Friday, May 27, 2011

સેક્સાચાર/અન્નેચંદનો વરઘોડો.


સેક્સાચાર/અન્નેચંદનો વરઘોડો.

"મિત્ર ઐસા કીજિયે,ઢાલ સરીખા હોય, 
દુઃખમેં વહ આગે રહે, સુખમેં પિછે હોય"

- હાસ્યસમ્રાટ શ્રીશાહબુદ્દિન રાઠોડજી.

=====


નોંધ-આ સંપૂર્ણ લેખ કાલ્પનિક છે,કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં.

=====

"ભૈ, આવી?"

"શું?"

" જાન આવી?"

"કોની?"

"અન્નેચંદની જાન આવી?"

" ભૈ, આ કાંઈ જેવા તેવાની જાન થોડી જ છે..!!"

"ના..રે..ના; વખત આવે દિલ્લીના વેવાઈનોય વારો લઈ નાંખે, હાં, અન્નેચંદની જાન છે, અન્નેચંદની..!! પણ કહો તો ખરા; જાન આવી?"  

" નથી આવી..!!"

" આ ટર્લિકા માસીના કામમાં કશો ઠાયો ના મળે..!!"

"માસીનો વાંક? ટર્લિકા માસીનો શો વાંક?"

"તારી આ સાવ નવરી માસી, આખા ગામને કાયમ પોતાની આંગળી પર નચાવ્યા કરે છે તે? પૂછી જોને, તારા આ કાકા `અગન સામી`ને જ ? "

" ભૈ, સહુથી પહેલાં અન્નેચંદ, યુ.પી.માં લગનનાં લૂગડાં ખરીદવા જવાના હતા ખરા..!!"

"લૂગડાં ખરીદવા કેપછી કોઈનાં ઉતારવા?"

"આ..લે..લે..!! શું કહ્યું?"

"કાંઈ નહીં..!!"

" અન્નેચંદ તો, યુ.પી.થી ક્યારનાય પા..છા  ઘેર આવી હોત ગયા હશે..!!"

"હવે, તું વચ્ચે ટાયલીનો થા..મા..ને? અન્નેચંદ વિશે તું વધારે જાણે કે અમે?"

"તમે..!!"

"તો..પછી? તને ખબર છે, અન્નેચંદે ચાળીસ વરહ પેલ્લાં પ્રતિજ્ઞા લીધી છે?"

"શું?"

" આખા દેશમાં,સેક્સાચારી,સ્વૈરવિહારી,ભડકેલા ભ્રષ્ટાખલાઓને જ્યાં સુધી પૈણાવી નહીં દે,ત્યાં લગણ પોતાને ઘેર પાછા ના જવું?"

"હાય..હાય..બા..ના હોય? આવી પૈણાવવાની પ્રતિજ્ઞા તો, રાજા રામે હોત નો`તી લીધી..!!"

"અરે બૈ,તારામાં `એક પૈ` ની એ અક્કલ નથી?"

"કેમ?"

" એટલે જ તો? પેલા બાબા `રામડૅ` એ, અન્નેચંદની જાનમાં આવવાની ના પાડી દીધી કે નહીં..!!"

"અરે,ટર્લિકા માસી, ઓ...ટર્લિકા માસી..!!"

"આ ક્યો જણ,ઘાંટાઘાંટ કરે છે?" 

"માસી,આ અન્નેચંદની જાન આવવાનો ટેમ થઈ ગ્યો અને તમે હજુ તૈયાર નથી થયાં."

"ભૈ, તમે આ માસીને હજી ઓળખી નથી લાગતી..!!"

"કેમ?"

 "અન્નેચંદની બધી જવાબદારી મને સોંપી, તે પછી કોઈ દી` અન્નેચંદે સામું જોવું પડ્યું છે?"

"ના, હોં..!! પણ આ તો તમે અગાઉ હાથ ધરેલાં બધાં કામમાં ફેઈલ ગયેલાંને, એટલે અમસ્તું જ પૂછી લીધું..!!"

" એ કોણ બોલ્યું?"

"ટર્લિકા માસી, હું નહીં? આ ડોઢડાહ્યો બોલ્યો..!!"

" કેમ લ્યા? સમજી લે..!! તારી માસી, બધાં કામમાં સમજી-વિચારી, હાથે કરીને ફેઈલ થતી`તી, ટર્લિકા માસીને ફેઈલ કરનારા હજી જન્મ્યા નથી હોંકે..?"

"માસી, ગરમ ના થાવ, આવું તો ગોંધીનગરથી આવેલા કન્યાના દૂરના સગા નારણમામા કહેતા`તા..!!"

