Tuesday, February 23, 2010

વધારેલું દાઢું

" વધારેલું  દાઢું. "

" દાઢી ખંજવાળી અમે, તે સમજ્યાંકે, તેમની ખુશામત કરી..!!
  એવું અજવાળું થઈ, તે હસ્યાં..!! ને,  અમારી  હજામત કરી..!!"

( ૧. દાઢી ખંજોળવી-ખુશામત કરવી. ૨. હજામત કરવી = પૈસેટકે સાફ કરી નાખવું ; રહીસહી મિલ્કત હોય તે,પડાવી લઈ, ખાલીખમ કરી નાખવું. )

==========

પ્રિય મિત્રો,

 " કહું છું, હવે આ વધારેલું દાઢું ક્યારે મૂંડવાનું છે ? નથી સારા લાગતા, ભૈ`સાબ..!!" આ સંવાદ ઘણા મિત્રોના ઘરમાં લગભગ કાયમ સંભળાય છે..!!

ખેર..!! છેવટે, કચકચથી કંટાળીને,  હુંય   દાઢીમૂછ   મૂંડવા   બેઠો, પણ  આતો ભલેને,  સાવ  કાચા - પાકા, અડધા - અધુરા અજ્ઞાની તોય, એક  સાહિત્યકારની હજામત થતી હતી..!!  જેથી, મારી  આદતવશ,  હું   તો,   દાઢીમૂછની  હજામતના અનંત, અખંડ, પ્રચંડ, અદ્વિતિય ,  વિચારવાયુના, ચક્રવાતમાં  તણાતો   ચાલ્યો, ચાલ્યો   અને  પછી  ચારે  પગે  દોડ્યો.

તેજ  વિચારવાયુના ચક્રવાતમાં,  હવે   અત્યારે, એક  પાઠક  તરીકે,  આપ  પણ  ઘસડાતા જાવ, તો...ઘસડાવ  બીજું શું..!!

જોકે મને એ સમજ પડતી નથીકે, આપણી  લેડીઝોને, એક શોકય  માટે, કોઈ પત્નીને હોય તેટલી, નફરત  કે અણગમો, આપણી વધેલી દાઢીમૂછ પ્રત્યે,  શા માટે  હોય છે ?

શું દાઢીમૂછ વધારવાં આપણા હાથમાં છે ?  તે  તો, રાત દિવસ, પ્રત્યેક ક્ષણ ચાલતી, એક અનંત પ્રક્રિયા છે

અરે...ભાઈ..!!  ધર્મપત્ની નામની સન્નારીઓને, ભલે તેમની દાઢી પર વાળ ના હોય તે સમજી શકાય છે, પરંત, તન પર ગમે ત્યાં, આપણી સંમતી વગર, ફૂટી નીકળતા, અણગમતા, વાળ દૂર કરતાં, નડતી તકલીફો અંગે, તેઓને જાણકારી ન જ હોય તેમ, આપણે માનવા તૈયાર નથી..!!

મારા એક મિત્ર છે, તેમની દાઢીના વાળ, ઘોડાની પૂંછડી જેવા બરછટ અને  કડક  છે, વળી તેઓના દાઢીમૂછના  વાળ, પરસ્પર સંપ કરીને  છેક,   નાકની આસપાસના  ગાલ પર ઊંચે સુધી, ફેલાયેલા છે.

દરરોજ,  તેઓ જ્યારે દાઢી કરીને, ઘરની  બહાર નીકળે ત્યારે, દાઢીના કડક વાળ કાપતાં, રેઝરની તીક્ષ્ણ ધારને  કારણે,  ઠેકઠેકાણે  વાગેલા ઊંડા ઘા ને કારણે, તે  મિત્ર  જાણે, મુહમ્મદ ઘોરી સાથે, યુદ્ધ  કરીને,  ઘવાઈને, ` રક્ત ટપકતી સો સો ઝોળી ` માંથી તાજા-તાજા નીકળેલા,મહારાણા પ્રતાપ સમાન, એક મર્દાનગીભર્યા યોદ્ધા હોય તેમ  ભાસે છે.

