Friday, January 15, 2010

સગીરાવસ્થા પ્રેમ

સગીરાવસ્થા પ્રેમ,Teen age love.

પ્રિય મિત્રો,

નોંધ - તાજેતરમાં એક શહેરમાં ઘટેલી,આ સત્ય ઘટનાનાં તમામ પાત્રોનાં નામ કાલ્પનિક છે.કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં

" એ..ય, ઉભો રહે ભ....ડ...???? ,કહું છું ઉ...ભો રહે. તારી આ માઁ ને ય જોડે લેતો જા..સા..!!... હિ...જ....????"

ભારે ભીડથી ભરેલા , ભરચક રોડ ઉપર, સાંજના પાંચેક વાગ્યાના સુમારે,આગળ આગળ ચાલીસીએ પહોંચેલો,અત્યંત દેખાવડો, એક નફકરાઈ દેખાડવા મથતો, ડરેલો પુરુષ અને પાછળ પાછળ ચહેરા ઉપર દુઃખ,પીડા,આતંક,ક્રોધના એકસામટા ભાવ સાથે, મણ મણ ની ગાળો ભાંડતી ,ઉતાવળે પગલે દોડતી સ્ત્રી,કદાચ આ પુરુષની પત્ની હતી.

તમાશાને તેડું ના હોય તે ન્યાયે, રસ્તે જતા લોકોને તો જાણે મફતમાં જોણું થતું હોય તેમ, બધા રાહદારી રસિયાઓ,ભીડને કારણે,કુતૂહલવશ બાઈક,કારને ધીમી પાડી,એક નજર નાંખી પરિસ્થિતિને પામવા મથતા વાહન ચાલકો,ઘટનાની વિગતની જાણ થતાં,આ વરવું દ્રશ્ય પરાણે જોવું પડ્યું હોય તેવો ભાવ લાવી,આગળ વધતા.કેટલાક તો વળી,એકબીજા સામે આંખ મીંચકારીને મર્માળું હસતા હતા.

એવામાં રોડ ક્રોસ કરતાં,પેલા દેખાવડો પુરુષ,અચાનક એક કાર સામે આવી જતાં અટકી ગયો.મારંમાર,ગાળો દેતી આવતી સ્ત્રીએ તેને પકડી પાડ્યો.પહેલાં પુરુષના શર્ટનો કૉલર અને પછી જાણે ભીડની થોડી શરમ આવી હોય તેમ, કસીને હાથ પકડી,તે જોરજોરથી ચિત્કારવા લાગી," તારે જ્યાં જવું હોય ત્યાં જા,પણ પહેલાં મારું ગળું દાબીને મને મારી નાખ." આટલું બોલતાં તો સ્ત્રી ની આંખો છલકાઈને,ચહેરો રડમસ થઈ ગયો.

"પણ મારો હાથ તો છોડ,વાત સાંભળ,હું ઘેર આવું છું, છો...ડ, પહેલાં હાથ છોડ." પેલા પુરુષને ભીડમાં કેટલાક ઓળખીતા ચહેરા દેખાવાથી,સમજાવટના સ્વરમાં સ્ત્રી ના ગુસ્સાને શાંત કરવાના પ્રયત્ન હવે પુરુષ કરવા લાગ્યો.

છેવટે,ઓળખીતા સમજૂ માણસોએ પણ,જાહેરમાં હોબાળો કરવાને બદલે, ઘરની વાત, ઘેર જઈને કરવાનું સમજાવતાં, સ્ત્રી,પુરુષ,બંન્ને, સામેની જ સોસાયટીમાં આવેલા, પોતાના બંગલા તરફ ત્વરાથી ચાલતા થયા.મફતિયું મનોરંજન હવે પુંરું થઈ જતાં, ભીડ થોડીજ વારમાં પોતપોતાના રસ્તે પડી.

મિત્રો,ચાલીસી વટાવી ગયેલા આ પુરુષનું નામ વિકાસ રાણા હતું (નામ બદલ્યું છે.) અને અકળાયેલી સ્ત્રી નું નામ સ્નેહા હતું (નામ બદલ્યું છે.)
બંન્ને પ્રેમલગ્ન દ્વારા સબંધના બંધનમાં બંધાયેલાં પતિ-પત્ની હતાં. વિકાસ રાણા એમ.એસ.સી;બી.એડ.(અંગ્રેજી માધ્યમ) ભણેલો, શહેરના પ્રખ્યાત `રાણા ટ્યુશન ક્લાસિસ` નો માલિક - સંચાલક હતો,જ્યારે સ્નેહા બી.એ;બી.એડ.ભણેલી,તેજ ક્લાસિસની સહ સંચાલિકા હતી. બંન્ને એ શહેરની એક પ્રખ્યાત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ,અન્ય ટ્યુશન સંચાલકના ક્લાસિસમાં સાથે પોફેસરગીરી કરતાં કરતાં,પરિચય પ્રણયમાં ફેરવાઈ જવાથી, લગ્ન કરી, નાના પાયે હાયર સેકન્ડરી અને કૉલેજના,સ્વતંત્ર ટ્યુશન ક્લાસિસ શરુ કરે, દસ વર્ષ થઈ ગયાં હતાં

