Saturday, January 16, 2010

આપ ,` Atheist-નાસ્તિક`,છો ?

આપ ,` Atheist-નાસ્તિક`,છો ?

પ્રિય મિત્રો,

આસ્તિક એટલે ઈશ્વરના અસ્તિત્વને માનનાર..!! તેનો વિરુદ્ધાર્થી શબ્દ નાસ્તિક છે.

હિન્દી ફિલ્મ `દિવાર`માં શ્રીઅમિતાભ બચ્ચન-`વિજય`, બાળપણમાં પોતાની માઁ, નાનાભાઈ અને પોતાને પડેલા કારમા દુઃખના રોષપૂર્ણ પ્રતિભાવરુપે, ભગવાનને માનવાનો ઈન્કાર કરી, માઁ સાથે મંદિરના દ્વાર સુધી દરરોજ જાય છે, પરંતુ મંદિરમાં પ્રવેશી, ભગવાનને માથું નમાવવાનો ઈન્કાર કરે છે.જોકે, જીવનની અંતિમ ક્ષણોમાં, વિજય ભગવાનના મંદિરમાં જ પશ્ચાતાપ કરીને, અંતિમ શ્વાસ લે છે.

મોટાભાગે, આ પ્રકારના, અગાઉ બનેલા, હ્યદયને અત્યંત દુઃખ-પીડા પહોંચાડતા, કેટલાક દુઃખદ, અણધાર્યા બનાવોને કારણે,વ્યક્તિ નાસ્તિક બને છે.

Atheist-નાસ્તિકતાનો ઉદભવ.

મૂળ ગ્રીક શબ્દ `Atheos`, ( ઈશ્વર નથી ) ઉપરથી ` Atheist-નાસ્તિક`,શબ્દ ઉદભવ્યો છે.

નાસ્તિકતાઃ- ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર એટલે, "ઈશ્વરના જગમાન્ય સ્વરુપ સિવાય અન્ય સ્વરુપની ધારણા, ઈશ્વર છે જ નહી અથવા સર્વમાન્ય સ્થાપિત ધર્મોના સિદ્ધાંત,ઉપદેશ માનવાનો ઈન્કાર." તેને નાસ્તિકતા કહે છે. નાસ્તિકતાનો વાદ, ઘણો જૂનો છે.

નાસ્તિકતાના,એક તર્ક પ્રમાણે, ઈશ્વર દેખાતો નથી.આપણી વચ્ચે સદેહે મોજૂદ નથી,તો તેને કેવળ અનુમાનથી,અનુભવથી,ભ્રમણા અને ધારણાઓથી ધર્મગુરુઓ, મનાવવાનો પ્રયત્ન કરે તે કેમ ચલાવી લેવાય ?
તેથી ઉલ્ટો તર્ક, ધારી લો કે આપણી વચ્ચે, ઈશ્વર સદેહે હાજર છે, તો પછી આપણામાં અને તેનામાં ફરક ક્યાં રહ્યો..!! તેને ઈશ્વર શા માટે માનવો ?

સમગ્ર દુનિયામાંથી, ગુલામીપ્રથા નાબૂદ ન થઈ ત્યાં સુધી તો, જે તે દેશના રાજાને જ ઈશ્વર માનવાની પ્રથા, યેનકેન પ્રકારે ધાક-ધમકી,દબાણ,જાહેર દંડ,હિંસક અથડામણ વગેરે દ્વારા, લાગુ પાડવામાં આવતી હતી. તે સમયે ઈશ્વરમાં માનનાર બહુમતી ગુલામી અવસ્થામાં જીવતી હતી,જે કોઈ અવતાર દ્વારા તેઓના કષ્ટના નિવારણની રાહ જોતી હતી.જ્યારે અન્ય અમીર-ઉમરાવ તથા રાજાના ફેંકેલા ટૂકડાઓ ઉપર જીવતો વર્ગ,પોતાનો અંગત સ્વાર્થ-સત્તા ટકાવી રાખવા લાલંલોલ કરીને `રાજા જ ઈશ્વર છે`,તેમ મનાવવાના પ્રયત્નમાં ગુલામો ઉપર દમન ગુજારવામાં રાજાને, સહકાર આપતો.

આપણે,ભક્ત પ્રહલાદ, પોતાને ઈશ્વર કહેવડાવતા,તેના પિતા રાજા હિર્ણ્યકશ્યપુ, તથા હોલિકાની કથાથી, સુપેરે પરિચિત છીએ.જેને યાદ કરી દર વર્ષે હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવીએ છીએ. રામાયણમાં પણ, શ્રીરામને ભગવાનનો અવતાર માનવાનો ઈન્કાર કરી, રાવણે નાસ્તિક હોવાનો પુરાવો આપ્યો હતો.