તમે  કહેશોકે,  આમજ  હોયતો  તેમણે  હજામત, જાતે ઘેર કરવાને બદલે, કોઈ કેશ-કર્તનાલયની અમૂલ્ય સેવાઓ લેવી જોઈએને ?

પરંતુ  કઠણાઈએ  છેકે,  હવે આ બરછટ દાઢીમૂછના ધણી, એવા મિત્ર માટે, આસપાસના તમામ કેશ-કર્તનાલયના પ્રોપ્રાયટરશ્રીઓએ, તેઓની હજામતના, ભાવ એવા તોડી નાંખે તેવા કરી નાખ્યા છેકે, તે બિચારાને,  દરરોજ  પોસાય તેમ નથી. (બીજાને બે હાથમાં દાઢી પતે, જ્યારે આ મિત્રને  પાંચ હાથ  માર્યા પછી પણ, ફરીયાદ રહે, પછી તો ભાવ તે પ્રમાણેજ  હોયને ? )

આ મિત્ર પાસે, આટલા ગહન વાળના જથ્થા અંગે, બીજા મિત્રો અફસોસ કરે ત્યારે તેઓ, ખરેખર મહારાણા પ્રતાપના અંદાજમાં, ઠાઠથી જણાવતાકે, " કેશવાળી તો સિંહને જ હોયને ? સસલાં હોય તે રુવાંટી રાખે..!! "

જોકે, આ મિત્રને, એકવાર દાઢી કરાવ્યા બાદ,  ગાલે  હાથ  ફેરવતાં, તેમ લાગ્યુંકે, ગાલની વચ્ચેના ખાડામાં વાળ  હજી  રહી  ગયા  છે. તેથી  તેમણે  પેલા `બાલ`મંદિરના  પ્રોપ્રાયટરશ્રીને  જણાવ્યુંકે," યાર, હજી  ગાલ પર વાળ રહી ગયા હોય તેમ લાગે છે,જરા બરાબર ઘસીને  રૅઝર  ફેરવને..!!"

તરત પેલા પ્રોપ્રાયટરશ્રીએ, ડ્રોઅરમાંથી, એક નાના ગુલાબજાબું, જેવડા કદની લાકડાની દડી  કાઢીને, આ મિત્રને આપી અને તેમના ગલોફામાં (ગાલની અંદરના ભાગમાં)  ગોઠવીને, ગાલને  ઉપસાવવાનું  કહ્યું   અને   રહ્યાસહ્યા  વાળ  પર  રેઝર  ફેરવવાનું  શરૂ  કર્યું.

આ મિત્રએ, પ્રોપ્રાયટરશ્રીના કહ્યા મૂજબ કર્યું તો ખરૂં, પણ સાથેજ  ઈંતેજારીથી  પૂછ્યું," ભાઈ, ગલોફામાં દબાવેલી, આ નાની દડી, કોઈ ભૂલથી, પેટમાં ગળી જાય તો....?"

પેલા પ્રોપ્રાયટરશ્રીએ, ઠંડા કલેજે આ  મિત્રને કહ્યું, " એમાં શું..!! બીજાની માફક,  કાલે  સવારે  તમે પણ આ  દડી  ધોઈને પાછી આપી જજો..!! "

મને ખાત્રીછે, પેલા  મિત્રએ તેજ  ક્ષણે તે દડી, ગલોફામાંથી બહાર કાઢી નાંખી હશે...!!

જોકે, આનાથી સાવ વિપરિત, બીજા કેટલાક મિત્રોની ઉંમર, આધેડ થઈ હોવા છતાં, તેમની દાઢીમૂછના વાળ, સાવ નામ પુરતા ઊગે છે, પણ તેમને  આ કેશ-કર્તનાલયના પ્રોપ્રાયટરશ્રીઓ, ખાસ ઘટાડેલા ભાવનો લાભ આપતા હોય તેમ જાણવા મળતું નથી. ( આ વાંચીને, આવી નામ પુરતી દાઢી ધરાવતા, ગ્રાહકોએ  કેશ- કર્તનાલય ઍસોસિયેશનમાં,  ફરીયાદ નોંધાવવી જોઈએ ? )

`બાલ`મંદિરમાં શરમાતા પગલે દાખલ થતા, આવા ગ્રાહકને, આવકારતા `બાલ`મંદિરના પ્રોપ્રાયટરશ્રી, ` સરખી દાઢી નહીં ઉગાડવા બદલ` આ ગ્રાહકને, ધૃણાથી આવકારે છે કે, આવાને ઝડપથી `પતાવી` શકાતા હોવાથી, ખૂશ થાય છે ? 
તે, હું આજ સુધી કળી શક્યો નથી.

