Thursday, September 1, 2011

પ્રિય વાચકની હથેળીએ શોભે, એક સર્જકનું હૈયું..!!
કલમને ખોળે માથુંને,વાચકની હથેળીમાં હૈયું..!!
જુવોને,સર્જકના નયનથી,એક હર્ષ-મોતી સર્યું..!!

મિત્રો,એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. આ શુભ પર્વ નિમિત્તે,આપણી ચિંતન યાત્રાના સર્વ સાથી મિત્રોને, સમગ્ર અનેકાનેક શુભેચ્છાસહ....!! ચાલો, વિદ્યા પ્રદાતા, માતા શ્રીસરસ્વતીજી, પુસ્તક તથા વાચક વંદના દ્વારા, વાચકમિત્રોના ઋણ સ્વીકારની વાત કરીએ.

વિદ્યા પ્રદાતા, માતા શ્રીસરસ્વતી વંદના.

आरूढा  श्वेतहंसे  भ्रमति  च  गगनेदक्षिणे  चाक्षसूत्रम्,
वामे  हस्ते  च  दिव्याम्बरकनकमयं  पुस्तकं  ज्ञानगम्या ।
सा  वीणां  वादयन्तीस्व  करकरजपैः  शास्त्रविज्ञान  शब्दैः,
क्रीडन्ति  दिव्यरूपा  करकमलधरा  भारती  सुप्रसन्ना ॥ (ब्रह्मपुराण)

જે દેવી શ્વેતહંસ પર બેઠેલાં છે.આકાશમાં ફરે છે,જેમણે દક્ષિણ હાથમાં અક્ષસૂત્ર અને ડાબા હાથમાં દિવ્ય સુવર્ણમય પુસ્તક રાખેલું છે અને જે જ્ઞાન વડે પ્રાપ્ત થાય તેવાં છે દેવીભારતી શાસ્ત્ર સંબંધી વિજ્ઞાનના શબ્દો જેમાં રહેલા છે એવા પોતાના પ્રકાશિત હાથોમાં જપ સમાન વીણાને વગાડતાં દિવ્યરૂપવાળાં હાથમાં કમળ ધારણ કરી અત્યંત પ્રસન્ન થઈ ક્રીડા કરી રહેલાં છે.

માતા સરસ્વતીનું સ્વરૂપ આપણે માટે પૂજનીય છે. કારણકે તે સર્વ વ્યાપ્ત સ્વરૂપે, જીવમાત્રના કલ્યાણનો ભાવ વ્યક્ત કરે છે.  સહુના જ્ઞાનની વૃદ્ધિ દ્વારા, જીવનની દીપમાલામાં સતત સ્વત્વનું તેલ પૂરવાની કૃપા માતા સરસ્વતીજ કરે છે. રાષ્ટ્ર તથા માનવ વિકાસમાં શુદ્ધતાના ભાવ સાથે, માતા સરસ્વતીનું આરાધન કરનારને, કૃપાલુ માતા ક્યારેય નિરાશ નથી કરતી. માતાની કૃપાથીજ, બુદ્ધિ સાથે મનના વિચારનું તાદાત્મ્ય સધાય છે, જે માનવીની આંતરિક ચેતનાને સતત ઝકઝોળીને તેને શુદ્ધિ બક્ષી, માનવમાંથી મહામાનવ બનવા પ્રેરે છે.

મિત્રો, 


જિંદગી એટલે, આગમન અને પ્રયાણના બે આવરણ (પૂંઠા) વચ્ચેનું કથાનક વર્ણવતું, એક દળદાર પુસ્તક..!!

માતા સરસ્વતીજીના આશીર્વાદથી નવપલ્લવિત જિંદગી નામના આ પુસ્તકમાં શું નથી? સાહસ, શૌર્ય, ડર,ઉપહાસ, હતાશા,ખેદ,અજંપો,આનંદ,રહસ્ય, રોમાંચ?

કદાચ એટલેજ,પૂજ્યશ્રીગાંધીબાપૂએ પોતાનો સંદેશ પાઠવતાં કહ્યું છેકે, " I don't have a message. My message is my life." Mahatma Gandhi 

સાચો વાચક કેવો હોય? 

જે ચવાણું કે ભજિયા ખાધા બાદ પસ્તીનો, તે ચીકણો થયેલો કાગળ પણ, વાંચ્યા વગર કચરાપેટીમાં ન નાંખે..!! આજ પ્રકારે, શેરડીના સંચાની જેમ, શબ્દરૂપી સાંઠાની આખરી બુંદ સુધી, શબ્દને સમજી-નિચોવી, તેના રસકસાનંદને, આકંઠ માણનારા, આપણા તમામ વાચક મિત્રો, આપણા  શાસ્ત્રોમાં વર્ણવ્યા પ્રમાણે, ધર્મ-અર્થ-કામ-મોક્ષની ચાર દિશા ઉપરાંત, પોતાની માતૃભાષા તથા જેતે દેશકાલની સંકૃતિને જીવંત રાખી, ભાવિ પેઢી માટે તદ્દન નવીજ દિશા કંડારનારા, ખરેખર અણમોલ પથદર્શક છે.

આવા માતા સરસ્વતીને સમર્પિત વાચકને, આજે આ લેખ દ્વારા સાચા હ્રદયથી વંદન કરવાના મનોભાવ ઉદ્ભવી રહ્યા છે,ત્યારે..!!

જાણે, જિંદગીના આવાજ એક પુસ્તકનું એક પ્રકરણ વાંચવા ઇચ્છતા હોય તેમ,ગઈકાલે અમારા વડીલ મિત્ર ચંપકકાકા મળ્યા ત્યારે બહુ ઉદાસ ચહેરે,તેમણે મને કહ્યું,"ભાઈલા, મારા દીકરાને કાંઈ સમજાવને..!! અચાનક શું થયું, દેવ જાણે..!! હવે આગળ અભ્યાસની ના પાડે છે..!! મેં તેને જરા ઠપકો આપ્યો તો, પોતાનો રોષ વ્યક્ત કરવા, તેનાં ભણવાનાં પુસ્તકો પણ, ગામના તળાવમાં નાખી આવ્યો..!!"

આ સાંભળી ગુસ્સો તો મને પણ આવ્યો અને મારાથી બોલાઈ જવાયું," નહીં ભણે તો શું તંબૂરો વગાડશે?"

ચંપકકાકાએ,નિસાસો નાખતા સ્વરે, રહસ્યસ્ફોટ કર્યો,"તે તંબૂરાને પણ નહીં અડે,સાવ નાસ્તિક છે, ઈશ્વરમાં નથી માનતો..!!"

