Friday, February 5, 2010

છોતરાંફાડ આ(પ)ઘાતી પત્ર.

છોતરાંફાડ આ(પ)ઘાતી પત્ર. ( ગદ્ધાવૈતરું- વ્યવસ્થામાં કે વિદ્યાર્થીમાં?) - આપઘાત - suicide

મારો બ્લોગઃ-

"Suicide is not chosen; it happens, when pain exceeds."

" मेरे जनाज़े को ज़्ररा हाथ तो लगा लीजिए।
आख़री रस्म है बाक़ी,अब तो निभा दीजिए॥"

" પૂજ્ય (કહેવાતા..!!) દુનિયાભરના વડીલો ( મા-બાપ સહિત.) અને લાગતાવળતા અન્ય સર્વે.

હું છું આલય, આલયનો અર્થ આશ્રયસ્થાન થાય છે. હું આ વર્ષે, ધોરણ-દસમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી છું. બોર્ડમાં એકથી દસમાં નંબર આવે, તેટલો હું તેજસ્વી વિદ્યાર્થી છું.

મારી સાથે, મારો એક મિત્ર કમલેશ, પણ ઘોરણ- દસમાં મારી સાથેજ અભ્યાસ કરે છે. તેની આર્થિક સ્થિતિ સારી નથી, પણ હું તેને તમામ પ્રકારની મદદ કરુ છું. જોકે મારા ગણતરીબાજ પપ્પા,કમલેશને `આવારા` કહીને તેનો સાથે છોડી દેવા મને અવારનવાર ટોકતા રહે છે.

મારા પપ્પા એક જાણીતા ઍડવોકેટ છે સાથેજ એક સફળ રાજકારણી પણ, ગત સરકારમાં તેઓ સરકારમાં મંત્રીપદે પણ રહી ચૂક્યા છે.મારા રાજકારણી પપ્પા, મને એક સફળ લૉયરના રૂપમાં જોવા ઈચ્છે છે.

જોકે, મારી ઈચ્છા ઘોરણ દસ પછી, ફાઈન આર્ટ્સમાં ડિગ્રી મેળવી, મને ખૂબ ગમતા કલાજગતમાં, કાંઈક કરી બતાવવાની છે.

મારા ગરીબ મિત્ર કમલેશને,તો આગળ કમ્પ્યૂટર ઍન્જિનીયર બનવું છે,પણ એના પપ્પા એને,ધોરણ - ૧૨ પછી, તેમની નાની સરખી કરિયાણાની દુકાન સંભાળતાં-સંભાળતાં, જે ભણાય તેવો કોર્સ કરવા દબાણ કરે છે.જોકે, હું મારા પપ્પા-મમ્મી પાસે સાવ લાચાર છું તો પછી, કમલેશના પપ્પાને, કમલેશ માટે,ભલામણ કરવા ક્યા મોંઢે જઉં?

હું અને કમલેશ, બંને મિત્રો, સાવ હતાશ થઈ ગયા છે અને અમોને આપઘાત કરવાના વિચાર આવે છે. અમે જે નિર્ણય કરીશું, તે એકસાથે જ અમલમાં મૂકવાના છે.જોકે,અમારા આ ઈરાદા અંગે, અમે હજુસુઘી કોઈને જાણ થવા દીઘી નથી.

આજકાલ આપઘાત અંગે,અખબારો,ન્યૂઝ ચેનલ્સમાં અને અન્ય સેમિનારોમાં,વડીલો દ્વારા જે,કાંઈ અમને ઉદ્દેશીને કહેવામાં આવે છે,તેનાથી અમારો આપઘાત કરવાનો નિર્ણય,ઉલટાનો દિવસે દિવસે દ્રઢ થતો જાય છે ?

આ અખબારો અને ન્યૂઝ ચેનલનેય શું કહેવું ..!!

