Monday, January 25, 2010

"સિંહ ક્લબ કે શિયાળ ક્લબ?"

સ્ટેજના રમૂજી કડવા - મીઠા અનુભવ શ્રેણી-૩.

"સિંહ ક્લબ કે શિયાળ ક્લબ?"

"મઝા, સ્વાર્થ વગર,મળવામાં છે, દોસ્ત,
જલ્દી કર,આ નગર,ગળવામાં છે, દોસ્ત..!!"

મારો બ્લોગઃ- http://markandraydave.blogspot.com/2010/01/blog-post_24.html

પ્રિય મિત્રો,

આપણા ગુજરાતમાં, ઘણી જ સારી સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. આ સંસ્થાઓમાંથી, કેટલીક ખરેખર સેવા ભેખધારી સંસ્થાઓ,કોઈપણ માન અકરામ કે પ્રશંસાની ભૂખ વગર,સમાજના જરૂરિયાતમંદ લોકોની વચ્ચે, ધર્મ કે જાતિના ભેદભાવ વગર, ઘણુંજ ઉમદા કાર્ય કરે છે.

પરંતુ,કેટલીક સંસ્થાઓ નેશનલ-ઈંટરનેશનલ હોવાનાં લૅબલ લગાવીને, ટોપલાભરી ભરીને, પ્રેસિડૅન્ટ,સેક્રેટરીથી માંડીંને ગવર્નર સુધીના હોદ્દાઓની લ્હાણી કરી,નાણાંકીયરીતે સદ્ધર મહાનુભવોના અહમને સંતોષે છે.

જોકે ન્યાય ખાતર એટલું,જરુર નોંધવું રહ્યું કે,આવી સંસ્થાઓના,બધા સદસ્ય કાંઈ આવી દાનતવાળા નથી હોતા,

ઘણીવાર,દેખાદેખીકે, ચડસાચડસી,કોઈ મોટા સેવા કાર્ય માટે ખરેખર મોટા પ્રમાણમાં નાણાં,આવી સંસ્થાઓ જ એકત્ર કરી સમાજને ઉપયોગી થાય છે.
વળી કોઈ સંસ્થા કે તેની વિચારધારા ખરાબ નથી હોતી,તેમાં કેટલા સદસ્ય ,આ વિચારધારાને, ખરા દિલથી સમર્પિત થયેલા છે..!! તે બાબત જ, સંસ્થાની પ્રશંસા કે ટીકાનું કારણ બને છે.

પરંતુ કહેવાય છેને કે,માનવીનું મન અકળ છે.આજે આપણે આવીજ એક સંસ્થામાં યોજાયેલા,સુગમ ગીત,ગઝલ,ભજનસંધ્યાના, સન - ૧૯૯૪ - ૯૫ના, સ્ટેજના મારા એક કડવા અનુભવની વાત કરીશું ?

અમદાવાદની, એક ઈન્ટરનેશનલ સેવાભાવી સંસ્થાના,ડિસ્ટ્રિક્ટના,પ્રમુખપદગ્રહણ સમારોહમાં,ગીત - ગઝલ -ભજનસંધ્યાનો કાર્યક્રમ કરવા માટે,આ જ સંસ્થાના સદસ્ય એવા, મારા કેટલાક અંગત મિત્રોએ, મને પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું.

સેવાની ભેખધારી સંસ્થાઓના,કાર્યક્રમ હું કોઈપણ સ્વાર્થ વગર ભાગ લેતો હોવાથી, મેં કોઈ રકમ કે મૉમેન્ટો સુદ્ધાં ન સ્વીકારવાની શરતે,કાર્યક્રમ કરવા સંમતિ આપી.

જોકે,મારો નિયમ અન્ય કલાકારો ઉપર, મારાથી ઠોકી ના બેસાડાય,તે બાબત મારા મિત્રોને મેં સમજાવીને, અમદાવાદનાં સુગમ સંગીતનાં,ખૂબ જાણીતા,નામાંકિત ગાયક, ગાયિકા - સુશ્રીપારુલ વ્યાસ અને સંગીતકાર શ્રીપ્રસુન ચૌધરીના,વાદક કલાકારો સાથે, કેટલાક વાદક મિત્રોને યોગ્ય પુરસ્કાર ચૂકવવો જોઈએ, તેમ નક્કી થયું.

