Saturday, January 16, 2010

જાહેર નોટિસ-ગુ.ફિ.બહેન

જાહેર નોટિસ-(ચેતવણી)-અવગણવાની ભૂલ કરવી નહીં.

"આથી,આ જાહેર નોટિસ દ્વારા ગુજરાતની તથા સમગ્ર દેશ-વિદેશની જનતાને જાહેર ચેતવણી આપવાની કે,નીચે જણાવેલ અમારી દીકરી નામે"ગુ.ફિ." અમારા કહ્યામાં નથી તેથી એને કોઈએ પણ તન મન ધન થી મદદ કરવી નહીં,તેમ છતાં જો કોઈ આવી મદદ કરશે તો તેની કોઈપણ જવાબદારી અમારા અસીલની રહેશે નહી."

મારી મારફતે,(વકીલ)

શ્રીઆલતુ.ફાલતુ.ગુજરાતી(મૅડ-વો-કેટ)

ઓફિસ-કંટાળા ભવન,ખંજવાળ ગલી.

અધોગતિ માર્ગ..ગર્દાબાદ.

ગુજરાત.

દીકરીનું નામ- ગુ.ફિ.બહેન(ગુજરાતી ફિલ્મ)

ઉંમર-૭૫ (પંચોતેર વર્ષથી વધુ)

દીકરીના બાપનું નામ-ગુજરાત(રાજ્ય)

દીકરીની માતાનું નામ-ગુજરાતી(ભાષા)

જન્મ સ્થળ-જ્યાં મફત જગ્યા મળે ત્યાં
(અવાવરુ વાવ,તળાવ,જાહેર માર્ગ,બગીચા,ઝૂંપડપટ્ટી વગેરે,વગેરે)

ઓળખ ચિન્હ- મરવા વાંકે જીવતી હોય તેવો,નૂર વગરનો ચહેરો,ભાડાનાં ચોળાયેલા,લાજ જાય તેવાં,વારંવાર વપરાયેલા,જૂનાંલૂંગડાં,ઘસાઈ ગયેલી રેકર્ડ જેવો અવાજ.

અમારી દીકરી મળી આવવાનાં સંભવિત સ્થળ-ગામડે પતરાંવાળી ટુરિંગ ટૉકીઝ, શહેરમાં તૂટેલા-સડેલા,મિટ્ટી-પલિત સિનેમાની આસપાસ (મલ્ટીપ્લેક્સ નહીં)

અમારી દીકરીને માથે બેસાડનારા(આપણા સહુની વિરુદ્ધ ચઢાવણી કરનારા)-
કેટલાક કા_ડી છૂટ્યા નિર્માતા(બધાનહીં),હીરો-હીરોઇન બનવા નીકળેલા કેટલાક બેસૂરા સ્ત્રેણ ગાયક તથા ભાયડાછાપ ગાયિકાઓ(બધાનહીં) ,કોઈનીપણ એક્ટિંગની ખસ-ખૂજલી-દાદર મટાડવા,ભેખડે ભરવી દેનારા તથા દરરોજ એક નવો બકરો-બકરી શોધનારા બધાજ ઊંટવૈદ ખાઈબદેલા એજન્ટો .

અમારી દીકરી ગુ,ફિ.(ગુજરાતી ફિલ્મ) ના મનમાં,વર્ષોથી ઘર કરી ગયેલી,સ્વભાવગત ખાસિયત.

૧.દેશને આઝાદી મળી પછી (યુવાનીમાં) આશરે ત્રીસ વર્ષ સુધી કહ્યામાં હતી,પછી એનું છટક્યું!!!(કારણો?-ઉપર-નીચે મુજબ)

૨.જૂનાં લૂગડાં જ પહેરવાનો જિદ્દી સ્વભાવ-જોકે કોઈ"દરિયા છોરું"માણસ મુંબઇથી નવાનક્કોર લૂગડાં લઈને આવે તો એને તરત "મામા" બનાવવાની ઉતાવળ.(પછી પેલો,ચીસ પાડીને,ભલેને કાયમને માટે ભાગી જાય.)

૩."હું,બાવો અને મંગળદાસ"ની એકની એક "ચંડાળ ચોકડી" ની કાયમી બગડેલી સોબત.જે,અમારી દીકરીને સરકારશ્રી(પૂજયદાદાશ્રી) તરફથી, શુભ આશયથી મળતીસહાયમાંથી(કુંવરબાઈનું મામેરું?) કટકી થઈ શકે તેવા બદઈરાદાથી તેની સરભરા કરે છે.(સંકળાયેલા બધાજ "ચંડાળ ચોકડી" નથી)(હા....શ...મને નથી ગણ્યો.)

૪.દીકરીની બોલવાની લઢણ સાવ ગામઠી છે,પણ અમારી દીકરી ગુ.ફિ. એવી તો ચીપી-ચીપી-કરાંજી-કરાંજીને માતૃભાષા બોલે છે..! (હાય..હાય...હાય...સાંભળનાર ને પેટની તકલીફ દૂર થઈ જાય.)

