Thursday, December 23, 2010

વિસરાતી વાર્તા- વિધુર શેઠ; વિસ્તરતી વાર્તા- ` અસ્મિત - ફાટેલ`

વિસરાતી વાર્તા- વિધુર શેઠ; વિસ્તરતી વાર્તા-  ` અસ્મિત - ફાટેલ`


" સબંધ ઝાંઝવા ને, તરસાયો  તે  હું..?
  તરસ  રાંઢવા  ને,  લટકાયો  તે  હું..!!"


ઝાંઝવા = મૃગજળ ; રાંઢવું = દોરડું

============

વિસરાતી વાર્તા- વિધુર શેઠ


એક નગરમાં, એક ધનાઢ્ય  વિધુર શેઠ રહેતા હતા.  કેવળ દોરી લોટા સાથે આવીને, પોતાની જાતમહેનતથી,આ નગરમાં શેઠે મોટી વિશાળ હવેલી, જમીન-જાગીર ઉભાં કર્યા હતાં.કાળક્રમે  શેઠ વૃદ્ધ  થયા. વળી થોડા વર્ષ અગાઉજ, અત્યંત ટૂંકી માંદગીમાં શેઠાણીનું દુઃખદ અવસાન થયા બાદ, શેઠનું મન સંસાર પરથી ઉઠી જવાને કારણે, શેઠ પોતાના ધર્મગુરુની સલાહ પ્રમાણે, જીવનનાં અંતિમ વર્ષો, ઈશ્વરના ધર્મ ધ્યાનમાં પસાર કરવાનો ઈરાદો ધરાવતા હતા.

છેવટે એક દિવસ,  `કાલની કોને ખબર..!!`, તેમ માનીને, પોતાનો  ધંધો,જમીન,જાગીર સહિતની બધીજ મિલકત. પોતાના બંને દીકરાઓના નામે વસિયતથી કરી આપીને, શેઠ સાવ હળવાશ અનુભવવા લાગ્યા.  પોતાના માટે ફકત એક ઓરડો અલાયદો રાખીને, શેઠે હવેલીના પણ બે હિસ્સા પાડી, બંને ભાઈને અલગ રહેવાની સગવડ કરી આપી.  શેઠે પોતાના જીવતે જીવત જ  કરી આપેલી મિલકતની વહેંચણીથી, શેઠના બંને દીકરાઓ તથા તેમની બે વહુઓ પણ, રાજીના રેડ થઈ ગયાં. હવે, શેઠ  હવેલી પર આખા દિવસમાં માત્ર બે વાર જમવા આવતા હતા, બાકીનો સમય  તેઓ મંદિરે દેવદર્શન, પૂજાઅર્ચના,ધર્મધ્યાનમાં  પસાર કરતા હતા.

આમને આમ, થોડો સમય બધુંજ સમુંસૂતરું ચાલ્યું, પરંતુ કહેવાય છેનેકે, `જરજમીન અને જોરૂ તે ત્રણેય કજીયાના છોરૂં.` તે ન્યાયે, એકજ ધંધાની હરિફાઈમાં, બંને દીકરા અને વહુઓ આપસમાં ઝઘડવા લાગ્યા. શેઠના ધર્મગુરૂ તથા શેઠ તેમને સમજાવે તોપણ થોડા દિવસ શાંતિ જળવાતી પછી, ચારેયના ઝઘડા ફરીથી શરૂ થઈ જતા.

થોડા દિવસ બાદતો, બંને દીકરાની વહુઓની કાન ભંભેરણીથી, શેઠના દીકરાઓ પણ એમ માનતા થઈ ગયાકે, " બેય ભાઈઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે શેઠ બીજા ભાઈનો ખોટો પક્ષ લે છે તથા અમને અન્યાય કરે છે." સરવાળે દીકરા અને વહુઓનો આવો અણગમો, શેઠ પ્રત્યે તિરસ્કારમાં પલટાઈને શેઠની બે ટંક, જમવાની થાળી પર ઉતરી આવ્યો. `બે ઘરનો પરોણો ભૂખે મરે` તે ન્યાયે, શેઠને તો છતી મિલકતે સમયસર જમવાની થાળીનોય વાંધો પડવા લાગ્યો.