મને નવાઈ ત્યારે લાગી..!! જ્યારે, આ સંસ્થાના આગામી વર્ષના થનાર પ્રમુખશ્રીનો, મારા ઉપર,ભાવભીનું આમંત્રણ આપતો ફોન આવ્યો અને સાથે જ, તેઓએ મને, બજેટની ચિંતા કર્યા વગર, ગીત-ગઝલ-ભજન સંધ્યાના કાર્યક્રમની સફળતા માટે, કોઈપણ પ્રકારની કસર ન રાખવા જણાવ્યું.
તેઓએ મને કાર્યક્રમનો દિવસ, સ્થળ અને સમયની વિસ્તૃત વિગત આપીને,ફોન મૂકી દીધો.

આ ભાઈ , સેવાભાવી સંસ્થાના, આગામી વર્ષ માટે, પ્રમુખ તરીકે ચૂંટાયા હોવાથી, ખૂબ ઉત્સાહમાં હતા અને તેથીજ તેઓએ, ખર્ચની પરવા રાખ્યા વગર,અમદાવાદના,લાલદરવાજા વિસ્તારની,પ્રખ્યાત પાંચ સિતારા હૉટલના, ભવ્ય દરબારી હૉલમાં,આ `પ્રમુખ પદગ્રહણ સમારોહ`.ગોઠવ્યો હતો.

મને પ્રશ્ન એ થયો કે ,એ ધનાઢ્ય ભાઈએ,માનઅકરામ અને મોભા માટે,ફરી લગ્ન કરવાના હોય, તેટલો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે કે શું..??

આ કાર્યક્રમમાં નક્કી કર્યા અનુસાર, સાંજે છ વાગ્યાથી, આ ભાઈનો, પ્રમુખ પદગ્રહણ સમારોહવિધિ, ત્યારબાદ રાત્રે આશરે આઠ થી દસ દરમિયાન, બુફે ડિનર અને છેલ્લે દસ વાગ્યા બાદ, સંગીતનો કાર્યક્રમ ગોઠવાયો હતો.

બરાબર છ વાગે કાર્યક્રમ શરુ થયો, આજના કાર્યક્રમનો બધો ભાર, આ નવા પ્રમુખ ભાઈના ખિસ્સા ઉપર હતો તેથી, કાર્યક્રમમાં, અનેક વક્તાઓએ, શ્રોતાઓ કટાળી જાય ત્યાં સુધી, નવા પ્રમુખશ્રીની શાનમાં ,તેઓના પ્રમુખ થતાંની સાથે, સેવાકાર્ય -જગતમાં, સુખશાંતિ નું જાણેકે ઘોડાપુર ઉમટશે..!! તે પ્રકારે,વિસ્તારપૂર્વક અનેક કસીદા,પઢ્યા. છેવટે બધા કંટાળવા લાગ્યા.

સેવાભાવી ક્લબના કેટલાય સદસ્ય શ્રોતાઓ,કંટાળીને હૉટેલના પાછળના ગાર્ડનમાં,ગોઠવાયેલા ભોજનની મઝા માણવા,આંટાફેરા કરવા લાગ્યા.પરિવાર સાથે આવેલા, કેટલાક સદસ્ય તો, બાળકો ભૂખ્યા થયાં હોવાના ના બહાને,અડધા-પડધા ગોઠવાયેલા, બુફે કાઉન્ટર, ઉપરથી ભોજન મેળવી,પોતે પણ,ભોજન તૃપ્તિના શુભ કાર્યમાં લાગી ગયા.જેમજેમ ભોજન શરુ થયાની સહુ શ્રોતાઓને, ગંધ આવી તેમતેમ,ધીરે-ધીરે ભાષણ સાંભળનારમાંથી, ઘણા બધા સદસ્ય,ભાષણાનંદ-(!!) પડ્તો મૂકી, ભોજનાનંદ માટે,ગાર્ડન ઍરિયામાં પહોંચી ગયા.

