Saturday, August 7, 2010

નિર્જીવ પથ્થર

નિર્જીવ પથ્થર


" શિલ્પીની નજરથી જો,પાષાણ નહીં,  તારૂં  જ  રૂપ  છું..!!
  શિલ્પીની  કદર  કર, તેનાજ, ટાંકણે જડ્યું સ્વ-રૂપ  છું..!!


==========

`હુડૂડૂડૂ..ડૂક` કરતુંકને, ગામનું  મહાજન અને બ્રાહ્મણમંડળ, સાવ હતાશ અને વિલાઈ ગયેલા હાસ્ય સાથે, ઉભું થયું.

શું બોલવું?

શું કહેવું?

જાણેકે, આખાય  મંડળ - સભાની, બુદ્ધિજ બહેર મારી ગઈ હતી.

મંડળ - સભાય શું કરે..!! પ્રજામાં લોકપ્રિય એવા, આ ગોરા અમલદારે, વાત જ સાવ, નાંખી દીધા જેવી કરી હતી તે?

અરે..!!  વહિવટમાં અત્યંત કુશળ અને લોકકલ્યાણમાં રચ્યાપચ્યા રહેતા, આ ગોરા અમલદારે, પોતાના વતન,  સ્કૉટલેન્ડ ખાતે, વિદાય થતી  વેળાએ, આખાય ગામે, એકઠા મળીને, ભેટ આપવા ધારેલાં, લાવેલાં  કિમતી વસ્ત્રો, અમદાવાદી અતલસ (રેશમી કાપડ) અને અણમોલ આભૂષણોને, નમ્રતાપૂર્વક, એમ કહીને, પાછાં આપ્યાંકે, " આ  બધાનું  હું  શું  કરું?"

ચાલોને, તેમણે, આ કિમતી અસબાબ લેવાની ના પાડી, ત્યાં  સુધીય ઠીક હતું. પણ પછી...પછી.. માંગી, માંગી ને શું માગ્યું..!!

ખંડિત હાલતમાં, નક્કામા પથ્થર થઈને, રઝળતી ગંદી મૂર્તિઓના નમુના? જેના ઉપર, ગામનાં રઝળતાં,  ઢોરઢાંખરને,  માણસો, ગોબર અને હાજત કરતા હતા..!!

કોઈ જાણે તો શું કહે, " વિદાય વેળાએ, તમારા તાબાના, ગામમહાજને  આવડા મોટા  અમલદારને, શું  ભેટ  આપી? તો  કહે કે, પથરા?"

મહાજનના મોભીઓએ વિચાર્યું,  " ના..ના..ના..!! આ પથરા દઈને તો, આપણીજ  આબરૂ  ખોવાનીને?"

મહાજનમાંથી એક જણે કહ્યું," સાહેબ, એવા રઝળતા પથરાના નમૂના તો જોઈએ તેટલા લઈ જાવ  પણ, આ નક્કામા પથરાને લઈ જઈને, તમે એનું શું કરશો? કેવી રીતે સાચવશો? તે સિવાય બીજું કાંઈક પણ માંગો."

આ સાંભળીને, પેલા ગોરા અમલદારના ચહેરા પર વિષાદ તરી આવ્યો." જે લોકોને તેમની, અમૂલ્ય ધરોહર સમી, કલાકૃતિઓ, રઝળતા પાષાણ જેવી લાગે છે, તેમની સાથે આગળ, વધારે વાત શું કરવી?"

કલાપ્રેમી ગોરા અમલદારને, ગ્રીસ અને રોમની યાદ અપાવે તેવી, આ ઉત્તમ કલાકૃતિઓએ, એમાંય કુશળ  શિલ્પીના ટાંકણામાંથી, પ્રગટેલી, આ   યક્ષકન્યાના, દેહના કલાત્મક વળાંકોએ, તેના તન, મન અને નયન પર, જાણેકે  વશીકરણ કર્યું હતું.

નયનરમ્ય તળાવ અને લીલીછમ વનરાજીથી ઘેરાયેલા, પોતાના તાબાના આ  ગામને છોડીને, પોતાના વતન સ્કૉટલેન્ડ પરત જવું,તેમને સહેજ પણ ગમતું નહતું.

શૂન્યમનસ્ક અને વિષાદયુક્ત ભાવ સાથે,માયાળુ અમલદારે, મહાજનને, દ્રઢતાપૂર્વક કહ્યું," તમારે મને આપવુંજ હોય તો, હું માગું છું તે જ આપો. નહીતર, મારે બીજું કાંઈ ન જોઈએ..!!"

ગોરા અમલદારે,  કહેલા શબ્દોથી, મૂંઝાયેલા મહાજનના અગ્રણીઓ, છેવટે  આ બાબતે, એક બે દિવસમાં વિચારીને જણાવવાનું કહીને, `હુડૂડૂડૂ..ડૂક` કરતાકને, સાવ હતાશ અને વિલાઈ ગયેલા હાસ્ય સાથે, ઉભા થયા.