ચંપકકાકાની ઉદાસી મારા હ્રદયને સ્પર્શી ગઈ અને મેં રસ્તો બતાવ્યો,"એક કામ કરો, પુસ્તકોના દુશ્મન આ દીકરાને, જાણીતા લેખકોએ લખેલાં, નાસ્તિકવાદ અંગેનાં પુસ્તકો વાંચવા લાવી આપો..!! પોતાના મનગમતાં વિષયના પુસ્તકો વાંચવાની જો, ધીરે-ધીરે આદત પડશે,તો કોઈએક પુસ્તકનું, કોઈએક પ્રેરણાદાયક વાક્ય, તેનું સમૂળગું જીવન પલટી નાંખશે."

ચંપકકાકાને, મારી વાત, ગળે ઊતરી કે નહીં,તે મને સમજ ના પડી..!! પરંતુ વાચકગણ પુસ્તકોથી વિમુખ થઈ રહ્યો છે તેવો આક્ષેપ, મારી માફક ઘણાને ગળે નહીંજ ઊતરે તે સત્ય હકીકત છે.  

સન-૧૯૬૦ના દસકમાં, અમારે ત્યાં ઘરમાં,દરરોજ સંધ્યાકાળે,`સાયં સમૂહ પ્રાર્થના`થતી.આ પ્રાર્થનામાં,ઘરનાં નાનામોટા, સહુ કોઈ જોડતા અને પ્રાર્થના બાદ અમે સહુ નાનાં બાળકો, માતાને વિટળાઈને દરરોજ નવી પ્રેરણાત્મક વાર્તાઓ સાંભળવા બેસી જતા. 

ચંપકકાકાના દીકરાની વાત પરથી આજે, મને મારી માતાએ કહેલી,"એક ઉદ્યમી ખેડૂત અને તેના ચાર અભણ-આળસુ દીકરા" ની વાર્તા યાદ આવે છે.

એક ઉદ્યમી ખેડૂતના, જવાનજોધ ચાર દીકરા હોવા છતાં તે ખેડૂત ખૂબ દુઃખી હતો કારણકે, તે ચારેચાર અભણ-આળસુ દીકરાઓ, પોતાના ખેડૂત પિતાને ખેતી કામમાં મદદ કરાવવાને બદલે ગામમાં, આખો દિવસ હરાયા ઢોરની માફક, રખડ્યા કરતા. 

પોતાના અભણ,આળસુ અને અભિમાની દીકરાઓને શ્રમનું મહત્વ સમજાવવા,તે ખેડૂતે, પોતાનો અંતિમ શ્વાસ લેતી વખતે, પ્રમાદી પુત્રોને કહ્યુંકે," ખેતરમાં વિપુલ ખજાનો દાટ્યો છે. તે ખજાનો, પોતાના મર્યા બાદ, જો ચારે દીકરા સાથે મળીને શોધી કાઢશે તો તેમને સાત પેઢી સુધી ચાલે તેટલું ધન પ્રાપ્ત થશે..!!

મૃત પિતાની અંતિમ વિધિ પૂર્ણ થતાંજ,પોતાના ખેડૂત પિતાના અંતિમ વચન પર વિશ્વાસ મૂકીને, દીકરાઓએ ભેગા મળીને આખું ખેતર ખોદી નાખ્યું, પરંતુ આ પ્રમાદી દીકરાઓને, ખેતરમાંથી ખજાનો તો શું, એક કોડી પણ હાથ લાગી નહીં..!!  

મૃત્યુ સમયે પણ, જૂઠું બોલનારા પિતા વિશે, એલફેલ બોલતા પ્રમાદી દીકરાઓને, છેવટે તેમની ઘરડી માતાએ સમજાવ્યું કે,"દીકરાઓ,આમેય તમે આખુંય ખેતર ખેડ્યું જ છેતો હવે,ચોમાસું માથે છે ત્યારે તેમાં વાવણી પણ કરી જ દો,જેથી જે પાક આવે તે વેચવાથી તો ધન અવશ્ય મળશે જ..!!"

અત્રે, એ કહેવાની જરૂર નથીકે, ખજાનો મળવાની લાલચે આખા ખેતરને ખેડવાનો ઉદ્યમ આ દીકરાઓને, જીવનભરનો ઉત્તમ પાઠ ભણાવી જાય તેટલો ફળ્યો. ખેતરમાં મબલક પાક ઊતર્યો જેને વેચતાં વિપુલ ધનરાશિ મળી અને દીકરાઓએ ત્યારથી આળસનો ત્યાગ કર્યો.

આ બોધકથાનો મર્મ એજ છેકે, કોઈપણ પ્રકારના સાહિત્યના વાંચન કાર્યને પ્રમાદ તથા અણગમાથી નિહાળનાર, કોઈ  ચંપકકાકાના એક નાસ્તિક દીકરાને, આ વ્યવહારૂ, કોઠાડાહ્યા ખેડૂત પિતાની માફક, વિવિધ અકસીર ઉપાય અજમાવી, યોગ્ય જ્ઞાન પ્રાપ્તિ માર્ગે જરૂર વાળી શકાય છે. 

આજેતો, પુસ્તક વાંચતા જેમને આળસ આવતું હોયકે, કંટાળો આવતો હોય તે સહુને આ બોધકથા અર્પણ છે.

પુસ્તક વંદના 

સન-૧૯૬૪માં નિર્માણ પામેલી,જૅમ્સ બૉન્ડ સિરીઝની અત્યંત સફળ ફિલ્મ-`Goldfinger`ની બૉન્ડગર્લ,અંગ્રેજ અભિનેત્રી સુશ્રીઑનર બ્લેકમેન (Honor Blackman. જન્મ ૨૨-ઑગસ્ટ ૧૯૨૫) દાવો કરે છેકે," હું વિશ્વની સહુથી ઓછી ઝડપથી વાંચનારી વાચક છું કારણકે, વાંચનની સાથે-સાથે, હું તેને મારા મસ્તિષ્કમાં, અનુભવી, પાત્રને ભજવતી પણ હોઉં છું..!!" 

સાચા વાચકની આ એક વિલક્ષણતા છે. જોકે, વિદ્વાન પાઠક મિત્રો તો સમજે છેકે, કોઈપણ શબ્દને સમજ્યા વગર વાંચવો તે, શબ્દને, નકામો સમજીને, તેને ઊકરડે નાખ્યા સમાન છે. 

આ ચિંતનને સુપેરે સમજવા, હજુ થોડા વધારે ઊંડા ઊતરીએ તો, વૈદિક યુગમાં આશરે ૧૪૦૦ ઇસવીસન પૂર્વના સમયગાળામાં, મહર્ષિ શ્રીવેદવ્યાસજીએ  આવનારા કલિયુગમાં, સંસારમાં આકાર લેનારા ત્રિવિધ તાપ-સંતાપના નિવારણના ચિંતનાત્મક ઉપાયોને,  વિશ્વના જનકલ્યાણ કાજે, શૌર્યવાન, નીતિવાન, દૈવી ચરિત્રો સાથે, સંલગ્ન કરી લઈ, પોતાના સ્વમુખેથી બોલીને જ્યારે, `મહાભારત` મહાકાવ્યની રચના કરવી હતી ત્યારે, મહર્ષિ શ્રીવેદવ્યાસજી  સમક્ષ આ મહાકાવ્યના લહિયા તરીકે કોને પસંદ કરવા તે મૂંઝવણ ઊભી થઈ..!!

