Saturday, August 14, 2010

`૬.૩૦ની લોકલ.`

`૬.૩૦ની લોકલ.`


" વાટ નિહાળી, નયન ઢળે,   મૌન  થાઉંને,  કવન મળે..!!
  પાંપણ  તળે, આંસુ  ખોઈ,   શોધું, જળનાં  ચયન મળે..?"


ચયન =  સંચય; સંગ્રહ; જથ્થો.

===========

`૬.૩૦ની લોકલ.`

" અરે..!! તમે બંને ક્યાં સુધી, અહીં સ્ટેશને બેસી રહેશો, જાવ ઘેર જાવ, તારા બાપાએ, ખાવાનું બનાવી રાખ્યું હશે, પછી લેશન નથી કરવાનું..!!"

સ્ટેશન માસ્તર શ્રીરામાનુજમે, બંને નાનાં બાળકોને, ટોકતાં, છેલ્લા છ માસથી, જાણે જીવતી લાશ હોય, તેવાં થઈ ગયેલાં, આ  બંને  બાળકો, એકમેકનો હાથ પકડીને, સાવ હતાશ, દયાજનક, લાચારીના ભાવ સાથે, ઘર ભણી ચાલતાં થયાં.

આ બંને માસુમ બાળકોને, આવી હાલતમાં જતા, જોઈ રહેલા સ્ટેશન માસ્તર રામાનુજમ પણ, પોતાને જાણે, ઉદાસીએ ઘેરી લીધા હોય તેમ, દોડતા પગલે, પોતાની એક માત્ર, નાની કેબીનમાં જઈને કેદ થઈ ગયા.

અમદાવાદ- ભાવનગર રેલ્વે લાઈન પર, સાવ નાના, એવા ગામના, બાવા આદમના સમયના, એક જુના રેલ્વે સ્ટેશન પર, આમતો, કોઈજ પેસેન્જર ટ્રેઈન રોકાતી નહતી, સિવાય કે ૬.૩૦ વાગ્યાની સવારની અપ અને સાંજની ૬.૩૦ વાગ્યાની,  ડાઉન  લોકલ ટ્રેઈન.

સામેજ, અંગ્રેજોના જમાનાનાં, બાંધેલાં, મેંગ્લૉરી નળીયાના, ઢાળવાળી છત ધરાવતાં, રેલ્વે કર્મચારીને રહેવા માટેનાં, માત્ર ત્રણ ક્વાર્ટર્સ, જેમાંનું એક સાવ ખાલી.બીજા એક મોટા ક્વાર્ટરમાં, નિવૃત્તિના આરે પહોંચેલા,સાવ એકાકી, સ્ટેશન માસ્તર શ્રીરામાનુજમ  રહે  અને ત્રીજા, નાના ક્વાર્ટરમાં, નાથુ નામનો ચોથા દરજ્જાનો કર્મચારી રહે.

નાથુનાં બે બાળકો, નાની આઠ વર્ષની દીકરી, ગોપી અને પાંચ વર્ષનો દીકરો નાનકો, આમતો તેનું નામ નંદ, પણ તેને બધા નાનકોજ કહે. આ બંને ગામના, સરકારી પ્લોટમાં, આવેલી પ્રાથમિક શાળામાં, અભ્યાસ કરે અને સાંજે નિશાળ  છૂટતાંજ, રેલ્વે સ્ટેશને  આવીને, ૬.૩૦ની લોકલ આવવાની વાટ જોઈને, ઉભા રહેતા.

છેલ્લા છ માસથી, નાનાં બાળકોના,દરરોજ ચાલતા, આ નિત્યક્રમથી, ટેવાઈ ગયેલા, સ્ટેશન માસ્તર રામાનુજમ, રોજ બાળકોને, આજ વાક્ય બોલીને, ઘેર જવા ટોકતા અને  આ  બંને  બાળકો, એકમેકનો હાથ પકડીને, સાવ હતાશ, દયાજનક, લાચારીના ભાવ સાથે, ઘર ભણી ચાલતા થતા.

હા, છ માસ પહેલાંજ, એક દિવસ, અડધી રાત્રે, માઁ જસમાને, આ બંને બાળકોએ, છેલ્લીવાર, તેમના બાપ નાથુ સાથે, ઝઘડતી જોઈ તે જોઈ..!!

ત્યારબાદ તો,  તે બંને બાળકો સવારે  જાગ્યાં ત્યારે, દરરોજ તેમને વહાલથી નિશાળે જવા તૈયાર કરતી, તેમની વહાલી માઁ, જસમા ક્યાંક ચાલી ગયેલી.

બાપ નાથુને, બંને બાળકોએ, ડરતાં-ડરતાં, `માઁ ક્યાં ગઈ?`, તેમ સવાલ કરતાં, નાથુએ, તે રિસાઈને, કશુંજ કહ્યા વગર, ક્યાંક ચાલી નીકળી હોવાનું જણાવી દીધું.

