Saturday, January 16, 2010

ઘરની પત રાખે તે પત્ની

A wife - ઘરની પત રાખે તે પત્ની.

પ્રિય મિત્રો,

એક પતિદેવને કોઈએ પુછ્યું," પતિ - પત્ની વચ્ચે છૂટાછેડા થવાનું મૂખ્ય કારણ શું છે ?",

અકળાયેલા પતિદેવે જવાબ આપ્યો, " લગ્ન..!!"

વાત બિલકુલ સાચી છે,માનવી નામનું નરપ્રાણી, બુદ્ધિમત્તા અને સમજદારીથી જીવનસાથીની પસંદગીના ખ્યાલને,પાળી, પોષી, પંપાળીને પોતાના ખ્યાલને અનુરુપ, નારીપ્રાણીને લગ્ન નામના બંધનમાં બાંધે છે.ત્યારબાદ આખી જિંદગી એવા ખોટા ખ્યાલમાં જીવન વિતાવે છેકે, મારી પત્ની, મારા ખ્યાલને અનુરુપ, વાણી વર્તન અપનાવી, સહજીવનનો સાચો ધર્મ નિભાવી રહી છે..!!

ખરેખર હકિકત તો એ છેકે, લગ્ન બાદ ધીરે ધીરે ક્યારે પતિદેવના ખ્યાલ બદલાઈને, પત્નીના ખ્યાલના રંગે રંગાઈ જાય છે, તે જ સુધબુધ રહેતી નથી. જોકે, એમ થાય તેમાં કાંઈ ખોટું નથી,પરંતુ આ બાબત પતિદેવને ઘણી મોડી સમજાય, તેવા ભોળપણ સામે ઘરના કોઈ અન્ય સદસ્યને જરુર વાંધો હોઈ શકે..!!

આમતો,પત્નીઓ નારીસહજ છઠ્ઠી ઈંન્દ્રીયને કારણે, એ સમજીને જ લગ્ન કરે છેકે, લગ્નજીવન સુખી વિતાવવા માટે, પતિને સમજવામાં સમય વધારે ગાળવો અને પ્રેમ કરવામાં સમય ઓછો.

તેજ રીતે, પતિદેવ ગુરુતાગ્રંથીથી પીડાઈને, લગ્નબાદ થોડા જ દિવસમાં સમજી જાય છેકે, લગ્નજીવન સુખી વિતાવવા માટે પત્નીને પ્રેમ કરવાનો દંભ કરવામાં, વધારે સમય ગાળવો અને સમજવામાં ઓછો. ( ઈશ્વરનું ગજું નથી,તો પતિદેવની શી વિસાત છે..!!)

ઘણા રમૂજમાં એમ કહે છે, જીવનમાં બે સમયે પુરુષ, સ્ત્રીને સમજી શકતો નથી, એક લગ્ન અગાઉ અને બીજો લગ્ન બાદ.

તેથીજ પરણેલા પુરુષ, કુંવારા કરતાં વધારે લાંબું આયુષ્ય ભોગવે છે,એ વાત અલગ છેકે, લગ્નના અનુભવ બાદ ઘણા પરિણીત પુરુષ, લાંબુ જીવન જીવવા રાજી હોતા નથી.

ભારતમાં પત્નીની વ્યાખ્યા

ભારતમાં હિંદુ ધર્મમાં, પત્ની એટલે એવી સ્ત્રી,જે પોતાના પતિ સાથે,પોતાની ઓળખ સહિતની,સંસારની તમામ વસ્તુઓમાં હિસ્સો ધરાવતી હોય, જિંદગીના નિર્ણયો એકબીજા સાથે હળીમળીને લેતી હોય,પોતાના ઘરના સદસ્યના આરોગ્ય,અભ્યાસ અને પતિના,માતાપિતા સહિત, નાનીમોટી તમામ જવાબદારીનું વહન કરતી હોય,
આપણા દેશમાં ૯૦% લગ્ન, પરસ્પર, બંને કુટુંબની સંમતી મેળવીને પસંદગી દ્વારા કરવામાં આવે છે. (Arranged Marriages),જેમાં એકસરખી જ્ઞાતિ, સંસ્કૃતિ,અને આર્થિક સરખાપણું ખાસ જોવામાં આવે છે.

