Friday, January 15, 2010

નાટક

સ્ટેજના રમૂજી-કડવા મીઠા અનુભવ શ્રેણી-૨

પ્રિય મિત્રો,

આજના આધુનિક યુગમાં અનેક પ્રકારની સુખસુવિધામાં અનેક ઘણો વધારો થયો છે.વળી નવી નેનો ટેકનોલોજીના આવિર્ભાવને કારણે કલાના ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રમાં કાર્યપ્રણાલીમાં સરળતા સાથે સફળતાના ગુણાંકમાં અનેકઘણો વઘારો થયો છે. એ પણ નોંધપાત્ર છેકે,આ તમામ ઉપલબ્ધી છેલ્લા ૨૫ વર્ષોમાં પ્રાપ્ત થઈ છે.

જૂના રંગમંચના તમામ કસબીઓને આપણે શત-શત સલામ કરવા જેવી છે,કારણકે, સાવ ઓછાં સાધનો હોવા છતાં,ઉપલબ્ધ પ્રોપર્ટી દ્વારા ઉત્તમ કૃતિઓને,ઉત્તમ પ્રકારે રંગમંચ ઉપર રજૂ કરવામાં આવતી હતી,આજે મને સ્ટેજ ઉપર થયેલા આવાજ એક રમૂજી કડવા મીઠા અનુભવની વાત કરીશું.

આ બનાવ ૧૯૭૦ ના દશકની શરુઆતનો છે. અમદાવાદ-આંબાવાડી વિસ્તારમાં રહેતા કેટલાક નાટકના શોખીન કલાકાર મિત્રોએ ભેગા મળી એક ડ્રામા ગ્રુપ બનાવ્યું અને જાતે જ લખેલા કોમેડી નાટકને પુરતા રિહર્સલ સાથે સ્ટેજ ઉપર રજૂ કરવા કોઈ એક તકની રાહ જોવા લાગ્યા,છેવટે વલસાડના હિરાઉદ્યોગના એક સમૃધ્ધ વહેપારી મિત્રએ, પોતાના વિસ્તારના ઓપન એર-થીએટરમાં એક રવિવારના રોજ રાત્રીનો ટિકિટ શૉ ગોઠવ્યો.

ગુજરાતી ફિલ્મ-ટીવી અને રંગમંચના,આજના પ્રખ્યાત કલાકાર અને કોલેજના મારા પરમ મિત્ર શ્રીમહેશ વૈદ્ય પણ એક અગત્યના કોમેડી પાત્રમાં હતા.આપ સર્વેની માફી સાથે,આ નાટકના દિગ્દર્શક-હીરોનું નામ ઘટનાની નજાકત જોતાં હું લઈ શકું તેમ નથી.જોકે એ પણ મારા પરમ મિત્ર છે,અને આજની તારીખે તો ફિલ્મ-ટીવી-રંગમંચના સહુથી સફળ અભિનેતા છે.

મિત્રો,કોલેજના જાણીતા મિત્રો વચ્ચે ડ્રામામાં ભાગ લઈ તાળીઓ મેળવવી અલગ બાબત છે અને કૉમર્સિયલી ટિકિટ શૉ કરવો અલગ બાબત છે.પ્રથમ ટિકિટ શૉ હોવાથી દરેક કલાકારના મનમાં આતુરતા,ઉત્તેજના અને સ્ટેજ ઉપર છવાઈ જવાની અધીરાઈ એટલી બધી હતીકે,રખેને બીજા દિવસે કોઈ અગત્યનો કલાકાર સમયસર ના આવેતો એવી બીકે,બીજા દિવસે સવારે ગુજરાત એસ.ટી.નિગમની બસમાં ગીતામંદિરથી સવારે આઠ વાગે વલસાડ જવાનું હોવા છતાં,આગલા દિવસે શનિવારે જ આંબાવાડીના દિગ્દર્શક /હીરોના ઘેર સર્વે એ આવી જવું,તેમ નક્કી થયું.મારે તો માત્ર સંગીત આપવાનું હોવાથી,આગલી રાત્રે
આવવા સામે મેં નબળો વિરોધ નોંધાવી જોયો, પણ મિત્રોના આગ્રહ પાસે મારું કાંઈ ઉપજ્યું નહી.

