ય તૈયાર કરવા અનુરોધ કર્યો છે..! જોકે, આ સંબોધન વિશ્વભરમાં પ્રસારિત થતાં, અનેક વગદાર દેશોએ આતંકવાદ વિરોધી પ્રવૃત્તિમાં, આપણા દેશને સક્રિય સમર્થન જાહેર કરતાંની સાથેજ, ગભરાઈ જઈને, આપણા પડોશી દેશો ચીન-પાકિસ્તાને દાદાગીરીથી અત્યાર સુધી કબજે કરેલા આપણા સઘળા પ્રદેશ ખાલી કરી આપણને બિનશરતી પરત કરવાની ઘોષણા તેઓએ  કરી છે..! દેશના દૂરદર્શી વડાપ્રધાનશ્રીએ તાત્કાલિક બોલાવેલી કૅબિનેટ મીટિંગમાં તાજેતરમાં મુક્ત થનાર પ્રદેશની જમીનના સર્વાંગી વિકાસ માટે, આવા કાર્યના નિષ્ણાત સુવિખ્યાત રાષ્ટ્રીય યુવરાજ- રાષ્ટ્રીય રાજપુત્રી તથા રાષ્ટ્રીય જમાઈરાજા પર છેલ્લીવાર વિશ્વાસ મૂકીને, ત્રણ સભ્યોની એક સમિતિ નીમવા સર્વાનુમતિથી ઠરાવ પસાર કર્યો છે..! 

વિ.સં.૨૦૬૯. માસ- આસો.

* આસો માસના આ પવિત્ર માસમાં, દેશભરમાં શક્ય બને તેટલાં વધુ સરકારી પાગલખાનાં નિર્માણના અહિંસક આંદોલનમાં સરકાર પર દબાણ વધારવામાં અમૂલ્ય સહકાર આપવાની શરતે, દેશની સમજદાર જનતાએ, તમામ કવિઓ-લેખકો-સાહિત્યકારો-તંત્રીઓ-સાહિત્ય પ્રકાશકો- ટીવી સિરિયલ્સ-ફિલ્મ નિર્માતાઓ-દિગ્દર્શકો-એક્ટરો-સંગીતકારોને, વિ.સં.૨૦૬૯ના નવા વર્ષ અગાઉ ઉમંગભેર ઊજવાનાર, સુપર્વ દીપોસ્તવી પૂર્વે  દિવાસ્વપ્નમાં ફરજિયાત રાચવા તથા તેનું રસાળ શૈલીમાં દ્ગશ્ય-શ્રાવ્ય-શબ્દ સ્વરૂપે વર્ણન કરી, હાલની પરિસ્થિતિથી, ગંભીર રીતે બૂરી અસર પામેલા સર્વે ઉદ્વેગી પ્રજાજનને, `બે ઘડી ટેસડો` કરાવવા સહુને નમ્ર અપીલ કરી છે..!

======

" હેં, સાંભળો છો? તમને કહું છું... ભૈ`સાબ, આ ત્રણ દિવસથી શું લખ-લખ કરો છો...! ઊંચું જોવાનીય ફુરસદ નથી...!

" અ..રે..! આ અમારા તંત્રીશ્રી એ દીપોસ્તવી અંક માટે એક વિષય આપ્યો છે એટલે `દિવાસ્વપ્ન` જોઉં  છું....!

" હવે દિવાસ્વપ્નને દીવો મૂકો અને આ ઘરની બહાર, ગાંડાની હૉસ્પિટલની એમ્બ્યુલન્સવાળા કોઈનું સરનામું પૂછે છે, તે જરા બહાર આ..વો..ને..!

"અ..રે..! પણ, આ અધુરો લેખ અને પેલા તં..ત્રી..ઈ..ઈ..!

" હા..આ..આ, ઊભા થવાનું એ આળસ? તો પછી આ એમ્બ્યુલન્સ...એમને ત્યાં..જ..મોકલી દઉં..!

" હેં..એં..એં..એં..!

પ્યારા વિદ્વાન પાઠક મિત્રો, ઇ.સ.પૂર્વ પચાસ વર્ષ દરમિયાન  ચીનમાં જન્મેલા, જગવિખ્યાત મહાન ચિંતક-સુધારક `Confucius-કન્ફ્યુશિયસ`ના મત અનુસાર,"Never give a sword to a man who can't dance." મતલબ જેને નૃત્ય (શાસન) કરતાં ન આવડે તેના હાથમાં તલવાર (દેશનું સુકાન) ન આપશો. છતાંય, અણસમજમાં આપણે આપ્યું તેથીજ, વિક્રમ સંવત-૨૦૬૮ના વર્ષાંતે  સમગ્ર દેશમાં મોંઘવારીની ભયાવહ આગ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનની ભરમાર તથા સાચા-ખોટાં કૌભાંડની ખુલ્લંખુલ્લા પોલ ખોલ પ્રવૃત્તિને કારણે, અત્યારે ચિંતાજનક પરિસ્થિતિ એ થઈ છેકે, દરેક દેશવાસીઓના તનમનધનની રોજરોજ બરબાદી-ક્લેશ-કજિયા-કંકાસ અને અંતે તો સવાર પડે એટલે, વળી પાછું પરિણામ સરવાળે શૂન્ય? જોકે, શ્રીરામચરિતમાનસમાં શ્રીતુલસીદાસજીએ નવધાભક્તિમાં સંતોષની માત્રાનો સમાવેશ કરતાં નોંધ્યું છેકે, `॥ आठर्व  बथालाभ  संतोषा  सपनेर्हु  नहि  देख  परदोषां ॥` અર્થાત્ - પારકા દોષ જોવા જેવા, બૃહત વિષય પર જેટલું લખીએ તો પણ સંતોષ વળે તેમ નથી. માટેજ, હવે આપ પણ  અહીંથી અટકીને, દિવાસ્વપ્ન વિષયક લપને પડતી મૂકો નહીંતર, પેલાં અમેરિકન સુશ્રીઈરમાબહેનની માફક આપણી ડાગળી પણ હમણાં ચસકી જ સમજો? આમેય, પેલા પાગલ એમ્બ્યુલન્સવાળા આપનું જ સરનામું પૂછે છે...મો..ક..લું..કે..! 