એકવાર, તો ભારે થઈ..!! ગામડેથી કોઈને ત્યાં મહેમાન કાકા આવ્યા હશે, તેઓ એક અત્યંત આધુનિક ઍરકંડીશન્ડ `બાલ`મંદિરમાં બાલ - દાઢી ઉતરાવવા ભૂલથી આવી ચઢ્યા.

બાલ-દાઢી ઉતરાવ્યા પછી, તરત ગામડાની કાયમી આદત મૂજબ, કાકાએ તો  પોતાનો ઝભ્ભો અને નીચે પહેરેલી, માદરપાટની બંડી બેય હાથે ઉંચી કરીને, પોતાની `ગલગલીયાં ગલી` (બગલ) નો  હિસ્સો, જાહેર જનતા   અને  પેલા પ્રોપ્રાયટરશ્રીના લાભાર્થે, ઉદ્ઘાટિત કર્યો.

જોકે, `બાલ`મંદિરના પ્રોપ્રાયટરશ્રીએ, વિવેકપૂર્વક (!!),  શક્ય તેટલા ઓછા અણગમા સાથે, પોતે આવા ધંધા નથી કરતા, તેમ કાકાને જણાવી દીધું. કાકાએ ગભરાઈ જઈને, ઝભ્ભો-બંડી નીચે  નાખીને, બગલને ફરી ઢાંકી, ભોંઠપ ટાળી દીધી.

હજામત અંગે  જાણવા જેવું -

* ખરતા, મૂલાયમ અને મજબૂત વાળ એમ વાળના ત્રણ પ્રકાર છે.

* નર અને નારી, બંનેને ," Head &  Facial hair, Undercheek hair, Chest hair, Abdominal hair, Leg hair, Underarm hair, Pubic hair " વાળના ઉદભવ સ્થાન ગણાય છે.

* અસ્ત્રાની શોધ થઈ,તે અગાઉ અણગમતા વાળને , હાથ અથવા ચીપીયા જેવા સાધનથી ખેંચીને દૂર કરાતા. ત્યારબાદ આશરે, 3,000 BC ( Before Christ.) ની આસપાસ જ્યારે તાંબાનાં ઓજાર શોધાયાં, ત્યારે ઈજીપ્તના પાદરીઓ દ્વારા, સર્વપ્રથમ તાંબાના અસ્ત્રાનો ઉપયોગ  શરૂ  થયો.

* મૂળ `Barber` શબ્દ, લૅટિન શબ્દ, `Beard` ઉપરથી અસ્તિત્વમાં આવ્યો છે. અગાઉ આ કાર્ય કરનારા લોકો, નાનીમોટી વાઢકાપ અને સર્જરી,પણ કરી શકતા હતા.

* જગતની સર્વપ્રથમ, ` Barber shop`,  ( 296 B.C.) રોમમાં, અસ્તિત્વમાં આવી અને તે શરૂ થતાંજ, રોજબરોજના, સાચા-ખોટા સમાચારો જાણવા, ગપ્પાં મારવાનું લોકપ્રિય સ્થળ બની ગઈ.  

* મહાન સમ્રાટ, `ઍલેકઝાંડર ધ ગ્રેટ` ( 4th century, BCE,` Before the Christian Era`), તેના સૈનિકોનો ચહેરો, સફાચટ હજામત કરેલો હોય, તેમ આગ્રહ રાખતો.

* બ્રિટન આર્મીના, `Barber Surgeons`  ( વાઢકાપ- દાંતની સારવાર સહિતની ), ના એક જૂથ દ્વારા, સન- ૧૦૯૪ માં  સર્વપ્રથમ `બાર્બર્સ ઍસોસિયેશન` અસ્તિત્વમાં આવ્યું.