અંતે, રિદ્ધિસિદ્ધિના સ્વામી એવા, શ્રીગણેશજીએ આ ભગીરથ કાર્ય એ શરતે સ્વીકાર્યું કે,આ સમગ્ર મહાકાવ્ય ગ્રંથની રચના દરમિયાન, પોતે મૌનવ્રત પાળશે તથા શ્લોક લખાવતા સમયે મહર્ષિ શ્રીવેદવ્યાસજીએ મધ્યમાં ક્યાંય અટકવું નહીં..!!

મહાભારત`નું સૃજનકાર્ય ઘણા લાંબા સમય સુધી ચાલવાનું હોવાથી પોતાને વિચારવા માટે મધ્યમાં અટકવું તો પડશે જ, તે બાબત જ્ઞાત હોવા છતાં, મહર્ષિ વેદવ્યાસજીએ શ્રીગણેજીની બંને શરત સ્વીકારી લીધી. પરંતુ, સાથે જ, મહર્ષિજીએ પણ, શ્રીગણેશજી પાસે એક શરત મૂકીકે, આ મહાકાવ્યના એકપણ શ્લોકને, શ્રીગણેશજીએ સમજ્યા-વિચાર્યા વગર લખવો નહીં અને શ્રીગણેશજી તે શ્લોકને સમજીને લખી રહે ત્યારે, તેઓએ સંમતિસૂચક માથું હલાવવું, જેથી ગ્રંથનું રચના કાર્ય આગળ વધારી શકાય..!!

આમ, મહાભારતનું રચનાકાર્ય શરૂ થયું અને જ્યારે મહર્ષિજીને, અન્ય કોઈ કાર્ય માટે અટકવું પડે ત્યારે ગ્રંથમાં સરળ શ્લોકને સ્થાને ચતુરાઈપૂર્વક, એકાદ એવો અઘરો શ્લોક લખાવે કે, શ્રીગજાનન શ્લોકનો અર્થ સમજવામાં તલ્લીન બની જાય, સરવાળે લેખન કાર્ય અટકી પડે અને તે સમય દરમિયાન મહર્ષિજીનું, ચિંતન સહિતનું, અન્ય કાર્ય પણ સમેટાઈ જાય..!!

આમ કરતાં-કરતાં અંતે, મહાભારત-મહાકાવ્ય લેખની અનુષ્ઠાન પૂર્ણતાને પામ્યું, જેમાં લખનાર તથા લખાવનાર, બંને પક્ષની શરતનું યથા પાલન થયું.

જોકે, મહર્ષિજીએ જ્યારે, શ્રીગણેશજીના અદ્વિતિય કાર્ય બદલ, ઋણ સ્વીકાર કરીને, સમગ્ર ગ્રંથની રચના દરમિયાન મૌનવ્રત પાલનનું રહસ્ય જાણવા ચાહ્યું ત્યારે, શ્રીગણેશજીએ જે ઉત્તર પાઠવ્યો તે દરેક નિષ્ઠાવંત પાઠકશ્રીએ, મમળાવવા જેવો છે..!! 

ભગવાન શ્રીગણેશજીએ, શ્રીવેદવ્યાસજીને કહ્યું," જેમ દીવાની જ્યોતમાં, તેલ તેનો પ્રાણ ગણાય છે તેમ, મહાકાવ્યના સમગ્ર સમય દરમિયાન મૌન રહેવાથી, મારામાં પણ પ્રાણશક્તિ વેડફાતી અટકે તથા અર્થહીન પ્રલાપને કારણે, મને શ્લોકનો સાચો અર્થ સમજવામાં અને આપને આગળના શ્લોક અંગે ચિંતનમાં વિક્ષેપ ન પડે, તે કાજે જ આપની સમક્ષ, મેં મારા મૌનવ્રત પાલનની શરત કરી હતી."

કેટલો મહાન અને ચિંતનાત્મક સંદેશ..!! 

વાચકને પણ જો સમર્થ સાધક માનીએ તો..!! એવા સાધક વાચકને ક્ષીર-નીરનો, સાચાં મોતી અને કંકરનો તફાવત પામવાનો વિવેક જાગ્રત હોય છેજ..!!

" साधु  ऐसा चाहिये, जैसा सूप सुहाय  ।
सार सार को ग्रही रहे, थोथा देय उडाय ।।"
-સંત કબીરજી. 

સાચો સાધક-વાચક, શબ્દના સત્ય મર્મને પામવા કાજે સમાધિસ્થ થઈ, પોતાની કલ્પનાશક્તિને ગગનવિહાર કરાવતો  જોવા મળે છે. ખરેખર, તેવા વાચકની આસપાસ શું ચાલી રહ્યું છે, તેની પણ તેને સુધબુધ નથી રહેતી..!!

જોકે, જેમને મોટેથી વાંચવાની આદત હોય, અત્યંત ઝડપથી વાંચનની આદત હોય તેઓ કાંઈ ખોટું કરી રહ્યા છે, તેમ તેમણે  હરગિજ ન માનવું. ક્યારેક-ક્યારેક યાદશક્તિની કસોટી માટે, આમ કરવું પણ અત્યંત જરૂરી હોય છે.

આના સમર્થનમાં,સન-૧૯૯૦માં  `ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ-Guinness Book of World Records `માં, એક મિનિટમાં કુલ ૮૦ પાનાં(૨૫૦૦૦શબ્દો) વાંચીને, વિશ્વના સહુથી અધિક ઝડપી વાચક તરીકે, સત્તાવાર રીતે નોંધાયેલા,અમેરિકાના બ્રૂકલિન પરગણાના રહેવાસી, શ્રીહાવર્ડ સ્ટિફન બર્ગ, પોતાના દેશના વિદ્યાર્થીઓની વાંચન-લેખન ક્ષમતાની સતત થઈ રહેલી અવહેલના અંગે ચિંતા કરતાં જણાવે છેકે,

"અમેરિકાની હાઈસ્કૂલના ૨૮%  સિનિયર વિદ્યાર્થીઓ, કક્ષા આઠના લેવલનાં પુસ્તકો વાંચવા અસમર્થતા અનુભવે છે. આમાંના ૯૦% વિદ્યાર્થીઓ તો, નિબંધનો એક ફકરો પણ સરખી રીતે નથી લખી શકતા..!!  શાળાઓને માત્ર વિદ્યાર્થીઓની સમયાંતરે પરીક્ષાઓ લેવા તથા પૂરતી હાજરી ચકાસવા પૂરતોજ રસ હોવાને કારણે આવી સ્થિતિ નિર્માણ થઈ છે."