અરે..! ચિંતા ન કરશો, `પાગલખાના`ની એમ્બ્યુલન્સ સતત ફેરવવાની જરૂર, સંસદભવન- સંસદ માર્ગ- દિલ્હી ખાતે છે. એકમેક સામું બિનજરૂરી બકવાસ કરતો, દાંતિયાં કરતો અથવા તો `V.I.P. - V.V.I.P.` નેતાના વહેમમાં ફાલતુ કોઈને રખડતો દીઠો નથી કે જબરદસ્તી પકડીને અંદર બેસાડ્યો નથી..! એ બિચારાનેય શાંતિ અને આપણે તો વળી બમણી શાંતિ..હા..શ..! જોકે, સત્ય એ છેકે, સત્તાના મદમાં છકીને છાકટા થઈ ગયેલા આ નેતા-બાબુઓ, કાળની ઇન્દ્રિયાતીત  ગતિને પામવાની બાબતે, વામણા સિદ્ધ થયા છે. શું તેઓ ઈરાદાપૂર્વક વિસરી ગયા હશેકે? `समयो  बलवानतः ।` 

कृष्णं करोति  गोपालं, भगवन्तं  ततः पुनः । 
द्वारिकेशं  जगन्ननाथं, समयो  बलवानतः ॥
पम्यनाथापि पात्र्‍पाली, भर्तृणां पश्यतां तथा । 
सभायां  क्रोशति  त्रातुं, समयो  बलवानतः॥  (डॉ.श्रीअमृलालजी)

અર્થાત્ - " ભગવાન શ્રીકૃષ્ણએ સમયને કારણે વનમાં ગાયો ચરાવી, સમય દ્વારા તેઓને દ્વારકાધીશ અને જગન્નાથ બનાવ્યા. તેજ રીતે,પાંચ-પાંચ પતિદેવોની હાજરી હોવા છતાં, બિચારી દ્રૌપદી ભરસભામાં વિવશતા વશ પોતાના ચીરહરણને રોકવા આર્તનાદ કરતી રહી ત્યારે સમજાય છેકે, સમય તો રાજાઓનો પણ રાજા છે, તેની સત્તા સાર્વત્રિક છે અને માનવી સમય પાસે સાવ લાચાર છે..!"  હે જગન્નાથજી, અહીં લોકશાહી/જનતા નામની દ્રૌપદીનાં ચીરહરણ સત્તાના દુઃશાસનો ઠેરઠેર કરી રહ્યા છે, અમારી સહાય કરવા ક્યારે પ્રગટ થશો? 

અસ્તુ.

માર્કંડ દવે.તાઃ૨૦-નવેમ્બર-૨૦૧૨.

Monday, May 21, 2012

जीना इसी का नाम है ।

जीना इसी का नाम है ।

દર્દથી જે મળે તે કૈં, દર્દની વાતથી મળે,
દર્દોની કો કથામાં તો, દર્શનો પ્રભુનાં જડે. - કલાપી

પ્રિય મિત્રો,

જો પૃથ્વીપર શ્વસતા  જૈવિક બંધારણ એટલેકે જીવનના નિભાવ,ઉત્કર્ષ કાજે ઊર્જા સ્વરૂપે પાણી, હવા,તાપમાન,ગુરુત્વાકર્ષણ,ખોરાક અને અલ્ટ્રાવાયોલેટ સૌર કિરણોત્સર્ગ જેવાં પરિબળ અનિવાર્ય હોય તથા તે માટે કુદરતે આપણને સૂર્ય જેવું, ૧,૩૯૨,૦૦૦ કિલોમીટર્સ વ્યાસ (લગભગ ૧૦૯ પૃથ્વી સમાય તેટલું મોટું ) અને સપાટી ઉપર ૯,૯૧૦ ફૅરનહીટ(૫,૫૧૦ સેન્ટિગ્રેડ) તાપમાન ધરાવતું ,જગતનું સર્વોચ્ચ,વિશાળ, ફાનસ ભેટ આપેલું હોય, આપણી પૃથ્વીથી આશરે ૧૪૯.૬ લાખ કિ.મીટર દૂર હોવા છતાં,તે દરરોજ સવારે અચૂક ઊગતો હોય, તેવામાં ધારો કે,પૃથ્વી પર રોજેરોજ આચરવામાં આવતી પાપ લીલાઓ નિહાળીને,  સૂર્યદાદા સહિત ઉપર દર્શાવેલા તમામ જીવન ઉત્કર્ષ પરિબળને,  હતાશા  નીપજે અને તે તમામ પરિબળ થોડા દિવસની સિક લીવ પર ઊતરી જાય તો આપણા સહુનું શું થાય? કલ્પના કરવા માત્રથી થથરી જવાય છે કે નહીં..!!

જ્ઞાની સાધુસંતો `પાપ લીલા` બાબત માનવીના મનની ગતિ અકળ હોવાનું કારણ દર્શાવે છે.પોતાના મનને નાથવું તથા તેને ડાહ્યુંડમરું અને કહ્યાગરું બનાવવાની લાયમાં અનેક તપસ્વીઓનાં તપ અફળ નીવડ્યાં છે ત્યારે, `जीना इसी का नाम है । ` સૂત્રને સાર્થક કરવા કાજે, મનમાં રહેલી જિજીવિષાને પ્રબળતા બક્ષવા કાજે, ભીતરના નકારાત્મક ઘોંઘાટને અટકાવી અનુકૂળ  હકારાત્મક ભાવ સાથે, પરમ શાંતિના કોશેટામાં મનને બરાબર વિકસવા દઈએ તો, જેમ બરાબર સમય પાકતાં કોઈ ફળમાં અદ્વિતીય મીઠાશ વ્યાપે છે, તેજ પ્રકારે આપણું મન  દુન્યવી નકારાત્મકતાના ઘોંઘાટથી રહિત થઈને સંપૂર્ણ સ્વચ્છ, રોગમુક્ત બની જાય છે તે શંકા રહિત બાબત છે. જોકે, યોગ્ય-અયોગ્ય, કામની-નક્કામી,સાચી - ખોટી, ઢોલ ને ઝાલર સાથે, લાઉડ સ્પીકર અને વરઘોડા કાઢીને, એક પ્રકારે, અનેકજાતનાં ત્રાગાં કરીને,  શક્ય તેટલો વધારે ઘોંઘાટ કરીને, આપણે  ભગવાનની પૂજાઅર્ચના, કે  સ્તુતિ  કરવા ટેવાઈ ગયા છે, તે  જોઈને ક્યારેક વિચાર આવેકે, શું ભગવાન બહેરા હશે?  કદાચ `હા`..!! તોપછી, એમજ માનવું પડે કે, ભગવાન બહેરા હશે અથવા જાણીજોઈને, બહેરા હોવાનું નાટક કરતા હશે અથવા બહેરા નહીં હોયતો, આપણી "કામ"ની ચાસણીમાં ઝબોળીને મીઠી બનાવેલી ન-કામી લાગણી તથા માગણીઓ સાંભળી-સાંભળીને હવે બહેરા જરૂર થઈ જશે...!! આ અગત્યના વિષયે વિશ્વના તમામ વિદ્વાનો પણ એકમત છેકે," The easiest way, to get touch with this universal power is through silent will to live."