* દુનિયાનું સહુથી પ્રથમ સૅફ્ટી રૅઝર, અઢારમી સદીમાં, ફ્રેંન્ચ આર્કિટેક્ટ, `Jacques Perret`, દ્વારા શોધાયું હતું

* અસ્ત્રા બે પ્રકારના હોય છે, ૧. પરંપરાગત હાથાવાળા આડા અસ્ત્રા ૨. ઉભા હાથાવાળા, જેમાં હવે તો મલ્ટીપલ બ્લેડની સુવિધા પણ મળે છે.

* દુનિયાનું સહુથી પહેલું ઈલેક્ટ્રીક રૅઝર, સન ૧૯૨૮ માં, અમેરિકન નાગરિક, જેણે પાછળથી કૅનેડાનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું તે,` Col. Jacob Schick `  (September 16, 1877 - July 3, 1937) દ્વારા શોધીને, પૅટન્ટ કરાયું  હતું.

* સન ૧૯૦૧માં,  અમેરિકન બિઝનેસમેન, ` King Camp Gillette` (January 5, 1855 – July 9, 1932 ) દ્વારા, સૅફ્ટી રૅઝરમાં ફેરફાર સાથે, વધારે સુવિધાપૂર્ણ બનાવી,  `patent no. US775134` થી પેટન્ટ કરાવાયું.

* સન- ૧૯૫૦માં, અમેરિકાના સ્ટેજ ક્રાફ્ટ આર્ટના જાણકાર `Paul Winchell` (December 21, 1922  – June 24, 2005) દ્વારા, સર્વ પ્રથમ ડિસ્પોઝેબલ સેફ્ટી રૅઝરની શોધ કરાવી, તેને પૅટન્ટ કરાવવામાં આવી.

* દરરોજ હજામત કરનાર, ૧૫ વર્ષથી ૭૫ વર્ષની ઉંમર સુધીમાં, આશરે ૨૦,૦૦૦ વખત હજામત કરે છે.

* દાઢી  સૂકી અને ભીની બે પ્રકારે કરાય છે. ૧. સૂકી દાઢીમાં, ક્રીમ કે અન્ય પ્રવાહીનો ઉપયોગ નથી કરાતો. ૨. ભીની દાઢીમાં ક્રીમ ઉપરાંત, `આફ્ટર સેવ લૉશન`નો પણ ઉપયોગ કરાય છે.

* હજામતની આડઅસર રૂપે, `કાપા, ઉઝરડા,બળતરા, ઉપરાંત એકબીજાની ચામડીના,  ચેપી રોગ અને ઍલર્જિ પણ થઈ શકે છે.

*  હજામત કર્યા પછી, તેની આડ અસરથી બચવા, `Olive oil` સહુથી વધારે અસરકારક અને કિફાયતી માધ્યમ છે. 

*  ખિસ્તી, જૈન, હિંદુ, બૌદ્ધ, મુસ્લિમ, શીખ, જેવા કેટલાક ધર્મોએ હજામતને,પોતાની ઓળખ સંજ્ઞા તથા વિધિ વિધાન, માન્યતા ,પરંપરા સાથે જોડી દીધી છે.

* દક્ષિણ ભારતના, શ્રીતિરૂપતિ બાલાજી સહિત કેટલાક મંદિરોમાં, બાધા રૂપે માથાના વાળ ઉતારવાની માન્યતા વ્યાપ્ત છે.  આ વાળની, વિગ નિર્માણનો  ઉદ્યોગ પણ વિકસ્યો છે,જે ટાલિયા માણસો માટે ખૂબ આશિર્વાદરૂપ છે.


