Friday, January 15, 2010

પાસ-નાપાસ.Pass-Fail

કસોટી થી ડરે ? તે નામર્દ હશે, ઈશ્વર..!!
પથ્થર થૈ રડે ? ખુદગર્જ હશે, ઈશ્વર..!!

==========================

" કેમ અલ્યા ક્યાં છે, તારો આચાર્ય ? કોણ હતી એ ? કોણે મારી દીકરીને હાથ અડાડ્યો? બોલાવ સા...ને..!!મારી હાળી બે બદામની મહેતી..!!", આજે નાયબ મામલતદાર શ્રીવાઘેલાસાહેબ,ગરમ લ્હાય જેવા થઈને,શાળામાં પ્રવેશતાંજ,ઘાંટાઘાંટ કરતા,પટાવાળાને ધક્કો મારી,હડસેલીને,આચાર્યની કૅબીનમાં પ્રવેશ્યા.

"ટેલ મી વ્હેર ઈઝ યોર પ્રિન્સીપાલ? હુ વોઝ શી? હુ ટચ માય ડોટર? કૉલ હર ઈમીજિયેટલી.યુ ફુલ ટીચર? અ ડેપ્યુટી કલેક્ટર ઓફ ધ ટાઉન,પુશ ધ પ્યુન અસાઈદ એન્ડ એન્ટર ઇન પ્રિન્સીપલ્સ કૅબીન,બી કમીંગ એંન્ગ્રી.

નેહા આચાર્યશ્રીની કૅબીન બહારજ ઊભી રહી ગઈ,ડઘાઈ ગયેલો પટાવાળો અને અસમંજસમાં મૂકાઈ ગયેલા શાળાના આચાર્ય, બંને કાંઈ સમજે તે પહેલાં,સાહેબ ફરી તાડૂક્યા,"કેમ ભાઈ,તારી નિશાળ બંધ કરાવવી છે ? હું કોણ, મને ઓળખે છે?"

અપમાનનો ઘૂંટડો ગળી જઈને,શાળાના આચાર્યશ્રીએ શ્રીવાઘેલાસાહેબને શાંત થવા જણાવી,ગુસ્સે થવાનું કારણ પુછ્યું.

વાત જાણે એમ બની હતીકે,દાદાદાદી પાસે ગામડે રહેતી અને ગામડાની શાળામાં વારંવાર નાપાસ થવાથી, આ વર્ષે, આ શાળામાં દાખલ કરેલી, નવમા ધોરણમાં, અભ્યાસ કરતી,શ્રીવાઘેલાસાહેબની,આશરે સત્તર વર્ષની, દીકરી નેહાને, કોઈ શિક્ષિકાબહેને, પ્રથમ કસોટીમાં,નાપાસ થવા બદલ થપ્પડ મારી હતી.

"મારે, તારી નિશાળની, એ મહેતી, મારી સામે હમણાંજ હાજર જોઈએ,નહીતર વર્ગમાં જઈને, તેનો ચોટલો પકડી ઘસડી લાવીશ..!! શું સમજે છે,તેના મનમાં..!! મારી એકની એક દીકરી લાડકોડથી ઉછેરી છે,તે તમારા બધાના હાથનો માર ખાવા?" શ્રીવાઘેલાસાહેબ ફરી તાડૂક્યા.

આચાર્યશ્રીના ઈશારે,પટાવાળાએ પાણી લાવી શ્રી વાઘેલાસાહેબને આપ્યું.પાણીનો ઘૂંટડો ભરી,જાણે વાઘેલાસાહેબ થોડા ટાઢા પડ્યા હોય તેમ,અવાજમાં ઉગ્રતા ઓછી કરી,આચાર્યશ્રીને ફરી કહ્યું,"તમારે મારી દીકરીની કોઈ ફરીયાદ હોયતો, મને રુબરુ બોલાવવો જોઈએને, એમ મન ફાવે તેમ મરાતું હશે?"

એટલામાં પટાવાળો જઈને,નેહાનાં શિક્ષિકા પાયલબહેનને બોલાવી લાવ્યો. શિક્ષિકાબહેનનો અત્યંત ગરિમાયુક્ત,જ્ઞાનની આભાભર્યો,શાંત મુખમુદ્રા સહિતનો ચહેરો અને જાજરમાન વ્યક્તિત્વ જોઈ શ્રીવાઘેલાસાહેબની અનુભવી નજર અને જીભ બંનેને જાણે,અચાનક લકવા મારી ગયો.