"જવા દે, તેમને તો દરેક વાતના રદિયા આપવાની ટેવ પડી છે..!! જે દા`ડે, અન્નેચંદને વાંકું પડ્યુંને તો..ઓ..!!"

" હાં માસી, તમે કૈં અન્નેચંદની જાનની તૈયારીનું કહેતા`તા ને?"

" હાં તો,અન્નેચંદજીને તૈયારી અધુરી ના લાગે તેથી,   એક અઠવાડીયા પેલ્લાં જ પાંચસો-છસ્સો જણાને કાગળ લઈને, પોલીસ સ્ટેશનની બહાર વિગતો લખવા બેસાડયા છે..!!"

"જાનમાં, પોલીસ સ્ટેશન..!!"

"અરે..બાબા.., અન્નેચંદની જાનનો ઉતારો, પોલીસ સ્ટેશનની બાજુના મકાનમાં તો રાખ્યો છે? બોલો, આ ટર્લિકા માસીને, તમારે હવે કૈં પૂછવું છે?"

"માસી, એ તો કહો, અન્નેચંદની જાનમાં કોણ-કોણ આવશે?"

" ભઈલા, તને તો ખબર છે..!! આખા દેશમાં કોઈની પણ, ---;---; પૈણી નાખવાની હોય, કે ગામનો સારો-નરસો છોકરો પૈણવાનો હોય.લગનમાં `અગન સામી`,મંડીવાલભૈ, હું એટલેકે ટર્લિકા માસી અને રિસાયા ના હોય ત્યારે, આ રામડૅ મહારાજ, ગામના  આટલા પ્રતિષ્ઠિત માણસો, તો હાજર હોય, હોય ને, હોય જ..!!"

" માસી અહીં લગનમાં, કામ કરનારા કેટલાક મજૂરોની ફરિયાદ હતી કે, તેમના માટે જ પૂરતા ટોયલેટની સગવડ નથી, તોપછી આ જાનૈયા કળશ્યે ક્યોં જશે?"

" તમે માસીને હજુ ઓળખી નહીં? આ બધાં આપણા ગોંધીનગરના નારણમામા અને નંદુ વેવાઈનાં જ આ બધાં કારસ્તાન છે. હું એમની પોલ બહાર પાડવાની જ છું..!!"

"માસી..મા..સી; એમણે પાછું શું કર્યું?" 

"અરે..!! કોઈ અબજોપતિની કન્યાના લગનની વીડિયો કેસેટ અન્નેચંદને મોકલીને, આ લોકોએ અત્યાર સુધી ખોટી ડંફાશો ઠોકી કે, તમે જાન લઈને આવો તો ખરા..!! આપણે ત્યાંય લગનમાં આવોજ ઠઠારો કરવો છે..!! બધી તૈયારી થઈ ગઈ છે?"

"પછી?" 

"પછી શું? આ વીડિયો કેસેટ જોઈને વળી, અન્નેચંદ ભોળા તે, ત્યાં બેઠે-બેઠે નંદુ વેવાઈના વખાણ કરવાના ચાળે ચડ્યા..?"

" માસી વાત તો ખરી, જુવોને, અહીં તો કશું ઠેકાણું નથી..!! હવે શું થશે?"

" જોજેને, બરાબર જાન આવે તેજ વખતે, જો નંદુ વેવાઈનો ફજેતો ના કરું તો, ટર્લિકા માસીને ફટ્ કહેજો?"

====

" માસી, માસી ઝટ દોડો, જાન આવી, જાન આવી, અન્નેચંદની જાન આવી ગ..ઈ..ઈ..!!"

" માસી, અન્નેચંદના માનમાં, એકાદ ફટાણું થાવા દ્યો..!!"

" કેમ લ્યા, માસીની મશ્કરી કરે છે? તુંજો જાણે છેને, માસીને ગાતાં નહીં, ગામને નાચ નચાવતાં જ આવડે છે તે? ચાલો હવે."

 " અન્નેચંદજી ઉભા રહો,ઉભા રહો. આ ઘોડો લાવ્યા છે, તેના પર ચડીને ઉતારે જવાનું છે..!!"

" અન્નેચંદ, ધ્યાનથીચાલો..ધ્યાનથી..જોઈને..એ..!! હે રામ..!!"

" કેમ શું થયું?"

"અરે ભૈ, પાણીનો કળશ્યો લાવો, અન્નેચંદના પગ છાણમાં પડ્યા..!!"

અન્નેચંદ ઉવાચ," અગન ડૅ, તેં આ પોદરો જોયો`તો  તોપછી, તારે મારી આગળ ન ચાલવું જોઈએ? કેવા સાથીદાર મલ્યા છે? લખો, વેવાઈને ત્યાં, સ્વચ્છતાના નામે મીંડું છે.વીડિયો કેસેટ બનાવટી છે?"

