Friday, January 15, 2010

વિવેક

હીન્દી ફીલ્મના જાણીતા સંવેદનશીલ કલાકાર શ્રીનાના પાટેકરની સફળ ફીલ્મ "પ્રહાર"ના એક દ્રશ્યમાં,શહેરના મેઇન રસ્તા ઉપર,ઝેબ્રા ક્રોસિંગ પાસે ઉભેલી એક ગર્ભવતી ગરીબ મહિલા,રસ્તો ઓળંગવા પોલિસ ઇંન્સ્પેક્ટરને વિનંતી કરે છે.કોઇ વીઆઇપી મંત્રી પસાર થનાર હોવાથી,નોકરી જવાના ભયથી,તે મહિલાને રોડ ક્રોસ કરવા નથી દેવાતો અને ત્યાંજ,ફૂટપાથ ઉપર એક બાળકનો જન્મ થાય છે.આસપાસ ઉભેલી અન્ય મહિલાઓ આડશ ઉભી કરી,ગર્ભવતી મહિલાની લાજ સાચવી લે છે.નાનાપાટેકરનો રોષ,પેલા પોલિસ ઇન્સ્પેક્ટર પર ઉતરે છે.

આપ સહુએ ફીલ્મનું આ કરુણ દ્રશ્ય નીહાળ્યું હશે.આ દ્રશ્ય ને દરેક સાહિત્યકાર સાથે ગાઢ સંબંધ છે.

૧ .સમજો,ગર્ભવતી મહિલા એ લાચારી છે.
૨. સમજો,વીઆઇપી મંત્રી એ આંધળી સત્તા અને મદ છે.
૩. સમજો,પો.ઇ.એ ડરપોક ફરજ છે.
૪. સમજો,પ્રસૂતિ કરાવનાર મહિલાઓ શરમનો ફાટેલો પડદો છે.
૫. સમજો,ફૂટપાથ ઉપર જન્મનાર બાળક,લાચારીની કૂખે તાજી જન્મેલી આશા છે.
૬. સમજો,નાનાપાટેકર,દરેકના મનમાં ધરબાયેલો અવ્યક્ત રોષ છે.

ઉપરોક્ત દ્રશ્યને ફીલ્માવનાર દિગ્દર્શક જેવી માનસિક દશા દરેક સાહિત્યકારની હોય છે.આપણા સંસ્કાર અને પરંપરાને જાળવીરાખી,સાહિત્યને સહકુટુંબ માણી શકાય તે માટે,સાહિત્યકારે સંવેદનશીલ ઘટનાઓ રજૂ કરતા દરેક શબ્દને,સાચવી,પંપાળી,સંભાળીને ઉપયોગ કરવો પડે છે.આ લઘુવાર્તામાં આજે મારી દશા "પ્રહાર"ફીલ્મના પેલ્લા દિગ્દર્શક જેવી છે,કારણકે લઘુવાર્તાનો વિષય બહુ નાજૂક છે.

વિવેક

શહેરની નામાંકીત કૉલેજમાં આર્ટસ્ ફૅકલ્ટીમાં અભ્યાસ કરતી પ્રિયાને આજે મોટીદીદી સાક્ષીએ, સવારે જ ફૉન કરી,બપોરે બંગલે મળવા બોલાવી ત્યારેજ પ્રિયાને,આવનાર ભયંકર તોફાની,આક્રોશના વાવાઝોડાનો અણસાર આવી ગયો હતો.છેલ્લા કેટલાય સમયથી બંને બહેનો વચ્ચે,અવ્યક્ત રહી જતી ગંભીર વાતચીત,આજે હોઠ પર આવીને તેમના સંબંધોને બાળી નાખવાની હતી,તેવી પ્રિયાને દહેશત હતી.પ્રિયાએ આ આવનાર વાવાઝોડાનો સામનો કરવા મનને મક્કમ કરી,દીદીના બંગલે જવા પ્રયાણ કર્યું.

સાક્ષી અને પ્રિયા, બંને બહેનો રુપરુપના અંબાર,આખાય શહેરમાં એમના અદ્વિતિય રુપની ચર્ચા અને તેમને પામવાની હોડમાં,દિલફેંક મજનૂઓ સતત ધ્યાન,સમાધી લગાવી,ખડેપગે તપ કરતા હતા.જોકે સાક્ષીના લગ્ન પછી,એકલી પ્રિયાની પાછળ તપ કરતા ઘણા મજનૂઓને,માથાની ફરેલી પ્રિયાના સેન્ડલનું વરદાન મળતાં,તપોભંગ થયાના ઉદાહરણ પણ હતાં.આવા સમયે આ ઝઘડામાં પ્રિયાના જીજુ વિવેકને વચ્ચે પડી કાયમ મામલો સંભાળી લેવો પડતો હતો. આજ કારણે પ્રિયા તેના પ્યારા જીજાજી સાથે હક્કથી લાડ કરતી,તોફાન મસ્તી કરી,વિવેકને ચીઢવતી રહેતી.ઘણીવખત પ્રિયાના તોફાન,અન્ય કોઇને અરુચિકર,મર્યાદાભંગ કરતાં જણાય,એટલી હદે પહોંચી જતાં ત્યારે સાક્ષી તેને હસીને અટકાવતી.