આંબાવાડી વિસ્તાર તે સમયે એટલો બધો વિકાસ પામેલો ન હતો.જોકે અમારા હીરો મિત્રએ યથાશક્તિ ચા-પાણી નાસ્તાની સારી સગવડ કરી હતી.પણ એમના નાના સરખા ટેનામેન્ટમાં આખીરાત લગભગ વીસેક કલાકારોને આરામની સગવડ ના મળી,સરવાળે સવાર થતાંતો બધા કંટાળી ગયા.સવારે પાંચ વાગ્યામાં બધાએ નાહીધોઈ તૈયાર થઈને ગીતામંદિર જવા પ્રયાણ કર્યું.

બજેટના અભાવે નાટકના સંગીતકાર તરીકે,માત્ર અને એકમાત્ર હું સેવામાં હાજર હતો.બાકીના બધા કલાકારોને નાટકની અલગ અલગ પ્રોપર્ટી સાચવવાની જવાબદારી આપવામાં આવી,જ્યારે મારી પાસે એક ૨૨ કિલો વજનનું ઍમ્પ્લીસ્પિકર અને આશરે ચારફૂટ લાંબું બોક્ષ ધરાવતી ઈલેક્ટીક ગીટાર હતી.જોકે બંન્ને ને ઉંચકવું અઘરું લાગવાથી શ્રીમહેશભાઈએ મિત્રતાના દાવે ઈલેક્ટ્રીક ગીટારનું બોક્ષ જાતે ઉઠાવી લીધું,મને થોડી રાહત થઈ.

એસ.ટી.બસસ્ટેન્ડના બાંકડા ઉપર બધો સામાન મૂકીને કેટલાક મિત્રો બસની તપાસ કરવા ગયા.જોકે તેઓ થોડેક દૂર ગયા હશે ત્યાંતો વલસાડની બસ મૂકાતાં સહુ કોઈ પોતપોતાના સામાન સાથે ,ધક્કામૂક્કીમાં બસમાં પ્રવેશી પાછળની છેલ્લી બે લાંબી મોટી સીટ રોકીને બેસી ગયા.મારી પાસે આશરે બાવીસ કીલો વજન ધરાવતું ઍમ્પ્લીસ્પિકર હોવાથી હું સાચવીને,સહુથી છેલ્લે ભીડ ઓછી થયા પછી,બસમાં ચઢ્યો.મારી જગ્યા શ્રીમહેશભાઈએ રાખેલી હોવાથી.હું તેમની સાથે બેસી ગયો.બસ ઉપડતાં જ બધા ફરીથી નાટકના મૂડમાં આવી ગયા.આનંદપ્રમોદ અને રાજીપામાં બે કલાકમાં વડોદરા બસ સ્ટેશન ક્યારે આવી ગયું.તેની ખબર ના રહી.

આશરે ૧૧.૦૦ વાગે વડોદરા પહોંચ્યા ત્યારે મારી ઈલેક્ટીક ગીટાર નું બોક્ષ બરાબર મુક્યું હોવાની પૄછા મેં શ્રીમહેશભાઈને કરી ત્યારે તેઓએ કહ્યું."બોક્ષતો બસસ્ટેન્ડના બાંકડા ઉપર છેલ્લે તમારી પાસે હતું નેં ?"