આ જાણીને આપને નથી લાગતું, અમેરિકા હોય કે ભારત, `કાગડા બધે જ કાળા હોય છે?"  

જોકે, આપણા ગુજરાતમાં સાક્ષરતાની બાબત ચકાસીએ તો, હાલમાં શ્રીનરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં શિક્ષણક્ષેત્રે, શાળા પ્રવેશોત્સવ અભિયાન; કન્યા કેળવણી અભિયાન; વાંચે ગુજરાત અભિયાન તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા ટીમ બનાવીને વિદ્યાર્થીઓની ગુણવત્તા ચકાસણી અભિયાન જેવા અસરકારક પગલાંને કારણે, પ્રાથમિક ધોરણોમાં વિદ્યાર્થીઓના `ડ્રૉપ આઉટ રેશિયો` નોંધપાત્ર રીતે ઘટ્યો છે. 

નેશનલ યુનિવર્સિટી ઑફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ ઍડ્મિનિસ્ટ્રેશન (NUEPA)ના સર્વે પ્રમાણે, બિહારની શાળાઓમાં વિદ્યાર્થી ડ્રૉપ આઉટ રેશિયો ૧૨.૦%, ઉત્તર પ્રદેશમાં ૧૨.૭%, ઝારખંડમાં ૧૫.૧%, જ્યારે  રાષ્ટ્રીય ડ્રૉપ આઉટ રેશિયોની સરેરાશ ૮.૦૨% છે. દેશના સહુથી વધુ સાક્ષર રાજ્ય કેરાલામાં આ રેશિયો ૧.૪૬% છે ત્યારે, ગુજરાતમાં સન-૧૯૯૦-૯૧માં જે ડ્રૉપ આઉટ રેશિયો ૪૯.૨% હતો,તેના સ્થાને ૨૦૦૯-૧૦માં માત્ર ૨.૨૦% છે, જેને નાનીસુની સિદ્ધિ ન જ ગણી શકાય.

`વાંચે ગુજરાત અભિયાન`ના પ્રણેતા મૂખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના મત અનુસાર, “વાંચનમાં એ તાકાત હોય છેકે, એ તમને વિચારવા માટે મજબૂર કરે, કરે અને કરે જ. ઇઝરાયલમાં ફૂલ તોડતો માણસ જોવા નહી મળે. આપણે ત્યાં સમારંભોમાં બુકેની બદલે બુક કેમ નહીં? જેને જે વાંચવું હોય તે છૂટ આપો, વાંચવામાં ભેદ ન રાખો. ઘરમાં દરેકે દરેક વ્યક્તિ પુસ્તક વાંચે અને બપોરે શું જમ્યા એ ચર્ચા કરવાની સાથે, આજે  કોણે શું વાંચ્યું એ ચર્ચા કરીએ.”

જોકે,સમારંભમાં બુકેના સ્થાને બુક અપાય કે ન અપાય,પરંતુ આપણા હિદું ધર્મના દરેક તપ-ધ્યાન,ધર્મ તથા યજ્ઞોપવિત સંસ્કાર જેવી વિધિમાં, પુસ્તકના પૂજનનું મહત્વ આદિકાલથી સ્વીકારાયું છે.આપણી ગુજરાતી પ્રજા, સમાજ સુધારણામાં અવ્વલ નંબરે છે,ત્યારે દહેજ-દક્ષિણા અને દાનમાં પણ પુસ્તકો આપ્યા હોવાના અનેક ઉદાહરણ નોંધાએલા છે.

ડી.એન.એ.ન્યૂઝના (DNA=DAILY NEWS AND ANALYSIS) મતાનુસાર, `વાંચે ગુજરાત અભિયાન` એ ઘણા અર્થમાં અદ્ભુત કાર્યક્રમ છે. આ કાર્યક્રમની એ બાબત દિલને સ્પર્શી જાય છેકે, આપણો સમાજ વર્ષો જુની વાંચવાની ઉમદા ટેવ તરફ પાછો વળ્યો છે..!!

ઍક્સ્પ્રેસ ઈન્ડીયાના(Express India) મતાનુસાર,દરેકે વાંચન માટે થોડો સમય રોજ ફાળવવો જોઈએ જેથી, અલગ-અલગ વિષયવસ્તુના જ્ઞાનમાં સમૃદ્ધિ પ્રાપ્તિ સાથે, વ્યક્તિનો, પોતાનો સર્વાંગી વિકાસ પણ સાધી શકાય. 

* સાહિત્ય રચનાકારોની વાચકગણ પ્રત્યે જવાબદારી.

વાચકને વાંચનમાં રસ લેતા કરવાનું જવાબદારીભર્યું કાર્ય સાહિત્યના રચયિતાના શિરે હોય છે. જ્યારે કોઈ રચનાકાર, વાચકના દિલને સ્પર્શે તેવી `સ્વ`ભાવની વાત માંડે ત્યારે તે કવિ-લેખક-રચનાકાર વાચકના દિલોદિમાગને પોતીકો લાગે છે અને તે વાચકપ્રિય (લોકપ્રિય) બને છે.

લોકોને પોતાની ભાષામાં વાંચતા કરવા માટે લેખકે, વાચકના વિશાળ વર્ગ-સમૂહને ધ્યાને રાખીને, પ્રામાણિકતા તથા પારદર્શિતા સાથે પોતાના મનોભાવનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો પડે છે. સાવ છેવાડાના સામાન્ય વાચકના દિલમાં સ્થાન પ્રાપ્ત કરવા, સ્પષ્ટ તથા સરળ ભાષા,આત્મિયતાનો અહેસાસ કરાવતા શબ્દોનું ચયન કરતી વેળાએ લેખકે, પોતાનાથી ઉપરની શ્રેણીના, વિદ્વાન, મૂર્ધન્ય સાહિત્યકારો પાસે, ક્યારેક પોતે મૂર્ખ લાગે તેવી,પરંતુ લોકભોગ્ય રચનાને સાકાર કરતાં ખચકાટ ન અનુભવવો જોઈએ. નર્મદે પોતાની આત્મકથા ‘મારી હકીકત’માં યોગ્ય જ કહ્યું છેકે, "મને જે સાચું તથા યોગ્ય લાગશે, હું તે લખીશ, ચાહે કોઈને તે પસંદ પડે કે ન પડે..!!"

કોઈપણ કવિ-લેખક-રચનાકાર જ્યારે, સાહિત્યના નામે, પોતાનું ગજવું ગરમ કરવાના, જાહેર તમાશાનો એક ભાગ બની જોકરની માફક, શબ્દને રમતની રીંગ સમજીને ઊછાળતો ફરે ત્યારે, તેનું ગજવું તો કદાચ ગરમ થઈ જાય છે, પરંતુ ટૂંક સમયમાંજ, સમજદાર વાચકગણ તેનું ગજવું કાપીને, તેને ક્યાંયનો નથી રહેવા દેતા?


