Thursday, February 18, 2010

ડોસો અને તેના દીકરા - જીવન મહેંક

વિસરાતી વાર્તા-૮ (ડોસો અને તેના દીકરા) વિસ્તરતી વાર્તા-૮ (જીવન મહેંક)

ડોસો અને તેના દીકરા


એક ડોસાને પાંચ દીકરા હતા. તેઓ સંપસંપીને રહેતા ન હતા,તેથી ડોસાને બહુ જ સંતાપ થયો. તે તેમને ઘણું સમજાવતો, પણ તેઓ તે ડોસાનું સાંભળતા નહીં.

જ્યારે ડોસો મરવા પડ્યો ત્યારે તેણે દીકરામાંના એકને કહ્યું,"બજારમાં જઈને પાતળી લાકડીઓની એક ભારી લાવ."

તે દીકરો ભારી લઈ આવ્યો ત્યારે ડોસાએ દરેક જણને કહ્યું," આ ભારીને તું ભાંગ."

પણ ભારી કોઈથી ભંગાઈ નહીં. પછી ડોસાએ કહ્યું,"હવે ભારી છોડી નાંખો ; તમારામાંનો એકેક જણ લાકડી છૂટી લો અને ભાંગો."

દીકરાઓએ એમ કર્યું એટલે તે છૂટી લાકડીઓ ઝટ ભાંગી ગઈ.

પેલા દીકરા આશ્રર્ય પામ્યા અને બોલ્યા'" પિતાજી, આમ લાકડીઓ ભંગાવવામાં તમારો શો હેતુ છે?"

ત્યારે ડોસો બોલ્યો,"તમારાથી આખી ભારી ભંગાઈ નહીં ! પણ જ્યારે એકેક લાકડી છૂટી લીધી ત્યારે તમે દરેક તે લાકડી ભાંગી શક્યા. આથી તમે શું ધડો લીધો?"

દીકરાઓ શિખામણ સમજી ગયા. તેઓ ડોસાને, કંઈ જવાબ આપી શક્યા નહીં.

હવે ડોસો બોલ્યો," જુઓ,લાકડીઓ સાથે હતી ત્યારે તેમને એકબીજાનો ટેકો હતો,પણ જ્યારે છૂટી પડી ત્યારે તે ટેકો જતો રહ્યો. માટે જો તમે સંપીને રહેશો તો કોઈ તમને છેડી શકશે નહીં ને તમે સુખચેનથી રહેશો.

ઉપસંહારઃ- ` સંપ ત્યાં જંપ. ' એ કહેવત હંમેશાં લક્ષમાં રાખો.

=====================

વિસ્તરતી વાર્તા-૮ ( જીવન મહેંક )

"રણની તરસમાં, ભીનાશ બાકી લાગે છે...!!
શમણે જીવનની, કુમાશ જાગી લાગે છે...!!"

=====================

સવાર-સવારમાં જ સાવ નાની અમસ્તી બાબતમાં, યક્ષ, મંદિરાથી નારાજ થઈ, બ્રેકફાસ્ટ કર્યા વગરજ, ઑફિસ જવા નીકળી ગયો.
હમણાંથી આ યક્ષને થયું છે શું ? ઈશ્વર જાણે..!!

યક્ષના પપ્પા અક્ષરભાઈએ, પ્રશ્નાર્થ નજરે,યક્ષની મમ્મી રોહિણી સામે જોયું, પણ રોહિણી તો, તેના કામમાં વ્યસ્ત હતી.
હવે અક્ષરભાઈની નજર યક્ષની પત્ની, મંદિરા પર ગઈ. મંદિરાએ પપ્પા સાથે, નજર મળતાંજ નજરને નીચે ઢાળી દીધી.
અક્ષરભાઈ સમજી ગયા, મંદિરા કશું કહેવા માંગતી નથી. કદાચ, તેને યક્ષએ પપ્પાને, કોઈ બાબત કહેવાની મનાઈ ફરમાવી લાગે છે..!!

અક્ષરભાઈએ મનમાં વિચાર્યું, " હશે જે હશે તે..!! વાજતું-ગાજતું બહાર આવશે જ.આમેય, પોતાને હાર્ટઍટેક આવે છ માસ થઈ ગયા છે.
પોતે પુરતો આરામ કરી લીધો છે, ઈન ફેક્ટ, ડૉક્ટરે પણ હવે તો તેમને ભયમૂક્ત જાહેર કર્યા છે.
પણ આજકાલની આ યુથ જનરેશન માને તો ને..!! યક્ષએ પપ્પાને, હાર્ટઍટેક આવતાંજ, ઑફિસે આવવાની, પ્રેમથી, ના પાડી દીધી."