હવે રહી રહીને, શેઠને પોતાની ભૂલ સમજાઈ ગઈ, બધીજ મિલકત હાથવગી થઈ જતાં તથા શેઠ પાસે હવે કશીજ આશા ન રહેવાથી, બંને દીકરા કે વહુમાંથી કોઈ, શેઠને રાખવા કે સાચવવા માંગતા નહતા. છેવટે, પોતાનાજ ઘરમાં, પોતાની ઉપેક્ષા સહન ન  થતાં, એક દિવસ કંટાળીને, નાછૂટકે શેઠે પોતાના ગુરુ પાસે, ઘરની એબ ઉઘાડી કરી અને દીકરા તથા વહુઓ દ્વારા, પોતાની અવગણના થતી હોવાથી `હવે  શું કરવું?` તેનો ઉપાય પૂછ્યો.

જમાનાના ખાધેલ ગુરુએ શેઠની સઘળી વીતકકથા સાંભળીને  સચોટ  ઉપાય બતાવ્યો. આ ઉપાય અજમાવતાંજ, જાણેકે ચમત્કાર થયો ન હોય? તેમ બંને દીકરા તથા વહુઓ બીજાજ દિવસથી શેઠને જીવની માકફ સાચવવા લાગ્યા. (ગુરુજીએ એવો તો કયો ઉપાય બતાવ્યો હશે?)

આ રહ્યો તે  ઉપાય..!! ગુરુજીના બતાવેલા સચોટ ઉપાય પ્રમાણે અત્યાર સુધી ખૂલ્લા રહેતા ઓરડામાં, શેઠે  બજારમાંથી એક એક મોટી સંદુક (તીજોરી) તથા મોટું તાળું લાવી, સંદૂકને પોતાના ઓરડામાં મૂકાવીને, ઓરડાના દરવાજે મોટું તાળું મારવાનું શરુ કરી, દીકરા તથા તેમની વહુઓને પોતાના ઓરડામાં હવેથી ન આવવા તાકીદ કરી દીધી.

`બાપાએ, ઓરડામાં મૂકાવેલી તીજોરીમાંજ હજીતો ખરો ખજાનો સંતાડ્યો હશે?` તેમ વિચારીને, શેઠના મૃત્યુબાદ તીજોરીમાં રહેલો, તે. દલ્લો પોતાનેજ મળે તે કાજે , બંને દીકરાઓ અને તેમની વહુઓ, બાપા પ્રત્યેનો અણગમો અને તિરસ્કાર ભૂલાવીને,  શેઠને હથેળીમાં સાચવતા હોય તેમ, તેઓ પાણી માંગે ત્યાંતો દોડીને દુધ હાજર કરવા લાગ્યા. શેઠની બાકીની જિંદગી હવે સુખપૂર્વક પસાર થવા લાગી.

ઉપસંહારઃ-
જીવનમાં ગંભીર ભૂલ થવાથી સંકટ આવી પડે ત્યારે ભાંગી ન પડવું, દરેક મૂશ્કેલીમાંથી બહાર આવવા, ભગવાને કોઈ ને કોઈ માર્ગ રાખ્યોજ હોય છે..!!

===========

વિસ્તરતી વાર્તા- ` અસ્મિત - ફાટેલ`.

બીગબૉસ નામના એક આધુનિક નગરમાં, એક ત્યક્તા શેઠાણી નામે, શ્વેતા તિવારી તથા તેમનો વફાદાર સાથી નામે, સમીર સોની વસતા હતા. તેજ નગરમાં, જેમના હાથ નિયમોથી બાંધી દીધેલા છે તેવા, મહાબલી ભીમાવતાર નરકેસરી ખલી પણ  રહેતા હતા.

મહાબલી ખલીની સાથે, સ્વભાવે થોડી આકરી તેવી, પ્રેમાળ નાની બહેન ડૉલી બિંદ્રા પણ રહેતી હતી. ભાઈ `વીરજી` યાનેકે મહાબલી ખલી, કોઈપણ નગરજન  સાથે, બહેન ડૉલીએ લીધેલા સાવ ફાલતુ પંગા માં, વહાલી બહેન ડૉલીનું ઉપરાણું લઈને બહેનનું રક્ષણ કરવા `વીરજી`  કાયમ તત્પર રહેતા હતા.(બીજું કોઈજ કામ ન  હતુંને, એટલે..!!)