જાહેર મંચ પર વ્યક્ત કરતા, વિચારોથી સાવ વિપરીત,જીવન જીવતા,આવા `હાથીના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા` હોય તેવા , કેટલાક લેભાગુ, ઉપદેશકોને, મહત્વ આપીને, આવી સેલિબ્રીટીઓને કારણે, પ્રચાર માધ્યમોની, લોકપ્રિયતા ભલે વધતી હોય, અમારું, વિદ્યાર્થીઓનું, ભલું તો નથી જ થતું.

અમો વિદ્યાર્થીઓને પજવતી,આપઘાત કરવા પ્રેરતી, સમૂળગી થર્ડક્લાસ વ્યવસ્થાને સુઘારવાને બદલે, ન્યૂઝ લાઈટમાં, અવાય તે રીતે, કેવળ ઉપદેશકનો રૉલ ભજવી, ઑડિયન્સની વાહ વાહ અને તાળીઓ મેળવી, હું, બાવોને, મંગળદાસની આવી કાયમી બેસૂરી ટોળી, ફરી બીજા વિષય પર, અખબારોમાં અને ન્યૂઝરૂમના કેમેરા સામે, ભાષણ આપવા તૈયાર થઈ જશે ? અમે માબાપના, આવાજ ઠાલા ઉપદેશોથી તો, ક્યારનાય કંટાળેલા છેજ..!!

કોઈક શાણાં -પટ્ટીઓ, મોસંબી કે અન્ય ફળની વાત કરી, કોઈ સફળ વૈજ્ઞાનિકનો દાખલો અમને વિદ્યાર્થીઓને, આપે છે, આવા `ના-ણાં-પતી`ઓને પૂછવાનુંકે,
આ ના-ણાં-પતીઓના દીકરાઓ, કયા વ્યવસાયમાં જવાનાં છે ? બાપાનો વ્યવસાય, શોખથી કે બાપાની ઈચ્છાથી, સ્વીકારશે ?તમારે ઘેર, અમારાથી છાનેમાને, તેમના ઉપર ઠોકી બેસાડેલી, તમારી ઈચ્છાઓનું, દબાણ કેટલું છે?

આ ઉપરાંત,શૈક્ષણિક જગતમાં, વિદ્યાર્થીઓના ઍડમીશન માટે,ગરીબ-તવંગર જોયા વગર,શરમ વગર, ડોનેશન પડાવતા, મ-હા- `રાજા`ઓને, અનેક `પાઠકો`(વાચકો) પૂછે છેકે, અમને વિદ્યાર્થીઓને, ઉપદેશ આપતાં પહેલાં,તેઓ પોતે પેલા સંતની માફક `મેવા-મીઠાઈ` ખાવાનું છોડવા તૈયાર છે ?

ન્યૂઝમાં રહેવા, જાહેર મંચ મળ્યો છેકે, મળશે..!! જાણીને, અતિ ડાહ્યા હાથી છાપ,આ ઉપદેશકો, અમારાં માબાપને પણ કેટલીય સલાહ-ઉપદેશ આપે છે. બાળકને, તેની પોતાની ઈચ્છા પ્રમાણે, આમ કરવા દો અને તેમ કરવા દો..!!

અરે, પરમપૂજ્ય વડીલો..!! જે મા-બાપ, તેમનાં પેટનાં જણ્યાંનું નથી સાંભળતાં તે, તમો, હાથી છાપ, આભાસી, ઉપદેશકોની વાતને, વાંચ્યા વગરજ, બીજે દિવસે પસ્તીમાં વેચી નહી દે, તેની તમને ખાત્રી છે?

ચાલો,એમ કરો, મને તમારા, હાથી છાપ, આ ઉપદેશકોના, ઘેર જ લઈ જાવને ? તેમનું બાળક તેમના માટે કેવો નિખાલસ અભિપ્રાય ધરાવે છે, તે મને પૂછવા રજા આપશો. `પારકે ઘેર મોટા લાડુ`ની માફક, જાહેરમંચ પરથી, ખાલી ખોટી વાતોનાં ફીફાં ખાંડવાનું જ બઘાને આવડે છે..બસ..!!