"અન્નેચંદ, ઘોડે ચઢો હવે?"

અન્નેચંદ ઉવાચ," લો આ ચઢ્યા બસ? પણ આ ઘોડો, કોઈ મહાન ચિંતકની માફક, નીચું જોઈને કેમ ચાલે છે?"

" અન્નેચંદ, એ ચિંતન કરે છે કે, આ બધાએ ભેગા થઈને, જેને ઘોડા માથે બેસાડ્યો છે તે મરવાનો થયો લાગે છે?"

અન્નેચંદ ઉવાચ," હેં, તુમ ગુજરાતી મેં ક્યા બોલા?"

"કુછ નહીં..!! અન્નેચંદ, તમેરે કુ એ ભાઈ કુછ કહના માંગતા હૈ?"

અન્નેચંદ ઉવાચ," બોલો ક્યા હૈ?"

"ભૈસાબ, આ મારી જમીન લગન માટે તમારા નંદુ વેવાઈએ પડાવી લીધી છે."

અન્નેચંદ ઉવાચ," ચિંતા નહીં, હું  માયરામાં કન્યાના હાથે કંસાર નહીં ખાઉ બસ, આજથી કંસારનું અનશન..!! આ મારા ઘોડા આસપાસ ગાંડાની માફક આટલા બધા કોણ નાચે છે?"

" અન્નેચંદ, આ તો આપણા જ જાનૈયા છે.જરા પહેલી ધારનાં છાંટો પાણી ઠઠકાર્યાં છે."

અન્નેચંદ ઉવાચ," હું જાહેર કરું છું કે, અહીં  દારુબંધી નામ પૂરતી જ છે..!! હવે પહેલાં નંદુ વેવાઈને મળીશ નહીં ત્યાં સુધી, આગળ બીજી બધી વાત બંધ..!!"

આખું ટોળું ઉવાચ," અન્નેચંદજી, મારી ફરિયાદ સાંભળો, હું ગોધરાના ડબ્બાવાળો..!! હું નરોડાવાળો, હું ફલાણો, હું ઢીંકણો ,હું અમુકડો,હું તમુકડો, અમને સાંભળો, અમારાં આંસુ લૂછવા ઘોડેથી હેઠા ઊતરો..!! આ લોકોએ તમારા તન-મન પર કબજો લઈ લીધો છે અને તમને જે બતાવવા માગે છે તે જ બતાવી રહ્યા છે?"

પ્રેસ રિપોર્ટર ઉવાચ, " અન્નેચંદ, હું રિપોર્ટર આપને શું લાગે છે, આપને બતાવેલી વીડિયો કેસેટ સાચી છેકે, આપને અત્યારે જાણીબુઝીને જે કાંઈ બતાવવામાં આવ્યું છેતે સાચું છે?"

અન્નેચંદ ઉવાચ," જુઓ પત્રકાર ભાઈ, મારી તબિયત બગડી છે એટલે, મારી જાનમાં જોડાએલા, અગન ડૅ, ટર્લિકા માસી..વગેરે વગેરે તમને જવાબ આપશે? પણ એટલું કહીશકે, નંદુ વેવાઈ કહેતા હતા તેમાંનું અહીં કોઈ જ કામ થયું નથી?"

=====

"ટર્લિકા માસી, તમે તો ભારે કરી હોં..!! આ અન્નેચંદ અને નંદુ વેવાઈને ભેખડે ભરાવી દીધા? મેં સાંભળ્યું છે, અન્નેચંદ પહેલાં લશ્કરમાં હતા?"

ટર્લિકા માસી,(આંખ મિચકારીને?)" અરે..તારી માસી ન જાણતી હોય તેમ બને? સાવ સાચું છે..!!"

" તે હેં, અન્નેચંદજી તોપગોળાઓ પાકિસ્તાન સામું ફોડતા`તા કે ભારત સામું?"

" શું બોલ્યો?"

" કૈં નહીં..!!"

======

બોધ- ભ્રષ્ટાચાર હોયકે, સેક્સાચાર હોયકે, શરાબાચાર હોય, જ્યાં સુધી પોતાની જાતને સુધારવાની કોશિશ નહીં થાય ત્યાં સુધી, લાખો અન્નેચંદ અનશન કરીને સ્વર્ગવાસી થશે, તોપણ આપણો ઉદ્ધાર કરી શકવાના નથી.

"દોસ્તો, હવે તમારે પણ જે બોલવું હોય તે બોલો..!!"

માર્કંડ દવે. તાઃ૨૭-૦૫-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.