દીદીના બંગલાનો ઝાંપો પ્રિયાએ ખોલ્યો,ત્યારે તેના આવવાની જ જાણે રાહ જોવાતી હોય તેમ બંગલાનું મૂખ્ય દ્વાર પણ ખુલ્લું હતું.વાત એટલી ગંભીર હતીકે સાક્ષીએ આજે કામવાળાં બહેનને પણ વહેલાં રવાના કરી દીધા હતાં.પ્રિયાને આવકાર આપ્યા વગર જ મૂખ્ય દરવાજો બંધ કરી સાક્ષીએ અત્યંત રોષપૂર્વક પહેલોજ સવાલ પ્રિયાને કર્યો,"પ્રિયા આ બધું શું છે?તને ભાન છે તું શું કરી રહી છે?"

પ્રિયાએ જાતને સંભાળતાં સામે પુછ્યું,"કેમ,શું થયું છે,શેની વાત કરે છે?"

સાક્ષીએ ફરીથી રોષપૂર્વક પુછ્યું,"તને ખબર નથી?તું જાણે છે?પપ્પા-મમ્મી આ વાત જાણશે તો શું થશે?"
હવે પ્રિયાએ સામે હુમલાની તૈયારી કરી લઇને કહ્યું,"જો દીદી તારે જે કહેવું હોય તે સાફસાફ કહે."
પ્રિયા સરખો જવાબ નહીજ આપે તેની ખાત્રી થતાંજ સાક્ષી એ કડક અવાજે કહ્યું,"મને છેલ્લા કેટલાય સમયથી ગંધ આવી ગઇ હતી.હું ગયા મહીને,હિપેટાઇટિસ ની બીમારીને કારણે, ત્રણ દિવસ હૉસ્પિટલમાં દાખલ થઇ ત્યારની વાત કરું છું.તેં મારા જ ઘરમાં,તારા પિતા સમાન બનેવી,વિવેક ઉપર ખરાબ નજર કરી?હવે મને સમજાયું કે તોફાનમસ્તીના બહાને તું મારું ઘર ભાંગી વિવેકને પામવા તૈયાર થઇ હતી.વિવેક તને દીકરીની માફક રાખે છે મારા જ ઘરમાં ધાડ પાડતાં તને શરમ ના આવી?એટલે જ તે દિવસથી આજ સુધી તને વારંવાર અહીં બોલાવી છતાં તું આવતી નથી! શું મોઢું લઇને આવે? એતો સારું થયું કે મારી તબિયત સારી થયેલી જોઇ,ગઇકાલેજ વિવેકે મને બધી વાત વિગતે કરી દીધી.એ સજ્જન માણસે તો તારી ગંદી હરકતને ક્યારનીય માફ કરી છે.પણ હું? હું તને કેવી રીતે માફ કરું?તેં મારા સુખી જીવનમાં આગ લગાડવાનો અશ્લિલ પ્રયત્ન કર્યો છે.હવે મમ્મી-પપ્પાને આ વાત મારે કેવીરીતે કહેવી?"એકજ શ્વાસે આટલું બોલી રહેલી સાક્ષીનુ આખુંયે શરીર ક્રોધથી કાંપી રહ્યું હતું.

સાક્ષીના આઘાતનજક શાબ્દીક હુમલાથી ડઘાઇ ગયેલી,પ્રિયા અચાનક ઉભી થઇ ત્રાડ નાંખતા સ્વરે બરાડી ઉઠી,"અત્યારેજ બોલાવ તારા એ સો કૉલ્ડ સજ્જન વિવેકને.તારા વારંવાર બોલાવવા છતાં હું તારા બંગલે કેમ નથી આવતી તારે જાણવુંછે?એ દિવસે ખરેખર શું બન્યું હતું,તારે જાણવું છે? તારા એ પવિત્ર આરાધ્ય દેવ વિવેક અંગે હવે હું જે જાણુંછું તે નગ્ન સત્ય કહું છું,સાંભળ,પછી નિર્ણય કરજે કે ખરો ગુન્હેગાર કોણ છે."

પ્રિયાના રૌદ્રસ્વરુપને જોઇ ડઘાઇ ગયેલી સાક્ષી દબાતા અવાજે માત્ર એટલુંજ બોલી શકીકે,"કહેવા જેવું શું બાકી છે.તુ હંમેશની માફક કોઇ જુઠ્ઠો બચાવ કરીશ."

