Tuesday, January 26, 2010

વિસરાતી વાર્તા-૧૦.(કબૂતર અને કીડી.) વિસ્તરતી વાર્તા-૧૦.( બદલો. )

વિસરાતી વાર્તા-૧૦.(કબૂતર અને કીડી.) વિસ્તરતી વાર્તા-૧૦.( બદલો. )

કબૂતર અને કીડી.

એક તરસી કીડી વહેળા પર પાણી પીવાને ગઈ. તે ઊંડા પાણીમાં પડીને તણાતી ચાલી.તેને એક કબૂતરે દીઠી.

કબૂતરને દયા આવી,તેથી ચાંચ વડે ઝાડનું પાંદડું તોડીને તેણે પાણીમાં નાંખ્યું.તેને વળગીને પેલી કીડી કાંઠે આવી.

પછી એક દિવસ એવું બન્યુંકે, તે જ કબૂતર એક ઠેકાણે બેઠું હતું. તે ન જાણે એમ એક શિકારી,તેની ઉપર જાળ નાંખતો હતો. કીડીએ તે જાણ્યું એટલે તે જ ક્ષણે જઈને કબૂતરને પગે ચટકો ભર્યો. તેથી કબૂતર ઝટ દઈને ઊડી ગયું.

શિકારી હાથ ઘસતો રહી ગયો.

આ વાત ઉપરથી સમજવું કે બીજા ઉપર ઉપકાર કરતા રહેવું ને કોઈએ આપણું ભલું કર્યું હોય તો તક મળે ત્યારે બદલો વાળવાનું ચૂકવું નહીં.

જો આપણે એમ કરીએ તો, પરમેશ્વર રાજી રહે ને લોકોમાં આપણી આબરૂ વધે છે.

==========
વિસ્તરતી વાર્તા-૧૦.( બદલો. )

બદલો.

" માણસ,સાવ નાનો, હું તને શું આપું ?
એમ કર, દેજે મને `તું`,તને `હું`આપું..!!"

આજે બેંકમાં કૅશિયર રાજેશ વોરા,છેલ્લા એક કલાકથી, સિલકનો તાળો, વારંવાર મેળવીને સાવ થાકી ગયો હતો,છેવટે કંટાળીને તેણે મેનેજરને જાણ કરીકે,આજની લેવડ દેવડમાં રૂપિયા એક લાખની ભૂલ આવે છે અને તાળો મળતો નથી. મેનેજર હાંફળા-ફાંફળા દોડી આવ્યા,સ્ટાફના બીજા મિત્રો પણ,
તમામ એન્ટ્રીઓની તપાસમાં લાગી ગયા.

ભાઈ રાજેશ વોરા,છેલ્લા બે વર્ષથી,આ બેંકમાં સેવા આપતો હતો,પણ ક્યારેય એક રૂપિયાની પણ ભૂલ થઈ ન હતી.પછી આમ કેમ થયું,જોકે નિષ્ઠાથી ફરજ બજાવનાર કર્મચારીની, ઈર્ષા કરનારો સ્ટાફ, બધી કચેરીઓમાં વ્યાપ્ત હોય છે.અહીં પણ એક ઈર્ષાળૂ, ક્લાર્ક મનોહર નામ ધારણ કરીને, સજ્જન રાજેશને પજવવા સતત પ્રવૃત્ત હતો.

બધાએ ભેગા મળીને,આજની તારીખે, એક લાખથી મોટી લેવડદેવડ કરનારી પાર્ટીઓના,ફોન નંબર શોધીને,પૂછપરછ શરૂ કરી.પણ પરિણામ સાવ શૂન્ય..!!

દરેક પાર્ટીએ,બાબત જાણીને અફસોસ વ્યક્ત કર્યો.દરેકને રાજેશના સહકારભર્યા સ્વભાવનો પરિચય હોવાથી, નાણાં ભૂલથી વધારે અપાઈ ગયાં હોય તો,પરત કરવામાં કોઈ વાંધો ન હતો,તેમ જણાવ્યું. હવે શૂં..?

આમને આમ બીજો કલાક વીતી ગયો. હવે ઈર્ષાળુ મનોહરને આનંદ અને રાજેશ તથા મેનેજરને પરસેવો વળવા લાગ્યો.

એવામાં ઈર્ષાના માર્યા,બળતામાં ઘી હોમતો હોય તેમ,મનોહરે, મેનેજરને બાજુમાં,લઈ જઈને,છેલ્લા કેટલાય દિવસથી,રાજેશ પોતાના ભાઈને,વધુ અભ્યાસ માટે,ઑસ્ટ્રેલીયા મોકલવા,એક લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા ફાંફાં મારતો હોવાની બાતમી આપી.કાચા કાનના મેનેજરના મનમાં, આ વાત બરાબર ઠસી ગઈ.

