Friday, December 10, 2010

રાજા ભોજ / ગંગુ તૈલંગ

રાજા ભોજ / ગંગુ તૈલંગ

સ્વાભિમાનના પાયાને  લૂણો  લાગ્યો ?
   
દેશાભિમાનનો   તડકો   કૂણો   લાગ્યો..!!"
==========

પ્રિય મિત્રો,

માળવાના પરમારવંશીના પ્રસિદ્ધ રાજા ભોજના દરબારમાં ૧૪, ૦૦૦ કવિ હતા. કવિ કાલિદાસ ઉપર તેઓને ઘણો પ્રેમ હતો. રાજાભોજ  સંસ્કૃતમાં ઘણો વિદ્વાન, કવિ અને પારંગત વિદ્યાપ્રેમી હતો. તે ધારા નગરીના સિંધુલ નામના રાજાનો પુત્ર હતો.  ભોજ ઘણો વીર, પ્રતાપી, પંડિત અને ગુણગ્રાહી હતો. એણે કેટલાયે વિષયોના અનેક ગ્રંથ રચ્યા હતા. તે બહુ જ સારો કવિ, દાર્શનિક અને જ્યોતિષી હતો. રાજા ભોજે, સરસ્વતી કંઠાભરણ, શૃંગાર મંજરી, ચંપૂરામાયણ ચારુર્ય્યા, તત્ત્વપ્રકાશ, વ્યવહાર સમુરચય વિગેરે નામના અનેક ગ્રંથ લખેલા છે.

ધારા નગરીથી ( મધ્યપ્રદેશ- ભોપાલથી)  અડધો માઈલના અંતરે, દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે, એક તૂટેલો લોખંડનો સ્તંભ પડેલો છે. પરાક્રમી રાજા ભોજે તૈલંગ દેશના રાજાને હરાવી જીત મેળવી હતી, તેની યાદગીરીમાં આ કીર્તિસ્તંભ રાજાએ બંધાવ્યો હતો

તૈલંગ દેશના રાજાનું નામ ગંગુ હતું. તૈલંગ ગંગને હરાવીને રાજા ભોજે ગંગુનું રાજ્ય પોતાના રાજ્ય સાથે જોડી દીધું. તે ઉપરથી કહેવત ચાલી કે, `ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તૈલંગ.` પરંતુ, કાળ વીતવા સાથે ગંગુ તૈલંગને બદલે ગાંગો તેલી બોલાવા લાગ્યું અને અર્થનો  અનર્થ કરવા માંડ્યો.

એકવાર રાજા ભોજના દરબારમાં, એક વિદ્વાન બ્રાહ્મણ તેની પત્ની-પુત્ર તથા પુત્રવધુ સહિત અઢળક દાન મેળવી, પોતાની દરિદ્રતા દૂર કરવાના શુભાશયથી રાજા ભોજના દર્શને  આવ્યો. રાજા ભોજે તેને આદરસહ  આવકાર આપીને ખૂબ માન આપ્યું, તેનાથી રાજી થઈને, પેલા બ્રાહ્મણે  ભોજ રાજાની પ્રશસ્તિ કરતાં તત્કાળ એક શ્ર્લોક રચીને રજુ કર્યો,

निजानपि गजान भोजं ददानं प्रेक्ष्य पार्वती।
गजेन्द्र   वदनं  पत्रं  रक्षत्यद्य   पुनः    पुनः॥


અર્થાતઃ- રાજા   ભોજ પ્રસન્ન થઈને  જે પ્રકારે ઉદારતાથી, વિદ્વાનોને અને કવિઓને હાથીઓનું છૂટા હાથે દાન કરે છે, તેથી હાથીના મુખવાળા પોતાના પુત્રને પણ, રખેને ભૂલથી દાન આપી દેશે તો, તેવો સંશય મનમાં ધરી, માઁ પાર્વતીજી પોતાના પુત્ર  ગણેશજીનું  રક્ષણ  કરવા લાગે  છે.

