Friday, January 15, 2010

ગધેડાનો બાપ.

ગધેડાનો બાપ.

" ઉરને પરબીડીયે બીડ્યો, લાગણીનો કાગળ.
પડ્યો ઘૂંટણીયે પ્રેમ, માગણીઓ આગળ..!!"
=================================

" સા...!! ગધેડા...!! બે છોકરાંનો બાપ થયો તોય બુદ્ધિનો લઠ્ઠ જ રહ્યો." ૩૪ વર્ષની ઉંમરે પહોંચેલા,એકના એક, દીકરા પારસ ઉપર, ગળાની નસો ફૂલી જાય, તેટલા જોરથી, બાપા તાડુક્યા. પારસની ભૂલ એટલી જ હતીકે, દુકાનમાં માલ બદલાવવાં આવેલાં માજીને પ્રેમથી બેસાડી,ચા પીવડાવીને, માલ બદલી આપ્યો,એટલુંજ નહીં,નવો માલ ઓછી કિંમતનો હોવાથી,બચેલાં નાણાં,પારસે, માજીને ઈમાનદારીથી,પરત કર્યાં હતાં.

જોકે,પચાસ વર્ષ જૂની કાપડની દુકાનમાં,બાપ-દાદાના સમયથી જ, બીલમાં ચોખ્ખું છાપેલુ હતું,"એકવાર વેચેલો માલ પરત લેવાશે નહીં.માલ બદલી કરી અપાશે નહીં.કોઈપણ સંજોગોમાં નાણાં પરત મળશે નહીં." છતાં આ ગધેડાએ ભૂલ કરી, બપોરના ટીફીનમાં આવેલું ભોજન પણ જયંતિબાપાના ગળે ઉતર્યું નહીં.હજુપણ તેમનો ગુસ્સો શાંત થતો ન હતો.એકતો બજારમાં ચારેકોર,કાપડ અને તૈયાર વસ્ત્રોના, નવા શો-રુમ્સ શરુ થયા ત્યારથી,ધંધાને માર પડ્યો હતો,તેમાં આ ગધેડો રોજ આવું નુકશાન કરે,તે કેમ ચલાવી લેવાય ? છેવટે,એકાઉન્ટન્ટે સમજાવતાં તથા સમય વીતતાં, જયંતિલાલનો બબડાટ, ધીરે ધીરે ઓછો થઈ, સાવ બંધ થઈ ગયો. સાંજે બાપ-દીકરો દુકાન વધાવી, સાથે ઘર ભણી વળ્યા. બંને વચ્ચે રસ્તામાં ખપ પૂરતી વાત પણ થઈ.

ઘેર પહોંચતાંજ, બંને પૌત્ર દાદાને ઘેરી વળ્યા,દાદા પણ તેમની કાલીઘેલી વાતોમાં એવા ખોવાઈ ગયા,જાણે કાંઈ બન્યું જ ન હોય..!!

સાંજનું વાળુ કરીને જયંતિલાલ આડે પડખે થયા.મન વિચારે ચઢી ગયું. છેલ્લા ત્રીસ વર્ષથી,પોતાની સાથે નાની અમથી અંટસ પડી,તેમાં તો એકના એક દીકરાની માં સરલા પિયર જઈ બેસી ગઈ હતી.વાતમાં કાંઈ દમ ન હતો,પણ વાતનું વતેસર કેમ કરતાં થઈ ગયું..!! પોતાને ખબર જ ન રહી.જોકે પોતાનો વાંક પણ હતો,જે ઘણું મોડું સમજાયું.