લગભગ ૧૯૬૦ના દશક સુધી,ઘરના વડીલો નક્કી કરે તે કન્યા સાથે, હા-ના કર્યા વગર પરણી જવાનો રિવાજ ચૂસ્તતાપૂર્વક પળાતો હતો.જોકે,આ કારણે, મનને મારીને, રગશિયા ગાડાની જેમ, અણગમાથી જિંદગી જીવે જતાં કજોડાંનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે.

મને સન-૧૯૫૮નો, એક કિસ્સો યાદ આવે છે,એક ગામડામાં કન્યા જોવા ગયેલાં માતા-પિતા તથા યુવકની સારી આગતાસ્વાગતા પછીં, યુવકને આ અભણ અને કાળી કન્યા ગમતી ન હોવા છતાં, પોતાની માતાના દબાણને કારણે, તેની સાથે લગ્ન કરવાં પડ્યાં.કારણ માત્ર એટલુ જ કે, કન્યાની બા એ, આ લગ્ન નક્કી જ છે તેમ માનીને, સહુના જમ્યા બાદ યુવકની એંઠી થાળીમાં કન્યાને જમાડી હતી.

પત્ની કેવી પસંદ કરવી જોઈએ?

"न हि विवाहान्तरं वरवधूपरीक्षा ।" અર્થાતઃ- પરણ્યા પછી વર-વધુની જાત ન પૂછાય.( સ્વભાવ પણ ?)
આપણામાં સર્વગુણ સંપન્ન પત્નીની વ્યાખ્યામાં સ્ત્રીને,કાર્યક્ષમતામાં એક કુશળ મંત્રી સમાન,ભોજન પિરસતી વખતે માતા સમાન અને રુપમાં કોઈ અપ્સરા-રંભા સમાન કલ્પના કરવામાં આવી છે.તામિલ ભાષામાં પત્નીને, “Manaivee”. એટલેકે, `ઘરના મૂખ્ય વહીવટકર્તા`,તરીકે ઓળખાય છે.

હજી આજની તારીખ સુધી,ઘણાંને મુલાકાત બાદ, યુવક-યુવતી એકમેક પસંદ ન કરે, ત્યારે વડીલો મન મનાવે કે, "લગ્નનું નક્કી કરવું, આપણા હાથમાં નથી તે ઉપરથી જ લખાઈને આવે છે."

લેખના પ્રારંભમાં ભલે લખ્યું હોય, પુરુષે સ્ત્રીને સમજવાનો પ્રયત્ન ના કરવો,પરંતુ કન્યા પસંદગી સમયે જ જો પુરતી ચોક્કસાઈ રાખવામાં આવે તો,પુરુષ આધિપત્ય પ્રધાન સમાજમાં, કંકાસ થવાની નોબત ઓછી થઈ જાય છે.

૧૯૭૦ના દશક બાદ,જ્ઞાતિના વાડા તૂટવાથી,દેશની આઝાદી બાદ જન્મેલા યુવાનોના આધુનિક વિચારોને કારણે,સેટેલાઈટના વિશાળ વ્યાપને કારણે,આખી દુનિયાની સંસ્કૃતિનાં સારાં-નરસાં પાસાં નજર સામે આવી જવાથી, તેના આંધળા અનુકરણને કારણે,વડીલોની આમાન્યા ઓછી થવાને કારણે, તથા માનવી પોતાના સમાજથી નોકરી ધંધાર્થે દૂર થવાથી, સંપર્ક ઓછા થવાને કારણે, અત્યારે, ૨૦૦૯ સુધીમાં એવો સમય આવી ગયો છેકે, યુવક કે યુવતી,પરસ્પર લગ્નનિ નિર્ણય કરીને આવે તેને મને-કમને વડીલોએ વધાવી લેવાનો રહે છે.આમ થવા પાછળ પૂખ્તવયના નિર્ણયોનો આદર કરતા કાયદા પણ સહાયરુપ થયા છે.