હવે આ સુભાષિતને આપણે આજના સંદર્ભમાં મૂલવીએ તો?

૧.  રાજા ભોજના સિંહાસન પર આપણા મતથી ચઢી બેઠેલા, ગંગુ તૈલંગ જેવા, કેન્દ્રિય કેબીનેટ ગૃહમંત્રી આદરણીય શ્રીચિંદમ્બરમજી, તથા પોતાની `હાથી` જેવી કાયાની માયાને વશ થઈ, ઠેરઠેર પોતાના જીવતેજીવત પૂતળાં ગોઠવવામાં સદાય વ્યસ્ત રહે છે તેવાં, ( સુશ્રીપાર્વતીજી--સૉરી)  સુશ્રીમાયાવતીજી,

બનારસ-વારાણસીના ધૄણિત આતંકવાદી હુમલાની જવાબદારી બાબતે એકબીજાને ખો-ખો આપીને, સંસાધનોની ખામી કાઢી રહ્યા છે અને સમગ્ર  ઘટનાને રોકવાની પોતાની કાર્યશક્તિની ઉણપ સ્વીકારવા બાબતે આબાદ છટકી જવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સમગ્ર દેશ સહિત, આખુંય જગત આ ગંગુ તૈલંગ-તૈલંગીનીઓ દ્વારા, અત્યંત નિષ્ઠાપૂર્વક રમાઈ રહેલી, જવાબદારી અસ્વીકારની, ખો-ખોની રમતનો તમાશો જોઈ રહ્યું છે..!!

=========

આમતો, સ્વાભાવિકપણે, ઉપર જણાવેલી, ભોજ રાજાની આ પ્રશસ્તિ અતિશયોક્તિભરી જ કહેવાય, છતાંય રાજાએ, વિદ્વાન બ્રાહ્મણ કુટુંબને સારો પુરસ્કાર આપીને તેમને નવાજ્યા.

જોકે,  સમગ્ર બ્રાહ્મણ કુટુંબ સભા છોડીને ગયા નહીં તેથી તેમની કસોટી કરવા ભોજ રાજાએ, તેઓને એક પંક્તિ આપીને તેની પાદપૂર્તિ કરવા જણાવ્યું.

પંક્તિ હતી,  " क्रियासिद्धिः  सत्त्वे  भवति  महतां  नोपकरणे,"

અર્થાતઃ- મહાપુરુષોની કાર્ય  સફળતા શક્તિ પર અવલંબિત હોય છે, સાધન પર નહીં.

વિદ્વાન બ્રાહ્મણે ત્વરિત પાદપૂર્તિ કરતાં આખો શ્ર્લોક પૂર્ણ કરી આપ્યો,

घटो जन्मस्थाने मृगपरिजनो भूर्जवसनो,
वने वासः कन्दादिकमशनमेवंविधगुणः।
अगस्त्यः पार्थोधिं यदकृत कराम्भोज कुहरे,
क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे॥


અર્થાતઃ- જેમનું ઉત્પત્તિ સ્થાન ઘડો છે, પરિવારમાં વનનાં હરણો છે,  ભોજપત્રનું વસ્ત્ર છે,  વનમાં નિવાસ છે અને  ભોજનમાં માત્ર કંદમૂળ જ છે એવા અગસ્ત્ય મુનિએ પોતાના કરકમલમાં અંજલિ લઈને સમુદ્રનું પાન કર્યું હતુ. આથી સિદ્ધ થાય છેકે મહાનપુરૂષોની કાર્યસિદ્ધિ શક્તિ પર આધાર રાખે છે, સાધનો પર નહીં.

૨. રાજા ભોજની વિદ્યાસભામાં, વિદ્વાન બ્રાહ્મણે પાદપૂર્તિ કરેલા શબ્દાર્થને,  આજના બનાવટી ઠગસ્ત્ય મુનિઓ, મહારાષ્ટ્રના મૂખ્યમંત્રી શ્રીઅશોકભાઈ ચવાણાભાઈ, ટૂજી સ્પૅક્ટ્રમ સ્કેમવાળા ટેલિકૉમ મંત્રીશ્રી એ.રાજા બોજ  તથા ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રહેલા તેમના સાથીદારોએ, સાવ અલગરીતે આપણી સમક્ષ સિદ્ધ કરી બતાવ્યું છે.