છેવટે આ બંન્ને રાક્ષસરાજને હણતી વખતે ભગવાને વરદાન માંગવા કહ્યું,ત્યારે તેઓએ નાશવંત શરીર માટે અમરત્વને બદલે,મોક્ષ અને મૂક્તિનું વરદાન માંગ્યું હતું

ખરેખર, જો ભયને કારણે જ આસ્તિકતા,નાસ્તિકતા નો ભાવ મનમાં પેદા થતો હોય તો, મૃત્યુનો પણ ભય રાખવાની જરુર નથી,આ દુનિયામાં જેનું નામ છે તે સર્વ નાશવંત છે.

એક ગુરુ.અને ચેલો, ભ્રમણ કરતા-કરતા એક નગરમાં પહોંચ્યા,ત્યાં કોઈએ નગરશેઠની હવેલી બતાવતાં` મિક્ષાન્ન દેહિ.` કરીને,દ્વાર પર ઉભા રહ્યા.શેઠાણીએ ગુરુ ચેલાની આગતા-સ્વાગતા કરી,સુંદર,સ્વાદિષ્ટ ભોજન જમાડીને,વંદન કરી,દક્ષિણાસ્વરુપે,સ્વર્ણમૂદ્રાઓ આપી.ગુરુ-ચેલો શેઠાણીને `અખંડ સૌભાગ્યવતી`નો આશીર્વાદ આપી,`સાધુ તો ચલતા ભલા` એ ન્યાયે આગળ વધ્યા.

આગળ જતાં જંગલ આવ્યું.જ્યાં સાંજ ઢળી ગઈ, હવે આગળ ગુરુ ચાલે,પાછળ શિષ્ય, સ્વર્ણમુદ્રાઓ શિષ્યની ઝોળીમાં હતી,ગુરુને અંધકારમય જંગલમાં ચોર-ડાકૂનો ભય સતાવવા લાગ્યો.તેથી તે આગળ ચાલતાં ચાલતાં શિષ્યને વારંવાર પૂછવા લાગ્ય,"બેટે, કુછ ભો (ભય) જૈસા તો નહીં હૈ ના?" શિષ્ય જવાબ આપતો," ના ગુરુજી કોઈ ભય નહીં હૈ."

છેવટે, ગુરુજીના અવારનવાર પુછાતા પ્રશ્નથી શિષ્ય કંટાળ્યો. થોડે દૂર જતાં જ ગુરુએ ફરી એજ પ્રશ્ન પૂછ્યો," બેટે, કુછ ભો (ભય) જૈસા તો નહીં હૈ ના?"

જોકે આ વખતે શિષ્યએ નિરાંતે વળતો જવાબ આપ્યો,"ગુરુજી, જો ભય થા વો, મૈંને કુઁવે મેં ડાલ દીયા." ( જે સ્વર્ણમુદ્રાઓ ચોરાઈ જવાનો ભય હતો,તેને મેં કૂવામાં નાંખી દીધી.)

મને ખાત્રી છે,ત્યારબાદ ચેલાને જ ગુરુ બનાવી, અજ્ઞાનીગુરુ પોતે ચેલા બન્યા હશે.

આમ તો, અઢારમી સદીના અંત સુધીમાં, ધીરે-ધીરે વિશ્વમાંથી ગુલામીપ્રથા નાબૂદ થઈ. માનવીને પોતાના વિચાર અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ.

ઈશ્વરને માનનારા,અનેક ધર્મો હવે,ઉઘાડેછોગ ઈશ્વર ના અસ્તિત્વને સાબિત કરવાના પ્રયત્નમાં લાગી ગયા. આમ કરવા જતાં અનેક ધર્મોએ,પોતાનો પ્રભાવ અને અનુયાયી સંખ્યા વધારવાની લ્હાયમાં, સમાજમાં સાચા-ખોટા દાવ અને દાવાઓ અજમાવવા શરુ કર્યા.

રાજાઓના સ્થાને હવે, તમામ ધર્મના, ધર્માચાર્યોએ પોતે જ ઈશ્વરનો અવતાર હોવાનો પ્રચાર કરી, પ્રજામાં, મૃત્યુ બાદ, જહ્હન્નમ, નર્ક, દોજખ,પાપનો ભય દર્શાવી, માનસિક આતંક ફેલાવવાનો શરુ કર્યો.સાથે જ , જન્નત, હૅવન, સ્વર્ગ, પૂન્ય કમાવવા, જેવી લાલચ પણ આપવાનું શરુ કર્યું.

