Saturday, September 18, 2010

Love Infection ,પ્રેમરોગનો ચેપ.

Love Infection  


" દરદ  બહુ જુનું  છે, જોજે  વધી ના જાય..!!"
  પ્રેમ   તો   ચેપી  છે, રોગ વકરી ના જાય..!!


નોંધઃ આ વાર્તા કાલ્પનિક છે, યોગાનુયોગ કોઈના જીવનપ્રસંગ સાથે, કથા મળતી આવે તો, કોઈએ બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં.-લેખક

=========

પ્રેમરોગનો ચેપ

ચીં.....ઈ...ઈ...ઈ...ઈ..!! અચાનક કારને સજ્જડ બ્રેક લગાવીને, સહેજ બાજુમાં ઉભી કરીને, હું  કારમાંથી નીચે ઉતર્યો. કારણ? મારા એક કવિ-લેખક મિત્રને ઘણા સમયે નિહાળી, મારા મુખેથી, સાનંદાશ્ચર્ય સવાલ સરી પડ્યો," તમે અહીં? પોલીસ સ્ટેશનની બહાર? અહીં શું કરો છો?"

મને જોઈ, લેખકમિત્રએ જરા છોભીલા પડી જઈને, ડાબા હાથની મુઠ્ઠીમાં દબાવેલા, ખારીસીંગ-ચણાને સંતાડવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં, મારી સામે ઉદાસ ચહેરે જોયું.

મેં ફરીથી તેમને સવાલ કર્યો," બધું બરાબર છેને? પોલીસસ્ટેશને  કાંઈ કામ હતું?"

હવે આ મિત્રને લાગ્યુંકે,  હું જવાબ મેળવ્યા વગર નહીં જ જંપું..!! તેમણે કશુંજ બોલ્યા વગર, બાજુમાં આવેલી ચ્હાની લારીના બાંકડા પર બેસવાનો, મને ઈશારો કરીને, પોતે પણ, જાણે સાવ  ભાંગી પડ્યા હોય તેમ, ધબાક દઈને, બાંકડે બેસતાં, છેવટે મૌન તોડ્યું," શું કરું યાર..!! એક કલાકથી,  પી.આઈ.સાહેબની રાહ જોઈને, પોલીસસ્ટેશનની  બહાર ફીલ્ડીંગ ભરું છું..!!"

જોકે, પછી મારા બીજા  કોઈજ સવાલની રાહ જોયા વગર, પોલીસસ્ટેશને આવવાનું પ્રયોજન મને જણાવ્યું ત્યારે, તે   વિગત જાણીને,મારા માટે, આ  મિત્રને સાંત્વના આપવા શબ્દ શોધવા પડે, તેવી પરિસ્થિતિ  ઉભી થઈ  હોય તેમ, મને  લાગ્યું..!!

વાત જાણે એમ બની હતીકે, આશરે ચાર માસ પહેલાં, એક સાહિત્યસભામાં, આ કવિ-લેખકમિત્રે, `લઘુવાર્તા- કથા-સંદર્ભ,  સત્યઘટના`, તે   વિષય પર, અત્યંત મનનીય, છણાવટસભર  વ્યાખ્યાન આપ્યું. તે સમારંભમાં, હું  પણ, એક શ્રોતા તરીકે ઉપસ્થિત હતો. અત્યંત તાળીઓના ગડગડાટ સાથે તેમના, વ્યાખ્યાનને વધાવી લેવાયું અને સ્વાભાવિકપણેજ, આ સાહિત્યકાર મિત્રના મનમાં, ગૌરવ અને આનંદની લાગણી ઉદભવી..!!

આ સફળ  કાર્યક્રમની સમાપ્તિ પછી, આ કવિ-શાયર-લેખક મિત્રને,આશરે બાવીસ વર્ષના, સાવ સામાન્ય અને લઘરવઘર  દેખાવના, બે નવયુવકોનો ભેટો થઈ ગયો. પ્રથમ તો, આ  યુવકોએ, અત્યંત ઉત્સાહ અને  સાવ નમ્રતાપૂર્વક,  તેમના ખીસ્સામાંથી, પ્રથમ જે  કાગળ હાથમાં આવ્યો  તેમાં, લેખકશ્રીના `ઑટોગ્રાફ` માંગ્યા, જે  આ   લેખકમિત્રએ,  આનંદ-ઉમંગ  સાથે  કરી આપ્યા,  ત્યારબાદ, કોઈ ફંકશન માટે, આ સાહિત્યકારશ્રીને, ચીફ ગેસ્ટ તરીકે, હાજર રહેવા અને તેમના તે કાર્યક્રમની શોભા વધારવા, તે બંને યુવક વિનંતી કરવા લાગ્યા.

