Thursday, October 20, 2011

પ્રયાણોત્સવ - ગુણગાન.(ગીત)




પ્રયાણોત્સવ - ગુણગાન.(ગીત)

પ્રિય મિત્રો,

ફેસબુક પર, (કદાચ,અકળાઈને?) ૭૧ વર્ષના, એક વડીલશ્રીએ મને પ્રશ્ન કર્યો," કેમ સાહેબ,આ ઉંમરે,કેવળ ઊર્મિ ગીતોમાં જ, રચ્યા-પચ્યા રહો છો કે શું?" 

જોકે, મેં મૌન ને વહાલું કર્યું, "શું કહું..!! સાહિત્ય-સંગીત, મારો શોખ ઉપરાંત, મારો વ્યવસાય પણ છે, કંદોઈ છું તેથી, ગ્રાહક માંગે તેવી, મીઠાઈ બનાવી આપવી પડે કે નહીં?"

પરંતુ, આ વડીલશ્રીએ, મને, મારી ઉંમર યાદ કરાવીને, આ,`પ્રયાણોત્સવ ગુણગાન ગીત`, રચવા પ્રેર્યો, તે બદલ હું તેઓશ્રીનો અત્યંત આભારી છું. આ સરળ ગીતનું સ્વરાંકન પણ ઘણું સહજ,સુંદર થયું છે,જે ફરી ક્યારેક..!!

માર્કંડ દવે.

====   

પ્રયાણોત્સવ - ગુણગાન.(ગીત)



છે ખબર છતાં, અમસ્તું પૂછ્યું, તારે આવવું  છે?

હવે,  હું  જવા માગું  છું, બોલ, તારે આવવું  છે?



અંતરા-૧.



અરે,   ઓછું   કે  વધારે,  જેટલું   રહ્યા  તેટલું..!!

મૂળ  તો  ભાડાનું  જ  ને,  બોલ તારે આવવું  છે?

છે ખબર છતાં,અમસ્તું પૂછ્યું, તારે  આવવું  છે..!!



અંતરા-૨.



હવે તો,  ના..ના..ને....ના, રોકાઈને કામ શું  છે..!!

શ્વાસ  પણ  થાક્યા છે હવે, બોલ તારે આવવું છે?

છે ખબર છતાં, અમસ્તું  પૂછ્યું, તારે આવવું છે..!!



અંતરા-૩.



લે, એમાં રડવાનું  શું? બસ, હવે છાની રહી જા..!!

વધેલાં  હર્ષ   અશ્રુ   દઉં, બોલ  તારે આવવું  છે?

છે ખબર છતાં, અમસ્તું  પૂછ્યું, તારે આવવું છે..!!


અંતરા-૪.



ઉધારી   શું   કામ   રાખું, જેવું  લીધું`તું   તેવું  જ..!!

પરત   ભારોભાર   દઈશ,  બોલ  તારે  માપવું  છે?

છે  ખબર  છતાં, અમસ્તું પૂછ્યું, તારે આવવું  છે..!!




હવે,   હું  જવા  માગું   છું, બોલ, તારે આવવું  છે? 

છે  ખબર  છતાં, અમસ્તું પૂછ્યું, તારે આવવું  છે?


માર્કંડદવે. તા.૨૦-૧૦-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.