Monday, July 19, 2010

મનના વાડામાં, હુંને આપણે.

મનના વાડામાં, હુંને આપણે.

" મનના વાડામાં, સદવિચાર-વર્તનની ગાયોનું મારણ કરવા, અહંકારી સ્વાર્થનો, સિંહ ઘૂસ્યો લાગે છે...!!  ચેતી જા,ચેતી જા, ભઈલા, વેળાસર તું  ચેતી જા...!! "

=================

પ્રિય મિત્રો,

કર્ણાવતી ઍક્સપ્રેસની ઍ.સી. ચૅર કારના કંપાર્ટમેન્ટમાં, ખીચોખીચ ભરેલા ઘોંઘાટભર્યા વાતાવરણમાં, એકાએક કોઈનો ગુસ્સાથી ભરેલો, અત્યંત ઉંચો અવાજ, અંગ્રેજીમાં,`યુ બાસ્ટર્ડ` અને `You  F--K`, જેવી અશ્લીલ ગાળોના વરસાદ સાથે,  ગાજી ઉઠે છે.

ઘડીભર માટે, આખા કંપાર્ટમેન્ટમાં ઘોંઘાટ ઓછો થઈ, એકાદ ક્ષણબાદ, તરતજ   વાતાવરણ ફરીથી યથાવત થઈ જાય છે.

ક્ષણભર માટે, વાતાવરણમાં સોપો પડવાનું કારણ, કોઈ કંપનીનો વરિષ્ઠ  અધિકારી પોતાને,   `રિટર્ન થાય તેવા ચેક  નહીં આપવા બાબતે`,  ગુસ્સામાં બૂમ - બરાડા પાડીને, કોઈકને મૉબાઈલ પર સૂચના આપી રહ્યો હતો.

કંપાર્ટમેન્ટના, તમામ પ્રવાસીઓને, તે અધિકારીની આ વર્તણૂંક, સામાન્ય અને સ્વાભાવિક લાગતાંજ, વાતાવરણ ફરીથી યથાવત થઈ ગયું  હતું.

ફક્ત હું  વિચારે  ચઢી ગયો. મને થયું, તમામ પ્રવાસીઓને, આ અધિકારીની વર્તણૂંક,  સામાન્ય અને સ્વાભાવિક કેમ લાગી હશે..!!

શું તે સહુ પણ, ઉશ્કેરાય ત્યારે, સ્થળ,કાળ,સંજોગ જોયા વગર, પોતાના મનના વાડામાં, ઘૂસી ગયેલી, પોતાને અણગમતી જાણકારીની સામે, આ રીતે રીઍક્ટ કરતા હશે ?

મને લાગે છે, આપણામાંથી કોઈપણ, આ  બાબતે `દૂધે ધોયેલા`  નથી. ક્યારેક,  જાણેઅજાણે, આપણે પણ, આ રીતે જ વર્તણુંક કરતા હોઈએ છે.

પણ શામાટે?

* શું તમને એમ લાગે છેકે, તે તમારા ગુસ્સાવાળા સ્વભાવથી પરિચિત છે,તેથી વાંધો નહીં?

હા, તેને ખબર છે, હું પહેલેથીજ આવો છું.

( કોઈ આવાજ સ્વભાવવાળી વ્યક્તિ, તમને ભટકાય તો, તમે સાંખી લો છો?)

* શું  આપણે એમ સમજીએ છેકે, આપણી સાથે સંકળાયેલા, તમામ આપણને ત્યજીને, તે ક્યાં જવાના છે?

ખરી વાત છે, મારી ગરજ તેને છે,તેની મને નહીં.

( શું કાલે ઉઠીને તમારે, તેની ગરજ નહીં ઉભી થાય?)

* માનોકે તે તમને ત્યજી દેશે તો?

કદાચ તે  જાય તોપણ, તેનેજ નુકશાન થાય તેવી સ્થિતિમાં તે છે, તેથી, તે જાય તોય મને  કોઈ ફરક ક્યાં પડવાનો છે?

(તમને એક સંબધ ઓછો થશે, તે પોષાશે? ભૂતકાળમાં, શું તે ક્યારેય તમારા માટે લાભદાયી નથી રહ્યો?)

* આજ બાબતને ગુસ્સો કર્યા વગર, તમે હલ કરી શક્યા હોત?