હાલમાંજ, `યલો જર્નાલિઝમ`ને કારણે, વાચક વર્ગ નારાજ થવાથી, બ્રિટનનું `ન્યૂઝ ઑફ ધ વર્લ્ડ` નામનું અડધિયું (ટેબ્લૉઈડ) અખબાર ૧૬૮ વર્ષે, તેના છેલ્લા અંકમાં,`ગુડ બાય અને થેંકયૂ` શબ્દો સાથે દુઃખદ અંતને વર્યું..!! ત્યારે એ બાબત યાદ રાખવા જેવી છેકે, દુનિયાના કોઈપણ ખૂણે, કોઈએક સાહિત્ય રચનાકાર, ક્યારેક બાપડો કે લાચાર પરિસ્થિતિમાં મળી આવશે પરંતુ, વિદ્વાન વાચક ક્યારેય લાચાર કે બાપડો નથી હોતો..!! વાચક પોતાના મનોજગતનો બાદશાહ હોય છે, તેથીજ તો, ડંકાની ચોટ પર,તે  સારાને સારું અને નરસાને નરસું કહી શકે છે. 


`ન્યૂઝ ઑફ ધ વર્લ્ડ`ના કિસ્સાથી તદ્દન વિરૂદ્ધ, અખંડ ભારતના લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે  તારીખ- ૧૧ મે ૧૯૧૨માં જન્મીને પોતાના સન-૧૯૩૪ થી ૧૯૫૫ના કાર્યકાલ દરમિયાન,બાવીસ વાર્તાસંગ્રહ,એક નવલકથા, પાંચ રેડીયોનાટક,ત્રણ નિબંધસંગ્રહ તથા બે સ્વચરિત્ર ચિત્રણ સંગ્રહની વાચકોને અણમોલ ભેટ ધરનાર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રીસઆદત હસન મન્ટોનું, માત્ર ૪૨ વર્ષની વયે, તારીખ- ૧૮ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ દુઃખદ અવસાન થયું ત્યારે આ સમાચાર સાંભળીને, તેઓની વાર્તાઓની દિવાની `સેક્સ વર્કરો`એ પણ, તે દિવસે મૃતકનો શોક પાળીને રજા પાળી હતી.એક દિવંગત લેખકને આનાથી મોટી શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે?  


જોકે, સમજદાર રચનાકારને, વિદ્વાન વાચકમિત્રનો શ્લેષ પણ, આશ્લેષ જેટલોજ મીઠો લાગતો હોય છે. સાચા રચનાકારને, વાચકોનો શ્લેષ-આશ્લેષ,પ્રેમ વધુને વધુ ઉત્તમ સાહિત્ય સર્જન કરવા પ્રેરણા અર્પે છે. આમ પણ, કવિ-લેખક-સર્જકની માનસન્માનની ખેવનાની `કાલ્પનિક ગલી` સાવ સાંકડી હોય છે. એટલી બધી સાંકડી કે, કોઈ એક વાચકનો માત્ર એકાદ`વાહ` શબ્દ તેને, ગોવર્ધન પર્વત જેટલો ઊંચો, પવિત્ર અને પૂજનીય લાગે છે..!!  

સાહિત્યપ્રેમી વિદ્વાનના અણમોલ મંતવ્ય-કથન. 

મિત્રો,પેઢી નવી હોય કે જૂની, સાહિત્યપ્રેમીને મન, પોતાના રસ રુચિનું, કોઈપણ સાહિત્ય પ્રાણથી અધિક પ્યારું હોય છે.તેઓ પુસ્તકોને માત્ર વાંચતા નથી હોતા, તેની આજીવન વંદના-પૂજા કરતા હોય છે.

ચાલો આવાજ કેટલાક દેશ-વિદેશના નામાંકિત સાહિત્યપ્રેમી વિદ્વાનના અણમોલ મંતવ્ય-કથન માણીએ.

* "જો આપને ખાત્રી થાય કે,આપ જે વિષયનું પુસ્તક વાંચવા ચાહો છો તે અત્યાર સુધી લખાયું જ નથી, તો આપે તે ચોક્કસ લખવું જોઈએ." -ટૉની મોરિસન.(નોબલ તથા પુલિત્ઝર સન્માન વિજેતા,અમેરિકન લેખક.સન-૧૯૩૧.)

* " જીવન પદ્ધતિ યોગ્ય માર્ગે વાળવાની પ્રેરણા,મને હંમેશા પુસ્તકો દ્વારા પ્રાપ્ત થાય છે." ઑલિવર વૅન્ડલ હૉલ્મ્સ ( અમેરિકન તબીબ,પ્રોફેસર,લેક્ચરર તથા લેખક.સન-૧૮૦૯ થી ૧૮૯૪.)

* "જેમનું ઘર અન્ય સંપત્તિના મુકાબલે,પુસ્તકોથી સમૃદ્ધ હોય તે ઘરનાં બાળકો ગરીબ નથી જ નથી."
- સૅમ કૅવેસન ( અમેરિકન હાસ્યકલાકાર,લેખક, શિક્ષક, ટીવી હોસ્ટ તથા પત્રકાર.સન-૧૯૧૧ થી ૧૯૮૦.)

* " પુસ્તકોમાં પૂર્વજનો ઐતિહાસિક આત્મા વસતો હોય છે." - થોમસ કાર્લે. ( સ્કૉટિશ વ્યંગકાર, નિબંધકાર, ઇતિહાસકાર તથા શિક્ષક.સન-૧૭૯૫-૧૮૮૧.)

* " પુસ્તકો જ્ઞાનની એવી બારી છે જેમાંથી, આત્મા બહારનું સઘળું નિહાળે છે."-હેનરી વૉર્ડ બૅચર.
(સમાજસુધારક,પાદરી,અંધશ્રદ્ધા વિરોધી વક્તા.સન-૧૮૧૩ થી ૧૮૮૭.)

* "સર્વશ્રેષ્ઠ પુસ્તક-સાહિત્ય વાંચનની તક ક્યારેય હાથમાંથી જવા ન દેશો,કદાચ જીવનમાં તેવી તક ફરી મળે કે ના મળે..!!" હેનરી ડેવિડ થૉરૉ.(અમેરિકન લેખક,કવિ,ઇતિહાસકાર,તત્વચિંતક.સન-૧૮૧૭ થી ૧૮૬૨.)

* " મારા દાદાએ મને એકવાર કહ્યુંકે, બે પ્રકારના માનવીઓ હોય છે. એક કોઈપણ આશા વગર કામ  કરે છે અને બીજા માત્ર સન્માન મેળવે છે. તારે પસંદગી કરવાની થાય તો પહેલા પ્રકારના વિભાગમાં સામેલ થવાનું વધારે પસંદ કરજે,ત્યાં હંમેશા ઘણી ઓછી હરીફાઈ હોય છે." સ્વ.ઈન્દિરા ગાંધી.( ભારતના પૂર્વ વડાપ્રધાન. સન-૧૯૧૭ થી ૧૯૮૪.)

