Wednesday, April 6, 2011

COOL-COOL એક જ ભૂલ, એપ્રિલફૂલ-એપ્રિલફૂલ..!!

COOL-COOL એક જ ભૂલ, એપ્રિલફૂલ-એપ્રિલફૂલ..!!

========

" આવતા મહિને શું લાગે છે. કેવો પ્લાન છે?" એક મિત્ર એ મને પૂછ્યું.


" હા, જુવોને, જાપાનના ન્યૂ ક્લિઅર રૅડિએશન હોનારતને લીધે બધે ગરમી વધે તેમ લાગે છે..!! અને પ્લાનમાં તો, બારીમાં ખસની ટટ્ટી લગાવી,તેના પર પાણી છાંટતા રહીશું, પછી જે થાય તે ખરું..!!"


"એમ નહીં યા..ર..!! પહેલી એપ્રિલના પ્લાન ની વાત કરું છું.તમે બધાએ ગયા વર્ષની માફક,  એપ્રિલફૂલનું કોઈ ચક્કર તો નથી ગોઠવ્યું ને?"


" છોડો યાર, હું તો શું ગોઠવવાનો હતો? દર વર્ષે, હું જ એપ્રિલની પહેલી તારીખ હોવાની બાબત ભૂલીને, કાયમ એક નંબર નો બેવફૂફ સાબિત થાઉ છું..!!"


" મારી હાલત પણ એવી જ છે..!! સાલું, ૩૧મી માર્ચે, રાત્રે સૂતી વેળા સંકલ્પ કરુ છું કે, આ વખતે આવતીકાલે કોઈના હાથમાં નથી આવવું, પણ બીજે દિવસે, સહુ થી પહેલી મારી યાદશક્તિ જ મને બેવકૂફ બનાવીને એપ્રિલફૂલ બનાવી દે છે..!!" પ્રશ્નકર્તા મિત્રએ એક મણનો ઊંડો નિસાસો નાખતાં અફસોસ વ્યક્ત કર્યો.


જોકે, મને મિત્રની વાત સાવ સાચી લાગી. આજે તો જીવનની દરેક બહુમૂલ્ય ગંભીર ક્ષણને પણ, હસવામાં કાઢી નાખવામાં માનતા લોકોને મન, માર્ચ માસમાં રંગેચંગે ઊજવેલી હોળી-ધુળેટીના રંગોત્સવ અને ભાંગ-ઠંડાઈ મિશ્રિત હાસ્યના રમૂજી ઠહાકાના પડઘા હજી તો માંડ શમે ત્યાંતો ફરીથી, લોકોની ઠેકડી ઉડાડવાનો એક વિશિષ્ટ મોકો એટલે પહેલી એપ્રિલના દિ`એ, " COOL-COOL એક જ ભૂલ, એપ્રિલફૂલ-એપ્રિલફૂલ..!!


પહેલી એપ્રિલથી ડરતા, મારા મિત્રની ગભરામણ જોઈને, મને આપણા ગુજરાતના મહાકવિ શ્રીઅખાનો એક છપ્પો યાદ આવી ગયો,


"એક જ્ઞાની ને બીજું નાવ,તર્યા - તાર્યાનો બેહુનો ભાવ;
ભુપતિ - ભિખારી,ગર્ધવ - ગાય,ચૈતન્ય જાણી તાર્યે જાય.
આદ્યજ - અંત્યજ  ન  ગણે  બેહે, અખા વસ્તુ વિચારે રહે."


(ગર્ધવ=ગધેડો; આદ્યજ=બ્રાહ્મણ )


અર્થાત્ - રાજા હોય કે રંક, ગાય કે ગધેડું, મનમાં એમ  ભેદ ધર્યા વગર, નાવ હંમેશા દરેકને તારે છે, તેજ પ્રકારે જ્ઞાની પણ, કોઈને બ્રાહ્મણ કે શૂદ્ર; કોઈને ઊંચા કે નીચા માન્યા વગર, જગતમાં સર્વ બ્રહ્મ છે તેમ જાણી ને, તમામને તારે છે."


જોકે, શ્રીઅખાના આ છપ્પાના જ સંદર્ભે ચિંતન કરતાં મને જ્ઞાન લાધ્યું કે, બીજાને એપ્રિલફૂલ બનાવનારા ઉત્સાહી લોકો પણ, સામેનો માનવી, અમીર હોય કે રંક, સ્વભાવે ખરેખર `ખર` હોય કેપછી ગરીબ ગાય જેવો, ઉંમરમાં મોટો હોય કે નાનો, નર હોય કે નારી, બસ આવા કોઈ જ ભેદ મનમાં ધર્યા વિના, સર્વને બેવકૂફ  બ્રહ્માવતાર માનીને બધાંની ફિલમ (ઉ) -તારે જાય છે..!!


મને વિચાર આવે છે, દર વર્ષે, પહેલી એપ્રિલે બીજાને બેવકૂફ બનાવવાનું ડીંડવાણું  ખરેખર ક્યા `ખરે` (ગર્ધવએ) શોધ્યું હશે?


