Monday, October 10, 2011

ઝરૂખો ઝુકી ગયો.(વાર્તા.)
ઝરૂખો ઝુકી ગયો.(વાર્તા.)

શું કહું સમયને, સખો થઈને, સમૂચો લૂટી ગયો,
કાળની  થપાટ  પડી ભારેને, ઝરૂખો ઝુકી ગયો..!!

=========

" એક મિનિટ,ક્યાં જાવ છો? તન્મયાના રૂમમાં ન જશો..!!" ઘટના દ્વારા, અત્યંત અધીરાઈપૂર્વક, ઉચ્ચારાયેલા વાક્યને સાંભળતાંની સાથેજ, કર્તવ્યના ચરણને જાણે સહસા બ્રેક લાગી હોય તેમ, તે ત્યાંજ જડાઈ ગયા..!!

" કેમ..!! તન્મયા અભ્યાસ કરે છે?" કર્તવ્યને અંદાજ હતો છતાંય, તેનાથી સવાલ પુછાઈ ગયો.

"ના, તેનો ક્લાસમેટ સાહચર્ય તેને મળવા આવ્યો છે." ઘટનાએ શબ્દ તો હોઠથી ઉચ્ચાર્યા પરંતુ,કર્તવ્ય સાથે નજર મેળવીને, બાકીની વિગત તેને આંખના ઈશારે સમજાવી દીધી.

એક ક્ષણ માટે,કર્તવ્યની આંખના એક ખૂણે રોષ ઝળકી ઊઠ્યો અને વળતી જ ક્ષણે ઊઠ્યો તેવો શમી જતાં, તે મનોમન ગમ ખાઈને, પોતાના સ્ટડીરૂમ તરફ પાછો વળી ગયો.

પાછા વળી ગયેલા પતિ કર્તવ્યની પીઠને એકટશે તાકી રહેલી ઘટના, પતિની મજબૂરીને સમજતી હતી,પરંતુ તે પોતે પણ લાચાર હતી, " આમતો,પોતાની જ કહેવાયને?  એવી આ માથાભારે દીકરી તન્મયા, આજે યુવાનીના જોશમાં, માતા-પિતાની હાજરીમાં, કૉલેજના બૉયફ્રેંડ સાહચર્ય સાથે ઘરમાં...જ..!!"

એક મોટો નિસાસો નાંખીને,પોતાના નિસાસાનું સમાધાન શોધવા ઘટનાએ,પોતાના નિત્ય કર્મરત થવા રસોડા તરફ ડગ માંડ્યા. 

આ તરફ, મૂંઝવણભર્યા મન સાથે, શૂન્યમનસ્ક મનઃસ્થિતિમાં અટવાઈ રહેલા  કર્તવ્યે, સ્ટડીરૂમમાં જઈ નજર સામે પડેલું હાથ ચઢ્યું તે પુસ્તક, વાંચવા વ્યર્થ પ્રયત્ન કર્યો, પરંતુ તેની સામે તેના અમંગળ ભૂતકાળની ભૂતાવળ આવીને, વિકૃત, ઉપહાસભર્યા, ક્રૂર ચહેરે, અટ્ટહાસ્ય કરવા લાગી..!!

આજે  શું નથી કર્તવ્ય પાસે? એમ.ફિલ; ડૉક્ટરેટની ડિગ્રી ધરાવવા સાથે, આ શહેરની પ્રતિષ્ઠિત કૉલેજમાં સિનિયર પ્રાધ્યાપક..!! શહેરના વૈભવી વિસ્તારમાં, માત્ર ત્રણ વ્યક્તિ (પોતે, ઘટના તથા દીકરી તન્મયા એમ,) માટે, પાંચ બેડરૂમ ધરાવતો આલીશાન કિંમતી ભવ્ય બંગલો..!!  તગડું બેંકબેલેન્સ, શેર્સ, ડિબેન્ચર્સ, ડીપૉઝિટ્સ..!! 

પરંતુ, આજથી પચ્ચીસ વર્ષ અગાઉ તેની પાસે કાંઈ નહતું ત્યારે?  

ત્યારે, કચ્છના એક સાવ નાના ગામમાંથી શહેરમાં આવી, જે મળે તે ફી લઈ નાનાં મોટાં ટ્યૂશન કરીને, કર્તવ્ય પોતાના જીવન સંઘર્ષને બરાબર માણી રહ્યો હતો, તે વેળાએ, અચાનક એક દિવસ, માત્ર ઓગણીસ વર્ષની વયે પહોંચેલી મનોરમ્ય, સુંદર શિષ્યા, ઘટનાને વિદ્યાભ્યાસ કરાવતાં-કરાવતાં કર્તવ્ય, યુવાનીના આકર્ષણનો પાઠ પણ ભણાવી બેઠો.

