Friday, January 15, 2010

લપડાક

લપડાક
કાળનો કકળાટ,તને હું શું કહું! રોજની લપડાક,તને હું શું કહું!
સમાયો,ભીતર ભોરિંગ થઇને? વિષૈલી ડંખમાળ,તને હું શું કહું!

સહોદર,માડીજાયા ભાઇ બહેનના અતિ પવિત્ર સંબંધનું મહત્વ સમજવું હોય તો યમરાજાને પુછો,ક્રિષ્નાને પુછો,મુધલ-શહેનશાહી ભાઇને પુછો,કોઇ બહેનના પ્રિય ભાઇને પુછો.
આજથી એક માસ પછી રક્ષાબંધનનો શુભદિન છે.યોગાનુયોગ એ મારો જન્મ દિવસ પણ છે.મમ્મી-ડેડીના અવસાન પછી,મોટીબહેન દેવશ્રીએ,મારી દેખભાળ,જવાબદારી તથા સારસંભાળ રાખી મારો અભ્યાસ પૂર્ણ કરાવ્યો.હાલમાં,હું એક કંપનીમાં ક્લાર્ક તરીકે જોબ કરું છું.નિઃસંતાન મોટીબહેને,માતાપિતા જેટલી જ ચીવટ રાખી મારા માટે ગોપિકા પસંદ કરી,યથાશક્તિ ખર્ચ કરી લગ્ન કરાવ્યાં.પોતાના માતાપિતાની,એકનીએક,અત્યંત લાડકૉડમાં ઉછરેલી હોવા છતાંપણ,ગોપિકા એવીતો સમજુ,ઘરરખ્ખુ અને પ્રેમાળ છેકે,મારું જીવન ઓછી આવકે પણ સ્વર્ગ જેવું દિપી ઉઠ્યું છે.મારા બનેવી ચિરંતનજી હાલમાંજ,સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયા છે.સ્વભાવે તદ્દન શાંત,ઓછાબોલા,તથા પ્રેમાળ વ્યક્તિ છે,એમના સહકાર વગર અત્યારે હું,સુખી જીવન જીવવા હવાતિયાં મારતો હોત.જેણે મારા સુખદુઃખમાં,ખુશી અને રંજનાં આંસુ વહાવ્યાં છે,આજે એજ મોટીબહેનને મારી મદદની તાતી જરુર છે.છેલ્લા કેટલાક સમયથી સાવ ફીક્કી પડતી જતી મોટીબહેનના જુદાજુદા મૅડિકલ ટેસ્ટ કરાવતાં,બંને કીડની ફેઇલ,હોવાનું નિદાન થયું.અમારી સહુની ઉપર જાણે દુઃખના પહાડ તૂટી પડ્યા.તાત્કાલીક બેવાર ડાયાલિસિસ થયો.બનેવી ચિરંતનજીની શાંત મુખમૂદ્રાની ભીતર ચાલતા દુઃસ્વપ્નના તોફાનને કળી શકાય તેમ હતું.બહેનબનેવી એવુંતો પ્રસન્ન દાંપત્ય જીવ્યા છેકે,આ સારસની જોડી કદાચ તૂટેતો,અનર્થ સર્જાય તેમ મને ભાસે છે.
વચ્ચે એક દિવસ,બહેનની તબિયતની પૃછા કરવા,હું એમના ઘેર પહોંચ્યો,ત્યારે બહેન ઘરમાં એકલાંજ હતાં.અચાનક બહેન દેવશ્રીએ રડમસ અવાજે,અચકાતાંઅચકાતાં મને પ્રશ્ન પુછ્યો,"દેવાંશ,ભાઇ,મારા દેહનો મને કોઇ ભરોસોં લાગતો નથી,એકમાસ પછી રક્ષાબંધન છે,કદાચ આ રક્ષાબંધન,આપણા ભાઇબહેન માટે છેલ્લો તહેવાર હશે.હું તારી પાસે રુપિયાપૈસા નહી માગું.મારે તારીપાસે માત્ર એક વચન જોઇએ છે." મોટીબહેનનો વલોપાત હું જોઇ ના શક્યો,મારાથી બોલાઇ ગયું,"બહેન,આ આખુંએ જીવન તમારુંજ આપેલું છે.ગણતાં થાકી જવાય એટલા ઉપકાર તમે મારા ઉપર કરેલા છે.મારી મા ગણો કે બાપ,બસ તમેજ છો.તમે બેધડક કહો.તમારે શું જોઇએ છે?"
"બીજું કાંઇ નહીં,બસ,હું ના રહું તો તારા બનેવી ને તું સાચવી લેજે.સાવ ઑલિયા-ફકીર જેવા માણસ છે.એમને સરખી ચા બનાવતાં પણ નથી આવડતું.એમની ચિંતા મને કોરી ખાય છે,મારા વગર એ શું કરશે?"એટલું બોલતાં તો બહેન હાંફી ગયાં,અમે ભાઇબહેન એકબીજાને ભેટી ચોધાર રડી પડ્યાં.બહાર ઓસરીમાં પદરવ સંભળાયો,
બજારમાંથી દવા લઇ બનેવી આવ્યા હતા,એમણે મારી સામે જોઇ, ઉદાસ સ્મિત કર્યું,પોતાની વહાલી પત્નીના વિરહના ભયથી,તેઓ પીડાઇ રહ્યા હતા તે સાફ દેખાતું હતું.ભારે ઉદ્વેગ સાથે,ગોપિકાને લઇ ફરી આવવાનું કહી હું ઑફિસ જવા નીકળ્યો.
