Friday, October 15, 2010

ખરીદશો? વેચવાનો છે `સ્વ`..!!

ખરીદશો? વેચવાનો છે `સ્વ`..!!

મુજ  સ્વ-ત્વને, મેં વેચવા કાઢ્યો?  
પ્રદેશ  જાંઘનો   લોચવા  કાઢ્યો..!!
નિજ પિંડ તણી ટળવળતી ભૂખનો, 

 ભાંગરો સહુને વહેંચવા  કાઢ્યો..!!

=============

પ્રિય પ્રથમ,

આજે છે માઁ અંબાની આઠમ. નોરતાંનો આઠમો દિવસ અને માઁ, મારી કારમી પરીક્ષા શું કામ લેતી હશે..!! ગઈકાલે, ઘરમાં આપણાજ  નાના સરખાં  પિંડ એવાં બંને વહાલુકડાં, સંતાન માધવ અને મીરાં, ગરબા જોવા જવાની જીદ લઈને બેઠાં`તાં, છેલ્લા છ દિવસથી, તે બંનેને હું સમજાવી-પટાવીને હવે થાકી ગઈ. નાછૂટકે, થોડાં ઉછીનાં નાણાંનો, વેંત કરીને, ગરબા જોવા લઈ ગઈ, બંનેને ખૂબ મઝા પડી ગઈ. મને પણ એક માઁ તરીકે સારું લાગ્યું.

પણ, જોને, હવે ઘરનાં અને બહારનાં, બધાંજ  મારી કેટલી બધી ટીકા કરે છે?  માંદલા  ધણીને, ઘરમાં લબડતો-સબડતો મૂકીને, મોટા ઉપાડે સજીધજીને, ગરબે ઘૂમવા ચાલી નીકળી, પ્રેમાને કશી લાજશરમ છેકે  નહીં..!! પણ તું જ કહે, હું શું કરું?

ગઈ સાલનાં, સાવ ટૂંકા અને ફીટ પડતાં, ચણીયા-ચોળી પહેરવા, મીરાં  તો આનાકાની કરતી હતી, માધવ પણ, તેની ટૂંકી પડતી ધોતીને લઈને, મનમાં જરા કચવાતો હતો.પણ મેં તેમની વાત સાંભળીજ નહીંને..!! ઉપરથી બંનેને મેં એમ કહ્યું, " અરે વાહ..!! મારો માધવ તો સાક્ષાત કાનુડો લાગે છેને કાંઈ?" જોકે નાની મીરાં ને રીસ ચઢી તો, તેનેય મારે કહેવું પડ્યું," મીરાં, તું તો આજે ખરેખર કોઈ પરી જેવી લાગે છે?"

વહાલા પ્રથમ, અંદરથી, પોતાના પિંડ પાસે, ખોટું બોલતાં મન રડતું હોય, ચહેરો હસતો હોય? તેવી સ્થિતિમાં સ્વસ્થતા જાળવવા, બીજી બાઈઓ શું કરતી હશે? જડ જેવું હૈયું  બનાવી દેતી હશે?

અત્યારે રાત્રીના બે વાગ્યા છે, તું દવાના ઘેનમાં, કદાચ શાંતિથી ઊંઘી ગયો હોય તેમ લાગે છે, અને હું તારા, માંદલા, પીડાથી થાકેલા અને તરડાઈને ક્ષીણ થયેલા, ચહેરાની સમીપ, તને કાંઈ કહેવા, પૂછવા આવી છું.

આજે, મારે ન સાંભળવાનું સાંભળવું પડ્યું છે, તને તો ખબર છેને, તારી અસાધ્ય જેવી બીમારીની, આપણા ઘરનાં બધાને ખબર પડી, ત્યારથી ઘરનાં બધાંએ, આપણી સાથે, સબંધ કાપી નાખ્યો છે?

તું તો જાણે છેને, આપણીજ બાજુમાં રહેતા અને આધેડ વિધુર થયેલા, નરોત્તમભાઈને આપણાં માધવ અને  મીરાં જીવની માફક વહાલાં છે?