પ્રિયાની આંખમાં રોષનાં આંસુ તગતગી ઉઠ્યાંને બોલી,"મારી પાસે પુરાવા છે,એ દિવસે હૉસ્પિટલથી અહીં તારાં રોજ પહેરવાનાં ડ્રેસ લેવા હું આવી ત્યારે જીજુ ઘેર હતા,હું બેડરુમમાં તારા ડ્રેસ લઇ જેવી પાછી ફરી તો વિવેકે આવી મને બાથમાં સમાવી લીધી,પહેલાંતો મને એ રોજની જેમ મસ્તીના મૂડમાં લાગ્યા,પણ પછી જ્યારે એમણે મારા અંગ સાથે છેડછાડ શરુ કરી ત્યારે મને એમની નજરમાં વાસનાનો કીડો સળવળતો દેખાયો.હું ઘણું છૂટવા મથી પણ તેમની તાકાત પાસે હું લાચાર હતી.જોકે એટલામાં જ કામવાળાં બહેને ડૉરબેલ વગાડતાં હું ઇશ્વરની કૃપાથી હેમખેમ તારી પાસે આવવા ભાગી છુટી.તારે પુરાવો જોઇએ છેને? લે આ એમણે મને કરેલા એસએમએસ વાંચ.મને હજુ બદનામ કરવાની,તને મારા વિરુધ્ધ ભડકાવવાની અને મને કોઇપણ ભોગે મેળવીનેજ રહેશે,તેવી શેખી મારે છે.આ તો તારા કારણે હું ચૂપ હતી,વિવેકને બદલે બીજો કોઇ મજનૂ હોતને તો એને મેં છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હોત.તને ખબર છે?અનેક ડૉક્ટર ને બતાવવા છતાં,તને સંતાન કેમ નથી?મેં એ દિવસે એમનાથી છૂટવા જ્યારે,પ્રેગ્નન્સીનો ડર બતાવ્યો ત્યારે એમણે મને આ ખાનગી વાત ખાત્રીપૂર્વક કહી મને રીઝવવાનો પ્રયત્ન કરી જણાવ્યું હતુંકે, કૉલેજકાળમાં એક અત્યંત રુપાળી ગર્લફ્રેંડના ચક્કરમાં આવીને તેના ભયમૂક્ત સહવાસ માટે એમણે નસબંધી કરાવી છે.હજુ આગળ વધારે સાંભળવું છે?"

"બસ હવે બસ."સોફામાં ફસડાઇ પડતાં સાક્ષી નિરાશા ભર્યા અવાજે બોલી," બસ,તું જા,મને એકલી છોડી દે."

પ્રિયાને દીદી ઉપર દયા જાગી,કહ્યું,"પણ દીદી,તને આવી માનસીક સ્થિતિમાં મૂકી હું જવાની નથી.તું અત્યારેજ મારી સાથે આપણા ઘેર ચાલ.હવે આમની સાથે એક મિનિટ ના જીવાય."

સાક્ષી રડવા લાગી ,"તું જા અને મને માફ કરજે,મારે હવે જીવવું નથી."

મિત્રો આ સત્ય ઘટનાના બધાં પાત્રનાં નામ બદલી નાખેલા છે.એ ઘટનાનો અંત કરુણ હતો.

એજ રાત્રે પોલીસ માટે,મમ્મી-પપ્પા અને પ્રિયા તથા વિવેક માટે,ત્રણ અલગ-અલગ છેલ્લા પત્ર લખી સાક્ષીએ વધુ પડતી ઉંઘની ગોળીઓ લઇ દુનિયાને અલવિદા કરી હતી,

પણ કોઇપણ નારીના સન્માનનો એ કરુણ અંત,આપ સહુની જેમ,મને પણ માન્ય નથી,આ વાર્તાનો અંત આવોજ હોઇ શકે.

હતાશામાં ઘેરાયેલી,સાક્ષીને સમજાવી પ્રિયા એને તરત મમ્મીપપાના હુંફાળા સાનિધ્યમાં લઇ ગઇ.એમને સઘળી વાત જાણી દુઃખ ઘણું થયું,પણ માથાની ફરેલી પ્રિયાની જીદ અને કુશળ ઍડવોકેટની સલાહ અને કાનૂની કાર્યવાહીથી,આજે બે વર્ષના ગાળામાં વિવેકથી ડિવૉર્સ મેળવી,સાક્ષીનાં અન્ય પ્રેમાળ યુવક સાથે લગ્ન થયાં છે,એક નાનો રુપાળો દીકરો પ્રિયા માસીના ખોળાને અવારનવાર ભીનો કરે છે.

અને વિવેક?વિવેક હવે કૉર્ટની કાર્યવાહી અને બદનામીથી ઘંધો પડી ભાંગવાથી સાવ મુફલીસ હાલતમાં દિવસ પસાર કરે છે.
MARKAND DAVE DT:21-08-2009

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.