એક તો એ મોડો પડ્યો હતો ઉપરથી,ઑફિસમાં પણ કામમાં મન લાગ્યું નહીં.નવા આવેલા સાહેબ ખૂબ કડક સ્વભાવના હતા.પ્યૂન આવીને સાહેબ બોલાવતા હોવાનું કહી ગયો.સાહેબની કૅબીનમાં પ્રવેશતાંજ મેં મોડા આવવા બદલ માફી માંગી.પ્રેમભર્યા સ્મિત સાથે,ઉદારતાથી સાહેબે મને બેસવા કહ્યું ત્યારે મારો જીવ હેઠે બેઠો. સાહેબે આત્મીયતાથી મોટીબહેનની ખબર પુછી,"મિસ્ટર દેવાંશ,મારા એક ડૉક્ટર મિત્રને મળવા ગયો હતો,ત્યારે રિપોર્ટ બતાવવા આવેલા,તમારા બનેવી ચિરંતનજી મળ્યા ને,મને વિગત જાણવા મળી.દેવાંશ,મારે ડૉક્ટર મિત્ર સાથે વાત થયા મુજબ સારવારમાં હજુ મોડું નથી થયું,જો તમારાં બહેનને એક કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેતો તે સાજા થઇ શકે તેમ છે."
થોડી મૂંઝવણ સાથે સાહેબને માઠું ના લાગે તે રીતે મેં કહ્યું,"સાહેબ,ડૉક્ટરસાહેબે મને આવીજ સલાહ આપી,પણ આર્થિક તકલીફને કારણે કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે બહેન મને ના પાડે છે."
"આઇ નૉ-આઇ નૉ,લૅટ મી સી,વૉટ કેન આઇ ડૂ ફોર યુ.તેઓ જલ્દી સાજા થઇ જાય તેવી ભગવાનને હું પ્રાર્થના કરીશ.અને હા,તમે વહેલા મોડા થાવ તો ચિંતા ના કરતા,તમારું કામ સંભાળવા મિ.પાટીલને મેં કહી દીધું છે."સાહેબનો આભાર માની,કૅબીનની બહાર નીકળ્યો ત્યારે હું ઘણોજ ટેન્સન ફ્રી થઇ ગયો હતો.
સાહેબ સાથે થયેલી વાતચીત,ઘેર પહોંચીને,જ્યારે મેં ગોપિકાને જણાવી,તો થોડીવાર વિચાર કરી તેણે,અંદરના રુમમાં જઇ ઘરેણાંનો ડબ્બો લાવી મારી સામે મૂક્યો અને કહ્યું,"જુઓ,મને ખબર છે,તમે છેલ્લા કેટલાય દિવસથી ચિંતામાં છો.આજે તમારે એક શબ્દ બોલવાનો નથી.આ ઘરેણાં મને દીદીના જીવ કરતાં વધારે વહાલાં નથી,આ ઘરેણાં વેચી દઇ,રક્ષાબંધન પહેલાં દીદીનું ઑપરેશન કરાવો,તમારી એક કીડની આપવા માટે પણ મારી સંમતિ છે."મેં,મારી સામે ઉભેલી,ગોપિકા સામે ઉંચે જોયું.આ હળાહળ કળીયુગમાં,એક નણંદ માટે,પોતાના પતિના જીવના જોખમે,કોઇની પત્ની,આટલો મોટો ત્યાગ કરે!!મને સમજ ના પડી કે,હું ગોપિકાને શું કહું!મારો કંઠ ભરાઇ ગયો.મારા મન માં ગોપિકા માટે,માન,ગૌરવ,અહોભાવ,પ્રેમ,આદર ના જાણે કેટલાય ભાવ એકસાથે જાગી ઉઠ્યા.
આ વાતને,એકમાસ વીતી ગયો છે.આજે રક્ષાબંધન છે,અને મારો જન્મદિવસ પણ.કીડની ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન સફળતાપૂર્વક થઇ ગયું છે.મને અને મોટીબહેનને ભયમૂક્ત સ્થિતિમાં,આજે હૉસ્પિટલમાંથી રજા આપી છે.મારા સાહેબે કંપનીમાંથી, ખાસ કિસ્સા તરીકે ઓછા વ્યાજની લૉન અપાવતાં તથા ડૉક્ટરસાહેબને ભલામણ કરી,હૉસ્પિટલના બિલમાં મોટું ડિસ્કાઉન્ટ અપાવતાં,ગોપિકાનું સ્ત્રીધન(ઘરેણાં)વેચવાની જરુર પડી નથી.
મારા જન્મદિવસે,મારા પ્રાણથીએ વહાલી મારી બહેનને રક્ષાબંધનની આવી ભેટ!!મારો જન્મારો સફળ થઇ ગયો.
આપ શું માનો છો?મારી પત્ની ગોપિકામાં પ્રવેશેલો,હળાહળ કળીયુગનો પ્રભાવ,આમ હકારાત્મક હોય તો દરેકની પત્નીમાં આ હળાહળ કળીયુગ પ્રવેશવો જોઇએ?
માર્કંડ દવે.અમદાવાદ.તાઃ૧૮-૦૭-૨૦૦૯

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.