કેવીરીતે?

ખરેખર તો, આ નફ્ફટ રાજકારણી લોકો રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે, તેમના ઘરમાં પાણી પીવાનો ઘડો પણ નહતો, પરિવાર હરણની માફક નાગો ફરતો હતો, રહેવા ઘર નહતું.  (એટલેજ તો બિચારાઓએ મફતમાં આદર્શ ફ્લેટ પડાવ્યા?)  તથા  તેઓને જમવામાં માત્ર કંદમૂળ હતાં.

પરંતુ,  આ ગંગુ તૈલંગ રાજકારણીઓના હાથમાં સત્તાની સાથેજ, અપાર સરકારી ધનરાશીનો સમૂદ્ર જેવો હાથમાં આવ્યો, તે સાથેજ આ  સર્વએ, અગસ્ત્ય મુનિની માફક, અત્યંત ઝડપથી, સરકારી (અટલેકે આપણી) લક્ષ્મીના આ મહાસાગરને, માત્ર અંજલિ  ભરવાની નાનકડી તકલીફ ઉઠાવી, આખાય સમુદ્રનું આચમન કરી બતાવ્યું. વા..હ..ભાઈ..વા..હ..!!

=========

ભોજરાજાએ હવે આખાય બ્રાહ્મણ કુટુંબની કસોટી કરવા, આજ પંક્તિની પાદપૂર્તિ કરવા, બ્રાહ્મણની પત્નીને જણાવ્યું," મહાપુરુષોની કાર્ય  સફળતા શક્તિ પર અવલંબિત હોય છે, સાધન પર નહીં."

વિદ્વાન બ્રાહ્મણની પત્નીએ, શાલીનતાસહ પંક્તિની પાદપૂર્તિ કરી,

" સૂર્યના રથનું એકજ પૈડું છે, સાતેય અશ્વ સર્પથી બંધાયેલા છે, માર્ગ આકાશમાં આલંબન વગરનો છે, અને સારથી અપંગ છે, છતાંય સૂર્ય દરરોજ સમયસર આકાશના એક છેડેથી બીજા છેડા સુધી પહોંચે છે, આથી સિદ્ધ થાય છેકે મહાનપુરૂષોની કાર્યસિદ્ધિ શક્તિ પર આધાર રાખે છે, સાધનો પર નહીં.

૩.  વિદ્વાન બ્રાહ્મણની પત્નીએ પાદપૂર્તિ કરેલો શબ્દાર્થ,  આપણી ન્યૂઝ ચેનલોના, સટરપટર અંગ્રેજી ઝાડતા અને પોતાને ચોથી જાગીરના  સુપરપાવર સમજી, ફાટીને ધૂમાડે ગયેલા દ્રશ્યશ્રાવ્ય-મીડીયા જર્નાલિસ્ટોને, બરાબર લાગુ પડે છે.

કેબીનેટ મિનિસ્ટર્સને પણ પ્લાન્ટ કરી શકવાનાં (નોકરી અપાવી શકવાનાં) બણગાં ફૂકતા, ન્યૂઝ  ચેનલ્સના ઍડિટર્સ - સબઍડિટર્સ -ઍન્કર્સ-રિપોર્ટર્સ, એવા બરખા દત્ત, પ્રભુ ચાવલા, ચોવીસ કલાક આપણું સર ખપાવતા સરદેસાઈઓના, અનંત આકાશે વિહરતા  સેટેલાઈટને પણ, સૂર્યની માફક એકેય પૈડું નથી.