જોકે, ઑફિસનો સ્ટાફ અને પોતાના નાનાભાઈનો દીકરો, અક્ષત આવીને પોતાના ખબરઅંતર, અવારનવાર, પૂછી જતા હતા,
પણ અક્ષરભાઈને, ક્યારેય તેમની વાત ઉપરથી એમ લાગ્યુ નહીંકે, ધંધામાં કોઈ ટેન્શન ઉભું થયું હોય..!!

આમતો, પોતાના બાપીકા ધંધામાં, પોતાના નાનાભાઈનો દીકરો, અક્ષત પણ યક્ષને ખભેખભો મીલાવીને સાથ-સહકાર આપતો હતો.
કાકા-બાપાના, બંને ભાઈઓએ મળીને, ધંધામાં જે પ્રગતિ સાધી હતી, તે પોતાની કલ્પના બહારની હતી. અને કેમ ના હોય..!!
બંને પિતરાઈ ( cousin ) ભાઈઓ, સાથેજ, M.B.A ; C.S. થયેલા હતા. નવા જમાનાની, ધંધાની આધુનિક ટેકનીકમાં નિષ્ણાત હતા.

અક્ષરભાઈને થયું, " ભલે યક્ષએ, મને ઑફિસ જવાની ના પાડી છે, પરંતુ યક્ષને ટેન્શન તો ધંધાનું જ છે. ખરેખર શું બાબત બની છે, તે મારે જાણવું જ જોઈએ..!!"

ચૂપચાપ, બોલ્યા-ચાલ્યા વગર, ઑફિસ જવા માટે, તૈયારી કરતા હોય તેમ, અક્ષરભાઈએ, નવાં વસ્ત્રો પહેર્યાં અને ડ્રાઈવરને ગાડી કાઢવાનું કહીને,
જ્યાં બહાર પોર્ચમાં નીકળવા જાય ત્યાંતો, સામે રોહિણીને ઊભેલાં જોયાં.

રોહિણીને મનમાં થયું, બહાર જતા સમયે, પતિને `ક્યાંકારો` ના કરવો જોઈએ, છતાં રોહિણીએ, અક્ષરભાઈને, એટલું જરૂર કહ્યું, " કેમ, સાજા થઈ ગયા ? મને કહ્યું હોત તો, હુંય તમારી સાથે ઑફિસે ના આવત ?"

અક્ષરભાઈ રોહિણીની ચિંતા સમજી ગયા. ફક્ત આંખ અને હાથના ઈશારાથીજ, કશી ચિંતા ન કરવાનું જણાવી,અક્ષરભાઈ ગાડીમાં બેસી ગયા.

હવે રોહિણીએ કાંઈ કહેવા જેવું ના રહ્યું. છેવટે, પ્રેમાળ પત્નીએ મન મનાવ્યું, " હશે..!! છ માસથી ઘરમાંજ, સાવ કામકાજ વગર, બેસી રહેલો, કોઈ પણ માણસ હોય તો, તે મૂંઝાઈ જાય..!! બહાર જશે તો થોડું મન તો હળવું થશે ? " ખોટી ચિંતાને ત્યજીને, રોહિણી પોતાના કામે વળગ્યાં.

ઑફિસે પહોંચતાંજ, સઘળો સ્ટાફ, આદર સાથે ઊભો થઈને, અક્ષરભાઈનું અભિવાદન કરવા લાગ્યો.

જોકે, બે માસથી નવા ઍપોઈંન્ટ થયેલા, ચીફ ઍકાઉન્ટન્ટ સાથે, દીકરો યક્ષ ધંધાર્થે, ક્યાંક બહાર ગયેલો હોવાથી, અક્ષરભાઈએ, તેની કૅબીનમાંજ અડ્ડો જમાવી દીધો. બાજૂની કૅબીન પોતાના ભત્રીજા અક્ષતની હતી.

મોટાકાકાને, છ માસ જેટલા લાંબા ગાળા બાદ, પ્રથમવાર, ઑફિસમાં આવેલા જોઈને, અક્ષત પણ દોડી આવી, આનંદ વ્યક્ત કરીને, ફરીથી પોતાના કામે લાગ્યો.