આ નગરમાંજ, પરદેશથી આવેલી એક નર્તકી,નટી કન્યા નામે `અભી તો મૈં જવાન હૂઁ।` ઉર્ફે વીણા પણ, આ નગરના રંગમંચ પર, કાયમી ધોરણે સેટલ થવાના, ખતરનાક અને મલિન ઈરાદા સાથે આવી રહેતી હતી.

બીગબૉસ નગરમાં રહેતા દિલફેંક `અ - સ્મિત ફા..ટે..લ`નો  ( પટેલ બચ્ચો છે? ના હોય..!! ) , ચૂલબૂલી  નટી વીણાને આંધળો સપોર્ટ હતો. જોકે, આ બંનેનું ગૂટરગૂં જોઈ-જોઈને જોકે, ત્યક્તા શેઠાણી શ્વેતા, સાથી સમીર, મહાબલી ખલી તથા તેમની આકરી બહેન ડૉલી સાવ કંટાળી ગયા હતા. (સંજ્ય દ્રષ્ટિથી ઘેર બેસીને, ચક્ષુપટલ સમક્ષ, આ બધા તાયફા જોતા અન્ય નગરજનો પણ કંટાળ્યાજ હશેને?)

નગરજનો પોતાની સંપત્તિની સાચવણી પરત્વે  કેટલા જાગૃત છે તે માપવા માટે, જનજાગરણ અભિયાન નિમિત્તે, એક દિવસ, રાજા બીગબૉસે એક  ફરમાન જારી કરી, દિલફેંક  અ-સ્મિત ફાટેલ તથા ત્યક્તા  શ્વેતાને, શરીર ઉછાળી, બેસૂરા અવાજે માંસલ જવાનીનો રાગ આલાપતી વીણા તથા `લડ નહીંતો લડનાર લાવ`માં માનનારી, જોરથી બરાડા આલાપતી, આકરી ડૉલીની પ્રિય વસ્તુઓને અત્યંત ગુપ્તતાથી ચોરી કરીને સંતાડવાનું, સત્કર્મ કરવા આદેશ કર્યો.

રાજાનું આદેશાત્મક ફરમાન પામીને, અ-સ્મિત ફાટેલ તથા ત્યક્તા શ્વેતાએ, પોતપોતાના સાથીને વિશ્વાસમાં લીધા વગરજ, આ સત્કર્મને સુપેરે અંજામ આપ્યો તથા રાજા બીગબૉસનું દિલ જીતી લીધું.

જોકે, આ બાબતે પોતાને વિશ્વાસમાં નહીં લેવા બદલ, નર્તકી, નટી  વીણાએ અ-સ્મિત ફાટેલને બિરદાવવાને બદલે, ચોરાઈ ગયા બાદ મેલા થયેલા, હાઈ હિલ સેંડલનો વરસાદ વરસાવી, અત્યંત ગુસ્સો વ્યક્ત કર્યો. સામે પક્ષે  અ-સ્મિત ફાટેલે પણ પોતાના સ્વભાવ પ્રમાણે જાણે, નૃત્યાગનાનું દિલ દુઃભવવા જ નક્કી કર્યું હોય તેમ  સામે નાનાં છોકરાંની માફક, ચહેરો વાંકોચૂકો કરીને ચાળા પાડ્યા..!!

હવે, અ-સ્મિત ફાટેલના આવા બાળસહજ વર્તનથી, અત્યંત ઘડાયેલી, ઘાટ-ઘાટનાં પાણી પીને, આ નગરને વાસ્તે કાયમ સેટલ થવા આવેલી, નર્તકી,નટીને  દિલમાં  ઘણુંજ  માઠું લાગ્યું. પોતાનાજ રૂપના મોહમાં પડેલી આ નટીએ છેવટે કોઈને કહી નશકાય તેવો ભેદ, સર્વ નગરજનો સમક્ષ ઉઘાડો કરી દીધો. " અ-સ્મિત ફા..ટેલ..!! તું બહુ ફાટ્યો છે પણ, મેં તારી (ગંધાતી) ચડ્ડીઓ પણ ધોઈ છે, છતાંય  મારી જ  સાથે ગદ્દારી?"

માંસલ જવાનીથી ફાટું-ફાટું થતી ( ? ) વીણાના આક્રોશભર્યા આવા ઉદગાર સાંભળીને, ભાઈ  અ-સ્મિત ફાટેલને પોતાની ગંભીર ભૂલનું ભાન થયું.

