Wednesday, February 10, 2010

વિચાર-આચાર-પ્રચાર.

વિચાર-આચાર-પ્રચાર.

" હુંજ તું ને તુંજ હું, વિચાર તે ખોટો નથી.
હું કરું જે તુંય કર, સદાચારનો તોટો નથી..!!"

==============

પ્રિય મિત્રો,

હમણાંજ થોડા દિવસો પહેલાં, એક પ્લે ગ્રૂપમાં, જતા અઢીજ વર્ષના બાળકને, શાળાનો સમય પૂર્ણ થવાથી, તેની માતા, તેના બાળકને, પરત લેવા ગઈ.

ટીચર મૅડમે, બાળકોની ઍક્ટિવીટીની ચર્ચા કરતાં, માતાને તેના બાળક વિષે અહેવાલ આપ્યો," આપના દીકરાએ આજે મને આશ્ચર્યમાં મૂકી દીધી. બધાંજ બાળકો રમતાં હતાં,પરંતુ, આને મેં રમવા જવાનું કહ્યું ,તો આપના બાળકે મને જવાબ આપ્યો,`ટીચર,મને બેસવા દો ને, મને રમવાનું મન નથી..!! "

આ વાત જાણીને, આશ્ચર્યતો મનેય થાય છે, ભલે, કોઈકના મોં એ વાત સાંભળીને, આ અઢી વર્ષના બાળકે, આવો ઉત્તર આપ્યો હશે..!! પરંતુ, `મન` હોવાની આ ઉંમરે જાણ થવી,તે આજના યુગના બાળકોનો ` I.Q.` દર્શાવે છે..!!

વિચાર

વિચાર એટલે, આપના શરીરની તમામ ઈંન્દ્રિયો દ્વારા,મનને મોકલાતા સંકેતો અનુસાર રાસાયણિક ફેરફારોથી, વર્તતા મનના તરગો.

વિચારથી કેળવાય, સારા-નરસા,કર્મ-અકર્મ, કર્તવ્ય-અકર્તવ્ય,સમજ-નાસમજ,વિવેક-અવિવેક જેવી અનેક બાબતોનું વ્યવહારમાં વર્તન સ્વરૂપે પ્રગટ થતું જ્ઞાન.આજ બાબત સાથે, જોડાયેલ છે, ચિંતન,મનન,આત્મનિરિક્ષણ અને વ્યક્તિત્વ-પ્રભા.

જો વિચાર એક શક્તિ છે તો, અલગ-અલગ સંકેત, શબ્દ અને ભાષાએ, વિચારને પ્રગટ-પ્રસાર કરવાનું માધ્યમ છે.
ઉપનિષદ જણાવે છે કે, માણસ જેવા વિચાર કરે તેવો થાય. આપણી જેમજ જિંદગી જીવતા અન્ય સર્વે જીવોને, માન-આદર સાથે હાની ન કરે તેવા વિચાર, તે ધર્મ અને અને તેનું પાલન કરનાર દરેક વ્યક્તિ ધાર્મિક છે.

એમ કહેવાયકે, સ્વપ્નમાં વિચારો ઉપર કાબૂ રહેતો નથી, પણ જાગૃત અવસ્થામાં, વિચારો ઉપર કાબૂ ન રાખી શકે, તે સ્વપ્નમાં હતો તેમ કહીને પરિણામ ભોગવવામાંથી છટકી જઈ શકે નહીં.
આવા જણને બહુ-બહુ તો મનોરોગી કહી,સારવાર આપી શકાય..!! (દા.ત. તાજેતરમાંજ, અમદાવાદ અભ્યાસ કરતા એક યુવાને, છેક યુ.પી.માં,રૂચિકા કેસના, એક આરોપી `DGP રાઠોડ`, ઉપર તીક્ષ્ણ હથિયારથી કરેલો હુમલો.)