આખરે, રાત્રે, આશરે ૯.૦૦ વાગ્યાના સુમારે, સંસ્થાના સેક્રેટરીશ્રી,સ્ટેજ પરથી, આભારવિધિ કરી રહ્યા હતા,ત્યારે આ નવા પ્રમુખભાઈના સગાંવહાલાં અને અંગત મિત્રો,સિવાય દરબારી હૉલમાં,કોઈ જ હાજર ન હતુ.

કોઈપણ કાર્યક્રમમાં પરફોર્મન્સ પર અસર ન થાય તે માટે, મોટાભાગે અમે ગાયક કલાકાર મિત્રો, કાર્યક્રમ અગાઉ ભોજન લેવાનું ટાળતા હોઈએ છે,તેથી મેં શ્રીપ્રસૂનભાઈના વાદક મિત્રોને ભોજન માટે મોકલી,અમો કેટલાક કલાકાર મિત્રો,સાઉન્ડ સિસ્ટમની ગોઠવણી,ચકાસણી કરવાના કાર્યમાં લાગ્યા.

અંતે બરાબર દસ કલાકે, અમારો ગીત-ગઝલ-ભજન સંધ્યાનો કાર્યક્રમ શરુ થયો.

જોકે,આપણી કહેવત, "મારી ને નાસી જવું અને ખાઈ ને સૂઈ જવું." ને અનુસરી, ભાષણના અતિરેકથી કંટાળેલા અને સંગીત અરસિકતામાં, આદરણીય શ્રીઔરંગઝેબને પણ ટપે તેવા, સેવાભાવી સંસ્થાના અનેક સદસ્ય મિત્રો,ઘર ભેગા થઈ ગયા.

ત્યાર બાદ,જે ઑડિયન્સ વધ્યું તેઓની સામે, અમે અમારો કાર્યક્રમ, અત્યંત સફળતાપૂર્વક રજૂ કરી, જ્યારે રાત્રે ૧૨.૩૦ કલાકે કાર્યક્રમ સમાપન કર્યો, ત્યારે તો આ સેવાભાવી સંસ્થાના,વિવિધ હોદ્દેદારો,અને તેમના ગણ્યાગાંઠ્યાં સગાંવહાલાં,મિત્રો મળી,દરબારી હૉલમાં માંડ માંડ ૬૦ - ૭૦ શ્રોતાઓ અમારા સુમધુર ગીત-સંગીતથી બચવા જાણે ઝઝૂમી રહ્યા હોય તેમ મને લાગ્યું.

મારી ખરી કઠણાઈ હવે શરુ થઈ.જે ગાયક કલાકારોએ,સારું પરફોર્મન્સ આપવા, ભોજન નહોતું કર્યું, તેમને માટે તપાસ કરતાં,હવે ભોજનની વ્યવસ્થા થઈ શકે તેમ ન હતી,તેથી આ ગાયક કલાકારોએ, માંડ માંડ મળેલા, સાદા નાસ્તા અને ચ્હા-કૉફીથી સંતોષ માનવો પડ્યો.

એ જાણે ઓછું હોય તેમ,આગામી વર્ષ માટે નવા વરાયેલા ધનાઢ્ય પ્રમુખશ્રી, સફળ કાર્યક્રમના નશામાં ઝૂમતા-ઝૂમતા,પોતાના કુટુંબ સાથે, ક્યારે રવાના થઈ ગયા,તેની મને જાણ ના થઈ.

આ કાર્યક્રમ માટે, મને આમંત્રણ આપનાર સંસ્થાના સેક્રેટરીશ્રી સહિત, કેટલાક મારા અંગત મિત્રો સિવાય હવે હૉલમાં ફક્ત ખાલી ખુરસીઓ હાજર હતી. અમને અહીંથી ટળવાનો સંકેત કરતા હોય તેમ,હૉટલના મેનેજરે આવીને, હૉલની મોટાભાગની લાઈટો બંધ કરાવી દીધી.

