Friday, January 15, 2010

એક ષોડસીને એક પ્રૌઢ પ્રેમીનો પેમપત્ર

એક ષોડસીને એક પ્રૌઢ પ્રેમીનો પેમપત્ર.

પ્રિય પ્રિયતમા,
આજ ઉંમરની ઉતરતી નિસરણી ઉપર ભૂમિગત થવા થનગનતી,
નિરાંતની એક ક્ષણે હું મારી ઉર્મિઓને છલકાતાં રોકી શકતો નથી.
આ છલકાતી છાલકો તારા દિલના દ્વાર સુધી રેલાશે???

હું જાણું છુ,ત્યારે ક્યાં તો એ અધવચ્ચ સુકાઇને તરસ બની જશે,
અથવા તો બાકી એક બૂંદ સ્વરુપે તારા પહેલેથીજ છલોછલ દિલના દ્વારે દમ તોડશે.
તુજ સમ હરખથી હિલ્લોળતા મહાસાગરને,
આકંઠ તરસ્યા, રેતીના આ ઢગ સામે દ્રષ્ટી કરવાનો પણ સમય ક્યાં છે!!!

તુજ દ્રષ્ટીતો ઉપર આકાશી,આભાસી મેઘધનુષ્યની આરપાર ઉગતા રવિ કિરણોની તાજી ખુશ્બૂદાર ઉષ્મા ઉપર છે.
ઢળતી નિશાનો અંધકાર ભલા તારે શું કામનો,જેમાં નથી ઉષ્મા,નથી તૃષ્ણા.
પ્રિયે,આમેય ઉગતા રવિને, આભારી,આવકારવો તુજ કર્તવ્યનો એક ભાગ છે.

તુજ મહાસાગરના કિનારે ખંડેર સ્વપ્નસમી એક બિસ્માર ઇમારત સમો હું,
અને તારી અડોઅડ આવેલી રગોરગ સજાવટી,મનભાવન,મોંઘી અનેક મહેલાતો.
પ્રિયે,તારી મનઃસ્થિતિ હું સમજી શકું છું.

તુજ રોમેરોમથી ઉછળતા હાસ્યના હણહણાટની પાસે,
મુજ અરણ્યરુદનનો કરુણ ઝીણો સાદ ક્યારનોય અસ્તતાને પામ્યો છે.
પ્રિયે,આમેય હવે મારે અશ્રુના તપોવન માં પ્રયાંણ કરવાની ક્ષણો સાવ ઢુંકડી છે.

તુજ ઝળાંહળાં રોશનીના ચકાચૌંધ,તરોતર ઉજાસના અજવાળે,
આ હોલવાતી જિંદગીના,છેલ્લા ડચકાં સમા ટમટમિયા,જીર્ણક્ષીણ ચમકારની શી વિસાત???
પ્રિયે,હવે તો વિધાતાને મળી મારે સવાલ કરવાની ક્ષણ છે.
"તુંજ મિલાપ આ ઢળતી,ભૂમિગત વિસ્તરતી ક્ષણો વચ્ચે કાળજે શીદને કોતર્યો???"
____________________
પ્રિય મિત્રો,
આમાં ષોડસી કન્યાનું નામ આપણા સહુની લાડકી "આશા" છે.
અને હું તે,સહુને સદૈવ કનડતી "નિરાશા" છે.
નિરાશાને વૃધ્ધાવસ્થા આવતી હશે!!!!
_____________________
માર્કંડ દવે.-તા.૦૬-૧૦-૨૦૦૯

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.