Wednesday, May 26, 2010

R.O;P.R.O.

R.O;P.R.O.

" મીઠા સબંધોમાં કૈંક ખટાશ શીદને વર્તાય છે ?
  ઉમળકાના મેળવણમાં મેલ જામ્યો લાગે છે..!!"

============

મારી સામે વિનોદ આવીને બેઠો હતો, મારો માણસ આવીને પાણી આપી ગયો,તેને વિનોદે પાછું ઠેલ્યું અને મારીજ ઑફિસમાં ઉદારતાથી, મારા માણસને વીસની નોટ હાથમાં થમાવીને, બહારથી ચીલ્ડ R.O. મિનરલ વૉટર બૉટલ મંગાવી ," you, know...!! માર્કંડભાઈ, હું ગમે ત્યાંનું પાણી પીતો નથી.બસ મિનરલ વૉટરજ ફાવે છે. હું P.R.O. બન્યો,ત્યારથી ટ્રાવેલ વધારે થાય, એટલે મને R.O. વૉટરની આદત પડી છે,સાલું બિમાર તો ના પડાય..!!" વિનોદ આટલું બોલીને
બનાવટી `પી આર યું` ખિલખિલાટ હસ્યો. હું  R.O ; P.R.O. ના  પ્રાસાનુપ્રાસને સમજવા મથતો હતો, અને P.R.O.વિનોદ R.O પાણી ગટગટાવી રહ્યો હતો.

" બસ,માર્કંડભાઈ, મારું આટલું કામ છેલ્લીવાર કરી આપો તો મોટી મહેરબાની." છેલ્લા એક કલાકથી મને, વિનોદ તેની,P.R.O. સ્ટાઈલની, શ્રેષ્ઠ પદ્ધતિઓ અજમાવીને, સમજાવવાનો અખંડ - અસ્ખલિત પ્રયત્ન કરી રહ્યો હતો.

આમતો  વિનોદ મારો દૂરનો સગો થાય વળી કોઈ કંપનીમાં  P.R.O. (PUBLIC RELATIONS OFFICER) તરીકે જૉબ કરે.મને તો ભાગ્યેજ મળવા આવે.પણ આજે તેને તાત્કાલિક એક લાખ રૂપિયાની જરૂર ઉભી થતાંજ, છેલ્લા એક કલાકથી મારી ઑફિસમાં, મને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો. હું તેની વાતોથી કંટાળ્યો હતો,પરંતુ તેને કશું કહી શકતો નહતો.

એટલામાં મારા એક મિત્ર મને મળવા આવી ચઢ્યા. મને લાગ્યું,"હાશ..!! હવે વિનોદથી મને છૂટકારો મળ્યો સમજો. પારકા માણસના દેખતાં તે કાંઈ થોડોજ રૂપિયાની વાત ઉચ્ચારવાનો છે?" અને ખરેખર વિનોદ થોડીવાર માટે શાંત થઈને બેસી રહ્યો.

જોકે, આજે મારા ગ્રહો સારા નહી હોય,તેથીજ મારા મિત્રએ  આવતાંની સાથેજ તેઓ કોઈ સારી જગ્યાએ થોડા રૂપિયા વ્યાજે ધિરવા માંગે છે તેમ કહેતાંજ,વિનોદને તો દોડવું`તું ને ઢાળ મળી ગયો હોય તેમ,મને પૂછ્યા વગરજ , તેણે હવે વાતનું અનુસંધાન અમારા મિત્ર સાથે જોડી દીધું.

હું, મન અને જીભનો સાવ મોળો માણસ, મારા મિત્રને ચેતવું તે પહેલાં તો, વિનોદની `પબ્લિક રિલેશન્સ ઓફિસર`ની વાક્છટાથી અંજાઈ ગયેલા, મારા મિત્રના હાથમાં, વિનોદે એક લાખનો ત્રણ માસના ફેરનો ચેક પકડાવી દીધો. મારા મિત્ર સાથે,વિનોદે માસિક બે ટકા લેખે વ્યાજ નક્કી કરીને, મારા મિત્રના હાથમાં, એડવાન્સમાં , ત્રણ માસના વ્યાજ પેટે, છ હજાર રૂપિયા રોકડા પકડાવી દીધા.