અંગ્રેજ ગોરા અમલદારના, સરકારી નિવાસના દરવાજા બહાર આવીને, વિમાસણમાં મૂકાયેલા, ગામના મોભીઓએ છેવટે, આ સમસ્યાનો ઉકેલ લાવવા, ગામના એકમાત્ર વિદ્વાન, કોઠાડાહ્યા, બ્રાહ્મણ અગ્રણી, શ્રીસોમેશ્વર શાસ્ત્રીને મળવાનું નક્કી કરીને, હવે  આગેવાનોનું, આખુંએ ધાડું, શ્રીસોમેશ્વર શાસ્ત્રીના આંગણે આવી પહોંચ્યું.

તદ્દન એકાંતવાસમાં, જીવન ગાળતા, વિદ્વાન સોમેશ્વર શાસ્ત્રીને, પોતાને ત્યાં, આટલી મોટી સંખ્યામાં, મહાજનના મોભીઓને, અચાનક આવેલ જોઈને, વિસ્મય થયું.

જોકે, મહાજનને મૂંઝવતી સમસ્યા સાંભળીને, સાવ નાના બાળક જેવું, ભોળું સ્મિત કરીને, શાસ્ત્રીજીએ, ઉપર ખૂલ્લા આકાશ તરફ નિહાળીને, સ્વગત કહ્યું," જાય ત્યારે સઘળૂં જાય..!! મુદ્રારાક્ષસમાં એક શ્લોક આવે છે, જેમાં રાક્ષસ ગરીબીનું વર્ણન કરે છે. આ દેશ ગરીબ થયો,રહ્યો..!! હવે આ મૂર્તિઓ પણ ચાલી જશે?"

મહાજન અગ્રણીઓ, શાસ્ત્રીજીની વાતના મર્મને પામી ન શક્યા. સ્વગત બોલતા શાસ્ત્રીજીની વાત, તેમને કોઈ બેભાન અવસ્થામાં લવતા માણસના, લવારા સમાન લાગી.

આખરે, એક જણે,  ન રહેવાતાં શાસ્ત્રીજીને, પૂછીજ લીધું, " શાસ્ત્રીજી, તમે એટલું જ બતાવો કે, આપણાથી આ ખંડિત મૂર્તિઓ,  આ વિધર્મી  અમલદારને અપાય કે ન અપાય?"

થોડીવારે શાસ્ત્રીજી બોલ્યા," આ ગોરાને તમે કહો છો તે, પથરા આપવામાં કશોજ વાંધો નથી. આ ગોરો આ પથ્થરને, એના દેશમાં, સારીરીતે સાચવશે અને કોઈક દિવસ, કોઈકને તેમાંથી પ્રેરણા મળશે."

ચાલો,  છેવટે સમસ્યા  ઉકલી તો ખરી, તેમ વિચારી, શાસ્ત્રીજીના  નિર્ણયના, વખાણ કરતો હોય તેમ, એકજણ બોલ્યો," હા..હા.., ભલા માણસ,  સો વાતની એક વાત કરી. આપણે ત્યાં આમેય આ પથરા નક્કામા જગ્યા રોકે છે, તે ગોરાને કામ આવશે..!!"

જોકે, તેની વાત સાંભળી ન સાંભળી કરતાં, સોમેશ્વર શાસ્ત્રીએ, બીજા દિવસે, તે ગોરાને ત્યાં, પોતાને પણ, સાથે લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો, જેમાં સહુ સંમત થઈને, ફરીથી મહાજન જેવું આવ્યું હતું તેવુંજ, પોતપોતાના રસ્તે પડ્યું.

બીજે દિવસે સવારે, સોમેશ્વર શાસ્ત્રીની આગેવાનીમાં, મહાજન, ગોરા અમલદારના નિવાસે પહોંચ્યું ત્યારે, તે જાણે, આ  સ્થાનને, છેલ્લીવાર,  નિહાળતો હોય તેમ, બધીજ કલાકૃતિઓને  અને વાતાવરણને,  તૃષાતુર આંખે, મનભર, જોઈ રહ્યો હતો.

અંગ્રેજ અમલદારે, શિષ્ટાચાર સાથે, સહુને આવકાર્યા.  જોકે,  સોમેશ્વર શાસ્ત્રીજીના ભવ્ય, ધાર્મિક, પ્રભાવશાળી વ્યક્તિત્વને પામી ગયેલા, અમલદારે, શાસ્ત્રીજીને, ભાવપૂર્વક, વંદન કર્યા.