આ માટે ધર્મના પ્રચાર-પ્રસાર અર્થે, ધર્માચાર્યો દ્વારા, સારા-નરસા માર્ગ અપનાવી, અઢળક ધનસંચય કરી ધર્મસંસ્થાનો ના નામે, દુકાનો સ્થપાવા લાગી.તેમાં જગતની દુવિધા અને કષ્ટથી મૂક્તિ અપાવવાના બહાને, મોં- માથા-ધડ વગરની પ્રવૃત્તિઓ,અયોગ્ય આચાર-વિચાર,દંભ,આડંબર,લોભ-લાલચ,હિંસા જેવી સમાજ વિરોધી પ્રવૃત્તિઓ દ્વારા ધર્માંતરણ કરાવી,પોતાના અનુયાયી વધારીને,છેવટે જે તે દેશના સત્તામંડળ પર પોતાનો પ્રભાવ-વગ વધારવાના હીન પ્રયાસ થવા લાગ્યા.

સમાજનો પ્રબુદ્ધ,સમજુ,પ્રગતિશીલ, સ્વકેન્દ્રી,ભણેલો વર્ગ,ધર્માચાર્યોના દુરાચાર,ખરાબ આચાર-વિચાર, દંભ-દેખાડાનાં, ગળે ના ઉતરે તેવાં ગતકડાં અને ખૂદને ઈશ્વરનો અંશ દર્શાવી, સમાજને ગેરમાર્ગે દોરવાના વામણા-વરવા પ્રયત્નોથી કંટાળ્યો. હવે આ બોલકા વર્ગે માથું ઉંચકી ઈશ્વર અને ઈશ્વરનો અંશ હોવાનો દાવો કરતા ધર્માચાર્યોને,તેમની વાત સાબિત કરવાનો પડકાર ફેંકવાનો શરુ કર્યો.

ઈશ્વર અને ઈશ્વરના અંશની સાબિતી માંગનાર,આ વર્ગ નાસ્તિક `Atheist `,કહેવાયો,જ્યારે તેમના આવા વિચારને નાસ્તિકતા`Atheism` કહેવાઈ.

હાલમાં `Bharat Jan Gyan Vigyan Jatha`,જેવી અનેક સંસ્થાઓ, ધર્મના નામે ચમત્કારો કરી અનુયાયીઓને આંજી નાંખવાના પ્રયત્ન કરતા, ઢોંગી સાધુ, સંતો, મૌલવીઓ, ફકીરોની પોલ ખોલવાના સરાહનીય કાર્યમાં લાગેલી છે.

નાસ્તિકતાની સાદી વ્યાખ્યા એટલે જગત વ્યાપી ઈશ્વરના અસ્તિત્વને માનવાનો ઈન્કાર.

નાસ્તિક વ્યક્તિ,ઈશ્વરવાદ,દૈવત્વના અસ્તિત્વ અને દેવની અનૂભુતિને માનવાનો ઈન્કાર કરે છે.આવી વ્યક્તિઓ,"હું ઈશ્વરને માનતો નથી,મૂર્તિપૂજા એક તૂત છે.",તેવું જાહેરમાં કહીને,પોતે નાસ્તિક હોવાનો તથા તેને કારણે,ઈશ્વરને માનનારા, ઘેંટા-બકરાંનાં ટોળાંની, દુનિયાથી અલગ હોવાનો ગર્વ અનુભવે છે.

" Life is a maze( ભુલભુલામણી) in which we take the wrong turning before we have learnt to walk."

CYRIC CONNOLLY (1903-1974) British Journalist.

નાસ્તિક વ્યક્તિઓની નાસ્તિકતા, આતંકિત જીદ્દની હદ સુધી, પ્રભાવી હોય છે.આવી વ્યક્તિઓ, ઈશ્વર નથી તેવું સાબિત કરવા અનેક દાખલા-દલીલ અને ઉદાહરણ દ્વારા,સામે દલીલ કરનાર,ઈશ્વરમાં માનનાર વ્યક્તિ, થાકીને હાર માને નહીં,ત્યાં સુધી જંપતા નથી.

