Saturday, July 24, 2010

BLIND TURNING ; અજ્ઞાત વળાંક

BLIND TURNING ; અજ્ઞાત વળાંક

" આંધળો  પાટો  તે,  મજબૂર જિંદગી છે..!!
   જાગતા  રે`જો  તે,  મશહૂર  બંદગી  છે..!!"


==========

પ્રિય મિત્રો,

આપ સહુ બાળપણમાં,  મિત્રો સાથે,  આંધળા પાટાની રમત, ક્યારેક તો રમ્યાજ હશો..!!

આ રમતમાં, એક ભેરુની આંખ પર, હાથરૂમાલનો  કસીને પાટો બંધાય, ત્યારબાદ તે ભેરુએ, હાથ લાંબા કરી, આંધળાની માફક આસપાસ ફરીને, નજીક આવી, ટપલીદાવ કરી, પજવતા મિત્રોમાંથી એકને પકડતાં, તે પકડાઈ જનાર મિત્ર `આઉટ` થયો ગણાય.

ત્યારબાદ, આઉટ થનાર ભેરૂએ, આજ રમત, પોતાની આંખે પાટો બંધાવીને, આગળ ધપાવવી પડે.

આ રમતની મઝા  એજ કે, તેમાં,દાવ લેનાર  ભેરૂને, આંખે દેખાતું ન હોવાથી, માત્ર અનુમાનના આધારેજ, કોઈકને પકડીને, વિજયી બનવું પડે, અન્યથા રમતમાં ભાગ લેવા ઉતરેલા, બાકીના મિત્રોનો ટપલીદાવ સહન કરવો પડે.

મને ક્યારેક લાગે છે..!! આપણા `ભગવાન` નામના ભેરૂએ પણ, આપણને, આ સંસારમાં,  અજ્ઞાનતાનો પાટો, આંખે કસીને બાંધી, `આંધળા પાટા` ની  રમતમાં દાવ લેવા, છૂટ્ટા મૂકી દીધા છે.

કદાચ, આપણા જન્મથી લઈને, શ્રીજીશરણ થતા સુધી, આપણે, આપણી આસપાસ, આપણને ટપલીદાવ મારીને, પરેશાન કરતા, માનવીઓ, અણધારી ઘટનાઓ અને સંજોગોને, ક્યારેય બાથમાં લઈ, પકડીને, રમતમાં વિજયી બની શકતા નથી.

કદાચ કોઈ માનવ, એક - બે દાવમાં વિજયી થાય..!!  તો પણ, તરતજ બીજા દાવ  લેનારા, રમતવીરો (..!!) થી, પકડાઈ જઈ, ફરીથી આપણેજ દાવ લેતા થઈ જઈએ છે.

ટૂંકમાં, ટપલીદાવ મારીને, પરેશાન કરતા, માનવીઓ, અણધારી ઘટનાઓ અને સંજોગોના મારથી આપણો છૂટકારો ક્યારેય થતો જ નથી..!! 

આ દુન્યવી રમતનું, આપણને બીજું કોઈ નામ ન સૂઝતાં, આપણે તેને `પ્રારબ્ધ` કે `નશીબ`, નામ આપીને, આપણા મનને, સમજાવવાનો, લગભગ, સફળ (..!!) પ્રયાસ કરીએ છે.

જોકે, આ રમતમાં પણ, બાળપણમાં  મિત્રો, ચીટીંગ  કરતા હતા. જેમકે, આંખનો પાટો, થોડો ઢીલો, બધા દેખાય તેવો બાંધવો કેપછી, અન્ય મિત્રો સાથે ખાનગી સમજૂતી કરી આખીને, કોઈ શબ્દસંકેત દ્વારા, વારંવાર અન્ય મિત્રને પકડાવી દેવો, વિગેરે,વિગેરે..!!

ખરેખર..!! આવા ચીટીંગ કરીને વિજયી થનાર મિત્રો જ, આજે સફળ વેપારી, ઉદ્યોગપતિ, રાજકારણીકે, અન્ય ઘણી તગડીઆવક ધરાવતી, સખાવતી   સંસ્થાઓમાં, સર્વોચ્ચ પદે બિરાજમાન થઈ શકે છે?