પોતાના `ઑટોગ્રાફ` આપ્યા બાદ,ચારેબાજુથી થઈ રહેલા, `વાહ બ્રહ્મ`ના, સતત આક્રમણથી, થોડા પોરસાઈને   રોમાંચિત  થઈ   ઉઠેલા, આ લેખક મિત્રએ, તે યુવકોને પ્રેમથી, તે કાર્યક્રમમાં હાજર રહેવાની સંમતિ  આપી.

જોકે, મને પછીથી જાણવા મળ્યુંકે,  કાર્યક્રમનો સમય અને તારીખ જણાવ્યો અને તે દિવસ આવીને, વીતી પણ ગયો  છતાંય, આ સાહિત્યકાર મિત્રને , તે બંને યુવકોમાંથી , કોઈએ ફરીથી  સંપર્ક ન કર્યો તેથી,  કોઈ કારણસર કાર્યક્રમ  કેન્સલ થયો હોવાનું અનુમાન કરીને, આ  મિત્રએ  વાતને  વિસારે  પાડી.

પરંતુ,આ લેખક  મિત્રના ભાગ્યમાં, આ  વાત જલ્દી વિસારે પડવાનું લખ્યું ન હતું..!!

હાલમાંજ અઢારમું  વર્ષ પૂર્ણ  કરીને, ઓગણીસમા વર્ષમાં, પ્રવેશેલી, આ લેખકમિત્રની, એકની એક દીકરી, આશરે દસ દિવસ અગાઉજ, ઘેરથી અચાનક કોઈનેપણ જણાવ્યા વગર,  ગુમ  થઈ ગઈ હતી. મિત્રએ કરાવેલી  ખાનગી તપાસમાં  ભાળ  મળીકે, અગાઉ  જે  બંને  યુવકે,  પેલા  સમારંભમાં,  તેમનો `ઑટોગ્રાફ` મેળવ્યો હતો, તેમાંના એક યુવક સાથે, તેમની દીકરીએ, ઘેરથી નાસી જઈને, ધાર્મિકવિધિ અનુસાર લગ્ન કરી લીધાં હતાં.

જોકે, આવા કિસ્સામાં, આમતો મોટાભાગે, કૂલડીમાં ગોળ ભાંગીને, `લગ્ન તો ઉપરવાળાએ નક્કી કર્યાં હોય ત્યાંજ થાય`, તેમ  મનને મનાવીને, આવા સબંધને હવેતો, લાગતાવળગતા તમામ દ્વારા સ્વીકારી જ  લેવાય છે..!!

પરંતુ, આ કિસ્સામાં, એક તો, પેલો યુવક, ચારરસ્તે બેસી રહીને, દુનિયાભરનાં ગેરકાયદેસર કામ કરતો, આવારા યુવક  હતો, ઉપરાંત સમાજમાં, તે  યુવકના બાપની મથરાવટી પણ, `દેશી દારૂના વેપારી` તરીકે, સાવ મેલી હતી. આવા સંજોગોમાં, ખૂબ-ખૂબ  દુઃખી, સાહિત્યકાર મિત્રના મત અનુસાર, અત્યંત લાડકોડમાં ઉછરેલી દીકરીએ ,  છેક `સગીર` વયથી  શરૂ  થયેલા પ્રેમની આ  ગંધાતી ગટરમાં,  ઝંપલાવીને જાણે  `હારાકિરી`નું, આત્મઘાતી પગલું ભર્યું હતું..!!

છેવટે, દીકરીનું ભલું કરવાની લાયમાં, લેખક મિત્રને, બીજું કાંઈ સમજમાં ન આવતાં, પોતાની `સગીર` વયની દીકરીને,  ભોળવીને ભગાડી જવાનો આરોપ મૂકીને, તે યુવક વિરૂદ્ધ,  પોલીસ  ફરિયાદ લખાવી.