સમગ્ર મહાજન વતી, શાસ્ત્રીજીએ કહ્યું," આપને, આપે માગેલી કલાકૃતિઓની, ભેટ આપવામાં, અમને ઘણોજ આનંદ થશે. આ શિલ્પીના ટાંકણામાં, સાહેબ સંગીતની રમ્ય પદાવલિ રમે છે. આ યક્ષકન્યાની કટીમેખલા જ જુઓને..!! જાણે  હમણાંજ, તેની સોનેરી ઘૂઘરીઓ રણકી ઉઠશે..!!"

શાસ્ત્રીજીના, કલાપ્રેમને, ઉશ્કેરતો પ્રશ્ન, અમલદાર કરી બેઠો," આપને, આ શિલ્પીની કઈ કલાકૃતિ, સહુથી વધારે પ્રિય છે?"

" એની સર્વોત્તમ કૃતિ?",  શાસ્ત્રીજી ખિન્ન, મ્લાન હસ્યા," તે તો, કોઈ ભેંસની ગમાણમાં, છાણના ઢગલા નીચે, દટાયેલી પડી હશે, પણ આ શિલ્પી, માનવ નહીં, સ્વયં  વિશ્વકર્માનો કે  માનવેન્દ્રનો,  અવતાર હશે, તે સિવાય, આવી સર્વોત્કૃષ્ટ મૂર્તિઓ નિર્માણ ન પામે..!!  "

આ બંને, કલાપ્રેમી વિદ્વાનોને, બાધાની માફક સાંભળતા, કોઈકે વાર્તાલાપમાં, વચ્ચે વિઘ્ન  નાંખ્યું," હેં, સાહેબ..!! આ  પથરાને લઈ જઈને, તમે  કરશો  શું? ક્યાં રાખશો."

ગોરા અમલદારે  જવાબ  આપ્યો," મારા વતનમાં, લીલાછમ ડુંગરોની તળેટી પાસે આવેલા, તળાવના  કિનારે, એક અષ્ટકૉણિય  કૃતિ  બંધાવી, તેના આઠેય ખૂણે, આ સુંદર, આઠ મૂર્તિઓને જડાવીશ. મારી પાછલી વૃદ્ધાવસ્થાને, મારી અહીની યુવાનીની યાદોથી, સજાવીને, આપ  સહુને, આ  ગામના નયનરમ્ય વાતાવરણને, મારા વાતાવરણમાં, માણવાનો પ્રયત્ન કરીશ. આવી અનુપમ કૃતિઓ વચ્ચે, મારા થાકેલા જીવનની, અંતિમ સમાધિનો, આનંદ માણીશ. "

ગોરો અમલદાર આટલું બોલતાં તો, ભાવુક બની ગયો. સોમેશ્વર  શાસ્ત્રીના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ. ભલે વિધર્મી, પણ એક સાચા કલાપ્રેમીને, મળ્યાના સંતોષ સાથે, તે ઉભા થયા અને સાથેજ, સઘળી વાતને માત્ર, અડધી - પડધી સમજેલું, મહાજન પણ.

મિત્રો, આ ગોરા અંગ્રેજ અમલદાર તે, જેમ્સ ફૉર્બસ. જે શિલ્પીની કલાનાં આટલાં વખાણ થયાં  તે, દર્ભાવતી (ડભોઈ) નો, પ્રખ્યાત શિલ્પી હિરાધર (હીરો સલાટ).
અને આ ડભોઈ તે મારું વતન.


સ્કૉટલેન્ડ રહેતા, આપણા કોઈ નેટજગતના મિત્રને, ગોરા અમલદાર જેમ્સ ફોર્બસે, તેના વતનમાં, નવેસરથી વસાવેલું, મારું વતન ડભોઈ મળી આવે તો, મને જાણ કરશો?  પ્લીઝ. હું તેમનો જીવનભર ૠણી રહીશ.

( નોંધઃ- જેમ્સ ફૉર્બસ, ઈસ્ટ ઈંન્ડીયા કંપનીમાં, અધિકારી હતા. સન ૧૭૭૫માં, તેમને રાઘોબાના સૈન્ય સાથે મદદગાર તરીકે, મોક્લવામાં આવ્યા બાદ, સન- ૧૭૮૦ થી ૧૭૮૩ દરમિયાન, તે ડભોઈ પરગણાના કલેક્ટર તરીકે નિમણૂંક પામ્યા હતા. સન- ૧૭૮૩માં, ડભોઈ અને તેની આસપાસનો પ્રદેશ, મરાઠાઓને સુપરત કરવાથી, તેઓએ ડભોઈ છોડ્યું હતું.)  

માર્કંડ દવે. તાઃ ૦૭ ઑગસ્ટ - ૨૦૧૦. ( આભારસહ, લેખ-કથા વસ્તુ સૌજન્ય, દર્ભાવતી ટાઈમ્સ, શ્રીનરેન્દ્ર જોશી અને શ્રી ન.મ. ગાંધીસાહેબ.)

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.