જોકે, આ જાણીને, પહેલાં નાનકો અને પાછળ-પાછળ, ગોપીએ, એવું તો  આક્રંદ કર્યુંકે, જાણે, હમણાંજ, આ બંને બાળકો  ઉપર દયા આવતાંજ, બધીજ દિશાઓ થથરી ઉઠશે..!!

સ્ટેશનમાસ્તરસાહેબે, પણ નાથુને, જસમાની ગેરહાજરી અંગે સવાલ કર્યો, પરંતુ નાથુએ, " જેવી જાતે ગઈ છે, તેવીજ જાતે પાછી આવશે..!!" કહીને, સાહેબને, ચૂપ કરી દીધા.

આમેય કોઈની અંગત બાબતમાં, વધારે માથું  ન મારવાની આદત ધરાવતા, રામાનુજમે, ત્યાર પછી ક્યારેય નાથુને, જસમા અંગે સવાલ ન કર્યો.

થોડાજ દિવસમાં, આ બંને બાળકોના સવાલ અને સતત ચાલતા આક્રંદથી, નાથુ કંટાળ્યો, છેવટે તેણે બંને બાળકોને શાંત કરવા, ખોટું આશ્વાસન આપી દીધુંકે, તેણે જસમાને, કાગળ લખી દીધો છે અને તે ગમે ત્યારે, સાંજની ૬.૩૦ની લોકલમાં, બાળકો પાસે, પાછી ઘેર આવી જશે..!!

પિતા  નાથુના, આ એકજ વાક્ય પર, ભગવાનના કથન જેટલોજ, અતિશય વિશ્વાસ રાખીને, માતાના હેતનાં ભૂખ્યાં, આ માઁ વિહોણાં,  નાનાં બંને બાળકોએ, નિશાળેથી સીધાજ સ્ટેશને આવીને, ૬.૩૦ની લોકલમાંથી માઁ ઉતરેકે, તરતજ તેને, વળગી પડીને, વહાલથી નવડાવી દેવાનો મનસૂબો રાખી, વાટ જોવાનું શરૂ કર્યું તે  વાતને, આજે છ માસ વીતવા આવ્યા.

હવે તો, આ લાચાર બાળકોનાં આસું જાણેકે, પાપણ તળે ખોવાઈ ગયાં હોય તેમ, થોડીઘણી આશાથી  જીવંત આંખ, સાવ સૂકીભટ  ભાસતી હતી.

રોજ રોજ, પિતાને સવાલ કરતાં, આ બાળકોએ, હવે, તેમની પાસેથી, રોજ એજ,  એકજ જવાબ મળતો હોવાથી, પિતાને સવાલ કરવાનું, બંધ કરીને, માત્ર ને માત્ર, ૬.૩૦ની લોકલને, આશાનો આધાર બનાવી, આરાધ્ય દેવની માફક, લોકલ ટ્રેઈનને, પૂજવા માંડી હતી.

" સાહેબ, મારે એક દિવસની રજા જોઈએ છે, સવારે ગામડે જઈને, સાંજે તો પાછો આવી જઈશ. સાહેબ તમે, સાત - આઠ કલાક, આ છોકરાંનું ધ્યાન રાખશો?" નાથુએ, અત્યંત વિનંતીના સ્વરમાં સ્ટેશનમાસ્તર શ્રીરામાનુજમ સાહેબને આજીજી કરી.

સાવ સરલ સ્વભાવના, પણ કોઈની બાબતમાં વધારે માથું નહીં મારવાની આદત ધરાવતા,  સ્ટેશનમાસ્તર રામાનુજમસાહેબે કહ્યું, "પણ, ભાઈ, તું સમયસર આવી જજે.મારાથી આ બાળકોનું, દુઃખ જોવાતું નથી. મારું કહ્યું માને તો તારે હવે, જસમાને ગામડેથી લઈ આવવી જોઈએ."

નાથુ, કોઈજ જવાબ આપ્યા વગર, મૂંગા મોઢે, સવારે આવેલી લોકલના ડબ્બામાં, ચઢી ગયો.

રોજની જેમજ, સાંજની ૬.૩૦ની લોકલમાંથી, પોતાની માઁ જસમાના ઉતરવાની  રાહ જોઈને,  સ્ટેશને ઉભેલાં નાનાં બાળકોની, પાસે જઈને  નાથુ  ઉભો  રહ્યો ત્યારે પિતાને જોઈને, પોતાની માઁ પણ સાથે આવ્યાની આશામાં,  બંને હતાશ બાળકોની આંખમાં  આનંદનો ધોધ એક ક્ષણ માટે, ઉછળીને તરત સમી ગયો.

