Saturday, February 27, 2010

શબ્દ -` A word. `

શબ્દ  -` A word. `

" શબ્દ ઝરણને કાંઠે - કાંઠે,  ખીલવું થઈ ગુલમહોર,
 પ્રેમ કળણની  સાંઠે -ગાંઠે,  ડૂબવું   થઈ  ચિત્તચોર."

ટપલીદાવઃ- "હોઠ પર થી સરેલું થૂંક અને અયોગ્ય શબ્દ,એક સમાન છે, તેના છાંટા  પોતાને  પણ  ઉડે  છે..!! "

========

( પ્રિય મિત્રો, સમજણની ડાળી પર ફૂટેલી, એક કૂંપળની કુમાશ એટલે શબ્દ. શબ્દ આત્મકથા કથે ?
હા..જરૂર.. કથે..!! શ્રોતાની નિરાંત જોઈને કથે, નિરાંતે સાંભળો.)

યુગ અનંતથી, અમરપદ પામેલો, સહુના સુખ દુઃખનો સાથી, હું છું શબ્દ. 

પિતા છે બ્રહ્માંડ અને માતા તે - માભોમ, તેમનુંજ સંતાન, હું છું શબ્દ..!!

માતાના, ઉદરેથી જન્મતાંજ, લવ્યો, "ઊવાઁ-ઊવાઁ", તે હું  છું શબ્દ..!!

પછી, માઁ ના સ્તનબિંદુને ચૂસી, ધવ્યો," બૂચ્ચ-બૂચ્ચ", તે જ તો છું હું શબ્દ..!!

પા પા પગલી  થઈ હાલું, " ટપ-ટપ ", તે જ તો  છું  હું  શબ્દ..!!

પછી માઁ ને ભેટીને, ખખડ્યો, "ખિલ-ખિલ", તે હું છું  શબ્દ..!!

ક્યારેક, કોઈકના, અવ્યક્ત ઈશારે, ક્યારેક, કોઈની પાંપણના પલકારે,
અનાયાસે પ્રગટ થતો, હા..!! તે જ,તે જ, હું  છું  શબ્દ.


પ્રથમ દિને, કઠે પાઠને, કકળ્યો, " ના-ના", તે જ તો છું હું શબ્દ..!!

પછી, ભાઈબંધો ભેગા મળી કરે, " અલક-મલક",તે હું છું શબ્દ..!!

શબ્દ ઝરણને કાંઠે - કાંઠે,ગુલ થૈ ફૂટ્યો, " ફટ- ફટ," હા, હું  છું તે શબ્દ..!!

પેમ કળણની સાંઠે -ગાંઠે, તુજમાં ડૂબ્યો, "બૂડ- બૂડ", તે જ તો છું હું શબ્દ..!!

વસંત  વાયરે, ખીલી જવાની," ઝગમગ જગ", તે જ હું છું શબ્દ..!!

પ્રબળ આવેગ ક્યારેક , પ્રેમનો મંત્ર ક્યારેક,  થઈ ફૂંકાઈ જાઉં,
દર્પણ  થઈ રહે સન્મુખ, આવરણ થઈ ગ્રહે ઓળખ, તે જ તે જ હું છું શબ્દ..!!


ઉર  સિંહાસન, પર આસન પ્રીતિ,"રૂમ ઝૂમ - ઝૂમ ", તે જ હું  છું  શબ્દ..!!

વેલ વેલા-ઘેલાની, લજ્જાની, "લજામણી", તે જ તો છું હું શબ્દ..!!

જોર, જૂલમ, જંગનો લલકાર," ગરજ-ગરજ," તે જ હું છું શબ્દ..!!

છાનું-છાનું, હલકું-હલકું, દર્દ રસે, " નરમ-મરમ", તે જ છું હું  શબ્દ..!!

લોક લજ્જા, મૂકી નેવે, પ્રેમ કુસંપે, " કળે - કકળે ", તે છું હું શબ્દ..!!

શ્લીલ - અશ્લીલથી અજાણપણે, કોણ,કોને, ક્યાં જઈ નડે,
અંદર - બાહર, મારગ ધૂંધળા, ખંડેર મળે, તે જ, તે જ હું છું શબ્દ..!!


દુર્દશાને, દમનાર દગાનો , " ગણગણાટ", તે તો હુ,  છું શબ્દ..!!

લીલાછમ હોઠની, લાલી મધુર," સ્મિત શર્મસાર", હું તે શબ્દ..!!

થથરે મલય, થંભે સમય, મઢાઈ જાઉં," ગાલ શિખરે," હું તે શબ્દ..!!

રાંકનું રતન, મળે  કુપાત્રે કફન ઓઢી, " નિરાંતની ક્ષણ ", હું તે જ શબ્દ..!!

ઓગળે સત્વ, ગળે અસ્તિત્વ," રાખ, મળે, ભળે", તે જ તો, હું છું શબ્દ..!!

નિરવનો પણ એક રવ, અવકાશનો પ્રસવ, કૃતિનો કલરવ, થઈ આવીશ, ફરી- ફરીને,
અનિચ્છાએ - ઈચ્છાએ, પ્રણયની પ્રત્યંચાએ, પ્રેમ પ્રતિકનું નામ ધરી, આવીશ ફરીને,


કારણ બસ કાંઈ નહીં, છું હું શબ્દ, હું છું શબ્દ, તે જ તો હું છું શબ્દ, શબ્દ, શબ્દ...!!


માર્કંડ દવે. તા. ૨૭ - ૦૨- ૨૦૧૦.

=====================

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.