યક્ષની ખૂરશીમાં બેસતાંજ, અક્ષરભાઈને, તે દિવસ યાદ આવી ગયો, જ્યારે, મોટો યક્ષ અને તેનાથી માત્ર પાંચ માસ, નાનો અક્ષત, બંને એક સાથે, તેમનો M.B.A ; C.S. નો અભ્યાસ પૂર્ણ કરીને, બાપદાદાના સહિયારા ધંધાની કમાન સંભાળવા, તેજીલા તોખારની માફક, ધંધામાં જોડાયા હતા.

જોકે, યક્ષ અને અક્ષત, બંનેનાં લગ્ન પણ, એકજ સમૃદ્ધ, સુખી ઘરની, બંને સગી બહેનો, મંદિરા-યક્ષ અને માનસી-અક્ષત, સાથે કરાવીને, ધંધાની બાગડોર બંનેને સોંપીને, અક્ષરભાઈએ, થોડી હાશ અનુભવી હતી.

અચાનક, બંને પિતરાઈ ( cousin ) ભાઈઓના લગ્નના, બે માસ બાદજ, પોતાના નાનાભાઈ અને તેની પત્ની, (અક્ષતનાં માતા-પિતા) એક ગમખ્વાર, રૉડ ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યાંના આઘાતજનક સમાચાર મળ્યા, આ કારમા સમાચાર પોતે (અક્ષરભાઈ) જીરવી ના શક્યા અને હાર્ટઍટેકના શિકાર બન્યા.

ઘરના અગત્યના, બે પ્રેમાળ સદસ્યના, મૃત્યુના અસહ્ય દુઃખને, હ્યદયમાંજ દબાવીને, ઘરનાં તમામ લોકો, અક્ષરભાઈની સેવાચાકરીમાં લાગી ગયા. ખરેખર, આ સહુની સેવાએ રંગ રાખ્યો પણ ખરો. આ વાતને છ માસ કરતાં વધારે સમય વીતી ગયો. જોકે, અક્ષરભાઈએ,બીમાર હોવા છતાં, તે બાબતનું ખાસ ધ્યાન રાખ્યું હતુંકે, ક્યારેય અક્ષતને, તેનાં માતા-પિતાની ખોટ ના વર્તાય.

આજે ફરીથી અક્ષરભાઈ, બીમારીમાંથી, ઊભા થઈને, ઑફિસના મનગમતા વાતાવરણમાં, આવીને ઘણું સારૂં અનુભવતા હતા.

કંપનીના, ખૂબ વફાદાર, જૂના પટાવાળાએ, પાણીનો ગ્લાસ લાવીને, અક્ષરભાઈની સામે, મૂક્યો અને અક્ષરભાઈના સ્વાસ્થ અંગે પૂછપરછ કરી. અક્ષરભાઈએ, તેને અમસ્તુંજ, કંપનીના, ઑફિસના વાતાવરણ અંગે, પૂછ્યું તો, સામાન્ય વાતચીતમાંથી, તેમણે જે જાણ્યું,તેનાથી આ અનુભવી, ધંધાકીય સંચાલકે, યક્ષની નારાજગી અને ટેન્શનના કારણનો તાળો, ક્ષણભરમાં મેળવી લીધો.

તરતજ, અક્ષરભાઈએ ફૉન ઉઠાવીને, પોતાના કાયમી ઑડિટર `પરીખ એસૉસિયેટ્સ` ના, પોતાના જૂના પરમ મિત્ર શ્રીપરીખસાહેબને, ફટાફટ કેટલીક અગત્યની માહિતી એકઠી કરીને, યક્ષ અને અક્ષતને ઈ-મેઈલ કરવા જણાવ્યું.

તે સાથેજ, આજ શહેરની, અન્ય ઑડિટર ફર્મ `અમર એસૉસિયેટ્સ` ના, M.D. શ્રીઅમરસિંહ ચાવલા વિરૂદ્ધ, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાંથી, તાત્કાલિક રેડ પાડવા માટે, પૂરતા ડૉક્યુમેન્ટસ, ઈંન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટને, પુરા પાડવા શ્રીપરીખને જણાવ્યું. વળી આ બાબત ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના સ્ટાફમાંથી જ, લિક કરીને, SMS દ્વારા, તાત્કાલિક શ્રીઅમરસિંહ ચાવલાને, ચેતવી દેવા જણાવ્યું.

