Thursday, November 25, 2010

માફ કરજે દીકરા

માફ કરજે દીકરા

" કેમ આ સંગ, આજ લાગે છે પારકો?
  હું   છું  અપરાધીને, દુઃખી છે લાડકો?


============

" મને માફ કરજે દીકરા પંકજ, આજે તારો સોળમો જન્મ દિવસ છે અને તારી નજરમાં આજની તારીખે જ,  હું અપરાધી સાબિત થઈ છું..!!

આજે સવારથીજ તું કેટલો ખૂશ હતો. સવારે ઉઠતાંવેંત, સાવ નાના બાળકની માફક મારી છાતીએ વળગીને તેં,  એક માઁ પાસેથી હક્ક કરીને `વહાલનો લાગો` વસૂલ કર્યો ત્યારે મારી છાતીમાંથી તારા માટે જાણે નવેસરથી ધાવણ ફૂટી નીકળ્યાનો રોમાચં મારા તન-મનમાં પ્રસરી ગયો હતો. જોકે, છેવટે છાતીમાંથી ટપકવા મથતા એ અમૃતરસે મારાં નયનની વાટ પકડીને, હરખનાં અગણિત બુંદાશ્રુ ની વાછંટી વર્ષાનું સ્વરૂપ ધર્યું ત્યારેતો, તારા મસ્તકના કાળા ડીબાંગ યુવા કેશ ભીંજાઈ ગયા.

તને સોળમા વર્ષમાં પ્રવેશ્યાનો, એટલો બધો આનંદ હતોકે, તું મારી કે તારા પપ્પાની પણ, રજા મેળવવાની પણ તમા રાખ્યા વિના, તારા દોસ્તોને મળવા રીતસર દોડી ગયો હતો. જોકે, મને જાણ નહતીકે તું સવારે અમારી સાથે જમીશ કે, બહાર મિત્રો સાથે..!! પણ હું તો માઁ છુંને? તારા માટે તને ખૂબ ભાવતી પૂરણપોળી અને અન્ય વાનગી પ્રેમથી બનાવીને તારી રાહ જોતી હતી.

ત્યાં તો, તું આવ્યો પણ ખરો અને હું હજીતો તને કાંઈ કહું તે પહેલાંજ, મારાથી નારાજ થઈને વળતા પગલે, આવ્યો તેવોજ,  પાછો વળી ગયો?  આજે મને લાગે છે, હવે તું એટલો મોટો થઈ ગયો છેકે, તું આઘાતજનક  કોઈપણ બાબતને જીરવી જઈશ. હવે તને મારે બધી હકિકતથી વાકેફ કરવો જોઈએ.

બેટા, આજથી સત્તર વર્ષ અગાઉ તારા પપ્પા અને મારાં લગ્ન થયાં ત્યારે તારા જન્મ પહેલાં, આપણી આર્થિક હાલત `રોજ કમાવ-રોજ ખાવ` જેવી દયાજનક હતી.જોકે, હું  તો તે હાલતમાંય ખુશ હતી. પરંતુ તારા પપ્પાની મહેચ્છાઓ ખૂબ ઉંચી હતી. તેમણે મારા અત્યંત સ્વરૂપવાન તનને માધ્યમ બનાવીને, તેમના આર્થિક  રીતે સધ્ધર ધંધાકીય ભાગીદારને, આપણા બેડરૂમનો પણ  ભાગીદાર બનાવી, પૈસેટકે ખંખેરાય તેટલો ખખેરી, સાવ ચૂસાઈ ગયેલ કેરીના ગોટલા જેવો બનાવી દઈ, રસકસ ઉડી જતાંજ  ફેંકી દીધો.

તને થશેકે, આવાં કાળા અનૈતિક કામ માટે મેં વિરોધ શા માટે ના કર્યો?  ના કર્યો, બેટા..!! જોકે, તારા પપ્પાએ મને સખ્તાઈથી આમ કરવા મજબૂર કરી તેવું મારી મજબૂરીનું બનાવટી ગાણું હું નહીં ગાઉં..!! આજે તને જે કહીશ તે સાચુંજ કહીશ.

મને પણ, મારા અત્યંત રૂપાળા હોવાનું એટલું બધું અભિમાન હતુંકે, તેના નશામાં સારાસાર અને ભવિષ્યમાં ઉભા થનાર કારમા પરિણામોનો વિચાર કર્યા વગરજ, મારા  આત્માના અવાજને દબાવીને, હું  બે પતિની દ્રૌપદી  બની, જીવન જે માર્ગે વહેતું ગયું તેમ તેમ હું ય તે  વહેણમાં તણાઈને વહેતી રહી..!!