મેનેજર, કાયદેસરની કાર્યવાહી કરવા, ઉતાવળા થયા.તેમણે રાજેશને છેલ્લી ચેતવણી આપી દીધી,"ક્યાંતો અત્યારેજ રૂપિયા જમા કરાવો અથવા પોલીસ- ફોજદારી કાર્યવાહીના સામના માટે તૈયાર રહો."

રાજેશ ડરનો માર્યો, કૅશના ટેબલ પર, માથું ઢાળીને ઉદાસ ચહેરે, બેસી ગયો.

આમેય ઘરમાં એક બીમાર વિઘવા માતાની સારવારનો ખર્ચ, ઉપરથી પત્ની અને બાળકોની,અવિરત માંગણીઓનો ત્રાસ, ઉપરથી ભાઈને વિદેશ મોકલવાનું ટેન્સન.

અગાઉથી જ પાંચ લાખ જેટલા દેવામાં ડૂબેલા, તેના જેવા સાવ ઓછા પગારદાર, નાના માણસને, લાખ તો શું પાંચ હજાર રૂપિયા આપવા ય કોણ તૈયાર થાય? વળી આ વાત બહાર પડે તો,બદનામીને કારણે નોકરી ય બીજે ક્યાં મળે ?

રાજેશે વિચાર્યું, હવે અહીથીં, લલાટે ચોરીનું લાંછન લઈને ઘેર નથી જવું,બસ. તેણે એક કઠોર નિર્ણય લઈ લીધો. મેનેજરસાહેબ પાસે, રડમસ ચહેરે, દસ મિનિટની રજા મેળવી,બેંકની બહાર આવેલી,કૅમિસ્ટની દુકાનેથી ઝેરી દવાની,ચાર બોટલ એકસાથે ખરીદી, તે બેંકમાં ઉતાવળે પગલે આવી સીધોજ, બેંકના ટોઈલેટમાં ઘૂસી ગયો.

વૉશરૂમમાં પ્રવેશી, રાજેશે,ઝેરી દવાની બોટલનું ઢાંકણ ખોલ્યું,પણ તેને હવે પોતાના નિર્ણયની ગંભીરતા સમજાઈ.

પોતે મરી જશે તો,ઘરનાં બાકીનાં બધાંનું શું..!!

આપઘાત કરવાનો વિચાર ઘડીભર તો ડગમગવા લાગ્યો,પરંતુ ફરીથી, બીજો કોઈ ઊપાય ન હોવાના ડરને કારણે, તેણે એક કાગળમાં,`સુસાઈડ નૉટ` લખી, પોતે સાવ નિર્દોષ હોવાનું ભારપૂર્વક લખ્યું.

જોકે,પોતાની પત્નીને ઉદ્દેશીને, બાળકો, બીમાર માતા અને નાના ભાઈની અપેક્ષાઓ પુરી ન કરી શકવા બદલ,માફી માંગી,નીચે પોતાની સહી કરી,ત્યારે તો રાજેશ, અવાજ વગરનું એવું ઝીણું-ઝીણું આક્રંદ કરી રહ્યોકે,ઈશ્વરને ય તેની દયા આવી જાય..!!

આવી હા,આવી, ઈશ્વરને ય તેની દયા આવી,

કહે છે ને,"ભોળાનો ભગવાન હોય છે." ભગવાને રાજેશને ઝેરની શીશી,મોં એ માંડવાનો મોકોજ ન આપ્યો.

બેંકના પટાવાળાએ,આવીને ટોઈલેટનું બારણું ખખડાવી,રાજેશને,મેનેજરશ્રી તાત્કાલિક બોલાવતા હોવાનો સાદ પાડ્યો,ત્યારે રાજેશ,ડૂબતો માણસ તરણું ઝાલે,તેમ આ સમસ્યામાંથી કોઈ માર્ગ નીકળવાની આશાએ ટોઈલેટની બારીમાં ઝેરની શીશીઓ મૂકી,બહાર દોડી ગયો.

એક લાખની ભૂલ પકડાઈ ગઈ હતી.

રાજેશની બેંકમાં સાવ સાધારણ રકમની,લેવડદેવડ કરતી, એક નાની કંપનીના પ્રોપ્રાયટરને ભૂલથી, એક લાખ રૂપિયાનું બંડલ વધારે આપી દેતાં, રાજેશને આજે, આપઘાત કરવા સુધીની માનસિક વેદના,કારણ વગર વેઠવી પડી હતી.

પોતે ટોઈલેટમાં પ્રવેશ્યો,તેજ ક્ષણે આ ઈમાનદાર વેપારી,પોતાને મળેલા અણહક્કના, એક લાખ રૂપિયા પરત કરવા આવીને, મેનેજર સાહેબને મળ્યો હતો,

જાણે સાક્ષાત ઈશ્વરનાં દર્શન થયાં હોય,તેવા ઉમળકા સાથે, રાજેશ આ વેપારીને ગળે બાઝી,નાનું બાળક રડે તેમ,મોકળા મને રડી પડ્યો.