સફળતાએ,તેઓને,પોતાના બંગલાની પાસેના ચાર રસ્તા ઉપર જ,આવેલા એક શૉપીંગ કૉમ્પ્લેક્ષના,આખા સેકન્ડ ફ્લોરના માલિક બનાવી દીધા હતા,જ્યાં, સવારથી મોડી સાંજ સુધી, શહેરની નામાંકિત શાળા - કૉલેજના વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓનો મેળો જામેલો રહેતો.વિકાસ રાણાની ધંધાકિય કુનેહ અને દેખાવડું,ચુંબકીય,પ્રભાવશાળી વ્યક્તિત્વ, તથા સ્નેહાનું જ્ઞાન,રસાળ શૈલી,તમામ પ્રત્યે પ્રેમાળ વ્યવહાર ને કારણે,દસ વર્ષમાં આ ક્લાસિસે સફળતાનાં નવાંજ શિખર સર કરી,નાંણાંની ટંકશાળ પાડી દીધી હતી. જોકે, ત્રણ વર્ષ અગાઉ, સ્નેહાને જોડકાં દીકરા - દીકરીનું સુખ પ્રાપ્ત થયું હોવાથી,તે ક્લાસિસમાં સમય ઓછો કરી પોતાની જગ્યા પર એક અન્ય હોશિયાર ફૅકલ્ટીને હાયર કરી,બાળકોને ઉછેરવાની જંજાળમાં ગૂંથાઈ ગઈ હતી. સ્નેહાની કરમની કઠણાઈ ત્યાંથીજ શરુ થઈ.

મિત્રો,આપને પ્રશ્ન થશે,એવું તે એમના જીવનમાં શું બન્યુંકે, ઘરનો અંગત ઝઘડો રોડ ઉપર આવી ગયો ?

સાહેબ મારા,આ પ્રશ્નનો જવાબ તો જે મહાનુભવ ૪૦+ ની ઉંમરે પહોંચી ગયા છે,તેને જ ખબર પડશે.!! દુનિયાનો એ ક્રમ છે, ઘણા માણસો બરબાદ થઈ જવાનું કબૂલ કરશે,પરંતુ જૂનું ઘર,જૂનું વાહન,જૂની ટેવ,જૂના મિત્રો,જૂનો ધંધો,જૂના પૂર્વગ્રહ ઝડપથી બદલવા તૈયાર નહીં થાય.

જ્યારે કેટલાક ૪૦+ મહાનુભવ, નિરંતર નવો તરવરાટ, નવું જોશ, નવા સબંધ, નવું વાહન, નવું ઘર, નવા મિત્રો, અજમાવી,જીવનને મનભરીને માણી લેવાના ભૂતને,મનમાં,શરીરમાં, વિચારો ઉપર કબજો જમાવવા દઈ, પોતાની પત્નીની ૪૦+ પછીની જાતીયતા બાબતે, ઉદાસીનતા ને કારણે , પત્નીથી છૂપાવીને, પ્રેમિકા પણ નવી ઈચ્છતા હોય છે.

" It is with narrow - souled people as with narrow necked bottles : the less they have in them,the more noise they make in pouring it out."

ALEXANDER POPE(1688 - 1744) British poet.

એ વાત અલગ છેકે, ૪૦+ પછી કેટલીક ભટકતી નજરને, આવી કાચી - પાકી ઈચ્છા થાય ત્યારે,કેટલાક તેને સામાજીક ડર, બીક, સંયમ અને સમજદારીથી અમલમાં મૂકતા નથી. જ્યારે કેટલાક હિંમતબાજ વિરલાઓ,"પડશે તેવા દેવાશે..!!" તેમ વિચારી પત્ની સાથે બેવફાઈના દલદલમાં એવા તો ખૂંપતા જાય...!! કે પછી દુઃખી પત્નીઓએ, બેવફા પતિના શર્ટનો કૉલર કે હાથ આમ જાહેરમાં પકડીને પાછા લાવવાનો ઝનૂની પ્રયત્ન કરવો પડે.