* " દરેક રીડર(વાચક),લીડર(નેતા) ન હોય તો ચાલશે,પરંતુ દરેક લીડર, રીડર હોવો અત્યંત આવશ્યક છે."- હૅરી ટ્ર્યૂમેન.( તેત્રીસમાં અમેરિકન પ્રેસિડન્ટ.કાર્યકાલ-૧૯૪૫-૧૯૫૩.જીવનકાલ.૧૮૮૪ થી ૧૯૭૨.)

*" દુનિયાની વિકસિત અર્થવ્યવસ્થા સાથે કદમ મિલાવવા, જો આપ,કેવી રીતે શીખવું,(If you haven’t learned how to learn) તે બાબત શીખ્યા નથી..!! તો આપનો કઠિન સમય શરૂ થઈ ગયો સમજવો."- પીટર ફર્ડિનન્ડ ડ્ર્યૂકર( ઑસ્ટ્રેલિયન લેખક,પ્રોફેસર,મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ.સન-૧૯૦૯ થી ૨૦૦૫.) 

* " જો આપે ઘણાં જીવન ઉપયોગી પુસ્તકો વાંચ્યાં હશે તો આપ જ્ઞાની કહેવડાવવાને લાયક છો,પરંતુ આપે ઘણા બધા કલાકો ટીવી નિહાળ્યું હશે તો આપ જ્ઞાની દર્શક છો તેમ નહીં જ કહી શકો." લીલી ટૉમ્લિન.(અમેરિકન અભિનેત્રી તથા હાસ્યકલાકાર.જન્મ-૧૯૩૯.)

આ તથ્ય તો સર્વવિદિત છેકે,વાંચનને કારણે, મનની કસરત થવાને કારણે, જીવનકળા ખીલે,અસરકારક યાદશક્તિ કેળવાય,તોતડાપણા જેવી અનેક વાચિક ખામીમાંથી મુક્તિ મેળવી શકાય, જીવનમાં એક લક્ષ્ય નક્કી કરી,તેને પામવાની ધીરજ કેળવી શકાય, માનસિક શક્તિ કેળવી જ્ઞાનમાં વધારો કરી શકાય, આંખ અને મનની એકાગ્રતા વધે, સાચી દિશાની નિર્ણયશક્તિ ખીલે,રોજ નવી માહિતીનો સંગ્રહ કરવાની ક્ષમતા કેળવાય. આથીજ વિદ્વાનો કહે છેકે, જીવનમાં અચાનક ઊગી નીકળેલી હતાશાને ડામવા,પુસ્તક સરીખો અન્ય કોઈ મિત્ર નથી, એક ઉમદા પુસ્તક, આપણી નસોમાં અવિરત દોડીને આપણી ચેતનાને સતત પ્રાણવાયુ પુરુ પાડતા રક્ત સમાન કિંમતી હોય છે.

સાચેજ, પુસ્તકો વિનાનું ઘર તે આત્મા વિનાના શરીર સમાન છે. પુસ્તકોને માત્ર ઘરમાં સાક્ષરતાના પ્રતીકરૂપ એક ફર્નિચરની સજાવટની માફક ગોઠવવાને બદલે, તેને ખરેખર જ્ઞાન સમૃદ્ધિના સાધન તરીકે ઉપયોગમાં લઈને,સાચા અર્થમાં ઘરના સદસ્યોને વિદ્વત્તાથી સજાવવાની જરૂર છે, નહીંતર આપણાજ ઘરમાં પુસ્તકો હોવા છતાં, તે માત્ર એવાં પડોશી બનીને રહી જવાનો ભય છે, જે સારાં હશે તો આપની બાજુમાં વધારે સમય ટકશે નહીં અને ખરાબ હશે તો આપને તે જીવનના અવળા માર્ગ પર દોરી જશે. ટૂંકમાં, વિશ્વની જે સંસ્કૃતિએ વાંચનની સુટેવને અવગણી છે તે સંસ્કૃતિ, ઓછા વત્તા અંશે વિનાશના આરે પહોંચી ગઈ છે.

સુપ્રસિદ્ધ આયરિશ કવિ-લેખક-નાટ્યકાર ઑસ્કર વાઈલ્ડ(૧૮૫૪-૧૯૦૦) કહેછે,"If one cannot enjoy reading a book over and over again, there is no use in reading it at all.”

આમેય, સારુ પુસ્તક-મૅગેઝિન સાથે લઈને સફર કરનારને  ક્યારેય એકલતા સાલતી નથી. સફરમાં સાથે રાખેલું એક પુસ્તક, ડિસ્કાઉન્ટમાં મળેલી ટીકીટ સમાન હોય છે. કોઈના નિંદારસમાં રાચ્યા રહીને સમય વ્યર્થ વેડફવો તેના કરતાં, સારા પુસ્તકમાં માથું ખૂંપાવીને શબ્દમય બનવું વધારે હિતાવહ છે.યાદ રહે, અનિદ્રાના રોગીને પણ, દિવસભર શરીરને થકવી નાખનારી કામગીરી બાદ, લેપટોપ લઈને, કૉમ્પ્યુટર સ્ક્રીન સાથે માથાપચ્ચી કરવા કરતાં, કોઈ એક સુંદર નિર્મળ હાસ્ય પ્રદાન કરતા પુસ્તકનો સાથ, રાતભર નિરાંતની ઊંઘ પ્રદાન કરી શકે છે.

આજકાલ વાચક પાસે ઉમદા વાંચનરસ તૃપ્તિ કાજે,દૈનિક,અઠવાડિક, પાક્ષિક,માસિક જેવાં અનેક પસંદગીના માધ્યમ ઉપરાંત ટીવી ચેનલ્સ તથા ઇન્ટરનેટ સોશિયલ સાઈટ્સ,જેવીકે ફેસબુક,ઑર્કુટ, ગૂગલ પ્લસ,યાહુ પલ્સ,માય સ્પેસ તથા અનેક સિદ્ધહસ્ત નામી-અનામી રચનાકારના બ્લૉગ જેવી અનેક સાહિત્ય સામગ્રી ઉપલબ્ધ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, આપણા મૂખ્યમંત્રીશ્રીની ફેસબુક તથા ટ્વીટર સાઇટ્સ પર હાલમાં શ્રીનરેન્દ્રભાઈ મોદીજીના પ્રસંશક ફૉલૉઅર્સની સંખ્યા ૩ લાખના આંકડાને પાર કરી ગઈ છે. તેમના પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ નરેન્દ્ર મોદી ડોટ ઈનને વર્ષ ૨૦૧૦માં ઈ-ગવર્નેન્સનો એવૉર્ડ પણ મળી ચૂક્યો છે,તે સમગ્ર ગુજરાતી જણ માટે ગૌરવનો વિષય છે.