કદાચ એમ બન્યું હશેકે, આપણા સમગ્ર દેશમાં, માર્ચ મહિનામાં ઊજવાતી હોળી-ધુળેટીના તહેવારના દિવસે, પોતાની ચંચળ સ્વભાવની `OPEN HEARTED` ધર્મપત્ની સાથે, `ભાભી, ભા..ભી, ભા..આ..ભી..ઈ, બુરા ના માનો હોલી હૈ." જેવું  કૈંક લાડભર્યું લલકારીને, ઘાતક કેમિકલના લાલ,પીળા,કાળા,`ફાટે પણ ફીટે નહીં` જેવા પાકા રંગોથી, પત્નીના ચહેરાને, કાબરચિતરો, કાળો મેશ જેવો કરી જનારા, તોફાની મિત્રો પર અકળાયેલા, શરીરે નબળા પણ બુદ્ધિના બળિયા, કોઈ શાણા પતિદેવે, દિયર- મિત્રોએ આચરેલા આવા અધમ કૃત્ય બદલ, બોલ્યા ચાલ્યા વિના બદલો લેવા માટે, તેમને સજા કરવા માટે જ આ એપ્રિલફૂલનું તૂત શોધ્યું હોય તેમ લાગે છે..!!


જોકે, ત્યારપછી તો સમયાંતરે એમ પણ બન્યું હશેકે, બીજાને બેવકૂફ બનાવવાનું કાવતરું ઘડનારાઓની જમાતમાં, પહેલી એપ્રિલે બેવકૂફ બનીને ભોંઠા પડનારા બધાયની નબળી અક્કલ પર હાસ્યાનંદ માણવા સાથે, બુદ્ધિશાળી હોવા બદલ જાણેકે માન-અકરામ અથવા મોટો ચાંદ મળી જવાનો હોય તેવી માન્યતા ફેલાઈ ગઈ હશે. પરિણામે, પેલા `જય માડી` બનીને લાખો લોકોને એપ્રિલફૂલ બનાવી, કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા, મહાઠગ અશોક જાડેજાની ` એક કા તીન ગુના` જેવી ચેઇન સિસ્ટમની માફક, એપ્રિલફૂલનો ખતરનાક વાઇરસ, સમાજમાં ફેલાતો-ફેલાતો, મોટાભાગના સળીખોર માનવીઓના મનમાં ગલગલિયાં કરાવતો સર્વત્ર ફેલાઈ ગયો હોવો જોઈએ..!!


જોકે, મારા આ તર્ક સાથે ઘણા મિત્રો સંમત નથી. તેમનું કહેવું છેકે, " આ અખબારો, મેગેઝીનવાળા કે તમામ ચેનલવાળા,પોતાના પાઠક તથા દર્શકો જોડે કઈ બાબતનો બદલો લેવા, એકત્રીસમી માર્ચના દિવસથી જ, પહેલી એપ્રિલે બધાને એપ્રિલફૂલ બનાવવાનાં  કાવતરાં ઘડે છે?"


મૂછ ઊંચી રાખવા મેં જવાબ વાળ્યો," કદાચ, અખબાર તથા મીડિયાવાળા જાણી ગયા લાગે છેકે, રૂપિયા ચૂકવીને પણ,પહેલી એપ્રિલે તમામ વાચક કે શ્રોતાઓને બેવકૂફ બનવાનો આનંદ માણવાનું ખૂબ પસંદ હોય છે..!!"


એપ્રિલફૂલ અને મહાભારત?


અમે સાવ નાના હતા ત્યારે, પહેલી એપ્રિલે રસ્તા વચ્ચે, તે વખતના ચલણના, તાંબાના નાના કાણા એક પૈસાને, પતંગના એક પાતળા દોરાથી બાંધી સામેના ઘરના ઓટલા સુધી, તે દોરા ઉપર ધૂળ નાંખીને કોઈને એપ્રિલફૂલ બનાવવા, ગંભીર ચહેરે સિક્કા સામે ધ્યાન રાખીને બેસતા. જતા-આવતા કોઈપણ વ્યક્તિ રસ્તામાં પડેલો, તે પૈસો ઉઠાવવા જેવા વાંકા વળે કે તરત, દોરીથી પૈસો ખેંચી લઈ બધાને `એપ્રિલફૂલ-એપ્રિલફૂલ` બૂમ પાડીને ચીઢાવતા.


જોકે, ઉપર દર્શાવેલી એપ્રિલફૂલની બાળપણમાં રમેલી રમત સાવ નિર્દોષ-હાનિરહિત હતી, પરંતુ હવે તો નવા જમાનામાં ફેસબુક જેવી સોશિયલ સાઇટ્સ, SMS, MMS, વોઈસ ચેન્જ ડિવાઈસ, અને કૉમ્પ્યૂટર્સ પર ફૉટો ઍડિટીંગનાં અવનવાં મફતિયા સોફ્ટવેર, શોપિંગમૉલમાં મળતાં રંગબેરંગી મ્યૂઝીકલ કાર્ડ્સ, જાતજાતની ટીખળવાળી ગિફ્ટ, વગેરેની મદદથી, ઘણા સમજદાર માણસો પણ, કોઈ નિર્દોષ વ્યક્તિને એપ્રિલફૂલ બનાવવાની લ્હાયમાં, હસવામાંથી ખસવું થઈ જાય તેવી, ગંભીર મજાક કોઈની સાથે કરી બેસે છે. ત્યારબાદ બેવકૂફ બનનારને, સામાજિક, આર્થિક, શારીરિક અથવા માનસિક ત્રાસ કે નુકશાન થતાં અંતે મોટું મહાભારત રચાઈ જાય છે.