પૂજ્ય મહાત્મા ગાંધીબાપૂના મંતવ્ય અનુસાર,

" માણસને કોઈ નવો વિચાર આવે, તેના ઉપર તે કુરબાન થઈ જાય અને તરત જગતને આપી દે તો તેમાં તેણે ખોયું છે અને જગતે પણ ખોયું છે; પણ માણસ વિચાર સંઘરે, તેના ઉપર અખતરા કરે, પોતે કરે, બાળકો ઉપર અખતરા કરે અને આખરે તાળો મેળવે અને પછી પણ રોકાઈ જાય તો જગતે કશું ખોવાનું નથી. આપણે જે વિચારો પ્રગટ કર્યા વિના મરીશું, તે વિચારો આત્મા લઈને જશે અને કોઈ કાળે તે જગતને જરૂર મળશે. વિચારોને પણ રોકવાની ચાવી મનુષ્ય પાસે છે એ વિષે મને શંકા નથી; પણ એ ચાવી દરેકે પોતાને સારૂ શોધવી રહી છે એવા નિર્ણય ઉપર અત્યારે તો હું આવ્યો છું."

પણ મને વિચાર આવે છેકે, પૂ.બાપૂનું કહ્યું, બધાં માનતા હોત તો, વળી જોઈતું`તું જ શું?

એકવાર એક મિત્રને ત્યાં, અમને બે-ત્રણ મિત્રોને,તેણે આગ્રહ કરીને, જમવા બોલાવ્યા.જોકે મને તે મિત્રની પત્નીનો અભિમાની સ્વભાવ ખબર,તેથી મેં થોડી આનાકાની જરૂર કરી, પરંતુ મારા બીજા બે મિત્રોએ હા પાડી દીધી, તેથી મારું કાંઈ ચાલ્યું નહીં.

યજમાન મિત્રએ, આમંત્રણ આપ્યાના દિવસે અને સમયે, અમે ત્રણે મિત્રો સમયસર જમવા પહોંચી ગયા.પણ જોયુંતો, ત્યાં જમવાનું બનાવ્યું હોય,તેવી કોઈ તૈયારી લાગી નહીં. હવે..??

અમે ત્રણે મિત્રો, એકબીજાની સામું જોવા લાગ્યાકે," સાલું ખરેખર છે શું ? અમે આમંત્રણની તારીખ અને સમય સાંભળવામાં થાપ ખાધી હશે ? કે પછી, અમને આમંત્રણ આપનાર મિત્ર, તેની પત્નીને, અમારા માટે ભોજન બનાવવા, કહેવાનું ભૂલી ગયા હશે ?"

મારી આ બધી શંકા મેં, મારી સાથે આવેલા એક મિત્રના કાનમાં કહી, તેમણે બે-પાંચ સેકંડ વિચાર કરીને, ભૂખના માર્યા કાંપતા અવાજે, ખાત્રીપૂર્વક, `આપણી ભૂલ નથી` તેમ મને આશ્વસ્ત કર્યો.

જોકે, પેલા યજમાન મિત્ર અને તેની પત્ની તો, અમે મિત્રો, જાણે બપોરના બાર વાગે, ટહેલવા નીકળ્યા હોય અને અનાયાસે તેમના ઘેર,ગપ્પાં મારવા ધામા નાખ્યા હોય તેમ, ગામ આખાની, આડીઅવળી વાતો કરે પણ ભોજન માટે ઉભા થવાની, કોઈ વાત ના કરે..!!

મારી સાથે જમવા આવેલો, ભૂખથી આકુળ-વ્યાકુળ થયેલો, એક મિત્ર તો વળી, રસોઈની તૈયારી જોવા માટે, બાથરૂમ ક્યાં છે ? વાસણ ધોવાની ચોકડી ક્યાં છે ? જેવા સાવ ફાલતુ સવાલ પૂછતો, છેક રસોડામાં લટાર મારી આવ્યો, પણ હતાશ, નિરાશ ચહેરે, ધોયેલા મૂળા જેવો પાછો આવ્યો.