મને ફાળ પડી,ઝડપથી આખી બસ ફેંદી વળ્યા,ગીટાર ન હતી,તે અમદાવાદ,ગીતામંદિર બસસ્ટેન્ડના બાંકડા ઉપર રહી ગઈ હતી,હવે ? નાટ્કમાં હું એક માત્ર સંગીતકાર અને ગીટાર બે કલાકથી જો ગીતામંદિરના બાંકડા ઉપર પડી હોય તો ક્યારનો ય કોઈ મોરલો તેને ઉઠાવી.વેચીને રોકડી કરી ગયો હોય.
અમારા હીરો / દિગ્દર્શક મિત્રની હાલત જોવા જેવી થઈ ગઈ.આ તો પહેલા કોળિયે માંખ આવી,એક મિત્રએ વળી મારો વાંક કાઢી મને ટપાર્યો,'પોતાની વસ્તુનું પોતે ધ્યાન રાખવું જોઈએને..!!",મને થોડો ગુસ્સો આવ્યો.પણ અમારા અમારા હીરો /દિગ્દર્શક મિત્ર ને લાગ્યું,દવે વળી ગુસ્સામાં પાછો અમદાવાદ ઘર ભેગો થઈ જશે તો,અત્યારે છેલ્લી મિનિટે નાટકના સંગીતનું શું થશે ? તેમણે મને મારું ઍમ્પ્લીસ્પિકર સાચવીને વલસાડ લઈ જવાનું, જેન્ટલમેન પ્રોમિસ આપી,મને વળતી બસમાં અમદાવાદ ગીટારની તપાસ કરવા મોકલ્યો.હું મારી ઉઠાવેલી જવાબદારી સુપેરે સમજતો હોવાથી પરત રવાના થયો.પરંતુ વડોદરા થી અમદાવાદ,મારા પ્રાણથી એ પ્યારી,મારી ગીટારના બોક્ષની ચિંતામાં હું સાવ અધમૂવા જેવો થઈ ગયો.

ગીતામંદિરના બસસ્ટૅન્ડ ઉપર બસ ઉભી રહેતાંજ સહુથી પહેલા જ ઠેકડો મારીને,હું જ્યાં અમે બેઠા હતા,ત્યાં દોડ્યો. જોયુંતો મારું ગીટારનું બોક્ષ,મારી રાહ જોતું,મને ફરીયાદ કરતું હોય તેમ,જેમનું તેમ પડ્યું હતું,જાણે તેને સાચવતાં હોય તેમ એક ઘરડાં માજી તેની બાજૂમાં બેઠાં હતાં.

કોઈ પ્રેમાળ માતાનું વહાલું બાળક વિખૂટું પડેલું હોય અને તેને જોતાંજ માતા જેમ બાળક ઉપર ઝપટ મારીને કબજો જમાવે તેમ મેં, ગીટાર ઉપર ઝપટ મારી હવે મને શાંતિ થઈ તે સમયે મોબાઈલ તો હતા નહીં..! એટલે હું મિત્રોને જાણ કર્યા વગર,પાછી વલસાડ જતી બસમાં બપોરના લગભગ ૧.૦૦ વાગે બેઠો.ભૂખ કકડીને લાગી હતી પણ ઉતાવળમાં થોડા બિસ્કીટ સિવાય કશું પેટમાં નાંખી શક્યો નહીં.છેવટે આશરે સાંજે છ વાગ્યાની આસપાસ વલસાડ બસસ્ટેન્ડે ગીટાર સાથે ઉતરી,બસસ્ટેન્ડની બહારની એક હોટૅલમાં ગુજરાતી આખું ભાણૂં ધરાઈને જમ્યો.હવે દુનિયા જખ મારે છે,તેવો આત્મવિશ્વાસ આવી ગયો.