આમેય, ઉત્તર મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસ તથા મહર્ષિ જનમેજયના મત અનુસાર, " દ્વાપર યુગના યુગાન્તકાળથીજ શરૂ થતા કળિયુગમાં, મનુષ્યને અલ્પ યત્નથી શ્રેષ્ઠ ધર્મ મળી શકે છે." આથી આ હળાહળ ઘોર કળિયુગમાં, યેનકેન પ્રકારે, હાસ્ય પેદા કરવાની વૃત્તિને જ, જીવનનો પરમધર્મ માની બેઠેલા, મશ્કરા માનવીઓ માટે, પોતાના ગુરુતાગ્રંથીના અહમને સંતોષવા, પહેલી એપ્રિલના બહાનાં કાયમ હાથવગાં જ હોય છે.


સહુને જ્ઞાત છેકે, મહાભારત જ્યારે રચાયું ત્યારે એપ્રિલ મહિનો, એપ્રિલ મહિના તરીકે  ઓળખાતો નહોતો. આ મહાગ્રંથના સભા પર્વમાં વર્ણન કર્યા મુજબ, માતા કુંતાના આગ્રહથી, પાંડવોએ પોતાના મૃત પિતા પાડુંરાજાની સદ્ગતિ કાજે, રાજસૂય યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં કૌરવોને પણ આમંત્રણ અપાયું. યજ્ઞમાં આવેલા માનવંતા મહેમાનોના મનોરંજન માટે, સભા મડપમાં, ઉત્સાહના અતિરેકમાં, `જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ` જેવી કૌતુકભરી રચનાઓ આયોજિત કરવામાં આવી. `એપ્રિલફૂલ`ની આ ભૂલભૂલામણીમાં ફસાઈ જઈને દુર્યોધન હાંસીને પાત્ર બનતાં, દ્રૌપદીએ દુર્યોધનને,`આંધળાના આંધળા જેવા.`નો, કોઈપણ મર્દની છાતીને ચીરી નાખે તેવો, ફૂવડ ઉપહાસ કરતાંજ, મહાભારતના મહાભિષણ યુદ્ધનાં બીજ રોપાઈ ગયાં.


આથીજ, ભાવજગત ના વિદ્વાનો માને છેકે, `સાત્વિક પ્રસન્નતા` અને `ફૂવડ પ્રસન્નતા`ની વચ્ચે આભ-જમીનનું અંતર છે. અમેરિકન કવિ જેમ્સ ગૅટેના (September 15, 1795 - May 2, 1856) સુપ્રસિદ્ધ કથન પ્રમાણે,"પ્રસન્નતા બધાજ સદ્ગુણોની માતા છે." એપ્રિલફૂલિયા ઉજવણીકારોના અતિ ઉત્સાહને ઠારવા માટે આ કથનને, જરાક મઠેરીને રજૂ કરીએ તો એમ મઠેરી શકાય કે," ફૂવડ પ્રયત્નથી પેદા થયેલ પ્રસન્નતા, બધાજ સદ્ગુણોની સાવકીમાતા છે?"


જોકે, એપ્રિલફૂલની મજાક જ્યાં સુધી સમાજના વિશાળ સમૂહને અસર કરીને, સહુને નિર્દોષ હાસ્ય પ્રેરે ત્યાં સુધી કશો વાંધો નથી આવતો, પરંતુ જ્યારે મજાક વ્યક્તિગત થઈ જાય અને તેનાં પરિણામ વ્યક્તિગત રીતે નુકસાનકારક સાબિત થાય ત્યારે, બંને પક્ષે મનદુઃખનું મહાભારત રચાતાં સહેજપણ વાર લાગતી નથી. ઘણીવાર તો ફક્ત એક મિનિટની મજાક, અનેક દસકાના પારિવારિક સંબંધો પર કાતર ફેરવી દેતી હોય છે.


એપ્રિલફૂલ બનતા લોકોની લાક્ષણિકતા -


હકીકતમાં જો મારી વાત માનો તો, ઘોડિયામાં પડ્યા-પડ્યા સમજ્યા વગર સાંભળેલાં, હાલરડાંથી જ આપણને એપ્રિલફૂલ બનાવવાનું કારસ્તાન શરૂ થઈ જાય છે, " મારો ભાઈલો ડાહ્યો ને પાટલે બેસીને નાહ્યો." અરે..ભાઈ..!! મોટો થયા વગર બધાંને અત્યારથી કેવીરીતે જાણ થઈ ગઈકે ભાઈલો ડાહ્યો નિવડશે કે ૧.૫ ડાહ્યો..!! પણ ના, આપણને ડાહ્યો કહીને ફૂલણજી કાગડાની વાર્તાની માફક ખોટું પાણી ચઢાવવામાં જાય છે શું..!! જોકે, આપણે વયસ્ક થઈએ ત્યારે આપણને ભાન થાય છેકે, મને તો ઘોડિયામાંથીજ એપ્રિલફૂલ બનાવવાનું કપટ આચરવામાં આવેલું હતું.


ઘણા માણસોને ઘણીવાર, મનમાં સવાલ થાયકે, કેવા સ્વભાવના માણસો એપ્રિલફૂલના કપટની ઝપટમાં ઝડપથી સપડાઈ જતા હશે?


* વિશ્વાસ રાખનાર (Trustworthy) - પોતાના ગાઢ અંગત સંબંધને કારણે, અંદર-અંદર એકમેકને કોઈ છેતરશે નહીં, તેવો પાકો વિશ્વાસ હોય..!!