૫.અત્યાર સુધી જેમતેમ કરી આ દીકરીને ઠેકાણે પાડવા અનેકને પૈણાઈ જોઈ,પણ વર્ષોથી ચવાઈને કૂર્ચો થઈ ગયેલી એકની એક ધૂન વગાડતા સસ્તા બેન્ડવાળા(સંગીતકાર?),પુનર્લગ્નમાં સાદાઈ અપનાવવાનાં આગ્રહને કારણે કંતાઈ ગયેલા કંતાનના મંડપવાળા (સેટવાળા?),બાવા આદમના જમાનાના કૅમેરા લઈ એકના એક એંગલથી શૂટિંગ કરતા કૅમેરાવાળા(એમાં આ બધાનો વાંક નથી,સાકર નાંખો એટલું ગળ્યું લાગે.),દર વખતે,એક સરખા દેખાતા વાસી,સોગિયાં મોંઢાવાળા જાનૈયા-જાનડીઓ(કેટલાક નવાસવા તો પાછા જાનમાં જવા સામેથી રૂપિયા આપે ય ખરા?) ને કારણે થોડા કલાકમાં જ અમારી ગુ.ફી.દીકરી,સાસરી(થિયેટર?)માંથી પાછી ઘર ભેગી થઈ જાય છે.

(તા.ક.થોડા સારા અણવર-જાનૈયા-જાનડીઓ છે,પણ એ મુંબઈમાં ગુજરાતી,હિંદી ફાલતુ સિરિયલ્સમાં રોટલો રળી,ટૅલેન્ટનું માપ લેવામાં શાન સમજે છે.)

૬. નવાઈની વાત છેને!! દીકરી ગુ.ફિ.ને તૈયાર થવા છેક મુંબઈ જવું પડે.અહીં તૈયાર થવા નામ પૂરતું,સારું બ્યુટીપાર્લર પણ નથી, (પોસ્ટ પ્રોડક્શન હાઉસ-લૅબ?)

જોકે,હવે હાલ તો ખાસ કોઈ પુનર્લગ્ન કરવા પણ તૈયાર નથી,તેથી તેના સમજદાર,વ્યવહાર કુશળ,વેપારી દાદાશ્રીએ, તેને કાયદેસર ત્યક્તા જાહેર કરી સઘળી જવાબદારીમાંથી હાથ ખંખેરી નાંખ્યા છે.(દાદાય બિચારાં કેટલુંક વહાલ કરે તને? ભટકતી ફર,જા મન ફાવે ત્યાં અથવા જા,જ્યાં જઈને મરવું હોય ત્યાં,મર સા.. બગડેલી ઓલાદ? )

૭.આમતો બેચાર (મિ.યોગી જેવા?) એન.આર.આઇ. મુરતિયા સાથે દીકરી ગુ.ફિ.ની વાત ચાલી,પણ શી ખબર એમણે પરદેશ જઈ,ત્યાં વસવાટ કરતા અમારી દીકરીના ગુજરાતી આશિકભાઈઓને,ના જાણે શું પટ્ટી પઢાવીકે,એને કોઈ ભૂલથી ત્યાં સાથે લઈ જાય છે તો એ લોકો એની સામું ડૉલર્ફદિયું નાંખવાય તૈયાર નથી થતા.

૮. અરે..! એન.આર.આઇ.ની વાત છોડો, હવે આ દીકરીના માંડવે તો માતાજીઓ (માસીબા?) પણ ભૂલથી નથી ફરકતી,(લેવાનું શું!! સમજતા નહીં હૈ યાર..!) જો,ભૂલેચૂકે આવી ચઢે તો,લુખ્ખા મન વગરના આશીર્વાદ આપી,એક ટન નો નિસાસો નાંખી,ચણિયાને બેય હાથે અંદર સંકેલી લઈ,ટાબોટા પાડ્યા વગર (તમારા ગળાના સમ ભાઇ,હું શું કામ જુઠ્ઠું બોલું?) નીચી મૂંડી કરી ઉતાવળે પગલે ચાલતી પકડે છે.(રખેને!! ખૂટતા બજેટમાં કશી મદદ માંગે તો!!!!)

૯. હે ભગવાન!! જો તારું અસ્તિત્વ ખરેખર હોય તો,અમારા પરમપૂજ્ય દાદાશ્રીને સદ્બુદ્ધિ આપ,(બેટી બચાવો-દીકરી ઉગારો આંદોલન શું તૂત થોડું છે?), એ ઉપરાંત અમારા પ્રેમાળ માતા(ગુજરાતી ભાષા),પ્રેમાળ પિતા(ગુજરાત રાજ્ય),ની આ લાડકી દીકરી ગુ.ફી.ઉર્ફે ગુજરાતી ફિલ્મનો કાયાકલ્પ કરી, ફરી નવયૌવન બક્ષી,હે ભગવાન,એનો ઉદ્ધાર કર, કારણકે દીકરી તો માબાપનો સંસ્કારી વંશવેલો આગળ વધારે છે,એને રઝળતી મુકાય? (૭૫ વર્ષની તો થઈ,હવે ક્યારે એની સામું જોઈશ? દયા કર બાપલિયા,થોડી દ....યા કર.)