`जीना इसी का नाम है । ` સૂત્રને સાર્થક કરતા હોય તેમ તથા પોતાના શાંત દૃઢ જિજીવિષા  (silent will to live) દ્વારા ચમત્કાર થયો હોય તેમ  તાજેતરમાં, પોતાની અત્યંત સફળ કેરિયરના શિખર પર આરૂઢ થયા બાદ અચાનક, કેન્સર જેવા મહા રાજરોગમાં સપડાઈને જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાવા લાગેલા, આપણા જવાંમર્દ ક્રિકેટર યુવરાજસિંઘને, લગભગ અસાધ્ય મનાતા કેન્સર જેવા જીવલેણ રોગમાંથી આધુનિક સારવાર પદ્ધતિના કારણે રોગમુક્ત થઈ ફરીથી, મેદાનમાં પ્રૅક્ટિસ કરતો ફોટો આપે અવશ્ય નિહાળ્યો જ હશે..!! બસ,"जीना इसी का नाम है ।"  સન-૨૦૦૭ની  વર્લ્ડ ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચમાં આપણા દેશના ગૌરવ તથા પોતાની ટીમની જીત માટે  અત્યંત  કટોકટીની પળે, ઇંગ્લેન્ડના સ્ટુઆર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા લગાવનાર યુવા ક્રિકેટર યુવરાજસિંઘે પોતાની જિજીવિષાની લાગણી તથા મનોબળને પણ ગગનચુંબી છગ્ગાની ઊંચાઈ બક્ષીને અસાધ્ય રોગને માત આપી એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે.

" જિજીવિષા જ શ્વસતો રાખે છે માનવીને,
નહિતર ગજું શું, મોત સામે લડે જિંદગી?" 

જિંદગી તારાં કેટલાં રંગ-રૂપ..!!

જિંદગીના કેટકેટલા રંગ છે..!! કોઈ વૈજ્ઞાનિકને મન તે દરરોજ એક નવા પ્રયોગનું પ્રભાત છે. જેલના કોઈ કેદી માટે પ્રત્યેક નવપ્રભાત પોતાના પાપના પ્રાયશ્ચિતની અણમોલ તક છે. કોઈ ડૉક્ટર માટે રોજ કોઈ એક રોગીને રોગમુક્ત કરી નવજીવન પ્રદાન કરવાની તક છે. કોઈ કલાકાર માટે સવારનો સૂર્ય કોઈ એક અદ્વિતીય કલાના નમૂનાને નિર્માણ કરવાનો સંકેત છે. જ્યારે તાજા જન્મીને માતાની સોડમાં સૂઈ રહેલા, કોઈ નવજાત માટે નવપ્રભાતની આ જિંદગી એક નવાં જ સોણલાં નિહાળવાનું નવકિરણ છે. આમતો, ઘરતી પર  હાલ ફાટું-ફાટું થઈ રહેલા, જીવનની પ્રગતિનો ઇતિહાસ ફંફોસીએતો, શરૂઆતમાં એટલે કે જ્યારે પૃથ્વી ઠંડી બની પાણીવાળી થઈ ત્યારે પ્રથમ જીવ પાણીમાં અણુથી પણ નાના સ્વરૂપમાં ઉત્પન્ન થયો. અણુ જેવો જીવ પ્રગતિ પામી માછલી જેવડો થયો. પછી કરોડવાળી માછલીઓ ઉત્પન્ન થઈ. માછલીમાંથી સાપ, દેડકાં, મગર જેવાં જળચર સ્થળચર પ્રાણી ઉત્પન્ન થયાં. સ્થળચર જળચર પ્રાણીમાંથી પેટે ચાલનારા પ્રાણીઓ ઉત્પન્ન થયાં અને તેમાંથી પંખીઓ પેદા થયાં. ઉપરાંત ઊંટ, હાથી, ગેંડો, જિરાફ, સિંહ, ઝિબ્રા,વાનર વગેરે જેવાં સ્તનંધય પ્રાણી ઊપજ્યાં અને તેમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ. આ ઉપરાંત, માનવજાતની ઉત્પત્તિ બાબત અન્ય એક પ્રચલિત  કથા પ્રમાણે આદમ અને ઈવ વચ્ચે ફળ ખાવા માટે કોણે કોની સાથે સમાધાન કર્યું હશે...!! તેની તો કોઈને જાણ નથી પણ ત્યારબાદ વિસ્તરેલી સમગ્ર માનવજાતે, મારાં-તારાંના વ્યર્થ રાગ આલાપી તથા આભાસી સુખ-દુઃખનો અનુભવ કરી સ્થાપિત કરેલી સંસારીક ભ્રામક ગતિશીલતાનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને રસપ્રદ છે,તે નક્કી બાબત છે. ટૂંકમાં, સમગ્ર જીવ સૃષ્ટિ સતત સંઘર્ષ,સંહાર,વિનાશ, નવસર્જન તથા સંજોગ સાથે અવિરત સમાધાનકારી નીતિ અપનાવીને આજ દિન સુધી અસ્તિત્વ ટકાવી રાખી શકી છે " जीना इसी का नाम है ।" તેમ  સહુને ઢોલ પીટીને જીવન ઇતિહાસ પણ કહી રહ્યો છે.