આજે વિશ્વમાં નાસ્તિકની સંખ્યા,વિશ્વની કુલ વસ્તીના ૨.૩ % (બે પોઈંટ ત્રણ ટકા) છે. જાપાનમાં નાસ્તિકોની સંખ્યા,કુલ વસ્તીના ૬૫% (પાંસઠ ટકા) છે.સ્વીડનમાં ૮૫% (પંચ્યાસી ટકા) અને ઈટાલીમાં નાસ્તિકની સંખ્યા માત્ર ૦.૯ જેવા સિંગલ ડીજીટમાં છે.ભારતમાં આ અંગેનો પ્રામાણિક સર્વે કરવા જેવો છે.

ઈશ્વરના અસ્તિત્વના વિકલ્પે ,નાસ્તિકતાનું માનસિક વલણ ધરાવતો વર્ગ,મોટાભાગે બિનસાંપ્રદાયિકતા
(Secularism),માનવતાવાદ( Humanism) , બુદ્ધિવાદ(Rationalism), અને વાસ્તવવાદ(Naturalism) ને સ્વીકારે છે. નાસ્તિકોનું આવું વલણ દર્શાવે છે કે, તેઓ સર્વે પણ, કોઈ એક સર્વ સંમત મત ઉપર અડગ કે વફાદાર નથી.

જોકે આપણા દેશમાં વ્યાપ્ત તમામ ધર્મોમાં,એક યા બીજા સ્વરુપે, ઈશ્વરને દ્રઢપણે માનનારી, આપણી ભારતીય સંસ્કૃતિમાં, આ પ્રકારના નાસ્તિકોનું મહત્વ, પ્રીન્ટ, રેડિયો, ટીવી, ફિલ્મ વિગેરે પ્રચારના માધ્યમોમાં ,પોતાના વિચારો અસ્પષ્ટપણે વ્યક્ત કરતા, ખાનાપૂર્તિ કરતા મહેમાનોથી વધારે ક્યારેય નથી,ભારતમાં આ વર્ગને ગંભીરતાથી લેવો પડે..!! તેટલી સંખ્યામાં તેઓની બહુમતી કદાચ નથી ?

સુપ્રસિધ્ધ બ્રિટીશ લેખિકા,`Karen Armstrong`,( Born 14 November 1944 in Wildmoor, Worcestershire) ,એ વિવિધ ધર્મોની સરખામણી કરી એક `સોનેરી સૂત્ર` સ્થાપિત કર્યું છે, "Golden Rule: Do not do to others what you would not have done to you."

લેખિકા કૅરિને, વિવિધ ધર્મોના ઉંડા અભ્યાસ દ્વારા, તારણ કાઢ્યું કે, " તમામ શ્રેષ્ઠ, મહાન સંસ્કૃતિમાં, એકજ વાત, ઘણા બધા સામ્ય સાથે કહેવાઈ છે. ફક્ત તેઓની કહેવાની રીત અલગ-અલગ છે.જોકે, આપણે પરદેશના,લેખક-
લેખિકાઓના, તારણો નોંધીને ગૌરવ કરવા જેવું નથી.

દેશ-પરદેશના, આ બધા હાલના લેખકો-કવિઓ,વિવેચકો કરતાં,કેટલીય સદી અને દાયકાઓ અગાઉ,આપણા ઈશ્વરીય અવતારો, લેખકો-કવિઓ આજ બાબત સચોટતાપૂર્વક નોંધી ગયા છે.

આપણે ગુજરાતના પરમ હરિભક્ત, આદ્યકવિ શ્રીનરસિંહ મહેતાજીના જ એક ભજનનું સમરણ કરીએ તો,

" ઘાટ ઘડીયા પછી, નામ રુપ જૂજવાઁ,અંતે તો હેમ નું હેમ હોવે."

૧૮મી સદીમાં, સન ૧૯૭૨માં, પ્રખ્યાત ફ્રેન્ચ-જર્મની લેખક, ફિલોસોફર, ` Paul Heinrich Dietrich `, ના માનવા મુજબ," તાજાં જન્મેલાં બાળકોને,જગતમાં સહુથી મોટા નાસ્તિક ગણી શકાય,કારણકે તેઓને ઈશ્વર અંગે કોઈ જ જાણકારી હોતી નથી."

પૂજ્ય ગાંઘીબાપૂના વિશ્વાસુ અને ભારતમાં, નાસ્તિકતા ચળવળના પ્રણેતા,`Goparaju Ramachandra Rao`, (મદ્રાસ-November 15 ,1902-1975) એ નાસ્તિકતાને, વિશાળ હકારાત્મક સંદર્ભમાં સ્વીકારવા માટે, નાસ્તિકતાને બિનસાંપ્રદાયીકતાનું ( Secular India) નામ આપ્યું.