પાયલબહેને,પોતાની સાથે લાવેલી,નેહાએ લખેલી,તમામ વિષયની ઉત્તરવહીઓ બતાવી.જેમાં પ્રશ્નોના જવાબના સ્થાને નેહાએ,નવી ફિલ્મોનાં પ્રેમગીતો લખ્યા હોવાનું અને આમજ ચાલે તો,નેહાના ભણતરનું ભાવિ, અંઘકારમય હોવાનું જણાવી, રહી સહી કસર પણ પૂરી કરી દીધી.શ્રી વાઘેલાસાહેબના ગુસ્સાની તોપનું નાળચું હવે,દીકરી નેહા તરફ વળી ગયું,બહાર ઉભેલી નેહા,આચાર્યશ્રીની કૅબીનમાં પ્રવેશતાંજ ઉકળાટભર્યા અવાજે તેને પુછ્યું" આ બઘું શું છે નેહા,તું આવા જવાબ લખે છે?"

લાડકોડમાં ઉછરેલી અને ફાટીને ધૂમાડે ગયેલી છોકરીએ કહ્યું,"મારે આ નિશાળમાં નથી ભણવું,અહી કોઈ સરખું ભણાવતું જ નથી.મારે ગામડે દાદાદાદી પાસે જવું છે.મને ત્યાંની નિશાળમાં દાખલ કરી દો."

અહીં, નેહાએ વર્ણન કર્યાથી સાવ વિપરિત પરિસ્થિતિ પેદા થયેલી જોઈ,હમણાં સુધી, વાઘની જેમ ઘૂર્રાતા શ્રીવાઘેલાસાહેબ, હવે શિયાળની સલૂકાઈ પર આવી ગયા,"હે..હે...હે.. !! આજકાલનાં આ છોકરાં જુવોને, આચાર્યસાહેબ મારાં બેટાંઓને ભણવું જ નથી."

આચાર્યશ્રી સમજી-વિચારીને સાવ ચૂપ રહ્યા,હવે તેમણે આમેય કાંઈ કહેવાનું, કરવાનું ન હતું.

લાચાર બાપે ફરી દીકરીને સવાલ કર્યો,"તારે ખરેખર ગામડે ભણવા જવું છે?" નેહાએ ડોકી ધૂણાવી હા પાડી.

શ્રીવાઘેલાસાહેબે, એકજ કલાકમાં, નેહાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મેળવી,નેહાને બીજાજ દિવસે ગામડે,દાદાદાદી પાસે રવાના કરી દીધી.

આ બનાવને બે વર્ષ વીતી ગયાં.આખીયે શાળા આ ઘટનાને સાવ ભૂલી ગઈ હતી,પરંતુ એક દિવસ આચાર્યશ્રીની ઑફિસમાં,શાળાનાં શિક્ષિકા પાયલબહેન, નેહાના, જે સમાચાર લઈને આવ્યાં,તે ઘણાબઘા માતા-પિતા-વાલી મિત્રોની આંખો ખોલી નાંખે તેવા હતા.

ગામડે ગયા પછી,સ્વાભાવીકપણે નેહા સુધરવાને બદલે વધારે બગડી ગઈ હતી,ગામડામાં બાપની ઈજ્જત આબરુનો વિચાર કર્યા વગરજ,કેટલાય છોકરાઓ સાથે પ્રેમમાં પડીને, અભ્યાસને છેવટે તિલાંજલી આપી દીધી હતી. શ્રીવાઘેલાસાહેબ ફરીથી નેહાને શહેરમાં લઈ આવ્યા અને ઘરમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખી,છતાં વાઘેલાસાહેબની ગેરહાજરીમાં,ધરાર,ઉઘાડેછોગ,ચારરસ્તે સાવ આવારાગર્દી કરતા,એક પરધર્મી યુવકના પ્રેમમાં નેહા ફસાઈ ગઈ.