હવે આવો ભવ્ય ઇતિહાસ ધરાવતા જીવના જીવનમાં સંઘર્ષની ક્ષણે પારોઠનાં પગલાં ભરીને છેવટે જીવનનો અંત લાવવા સુધીની કાયરતાને ભીતરમાં મોકળા સરળ પ્રવેશ માટે મનના દરવાજાને ખુલ્લા મૂકી દેનારા તમામ  જીવોને  ઈશ્વરનું એટલું માર્ગદર્શન કે, જે સંભવિત હાર(Defeat)થી ગભરાઈને આપણે જીવનનો અંત લાવવા સુધીના વિચારો કરીએ છે તે મૃત્યુ તો આપણા જન્મ થયાની શુભ ઘડીએ સ્વયં મોતને ભેટ્યું હતું..!! 

ના સમજ્યા? " એક નવા જન્મની ક્ષણ એજ તો છે મૃત્યુનું કરુણ મરણ..!!" મૃત્યુ એ બીજું કાંઈ નહીં પણ જીવનનો શૂન્યાવકાશ માત્ર છે. હવે જો ખુદ મૃત્યુ(શૂન્યાવકાશ)ને જ હરાવીને આપણે દેહ  રૂપે જન્મ્યા છીએ, ઊછરી રહ્યા છે, ત્યારે સંસારમાં મૃત્યુ સિવાયના અન્ય સંઘર્ષ કે ભયને સાવ ગૌણ ન ગણી શકાય? દરેક વ્યક્તિએ જિંદગીના રંગ અલગ-અલગ હોઈ શકે છે ત્યારે કોઈપણ વ્યક્તિએ હતાશ શામાટે થવું જોઈએ? સંસારના દરેક વિઘ્નને હસતા મુખ વધાવી લઈ તેને હકારાત્મક કર્મયજ્ઞના ધારદાર હથિયારથી જબરદસ્ત માત આપી કોઈપણ માનવી સર્વશ્રેષ્ઠ માનવ તરીકે સ્થાપિત થઈ શકે છે.

Life is a continuous process of adjustment. - Indira Gandhi

સુખ-દુઃખ સબ, માયા હી માયા?

મિત્રો, સતત સંઘર્ષ,સંહાર,વિનાશ, નવસર્જન તથા સંજોગ સાથે અવિરત સમાધાનકારી નીતિના આજ વિષય અનુસંધાને આજે આપની સાથે એક ઘટના વાગોળવા મન કરે છે. સવારની ચ્હા પીતાં-પીતાં હું બહાર વરંડામાં હીંચકે નિરાંતની પળ માણી રહ્યો હતો. રાતને હજી કળ વળી હોય તેમ લાગતું ન હતું અને સાથેજ મારી ઊંઘને પણ..!! ત્યાં, મારી ઊંઘ સાવ ઊડી જાય તેવો એક બનાવ બન્યો. મારી ભીતરનો નિરીક્ષક તરત જાગૃત થઈ ગયો. જોયુંતો,ચકલીનું એક સાવ નાનકડું બચ્ચું, મારી બાજુમાંથી, ફ..ડ..ફ..ડ કરતું, જમીન સરસું, ખુલ્લા આસમાનમાં ઊડતાં શીખી રહ્યું હતું અને તે જ્યાં બેઠું હતું ત્યાં વરંડાના કોટની દિવાલ પરથી, તેની માં ચકલી, તે બચ્ચાની બાજુમાં વારંવાર આવી, સાથે બેસીને જાણે તેને શીખવતી હોયકે, " જો બેટા આમ ઉડાય,તેમ ઉડાય..!!" તેમ હાવભાવ સાથે `ફડડડ્‍` દઈને, તેની બાજુમાંથી ઊડી  સામેની દિવાલની ટોચે ઊડીને બેસી જતી હતી. મને તે માં પર ઘણું માન ઊપજ્યું, ` જોને, તે કેવી પોતાના બચ્ચાંને ઊડવાનું શીખવવા, સીધા આકાશને બદલે,શરૂઆતમાં, થોડી ઊંચાઈ સુધી ઊડવાનું શીખવતી હતી..!! વા..હ..!!` પેલા ચકલીના સાવ નાના બચ્ચાનો ડર અને તેની માંનો  બચ્ચાને ઊડતાં શીખવવાનો અદમ્ય ઉત્સાહ, ભારે  રોમાંચ સાથે હું મારા રોમરોમમાં માણી રહ્યો હતો. આટલાં અગત્યના પાઠ ભણીને નાનું બચ્ચું સફળતાપૂર્વક  ખુલ્લા ગગનમાં ઊડવાની તૈયારીમાં જ હતું, ત્યાં તો હાયરે, કા...ળ..!!