જોકે,નવી પેઢી દ્વારા, આવી સાઈટ્સ ઉપર  પીરસવામાં આવતી સાહિત્ય સામગ્રીને જોઈને, ઘણા વિદ્વાન સાહિત્ય રસિક મિત્રોને એક સવાલ સતાવે છેકે, શું આપણી ગુજરાતી ભાષાને, હાલની નવી પેઢીએ અલગ-અલગ ભાષા સાથે ભેળસેળ કરીને, હાસ્યાસ્પદ બનાવી છે..!!

હમણાં મારા એક નેટમિત્રએ મને મેઇલ કરીને સવાલ કર્યો," મારે પણ સહુ વિદ્વાન લેખકોની માફક લખવું છે,હું શું કરું?"

મેં  તેઓને સલાહ આપતો મેઇલ કર્યો,"ખૂબ વાંચો, ખૂબ વિચારો અને લખવાની શરૂઆત રોજનીશીથી કરો..!!" 

તેઓએ મને વળતો ઉત્તર વાળ્યો," એવું તો બધા કહે છે,તમે નવું શું કહ્યું?"

નેટ પર લેખક બનવાની ખેવના રાખનાર નેટમિત્રના મનમાં, આવું આળસ પ્રવર્તતું જોઈ હજી તો, હું કોઈ મનોમંથનમાં સરી જાઉં, ત્યાંજ નવી પેઢીની બે કૉલેજ કન્યાઓનું મેઇલ બૉક્સ ચેટિંગ મારે હાથ ચઢ્યું છે, તે આપ સહુને સાદર અર્પણ.

નવી પેઢીની બે કૉલેજ કન્યાઓનું મેઇલ બૉક્સ ચેટિંગ. 

"અરે યાર માય મમ્મા જોને..!! સવાર-સવારમાં,કૉલેજ આવતી વખતે જ, તેની કચકચ શરૂ થઈ ગઈ..!! શૈલા આ ડ્રેસ ના પહેરીશ,તેમાં તારું શરીર દેખાય છે,આજે જલદી ઘેર પરત ફરજે..!! યા..ર,આપણી તો કોઈ ચોઈસ જ નહીં? 

એક તો સવારે પંકજ-પક્યાની રીંગ આવી હતી,હાય હની..!! કૉલેજ આવે છેને? ક્યાં મળવું છે? એ પકાઉ પોપટને હું મળું?  MY FOOT!! એને સા..ને રિસ્પૉન્સ નથી આપતી તો પણ, મને ફૉલૉ કરે છે..!! કોઈ  દિ` પૉકેટમાં હાથ તો નાંખતો નથી? LEAVE IT યા..ર!!

આ મંથ ના મારા ઑલ પૉકેટ મની ફિનિશ થઈ ગયા છે, બટ યુ નૉ? મેં પેલા બોચિયા,પોંગા પંડિત કૌશિક્યાને એવું મીઠું સ્માઈલ આપ્યુંને..!! તેણે તરતજ રૂપિયા પાંચસોની નોટ કાઢીને આપી દીધી, નહીં...યા..ર..નહીં..!! મફતમાં નહીં..!! તેની સાથે લોંગ ડ્રાઈવ પર જવાનું, મેં તેને પ્રૉમિસ આપ્યું છે..!!

તારે આવવું છે? પેલી રીતુડીને અમારી સાથે આવવું છે,બટ યુ..નૉ..!! રીતુડી ન્યૂઝ પેપર નહીં, આખેઆખી ન્યૂઝ ચેનલ છે..!! હી..હી..હી..હી..!! યુ સ્ક્વાઉન્ડ્રલ..!! તારે એક્ઝામ્સની તૈયારી કરવાની છે? તું વળી ક્યારથી એક્ઝામ્સની  વરી કરતી થઈ ગઈ? હી..હી..હી..હી..!! 

મને? ચિંતા? એક્ઝામ્સની? નો..વે..ડુડ..!! હું તો એક્ઝામ્સની વરી કરતી જ નથી.પેલા પંકજ્યાના રિલેટીવ, હૅન્ડસમ પ્રોફેસર છેને? મેં તો તેને જ પટાવી લીધા છે..!! પણ, યા..ર,એની એક હેબીટ બહુ ખરાબ છે. NO..નો..નો..!! હી હેઝ નો મોર હિંમત..!! બસ, ક્યારેક શૅકહેન્ડ કરે ત્યારે,મારો હાથ જલદી ન મૂકે..!! યુ..નૉ..!! શૈલા, આવા કેટલા દિલફેંકને હેન્ડલ કરી જાણે છે..!!

હા..યા..ર..!! આ સંડે સાવ બેકાર ગયો.મારી મમ્મા અત્યારથી, યુ નૉ..!! જન્મકુંડળીને એનું મેથ્સને એવું બધું, મેળવ્યા કરે છે. બટ મેં એને ક્લીન-ક્લીન કહી દીધું, ભલે હું T.Y.માં છું, આઈ વૉન્ટ ટુ સ્ટડી ફરધર..!! 

પપ્પા? પપ્પા તો બહુ નાઈસ ગાય (GUY) છે. હા..યાર..!! પાપાએ એકવાર પક્યાના બાઈક પર મને જતાં જોઈ હતી, બટ યુ..નૉ..!! હી ડીડન્ટ ટેલ મી અ સિંગલ વર્ડ..!! મમ્મા મારી બહુ ચિંતા કરે તો, પાપા તરત મમ્માને કહી  દે છે, યુ ડોન્ટ વરી, શૈલા ઈઝ નાવ, મૅચ્યૉર ઈનફ ટુ ટેક કેર ઑફ હર સેલ્ફ..!!

વ્હૉટ? મૅરેજ અને તેય પકાઉ પંકજ-પક્યા સાથે? નો..વૅ..મેન..!! કૉલેજના કોઈ પોપટ જોડે તો મૅરેજ નહીંજ કરું, યા..ર..!! મૅરેજ તો પાપા જ્યાં સેટ કરે ત્યાં..જ..!! યુ..નૉ..!! અવર ગુજરાતી કલ્ચર એન્ડ સંસ્કાર એન્ડ એવુંજ કાંઈક સમથીંગ..સમથીં.ગ..!! 

O.K. I am in hurry,we shall chat later,bye."

મિત્રો,આમેય ઉત્તર મહાભારત મહાગ્રંથમાં,મહર્ષિ શ્રીવેદવ્યાસજીએ કલિયુગના ભવિષ્ય અંગે કેટલાંક સચોટ કથન કર્યાં છે,તે અનુસાર શિક્ષણ જગતમાં વ્યાપ્ત મલિનતાને કારણે જ્ઞાન અને વિદ્યાનો નાશ થશે..!! તેમ ભવિષ્ય ભાખેલ છે,ત્યારે  આપણી ગુજરાતી ભાષાની હાલતનો ક્યાસ કાઢવાનું અઘરું કામ, હું આપ સહુને સોંપવાનું વધારે પસંદ કરીશ.  