અને ત્યારબાદ તો, તે જમાનાના રિવાજ પ્રમાણે, કોઈ અણઘડ તબીબના હાથે, ખાનગીમાં ગર્ભપાત કરાવવા જતાં, નાનકડી ઘટના માંડમાંડ જીવ બચાવી શકી ત્યારે થયેલા શહેર વ્યાપી હોબાળાની, નૈતિક જવાબદારી સ્વીકારી લઈને કર્તવ્યએ, ઘટનાને પોતાની જિંદગીમાં પત્નીનું સ્થાન તો આપ્યું પરંતુ, લગ્નના પાંચ વર્ષ બાદ અનેક ઉપાય અજમાવ્યા બાદ, કર્તવ્ય તથા ઘટનાએ, એ પણ સ્વીકારી લીધુંકે, પોતે હવે માતાપિતા બનવાનું પદ ક્યારેય પામી નહીં શકે..!!

તેવામાં, કચ્છના કારમા ભૂકંપમાં બરબાદ થયેલા અને આજથી પંદર વર્ષ અગાઉ, કર્તવ્યના બચરવાળ મોટાભાઈનું નિધન થતાંજ, વિધવા ભાભીને આગ્રહ કરી, સમજાવીને, તેમની સહુથી નાની દીકરી તન્મયાને, કર્તવ્ય-ઘટનાએ કાયદેસર દત્તક લઈ, અપનાવી,પોતાના માતાપિતા બન્યાનો, વાંઝણો સંતોષ પૂર્ણ કર્યો.

તન્મયાને લાડમાં,`પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય..!!` તેવી આધુનિક સુખસગવડ લેપટોપ,આધુનિક મોબાઈલ્સ, ઘરમાં વાઈ-ફાઈ નેટ સુવિધા, બ્રાન્ડેડ વસ્ત્રો, અન્ય મોંઘાદાટ લેડીઝ વૅર, એસેસરિઝને કારણે, તન્મયાના અત્યંત ક્રાંતિકારક ઉછેરના અંતે, જે રીતે તેનું મ્લાન પરિણામ આવવું જોઈએ, તે આવ્યું..!!  

તન્મયાના પ્રાઇવેટ બેડરૂમના બંધ દરવાજા પાસેથી, પાછા વળેલા કર્તવ્યની આંખના એક ખૂણે, ફરી એક ક્ષણ માટે, આ વિચારે, રોષની ચિનગારી પ્રગટાવી...!!

" પણ કર્તવ્ય તું વિચાર તને, આવો રોષ પ્રગટ કરવાનો હક્ક છે ખરો? થાઈરોઈડ ની બિમારીને કારણે, અત્યંત મેદસ્વી,બદસૂરત દેખાતી પત્ની ઘટનાને તેં..ય..!!"  અચાનક, કર્તવ્યના વિચાર થંભી ગયા, તેની સામે સ્ટડી રૂમના દરવાજે,  ગરમાગરમ કૉફીના મગ સાથે, ઘટના ઊભી હતી.

ઘટના અંદર પ્રવેશી તે સાથેજ, કર્તવ્યએ હાંક મારીને, પોતાના સ્ટડીરૂમના દરવાજા પાસેથી, બહાર જઈ રહેલાં તન્મયા તથા સાહચર્યને, પોતાના રૂમમાં મળવા બોલાવ્યાં.

તન્મયાના ચહેરા પર બેફિકરાઈ અને સાહચર્યના ચહેરા પર જાણેકે, કોઈ અપરાધ કરતાં પકડાઈ ગયો હોય તેવા ભાવ સાથે બંને, કાંઈપણ બોલ્યાચાલ્યા વગર, કર્તવ્યના સ્ટડી રૂમમાં પ્રવેશ્યા.

"મારે સાહચર્ય સાથે થોડી વાત કરવી છે..!!" કર્તવ્યએ, ઘટના તથા તન્મયા સામે જોઈને ધીમા અવાજે કહ્યું અને ઘટનાએ પતિ કર્તવ્ય સાથે નજર મેળવી, કોઈ ઉગ્રતા ધારણ ન કરવાની વિનંતીનો ભાવ તથા તન્મયાએ સાહચર્ય સાથે નજર મેળવીને, પપ્પાથી સહેજપણ નહીં ડરવાનો સંકેત કરતો ભાવ પ્રગટાવ્યો..!!