થોડીવાર પછી અમે તો કંટાળ્યા,મેં મારી સાથે આવેલા મહેમાન મિત્રોને હવે ઉઠવાનો ઈશારો કર્યો, ત્યારે રસોડામાં આંટાફેરા કરીને કંટાળેલા, પેલા ભૂખ્યાડાંસ મિત્રએ, ઉઠવાને બદલે, સાવ નફ્ફટાઈથી, પેલા યજમાન મિત્રની પત્નીને જ પૂછી લીધું," હેં ભાભી, તમને અમારા આ મિત્રએ જાણ નહોતી કરીકે, આજે અમને જમવા આમંત્ર્યા છે ?"

આ સાંભળીને, બંને યજમાન પતિ-પત્ની, કાપો તો લોહી ના નીકળે તેવાં થઈ ગયાં. છેવટે,પેલા ભોળા મહાદેવ, યજમાન મિત્રએ, પેટછૂટો ખુલાસો કરી દીધો.

વાત જાણે એમ હતીકે,તેમની પત્નીએ, રસોઈ તો અમારા સહુ માટે બનાવી હતી, અમારે ફક્ત આવીને. જમવાનીજ વાર હતી, પણ આ યજમાન મિત્રએ, બહાર વરંડામાં,રસોઈ બનાવીને હમણાંજ, બેઠેલી તેની પત્નીને ચાર-પાંચ વખત, કહેવાનો પ્રયત્ન કર્યોકે, " બૅબી, હું વિચારું છું કે..એ...એ..એ...?"

ત્યાં,તો સવારથી રસોઈ બનાવીને, કંટાળેલી અભિમાની પત્નીએ તેને દબડાવ્યો," હવે વિચાર્યા,વિચાર્યા ?? તમે વિચારવાનું તો રહેવાજ દો.પૂછ્યા વગર જેને ને તેને જમવા બોલાવો છો?"

આમ ચાર-પાંચ વાર ચાલ્યું, છેવટે યજમાન મિત્રથી ના રહેવાયું,તે ઉતાવળ કરીને, કહીજ દીધું, "પણ બૅબી, હું વિચારું છુંકે, રસોડામાં ચાર કૂતરાં જતાં મેં જોયાં છે તે, બધી રસોઈ સફાચટ ના કરે તો સારૂં..!!" મિત્રની પત્ની સફાળી દોડી, પણ બધી રસોઈ બોટાઈ ગઈ હતી.

પેલા યજમાન મિત્રની પત્નીએ, તેને ચોખ્ખું સૂણાવી દીધું,"કૂતરાં પેઠાંકે તરતજ ના બોલાય ? ( ભસાય? ), હવે બીજીવાર હું રસોઈ બનાવવાની નથી. લઈ જજો બધાને હોટલમાં જમવા..!!"

પરિસ્થિતિનો તાગ પામીને, અમે ત્રણે મિત્રો, તે યજમાન મિત્રના ઘરમાંથી, કશું બોલ્યા-ચાલ્યા વિના, બહાર આવ્યા,ત્યારે પેલાં બંનેના ઝઘડવાનો અવાજ સંભળાતો હતો.

અમારે ઘેર ઝઘડો ટાળવા, એકમેકના ઘેર આ ઘટનાની ચર્ચા નહીં કરવાના, અમારી પત્નીઓના (!!) સોગંદ, એકબીજાને આપી છેક, બપોરના બે વાગે,અમે ભૂખ્યાડાંસ થયેલા ત્રણે મિત્રોએ, રાયપુરનાં ભજિયાં ધરાઈને, દબાવ્યાં.