બન્યું એવું કે, નાનો ચાર વર્ષનો આ પારસ, બાલમંદિર ન જવા માટે જીદે ચઢ્યો હતો.આ તો પાછી બાળહઠ..!! પણ એની મા સરલા એની સામે, સ્ત્રીહઠે ભરાઈને, સ્કૂલે મોકલવા જીદે ચઢી હતી.જયંતિલાલનું સાધારણ માથું દુઃખતું હોવાથી, આજે દુકાનેથી ઘેર જમવા આવ્યા હતા.પારસે સ્કૂલે ના જવાનો અને સરલાએ તેને પરાણે મોકલવાનો કકળાટ લાંબો ચાલતાં,છેવટે જયંતિલાલના ગરમ સ્વભાવને કારણે ,મોંઢામાંથી કડવાં વેણ નીકળી ગયાં,"હવે આ ગધેડો ભણીને કયો મોટો લાટસાહેબ બનવાનો છે? છેવટે તો દુકાનમાં ગલ્લે જ બેસવાનું છે ને ? થોડું લખતાં-વાંચતાં શીખે એટલે બસ..!!" પણ ના જાણે કેમ..!! આજે દીકરાની માંને શૂર ચઢ્યું હોય તેમ, પારસનો હાથ ખેંચીને, સરલા તેને સ્કૂલે મોકલવા લાગી,હવે જયંતિલાલનો પિત્તો ગયો.

જીદે ચઢેલી પત્ની સરલાને જ,અત્યંત ગુસ્સામાં, બાવડું ઝાલી,ઘરના દરવાજાની બહાર મૂકી આવ્યા,તે આજની ઘડીને કાલનો દિ`..!! ના ક્યારેય તેમણે પત્ની સરલાને પાછી બોલાવી,ના સરલા જાતે પાછી આવી.માં ના હ્યદયને દીકરા પારસને મળવાનું મન થાય ત્યારે,સ્કૂલના દરવાજે,બારોબાર મળી દીકરાના માથે હાથ ફેરવી,વહાલ કરી લઈ, આંખમાં આવેલાં આંસુ, એકબાજૂ ડોકી ફેરવી, સાડલાથી લૂછી નાંખે.જોકે પછીતો પારસ મોટો થતાં જ, સ્કૂલમાંથી ગાપચી મારી,માને મળવા સીધો જ, મામાના ઘેર, છાનોમાનો પહોંચી જાય.સરલા તેને સમજાવીને,વહાલથી પાછો ઘેર મોકલી દે.

પછી તો,જયંતિલાલે એકના એક દીકરાનું લગ્ન કર્યું,તોય સરલાને ના બોલાવીકે ના જાણ કરી.નવ-વરઘોડિયાઁ છાનાંમાનાં જઈને સરલાના આશિર્વાદ લઈ આવ્યાં. ઘરમાં વહુ આવી, દીકરાના ઘેર પણ બબ્બે દીકરા થયા તોય,પારસને કારણે જ,ઘરમાં પત્ની સાથે કકળાટ થયેલો તે યાદ રાખી,જયંતિલાલ ખાનગીમાં,જાહેરમાં,એકલા કે દુકાનમાં,સગાંની સામે કે દીકરાની વહુની સામે,પારસને ગધેડાનું કાયમી ઉપનામ આપી,બાપા તેને સાવ ટકાનો કરી નાંખતા.ઘરમાં મા વગર ઉછરેલો,દબાયેલો,ચંપાયેલો છોકરો,બાપાએ આપેલું ઉપનામ સ્વીકારી લેતો હોય તેમ કાયમ મૂગો રહેતો.

જયંતિલાલને વિચાર કરતાં-કરતાં ક્યારે ઊંઘ આવી ગઈ,ખબર ના રહી. અચાનક અડધી રાત્રે બાપાના જોરથી કણસવાના અવાજથી,બાજૂની રુમમાં સુતેલો પારસ જાગી ગયો, તેણે દોડી આવીને જોયું તો,બાપા જોરજોરથી,હાંફી રહ્યા હતા.માં ના ફોટા સામે ઈશારા કરી કાંઈક કહેવા મથતા હતા,પરંતુ બોલી શકતા ન હતા.આખા શરીરે પરસેવાના રેલા ઉતરતા હતા.કદાચ..!! જયંતિલાલને હ્યદયરોગનો હૂમલો આવ્યો હતો.ઝડપથી ઍમ્બ્યૂલન્સ બોલાવી, પારસે, બાપાને હોસ્પિટલ ભેગા કર્યા.