હવે થોડી નિરાંત અનુભવીને, અક્ષરભાઈ, યક્ષનું (P.C.) કૉમ્પ્યુટર ચાલુ કરી આરામથી તેના ઉપર, વિડીયો ગેમ રમવા લાગ્યા.

અક્ષરભાઈના વર્ષો જૂના સબંધો રંગ લાવ્યા,માત્ર અડધો કલાકમાંજ, બાજૂની કૅબીનમાં, ભત્રીજા અક્ષતના લૅપટોપ પર, `પરીખ ઍસોસિયેટ્સ` માંથી,
ઈ-મેઈલ પર, જે માહિતી આવી હતી તે, અત્યંત સ્ફોટક હોવાથી, ઑફિસના ઍકાઉન્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફની દોડાદોડી, અક્ષતની કૅબીનમાં, અચાનક થવા લાગી.

એટલામાં તો, નવા આવેલા ચીફ ઍકાઉન્ટન્ટ અને યક્ષ પણ, હાંફળા-ફાંફળા આવીને, સીધાજ, અક્ષતની કૅબીનમાં ઘૂસી જઈને, કોઈ બાબતે ઘૂસપૂસ કરવા લાગ્યા. જોકે, અક્ષતે યક્ષને જાણ કરીકે, આજે તો ઑફિસમાં, અક્ષરઅંકલ પણ આવ્યા છે, તો બધાં કામ પડતાં મૂકીને, યક્ષ પપ્પાને મળવા, પોતાની કૅબીનમાં દોડી આવ્યો. જોકે પપ્પાને કોઈ ચિંતા વગર, વિડીયો ગેમ રમતા જોઈને, તેને નિરાંત થઈ.

ચિંતાથી અને દોડાદોડીથી થાકેલો, યક્ષ, જાણે ખુરશીમાં, પડતું મૂકતો હોય તેમ, ધબ દઈને બેસી પડ્યો, તેના ચહેરા ઉપર, પોતે અને તેમની કંપની, જાણે કોઈ મહાસંકટમાંથી ઊગરી ગયા હોય તેવી લાગણી વર્તાતી હતી. સામે પડેલા પાણીનો ગ્લાસ, યક્ષ, એક ઘૂંટડે, ગટગટાવી ગયો.

યક્ષ હજી તો વિચારેકે, પપ્પાને, આ બધી ગંભીર બાબતની, જાણ કરું કે નહીં?

ત્યાંતો વિડીયો ગેમ રમવાનું અટકાવીને, અક્ષરભાઈએ, યક્ષને સૂચના આપી, " યક્ષ, તારા સેક્રેટરીને બોલાવીને, નવા ચીફ ઍકાઉન્ટન્ટનો બરતરફી (Discharge ) ઑર્ડર તૈયાર કરાવ, તેને નોટીસ પગાર આપીને આજે, અને અત્યારેજ છૂટો કરી દે, તે કંપનીના હિતમાં હશે. અને હા, અક્ષતને પણ મારી પાસે બોલાવ, મારે તમારા બંને ભાઈઓ સાથે વાત કરવી છે."

હવે યક્ષને ખૂબજ આશ્ચર્ય થયું, પપ્પાને મારી સમસ્યાની કેવીરીતે જાણ થઈ..!! અક્ષરઅંકલ બોલાવે છે, તેની જાણ થતાંજ, અક્ષત તરતજ અંકલ પાસે દોડી આવ્યો. અક્ષરભાઈએ પટાવાળાને બોલાવીને, હવે થોડીવાર,કોઈ તેમને, ડિસ્ટર્બ ન કરે તેનું ધ્યાન રાખવા સૂચના આપી.

યક્ષ અને અક્ષત બંને, અક્ષરભાઈ શું કહે છે ? તે જાણવા અધીરા થયા.

અક્ષરભાઈએ સ્વસ્થ સ્વરે, યક્ષને પૂછ્યું , " યક્ષ, તું આ નવા ચીફ ઍકાઉન્ટન્ટની સાથે, હમણાં કોની ઑફિસમાં ગયો હતો ? "

" પપ્પા, હું....હું....હું અમર ઍસોસિયેટ્સવાળા, મિસ્ટર અમરની ઑફિસમાં હતો.પણ તેમને ત્યાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની રેડ પડવાના સમાચાર આવતાંજ, અમે ત્યાંથી મુલાકાત કર્યા વગરજ પરત આવ્યા. " થોડુંક થોથવાઈને, યક્ષએ જવાબ આપ્યો..