હું કહું છું,જેમના મા-બાપ ડૉક્ટર છે, તે પોતાના દીકરા-દીકરીને,પોતાનો ધીખતો વ્યવસાય સંભાળવા,ડોક્ટર બનાવવા ઈચ્છે છે..!!

ચાલો, માન્યુંકે, બરાબર વાત છે,પણ આજ દીકરા કે દીકરીના માથે હાથ મૂકીને સમ ખાવ,કે "તમે બીનજરૂરી સોનોગ્રાફી કરીને ભૃણહત્યા કરો છો, જરૂર વગર સિઝેરીયન કરો છો, જરૂર વગર ફાર્મા કંપનીઓના ઈશારે,લાંચ લઈને, દર્દીઓને બીનજરૂરી દવા-ઈંજેક્શન લખી આપો છો, ઉપરાંત, આ પ્રકારની, જેટલી પણ ગેરરીતિ કરો છો,તે સઘળાં ખોટાં કામ તમારા દીકરા-દીકરીને પણ કરવાં ગમે છે ?"

કેટલાક બે-પાંચ,સારા ઉપદેશક સિવાય બાકીના તમામ, સાવ બેકાર છે.મને આવા ઉપદેશકોની દયા આવે છે.

આ હાથી છાપ, આભાસી, ઉપદેશકોને મારે એટલુંજ, કહેવું છે. સહુથી પહેલાં અમારા મા-બાપને સુધારો પછી અમને ઉપદેશ આપજો.(મા-બાપમાં -તમે ઉપદેશકોય આવી ગયા,હોં.કે..!!)

ઓ..ધોળાં લૂગડાં પહેરેલા, બગલા ભગતો, તમારી ઉજળી કાયાની, પૂંઠ નીચે, અવળા રસ્તે કમાયેલી, મેલી માયા અને ગંદું મન દબાવીને,અમને, વિદ્યાર્થીઓને, નાનાં બાળકો સમજીને છેતરવાનું બંઘ કરો.

તમારે ખરેખર અમને આપઘાત કરતા અટકાવવા હોય, તમે અમારા ખરા હમદર્દ અને મિત્ર હોવ, તો જાહેરમંચ પરથી, ન્યૂઝ લાઈટની,પ્રસિદ્ધિના મોહને ત્યજીને, ઉપદેશાત્મક ભાષણો ઠોકવાને બદલે, અમારા મનખંડ, વર્ગખંડમાં,અમારી સાથે, રૂબરૂ હાજર થાવ.અને જુઓ,

* તૈયારી વગર ભણાવવા આવતા અને વગર વિચારે,અમને અઢળક હોમવર્ક આપતા કેટલાક ગુરુજનો,
* શિષ્યાઓને બુરી નજરથી,અડકવાનાં બહાનાં શોધતા,કેટલાક કામી ગુરુઓ,
* બંધ શાળાઓમાંથી ફાળવેલા, અન્ય વિષયના ફાજલ શિક્ષકને, હાથમાં જાહેરમાં,ભળતા જ વિષયની,ગાઈડમાંથી,ગપ્પાંમારીને,બેઠ્ઠો ઉતારો કરાવતા શિક્ષકો.
* વર્ગમાં ક્યારેય, અભ્યાસ અંગે તપાસ કરવા ના આવતા આચાર્યશ્રીઓ,
* પરીક્ષાના સમયે.અમો બધાજ, વિદ્યાર્થીઓ ચોર હોવાનું માનીને, ઘાંટા પાડીને અમને લખવામાં ડીસ્ટર્બ કરતા સુપરવાઈઝરો,
* સગવડ વગરની શાળાઓ,અને કંટાળાજનક,પંખા વગરના, અંધારિયા ઓરડાઓ.
* અને આવાં અનેક કારણોસર,શાળાની બહાર,ટ્યુશનની માયાજાળમાં ફસાઈને,ટેન્સન માં રહેતાં, મા-બાપ અને અમો વિદ્યાર્થીઓ.