* મૂર્ખ (Foolish) - ચતુરાઈ, જ્ઞાન તથા અનુભવના અભાવે, જેમનામાં સાચું-ખોટું નક્કી કરવાની ત્વરિત નિર્ણયશક્તિ ઓછી હોય..!!


* બાલિશ (Folly ) - વિદ્વત્તા, વિવેકવિચાર તથા દક્ષતાના અભાવે શીઘ્ર ગ્રહણશક્તિ ન કેળવાઈ હોય..!!,


* નબળું મન (An idiot) - જડબુદ્ધિ અથવા માનસિક વિકાસ ન થયેલ વ્યક્તિ, પોતાની અલ્પબુદ્ધિનો શ્રેષ્ઠ ઉપયોગ ન કરી શકે..!!


* અતિ આત્મવિશ્વાસ (Over confidence) - પોતાની ચતુરાઈ પર ભારે ભરોસો હોય..!!


* અતિલોભી - લાલચુ (Greedy) - કાયમ `એક રૂપિયાના ત્રણ અડધા`ની લાલચ કરનારા..!!


* અજ્ઞાની કે અજાણ્યા મનુષ્ય (Ignoramus) - અપરિચિત વ્યક્તિ,સ્થાનિક ભાષાની જાણકારીનો અભાવ, અજાણ્યું સ્થળ તથા પ્રતિકૂળ સમયમાં સપડાઈ ગયા હોય..!!


દેશવિદેશમાં એપ્રિલફૂલ.


એપ્રિલફૂલ ડૅની ઉજવણી પાશ્ચાત દેશોમાં દરવર્ષે ઊજવવામાં આવે છે. તે દિવસને, `All Fools' Day` તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સામાન્ય વ્યવહારમાં સહન કરી શકાય તેવી રમૂજ, મજાક, ટૂચકા દ્વારા સગાવહાલાઓ, મિત્રો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પડોશીઓ, તથા કામના સ્થળે સહકર્મચારીઓને એપ્રિલફૂલ બનાવ્યાનો નિર્દોષ આનંદ માણવામાં આવે છે.


ન્યૂઝીલેન્ડ, ઈન્ગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા તથા આફ્રિકન દેશોમાં ફક્ત બપોર સુધી મજાક કરવામાં આવે છે જ્યારે આયર્લેન્ડ, ફ્રાન્સ, ઇટાલી, જાપાન, રશિયા, જર્મની, બ્રાઝિલ, કેનેડા,તથા અમેરિકામાં એપ્રિલની પહેલી તારીખે આખો દિવસ મજાક અને ધિંગામસ્તી કરવાની પ્રથા છે.


* હકીકતમાં છેક સન-૧૩૮૦ થી એપ્રિલફૂલની પ્રથાનો ઉલ્લેખ કેટલાક અંગ્રેજી ગીતો અને વાર્તાઓમાં થયેલ છે.


* જોકે, સર્વ પ્રથમ સન- ૧૬૯૮માં લંડનમાં, "A ticket to Washing the Lions" નામની એપ્રિલફૂલ-મજાક સત્તાવાર રીતે નોંધાઈ હતી.


* સ્કૉટલેન્ડમાં એપ્રિલફૂલ ની રસમ આપણી હોળી-ધૂળેટીની માફક બે દિવસ (૪૮ કલાક) ચાલે છે. ત્યાં બીજી એપ્રિલના દિવસને,` TAILY` કહે છે.


* ઈરાનમાં ફ઼ારસીઓનું નવું વર્ષનો ૧૩મો દિવસ જે, પહેલી-બીજી એપ્રિલની આસપાસનો હોય છે. તે દિવસે ઈ.સ.પૂર્વ ૫૩૬ થી મજાક મસ્તીની એપ્રિલફૂલ જેવીજ પરંપરા લોકો દ્વારા આજે પણ મનાવાય છે.જેને `Sizdah Bedar` કહે છે.


* ફ્રાંસ અને કૅનેડામાં એપ્રિલફૂલની પરંપરાને  'Avril` કહે છે.


* આપણા દેશમાં પણ, અગાઉના વર્ષોમાં મથુરામાં હોળી નિમિત્તે, પુરા એક મહિના કરતાં વધારે (આખો ફાગણ મહિનો), એટલેકે એપ્રિલ માસના આશરે મધ્ય ભાગ સુધી મહામૂર્ખ સંમેલનનું આયોજન કરવામાં આવતું. જોકે, તેમાં કોઈ વ્યક્તિ માઠું લગાડવાને બદલે મહામૂર્ખના સરપાવને પ્રેમથી સ્વીકારી લઈ, નિર્દોષ આનંદને દિલથી માણતા.


* ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, દિલ્હી તથા દેશના અન્ય તમામ રાજ્યોમાં પહેલી એપ્રિલે, એપ્રિલફૂલ બનાવવાની પ્રથા વર્ષોથી પારંપરિક ઢબથી મજાક કરીને પાળવામાં આવે છે.