જોકે,રૂમના દરવાજે પહોંચીને, બહાર નીકળતા પહેલાં,  ઘટના તથા તન્મયાએ, ત્રાંસી નજર કરી,એકસાથે પાછળ જોયું ત્યારે, કર્તવ્ય, પોતાના હાથમાં રહેલું, પ્રખ્યાત કંપનીનું કંડોમનું પેકેટ સાહચર્યના હાથમાં થમાવી રહ્યો હતો અને પોતાના પ્રોફેસરસાહેબને અત્યંત આશ્ચર્યથી નિહાળતો સાહચર્ય ઝૂકી જઈને, કર્તવ્યને વંદન કરી રહ્યો હતો.

આટલું કાર્ય કરી, વધારાનો એકપણ શબ્દ બોલ્યા વગર, કર્તવ્યએ સાહચર્યને જવા માટે રજા આપતો હાથ-ઇશારો કર્યો ત્યારે, આ વૈભવી બંગલામાં, ખબર નહીં,  પરમ સખાનું રૂપ લઈને સમય, ન જાણે કોને-કોને સમૂચો લૂટી રહ્યો હતો..!!

જોકે, હાથમાં પ્રખ્યાત કંપનીના કંડોમનું, ઉપદેશાત્મક પ્રતીક લઈ સાહચર્ય, પોતાના આધુનિક ગુરુ તથા એક ઉદાર પિતાની સમજદારી પર વારી જઈને, તેમના ચરણોમાં ઝુકી રહ્યો હતો, જ્યારે..!!

તન્મયા, પિતાનું આ નવતર ઉદાર સ્વરૂપ જોઈને, નજર ઝુકાવી,મનોમન અપાર શરમ અનુભવી, નતમસ્તક થઈ, દરવાજે ખોડાઈ ગઈને, પિતાની સમજદારી સમક્ષ મનોમન ઝુકી રહી હતી..!!

અત્યંત મેદસ્વી તન સાથે, છેલ્લા ઘણા વર્ષોથી, પોતાના પતિ કર્તવ્યને શારીરિક સંતોષ આપવામાં નિષ્ફળ ગયેલી પત્ની, ઘટનાના મનમાં ઘૂમરાતા, મૂંઝવણભર્યા અનેક સવાલને કારણે, તે બિચારી કાળની થપાટ સામે, અસહ્ય નિઃસહાયતા અનુભવતી ઝુકી રહી હતી..!!

જ્યારે કર્તવ્ય? કર્તવ્ય ગઈકાલે જ, વર્ષો પહેલાંની અત્યંત સ્વરૂપવાન ઘટનાની પ્રતિકૃતિ સમાન, પોતાની એક  અત્યંત સ્વરૂપવાન, બૉલ્ડ  શિષ્યા સાથે, ગઈકાલે શહેરની એક ફાઈવસ્ટાર હૉટલના એકાંતમય માદક વાતાવરણમાં, સલામતીપૂર્વક જાતીય આનંદ માણવા કાજે, તાબડતોબ ખરીદેલા કંડોમના, આજે થયેલા યથાર્થ સદુપયોગના સંતોષ સાથે કર્તવ્ય, `સમય` નામના સખાનો આભાર માનતાં ખરા દિલથી, એટલા માટે ઝુકી રહ્યો હતોકે, પત્ની ઘટના સાથે, વર્ષો અગાઉ ઘટેલી દુઃખદ ઘટના, ફરીથી ભૂલથી પણ, પોતાની બૉલ્ડ શિષ્યા તથા દત્તક દીકરી તન્મયા સાથે ન ઘટે..!!

શું,  એક જ સમયે, એક જ `સમય`, કોઈના સખાનું વિવિધ રૂપ ધરીને, તેઓને દુઃખદર્દ અથવા સંતોષસિદ્ધિ પ્રદાન કરી શકતો હશે? 

કદાચ..હા..!!

કદાચ..ના..!!

જોકે, મનેતો આ બધાં મન મરકટનાં જ કારસ્તાન હોય તેમ લાગે છે..!!
ખરૂંને?

માર્કંડ દવે.તા.૧૦.૧૦.૨૦૧૧.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.