જોકે, પોતાની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થયાની જાણ થતાંજ, પોલીસ સ્ટેશનમાં, પેલી દીકરીના જન્મના પ્રમાણપત્ર અને અન્ય કેટલાક પુરાવા લઈને, આ મિત્રની, ભાગી ગયેલી દીકરી- તેનો પેલો આવારા યુવક પતિ  અને પોલીસસ્ટેશને, કાયમ હપ્તા પહોંચાડતો, પોલીસ સાથે ઘરોબો ધરાવતો, ભારાડી બદનામ, તેમનો  બાપ, તરતજ  હાજર થઈ ગયા.

પોલીસસ્ટેશનના ઈંન્ચાર્જ,પોલીસ ઈન્સ્પેક્ટરશ્રીએ, પુરતા પુરાવા ચકાસીને,  છોકરી પૂખ્ત વયની થઈ ગઈ હોવાની ખાત્રી કરીને, આ સાહિત્યકાર મિત્રની ફરિયાદ રદ કરતી` સી સમરી` ભરી, બધાંને છોડી મૂક્યાં,

એટલુંજ નહીં..!! આ છાપેલાં કાટલાં જેવા બાપ-દીકરાએ, આ સાહિત્ય મિત્રની સંમતીથીજ લગ્ન થયાં હોવા છતાં,  પોતાની વિરૂદ્ધ  ખોટી ફરિયાદ કરીને, માનહાનિ અને માનસિક ત્રાસ આપ્યાનો આરોપ લગાવીને, પોતાના ઉપર ખોટા આરોપ કરવા બદલ, વળતી પોલીસ  ફરિયાદ નોંધાવી દીધી.

તેથીજ, આ  કેસની હકીકત, ચકાસવા તથા અમારા મિત્રનો જવાબ લઈને, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા  માટે, પોલીસ કચેરીએ, આજે આ મિત્રને રૂબરૂ બોલાવ્યા હતા.

જોકે, આ વિગત જાણીને મને અત્યંત દુઃખ થયું અને મારા મિત્રની દયા પણ આવી.

એટલામાંજ  પોલીસ ઈન્સ્પેક્ટરસાહેબની જીપ, પોલીસસ્ટેશનમાં પ્રવેશી, આવા ગંભીર બનાવની વિગત જાણ્યાપછી,  મિત્રને  એમ  નોંધારા ત્યજીને, ચાલતી ન પકડાય તેમ સમજીને,  તેમને હિંમત આપવા,  પોલીસ ઈન્સ્પેક્ટરની ઑફિસમાં, પેલા મિત્ર સાથે, હું પણ  મળવા માટે ગયો.

પહેલાંતો, આ બાબતની સામા પક્ષની ફરિયાદના કાગળ મંગાવીને, કોઈ અઠંગ ગુન્હેગારની, ઉલટતપાસ લેતા હોય તેમ, સમાજના `સજ્જન માણસો`(..!!) પર, ખોટી ફરિયાદ કરવા બદલ, ઈન્સ્પેક્ટરસાહેબે અમારા મિત્રને, પોલીસની ખાસ અસાહિત્યિક ભાષામાં, ખૂબ ખખડાવી નાંખ્યા. આ સાહિત્યકાર મિત્ર એકદમ ગભરાઈ ગયા.

જોકે, બાદમાં થોડી ઓળખાણ નીકળતાં, તથા સાહિત્યકારનો વાંક ન હોવાનું, સમજી જતાંજ, સાહેબે,` જે બની  ગયું છે તેને` સ્વીકારી, સમાધાન કરી લેવાની, વ્યવહારૂ સલાહ આપતાં. વાતનો વીંટો વાળ્યો અને સાંજે ફરીથી, બધાને હાજર રાખી,  મારા આ   મિત્રને સાંજે અચૂક હાજર રહેવા તાકીદ કરી.