એપ્રિલફૂલનું અજબ ગજબ -


* સન -૧૯૭૬માં બિટિશ ખગોળશાસ્ત્રી સર પેટ્રિક મૂર દ્વારા બી.બી.સી. રેડિયોના શ્રોતાઓને જણાવવામાં આવ્યુંકે, બે ગ્રહોના એક લાઈનમાં સીધા નજીક આવવાને કારણે, કાલે સવારે બરાબર ૯-૪૭ મિનિટે ગુરુત્વાકર્ષણમાં ઘટાડો થવાથી લોકો હવામાં સાધારણ તરતા હોય તેવો અદ્ભુત અનુભવ થશે. આ મજાક એપ્રિલફૂલ નિમિત્તે હોવા છતાં,ઘણા શ્રોતાઓએ રેડિયો સ્ટેશન પર ફોન કરીને પોતાને આવો અદ્ભુત અનુભવ થયો હોવા બાબત પુષ્ટિ કરી હતી.


* સન- ૧૯૯૩માં સાન ડિયૅગોમાં, એફ.એમ.રેડિયોના આર.જે. ડેવ રિચાર્ડે શ્રોતાઓને જાણ કરીકે, ડિસ્કવરી સ્પેસ શટલ ઍર ફોર્સના રન વે પર ઊતરશે. આ સાંભળતાં હજારો લોકો, કૂતુહલતાથી રનવેના માર્ગે અગ્રેસર થતાં તમામ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ ગઈ હતી.


* ન્યૂઝીલેન્ડમાં, પહેલી એપ્રિલના રોજ રેડિયો પર ન્યૂઝ પ્રસારિત થયા કે,આજથી આખા દેશમાં સેલફોન વપરાશ પર પતિબંધ લાગુ કરાયો છે, તે સાથે તેના વિરોધમાં આખું નેટવર્ક જામ થઈ જાય તેટલા ફોન દ્વારા લોકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો.


* સન-૨૦૦૫માં, નાસા ના એક અહેવાલ મુજબ મંગળ ગ્રહ પર પાણી મળી આવ્યાના ફોટોગ્રાફ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.


* આજના સેટેલાઈટ યુગના ગુગલ સેવાના આધુનિક ટપાલી જીમેઈલ ની સેવાઓ પહેલી એપ્રિલ ૨૦૦૪ના રોજથી સાર્વજનિક કરવાની જાહેરાત આવી,પરંતુ અગાઉ ગુગલ સેવાઓએ, પોતાના વપરાશકર્તાઓને ઘણીવાર એપ્રિલફૂલ બનાવેલા હોવાથી, છેવટે ગુગલને, આ સેવા સાચેજ લૉન્ચ થવાની હોવા બાબત, અનેક ખુલાસા કરવાની ફરજ પડી હતી.


* ડચ ટેલિવિઝને જાહેરાત કરી હતીકે, પિઝાનો ઢળતો મિનારો ભોંયભેગો થઈ ગયો. આ સમાચાર સાંભળતા જ, તેની ખરાઈ ચકાસવા ઘણા લોકો છેક ટેલિવિઝન કચેરી સુધી દોડી ગયા હતા.


* સન- ૧૯૬૫માં બી.બી.સી. ટેલિવિઝને જાહેર કર્યુંકે, હવાના તરંગોની નવી શોધાયેલી ટેક્નોલૉજી દ્વારા, હવેથી પ્રસારણની સાથે દર્શક સુગંધ પણ માણી શકશે. એપ્રિલફૂલની મજાક હોવા છતાંય ઘણા દર્શકોએ પોતાને ટીવી જોતી વેળા આલ્હાદક સુગંધનો અનુભવ થયો હોવા બાબત સમર્થન કર્યું હતું.નવાઈની બાબત તો એ છેકે, સન ૨૦૦૭માં ઇન્ટરનેટ પર આ મજાક ફરીથી દોહરાવી હતી જેમાં પણ અનેક ભોળા (!!) નેટસેવી લોકોએ, આલ્હાદક સુગંધનો અનુભવ થયો હોવા બાબત સમર્થન કર્યું હતું.


* જોકે દરવખતે એપ્રિલફૂલની મજાક સાવ હળવી જ હોય તેમ હમેશાં બનતું નથી હોતું. સન-૨૦૦૩માં ઘણીબધી ચાઇનીઝ તથા દક્ષિણ કોરિયન વેબસાઈટ્સ દ્વારા દાવો કરવામાં આવ્યોકે, માઈક્રોસોફ્ટના સર્વેસર્વા સ્થાપક, બિલ ગૅટ્સ ની હત્યા કરાઈ છે. આ સમાચાર વહેતા થતાં, સાઉથ કોરિયન સ્ટોકમાર્કેટમાં તરત ૧.૫%નું ગાબડું પડી ગયું હતું. લાખો લોકોને કરોડો ` South Korean won` નું આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો.


આપણા દેશમાં પણ, આવા તો અનેક કિસ્સા, આપણા વિદ્વાન વાચક મિત્રોના જીવનમાં અથવા તેમની આસપાસ જોવા મળ્યા હશે, તે નિશ્ચિત બાબત છે. ઘણીવાર પહેલી એપ્રિલના દિવસે, આપણને કોઈ એપ્રિલફૂલ ન બનાવી જાય, તે માટે વધુ પડતા સભાન થઈ જઈએ ત્યારે સાચા સમાચારને પણ મજાક માનીને નુકશાન વહોરી લેતા હોઈએ છે. ખાસ કરીને જ્યારે મોબાઈલ ફોનની સગવડ ન હતી ત્યારે આવી ઘટના અવારનવાર બનતી હતી.