એમ કહેવું સર્વથા અસત્ય હશેકે, આ રીતે બારોબાર પસંદગી બાદ કજોડાં સર્જાતાં નથી,ઉલ્ટાનું વડીલોની સંમતી વગર કરાયેલાં આવાં લગ્નમાં,મુગ્ધાવસ્થાના આકર્ષણનું તત્વ હાઁવી થઈ જવાથી,વગર વિચારે કરેલા, લગ્નબાદ ઘણીવાર,યુવક-યુવતી, `ના ઘરના ના ઘાટના`, જેવી સ્થિતિમાં મૂકાઈ જાય છે.

આપણી સિરિયલ્સમાં,ફિલ્મોમાં,ઘરની એકાદ વહુને, વેમ્પ તરીકે રજૂ કરી કથાને આગળ વધારવાનો મસાલો કૂટાય છે, તે જોઈ મને વિચાર આવતોકે, આટલી હદે,આપણા સમાજમાં સ્ત્રીઓને ખરાબ શામાટે ચિતરવામાં આવે છે ? પરંતુ,કેટલાક કુટુંબોના કલહમાં મારે ના છૂટકે લવાદની ભૂમિકા ભજવવાનો પ્રસંગ ઉભો થયો,ત્યારે મને ખ્યાલ આવ્યોકે,સાલું વાસ્તવિક જીવનમાં પણ આવાં સ્ત્રી-પુરુષ હવે નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે.

કર્કશા પત્ની સુધરે ખરી?

પત્ની માટે એમ કહેવાય છે," જો તે રહે તો આપથી, ને જાય તો સગા બાપથી"

અર્થાતઃ- " જોતે આજ્ઞાંકિત થઈને રહે તો પુરુષની પોતાની જાત કરતાંય વધારે આજ્ઞાંકિત બને, અને વધારે સતામણી થતાં,જો વિફરે તો સગા બાપનેય ન ગાંઠે."

કર્કશા પત્નીઓના પ્રભાવની શરુઆત,કેવળ કળીયુગથી થઈ તેમ માનવું ભૂલ ભરેલું છે, સતયુગમાં રામાયણમાં કૈકેયી,મંથરાની જૂગલબંદીએ,રાજા દશરથને પથારી ભેગા કરી, સાચા અર્થમાં તેમનીપથારી ફેરવી હતી. તેજ પ્રમાણે કળીયુગના પ્રારંભમાં, મહાભારતમાં તો યુદ્ધનું કારણ જ ઈર્ષાળુ પત્નીઓ બની હતી.

આમતો બર્નાડ શૉ ના માનવા મૂજબ,જેની પત્ની કર્કશા હોય,તે સારો કવિ-લેખક,ચિંતક,વિવેચક,નાટ્યકાર બની શકે..!! ( મને ના ગણતા, હું અપવાદ છું.)એકવાર કેટલાક મિત્રો એકઠા થયા, ત્યાં વાતમાંથી વાત નીકળીકે, આમાંથી પત્નીના દાસ કેટલા ? આપ નહી માનો..!! લગભગ હાજર તમામ,પુરુષોએ, મોકો મળ્યો છેકે મળશે, એમ માનીને, નિખાલસતાથી કબૂલ કર્યું કે હું ય પત્નીનો દાસ છું.એક ભાઈએ તો ગળગળા થઈને છેક ચરણદાસ,હોવાની કબૂલાત કરી નાંખી..!!

ત્યારબાદ,ઘણા દિવસે સહુના ચહેરા ઉપર જાણે, `શેઠ બ્રધર્સનું હાજસોલ ચૂર્ણ` લઈને હળવા થયાનો ભાવ રમતો હતો.

કર્કશા પત્નીઓને સુધારવાનો ઉપાય, આપને બતાવું છું પોતાના જોખમે અજમાવી જોવો. પોતાની પત્નીમાં પૂર્ણ નિષ્ઠાભાવ સાથે,તેના ચરણદાસ બનો, બાકીનું બધું આપોઆપ સીધું ઉતરશે. (કદાચ તેનુ કહ્યું અનુસરી, સીધું ન ઉતરે તો,સીધું ઉતરવા જેવું કાંઈ બચશે નહી,કાયમની ઝંઝટ મટશે.)

આમ નહી કરોતો,સરકાર માઈબાપે,વિફરેલી અને સગા બાપથી ગયેલી સ્ત્રીઓ માટે,દહેજ અને ઘરેલું હિંસાનો કડક કાયદો,તથા તેના અમલ માટે મહિલા પોલીસ સ્ટેશન ઉભાં કર્યાં છે,જે રાજા દશરથની જેમ કોઈપણ પતિદેવની પથારી ફેરવવા પુરતાં છે.