જોકે, ભજિયાં ખાતી વખતે, પેલા રસોડામાં, આંટા મારનારા મિત્રની પત્નીનો ફૉન આવ્યો," જોજો ડાયાબિટીસ છે, જમવામાં ધ્યાન રાખજો,.જમવા બેઠા છો? મીઠાઈ વધારે ના જમતા..!! શું જમો છો ? "

પેલા મિત્રના ભજિયામાં, આખું લીલું મરચું આવ્યું હોય તેમ, તિખાશથી તેણે પોતાની પત્નીના ચાળા પાડીને, ફૉન પર જ વડચકું ભર્યું," બોલ્યાં મોટાં,શું ખાવ છો? હડસેલા ખાઉં છું, હડસેલા ..!!"

દોસ્તો, વિચાર બે જાતના હોય છેઃ સારા કાર્યને પ્રેરનારા અને બીજા બેકાર, નકામા.

સારા મહાપુરુષો અને ગ્રંથોની સોબતથી, માનવ આંશિક પૂર્ણતા મેળવી શકે,પરંતું સંપૂર્ણતા એ કેવળ ઈશ્વરકૃપાથીજ પ્રાપ્ત થાય છે.તે માટે લાંબી ધીરજભરી,આકરી તપશ્ચર્યા કામ આવે છે.સંપૂર્ણ ઈશ્વરાર્પણ વિના વિચારોની ઉપર સંપૂર્ણ વિજય શક્ય જ નથી.

નકામા વિચારો ચેતનશક્તિનાં બીજ વાવ્યા વગરનાં ખેતર જેવા હોય છે. તેમાંથી નકામા ઘાસ સિવાય કશું નીપજતું નથી;

પણ કાર્યને પ્રેરનારા વિચારો- માંથી, એક જ શુદ્ધ, પ્રાણવાન, અંતરના ઊંડાણમાંથી પ્રગટેલો અને માણસની સમગ્ર જીવનશક્તિની એકાગ્ર પ્રેરણાવાળો વિચાર સમર્થ હોય છે, તે બીજ,ખાતર અને પાણીના સમન્વયથી, નવપલ્લવીત ખેતરની માફક નવી શક્તિને જન્મ આપે છે.

મનમાં ઉઠતા વિચારના શાસ્ત્રને ` psychology - મનોવિજ્ઞાન` કહે છે. મનોવિજ્ઞાનમાં દર્શાવ્યા પ્રમાણે,
મનમાં અનાયાસે આવતા વિચારોને , `I D = uncoordinated instinctual trends ` , ` EGO = The organized realistic part of the psyche`, જ્યારે `SUPER-EGO = The critical and moralizing function` કહી શકાય.

આચાર

આચાર એટલે, વર્તન-આચરણ.

માતાના ગર્ભમાંથી,જન્મ બાદ પ્રથમ આચરણ, નવજાત શીશુનું રૂદન, છે તેમ કહી શકાય.

આચરણના નવ પ્રકાર છે: શ્રૌતાચાર, સ્માર્તાચાર, તાંત્રિકાચાર, શિષ્ટાચાર, કુલાચાર, જ્ઞાત્યાચાર, જાત્યાચાર, દેશાચાર અને લોકાચાર.

Sociology - સમાજશાસ્ત્ર

Social psychology is the study of how people and groups interact. Scholars in this interdisciplinary area are typically either psychologists or sociologists.
સામાજીક આચરણના આ શાસ્ત્રમાં,