" કેમ ? ત્યાં શું કામ ગયો હતો ? " અક્ષરભાઈનો સીધો સવાલ આવ્યો.

હવે, યક્ષ અને અક્ષતને, અક્ષરભાઈ પાસે, બધી ચોખવટ કર્યા વગર, છૂટકો ન હતો

બીના એમ બની હતીકે, અક્ષરભાઈના સમયથી, કાયમી ઑડિટર `પરીખ એસૉસિયેટ્સ`ના, M.D. શ્રીપરીખસાહેબે, કેટલીક બાબતોમાં, કાયદા વિરૂદ્ધ , નિયમ વિરૂદ્ધ જઈને, કંપનીની તરફેણમાં, ટૂંકા ગાળાનો ફાયદો કરવા જતાં, કંપનીને લાંબા ગાળાનું નુકશાન થાય, તેવાં પગલાં ભરતાં, યક્ષને રોક્યો હતો.

પરિણામે, યક્ષનું અહમ ઘવાતાં, નાનાભાઇ, અક્ષતના ભારે વિરોધ કરવા છતાં, નવા આવેલા ચીફ એકાઉન્ટન્ટની કાન ભંભેરણીથી, યક્ષ આવતા નવા નાણાકીય વર્ષથી, શ્રીપરીખ ઍસોસીયેટ્સને બદલે, શ્રીઅમર ઍસોસિયેટ્સને કંપનીના ઑડિટર તરીકે ઍપોઈંન્ટ કરવા નિર્ણય કરી ચૂક્યો હતો.

આજ બાબતે,યક્ષ અને અક્ષત, બંને ભાઈમાં, મતભેદ વધીને મનભેદ સુધી પહોંચી જવાની તૈયારીમાં હતો, તેથીજ યક્ષ, નાનાભાઈ અક્ષત સહિત અન્ય તમામ સ્ટાફ સાથે, છેલ્લા કેટલાય સમયથી, નારાજ અને ચીડાયેલો રહેતો હતો. કંપનીની ઑફિસમાં, પણ બંને ભાઈઓની તરફેણ અને વિરૂદ્ધમાં, સ્ટાફના ભાગલા પડવાથી, વાતાવરણ ડહોળાઈ જવાની તૈયારીમાં હતું.

હકીકતમાં, નવા ચીફ ઍકાઉન્ટન્ટ, શ્રીઅમર ઍસોસિયેટ્સનો ,પાળેલો કમિશન ઍજન્ટ હતો, જે આવી રીતે અનેક કંપનીઓમાં, મિસ્ટર અમરના ઈશારે, નોકરીના બહાને ઘૂસ મારીને, કંપનીઓના બૉર્ડ ઓફ ડિરેક્ટર્સમાં, ફૂટફાટ પડાવી, મિસ્ટર અમરને અઢળક ફાયદો કરાવી આપવાનું કામ કરતો હતો.

આજે, અમર ઍસોસિયેટ્સના મિસ્ટર અમર સાથે, નવા નાણાંકીય વર્ષથી, પોતાની કંપનીના ઑડિટર તરીકે, નિમણૂંક માટે ડીલ ફાયનલ કરવાજ, યક્ષ અને પેલો ચીફ એકાઉન્ટન્ટ ગયા હતા. આના બદલામાં, મિસ્ટર અમરે, યક્ષને તેની કંપનીમાં ,સરકારી નિયમો અને કાયદાનો ભંગ કરવાની તથા તેવી બાબતોને, કાયદેસર કરાવી આપીને, પોતે ઍપ્રૂવ કરવાનું વચન આપ્યું હતું.

અક્ષરભાઈએ, સમયસર આવીને, યક્ષની ભૂલ સુધારી લીધી હતી. તેમને હાર્ટઍટેક આવતાં પહેલાંથીજ, તેમની કંપનીને, બદનામ કરવા, એકપણ તક જતી ન કરતા, `અમર ઍસોસિયેટ્સ`ના, મિસ્ટર અમર વિરૂદ્ધ, શ્રીપરીખને કહીને, છ માસ અગાઉ જ ભેગા કરાવી રાખેલા, પુરાવા આજે ખરી કટોકટીના સમયે કામ લાગ્યા હતા.