હું હજી કાંઈ સમજુ, અટકાવું..!!  ત્યાંતો એક ઘોઘર બિલાડાએ દોડતા તરાપ મારીને ચકલીના નાનાં બચ્ચાને, તીક્ષ્ણ દાંત વચ્ચે જડબામાં દબાવી, તેની પીંખાતી પાંખોનાં પીછાંને, જમીન પર ખેરવતો, બિલાડો ત્યાંથી ભાગી છૂટ્યો.પોતાના વહાલસોયા નાના બચ્ચાનાં પીછાં સામે જોઈ બિલાડાનો નિષ્ફળ પીછો કરવા મથતી આહત થયેલી લાચાર ચકલી માં પણ તેની પાછળ ઊડી ગઈ. બસ, રહી ગયા હવામાં ગુંજતા, એક દુઃખી માંના  આક્રંદના દર્દભર્યાં કરુણ સ્વર માત્ર....!! મારી ઊંઘ હવે સાવ ઊડી ગઈ. ચ્હા અકારણ કડવી લાગવા લાગી. અચાનક વિટળાયેલા આઘાતથી અત્યંત કરુણતા અનુભવી  આજનું અખબાર જ્યાં  મેં  હાથમાં લીધું તો તાજા સમાચારમાં પણ, આવા બે કરુણ સમાચાર પર મારી નજર પડી.* ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની એક વિદ્યાર્થીનીએ, નાપાસ થવાના ભયથી આપઘાત કર્યો,પરંતુ પરિણામ જાહેર થતાં તેના,૭૫% માર્ક આવ્યા હતા. * આવા એક  કિસ્સામાં એક ધોરણ દસના એક વિદ્યાર્થીએ નાપાસ થવાના ભયથી આપઘાત કર્યો પરંતુ, પાછળથી જાણ થઈ તેના પણ ૬૨% માર્ક આવ્યા હતા.પ્રશ્ન ઉદ્ભવે છેકે, શું આ બાળકોનાં માતાપિતા,ગુરુજન પેલી ચકલી માંની માફક  આ બાળકોને સરખું ઊડતાં શીખવવામાં નિષ્ફળ ગયાં હશે? ધોરણ બારના નજીકના લક્ષ્ય પર ધ્યાન આપવાને બદલે ભાવિમાં આવનાર પડકાર સમા ડૉક્ટર, એન્જિનિયર અથવા અન્ય કોઈ આસમાનને અડકવાનું મુશ્કેલ લક્ષ્ય, માતાપિતા, ગુરુજનોએ અતિશય દબાણપૂર્વક આ બાળકોને આપ્યું હશે? કદાચ એમજ હશે..!! તેથી કાળ નામના ઘોઘર બિલાડા સામે  જિંદગી  હારી ગઈ..!! હાસ્તો, બીજું શું વળી...!! જોકે, આપણેતો હાલ શબ્દની કરકસર કરી એટલું કહી શકીએ, " પીંખાતા પંખ બદલે છે, ક્યારેક જિંદગીનો મુકામ, નહીંતર, આમતો છે જિંદાદિલી, જિંદગીનું  જ નામ..!!" 

અમેરિકાના, વર્જિનીયાની નામાંકિત,`Patrick Henry College (PHC) `, કૉલેજના, ઍસોસિએટેડ પ્રોફેસર અને નેશનલ પોલિટિક્સ અને પોલિસી પ્રોગ્રામ્સના ડાયરેક્ટર,`Stephen K. Baskerville` જણાવે છેકે,"માતા પિતાના રૂક્ષ તથા અવ્યવહારુ  આકાંક્ષા-અપેક્ષાથી  પ્રેરિત માનસિક દબાણભર્યા  વ્યવહારને કારણે બાળકના કુમળા મન ઉપર ઘેરી નકારાત્મક અસર થાય છે. બાળકને યોગ્ય વયે, યોગ્ય માત્રામાં, યોગ્ય માર્ગદર્શન અવશ્ય મળવું જોઈએ."  જાણે આનું સમર્થન કરતા હોય તેમ, `સત્યના પ્રયોગો` આત્મકથામાં પૂજ્ય મહાત્મા ગાંધીબાપૂએ સુદ્ધાં કબૂલ કર્યું છેકે,"તેમના હઠાગ્રહી સ્વભાવને કારણે કેટલીયવાર,પૂજ્ય કસ્તૂરબા સાથે મતભેદ થતા હતા,જોકે સરળતાથી શમી પણ જતા." 

ચાલો, હતાશાને કરીએ હતાશ.

અકબર-બિરબલની એક કથા મુજબ, અકબર ચાર મૂર્ખ શોધી લાવવાનું કામ બિરબલને સોંપે છે ત્યારે,  બિરબલ માત્ર બે જ મૂર્ખ શોધી લાવે છે. બાકીના બે મૂર્ખ બાબતે પૂછતાં  બિરબલ જણાવે છેકે," જહાંપનાહ,બેઅદબી માફ કરજો,પરંતુ રાજકાજનાં બીજાં અગત્યનાં કામ પડતાં મૂકી મૂર્ખ શોધવા જનાર એક તો, હું, પોતે ત્રીજો મૂર્ખ છું અને ચોથા મૂર્ખ, આપ પોતે, જે બાદશાહ થઈને, આવા મૂરખ શોધવાનું કામ વિચારો છો, ફરમાન કરો છો." મને ઘણીવાર લાગે છેકે, આપણે પણ હતાશ થવા માટે આવા ફાલતુ મૂર્ખતાપૂર્ણ નિરર્થક કાર્ય પાછળ કાયમ મંડ્યા રહીએ છે? આવા ફાલતુ મૂર્ખતાપૂર્ણ નિરર્થક કાર્યમાં વળી પાછો માનવ જ્યારે પોતાની ક્ષમતા પર શંકા અનુભવી, કાર્ય સફળતા અંગે અવઢવ ભરેલી માનસિક સ્થિતિ અનુભવે ત્યારે તેને પોતે હારવા અંગેનો કાલ્પનિક ભય રોમરોમમાં ઘેરી વળે, તનમનની તમામ ઊર્જા જવાબ દઈ દે તથા હથિયાર ઉઠાવતા પહેલાં પોતાની હાર સ્વીકારી લેવાનું મનોવલણ જોર કરે છે. પરિણામે તેનું ધ્યાન  પોતાના લક્ષ પરથી ચલિત થઈ જાય છે, જે અંતે કાર્ય સફળતા માટેની નિર્ણયશક્તિ (Decision making) પર નકારાત્મક માઠી અસર ઊભી કરે છે. માનસશાસ્ત્ર( Psychology)ની ભાષામાં, મનની આ સ્થિતિને હતાશા (Frustration) કહે છે.

માનવમનની આ દારુણ  સ્થિતિની સાચી ઓળખ સર્વપ્રથમ પંદરમી સદીમાં થઈ હતી. જોકે, અંગ્રેજી સાહિત્યમાં સર્વપ્રથમવાર `Frustration` શબ્દની નોંધણી છેક અઢારમી સદીના મધ્ય ભાગમાં વિધિસર કરવામાં આવી હતી. ત્યારબાદ અનેક માનસશાસ્ત્રી દ્વારા આ વિઘાતક મનઃસ્થિતિના ઉપાય માટે અનેક થિયરી વિકસાવવામાં આવી.જેમાં મુખ્યત્વે બે થિયરી સહુથી વધારે જાણીતી છે.

૧. આક્રમકતા.(Frustration aggression.)