ટ્યુશન ક્લાસિસના, આપણા આ, સંચાલકશ્રી વિકાસભાઈ રાણા પણ,પત્ની સ્નેહા સાથે બેવફાઈ આચરી,તેને અંધારામાં રાખી,ટ્યુશન ક્લાસમાં આવતી એક ખૂબસુરત કૉલેજકન્યા સાથે શારીરિક સબંધ બાંધવા સુધીનો અવિવેક કરી બેઠા હતા.વળી વિકાસભાઈ રાણા હોશિયાર એવા કે બબ્બે વર્ષ સુધી,આ બેવફાઈની ગંધ સુધ્ધાં, સ્નેહાને આવવા ન દીધી. આ તો વિકાસે કોઈ ફેકલ્ટીને ક્લાસમાંથી વગર વાંકે દબડાવીને પાણીચું આપી દીધું,તેણે સઘળો ભાંડો ફોડી નાખ્યો.પુરાવા સાથે આ બાબત જાહેર થઈ જવાથી વિકાસે ગુન્હો કબૂલી લઈ,સ્નેહા અને તે કૉલેજકન્યા,બંન્નેને એક સાથે પાલવવાનું નફ્ફટ સુચન કર્યું, તેમાંથી કંકાસ એવો વધી ગયોકે, ઘરમાંથી નીકળીને અંગત ઝઘડો જાહેર રોડ ઉપર આવી ગયો.

મિત્રો,હવે સ્નેહા અને વિકાસનું શું થશે ? તેની તો મને પણ ખબર નથી, આ અંગે આપમાંથી કોઈ પૂર્વાનુંમાન કરી શકો છો ?

મને તો વરસો પહેલાં,અમદાવાદમાં ઘટેલી એક ઘટના યાદ આવે છે,તે સમયે આવેલા સમાચારોમાં જો તથ્ય હોય તો,
શિયાળાની એક ઠંડી સાંજે,એક ધનાઢ્યના બંગલામાં, વિશાળ બાથરુમના, લક્ઝુરિયસ બાથટબમાં,બંગલાના માલિક અને તેની પ્રેમિકા સ્નાનનો આનંદ માણી,પ્રેમાલાપ કરી રહ્યા હતા ત્યારે, ગેસ ગીઝરમાંથી ભારે ગેસ ગળતર થવાને કારણે,બંન્ને પ્રેમી,ગૂંગળાઈને સ્થળ ઉપર જ ,બાથટબમાં જ મૃત્યુ પામ્યાં હતાં,

હદ તો તે વાતની હતીકે, આ બંન્ને ૪૦+ પ્રેમીઓ ગેસથી ગૂંગળાઈને તરફડી રહ્યાં હતાં,ત્યારે કૉલેજમાં અભ્યાસ કરતી તેમની દીકરી,આ બંન્નેને પ્રેમાલાપ કાજે, એકાંત પુરું પાડવા બંગલાના ગાર્ડનમાં ફુલ છોડને પાણી પાઈ રહી હતી.

જો આ લેખ કોઈ વિદ્વાન ડૉક્ટર મિત્રો ના ધ્યાન પર આવે તો, ઘણાં બધાં સ્ત્રી - પુરુષને ૪૦+ પછી, જાતીયતા બાબતે આ પ્રકારના અસંતોષના ભાવ શાથી જાગતા હશે ? તેનું મેડિકલી વિશ્લેષણ કરશે ?

જોકે, એક સત્ય અચલ છે,જ્યાં સુધી અન્નની ભૂખ છે ત્યાં સુધી તનની ભૂખ જાગૃત રહે છે. ચાહે ઉંમર ગમે તે હોય....?

માર્કંડ દવે.તા.૦૩ - ૧૨ ૨૦૦૯.

1 comment:

  1. આવા કિસ્સાઓ આજકાલ ઘણાં સાંભળવા મળે છે. આ અંગે નિઃશબ્દ ફિલ્મનો અંતિમ સીન જોવા જેવો ખરો. વળી, ખાસ તો લવ મેરેજ કરવાવાળા લોકો લગ્નેત્તર સંબંધોમાં ફસાઈ જાય છે. ખરેખર તો પ્રેમ પામી લીધા પછીતો સંતુષ્ટીનો ઓડકાર આવવો જોઈએ...એના બદલે ફરી ક્ષુધા/ભુખ! સાચે જ, ઘણું દુઃખ થાય છે. હેપી એન્ડીંગ કરતા તો એક તરફી પ્રેમ જ વધારે પવિત્ર/મજબુ/સમર્પિત જોવા મળ્યો છે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.