યક્ષ અને અક્ષતને આવેલા ઈ-મેઈલમાં, આજ સુધી મિસ્ટર અમરની ફર્મ દ્વારા,કેટલી કંપનીઓ, કાયદાભંગની જાળમાં, ગૂંચવાઈને બંધ થઈ હતી, દિવાની ફોજદારી દાવાઓનો ભોગ બની હતી તથા કેટલી કંપનીમાં, કેટલા ડિરેક્ટર સગાભાઈઓ, સગાવહાલાં, લઢી-ઝગડીને, મિસ્ટર અમરની બદમાશીના, કારણે અલગ થઈ બરબાદ થયા હતા..!! તે સ્ફોટક વિગતો સામેલ હતી.

યક્ષ અને અક્ષત મૂરખ ન હતા, તેમણે અક્ષરભાઈ પાસે, પોતાની ભૂલનો, એકરાર કરવામાં સહેજપણ વાર ન કરી.

અક્ષરભાઈએ બંને ભાઈઓને તેમની ભૂલ દર્શાવતાં એટલુંજ માર્ગદર્શન આપ્યું કે, "યક્ષ, તું ઘણોજ ઉત્સાહી છે, સારી બાબત કહેવાય, પણ તારી ભૂલ એ છેકે,
આજે મેં, તમને ઈ-મેઈલ કરાવીને, જે માહિતીથી, અવગત કરાવ્યો, તે તારે તારી જાતેજ, અગાઉ ચેક કરી લેવાની જરૂર હતી અને અક્ષત, તું યક્ષના ખોટા નિર્ણયનો વિરોધ, સમજીને બરાબર, કંપનીના હિતમાં કરી રહ્યો હતો, પણ તારે આજે મળેલા પુરાવા જાતે ભેગા કરીને યક્ષ, સામે રજૂ કરીને, પછીજ વિરોધ કરવાની જરૂર હતી. so, now, is it all clear ? Any, question ? "

અક્ષરભાઈએ બંને ભાઈઓને જણાવ્યું, " જાવ,પેલા અમરના ચીફ એકાઉન્ટન્ટ ચમચાને ,સ્ટાફની મીટીંગ ભરીને, તેમના દેખતાંજ, છૂટા થવાનું કાગળીયું, હાથમાં પકડાવો, જેથી તમારી તરફેણ અને વિરૂદ્ધમાં, ભાગ લેનારા બાકીના સ્ટાફને, કોઈજ સૂચના આપ્યા વગરજ, સત્યનો મૅસેજ મળી જશે..!! "

અક્ષરભાઈએ ઉમેર્યું, "અને હા અક્ષત, તું ઘેર રોહિણીને ફૉન કરીને કહી દે, આજે મારી ઑફિસમાં, હું સાજોસમો પરત ફર્યો છું તેના આનંદમાં, તું ને માનસી, આજે મોટા ઘેર જમવા આવે છે. અને ખબરદાર, જો આજથી તેં કે માનસીએ મને કાકા કહ્યું તો...!! તમારે આજથી મને પપ્પા કહીને, અને રોહિણીને મમ્મી કહીને સંબોધવાનાં છે, સમજ્યો ?"

જોકે, જમાનાના ખાધેલ, અક્ષરભાઈની આ વાત, અક્ષત સમજે કે ના સમજે, પણ યક્ષ સમજી ગયોકે, આજથી મારે અક્ષતને, પિતરાઈ ભાઈ નહીં, સગો ભાઈ સમજવાનો છે. આમેય અક્ષરભાઈના બાપદાદાના સમયથી આજ કુટુંબભાવ ચાલ્યો આવે છે. અક્ષરભાઈએ તો, માત્ર પોતાના દીકરા યક્ષને, તે ભાવ તાજો કરાવ્યો, બસ એટલુંજ..!!

મને લાગે છે, અક્ષરભાઈએ, લાકડીના ભારાને પહેલાં કરતાં વધારે મજબૂતીથી ગાંઠ બાંધીને , ક્યારેય અલગ ન થઈ શકે, તે પાકું કર્યું હતું.

હવે આ લાકડીના ભારાને કોઈ તોડી બતાવે તો હું એનેય માનું..!!

આપનાથી લાકડીનો , આ ભારો તૂટે તેમ છે ?

માર્કંડ દવે. તા.૧૮-૦૨-૨૦૧૦.

2 comments:

 1. Nice tell.
  I get back to my school days by these

  keep it up

  ReplyDelete
 2. I Like this sir.
  I m ur big fan.

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.