હવે જ્યારે મારો અપરાધ કબૂલ કરવા જ બેઠી છું ત્યારે, છેલ્લે એક  વાત હું સાફ મનથી કબૂલ કરું છુંકે, બેટા તારા પપ્પાના દુરાગ્રહથી અને મેં મારા અત્યંત સ્વરૂપવાન હોવાના અભિમાનમાં ચકચૂર થઈને, `Bedroom`માં મસ્ત યુવાનીના કેફમાં, મેં  આચરેલાં `Bad` કર્મોને કારણે, હું ખાત્રીપુર્વક તારી માઁ હોવાનો દાવો કરી શકું છું, પરંતુ તારા સાચા પપ્પા કોણ તે ચોક્કસપણે કહી શકવાની સ્થિતિમાં હું નથીજ નથી. સાથેજ એપણ માનું છુંકે, મેં  જે અપરાધ કર્યા છે, તે માફ કરવાને યોગ્ય હરગિજ નથી.

પરંતુ, આજે તું તારા દોસ્તો સાથે જન્મદિવસનો આનંદ માણવા બહાર દોડી ગયો ત્યારબાદ એકાંત મળતાંજ,  મારા હજીય ભાંગ્યું ભાગ્યું તોય ભરૂચ જેવા રૂપાળા તનને,  નવાસવા મળી આવેલા ૫૦+ ની ઉંમરના  ભાગીદાર સાથે  વટાવવાનો, તારા પપ્પાનો (?)  દુરાગ્રહ અને હવે તું મોટો થયો હોવાથી, તારા મિત્રોમાં તારી આબરૂ સચવાય તથા  તારા ઉજળા ભવિષ્યના વિચારને કારણે, આ અનૈતિક આચરણ વિરૂદ્ધના,  મેં કરેલા તીવ્ર વિરોધનો કકળાટ, તારા કાને પડી ગયો અને હું તને કાંઇ કહું, ખુલાસો કરૂં તે પહેલાંજ તું વળતા પગલે ઘરની બહાર નીકળી ગયો?

બેટા અત્યારે, તારી માનસિક સ્થિતિ ડામોડોળ હોવાથી,મને તારી અસહ્ય ચિંતા થતાં, અત્યંત મૂંઝવણ થાય છે.

બેટા પંકજ  દીકરા, તારા પપ્પા (?) પૈસેટકે સુખી છે, તને આગળ અભ્યાસ માટે તારા કાજે ખર્ચ કરી શકવા સક્ષમ છે.તું પાણી માંગે તો દુધ હાજર થાય તેવી સાહ્યબી હોવા છતાં, આ વર્ષે શા માટે, તારાથી નાનાં બાળકોનાં ટ્યુશન કરીને, તેં પૈસા કમાવાનો ઈરાદો કર્યો, તેની મને આજે સમજ પડે છે.

બેટા, તું  તો મારાથી નારાજ થઈને, દબાતા પગલે જેવો આવ્યો તેવો પાછો વળી ગયો, પરંતુ તારા જન્મ દિવસે, તારા સ્ટડીટેબલ પર મને આપવા લાવેલી, તારી ટ્યુશનની પહેલી કમાણીમાંથી,  કિંમતી સાડીની ભેંટ નિહાળીને હું, તારા જેવા સમજદાર દીકરાની માઁ હોવાના હરખમાં પાગલ થઈ રહી છું. મને આજે ખાત્રી થઈ ગઈ છેકે, મારે હવે તારા પપ્પાના (?) સડેલા મગજની ઉપજ જેવા અનૈતિક ધંધાથી, ધંધાના ભાગીદારને, મારા બૅડરૂમના ભાગીદાર બનાવીને, અનીતિના પૈસા કમાવાની જરૂર નથી.

મારો પંકજ  દીકરો, પોતાની સ્વતંત્ર કમાણીમાંથી, મને બે સમયની રોટલી ખવરાવી શકે તેવો સક્ષમ થઈ ગયો છે. તારી આ સમજદારીના સદગુણ બદલ, મારે તને વહાલથી નવરાવી દેવો છે, આમ પણ પંકજ એટલે કમળ અને કમળ કાદવમાં ઉગે-ખીલે તે જો સત્ય  હોય તો, મને તું બેધડક કાદવ સમાન માનજે, પરંતુ, ફકત એકવાર, તું વળતા પગલે જ્યાં ગયો હોય ત્યાંથી પરત ફરી, તારી આ અપરાધી માઁને  માફ કરી, તારી નારાજગીને દુર કરવાની મને એક તક આપ બેટા..!! તું આવે છેને?
 
લિo

સમજદાર દીકરાની, નાસમજ માઁ.


===========

© તાઃ૨૫ નવેમ્બર ૨૦૧૦.માર્કંડ દવે.

===========

2 comments:

  1. oh.... so sad and touchy...
    Nice write up.
    http://piyuninopamrat.wordpress.com/

    ReplyDelete
  2. Khub marmsparshi hrudaydaavak vaat Maaf karaje Dikra ! aankh bhinjaai jaay..

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.