આ અને આવું ઘણું બધું સુધારવાની,આ હાથી છાપ, આભાસી, ઉપદેશકોમાં, સાચા દિલની, મનસા કે તાકાત છે ?

બિલકુલ નહીં ? તો ક્યા મોઢે ઉપદેશક બનો છો? ભૂખ્યાને ભોજન જોઈએ કે ભાષણ? અમો વિદ્યાર્થીઓને અમારી સમસ્યાઓનું,સાચું નિરાકરણ જોઈએ કે તમારું બકવાસ ભાષણ ?

લ્યોને, હું હવે મારીજ વાત કરુંતો, મારા ઘરમાં પપ્પાના વ્યવસાયના કારણે સવારે સાત વાગ્યાથીજ, ઓશિયાળા મોંઢા સાથે, અનેક લોકોની જમાત એકઠી થઈ જાય છે. આખો દિવસ પપ્પાના,સતત જુઠ્ઠું બોલવાના વ્યવસાયથી હું કંટાળી જાઉં છું.આ શોરબકોરમાં,મારે અભ્યાસ ક્યારે અને કેવીરીતે કરવો?

ગઈકાલેજ, મારા સાવ જુઠ્ઠા બોલા પપ્પાએ, તેમના મતે, `ગરીબ-આવારા` એવા, કમલેશની દોસ્તી તોડીને, મને ભણવામાં ધ્યાન આપવા કહ્યું, ત્યારે મને ખૂબ માઠું લાગ્યું , આ વાત મેં મારી મમ્મીને કરી.

મારી મમ્મીએ,મારા પપ્પાને, આલયને વધારે દબાણ કરવાથી,`છોકરો કશું આડુંઅવળું પગલું ભરશે તો?` તેવો ડર બતાવ્યો,ત્યારે પપ્પાએ ગુસ્સે થઈ,
બધાના દેખતાં,મારી મમ્મીને કહ્યું," આવી ધમકીઓ આપવાની આજકાલ ફેશન થઈ ગઈ છે. આલય કાલે આપઘાત કરતો હોય તો, એને કહે તે આજે આપઘાત કરે,..!! મારે આલયનો બોર્ડમાં એકથી દસમાં નંબર જોઈએ એટલે બસ,જોઈએજ."

મારા રાજકારણી પપ્પાના દરબારમાં, બેઠેલા બધા,ખુશામતખોર,દરબારીઓ, જાણે મારા આપઘાત કરવાની બાબત એક સરસ,માણવા લાયક જોક હોય, તેમ મોટેથી હસ્યા.

મને, આ સાવ મતલબી,ફાલતુ,દરબારીઓ પર, એટલો બઘો ગુસ્સો આવ્યો કે, અમારો સર્વન્ટ મગન ચા-કૉફી લઈને,બઘાને સર્વ કરવા જતો હતો, તે,ના - ના કહેતો રહ્યો છતાંય, તે ચા-કૉફીની કીટલીઓમાં, મારી સઘળી નફરત એકઠી કરીને, હું જોરથી થૂંક્યો.

જાવ પીઓ સા..ઓ!! મારી થૂંકેલી ચા અને મારા પર, હસો હવે હસવું હોય તેટલુ ..!!

કાયમ નફરતનેજ,ખાતા-પીતા,પહેરતા ઓઢતા,આ લુચ્ચા ખુશામતખોરોને,મારી નફરતના થૂંક ભરેલી ચા-કોફી,આજે જરૂરથી વધારે સ્વાદિષ્ટ લાગવાની છે તે, નક્કીજ છે. જોકે, આમ કરીને, હવે મને ઘણુંજ સારું લાગ્યું.