* એક ભાઈને પોતાના વતનમાંથી, તેમના મૂળ સરનામે, સારી નોકરી પર હાજર થવાનો ઑર્ડર આવ્યાના સમાચાર મિત્રએ આપ્યા જેને એપ્રિલફૂલ માની લઈ તેઓ તે દિવસે હાજર ન થયા. પરિણામે બાદમાં માંડ-માંડ નવી નોકરી બચાવી શક્યા.


* એક ભાઈના પિતાને હાર્ટઍટેક આવતા, વતનમાં હૉસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાયા. સાવ તંદુરસ્ત પિતાના આવા સમાચારને એપ્રિલફૂલ માનીને અન્ય સંબંધી લોકો સાથે ખાતરી કરવામાં ચાર કલાક બગાડ્યા બાદ,માંડ-માંડ આખરી ક્ષણે, તેઓ પિતા સાથે મોંમેળા કરી શક્યા.


* એક ભાઈના પ્રમોશન થયું હોવાના માનમાં, તેમના સહકર્મચારી મિત્રએ, પેલા ભાઈના ઘેર સાંજે સ્ટાફના દસ જેટલા સહકર્મચારી જમવા આવવાના હોવાની એપ્રિલફૂલ ખબર આપતાં, ઘરનાં બધાં મહિલા સદસ્યએ ભેગા મળી અનેક પ્રકારનાં મિષ્ટાન તથા અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી. જેનો લાભ અંતે પડોશીઓને મળ્યો.


* તાજેતરના એક તાજા સમાચાર મુજબ, તા- ૩૧ માર્ચ ૨૦૧૧ ની મધ્યરાત્રીથી, લગભગ સાત દાયકાથી પ્રસારિત થતી, બીબીસીની હિન્દી સેવા બંધ કરવામાં આવનાર છે.(સમાચાર અવિશ્વસનીય-એપ્રિલફૂલ લાગે છેને?)


* આ વર્ષે, સમગ્ર દેશમાં એપ્રિલફૂલની મસ્તી છવાઈ હશે ત્યારે, પશ્ચિમબંગાળમાં વિધાનસભાની ચૂંટણી છ તબક્કાઓમાં જાહેર થઈ છે, એવામાં મતદારો કયા પક્ષ કે ઉમેદવારોને એપ્રિલફૂલ બનાવશે, તે સમાચાર રસપ્રદ ગણાશે.


* આપણા ગુજરાતમાં અગ્રણી અખબારો, દર વર્ષની માફક, ૨૦૧૧ માં વાચક મિત્રોને કેવીરીતે એપિલફૂલ બનાવશે?


* એ.ટી.એમમાં કોઈપણ કાર્ડ ચાલવાની, ચાઈનીઝ કેરીનો સસ્તો જથ્થો વેચવાની જાહેરાત,


 * બાબા રામદેવજી તેમના ટાપુ પર બધાને યોગ શિબિરમાં સાવ મફત લઈ જશે તેવી જાહેરાત,


* શ્રીનરેન્દ્ર મોદી ગુજરાતનું મૂખ્યમંત્રી પદ ત્યજીને દિલ્હી ભેગા થવાના હોવાની જાહેરાત,


* ઐશ્વર્યારાય-બચ્ચને ૦૦૭-જેમ્સબોન્ડની ફિલ્મમાં કામ કરવા સંમતિ આપી હોવાની,


* પહેલી એપ્રિલે, સંસદમાં મહિલા અનામત ૩૩% થી વધારીને ૫૦% નો ખરડો પસાર કરવાની જાહેરાત જેવા એપ્રિલફૂલનાં ગતકડાંઓ આપણા ચહેરા પર જરૂર મલકાટ લાવી દેશે..!! ( પહેલી એપ્રિલ યાદ રાખશો..!!)


મઝાની વાત લાગે છેને કે, જે લોકોને બીજા સાથે મજાક કરવાની આદત હોય તેમાંના જ કોઈ ટીખળી માણસે, એપ્રિલ માસની રાહ જોયા વગરજ આખા દેશમાં ઘેર-ઘેર ભગવાન શ્રીગણેશજીને આફરો ચઢી જાય ત્યાં સુધી, ચમચા-ચમચીથી, સાચેજ દૂધ પિવડાવી પિવડાવીને થકવી નાખ્યા હતા..!! (દેવર્ષિ શ્રીનારદજીનું કહેવું છેકે, ત્યારથી દેવી-દેવતાઓ પોતાની નજીક `ચમચા-ચમચીઓ`ને આવતા જોઈને બહુ ગભરાઈ જાય છે..!!)


બોલીવુડમાં એપ્રિલફૂલ.


મિત્રો, આપણી જેમ બોલીવુડમાં પણ પહેલી એપ્રિલની મસ્તી છવાઈ જાય છે.એટલુંજ નહીં આજ વિષયને લઈને નિર્માણ પામેલી ફિલ્મોએ બૉક્સ ઓફિસ પર પણ અઢળક ધંધો કર્યો છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ સન-૧૯૬૪માં રિલિઝ થયેલી. નિર્માતા નિર્દેશક શ્રીસુબોધમુખર્જીની, અભિનેતા વિશ્વજિત અને કમસીન અભિનેત્રી સાયરાબાનોની, કૉમેડી અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ -`એપ્રિલફૂલ` ગણી શકાય. આ ફિલ્મનું મર્હૂમ શ્રીરફીસાહેબે ગાયેલું ગીત, " એપ્રિલફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા, મેરા ક્યા કસૂર જ઼માને કા કસૂર જીસને દસ્તૂર બનાયા.", આજે પણ પહેલી એપ્રિલના દિવસે દરેક ની જબાન પર ગુંજે છે.