અમારી સાથે આવેલા કેટલાક કલાકારોનું ઘર,માત્ર કાર્યક્રમોની આવકને કારણે નભતું હોવાથી,મને આમંત્રણ આપનાર સંસ્થાના સેક્રેટરીશ્રીએ,મારી સૂચના મુજબ,તમામ કલાકારોને તેમનો પુરસ્કાર ચૂકવી આપ્યો. આનંદ સાથે,સહુ કલાકારોએ સ્વગૃહે પ્રસ્થાન કર્યું.

જોકે નવા વરાયેલા પ્રમુખશ્રી, મારો તથા સુશ્રીપારુલબહેન અને શ્રીપ્રસુનભાઈનો આભાર માન્યા વગર જ જતા રહ્યા,તે બાબતે મને આમંત્રણ આપનાર મિત્રોને ખેદ થયો.

તેમણે બીજા દિવસે તે ધનાઢ્ય પ્રમુખશ્રીનું ધ્યાન દોરીને, અચૂક ફોન કરાવશે, તેમ દુઃખ સાથે મને જણાવ્યું,ત્યારે મેં નમ્રતાપૂર્વક તેવી કોઈ જરુર ન હોવાનું જણાવી,તેમને સધિયારો આપવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો.

અંતે, અમે સહુ પણ સફળ કાર્યક્રમના આનંદને વાગોળતા છૂટા પડ્યા.

અચાનક બીજા દિવસે,હડહડતા બપોરે ૧૨.૦૦ વાગે, પેલા નવા વરાયેલા પ્રમુખશ્રીનો ફોન,મારા ઉપર આવ્યો.મને લાગ્યું તેઓ મને સફળ કાર્યક્રમનો આનંદ પિરસવા બદલ,અભિનંદન આપવા સાથે સાથે આભાર માનવા માંગે છે. .!!

જોકે,મેં અત્યંત ઉત્સાહપૂર્વક ફોન ઉઠાવ્યો,તો મને તેઓની વાત સાંભળી ઘણોજ આઘાત લાગ્યો..!!

આ ધનાઢ્ય પ્રમુખશ્રીના જણાવ્યા મુજબ,તેઓને પુછ્યા વગર, કાર્યક્રમમાં કલાકારોને,વધુ પડતી રકમ પુરસ્કારરુપે,તેમના સેક્રેટરીશ્રી પાસેથી આપવાનો ગંભીર ગુન્હો મેં આચર્યો હતો.તેઓ મારી ઉપર બેફામ વરસી પડ્યા.

મેં તેઓને નમ્રતાપૂર્વક યાદ અપાવ્યુંકે,તેઓએ કાર્યક્રમમાં સારા કલાકારોને બોલાવી,કોઈ કસર ન રાખવા જણાવ્યું હતું.મેં તેઓનું એપણ ધ્યાન દોર્યુંકે,મારા સબંધોને કારણે સુશ્રીપારુલબહેન અને શ્રીપ્રસુનભાઈએ, કોઈજ રકઝક કર્યા વગર, અરે..!! પુરસ્કારની રકમ ગણ્યા વગર,તેઓએ સ્વીકારી હતી, ઉપરાંત મેં પોતે આ કાર્યક્રમ માટે,પુરસ્કાર તો ઠીક મોમૅન્ટો પણ સ્વીકારવાની ના પાડી હતી.

કદાચ આમ કહેવાથી તેઓ વધારે ઉશ્કેરાયા હોય કે, ગમે તે થયું હોય, આ ધનાઢ્ય નવા પ્રમુખશ્રીએ મારી સાથેના, અલ્પ પરિચયનો, ફાયદો ઉઠાવી, ઉદ્ધતાઈથી એમ કહીને ફોન મૂકી દીધો (કે પછાડ્યો ?) કે," પહેલાં ખબર હોત તો,તમારા જેવા કેટલાય કલાકારો,મારો કાર્યક્રમ કરવા મારાં પગથિયાં ઘસતા હોત..!!"