વીસમી સદીની શરૂઆતમાં જ્હોન ડૉલાર્ડ ( Born on August 29, 1900) નામના માનસશાસ્ત્રીએ સાઠ વર્ષોના ગહન અભ્યાસ બાદ તારણ કાઢ્યુંકે, માનવી હતાશા ઉત્પન્ન કરનારા પરિબળોથી ઘેરાઈ જાય તેવા કાબૂ બહારના સંજોગોમાં માનવ સ્વભાવ પ્રમાણે, મનનું સંતુલન ગુમાવીને મોટાભાગે તે આક્રમકતા ધારણ કરે છે. જેના પરિણામે તે પોતાની જાતને, અન્યને અથવા પર્યાવરણને નુકશાન પહોંચાડે તેવું કાર્ય કરવા પ્રેરિત થાય છે. આ સ્થિતિને હતાશામાં થી જન્મેલી આક્રમકતા.(Frustration aggression.) કહે છે. જોકે, હતાશાજનક સ્થિતિમાંથી મુક્તિ મેળવવા વ્યક્તિગત, વ્યવહારગત અથવા સંજ્ઞાત્મક રૂપે પ્રગટ થતી આક્રમતાનો આ માર્ગ અપનાવવાનું તથા તેનું નિવારણ, બંને દેખાય છે તેટલા સરળ હરગિજ નથી.

૨. સહિષ્ણુતા. (Frustration tolerance.)

આજ પ્રકારે, માનવ હતાશાની સ્થિતિમાં ક્યારેક, હતાશા પેદા કરનારા તત્વ સાથે બાથ ભીડી જ ન શકાય તેવા લાચારીના સંજોગોમાં પોતે મૂર્ખામીભરી આક્રમકતા ધારણ કરીને `બલીના બકરા` બનવા કરતાં, આક્રમકતા ત્યજીને, થોડુંઘણું સમાધાનકારી વલણ અપનાવી,પોતાની સહનશક્તિનો મહત્તમ ઉપયોગ કરીને હતાશાભરી પરિસ્થિતિનો સામનો કરવાનો સહુથી સરળ તથા શ્રેષ્ઠ માર્ગ અપનાવે છે.

જોકે, ઉપરોક્ત વિશ્વ પ્રચલિત મનોવૈજ્ઞાનિક થિયરીના આધારે એમ અવશ્ય કહી શકાયકે, જીવન સંઘર્ષમય છે તે બાબતને નકારી ન શકાય પરંતુ આ પરિસ્થિતિનો  જવાંમર્દી અને જિંદાદિલીથી સામનો કરવો જ રહ્યો. તો શું  જિંદાદિલ માનવ બનવું એટલું સરળ હશે? જીહા, કેમ નહીં..!!  વોશિંગ્ટન ડી.સી. સ્થિત સંસ્થાના ચેરમેન Walter Isaacson (Born May 20, 1952), જેઓએ  હેન્રી કિસીંગર, બેન્જામિન ફ્રેન્કલિન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીવ જોબ્સનું જીવનચરિત્ર લખ્યું છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈનસ્ટાઈન પર લખેલા પુસ્તક,(શીર્ષક) 'Einstein: His Life and Universe' માં તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરે છેકે,"દુનિયા જેને વિશ્વના મહત્વના વૈજ્ઞાનિકોમાં એક ગણે છે,સન્માન કરે છે તેવા મહાન આઈનસ્ટાઈનનું અંગત જીવન ખૂબ સંઘર્ષપૂર્ણ વીત્યું હતું. જગત સમક્ષ સાચા પ્રેમની તેમની અપેક્ષા ક્યારેય પરિપૂર્ણ ન થઈ શકી નહતી. છતાંય તેઓએ લગીર હતાશ થયા વગર જવાંમર્દી-જિંદાદિલીના સહારે દુનિયાને માનવકલ્યાણને ઉપયોગી  અનેક અદ્ભુત શોધ ભેટ ધરી. જોકે, ખરી વાતતો એ છેકે, ઉમદા વિચારો તથા કાર્યો દ્વારા પોતાની શ્રેષ્ઠતા સ્થાપિત કરી, સમાજમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરેલા આવા અનેક મહામાનવના અનુકરણીય ઉદાહરણને આપણે ઇરાદાપૂર્વક કદાચ વીસરી ગયા છે..!!

સત્ય એ છેકે, જિંદાદિલ બનવા માટે દરેક વ્યક્તિએ,આ દુનિયામાં ડગલેને પગલે અંગત સ્વાર્થ ત્યજીને સમાધાનકારી વલણ સાથે જીવવાની તૈયારી કરવી જોઈએ અને આ વલણ આત્મસાત્ કરવા કાજે દરેકે  માત્રને માત્ર હકારાત્મક, પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ.  આપણી આ જિંદગી ચાર દિવસનું ચાંદરડું છે. પાંપણને બંધ, ફરી ઉઘાડો અને જેટલી વાર લાગે,તેટલી જ વારમાં જાણેકે, જિંદગી શરુ થઈને પૂર્ણ થતી હોય તેમ ભાસે છે. આટલા અલ્પ સમયમાં વળી,ધન ઉપાર્જન, ભોજન, આનંદપ્રમોદ અને ઊંઘવાનાં સમયને બાદ કર્યા પછી  માનવીને આ સંસારમાં  સહુની સાથે  લડી-ઝગડી, પોતાના પગ પર જ કુહાડા માર્યા બાદ છેવટે, જાત સાથે સમાધાન કરવું પડે છે ત્યારે, તેવી સ્થિતિમાં અજાણ્યા મિત્રને શોધવા નીકળવું તેના કરતાં જાણીતા દુશ્મનનો (!!) સામનો કરવો જીવનમાં વધારે સરળ હોય છે તેમ માનવું..!!  

હતાશાને હતાશ કરનારા વિશ્વવ્યાપી જવાંમર્દ.