હજામત અંગે પ્રચલિત કહેવતો. (Beards & Moustaches )   

(ગુજરાતી લૅક્સિકન અનુસાર)
* હજામત કરવી =  મદ ઉતારવો.; ફરીને સુધારવું ;  બિનઆવડત હોવું ;  નવરાવી નાખવું.
* હજામત કરાવીને વાર પૂછવો = પાણી પીને ઘર પૂછવું.
* હજામત બનાવવી =  છેતરવું.
* મૂછ ફૂટવી = જુવાનીમાં આવવું.
*.મૂછ ઊંચી કરવી = હુંપદ દર્શાવવી.
* મૂછ ઊંચી રહેવી = આબરૂ સાચવવી.
* મૂછ ઊંચી રાખવી =નીચાજોણું ન થવું.
* મૂછ ચડાવવી = બડાઈ કરવી, વીરતા બતાવવી.
* મૂછ નીચી કરવી = નમવું.
* મૂછ નીચી થઈ જવી = શોભા ઘટવી
* મૂછ પર લીંબુ ઠરાવવા = વરણાગિયા, ગર્વિષ્ઠ હોવું
* મૂછ પહેલો માંડવો = નાની ઉમરમાં કન્યાના બાપ બનવું.
* મૂછ મરડવી = અભિમાન કરવું;કરડાગી, શૂરાતન બતાવવું.
* મૂછ મુંડાવવી = નામર્દી.  *
* મૂછનાં લીંબુ સોંઘાં થવાં = કીમત ઘટવી.
* મૂછનું પાણી = ઈજ્જત; આબરૂ; ટેક.
* મૂછનો દોરો ફૂટ્યો ન હોવો = નાની ઉંમર
* મૂછનો બાલ-વાળ=કીમતી ચીજ;
* મૂછમાં હસવું = રાજી થવું.
* દાઢી ખંજોળવી-ખુશામત કરવી.
* દાઢી ફૂટવી-જુવાની
* દાઢી માગે છે- નુકસાનીને પાત્ર.
* દાઢી મૂછ આપવી-સૂતક, દાઢીમૂછ બોડાવવી.
* દાઢી રેડવી- વત્તું કરવું.
* દાઢીએ હાથ નાંખવો-ખુશામત.
* દાઢીઓ-મજૂર.
* દાઢીમાં હાથ ઘાલવા-કાલાવાલા કરવા.
* દાઢીમૂંડું-છેતરનારું
* દાઢીવાળો-વૃદ્ધ પુરુષ.
* દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી = એક જ વસ્તુ બંને કામ સારે તે; સમયાનુસાર કામ બજાવવું તે.
* દાઢીમાં હાથ ઘાલવો = આજીજી કરવી; કરગરવું; માફી માગવી; નમી પડવું; કાલાવાલા કરવા; ખુશામદ કરવી.
* દાઢીમૂછ ઉતરાવવાં-મૂંડાવવાં = પ્રાયશ્ર્ચિત કરવું.
* દાઢી બળેને,તાપણું થાય = પારકાનો કજિયો જોવાની મજા પડે.

બાર્બર અંગેની રમૂજભરી વાર્તાઓઃ-

૧. જૂના સમયમાં,પાઘડી પહેરવાનો રિવાજ પળાતો હતો અને પાઘડી પહેરવા દરેકે ફરજીયાત ટકો-મૂડો કરાવવો પડતો. 

આવાજ  એક નગરમાં, એક બાર્બરભાઈએ, એકવાર નગરશેઠના માથે ટકો કરીને, નગરશેઠના ચળકતા માથાને જોઈને, સ્વભાવ મૂજબ, ધીરજ ગુમાવીને, માથા ઉપર, તાળવામાં, અવળી આંગળીએથી, એક  ટકોરો માર્યો.

નગરશેઠને  બહુજ ગુસ્સો આવ્યો, પણ તે આ ગુસ્સાને ગળી ગયા, `ડાહી માનો દીકરો ખરોને..!!` અને ડહાપણ વાપરીને, બીજો એક ટકોરો મારવા જણાવીને, બે  કિંમતી સિક્કા કાઢીને, ઈનામમાં આપ્યા,

પછી હળવેથી  કહ્યું, " આવો સરસ ટકોરો મારતાં કોણે શીખવ્યું ? ભાઇ મને તો બહું સારું લાગ્યું. એક કામ કર, ગામના બાપૂને (રાજાને) જો આવા સરસ ટકોરા મારીશ તો તને તો તે ઈનામમાં, સોનામહોરો આપશે."

