Friday, January 15, 2010

એક શાણાપ્રેમીનો પ્રેમપત્ર

એક શાણાપ્રેમીનો પ્રેમપત્ર.

પ્રિય મિત્રો,

એક પ્રેમીએ તેની પ્રેમિકાને પુછ્યું,"ડિયર માની લે કે આપણા લગ્ન પછી, કાલે ઉઠીને હું ના રહું,તો તું શું કરે?
પ્રેમિકાએ લાડ કરતાં જવાબ આપ્યો, "મારા ના હોવાથી, તમે જે કરો તેજ હું પણ કરું..!!"
પ્રેમી ગુસ્સામાં બરાડ્યો, "મતલબ, મારા જતાં જ તું બીજું લગ્ન કરી લે, એમજને ? બસ આટલો જ પ્રેમ છે,મારા માટે?

આ સંવાદ પછી આ જોડી જરુર ખંડીત થઈ હશે, એવું મારું માનવું છે..!!

પ્રેમમાં ક્યારેક સફળતા મળે,ક્યારેક નિષ્ફળતા મળે.સફળતા મળે ત્યારે જાણે સ્વર્ગનો આનંદ ધરતી ઉપર ઉતરી આવ્યો હોય તેમ અનુભવાય.
જ્યારે નિષ્ફળ પ્રેમી નો સંદેશ સામે ના પથ્થર દિલ ઉપર અફળાઈને પાછે ફરે ત્યારે તે પ્રેમી લવેરિયાનો રોગી બની જાય.
જગતમાં બધાજ રોગની દવા મળે પણ પ્રેમરોગની દવા ક્યાંય ન મળે.

તમને ખબર છે ?

પ્રેમમાં ક્યારેક ઈન્કાર થાય,ક્યારેક ઈકરાર થાય.
પ્રેમમાં ક્યારેક કરાર થાય,ક્યારેક તકરાર થાય.
પ્રેમમાં ક્યારેક વાત થાય,ક્યારેક કબુલાત થાય.
પ્રેમમાં ક્યારેક રીસામણાં થાય ક્યારેક મનામણાં થાય.
પ્રેમમાં ક્યારેક સવાલ થાય,ક્યારેક જવાબ થાય.
પ્રેમમાં ક્યારેક ભૂલ થાય,ક્યારેક ભૂલ ના પણ થાય.

પણ શાણો પ્રેમી એને જ કહેવાય કે ભૂલ થાય કે ના થાય...!!
પરંતુ ભૂલ બીનશરતી કબુલ કરી લે

અને માફી માંગતાં સામા પાત્ર પાસે અફસોસ વ્યક્ત કરેકે,

હે પ્રિયે,

મને માફ કરો,કારણ હું જાણૂં છું કે,
કસર મારા વહાલમાં લાગે છે.!! તેથીજ તમે નારાજ લાગો છે.
અકારણ દુઃભવ્યાં લાગે છે..!! તેથીજ રિસાયાં લાગો છો.

હું જાણું છું,કે પ્રેમનો તાજ કાંટાળો હોય છે.આ તાજ ના કાંટા તમને પણ ચૂભતા લાગે છે.
કાંટાળો તાજ પહેર્યો છે,પ્રણયમાં પગ દીધો છે.
કાંટા તમનેય ચૂભતા લાગે છે..!! તેથી જ કરમાયાં લાગો છો.

હું તો આપણા પ્રેમની પળેપળનો સાક્ષી છું,કદાચ તમારા દર્દને પણ હું અનુભવી શકું છું.
પ્રત્યેક પળ નો સાક્ષી છું, પ્રેમના દર્દને સમજું છું.
રગ દુઃખતી દબાઈ લાગે છે..!! તેથીજ નિસાસા નાખો છો.

આમતો સાચા પ્રેમીને શુકન-અપશુકનની પરવા ક્યાં હોય છે ? પણ,
ડાબી આ આંખ ફરકે છે,કશુંક દિલમાં ય ખટકે છે.
રાત યાદમાં વિતાવી લાગે છે..!! તેથીજ ઉદાસ લાગો છો.
કસર મારા વહાલમાં લાગે છે..!! તેથીજ નારાજ લાગો છો ?

મિત્રો,આ પ્રેમનો અંત શું આવશે,આપ કહી શકો છો ?

માર્કંડ દવે.તા.૨૮-૧૧-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.