" દૂરનાં પરિણામોનો ખયાલ,અભિપ્રાય; સલાહ , કલ્પના ઊઠવી કે સૂઝવી,
કાર્યાકાર્ય સંબંધી મનોવ્યાપાર કરવો; ચિંતન કરવું. કેટલું ને ક્યારે,બોલતાં અટકવું કે થોભવું ?
મનસૂબો કરવો, નિર્ણય માટે મનમાં ગડમથલ થવી, વહેમ કે શંકા થવી,તર્ક થવો.
ચિંતવવું, વિવાદ ચલાવવો, મસલત કરવી, ઘણી જ બારીકીથી ધારવું, વિચાર છુપાવવો.
હેતુ જાહેર નહિ કરવો; સંયમ ધારવો; અભિપ્રાય કે હેતુ ગુપ્ત રાખવો,
સામાનો શો અભિપ્રાય છે તે જાણવાનો પ્રયત્ન કરવો, ઠરાવ કે અભિપ્રાય શિથિલ થવો;
આનાકાની થવી, મનોભાવ છુપાવવો અથવા સંયમ ધરવો, મન મારવું;
મનોભાવ પ્રગટ ન કરવો, વિચાર પ્રગટ કરવો કે જણાવવો,સામાનું મન જોઈ લેવું,
અભિપ્રાય જાણવા માગવો, મનની સમતોલતા જતી રહેવી, મન અસ્થિર હોવું, વિવેક રાખવો;
મર્યાદા રાખવી, બીજાનો મત સાંભળવો; વક્તવ્ય જાણવું."

જેવી અનેક બાબતોનો,સાયકૉલોજીના અતિ આધુનિક સંસાધનો દ્વારા,વૈજ્ઞાનિક ઢબે,નિરીક્ષણ,પરિક્ષણ કરીને મેળવેલાં સર્વસંમત તારણો ઉપરથી, સમાજશાસ્ત્રના, સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા છે.

પ્રચાર

વિચાર- આચારના અભ્યાસમાંથી, પ્રગટેલાં પરિણામોના,પ્રચાર સાહિત્યને (શાસ્ત્રને) ,` Philosophyતત્ત્વજ્ઞાન, ફિલસૂફી, દર્શન(શાસ્ત્ર)` કહે છે.

પ્રખ્યાત ફ્રેંચ, ફિલૉસોફર `Lucien Levy Bruhl ` (April 10, 1857 - March 13, 1939) ,દ્વારા તેના, ૧૯૧૦માં પ્રગટ થયેલા, જગવિખ્યાત પુસ્તક`How Natives Think.` માં સામુહિક રીતે, અભાનપણે, અબોધ મનના વલણ, અંગે સુંદર છણાવટ કરી છે.

સંયમિત મન દ્વારા કરવામાં આવેલા,શુદ્ધ વિચાર અને વિશુદ્ધ આચરણ,સમાજમાં તમારા વ્યક્તિત્વનો,પ્રચાર કરે છે,જે તમારી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરે છે.

જ્યારે,અશુદ્ધ વિચાર-આચારને કારણે સમાજમાં પ્રચાર પામેલી, નકારાત્મક વ્યક્તિત્વની,માનવીની અયોગ્ય છાપ,અધોગતિ અને ક્યારેક મૃત્યુનું કારણ બને છે.

કઠણ,કાબૂ બહારના સંજોગોમાં, પેદા થતી, વિષમ પરિસ્થિતિમાં,વિચાર શક્તિ બહેર મારી જતાં,આર્થિક,શારીરિક અને / અથવા માનસિક હાની પહોંચી શકે છે.

જોકે, હાલમાં સમગ્ર વિશ્વમાં,દેખાતી પ્રગતિ, સદ્‌વિચાર- સદાચાર અને હકારાત્મક પ્રચારના, ભારે વજનને કારણે છે, ધ્યાન દોરવાનુંકે, વિશ્વમાં હકારાત્મકતાની તુલનામાં,નકારાત્મકતાનું પલ્લું હજુ હલકું છે.

ચિંતાની વાત એ છેકે,પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ બાદ,હવે રહી-રહીને આતંકવાદ જેવા કેટલાક નકારાત્મક વિચાર-આચાર-પ્રચારનું જોર વધ્યું છે.

પરંતુ આશ્વાસનની વાત એછેકે, સમગ્ર વિશ્વ સમાચારોની આપ-લે ની બાબતે, એક ગામડું બની ગયું હોવાથી, આવા નકારાત્મક ધરાવતાં તત્વોને ડામીને,જડમૂળથી ખતમ કરવા,વૈશ્વિક સમાજ સક્ષમ છે.