બાર્બરભાઈ ખુશ થઈ ગયા. બીજા દિવસે,  જ્યા તે રાજાજીનો ટકોમૂડો કરવા ગયા ત્યારે, બાપૂનો ટકો કર્યા પછી, સોનામહોરોના ઈનામની લાલચમાં, બાપૂના ચળકતા માથા ઉપર, નગરશેઠને માર્યો હતો, તેવો જોરથી ટકોરો માર્યો...!! પણ પછી તો બાપૂની કમાન છટકી.

તેમણે તલવાર કાઢી અને, " તારી માઁ નું... બાર્બરિયું...ઊભું રે`..!! મારા હાળા, મારી મજાક ? બાપૂની મ..જા..ક ???" કહીને, બાર્બર પાછળ દોડ્યા.

બાર્બર તો જાય ઊભી પૂંછડીએ, જાય દોડ્યો, તે દિ` થી તેણે તે નગર છોડી દીધું

૨.  એક દાઢીધારીભાઈને ત્યાં,  રાત્રે એક ચોર આવ્યો. ચોરે બારી ખખડાવતાં,તેણે  બારી ઉઘાડી. તરત ચોરે તેની દાઢી પકડી. પેલાએ, પોતાને જતો કરવા માગણી કરી.

ચોરે કહ્યું કે દોઢસો રૂપિયા આપ તો દાઢી મૂકી દઉં. આથી પેલા દાઢીધારીભાઈએ, પોતાની સ્ત્રીને રાડ પાડી,
કહ્યું કે, " અરે ! દોડ, દોડ. આ ચોરે તો મારી દાઢી પકડી છે, તે દોઢસો રૂપિયામાં છૂટકારો થાશે, પણ જો મારી ચોટી પકડશે ? ચારસો માંગશે..!!"

ચોરે લોભના માર્યા દાઢી છોડી ચોટી પકડવા માથે હાથ નાખ્યો. પરંતુ તે ટાલિયાના માથે એક પણ વાળ હોય ત્યારે ને ! પેલા  દાઢીવાળાભાઈ બુદ્ધિ વાપરીને છૂટ્યા અને બારી બંધ કરી દીધી. ચોર વીલે મોંએ ભાગી ગયો.

આ વાર્તા ઉપરથી, `દાઢીના દોઢસો ને ચોટીના ચારસો = ઠગની સામે ઠગવિદ્યા વાપરવી.` કહેવત પ્રચલિત થઈ છે.

દોસ્તોં, આમતો હું ય શિક્ષણ અને સાહિત્ય, સાથે જોડાયેલો હોવાથી, `બાલમંદિર` નો મને પણ અનુભવ છે.પરંતુ આ લેખ કદાચ આપને ગમી જાય તો,ધંધો બદલીને, હજામતવાળા` બાલ`મંદિરના પ્રોપ્રાયટર તરીકે, હું  સ્થાપિત થઈ શકું, તેમ છું, તેમ   માનવાની ભૂલ આપ નહીંજ કરો,તેવી અપેક્ષા રાખું તો અસ્થાને નથી..!!

ભાઈ, સ્વીમીંગની ચોપડી વાંચવાથી તરતાં આવડે ખરું ? જોકે, ઈચ્છા હોય તો મને અજમાવી જોશો,  પણ અસ્ત્રો મને ના ગાંઠે...!!  અને જો આડો-આડો ચાલે તો , નશીબ કોઈનાં,બીજું શું..!!

જોકે, આપણે માતા અને ધર્મ પત્ની  પાસે, માથામાં હૅરઑઈલ ઘસાવતી વખતે, તેમના ખોળામાં માથું મૂકીને, આપણે નિશ્ચિંત હોઈએ છે.

પરંતુ, તેથીય અધિક, અત્યંત માનની લાગણી, મને તો ઘણીવાર,આપણા `બાલ`મંદિરના, પ્રોપ્રાયટરશ્રી પ્રત્યે  નીપજે છે,

કારણકે તેના હાથમાં તો અસ્ત્રો હોય છે અને છતાંપણ આપણે સલામત હોઈએ છીએ.

બોસ..!! આપ શું કહો છો ?

માર્કંડ દવે.તાઃ૨૩ - ૦૨ - ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.