જોકે,નવી પેઢીને ન્યાય આપવા એટલું ચોક્કસ નોંધવું જોઈએ કે, આ યુવાનોમાં, તાજેતરમાં વાંચનશોખનો જો અભાવ જોવા મળતો હોય તો,તેના માટે, કુટુંબ અને શૈક્ષણિક સંકુલનું,આપણી માતૃભાષા તથા સાહિત્ય પરત્વે, ઉદાસીનતાભર્યું વલણ પણ મહદ અંશે જવાબદાર ગણી શકાય. ઘર-શાળા-ગામ-નગર-શહેરોની લાઇબ્રેરીઓની ખસ્તા હાલતથી સહુ કોઈ સુપેરે વાકેફ છેજ..!!  

આ ઉપરાંત, શાળાઓમાં પણ, ભાષાના વિષય-અભ્યાસના ભોગે, ગણિત-વિજ્ઞાન જેવા વિષયને વધારે મહત્વ તથા કેવળ ગોખણપટ્ટી,યાદશક્તિની કસોટી આધારિત મૂલ્યાંકન પદ્ધતિએ,નવી પેઢીને વાંચનની સુટેવ પ્રત્યે, અણગમાનો આતંકિત ભાવ ઉત્પન્ન કરાવ્યો છે, જે સળગતી સમસ્યાને, કેવળ સલાહ-સૂચનના ખોબો ભર્યા જળથી તો હોલવી નહીં જ શકાય..!!

વાચક વંદના. 

જ્યારે, ગુજરાતી સાહિત્ય તથા પત્રકારત્વ જગતમાં, વાયુની ગતિથી ઝડપી પરિવર્તન આવતું જણાઈ રહ્યું છે તેવામાં, તેને રોકવા કહેવાતા કેટલાક બોદા સાહિત્યકારો અસમર્થ જ માત્ર નથી, ભારે મૂંઝવણમાં પણ છે, તેવા સંજોગોમાં એક નવા પુસ્તકનું પ્રકાશન કરવું તે, કોઈ નવજાતની માતાની પ્રસવપીડાથી સહેજ પણ, કમ સાહસ નથી જ નથી. આમતો, કોઈપણ સંતાનને જન્મ આપતા સમયે તેની માતાનો બીજો જન્મ થયો ગણાય છે, વળી તે સંતાનને યોગ્ય દિશામાં માર્ગદર્શન દ્વારા તેને, સમાજમાં માન્યતા અપાવી તેને સુપેરે ઉછેરવું, તેતો વળી સંતાનને જન્મ આપવા કરતાંય વધુ કઠિન કાર્ય છે. પરંતુ બ્લૉગજગતના એ સમર્પિત વાચક મિત્રો વિશે શું કહેવું, જે નેટ પર ખાંખા-ખોળા કરીને મનગમતી સાહિત્ય-સામગ્રી શોધી તેને વાંચ્યા બાદ, આદરણીય અભિનેતા સ્વ.શ્રીસંજીવકુમારની ફિલ્મ-`પતિ-પત્ની ઔર વોહ`ના એક દ્ગશ્યની માફક, બાથરૂમમાં બેસીને છેવટે,લેપટોપ લઈને વાંચવામાં તલ્લીન થઈ જતા હોય..!! નજર સામે ભાવતું ભોજન પડ્યું હોવા છતાં,કૉમ્પ્યુટરના કી-બોર્ડને હાથમાંથી હેઠે ન મૂકતા હોય..!! આવા સાહિત્ય રસિક વાચકગણ પણ સાચેજ વંદનને પાત્ર છે.

ખરેખર,કોઈપણ ભાષામાં સર્જન થયેલું સાહિત્ય તે, વયોવૃદ્ધ વડીલો દ્વારા ગામના પાદરે વાવવામાં આવતા આંબાના વૃક્ષ સમાન હોય છે. આંબો વાવનાર  તે વૃદ્ધ જાણે છેકે, આ આંબો મહોરી ઊઠીને આમ્રફળ આપશે તે ચાખવા કદાચ,પોતે હયાત નહીં હોય..!! છતાંય તે વડીલ આંબો એ આશાએ વાવે છેકે, આવનાર પેઢીનો તે વિસામો બનવાની સાથે-સાથે મીઠા આમ્રફળ પણ આપશે. 

કોઈપણ સાહિત્ય રચનાકાર કવિ-લેખકની સ્થિતિ પણ આ આંબો વાવનાર વયોવૃદ્ધ માનવી સમાન જ હોય છે. પોતાના સારાનરસા અનુભવની ગોટલીઓમાંથી શ્રેષ્ઠ ગોટલી તારવીને, તેને શબ્દ-ચિંતનના અમૃત દ્વારા સીંચીને જે સાહિત્ય રચાય છે તે, વાંચનારના જીવનમાં ફેલાતા સંતાપના ત્રિવિધ તાપની સામે શીતળ છાંયડો બક્ષીને, સાફલ્યનાં મીઠાં ફળ ચખાડે છે. આવું સાહિત્ય માણવાથી લેખકનું તો સન્માન થાય જ છે, પરતું સાથે સાથે, જેતે વિદ્વાન વાચકગણ પણ સન્માનિત થાય છે. 

મિત્રો, ભાદરવાના ભરપૂર આલ્હાદક, મનભાવન વરસાદી વાતાવરણ વચ્ચે, ભાતીગળ મોરપીંછના રંગોથી શોભતા, કોઈ આનંદિત મોરલાની ઉલ્લાસમય કળા સમાન, રંગબેરંગી બ્લૉગ-જગત, આપના સહકારથી ઉજ્જ્વળ ભવિષ્યને પામે તેવી શુભકામનાઓ સાથે, આજે માતા સરસ્વતીજી વંદના,પુસ્તક વંદના અને વિદ્વાન વાચક વંદના કરતી વેળાએ, સમગ્ર `બ્લૉગ-જગત પરિવાર` વતી આપ સહુને શત શત વંદન.

અસ્તુ,

માર્કંડ દવે.તા-૨૦-૦૭-૨૦૧૧.

2 comments:

  1. priy Markandbhai,

    Sarswati Vandana, Pustak Vandana ane Vachak Vandana... Adbhut vichar kalpanathij tame saunu dil jiti lidhu chhe... vishay vastune dil thi vachak sudhi mukvani kala matra ne matra Sarswati ni krupathi j shkya chhe...mane potane pan padika na kagliya vanchvani tev chhe...Tamari undi vanchan kala nu darshan thay chhe sathe sathe tamari smaran shakti pan kabile dad chhe... khub khub abhinanadan... Sanjay Thorat

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.