પણ, મારે તને એક વાત પૂછવી છે, આજે હું તેમની પાસે, ઉછીના રૂપિયા લેવા ગઈ ત્યારે મને રૂપિયા આપીને, તારી ખબર પૂછીને, સારી હૉસ્પિટલની સારવાર  અને  દવાનો બધોજ ખર્ચ આપવાની તૈયારી તેમણે બતાવી છે.

જોકે, મારી છઠ્ઠી ઈન્દ્રીય મને કહે છેકે, તેમને મારું સ્વ-ત્વ ખરીદવાની ઈચ્છા છે. તારી આંખમાં આંખ મીલાવીને, તને આ સવાલ પૂછવાની મારી હિંમત નથી, તેથીજ હું અત્યારે, મનને જડ જેવું બનાવીને  તને, મારો સીધો  નિર્ણય જ  જણાવી દઉંકે, વહાલા પ્રથમ, તમારા અને માધવ-મીરાંને ખાતર, હું કદાચ, મારા સાવ નક્કામા, સ્વ-ત્વને વેચવા માટે, બહુ ગંભીરતાથી વિચારી રહી છું.

મારી સહનશક્તિ ખૂટવા આવી છે, એક બાજુ તમામ જવાબદારીઓનો ગંજ અને એકબાજુ  નિર્બળ પતિ, નિર્બળ આવક, નિર્બળ આબરૂ? તેવા સંજોગોમાં મારું નિર્બળ તન-મન `નિર્મળ` રહે તોય શું, ન રહે તોય શું?

તુંજ કહે,મારાથી સહન કેમ થાય? તારી સૉરાયસિસની (લાલ ચાઠાંવાળો એક ચર્મરોગ) બીમારીને કારણે બધાં લોકો, તને ધૂતકારે છે, તને `ખાસડિયો કૂતરો` કહે છે?

તને છેલ્લા ચાર માસથી, નોકરીમાંથીય કાઢી મૂક્યો છે. ઘરમાં એક રૂપિયાની આવક નથી. સગાંવહાલાં સહુએ મોં ફેરવી લીધું છે. આપણે મહામહેનતે ખરીદેલું  આપણું આ ઘર, સુકો રોટલો ખાવાનો એકમાત્ર આશરો છે, તેને આપણે વેચવું નથી. ઘર વેચીએ તો, જગતમાં આપણને, બીજું  કોઈ સંઘરે તેમ નથી..!!

તો હવે?  હવે શું કરું?

અત્યારે મને મારા સ્વ-ત્વની જરાય પડેલી નથી. બસ તું સાજોસમો થઈ જાય અને માધવ-મીરાં ખૂશખૂશાલ રહે તો, મારા શરીરના કોઈપણ પ્રદેશને આ - લોચવા  દેવામાં, મારા દુઃખને પણ દુઃખ નહીં થાય..!!

આજે તો હું થાકી ગઈ છું, પણ જો કાલે  નરોત્તમભાઈ સાથે, માધવ અને મીરાંને નવા ટ્રેડીશનલ ડ્રેસ પહેરાવીને, ફરીથી  ફરવા લઈ જઉં, તો માનજેકે,  મારા સર્વસ્વનો `સ્વ` કોઈએ, વેચાણ રાખી લીધો છે અને મેં કોઈ અન્ય તત્વના `ત્વ` સાથે અનુસંધાન સાધી લીધું છે.

વહાલા પ્રથમ, શક્ય હોય તો આવા કારમા પીડાદાયક  નિર્ણય કરવા બદલ મને માફ કરજે.

મને ખબર છે, મારી માઁ દુર્ગા તો, મને માફ કરવાનીજ છે..!! ચાલ, હું ઊંઘ આવે તો થોડીવાર સૂઈ જઉં?

==========

" NO COMMENTS"

માર્કંડ દવે. તાઃ૧૫- ઑક્ટોબર ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.