કેટલાક રંગીલા પતિદેવો,અન્ય ધર્મોના બહુપત્નીત્વના લાભોની ઈર્ષા કરે છે. કેટલાક કાયદાના એ, છીંડાંનો દુરઉપયોગ કરી બીજી પત્નીનું સાહસ કરે છે અને પછી "બે ઘરનો પરોણો ભૂખે મરે" તે ન્યાયે હાઁસીને પાત્ર બને છે.

હમણાં જ એક સંસ્થામાં ,કર્કશા પત્નીથી કંટાળીને,અન્ય એક ઘરમાં મિત્રની પત્ની સાથે હળીમળી ગયેલા,આશરે ૪૦+ની ઉંમરના, એક ભાઈના વિવાદમાં સેવાભાવી સંસ્થા દ્વારા,મારે મધ્યસ્થી થવું પડ્યું, ત્યારે એક બાળકની માતા એવી કર્કશા પત્નીને,માત્ર મેં એક સવાલ પૂછ્યો,"બહેન અત્યારે તમે તમારાં માબાપના ઘેર છો,તમે તમારાં ભાઈ-ભાભીને પૂછી જુવો,ઘરડાં માબાપના મૃત્યુ પછી,તે તમને કાયમ રાખશે? " એ બહેન સ્વભાવ સુધારવા તૈયાર થઈ ગયાં

પેલા માર્ગ ભૂલેલા ભાઈને પ્રશ્ન કર્યો," તમારા દીકરાની વહુ, વૃદ્ધ સસરાની સેવા કરવામાં ઠાગાઠૈયાં કરે,ત્યારે જે મિત્રની પત્નીનો તમે લાભ ઉઠાવી રહ્યા છે,તે ખૂલ્લંખૂલા,પોતાના પતિનો, સમાજનો ડર રાખ્યા વગર,તમારો સાથ નિભાવશે?" પેલા ભાઈ પત્નીના ગુન્હા માફ કરી તેને,સારીરીતે રાખવા તૈયાર થઈ ગયા.

જોકે, થોડો સમય એ બંને વચ્ચે વાસણ ખખડે,ત્યારે મારી રાત-દિવસની શાંતિ હણાઈ હતી,તે અલગ બાબત છે.
સાચી વાતતો એ છેકે,

૧.તમામ સ્થળે,પત્નીને આદર આપો,

૨.પત્નીને એક ગુલામ કે,ઘરની વગર પગારની બાઈ સમજવાનું બંધ કરો.

૩.દિલની લાગણીઓને દબાવશો નહીં.એકાંત મળતાં જ પ્રેમ વ્યક્ત કરવાની તક જતી ના કરશો.ભલે તે,તમને
શાહરુખખાનની જાહેરાતમાં આવે છે તેમ,બુઢ્ઢા કહે.

૪.મિલિટરી જેવો કડક સ્વભાવ ત્યજી,કમ સે કમ ઘરમાં,બૉસ પણું (ધણીપણું?) ના કરશો.

૫.એકલું નાણાં કમાવામાં ધ્યાન ન આપશો, વર્ષમાં એક-બે વાર પત્નીને બીજા.ત્રીજા,ચોથા હનીમૂન પર લઈ જાવ.

જવાદો, મારું આટલું કહ્યું માન્યા પછી પણ જેની સમસ્યા યથાવત રહે તો, પત્ની ક્યારેક તો સુધરશે ? તેવી અમર આશાનો સહારો લઈ, પ્રારબ્ધનો વાંક કાઢી પડ્યું પાનું નિભાવી લેજો.

જોજો,જુની સંજીવકુમાર,વિદ્યાસિંહાની ફિલ્મ,"પતિ-પત્ની ઔર વોહ ",ની માફક સુંદર સેક્રેટરી સાથે ઍફૅર કરવાની ભૂલ ના કરતા,નહિંતર "ઠંડે ઠંડે પાની સે,નહાના ચાહિયે", વાળી આપની સાથે પણ થઈ શકે છે.

માર્કંડ દવે.તાઃ-૧૯-૧૨-૨૦૦૯.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.