જોકે, આજ બાબતે અત્યાર સુધી સ્ત્રી હોવાના કારણે, વાતેવાતે  સતત વીણાની વહારે દોડી જતી આકરી ડૉલીને, વીણા પર શક જવાથી ગુસ્સો આવ્યો તથા તે નટી વીણા સાથે ઝઘડો કરવાનાં બહાનાં શોઘવા લાગી. આ અંગેના ઈરાદા તે શ્વેતા,સમીર તથા પોતાના `વીરજી` મહાબલી ખલી રૂબરૂ વ્યક્ત પણ  કરવા લાગી. નગરમાં બે દિવસ સુધી  ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છવાયેલી રહી.

આખરે, એક દિવસ રસોડાના પ્લેટફોર્મની સફાઈ બાબતે, આકરી કજિયાખોર ડૉલીએ, મહાન વિક્રમી સમય અવધિને આવરી લેતો  લાં...બો   ઝઘડો, અ-સ્મિત ફાટેલ તથા નર્તકી વીણા સાથે આદરી જ દીધો. (ટી.વી.નો વૉલ્યુમ ઓછો કર્યો`તો?)

`દુશ્મન કા દ્શ્મન દોસ્ત` તે ન્યાયે, હાલમાં, પેલા `વિધુર શેઠ`ની વિસરાતી વાર્તાની માફક, શાણપટ્ટી વાપરીને, પોતાની `ચડ્ડીઓ` ધોયાના, નટી વીણાએ કરેલા ઉપકારનો બદલો વાળી આપવા,  શાણા (કે બેવકૂફ?) અ-સ્મિત ફાટેલ  બિચારો,  નટી વીણા કાજે જ, બીગબૉસ નગરની બહારના બાગમાં, નિરાશ્રિતની માફક, એકજ પથારીમાં `જાગી`ને પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરી રહ્યો છે.

હવે રહી રહીને નટી વીણા ફરીથી અ-સ્મિત ફાટેલ ને બેવફૂફ બનાવવાની મઝા માણી રહી છે.
( હું પણ,  હી..હી..હી..હી..!!)

આથીજ  કોઈ મહાન ચિંતકે (હું નહીં, ભાઈ..!!) સાચેજ કહ્યું છેકે, " સર્વ તીજોરીઓમાં રૂપની તીજોરી સર્વશ્રેષ્ઠ છે?"

ઉપસંહારઃ- હવે આવી ફાટેલાઓની ફાલતુ કથાઓમાં ઉપસંહાર શોધવાના ન હોય, (બીગ) બૉસ કાંઈ સમજ્યા?

===========

" ANY COMMENT?"


માર્કંડ દવે. તાઃ ૨૩ ડીસેમ્બર ૨૦૧૦.

===========

4 comments:

 1. Akhre Nrutyangna ne darshako e ghar mathi kadhi muki ane ghar no rasto dekhadi didho.

  Pan markandkaka ek vat to manvi pde ho, ke aa asmit patel Dolly ne bhare to pdyo.

  Ane aa bigboss kai o6a nathi emne pan petiyu ralavanu 6. Atle veena pase next week ma asmit ne safe kari didho.

  Farahkhan ane katrina ni jem maru pan manavu 6 ke SAMIRBHAI SONIBHAI aa vakhte jitva joiye. Tamaru shu kevu 6.

  ReplyDelete
 2. પ્રિય શ્રી માધવભાઈ,

  મહાબલી ખલીના ચાન્સ વધારે છે,તેમની વર્લ્ડવાઈડ પોપ્યુરાલિટી અવગણી શકાય નહીં, સિવાયકે તે કોઈ મોટી ભૂલ કરીને બહાર ફેંકાઈ જાય..!!

  ReplyDelete
 3. હા એવું પણ બની શકે કેમકે.. આમતો અત્યાર સુધી જોતા એવું લાગે છે કે આ ખલી કામચોર છે.
  એક વાત પુછાવી હતી એ શું બોલે છે તે તમને સમજાય છે અમને તો કઈ સમજાતું નથી એવું લાગ્યા કરે છે ખલી ખાલી ઘો-ઘો કાર્ય કરે છે.

  ReplyDelete
 4. પ્રિય શ્રીમાધવભાઈ,

  ખલીને સાંભળવાના ન હોય, ફક્ત ઍસ્મિતને ધક્કા મારતા જોવાની મઝા માણવાની.

  જ્યુસ પીવાનું, કૅરમ રમવાનું,લાઈફ ઍજ્યોય કરવાની

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.