ડૉક્ટરે તેમને ઑપરેશન થીયેટરમાં લીધા,ત્યારે બાપાની,પારસ તરફ, કરગરતી નજરમાં ન જાણે આ ગધેડા દીકરાએ શું વાંચી લીધું..!! કે, દોડીને મામાના ત્યાંથી, પારસ, માંને બોલાવી લાવ્યો.પતિની નજરે ના ચઢી જવાય,તે રીતે દીકરાની માં એકબાજૂ આડસે ઉભી રહી,આજે તેનાં પણ આંસુ રોક્યાં રોકાતાં નહોતાં.સપ્તપદીનાં વચન ન પાળવા બદલ,રહીને રહીને તેને પણ પોતાની ભૂલનું ભાન થયું હતું.પતિના ઑપરેશનના લાંબા સમય દરમિયાન, ના જાણે કેટલાય ભગવાન-માતાજીના નામની, બાધા-આખડી તેણે માની લીધી.

બાયપાસ સર્જરી કરી,સબ સલામતની ખાત્રી આપી ડૉક્ટરે પોતાની જવાબદારી નિભાવી,પણ સહુ કોઈને તેમનું ધ્યાન રાખવા જણાવી,ખાસ સ્પેશીયલ રુમમાં શીફ્ટ કર્યા.છેક સાંજે જયંતિલાલને ભાન આવ્યું,ત્યારે ફરી તેમની નજર જાણે કોઈને શોધવા લાગી,અચાનક બારીમાંથી, પત્નીને પોતાના તરફ જોતી હોવાનું જોઈ જતાં, જયંતિલાલ, ધીમા સાદે, દીકરા પારસ ઉપર રીવાજ મુજબ ફરી તાડૂક્યા,"સા...!! ગધેડા...!! તારી માં ક્યારની બહાર ઉભી છે.તેને મારી પાસે અંદર બોલાવતાં, તને પેટમાં શું ચૂંક આવે છે?"

ગધેડાનું ઉપનામ મેળવીને,જિંદગીમાં આજે પહેલી વાર, દીકરો જાણેકે, ધન્ય થયો હોય તેમ,બાપાની સામે હસતો-હસતો, માંને અંદર બોલાવવા,ઝડપથી બહાર દોડ્યો.સરલા અને જયંતિલાલને એકલા મૂકીને, તે બહાર દરવાજે પહોંચ્યો, ત્યારે લગભગ ત્રીસ વર્ષ બાદ, જાણે ભૂલનું પ્રાયશ્ચિત કરતા હોય તેમ,પતિ અને પત્ની બંને,ભીની આંખે, એકબીજાની માફી માંગી રહ્યાં હતાં.

પત્નીનું બાવડું ઝાલીને,ઘરના દરવાજાની બહાર કાઢી મૂકી, પિયરમાં સસરાને, ત્રીસ વર્ષ અગાઉ સપ્લાય કરી દીધેલો માલ (!!) આજે ઘણા વર્ષે, પોતાના નિયમ વિરુદ્ધ પરત લેતાં, જયંતિબાપાને ગુસ્સાને બદલે પશ્ચાતાપ મિશ્રિત આનંદનો અનુભવ કરાવતો હતો.

છેક આટલા વર્ષે,આ ગધેડા દીકરા પારસને, જાણે તે હજૂપણ ચાર વર્ષનો જ હોય, તેમ ભાસ થયો.

ખરેખર તો એ નક્કી કરવું અઘરું હતુંકે, બાપાની સાથે આંખ ન મેળવનારો,એક ગધેડો દીકરો ,બાપાની આંખની ભાષા વાંચીને, માને બોલાવી લાવી, આજે બાલમંદિરની પરીક્ષામાં પાસ થયો હતોકે, પછી ગધેડાનો બાપ ?

ચાલો, આ બાબત નક્કી કરવાનું કામ, હું આપના ઉપર છોડી દઉં છું. આમેય બાલમંદિરમાં પણ ભૂલ્યા ત્યાંથી, ફરી ગણવાનું જ, સૌ પ્રથમ, શીખવું પડે છે ને..!!

માર્કંડ દવે.તા.૦૬-૦૧-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.