માનવીને જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ એટલે જીવન સંગ્રામ અથવા  'સ્ટ્રગલ ફૉર એક્ઝિસ્ટન્સ' તેમાંથી નીપજતાં અનેક સારા-નરસાં પરિણામ, તેમાંનું  એક  તે  હતાશા. જગપ્રસિદ્ધ આયરિશ નાટ્યકાર,કવિ, લેખક-ઑસ્કર વિલ્સ વાઇલ્ડ ના તારણ અનુસાર, " હતાશા એ મનુષ્ય ના લમણે લખાયેલું, અનિવાર્યપણે ભોગવવું પડતું એવું પાપ છે, જેમાંથી કોઈને પણ, ક્યારેય પણ, માફી કે મુક્તિ મળતી નથી..!!"  જો આ કથનમાં રતીભાર પણ સત્ય છે તો, તેના ઉપાય સ્વરૂપે આપણે આ અનિવાર્ય પાપમાંથી મુક્તિ મેળવનારા કેટલાક જિંદાદિલ જવાંમર્દ મહાનુભાવના કિસ્સાને જરૂર વારંવાર મમળાવી તેમાંથી પ્રેરણા મેળવવી જોઈએ.

પ્રખ્યાત માઉન્ટેઈન ક્લાઈમ્બર `Aron Ralston` ઍરોન રાલ્સનના જીવનમાં બનેલી દર્દમય કરુણ સત્ય ઘટના પર લખાયેલા પુસ્તક, "Between a Rock and a Hard Place" પર આધારિત, ઑસ્કારવિનર અને `સ્લમ ડૉગ મિલિયોનર્સ` ફેઈમ, જગવિખ્યાત ફિલ્મ ડાયરેક્ટર, `Danny Boyle' દ્વારા નિર્માણ પામેલી ફિલ્મ  '127 Hours' માં જ્યારે, `રોક ક્લાઈંબિંગ` માટે નીકળેલો  હીરો  જેમ્સ ફ્રેન્કોનો જમણો હાથ જ્યારે એક મોટા પથ્થર નીચે બૂરી રીતે ફસાઈ જાય છે ત્યારે, તે નિર્જન સ્થળે સતત પાંચ દિવસ સુધી હાથને બહાર ખેંચી  કાઢવાના અનેક નિષ્ફળ પ્રયત્ન બાદ, પોતાનો જીવ બચાવવા તે સાવ નાનકડી છરી(પેપર કટર)થી, પોતાનો ફસાયેલો હાથ કાપવાનો નિર્ણય અમલ મૂકે છે. તે ઘડીએ હીરોનું મનોમંથન ભલભલાના શ્વાસ થંભાવી દે તેવું છે.  આ પાંચ દિવસમાં, પોતાની પાસેનું પાણીનું છેલ્લું બૂંદ પણ ખલાસ થઈ જતાં, તેને પોતાનું  શિવાંબુ પણ પીવાની ફરજ પડે છે. જોકે, આ સત્ય ઘટનામાં પોતાનું દર્દ જગતને જણાવવા છેવટે તે પોતાનું જીવન બચાવવામાં સફળ થાય છે.

આપણે આ લેખની શરૂઆતમાં ક્રિકેટર યુવરાજસિંઘનું ઉદાહરણ ટાંક્યું છે પરંતુ, યુવરાજને હોસ્પિટલમાં સાજા થવાની શુભેચ્છા પાઠવી અનેરું પ્રેરક બળ પ્રદાન કરનારા, અમેરિકાના સાયકલવીર લાન્સ આર્મસ્ટ્રોંગને પણ સન ૧૯૯૬માં વૃષણની કોથળીનું કેન્સર નિદાન થયું ત્યારબાદ આત્મબલને મજબૂત કરી,જિજીવિષાને પ્રબળ કરી સન-૧૯૯૯ માં સારવારથી રોગમુક્ત થઈ, આ જિંદાદિલ જવાંમર્દ લાન્સભાઈએ સાયકલીંગમાં સહુથી મુશ્કેલ મનાતી `ટૂર ડી ફ્રાન્સ`ની ચેમ્પિયનશીપ એકવાર નહીં, પરંતુ સતત સાત વર્ષ સુધી મેળવી? બોલો, હતાશાને હરાવ્યાનું છેને આ સચોટ ઉદાહરણ..!!

` મારી પીડા કાયમી નથી,તે એક મિનિટ, એક દિવસ, એક વર્ષ ચાલે, પણ એક દિવસ તે જરૂર શમી જશે, તેનું સ્થાન બીજું કાંઈક લેશે,તેવામાં જો હું મેદાન છોડી દઉં, પલાયન થઈ જાઉં તો તે બાબત મને જિંદગીભર સાલશે, પીડશે.સંજોગને શરણે થવું, બહુ જ નાની વાત હોય તો પણ કર્મથી હાથ ખંખેરી નાખવા એ બાબત જિંદગીભર પીડતી રહે છે. એટલે મને મેદાન છોડી ભાગવાનો વિચાર આવે ત્યારે હું, મારી જાતને પૂછીશ કે, હું કઈ બાજુએ રહીશ?
- સાયકલવીર લાન્સ આર્મસ્ટ્રોંગનું આત્મચરિત્ર 'ઇટ્સ નોટ અબાઉટ ધ બાઇક: માય જર્ની બેક ટુ લાઇફ'