* ફિલ્મી બૅડમેન વિલન ગુલશન ગ્રોવર માને છેકે, પહેલી એપ્રિલે, બીજાના હ્રદયને આઘાત ન પહોંચે તે ધ્યાન રાખીને, હું પણ સાથી કલાકારોને એપ્રિલફૂલ બનાવું છું..!!


* ચૂલબૂલી અભિનેત્રી મનિશા લાંબા કહેછેકે, પહેલી એપ્રિલે જાહેર રજા ન હોય  તે સારી બાબત છે નહીંતર અનેક લોકોને મળી બેવફૂફ બનાવવાનો મોકો હાથથી સરી જાત..!!


* જાણીતા ચરિત્ર અભિનેતા શ્રીઅનુપમ ખેર - "સિને બ્લીટ્ઝ મૅગેઝિનના કવર ઉપર આપેલા પ્રભાદેવીના નામથી છપાયેલા, મારા જ નકલી ફોટાના જવાબમાં, મારીસાથે લગ્ન કરવા અનેક લોકોએ દરખાસ્ત કરી હતી."


* જાણીતા સદ્ગત ગાયક શ્રીમુકેશજીના પૌત્ર અને બોલ્ડ અભિનેતા,નીલ-નિતિન મુકેશના કહેવા પ્રમાણે,તેને નિર્માતા કરણ જોહરે એપિલફૂલ બનાવ્યો હતો, તે આજે પણ યાદ છે.


માફ કરવા લાયક ભૂલ એટલે, એપ્રિલફૂલ થૈ જાવ હળવાફૂલ, ..!!


એપ્રિલફૂલના આયોજન દ્વારા, માનવીના વિકાસમાં અવરોધરૂપ  ખરાબ આદત, જેવીકે શરાબ,બીડી,સિગરેટનું વ્યસન, નખ કરડવા, કાન ખોતરવા, અકારણ હસ્યા કરવું, ઘરમાં પગ ન ટકવો, કૉમ્પ્યૂટર-નેટનું વળગણ, ગુરુતા-લઘુતાગ્રંથિ વગેરેને કાયમી તિલાંજલી અપાવી શકે તેવું એપ્રિલફૂલ સમાજ ઉપયોગી માનીને સદૈવ આવકાર્ય હોવું જોઈએ, છતાંય એક એપ્રિલે કોઈની મજાક કરતી વખતે આટલું ધ્યાન જરૂર રાખજો.


* પહેલી એપ્રિલે સવાર થી સાંજ સુધી એકની એક વ્યક્તિને મજાક માટે, વારંવાર લક્ષ્ય ન બનાવશો, તમારું અપમાન થવાનો સંભવ છે.


* જે વ્યક્તિ પોતાની મજાક થવાને કારણે,`મારુ કે મરુ` પર ઉતરી જતો હોય તેને એપ્રિલફૂલ બનાવવાનો વિચાર પણ મનમાં ન લાવશો.


* કોઈના મનને કારમો આઘાત લાગે તેવી મજાક ન કરશો.


* કોઈને કાયમી ઈજા થાય તેવી મજાક ન કરશો.


* મજાક કરતી વેળાએ, કોઈની ધીરજની કસોટી થાય તે રીતે તથા સમયની પાબંદી અને સંબંધોની મર્યાદા ક્યારેય ન ચૂકશો.


* કોઈને એપ્રિલફૂલ બનાવ્યા બાદ, તેની હાલત પર બિભત્સ ઢંગથી હસવાનું ટાળજો.


* ઈર્ષ્યા, અભિમાન, નકારાત્મક પૂર્વગ્રહ અને કોઈને ઉતારી પાડવા જેવા ખરાબ ભાવ સાથે એપ્રિલફૂલની મજાક ન કરશો.


* એપ્રિલફૂલના આયોજનમાં, એપ્રિલફૂલ બન્યા બાદ, ભોગ બનનારને પણ, તમારા જેટલોજ આનંદ ન આવે તો, તે આયોજન વ્યર્થ સમજવું.


* આપને કોઈ એપ્રિલફૂલ બનાવે ત્યારે, ગુસ્સે થવાને બદલે તેને હળવાશથી લેવામાંજ સમજદારી છે તે ન ભૂલશો.


* બીમારી, અકસ્માત, મૃત્યુ, કોઈના રૂપરંગ, જાતિ - જ્ઞાતિ - ધર્મ, નિર્ધનતા કે ખોડખાંપણ જેવી બાબતો પર મજાક હરગિજ ન કરશો.


* આપ  જો કૉમ્પ્યૂટર-નેટજગત પર પોતાનો બ્લૉગ કે વેબસાઈટ ધરાવતા હોય તો, તમારા કાયમી જાણીતા નેટ-મિત્રો સિવાય, અન્ય કોઈને તમારી મજાક ઇ-મેઇલ ન કરશો,
નહીંતર મહામુશ્કેલીએ મળેલા, થોડાઘણા અજાણ્યા ફૉલોઅર્સ પણ નારાજ થવાનો ભય છે.