મેનેજર અને બેંકના સ્ટાફના બીજા મિત્રોએ,તેને છાનો રાખવા પ્રયત્ન કર્યો તો,તેણે કાંઈ કહેવાને બદલે,તે સહુના હાથમાં પોતે લખેલી, બંને સુસાઈડ નોટ મૂકી દીધી. મેનેજર સહિત બધાજ, તે અંતિમ પત્રો વાંચતા જ ડઘાઈ ગયા. બધાના શરીરમાં, બેંકમાં ઓલવાનાર એક જિંદગીની સંવેદના, રોમ-રોમમાં પ્રસરી ગઈ.

સજ્જન વેપારી ભાઈ બોલ્યા," હે ભગવાન, હું આજને બદલે કાલે અથવા દશ જ મિનિટ મોડો આવ્યો હોત તો...!! પણ રાજેશભાઈ તમને ખબર છે? આ, લાખ રૂપિયા, હું તરત પાછા આપવા કેમ આવ્યો ? યાદ કરો,તમે આ બેંકમાં નવા-નવા નોકરીમાં દાખલ થયા હતા,તેના બીજા જ દિવસે, આજ બેંકના લોકરમાંથી મારી પત્નીનાં ઘરેણાં કાઢી, હું આપની પાસે કામ અંગે આવ્યો ત્યારે,જતાં-જતાં આપના કાઉન્ટર પર ,ભૂલાઈ ગએલી, તે ઘરેણાંની થેલી આપ,ઈમાનદારી દાખવીને, છેક મારે ઘેર આવીને, સહીસલામત પરત, આપી ગયા હતા. મને યાદ છે,ઈનામ લેવાનું તો દૂર,તમે ચા પીવા પણ રોકાયા ન હતા."

વેપારીએ ઉમેર્યું,"તે દિવસે એ થેલીમાં દસ લાખનાં ઘરેણાં હતાં,આજે મને આનંદ થાય છેકે,સમયસર બેંકમાં આવી હું, તમારો જીવ અને તમારા કુટુંબને માથે આવનારી આફત ટાળીને,તમે કરેલા ઉપકાર નો બદલો વાળી શક્યો."

પાંચ મિનિટ પછી મેનેજરે,કાચા કાનના હોવાના પ્રાયશ્ચિતરૂપે, મંગાવેલ આઈસક્રીમની લિજ્જત બધા માણતા હતા, ત્યારે પેલા વેપારીએ,રાજેશના ભાઈના અભ્યાસ માટે,વધારાના બીજા એક લાખ રૂપિયા,વગર વ્યાજે,વગર મૂદતે,વગર શરતે લઈ જવાની ઉદાર ઑફર કરી,રાજેશની ઉદાસી સાવ દૂર કરી દીધી,ત્યારે મેનેજરે સૂચક નજરે,ઈર્ષાળુ મનોહર સામે જોયું.જોકે, મનોહર નીચી નજરે ઉભો હતો,તેથી તેના મનોભાવ મેનેજર કળી શક્યા નહીં.

આજે, મનોહર જેવા શિકારીની જાળમાં,ફસાઈને જીવ ગુમાવવાની અણીએ પહોંચી ગયેલા, ભોળા કબૂતર જેવા રાજેશના, ઉપકારનો બદલો,કરોડોનું ટર્નઑવર કરતી બેંક માટે, સાવ કીડી જેવા, નાના વેપારીએ, સમયસર આવીને ચૂકવી દીધો હતો.

" માણસ,સાવ નાનો, હું તને શું આપું ?
એમ કર,દેજે મને`તું`, તને`હું`આપું..!!"

આજે માનવતા એ `હું` અને `તું`ને દ્વૈત માંથી અદ્વૈત બનાવ્યા હોય તેમ આપ માનો છો?

માર્કંડ દવે.તા.૨૬-૦૧-૨૦૧૦.

2 comments:

  1. એક આળવિતરું.
    વિસરાતી વાર્તા-10
    બોધ: કોઇ મુશ્કેલીમાં હોય તો તેના માર્ગમાં રોડાં નાખવાં (પાણીમાં પાંદડું)
    આપણા માર્ગમાં રોડાં નાખનારને છોડવો નહિ, સમય આવે ચટકા ભરવા.

    ReplyDelete
  2. ધન્ય !

    બહુ બહુ મજાની વાત કીધી માર્કંડભાઈ !!

    બ્લોગજગતમાં આવું પણ મુકાતું રહે છે એનો આનંદ સૌમાં વહેંચવો જ રહ્યો.

    – જુ.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.