આવોજ દાખલો નાસાના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક,બ્રિટિશ નાગરિક સ્ટિફન વિલિયમ હૉકિંગનો છે. જેઓ સંપૂર્ણ લકવાગ્રસ્ત શરીરને કારણે ફક્ત,`સ્પીચ જનરેટીંગ ડિવાઈસથી` વાતચીત કરી શકતા હોય તેવા ખરાબ સંજોગોમાં પણ, માનવ જીવનને માટે અત્યંત ઉપયોગી એવા `બ્લેક હોલ્સ-Black holes,Theoretical cosmology,Quantum gravity, Hawking radiation` ના સંશોધન માટે જીવન ન્યોછાવર કર્યું તે માનવ ઇતિહાસમાં જવાંમર્દી તથા જિંદાદિલીનું અનન્ય ઉદાહરણ છે. * આ ઉપરાંત, સમુદ્રમાં ઊંડે,`ચેલેન્જર ડિપ` તરીકે ઓળખાતા સ્થળની ઊંડાઈ (આપણા માઉન્ટ ઍવરેસ્ટને ઊંધો કરીએ એટલી ઊંડાઈ) સુધી મજબૂત મનોબળ દ્વારા વિશ્વના પ્રથમ માનવ તરીકે ડૂબકી લગાવનારા જેમ્સ કેમેરોન. * સન-૧૯૩૬માં બર્લિન ઑલેમ્પિક્સ-જર્મનીમાં યજમાન જર્મની અને ભારત વચ્ચે હોકીની રસાકસી ભરી રમતમાં જર્મનીની ભારતના ધ્યાનચંદ સહિતના રમતવીરોએ એવી માઠી દશા કરી નાંખી કે સ્ટૅડિયમમાં બેઠેલો અજેય ગણાતો હિટલર અડધી મેચ પડતી મૂકીને, હારવાની બીકે ઘર ભેગો થઈ ગયો હતો. *સન-૧૯૧૩માં પારસી પરિવારમાં જન્મીને અનેક અગવડ વેઠી ભારતની સ્વતંત્રતાના `રેર` પ્રસંગોને કચકડે મઢનારા પદ્મવિભૂષિત સ્વ.શ્રીમતી હોમાઈ વ્યારાવાલા.* અનેક વિપરીત ટીકાઓ વચ્ચે અડગ મનોબળ દ્વારા જવાંમર્દી દાખવીને સદીઓની સદી લગાવનારા શ્રીસચિન તેંડુલકર.* સન-૧૯૯૩થી ૨૦૧૧ સુધી બંગાળ તથા સિક્કિમનું પ્રતિનિધિત્વ કરી કેન્દ્ર સરકાર દ્વારા અર્જુન તથા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત  ફૂટબોલનો જાદૂગર બાઈચૂંગ ભૂટિયા.* ૫ સપ્ટેમ્બર ૧૯૮૬ મુંબઈથી વાયા કરાચી ન્યૂયોર્ક રવાના થયેલી ફ્લાઈટનું અપહરણ થતાંજ ઇમર્જન્સી ગેટ ખોલીને વિમાનના યાત્રિકોને બહાર કાઢતા સમયે આતંકવાદીઓના પોઈંટ બ્લેંક ગોળીઓના વરસાદથી વિરતાપૂર્વ મોતને ભેટેલી એર હોસ્ટેસ સ્વ.નીરજા ભાણોટ.*સિનેજગતનો ઉલ્લેખ કરીએતો હાલ જેમનું દુઃખદ નિધન થયું છે તે પદ્મભૂષણ સદાબહાર નિર્માતા-નિર્દેશક-લેખક-અભિનેતા શ્રીદેવાનંદજી.*આપણા ગુજરાતમાં અનેક દુઃખ વેઠીને સન્માનના શિખરે બિરાજ્યાં હોય તેવાં કોકિલકંઠી ગાયિકા શ્રીદિવાળીબહેન ભીલ.* વડોદરા નજીક ગોરજ મુકામે, સાવ જંગલમાં આશરે ૬૫ એકરમાં, દાનવીરોની સહાયતાથી તથા સ્વૈચ્છિક શ્રમયજ્ઞ દ્વારા, કેન્સર હૉસ્પિટલ સહિત અનેક સેવાકેન્દ્રનું સ્થાન તે છે ગોરજ મુનિ આશ્રમ તથા તેનાં સ્વપ્નદ્રષ્ટા સુશ્રી અનુબહેન ઠક્કર.

મિત્રો,ઉપર દર્શાવેલા મહાન માણસોના લિસ્ટનો જ્યારે કોઈ અંત નથી ત્યારે અત્યારે એ નોંધવું જ અગત્યનું છેકે, સમય પહેલાં હાર માની લેવાની વૃત્તિ એ માનસિક વિકૃતિ, દુઃખ અને હતાશામાંથી જન્મ લેતી એક ગંભીર બિમારી છે, આવી વ્યક્તિએ ખરેખર તો  અજ્ઞાનતા,  નકારાત્મકતા, એકલતાની પીડા જેવી અનેક બાબતોને ફગાવીને,ખોટી જીદ ત્યજી, જીવનમાં ધીરજ-સમજદારી દાખવી પોતાની સમક્ષ આવેલા કોઈપણ પડકારનો સામનો કરવા સદા તૈયાર સહેવું જોઈએ.વ્યક્તિ,સમાજ,દેશ અને દુનિયામાં,આ પ્રકારના દૂષિત મનોરોગની ઊધઈને જો ઊગતી જ ડામી દેવામાં ન આવે તો તેનાં ગંભીર પરિણામ નીપજી શકે છે.

સાચી વાત તો એ છેકે, આપણે જો ઈશ્વરના  જ, અંશ હોઈએ અને તેથી ઈશ્વર આપણામાં જીવતત્વ, પ્રાણ કે ચેતના સ્વરૂપે જો, આપણી  ભીતર જ રહેતા હોય તો..!! જેમ આપણે, આપણા અંતરમન સાથે  વાત કરવા ઢોલ-ઝાલર, લાઉડસ્પીકર કે વરઘોડા કાઢતા નથી, તેજ પ્રમાણે જીવતત્ત્વના હકારાત્મક સાક્ષાત્કાર માટે ઘોંઘાટમય પ્રાર્થનાને બદલે સાચા હ્રદયથી મૌનભાવ  ધારણ કરીને,  પ્રાર્થના દ્વારા સત્ય રૂપી અણમોલ મોતી પ્રાપ્ત કરી હતાશા મુક્તિની સચોટ અકસીર દવા હસ્તગત  કરીએ તેમાં જ સાચું શાણપણ  છે.

ગ્રંથે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે,સત્ય છે એ જ મન એમ સૂઝે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ - નરસિંહ મહેતા

અત્રે સન-૧૯૫૭માં નિર્માતા-નિર્દેશક,લેખક શ્રીમહેબૂબખાન દ્વારા પ્રદર્શિત થયેલી અત્યંત સફળ ફિલ્મ-મધર ઇંડીયામાં સુશ્રીલતાદીદીએ ગાયેલા એક સુંદર ગીતની પંક્તિ પણ મમળાવવા જેવી છે."દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા." જોકે જીવનને ઝેર જેવું બનાવવું કે, અમૃત જેવું તે આપણા જ હાથમાં છે તેમ આપને નથી લાગતું?

તોપછી ચાલો,આજથી જ હતાશાને કરીએ હતાશ કારણકે,
जीना इसी का नाम है ।
માર્કંડ દવે.તા.૨૮-૦૪-૨૦૧૧.

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.