વળી, તેમની નંબર વન માટેની હોડમાં, એકમેક સામે, સતત  ઝેર ઓકતા સર્પથી બાંધેલી,ચોવીસ કલાકની અશ્વદોડ સમી ન્યૂઝ ચેનલ્સ, એકપણ ન્યૂઝની વિશ્વસનિયતા આલંબન વગરની તથા પરદેશથીજ ઑપરેટ કરતા મોટાભાગની ચેનલ્સના માનસિક પંગુ માલિકો, ખરેખર સૂર્યની માફકજ સમયસર વિશ્વના આ છેડેથી પેલા છેડા સુધી, તમામ દેશોમાં પહોંચતા હોવાનો દાવો કરે છે..!! વા..હ..ભાઈ..વા..હ..!!

=========

હવે રાજાભોજે આ જ પંક્તિ બ્રાહ્મણપુત્રને આપી, બ્રાહ્મણ પુત્રે તેની પાદપુર્તિ કરી,


" શ્રીરામને લંકા જીતવા, સમુદ્ર લાંઘવાનો હતો, રાવણ જેવો મહાબળશાળી શત્રુ હતો, વળી રાવણ સામે લડવા માટે યુદ્ધમાં સહાય કરવા નિર્બળ ગણાતી વાનરસેના સિવાય અન્ય કાંઈ નહતું, આપ છતાં બે હાથપગવાળા શ્રી રામે દશાનન રાવણનો સમસ્ત રક્ષસવંશ સહિત સંહાર કરીને માઁ સીતાને મૂક્તિ અપાવી હતી.આથી સિદ્ધ થાય છેકે મહાનપુરૂષોની કાર્યસિદ્ધિ શક્તિ પર આધાર રાખે છે, સાધનો પર નહીં.

૪.  બ્રાહ્મણ પુત્રે  કરેલી પાદપૂર્તિના શબ્દાર્થ મુજબ, પાકિસ્તાનને આજ સુધી એકપણ યુદ્ધમાં આપણે ફાવવા નથી દીધું,

વળી, આપણે પાકિસ્તાનના ત્રાસવાદી અડ્ડાઓ પર, ઈઝરાઈલ સ્ટાઈલમાં ધાબો બોલવા, ફક્ત થોડાક કિ.મી.નુંજ અંતર કાપવાનું છે. આપણી સૈન્યતાકાત  દુશ્મન કરતાં દસગણી કરતાંય વિશેષ છે.

છતાંય, આપણે ન તો આપણાં સાધનો પર કે ન તો આપણા સૈન્યની કાર્યશક્તિ પર વિશ્વાસ કરી શકતા, સરવાળે સીતામૈયા સમી, માઁભોમની નિર્દોષ જનતા આતંકના રાક્ષસની ચૂંગાલમાં થી છૂટી શકતી નથી. વા..હ..ભાઈ..વા..હ..!!

=========

છેલ્લે, રાજા ભોજના આગ્રહથી, બ્રાહ્મણની પુત્રવધુએ આ જ પંક્તિની  પાદપૂર્તિ કરી,

" કામદેવ પાસે પુષ્પ મઢ્યું ધનુષ્ય છે, ભમરાઓની પણછ છે, ચંચળ નેત્રધારી નારીઓના નયનનાં કટાક્ષરૂપી બાણ છે, જડાત્મા ચંદ્ર જેવો મિત્ર છે, કામદેવ પોતે એકલા અને અંગ વગરના હોવા છતાં સમસ્ત સંસારને વ્યાકુળ કરે છે.આથી સિદ્ધ થાય છેકે મહાનપુરૂષોની કાર્યસિદ્ધિ શક્તિ પર આધાર રાખે છે, સાધનો પર નહીં.