આવા ચીટર મિત્રો, જેમજેમ, પૈસો, પાવર અને સ્થાન મજબૂત કરતા જાય તેમતેમ, તેમના ખૂશામતખોર, ગરજવાન, મળતિયાઓ, તેમની આંખનો પાટો, રમત શરૂ થતાંપહેલાંજ, ચીટીંગ કરીને, ઢીલો બાંધી આપીને, વિજયી બનાવતા જોવા મળે છે.

જોકે, આ પ્રકારનું ચીટીંગ કરતા મિત્રો સામે આપણે, કેવીરીતે વિજય પ્રાપ્ત કરવો?

જવાબ સાવ, સરળ છે, આપણી અંદર પડેલી અજ્ઞાત ચેતનાને, કેળવીને, સચોટ પૂર્વાનુમાન કરી, આવા ચીટર મિત્રોને માત કરી શકાય છે અને તે માટે જાપાની યુદ્ધકળા, `સમુરાઈ` ના યોદ્ધાની માફક, આપણે પણ આપણા આંતરિક મનને, અન્યના ટપલીદાવના  મારથી બચવા કાજે, સતત  જાગૃત રહેવાની આદત પાડવી પડે છે.

સમૂદ્રમાં તરતા વહાણના નાવિક પાસે, દુરનું દ્રશ્ય જોવા માટે, પિત્તળની એક લાંબી નળી જેવું, દુરબીન હોય છે, જેમાં હંમેશાં, એક બાજુની આંખ બંધ કરીને, ફક્ત બીજી  બાજુની, એક આંખના ઉપયોગથી, મહત્વના નિર્ણય લેવા પડે છે.

અમેરિકન `રૉયલ કૅનેડિયન નૅવી` ના ઍડમિરલ, Horatio Nelson Lay (23 January 1903 Skagway, Alaska, USA - 1988 Dundas, Ontario),  આ બાબતે વધુ પ્રકાશ પાડતાં, કહે છેકે,

" સમૂદ્રી સફર કે યુદ્ધમાં, માત્ર એક ખોટો સિગ્નલ, આખાય જહાજનું ભવિષ્ય અને અનેક નાવિકોની જિંદગી તબાહ કરી શકે છે."

તેઓ વધુમાં કહે છેકે,  " I have only one eye - and I have a right to be blind sometimes... I really do not see the signal."

પોતે જ્ઞાત હોવાછતાં, અજ્ઞાત હોવાનો, દંભ કરીને` આંધળા પાટા` જેવી રમત રમવાની કળાને, નૅવીની ભાષામાં, `Putting the glass to his blind eye.` કહે છે.

ઘણીવાર, ચીટર મિત્રોએ, કૃત્રિમ ઉભી કરેલી, આ સમસ્યાને ઉકેલવા માટે, એક આઈરીશ, પ્રવાસી, કૅથેરિન વ્હીલમૉટ, Catherine Wilmot (1773 – 1824) ના દર્શાવેલા ઉકેલ મુજબ,

" Turn a blind eye and a deaf ear every now and then, and we get on marvellously well."

જોકે, ત્યારબાદ આ કથન, એક સૂત્ર સ્વરૂપે આખાય, જગતમાં પ્રસિદ્ધ થયું. આમ તો આ સૂત્ર અકસીર પણ છે.

પરંતુ ઘણીવાર, આવા ઉકેલ અથવા આવાં અકસીર સૂત્ર પણ, નિષ્ફળ જાય ત્યારે શું  કરવું?

પ્રશ્ન તો મૂંઝવી નાંખે તેવો છે, નહીં?  પણ  આ રહ્યો, તેનો   ઉકેલ..!!

સન ૧૯૬૩માં, શ્રી બી.આર. ચોપરાની, અતિ સફળ ફીલ્મ,  `ગુમરાહ` રજુ થઈ હતી, જેમાં  અશોકકુમાર, સુનિલદત્ત, માલાસિંહા અને શશીકલા જેવા ઘડાયેલા કલાકારોએ,  અભિનયનાં અજવાળાં પાથર્યાં  હતાં.