ઑફિસમાંથી બહાર જતાં-જતાં, આ કથામાં, એક વાર્તાકાર તરીકે, મને અત્યંત  ઉત્કંઠા થતી હોવાથી, ઈન્સ્પેક્ટરસાહેબની સંમતિ લઈને, સામા વેવાઈ પક્ષે નોંધાવેલી ફરિયાદના કાગળ, મેં અને મારા મિત્રએ  ઘ્યાનથી  વાંચ્યા ત્યારે  તેમાં જોયુંકે --,

પેલા,  `લઘુવાર્તા- કથા-સંદર્ભ, સત્યઘટના`, વિષય પર યોજાયેલા  સમારંભમાં, પ્રિ -પ્લાન કરીને, આ  ચાલાક  યુવકે,   `ઑટોગ્રાફ`ના બહાને, ગડી વાળેલા, લગ્નનોંધણીના કોરા સરકારી  ફોર્મમાં, સાક્ષીના ખાનામાં, છળકપટથી, આ સાહિત્યકારની નહીં, પરંતુ  એક પ્રેમરોગ ગ્રસિત અને માર્ગ ભૂલેલી, દીકરીના પિતાની સહી, મેળવી લીધી હતી...!!

તે દિવસે, સફળ આખ્યાનના થયાના કેફમાં, આગળ -પાછળ કશુંજ જોયા વગર, પેલા યુવકે સામે  જે કાગળ ધર્યો, તે કાગળમાં, આ  સાહિત્યકાર મિત્રએ  સહી કરી આપી હતી..!! જેનું ગંભીર પરિણામ, આજે નજર સામે, આવી ઉભું હતું?

હવે શું કરવું? એક તરફ, આ સબંધને સ્વીકારી લેવા, મારા મિત્રના, મનને મનાવવું  સહેલું ન હતું.

પરંતુ, સત્ય એ  હતુંકે, આ મિત્રની દીકરીએ, બધાને અંધારામાં રાખીને, આવું મનસ્વી કૃત્ય આચર્યું હતું, અને તે ઘણીજ મક્કમ પણ હતી, વળી આ પુરાવા જોયા પછી,  હવે મારે તથા મારા મિત્રએ, સમાધાન સિવાય, આગળ કશુંજ વિચારવા જેવું રહ્યું નહીં..!!

જોકે, મને છેવટે આજે જાણ થઈ છેકે, સમાધાન થઈ ગયું છે અને  તે બંને પક્ષના, સંયુક્ત  ખર્ચે, પાર્ટી પ્લૉટમાં, આજે ભવ્ય રિસેપ્શન પણ છે..!!

આ અનોખાં લગ્નના  રિસેપ્શનમાં, મનેય હાર્દિક  આમંત્રણ છે..!!

પરંતુ, કોણ જાણે કેમ. ત્યાં હાજરી નોંધાવાને બદલે,  ભેટનાં કવર, બીજાના હાથે રવાના કરીને, મને તો  હાથમાં, લખવાની ચળ ઉપડતાં, `લઘુવાર્તા- કથા-સંદર્ભ, સત્યઘટના`, વિષયના, પેલા અભાગી,  સાહિત્યકાર મિત્રના મનનીય, છણાવટસભર  આખ્યાનમાંથી પ્રેરણા મેળવી, આ લધુકથા ઢસરડવા બેઠો છું..!!

આપ કહેશો, મેં સાવ ગપ્પાં, મારીને વાર્તા લખી નાખી છે. પરંતુ, જરા વિચારો..!! બધીજ  વાર્તાઓ સમાજમાં ઘટતી, રોજબરોજની ઘટનાઓમાંથીજ,  સાકાર થાય છે ને..!!  

વાર્તાઓ, કોઈ ઝાડ પર, કડવાં-મીઠાં ફળની માફક,  થોડીજ ઉગે છે?  કેમ ખરુંને?   

જોકે, તમને આ લધુકથા ગમશેજ, તેવી મને ખાત્રી સહેજપણ નથી..!! ભલું પૂછવું, કદાચ ગમેય  ખરી..!!


આપ શું કહો છો બૉસ..!!


માર્કંડ દવે. તાઃ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૦.

1 comment:

  1. વાર્તા તદ્દન સાચી છે.મારા એક મિત્ર ની ભાણી નો આવોજ કેસ હતો.થોડો ફેરફાર હોય,પણ સાચો બનાવ છે.બ્રાહ્મણ ની દીકરી એવા ઘેર ગયેલી જે માની ના શકો.છોકરો સાવ આવારા હતો,જેલ માં જઈ આવેલો.સરસ વાર્તા છે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.