નાટકનો શૉ તો રાત્રીના ૯.૦૦ કલાકનો હોવાથી,મારા મિત્રોએ આપેલું સરનામું શોધતો,પેલા હીરાના વહેપારી ફાઈનાન્સરના બંગલે જેમ તેમ કરીને પહોંચ્યો ત્યારે આઠ વાગવા આવ્યા હતા,અને મારા હીરો /દિગ્દર્શક મિત્રનું બ્લડપ્રેશર ઘટી જવાથી ડૉક્ટરને બોલાવવા પડ્યા હતા.મેં શ્રીમહેશભાઈને આમની તબીયત ખરાબ થવાનું કારણ પૂછ્યું,તો તેમણે હું મોડો પહોંચ્યો,તેની ચિંતામાં બિમાર થયા હોવાનું જણાવતાં,મને મનમાં અપરાધભાવ ઘણો જ સતાવવા લાગ્યો.
જોકે,આવી તબીયત હોવા છતાં તેઓએ મને જમવા અંગે આત્મીયતાથી કહ્યું.ત્યારે મને સારું લાગ્યું.મેં જમવાની ના પાડીને,અમારો આખો રસાલો,ઓપન ઍર થીએટર જવા રવાના થયો. ઓપન ઍર થીએટરના દરવાજાની બહાર આશરે સાતસો-આઠસો લોકોની ભીડ ઉભી હતી.

ઓપન ઍર થીએટર પર ગયા પછી અમારા હીરો /દિગ્દર્શક મિત્રની તબીયત ખરાબ થવાનું સાચું કારણ જાણવા મળી ગયું,મને પણ મનને શાંતિ થઈ કે,કમસેકમ એનું કારણ હું તો ન હતો.વાત જાણે એમ હતીકે, આખું અઠવાડિયું ટિકિટ વેચવા મહેનત કરવા છતાં,આશરે હજાર પ્રેક્ષકોની કેપૅસીટી ધરાવતા થીએટરમાં માંડ પંદર જેટલીજ ટિકીટ,શૉના છેલ્લા કલાક સુધીમાં,વેચાઈ હતી.વલસાડ પહોંચતાંજ, કલાકારોને ઘેરી વળી પ્રેક્ષકો તેમનો ઓટોગ્રાફ માંગશે..!! તેવી કલ્પનાઓમાં વિહરેલા કલાકારને,પોતાના નાટકના પ્રથમ જ શૉ નો ફિયાસ્કો થતો નિહાળી ,કોણ બિમાર ના થાય.!!.દસ પંદર પ્રેક્ષકો સામે નાટક ભજવવાની મઝા પણ શું આવે ?

છેવટે ઉદાર હ્યદયના ફાયનાન્સર મિત્રએ થીએટરના દરવાજા લોકોના મફત પ્રવેશ માટે ખોલી નાંખ્યા.હવે આખો હોલ પ્રેક્ષકોથી હકડેઠઠ ભરાઈ ગયો.
અને નાટક ભજવાયું,એટલુંજ નહીંપણ,કોમેડીનાટકની સફળતાને તે દિવસે ચાર ચાંદ લાગી ગયા.પ્રેક્ષકોએ નાટકને ખરેખર સાચા હ્યદયથી દાદ આપી,માણીને અમારી અતિ કષ્ટ ભરી વલસાડની યાત્રાને સફળતા બક્ષી હતી.

ટિકીટબારીની ચિંતા તો ફાયનાન્સરો જાણે..!!

અમને કલાકારોને તો કોઈ એકલદોકલ કદરદાન વખાણે એટલે અમારી બૅટરી ફરી પાછી રિચાર્જ થઈ જાય.અમારે બીજી વધારે શી અપેક્ષા હોય ?
આજે પણ શ્રીમહેશભાઈ વૈદ્ય ક્યાંક મળે,ત્યારે તે સામેથી મને રમુજમાં કહે કે,"બધું ભૂલી જઈશ પણ તમારી ગીટાર નહીં ભૂલું."

જોકે મેં તો ફિલ્મ, `તિસરી કસમ` ના રાજકપુરની માફક મારી ગીટાર હવે કોઈને સાચવવા ક્યારેય ન આપવી તેવી કસમ,તે જ દિવસે લઈ લીધી હતી.
હા, બૉસ,ભૂખ્યાતરસ્યા બસનાં ઠેબાં કોણ ખાય..!!

" મિત્રો,આપે આવી કોઈ કસમ ક્યારેય લીધી છે ?"

માર્કંડ દવે.તા.૦૧-૧૨ ૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.