આખરે,માઁ વગરની,ઓગણીસ વર્ષની, પૂખ્ત દીકરીને,એક લાચાર પિતા, કેટલુંક દબાણ કરી શકે? વાઘેલાસાહેબે છેવટે ન્યાતનો જ એક ગરજાઉ મુરતિયો શોધી પરણાવવાની પેરવી કરી, તો લગ્નના આગલા દિવસે,લગ્નના ગરબાના ટાણે, આ આવારા પ્રેમી સાથે,નેહા ભાગી ગઈ.

નાયબ મામલતદારના રુઆબને કારણે,પોલીસે દરમિયાનગીરી કરી,ચાર કલાકમાંજ, બંનેને શોધી કાઢી,વાઘેલાસાહેબને સોંપ્યાં, ત્યારે પેલા આવારા પરઘર્મીએ નેહાને કાયમ માટે છોડી દેવા પાંચ લાખ માંગ્યા,છેવટે ઘરમેળે વાઘેલાસાહેબે ત્રણ લાખમાં સમાઘાન કરી,સવાર થતાં તો,પેલા સોદાબાજ પ્રેમીને નાંણા ચૂકવી, ખાનગીમાં, આખીએ શરમજનક વાત પર, કાયમી પડદો પાડી, નિરાંતનો શ્વાસ લીધો.

લગ્નના દિવસે,બપોરે લગ્નનો આનંદ છવાયો હતો,સગાંવહાલાં,સરકારી અધિકારીઓ,નામાંકિત રાજકારણીઓથી લગ્નનો આખો હોલ ભરાઈ ગયો,એક બાજૂ ભાવતાં ભોજનનો રસથાળ,મહેમાનો આરોગીને, શ્રીવાઘેલાસાહેબની ભાવસભર સરભરાનાં મોંફાટ વખાણ કરતાં હતાં,ત્યાંતો, ગોરમહારાજનો પોકાર સંભળાયો,"કન્યા પધરાવો સાવધાન..!!"

બેંડવાળા અને એક ખૂણે બેસી સંગીત પિરસી રહેલા,મ્યૂઝીક પાર્ટીવાળા,પ્રસંગને અનુરુપ ગીતો જોરથી ગાવા લાગ્યા,પણ થોડીજ વારમાં જાણે લગ્નના આનંદમય વાતાવરણને, સાપ સૂંઘી ગયો હોય તેમ,આખાયે હૉલમાં સોપો પડી ગયો.નેહા ફરીથી ગાયબ થઈ ગઈ હતી.

શ્રીવાઘેલાસાહેબના મોબાઈલ ઉપર,નેહાનો મેસેજ આવ્યો હતો," પપ્પા,મેં લગ્નનું મહુરત સાચવી લીધું છે.અમારાં લગ્નની સારી શરુઆત માટે,મારા પસંદગીના પ્રેમીને, ત્રણ લાખ જેટલી માતબર રકમનો આશીર્વાદ આપવા બદલ ધન્યવાદ."

આજે એક પથ્થર દિલ, ઉદ્ધત બાપ,દીકરીનાં કારસ્તાન સામે, કસોટીમાં નાપાસ થઈ, હૉલના બાથરુમમાં એકલો ચોધાર રડતો હતો.

જોકે,લાંચ રુશ્વત લઈને તગડા થયેલા, શ્રીવાઘેલાસાહેબને એ ખબર નથીકે, આ આવારા પરધર્મી પ્રેમીની,નેહા બીજી પત્ની છે.તેમને ચાર શાદી કરવાની છૂટછાટ મળેલી છે??

આચાર્યશ્રીએ વિચાર્યું," શ્રીવાઘેલાસાહેબને આ બાબતની જાણ થશે ત્યારે તે કેવું વલણ અપનાવશે?"

છેલ્લે, વાતનું સમાપન કરતાં, પાયલબહેન,આંખમાં ઝળઝળીયાં સાથે બોલતા હતાં,"સાહેબ, એ માઁ વગરની નેહાના પપ્પાએ,જો મને ગુરુમાઁ બનવાનો, એક મોકો, આપ્યો હોત તો...ઓ..ઓ..ઓ ? "

આ તોંત્તેર મણ ના `તો`,નું વજન આપ, જો આપના મન પર અનુભવતા હોય તો, મને જરા કહેશો ? ગુરુમાઁ, પાયલબહેનના છેલ્લા ઉદગાર સાથે આપ સહમત છો?

માર્કંડ દવે.તા.૧૩-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.