* બે પાંચ મિનિટ કે એક દિવસના મજાકિયા આનંદ માટે ભારે ખિસ્સાખર્ચ કરી સાધન-સામગ્રી ખરીદી નાણાંનો વ્યય કરવો, તે ખુદ એપ્રિલફૂલ-(મૂર્ખતા)નું લક્ષણ છે.


* પતિ-પત્નીએ એકમેક સાથે, પોતાના સંતાનો ની હાજરીમાં તથા મિત્રોએ કોઈપણ નાનાં બાળકોની હાજરીમાં ઍડલ્ટ ગણી શકાય તેવી એપ્રિલફૂલની મજાક ક્યારેય ન કરવી જોઈએ.


મિત્રો, આ જેટ કરતાંય અત્યંત ઝડપથી દોડતી અને અનેક જાતનાં ટૅન્શન થી ભરેલી જિંદગીમાં, મજાક-મસ્તીની હળવી ક્ષણો દ્વારા આનંદ પામવાનો આપણને જરૂર હક્ક છેજ, પરંતુ તેમાં જો મજાકની પદ્ધતિ રચનાત્મક, શિક્ષણાત્મક, જ્ઞાનવર્ધક અને આપણી બુદ્ધિને સતેજ કરનાર હોય તો સોનામાં જાણે સુગંધ ભળી કહેવાય. અન્યથા આ પ્રકારે કોઈના સન્માન અને સહુના સ્વમાનના ભોગે હસવું તે કરતાં તો, સવાર-સવારમાં જાહેર ઉદ્યાનમાં આયોજિત `હાસ્ય ક્લબ`માં હાજર રહી ખોટે-ખોટું હસવું અથવા આપણા જ ઘરમાં આદમકદના અરીસા સામે ઉભા રહી, જાત-જાતની મુખમુદ્રાઓ દ્વારા પોતાની જાત પર હસવું, તે ટૅન્શનમાંથી રિલેક્સ થવાનો તાત્કાલિક શ્રેષ્ઠ ઉપાય છે.


આમેય, આપણા દેશમાં સન-૨૦૧૧ની `પહેલી એપ્રિલ`ની સહુથી મોટી મજાક એટલે, Helpless PM.(પરદુઃખભંજન મહારાજા) ; Hopeless CM.(કૉમન મેન) છે તેમ કહી શકાય. અમેરિકાના  સુપ્રસિદ્ધ લેખક અને હાસ્યકાર- માર્ક ટ્વેઈન  (November 30, 1835 – April 21, 1910) કહે છે, " આપણે વર્ષની પહેલી એપ્રિલે બેવકૂફ ન બનાય તેનું ધ્યાન રાખીએ ત્યારે બાકીના ૩૬૪ દિવસ  બેવકૂફ બનીએ છે, તે ભૂલી જઈએ છે."


માર્ક ટ્વેઈનની વાત સાચી છે. મારા સાહેબશ્રી..ઈ..ઈ; આપણે તો શું એપ્રિલફૂલ-ડૅ મનાવવાના છે? સન- ૨૦૧૧-૧૨ ના વર્ષના બાકીના ૩૬૪ દિવસ ચગળવા, આ રહ્યો આપણા પી.એમ.શ્રીનો, સરકારી એપ્રિલફૂલિયા, રસઝરતો મજાકનો મધપૂડો..!!


* ગુજરાતના કૉમન મેન ( કે પછી CM-ન.મો?) ને કારણે ભારતની છબી ખરડાઈ છે તથા તેની અસર આર્થિક સુધારા પર પણ પડી છે..!! * સત્તા પર ટકી રહેવા ગઠબંધન સરકારોને સમાધાનની મજબૂરી હોય છે..!! * ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે..!! * ઊંહું, રાજીનામું નહીં આપું, હજુ મારે ઘણાં કામ કરવા છે, ..!! * મારા હાથ બંધાયેલા છે..!! * સરકારી ગોદામમાં અનાજ સડે તે, નીતિ-વિષયક મામલો છે..!! * આતંકવાદને નાથવા સરકાર કટિબદ્ધ છે..!! * હું મજબૂરી અનુભવું છું..!! * નૈતિકતાનું ધ્યાન રાખીએ તો,દર છ માસે ચૂંટણીનો ખર્ચ દેશના માથે પડે..!!


`હે..રા..મ..!!`


અંતે, માત્ર એટલું કહી શકાયકે,  રામભરોસે ચાલતા આપણા આ દેશની પ્રજાનું ખમીર જ તેને ચેતનવંતી રાખે છે. નહીંતર, સન-૧૯૬૧ ની હિન્દી ફિલ્મ-`શોલા ઔર શબનમ`ના શ્રીરફીસાહેબે ગાયેલા એક ગીતની પંક્તિને, આપણા નફ્ફટ-બેશરમ રાજકારણીઓને સંબોધીને આપણે ગણગણીએ તો?


" જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ, યે આંખે તુઝમેં, રાખ઼કે ઢ઼ેરમેં શોલા હૈ ન ચિનગારી હૈ."


કદાચ, આવા "બધું જ પરવારી ગયેલા", નેતાઓને ચૂંટણીમાં જીતાડવાની એક જ ભૂલ, સહુથી મોટું; FULL PROOF - APRILFOOL છે, તેમ કબૂલ કરવા જેટલી નિખાલસતા આપણે ધરાવીએ છે ખરા?


માર્કંડ દવે. તા.૨૩-૦૩-૨૦૧૧.  

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.