૧૦. આ જાહેર ચેતવણી (જાહેર નોટિસ) તો ઉશ્કેરાટમાં અમને દાઝે છે,એટલે અપાઈ ગઈ છે ભાઈ,"છોરું તો કછોરું થાય!!",આદરણીય શ્રીછટકંબાણીભાઈઓ તમે પણ, આપસમાં લડવામાં થી જરા નવરાશ મળે તો, આ રઝળતી,દુઃખી ભાણી સામું જરા નજર નાંખજો ભાઈલા,આમેય તમે તો ગુ.ફી.ભાણીના પહેલેથી "મામા" થાવ છો,તમારા અસ્સલ ગુજરાતી ભાયડા સ્વ.ધીરુબાપા જીવતા હોત તો એમનેય વાત કરત.

હકીકતમાં ગુજરાતીઓને જ, ગુજરાતી ફિલ્મ માટે સૂગ,ચીતરી ચઢી ગઈ છે.સારી ગુ.ફિલ્મને પણ પૂર્વગ્રહ,શંકાને કારણે ઓછી જોવાય છે.અત્યાર સુધી,ફિલ્મ અને રાજકારણમાં(દૂધ,દહીં) બંનેમાં પહોળા પગ રાખી-રાખીને ગુ.ફિ.ની `બીપ-બીપ` પરણનારા,સિંહો-ફિંહો કે અટ્ટૅ-કટ્ટે-સટ્ટોડીયાઓ-કનડગતિયાઓ સરકાર દાદાશ્રી પાસે,જાણે બાપાશ્રીનો માલ હોય તેમ,ફિલ્મ નિર્માણ સ્ટુડિયો માટે સહાય મેળવવા આંટા મારે છે?પણ ગુ.ફિ.ના ઉદ્ધાર માટે કડક શરતો લાદ્યા વગર, આવા તકસાધુઓને સરકારે કોઈ સહાય ના આપવી જોઈએ.ગુ.ફિ. થી આકર્ષાઈ કલાક્ષેત્રમાં,પ્રવેશવા થનગનતાં,આપણા ગુજરાતી બહેન,દીકરી,દીકરાનું સામાજિક,આર્થિક,શારીરિક શોષણ સાલું,આપણા જ નાણાંની સહાયથી,શા માટે કરવા દેવું જોઈએ? બાકી, ઉમદા ગુ.ફિ.,અને સિરીયલ્સ બનાવવા આપણા સાહિત્યમાં સહેજ પણ દુષ્કાળ નથી

મિત્રો,ગુ.ફિ.ને ઉચ્ચ ગુણવત્તા સાથે ફરી વિશ્વાસ સાથે સ્થાપિત કરવા આપનું માર્ગદર્શન(ઉપાયો) દર્શાવશો? કદાચ પૂજ્ય દાદાશ્રીને કાને એ વાત નાંખી શકાય? pl.Mail on - mdave42@gmail.com ખેર, હવે બધા ભૂલ્યા ત્યાંથી ફરી ક્યારથી ગણશે?

તા.ક. આ લેખ લખવાનું મુખ્ય કારણ હાલમાંજ મુંબઇથી કેટલાક ચીટર બોગસ નિર્માતા દ્વારા અખબારમાં જાહેરાત આપી અહીં ઘણા બધા ભોળા કલાકારોનું આર્થિક શોષણ કરી ઠગાઈ કરાવાનો કિસ્સો ધ્યાને આવતાં,ક્રાઈમબ્રાંચના એક મિત્રને જાણ કરતાં,આ ચીટર ટોળી કપડાંની બેગો પડતી મૂકી ભાગી છે. ગુ.ફિ.ના ઘણા મિત્રોને આ વાતની જાણ છે.ગુ.ફિ.નું હાલ કોઈ રણીધણી નથી,એનું ખૂબ દુઃખ થાય છે.

ખાસ નોંધ-મે જાગતાં જોયેલાં બિહામણાં સપનાનું આ વર્ણન માત્ર છે.મારા લેખને ગંભીરતાથી લેવા નહીં, બંધબેસતી પાઘડી પહેરવી નહીં. મહેરબાની કરીને, લાગણી દુઃભાયાના નામે, મને પજવવો નહીં.

માર્કંડ દવે.તા.૦૯-૧૦-૨૦૦૯.

1 comment:

  1. હમણાં જ આ ચેતવણી વાંચવામાં આવી.ગુ.ફી. ના હાલ હવાલ કરવામાં જરાક સફળતા મળતાં મુંબઇ જઇ હિંદીના પ્રેમમાં પડેલા જવાબ્દાર ખરા કે નહિ ? પછી બચેલા ખુચેલા જ ગુ.ફી.નો હાથ પકડેને !

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.