તત્કાળની ક્ષણે તો, હું નક્કી કરી ન શક્યો કે, મારે આ સેવાભાવી ધનાઢ્ય પ્રમુખશ્રીના કૃપણ માનસની દયા ખાવી કે મારા મનમાં દુઃખ અનુભવવું ?

પાંચ સિતારાના હૉટલના દરબારી હૉલની, ભવ્ય ઝાકમઝાળ અને મોંઘીદાટ ડિનર ડીશના ખર્ચની સામે, મેં અત્યંત કરકસરથી, ફક્ત સાત હજાર રૂપિયામાં, કરી આપેલો,અત્યંત સફળ કાર્યક્રમ,કેવી રીતે ખર્ચાળ અને ઑવર બજેટ કહેવાય ? તે, મને આજે પણ સમજાયું નથી.

આ સંસ્થાના કાર્યક્રમમાં, મને આમંત્રણ આપનાર મિત્રોને આ બાબતની જાણ થતાં,તેઓએ મારે ત્યાં રૂબરૂ આવી, પ્રમુખશ્રીની ગેરવર્તણૂંક બદલ, મારી સમક્ષ દિલગીરી વ્યક્ત કરી. મને માઠું ન લાગ્યું હોવાનું જણાવી, મેં પણ આખી બાબતને મનમાંથી ભૂંસવા બહુ પ્રયત્ન કર્યો.

કદાચ આજે આ ઘરના ડાયરા સમક્ષ આ વાત કરી, હ્યદય હળવું થતાં, હવે આ દુઃખ ઓછું થયું હોય તેમ, શા માટે અનુભવાતું હશે ?

મારો આ અનુભવ વાંચીને,આપને કદાચ પ્રશ્ન થશેકે, આ પ્રમુખશ્રી,ખરેખર સેવાયજ્ઞમાં જોડાઈ,પ્રમુખપદ શોભાવીને, યોગદાન આપવા માંગતા હોય તો તેઓએ, આવા ભપકાદાર ઠઠારાનો જે વ્યર્થ ખર્ચ કર્યો, તેના બદલે કોઈ બે-ત્રણ ગરીબ કન્યાનાં લગ્નપ્રસંગનો ખર્ચ ઉઠાવ્યો હોત તો....??

જોકે,મને ખાત્રી છે, આ નવા પ્રમુખશ્રીના હસ્તે ,આવું શુભકાર્ય થયું હોત તો, અમારા જેવા કેટલાય કલાકારો, તે ગરીબ દીકરીઓના લગ્નપ્રસંગે, કોઈપણ પ્રકારના પુરસ્કારની આશા રાખ્યા વગર (સાવ મફત) , તેમનો કાર્યક્રમ કરવા, તેમનાં પગથિયાં જરૂર ઘસતા હોત.

આ વાત ખરેખર સત્ય છે. હું મારા કલાકાર જગતની આવી ઉદાર ભાવનાને જાણું છું અને તેનું મને અત્યંત ગૌરવ પણ છે.

જોકે આવા આઘાતજનક બનાવોને વિસારે પાડી, અમે સિઝન્ડ કલાકારો, ઈશ્વરની આંગળી પકડીને, અમારી યાત્રા આગળ ધપાવતા હોઈએ છે.

" સફર તારી, ક્ષણમાં જ ટૂંકાતી લાગશે, જરા ઈશ્વરની આંગળી પકડી તો જો..!!"

આ વાતને હું માનું છું,આપ...??

માર્કંડ દવે.તા.૨૫-૦૧-૨૦૧૦.

1 comment:

  1. આ ગુજરાત છે. જો કે, બધે આમ જ થતું હોય છે - અમેરીકા સમેત. આ વીશ્વવ્યાપી ટ્રેન્ડ છે.
    જાણીતી થયેલી ક્લબોમાં લોકોનો ઉત્સાહ ખરેખર દાદ માંગે તેવો હોય છે - તે જાતે અનુભવેલું છે; અમદાવાદની હાર્મોનીયમ ક્લબમાં

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.