નાથુની  સાથે, પોતાની માઁ  જસમા  કરતાં, સાવ નાની લાગતી, સાડી પહેરેલી, એક  છોકરી પણ,  ૬.૩૦ની લોકલમાંથી ઉતરી હતી. નાથુએ કહ્યું, " ચાલો, ગોપી-નંદ ઘેર ચાલો, જુઓ મારી જોડે કોણ છે, તમારી નવી માઁ..?"

નાથુ અને નવી માઁની સાથે, ડઘાઈ ગયેલાં, નાનાં બાળકો,  યંત્રવત, ઘર ભણી ચાલતાં તો થયાં, પણ કોણ જાણે કેમ, આજે તેમના, રડુંરડું  થતા, ચહેરા પર, પહેલાં કરતાં વધારે, લાચારી વર્તાતી હતી.

જોકે, હજી તો, ઘેર પહોંચીને, નવી માઁ, તેનાં કપડાંની થેલી મૂકે, ત્યાંતો પાછળને પાછળ રામાનુજમને લઈને, પોલીસ ઈન્સ્પેક્ટરસાહેબ  સાથે,  પોલીસ આવી પહોંચી.

છોકરાંને લાગ્યું, "બાપા પોતાની માઁ જસમાને બદલે, નવી માઁ લાવ્યા તેથીજ, બાપાને વઢવા માટે પોલીસના મોટાસાહેબ આવ્યા લાગે છે..!!"

સ્ટેશન માસ્તર રામાનુજમે, નાથુને, કહ્યું," નાથુ, તેં બે દિવસ પર, ગામના દારૂના અડ્ડે, દારૂના નશામાં, જસમા અંગે કોઈ લવારો કર્યો, તેથી સાહેબ તને ઈન્કવાયરી માટે, થોડા સવાલ કરવા અને તારા ઘરની તપાસ માટે આવ્યા છે."

નાથુની આંખમાં,અણધાર્યું, કશુંક અમંગળ થવાનો,  ભય ડોકાતો  જોઈને, અનુભવી પોલીસ ઈન્સ્પેક્ટરસાહેબે, સવાલ પૂછીને, સમય બરબાદ કરવાને બદલે, પહેલાં ઘરની તપાસ કરવાનું શરૂ કર્યું.

ફક્ત એક કલાકની, પોલીસવાળાઓની જહેમતભરી તપાસ પછી, આ નાનાં બાળકોની, અસલી માઁ જસમા મળી  તો ખરી પણ,  નાથુના  ક્વાર્ટરની પાછળ આવેલા, વાડામાંથી, ફક્ત એક સુકાઈ ગયેલા, માનવ કંકાલના રૂપમાં..!!

પોતાના બાપા નાથુને, પોલીસના સાહેબ, પકડીને, જીપમાં બેસાડી લઈ જવા લાગ્યા ત્યારે, આ બંને લાચાર  બાળકો કોણ જાણે? પાંપણ તળે થી મળી આવેલાં, આંસુનું ચયન આખેઆખું  ખાલી કરવાનો ઈરાદો હોય તેમ, ફરીથી એવા તો, અત્યંત કરૂણ સ્વરે આક્રંદી ઉઠ્યાં..કે...!!

અત્યાર સુધી એક ખૂણામાં ચૂપચાપ ઉભી રહેલી, ૬.૩૦ની લોકલમાંથી, કલાકેક પહેલાંજ ઉતરેલી, પેલી સાડી પહેરેલી છોકરીએ, દયાભાવથી, બંને છોકરાંને પોતાની,  સોડમાં હેતથી એવાં તો  ખેંચી લીધાંકે, તેને વળગીને રડતાં બંને બાળકોને, જાણે પોતાની અસલી માઁ જસમાનોજ ખોળો પાછો મળી ગયો હોય તેમ, બાળકોને  લાગ્યું.

જોકે, બીજા દિવસે,કાયમ મોડી પડતી, સાંજની ૬.૩૦ની લોકલ સમયસર, સ્ટેશનેથી ઉપડી તો ખરી..!! પણ નવી જસમાને અને માઁ ના, હેત ભૂખ્યાં બે ઉલ્લાસિત બાળકોને સાથે  લઈને..!!

આ  હ્યદયંગમ દ્રશ્ય જોઈને, ટ્રેઈનને લીલી ઝંડી ફરકાવીને ઉપડવાનો સંકેત આપતા, પાંપણ પર બાઝેલાં, આંસુને, લૂછતા, રામાનુજમસાહેબને, ક્યાંક વાંચેલું વાક્ય, યાદ આવ્યું,"  ભગવાન એક હાથથી  લે છે, તો બીજા હાથથી તે  બમણું પરત આપે છે..!!"

મિત્રો, આ કથન કદાચ, આવા જ કોઈ પ્રસંગે લખાયું હશે?


માર્કંડ દવે.તાઃ ૧૪ ઑગસ્ટ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.