પશ્ચિમી જગતમાં, ઉચ્ચ અભ્યાસ માટે સર્વપ્રથમ, સંસ્થા સ્થાપનાર,મહાન ગ્રીક ફિલૉસોફર,ગણીતશાસ્ત્રી, પ્લૅટો Plato (428/427 BC[a] – 348/347 BC), તેમના ગુરૂ સોક્રેટીસના, ગેરવ્યાજબી, કરૂણ મોતથી ઘણાજ વ્યથિત થયા હતા.

તેથીજ તેમણે મત બાંધ્યોકે,," સજ્જન બનવા માટે,એકમેકને અનુસરતા,સંકળાયેલા ઘણા ઓછા રસ્તા છે,પરંતુ નઠારા( શેતાન) બનવા માટે અગણિત રસ્તાઓ જગતમાં હાજર છે.

આપણને આર્થિક,શારીરિક અને માનસિક હાની પહોંચાડતા, શેતાની વિચારોથી છૂટકારો મેળવવાનું કાર્ય શું અઘરું છે ? બિલકુલ નહી..!!

* પોતાની જાત-સુધારણાની પ્રવૃત્તિ, જાગૃત રહીને,સતત જારી રાખો.

* અગાઉ થયેલી ભૂલોને વાગોળશો નહીં.

* તમારી પ્રતિષ્ઠાને હાની થાય તેવા કોઈપણ કાર્યથી અળગા રહો.

* ખરાબ સોબતથી હંમેશા એક અંતર રાખો.

* પ્રેમનો અભાવ જ મોટા ભાગે ખરાબ (નકારાત્મક) વિચારોને જન્મ આપે છે,પ્રેમ આપો અને મેળવો.

* પોતાનાં નિકટનાં સગાંવહાલાં-મિત્રોને, `ઈમોશનલ બ્લૅકમેલ` કરવાનો પ્રયત્ન ના કરો. (તમને ચાહનારા જ તમારાથી
દૂર થઈ જશે..!!)

* સત્યને વળગી રહો, ભલે તમને નુકશાન થાય. તમારી સુધરેલી છબી,તમને ફરીથી સારૂં વળતર આપી જશે.

* સામેના દુઃખી વ્યક્તિની જગ્યાએ,તમારી જાતને મૂકીને, તેનું દુઃખ પોતે અનુભવી,સર્વને મદદરૂપ થાવ.

* તમારી નિંદાની પરવા ના કરો, અને પ્રશંસાથી ફૂલાઈ ના જાવ.ધીરજ ધરો,સ્વસ્થ અને શાંત રહો.

* જે વિચારો,થાય છે,તે મન દ્વારા થાય છે,મન બહેકી જાય,તેવા વાતાવરણથી તરત જ દૂર ચાલ્યા જાવ.

ઉપર જણાવેલા ઉપાયોનું લિસ્ટ,વિચારી-વિચારીને, ઈચ્છા પડે તેટલું લાંબું થઈ શકે છે.

પરંતુ, હવે તો, માતાના ગર્ભમાંજ, પોતાની બુદ્ધિમત્તાનો પરિચય બાળક આપી દે છે તેવા, સંજોગોમાં આ લેખ વાંચનારની, વિવેકબુદ્ધિ પર, બાકીના વિચારો, ઉપાયો શોધવાનું કાર્ય છોડી દઉં છું.

આમે ય, `હું તે તમે અને તમે તે હું` નો વિચાર ક્યાં ખોટો છે..!!

અને જો આપણા સમાજ સહુ કોઈ આમ જ વિચારે તો પછી, હું કરું તે તમે કરો,તમે કરો તે હું કરું, સદાચાર નો ય ક્યાં તોટો છે..!!

" હુંજ તું ને તુંજ હું, વિચાર તે ખોટો નથી.
હું કરું જે તુંય કર, સદાચારનો તોટો નથી..!!"

માર્કંડ દવે.તા.૧૦-૦૨-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.