૫.  જો આ  બાબતને સમજદાર જનતા આત્મસાત કરેતો, આપણી સુરક્ષા ન કરી  શકતા, આ સર્વ ભ્રષ્ટાચારી ગુંગુ તૈલબને, સત્તાના સિંહાસન પરથી ઉથલાવવા, આપણી પાસે મતાધિકાર છે, અહિંસક માર્ગે આતંકવાદ સામે લડવા આંદોલનની ભ્રમર (સરકારને ડંખ મારવા) પણછ પણ  છે,

વળી, હજુ સ્વચ્છ અને વ્યવસાયની પવિત્રતાને જાળવી, સરકારના કાન આમળી શકે, તેવા કટાક્ષરૂપી બાણ છોડવાની તાકાત ધરાવતા, સારા પત્રકારો, વિદ્વાનો, ચિંતકોની ફોજ છે, જે ધારેતો વૈચારિક આંદોલન દ્વારા, દેશના નવનિર્માણના માર્ગે જવા, ગુંગુ તૈલંગોને  આકુળ વ્યાકુળ  કરી શકે તેમ છે.

છતાંય, પાંચ વર્ષે, એક દિવસ, ફક્ત કેટલીક ક્ષણો માટેય, આપણે મતાધિકારનો સદઉપયોગ કરવાનું ટાળવા જાતજાતનાં બહાનાં કાઢતા હોઈએ છે?વા..હ..ભાઈ..વા..હ..!!

=========

દોસ્તો, આપને થશે કે ઉપરનું આખુંય દ્રષ્ટાંત, લેખકે પોતાની વિદ્વત્તા ઝાડવા કર્યું છે તો ખરેખર હકિકતે તે બાબત સત્ય નથી..!! 

આ દ્રષ્ટાંતકથા, આપ સહુને યાદ કરાવવાનું મૂખ્ય કારણ એ છેકે, આપણા મહાભારતના કાળમાં (લગભગ ૧૦૦૦ થી ૧૦૫૦- દસમી શતાબ્દીની મધ્યે) આ બાબત સિદ્ધ થઈને સુભાષિત પ્રચલિત થયું છેકે, " મહાનપુરૂષોની કાર્યસિદ્ધિ  શક્તિ પર આધાર રાખે છે, સાધનો પર  નહીં."  છતાં પણ,

આપણો સમગ્ર દેશ, આ ગંગુ તૈલંગ-તૈલી સમા રાજાઓની (..?) કુરાજ્યવ્યવસ્થાને કારણે, ભય અને આતંકના ઓથાર હેઠળ જીવવા મજબૂર છે. કદાચ, આવા ગુંગુ તૈલંગોના કાપૌરૂષિય વ્યંઢળવ્યવહારને જોઈનેજ વિકિલીક્સ પર લીક થયેલા, અમેરિકાના ખાનગી સત્તાવાર દસ્તાવેજોમાં ખુલાસો થયો હશેકે,

" ભારત પોતાની જાતે બની બેઠેલું સુપરપાવર છે, ખરેખર ભારત પાકિસ્તાનથી ડરે છે..!!"

શું આપણે, ખરેખર ચીન-પાકિસ્તાનથી ડરીએ છે?

ભાઈ, હું તો આ બાબતને માનવા મજબૂર છુંકે આપણે ખરેખર પાડોશીઓથી  ડરીએ છે.

અરે..!! અંકલ સામ કાંઈ જુઠ્ઠું થોડાજ બોલે?

અમેરિકા ઈઝ ઑલ્વેઝ રાઈટ..!! ( hi..hi..hi..hi..!!)

રાઈટ,ફ્રેંડ્સ?

વ્હૉટ ડુ યુ સૅ?

માર્કંડ દવે. તાઃ ૧૦ -ડીસેમ્બર ૨૦૧૦.

=========

1 comment:

  1. " દેશાભિમાનના પાયે લૂણો લાગ્યો?
    સ્વાભિમાનનો તડકો કૂણો લાગ્યો..!!"

    પૂરો લેખ વાંચતા ઉપરોક્ત ઉક્તિની યથાર્થતા તેમજ ગહનતનો ખ્યાલ આવ્યો.

    ખૂબજ સુંદર અને સચોટ રજૂઆત સાથે આજની આપણી હાલતનું વર્ણન જોવા મળ્યું. ખૂબજ ઉત્તમ રજૂઆત છે.


    http://das.desais.nert

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.