એ બાબત સાવ અલગ છેકે, આઝાદીના લડવૈયાઓએ નિહાળેલું, બિનસાંપ્રદાયીક ભારતનું સ્વપ્ન, અત્યારે તકસાધુરાજકારણી,અંતિમવાદી,અને કટ્ટર, ધર્માંધ લોકો, દ્વારા બિનસાંપ્રદાયીકતાના સમૂળગા અર્થને, બદલી નાંખીને,પોતાના સ્વાર્થ સાધવાનું સાધન બની ગયું છે.

આસ્તિકતા એટલે સત્યની પૂજા

છેવટે લેખનું સમાપન કરતાં એટલું નોંધવાનું જરુર મન થાયકે, ધર્મના પ્રચાર-પ્રસારના, પ્રપંચથી દૂર રહીને, જો કોઈ ધર્મને સલામ મારવાનું મન થાય તો, તે પારસી સમુદાયનો ધર્મ છે. (Indian-Zoroastrian communities) કોઈ વટાળ-પ્રવૃત્તિ નહી,કોઈ હો-હા નહી.આખી જાતિ નામશેષ થઈ જાય તો ભલે..થાય...!!

મારા સાહેબ, ધર્મનો કોઈ ટૂંકો, અસ્પષ્ટ અને અઘરો અર્થ કરવાને બદલે,ચાલો સાચા ધર્મ-આસ્તિકતાને ઓળખી લઈએ.

આખા જગતનો એક જ ધર્મ-માનવધર્મ અને આખાયે વિશ્વનો ઈશ્વર માત્ર એક જ- સત્ય.
અને માનવધર્મનો એક જ સર્વમાન્ય વૈશ્વિક, ઉપદેશ-સિદ્ધાંત.

૧. પડતાને પાટુ નહીં, આપનો હાથ આપો.

૨.અણીના સમયે દુઃખીને સાથ આપો.

૩. માનવ માત્ર સાથે પ્રેમ-આદર રાખો.

૪.સત્યનું આચરણ કરવું.

૫.દુશ્મન પણ મિત્ર બને,તેવું આચરણ કરો.

૬.અન્ય માટે ત્યાગ અને વિતરાગ ભાવ કેળવો.

૭.દેશપ્રેમ-ચારિત્ર્ય ઉંચું રાખો.

૮.નીતિ+નિષ્ઠા+ફરજ+કર્મ= ધર્મ.

૯.આડંબર નહીં,સદ-આચરણ સાચો ધર્મ છે.

૧૦.છેલ્લે,ધર્માચરણ માટે,ભવ્ય મંદિર-મસ્જીદ-ચર્ચ-ગુરુદ્વારા નિર્માણ કરવા કરતાં, સુંદર, સ્વચ્છ મનની જરુર છે.

"સ્વધર્મે નિંધનં શ્રેયઃ,પરધર્મો ભયાવહ।"

અર્થાત-માનવધર્મ સિવાય અન્ય ધર્મ, વૈચારિક મતમતાંતર-વાડા-અખાડા-અલગતાવાદ-આસ્તિકતાવાદ-નાસ્તિકતાવાદ,
સર્વ કાંઈ, સમગ્ર માનવજાત માટે, વિનાશક-ભયજનક છે.

આટલું જાણ્યા પછી, આપણે સુધરીશું કે પછી,

" કથા સૂણી-સૂણી ફૂટ્યા કાન,તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન ? "

માર્કંડ દવે.તા.૨૦-૧૨-૨૦૦૯.

1 comment:

  1. MANVDHRM SHRESHT DHRAM CHE "DHARM" NO ARTHTO SMJO DHRAM ETLE SWBHAV JE KUDRATNO CHE. APNU SHRIR, MAN, BUDHI AA BADHU KUDRATNA NIYAM PRMANE PRIVARTIT THY CHE PAN EMA STYNE STHAN HOY TO KUDRATNE VAFADAR BNIE EJ SHRIRDHARI JIVO APNANE HREK JGYAE ANE HREKPAL MADAD KRE CHE SVARTHI SHRU KRO UTHO TYRTHI. PAN HU MARI JATNE VFADAR HOV TOJ.EMA STYNU PALN ATI MAHTVNU CHE. JODE SMADHI LGAVNE POTANAMA VISHVSH KE GURUMA SHRDDA GHANIJ MAHTVNI CHE.MANVDHRM BEST CHE.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.