મારા મિત્રએ પોતાના દીકરા પાસે ઘેરથી રોકડા લાખ રૂપિયા મંગાવીને,મારી હાજરીમાં,મારી સાક્ષીએ, વિનોદ ને આપ્યા.

ભૂખ્યો માણસ અન્નની થાળી પર તૂટી પડે તેમ, વિનોદે અત્યંત ઉત્તેજનાથી ધ્રૂજતા હાથે, લાખ રૂપિયાની થપ્પી પર ઝપટ મારી, અને રખેને આ ડીલ, હું  કેન્સલ કરાવું તો ? તે ભયથી," મારે ઉતાવળ છે..!!" તેમ જણાવીને રીતસર મારી ઑફિસમાંથી ભાગી છૂટ્યો.

હા, ખરેખર ભાગી છૂટ્યો છે. આ વાત ને આજે બે વર્ષ વીતી ગયાં છે, વિનોદ, મારા મિત્રને, ફરી ક્યારેય, વ્યાજ સાથે, ફળ્યો નથી.

મિત્રએ મને સાક્ષી રાખી, I P C- ૧૩૮ હેઠળ ચેક રિટર્ન ઑફેન્સનો કૉર્ટ કેસ કર્યો છે. મારામાં કદાચ, પબ્લિક રીલેશનની આવડત  નથી તેથી, હું ને મારા મિત્ર કોર્ટના ધક્કા ખાઈએ છે.વિનોદ પણ નફ્ફટાઈથી આવે છે,જોકે, જ્યારે મળે ત્યારે લાખ રૂપિયા દૂધે ધોઈને પરત કરવાનું વચન જરૂર આપે છે.

અમે કૉર્ટમાં, મફત પરબનું પાણી ઢીંચીએ છે,જ્યારે P.R.O.  વિનોદ આજે પણ કૉર્ટમાં, વકીલ સાથે બેસીને,  ચીલ્ડ R.O. મિનરલ વૉટર બૉટલ, ગટગટાવે છે.

" ભાઈ વિનોદ, મને યાદ છે, તું  P.R.O.  છે,તારે અવારનવાર ટ્રાવેલ કરવાનું હોય તેથી,તારી તબિયત ના બગડે તેથી, તું બહારનું પાણી પીતો નથી, પણ કૉર્ટની મફત પરબનું પાણી પી-પીને અમારી તબિયત બગડવા આવી છે ભઈલા...!!"

મારાથી ના રહેવાયું તેથી, મેં ` R.O;P.R.O.` ના સાચા અર્થ શોધ્યા છે, પણ મને તે હજી સમજાતા નથી આપને સમજાય તો, મને પણ જરા સમજાવશો પ્લી....ઝ...!!

R.O. = Reverse Osmosis -  પ્રવાહી પદાર્થોનું, તેમની વચ્ચેના સૂક્ષ્મ છિદ્રવાળા  અંતરપટ વચ્ચેથી ગળાઈને થતું, સંમિશ્રણ
P.R.O. =  PUBLIC RELATIONS OFFICER -જનતા સાથે સારા સંબંધો રહે તે જોનાર  અધિકારી

બાય ધ વૅ, આપને કોઈ વિનોદ ક્યારેય ભટકાયો છે ખરો..!! BE CAREFULL..!!

માર્કંડ દવે.તાઃ ૨૬ - ૦૫ -૨૦૧૦.

2 comments:

  1. હા, મને આવા તો નહિ પણ આના જેવા વિનોદ ગુજરાત યાત્રા દરમ્યાન મળ્યા છે. પણ હવે તેમને પારખી જવામાં વાર નથી લાગતી અને જાતને સાચવી લેવાય છે. ... થોડા સમય પહેલા સવારની ચા પીતાં તમને બે–ચાર વાર ફોન પણ કર્યા .. કેમ સંપર્ક ના થયો તે તો મને ખબર નથી.

    ReplyDelete
  2. Phone:079-25890719 નંબર તો બરાબર છે ને ?

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.