ઓ હાથી છાપ ઉપદેશકો..!! હવે મારી વાત ઘ્યાનથી સાંભળો, આટલું લખવાથી આવેલી હિંમતને કારણે, હવે આલયે, આપઘાત કરીને, પોતાનો વિલય કરવાનો વિચાર સાવ માંડી વાળ્યો છે.

જો હું આપઘાત કરીને, મારી કિંમતી જિંદગીનો અંત લાવી શકવાની હિંમત ઘરાવતો હોઉં તો, હવે આ સડેલી, શિક્ષણ-વ્યવસ્થા,આવા લેભાગુ,હાથી છાપ, ડોઘલા ઉપદેશકો અને પોતાના બાળકોને, કૉમોડીટી સમજીને, અહંકારથી,બાવા આદમના ,જમાનાના, વિચારોને, અમો વિદ્યાર્થીઓ પર પરાણે લાદતા,વડીલો અને મા-બાપ સામે થવાની, હિંમત પણ મારામાં છેજ.

આજે હું, `આલય` દ્રઢ નિશ્ચય કરું છું કે, આપઘાત કરીને, મારી જાતને આ સડેલી સિસ્ટમ સામે હારેલી જોવાને બદલે, આજ સિસ્ટમની અંદર રહી,તેનો સામનો કરીને, હું મારા મનપસંદ લક્ષને આંબવાનો,બમણા ઉત્સાહથી પ્રયત્ન કરીશ.

મારા પપ્પાને હું સાફ-સાફ સુણાવી દઈશકે, જો તમને મારા જીવન કરતાં, તમારા ધારેલા લક્ષને પાર પાડવાનું એક સાધનમાત્ર મને માનતા હોવતો,તમે ગંભીર ભૂલ કરો છો. તમને,તમારી હરામની કમાયેલી દોલતને અને તમારા આ સડેલા વિચારોને તિલાંજલી આપી,મારી રીતે સ્વતંત્ર જીવવવાનું, હું વધારે પસંદ કરીશ.

આખો દિવસ ગામ આખામાં,અનેક સંસ્થાઓ અને ક્લબોમાં, મુખ્ય મહેમાન થઈને ભાષણ ઝાડ્યા કરતી મમ્મીને પણ કહીશ કે,તારે મારી ભલામણ પપ્પાને કરવાની જરૂર હવે નહીં પડે. આલયે, હતાશા, નિરાશા સામેના યુદ્ધમાં વિજય ટંકાર કરી દીધો છે.
.
હવે,તમારી ભૂલોનું પ્રાયશ્ચિત હું નથી કરવાનો, તે તમારે જ કરવું પડશે. મારા જીવનની રાહમાં કરેલી મારી ભૂલનો માલિક, સુધારક પણ હું જ બનીશ. મારા લક્ષપ્રાપ્તિના, આ માર્ગમાં,તમારા ચંચૂપાતને હવે હું સહેજ પણ સાંખી લેવાનો નથી.

અગાઉ લખવા ધારેલી, આપઘાતની,આ અંતિમ ચીઠ્ઠી, હાથી છાપ ઉપદેશકો, અમને ના સમજવાના સમ ખાઈ ચૂકેલા,ખાઈ બદેલા વડીલો અને મા-બાપો,માટે આ (પ) ઘાતી ચિઠ્ઠી લાગેતો, બધાય ઘેર જઈને, બે રોટલી વધારે ખાજો.

આપઘાત કરનારાઓને હુંફાળો, `સાથ` આપીને,આપઘાત કરતા રોકતી, સંસ્થાના," Saath, B - 12, Nilamber Complex, H.L. Commerce College Road, Navrangpura, 380 006, AHMEDABAD.( Hotline: +91 79 2630 5544,Hotline: +91 79 2630 0222), કાર્યાલય કે હૉટલાઈન નંબરોની,કે તેની વૅબસાઈટ- http://www.suicide.org/hotlines/international/india-suicide-hotlines.html ની હવે મારે,સહેજ પણ જરૂર નથી.