આ ફીલ્મમાં,શાયર શ્રીસાહિર લુધિયાનવીએ લખેલું, સંગીતકાર શ્રીરવિજીએ સંગીતબદ્ધ કરેલું અને ગાયક શ્રીમહેન્દ્રકપૂરે ગાયેલું એક સુંદર ગીત, `ચલો એકબાર ફીરસે, અજનબી બન જાય હમ દોનોં." ના   અંતરામાં   શાયર  કહે  છેકે,

" વો અફ઼્સાના જીન્હેં અંજામ તક, લાના ના હો મુમકીન, ઉસે એક ખૂબસૂરત મોડ દેકર, છોડના અચ્છા"

કેટલો સરસ ઉકેલ..!!

આજ વાતને, આપણી કુહાડાફાડ ગુજરાતી ભાષામાં, તેને `જ્યાંથી કહોવાઈ જાય. ત્યાંથી કાપી નાંખો` તેમ કહે છે. એટલેકે આવા ચીટરોથી, ચેતી જઈને, તેમની,આપણને   છેતરતી રમતમાં, સતત જાગૃત અવસ્થામાં રહી, આવા મિત્રોથી બચતા રહો.

લેખમાં સહુથી, ઉપર જણાવ્યું તેમ, ભગવાન નામના, આપણા સાચા સખાએ,  આપણી  આંખે,  અજ્ઞાનનો પાટો બાંધીને, ભલે દુન્યવી રમતમાં ધકેલી દીધા હોય..!!

પણ સાથે ભગવાન નામના ભેરૂ  એ, આપણે શું રમવું?  કેટલું  રમવું? કોની સાથે રમવું ? જેવા નિર્ણય લેવાની સ્વતંત્રતા તો આપણનેજ  બક્ષી છે તોપછી, ધીરજ ગુમાવીને આપણે શામાટે, વારંવાર દાવ લેવો પડે તે રીતે પકડાઈ જઈએ છે..!!

એટલેકે, ભગવાન એમ કહે છેકે," આંધળો પાટો રમવું  જ પડે. તે જો જિંદગીની મજબૂરી છે તો પછી, સતત જાગૃત રહીને, (એટલેકે શરણાગત થઈને)  જીવવું તે સર્વ ધર્મ માન્ય, જગમશહૂર  બંદગી છે."

આપને એક સરસ વાત કહું?

` BLIND TURNING`, નો સાચો અર્થ, `To knowingly  refuse  to acknowledge  something  which you know to be real." થાય છે. છેને, મઝાની વાત..!!

આંધળો પાટો = અજ્ઞાત વળાંક =  આ જગતમાં, વાસ્તવિક  સત્યને, જાણવા છતાં, ઈરાદાપૂર્વક, નકારવું, તે.

મને,  ગામડાના, આખાબોલા, ઘરડા કાકા, કાયમ કહેતાકે, ઘરકામના ઢસરડાથી, થાકીને રાત્રે, નવજાત બાળકને લઈને, સૂઈ જતી, ઘરની વહુને, સાસુ સવારે ઠપકો આપેકે,

 " કેમ અલી? આખો ખાટલો પલળી ગયો તોય, રાત્રે બાબલાનું ભીનું બળોતિયું, તેં ના બદલ્યું?"

ત્યારે વહું, ઘૂંઘટ તાણેલા, સાડલા પાછળથી જવાબ આપે," એ તો બા, આખી રાત, ત્રણ ચાર વાર, તેણે પલાળ્યુંને, તેમાં છેલ્લીવાર મારી આંખ લાગી ગઈ  તેથી રહી ગયું."

જોકે, સાસુને ખબર છેકે, આટલો બધો, આખો ખાટલો પલળવાનું કારણ, એકલો બાબલો નહીં પણ, પાકી ઉંઘ બગાડીને, ઉઠવાના આળસને લીધે,  આ ગોબરી વહુએ, પોતે પણ, ખાટલામાંજ   લઘુશંકા  કરવાના  કરેલા,   કારસ્તાનને કારણેજ,  આખો ખાટલો  અને આખી ગોદડી પલળી છે..!!

મને  એમ  થાય  છેકે, આવું અદભૂત  તારણ, સાસુએ કેવી રીતે તારવ્યું હશે..!! શું પહેલાં સાસુ પોતેય,   ખાટલામાં જ, જાગતાં તો નહીં `--તરતી` હોયને?

એમ, હોય પણ ખરૂં..!! કશું કહેવાય નહી, ભાઈ..!! કારણ આ  જીવનતો `આંધળા પાટા`ની રમત છે.

માર્કંડ દવે. તાઃ- ૨૪ જુલાઈ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.