આપઘાત કર્યા વગરજ, આ સડેલી સિસ્ટમના,નર્કનો અનુભવ મેં, જીવતાંજ કરી લીધો છે, હવે આપઘાત કરી, મરીને અજાણ્યા નર્કનો અનુભવ મારે નથી કરવો.

મરીને સુખી થયાનો અનુભવ, મને મળવાની કોઈજ ગેરંટી નથી,પણ જીવતો રહીને,મારી ઈચ્છા પ્રમાણે, મારા ધાર્યા લક્ષને આબીં જઈને, સુખ અનુભવવાની ગેરટીં તો, હું મારી જાતને, ૧૦૦% આપી શકું તેમ છું.પછી હું શું કામ આપઘાત કરું, કરે ને મારા દુશ્મન..!!

હવે બધાજ આલય અને કમલેશ,ગર્વથી માર્ચ-૨૦૧૦ની બોર્ડની પરીક્ષાઓ આપશે, ધાર્યા પરિણામ પણ લાવશે, મારે કોઈ ગાડરિયા ગાઈડ-ગુરુની જરૂર નથી,આજથી ચેલો પણ હું છું અને મારો ગુરુ પણ હું છું.

મારા આપઘાતની મારી આ અંતિમ ચીઠ્ઠી છે, પણ મરવાની નહીં. હવે પછી આપઘાતની વાત જ મનમાં નહીં પ્રવેશવા દઉં નહીં, તેની જાણ કરવા માટેની..!!

આપઘાત નહીં કરીને તમને સહુને નિરાશ કરવાના, અવિવેક બદલ, મને માફ કરી શકવા જેટલી મોટાઈ તમારામાં બાકી છે?

મને લાગે છે , હોવીજ જોઈએ..!!

ચાલો,બેદબી માફ કરશો..!!

ભારતના ગૌરવ,યુવાધનના પ્રતિક સમો હું,
આલય."

દોસ્તો, આ આખોએ લેખ કાલ્પનિક છે.તેમાં કોઈની લાગણી દુઃભવવાનો આ લેખકનો ઈરાદો નથી,છતાં કોઈના મનને ઠેસ પહોંચે તો ક્ષમા કરશો.

અવારનવાર. યુવાન મિત્રો સાથે બેસીને, તેમના અંતરમન,ચેતનાના ભાવ જગતમાં,મિત્રભાવે,તેમણે મને ડોકિયું કરવા રજા આપી,તેમાંથી વિણેલાં મોતી જેવા,યુવાધનના વિચારોને,તેમનીજ, હકારાત્મક વિચાર-વાણીમાં પ્રગટ કરવાનો આ એક નમ્ર પ્રયાસ માત્ર છે.

તા.ક. માર્ગ ભૂલેલા,ના ભૂલેલા,તમામ વડીલમિત્રો,માતા - પિતાઓને વિનંતી કે,પરીક્ષાઓ નજીક છે,તેથી માનસિક તાણમાં રહેતા ધોરણ - ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓને, આ ઈ-મેઈલ શક્ય તેટલો,વધારે ફોરવર્ડ કરીને, નિષ્ફળતાના કાલ્પનિક ભયથી પીડાતા, આપઘાત કરવાનું વિચારતા,કોઈ એક વિદ્યાર્થીના હ્યદયમાં પણ, જો જોમ-જોશ ભરવામાં, આ લેખ મદદરૂપ થશે તો, મારી મહેનત સફળ થઈ ગણીશ.

જોકે,આપણાથી, જાણે અજાણે, યુવા મિત્રોના વિચારને અવગણવાના થયેલા ગુન્હાનું,આ પ્રાયશ્ચિત માનીએ,તો તે માટે આગોતરા ધન્યવાદ-આભાર માનવાની જરૂર છે?

માર્કંડ દવે. તા.૦૫-૦૨-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.