પણ તેનો વાંક હતો, તેથી મારો ગુસ્સો તેણે સહન કરવો, તેની ફરજ છે

(તો પછી તમે વાંકમાં હોવ ત્યારે,  સામી દલીલ કર્યા વગર,  તમે  સામા માણસની આવી વર્તણુંક, ચૂપચાપ સહન કરી લો છો?)

* શું  જે બાબતે, તમે ગુસ્સો  કર્યો, તે  બાબતે તમારી ક્યારેય ભૂલ થતી નથી?

શક્ય હોય ત્યાં સૂધી નહીં, મારા કાર્યક્ષેત્રમાં,  હું પરિપૂર્ણ છું..!!  અને ધારોકે  ભૂલ  થાય તો હું  તરતજ  `સૉરી` કહું છું.

(  શું  તેવા સમયે તમને `સૉરી` કહેવું ગમે છે?  શું તમે  સાચા દિલથી `સૉરી`  કહો છો?)

* શું આવો ઉશ્કેરાટ, કોઈકવાર તમારા આરોગ્ય પર, ખરાબ અસર કરશે તે ચાલશે?

મને કશું થવાનું નથી. હું  બીજાની તબીયત બગાડું તેવો છું.

( શું આવો સ્વભાવ - ગુસ્સો ધરાવનારી, કોઈ  નજીકની વ્યક્તિને મોટી, ચિંતાજનક, જીવલેણ બીમારી વળગી હોવાનું તમારા ધ્યાનમાં છે?)

* શું તમે  ગુસ્સો  આવે ત્યારે, ફૉન પરજ આવો ગંદી ગાળ સાથે ઉકળાટ ઠાલવો છો? કે  પછી, જેતેને કાયદેસર, કરાતા પત્ર વ્યવહારમાં પણ ગાળ લખો છો?

હું પાગલ થોડોજ છું..!! પત્રવ્યવહારમાં, ગાળો થોડીજ લખાય?

( તેનો મતલબ એ થયોકે, ફૉનની સુવિધાનો તમે દુરઉપયોગ  કરો છો. શું આ બાબત તમને, અયોગ્ય, અજુગતી લાગે છે?)


મિત્રો,

આપણે ગુસ્સામાં આવીને, સામા માણસને, જાહેરમાં, સાવ ટકાનો કરી નાંખીને, તેનું અપમાન કરીએ, પછી આવા તો કેટલાય સવાલ, આપણા મનમાં ઉઠવા જોઈએ.

તેના બદલે આપણે, આપણી આવી,  કદાચ, આપણનેજ ન ગમતી..!!  વર્તણૂંકને, આપણાજ  મન-આત્માની પાસે વ્યાજબી ઠેરવવા માટે દલીલ કરીએ છેકે,

* તે  બહુ ફાટ્યો હતો, આજ દાવનો હતો..!!

* હવે, ચોક્કસ સીધોદોર થઈ જશે..!!

* મારી સાથે, મને ના રૂચે તેવું કરતાં, હવે સોવાર વિચાર કરશે..!!

* આવા સાથે તો, આવી ભાષામાં  વાત કરીએ, તોજ તે સીધા રહે..!!

* તેને દુઃખ થાય તો,`કાટલે મારી`..!! મને તો તેની સામે દાવ ખેલવા માટે, થોડો ટાઈમ મળી ગયોને..!!

* આવા લોકોને કારણે, મારે નુકશાન થોડુંજ સહન કરવું..!! 

મિત્રો,  ઉપર દર્શાવેલ બનાવ જ્યાં  સુધી, આપના કાર્યક્ષેત્ર સુધી સિમિત રહે ત્યાં સુધી, કદાચ (!!) સહ્ય છે..!!

પરંતુ, આજ સ્વભાવનો ઉપયોગ, જ્યારે આપણા ઘરમાં વસતા, સાવ નિકટનાં સગાં, માતા પિતા, ભાઈ બહેન, મિત્ર કે અન્ય સગાંવહાલાં સાથે કરીએ તો?

તો, તેઓ કદાચ તમારા અતિશય ક્રોધભર્યા, વાણી વર્તનને તે સહન કરી તો લેશે, પણ તેમનાથી સહન નહીં થાય તો તે ક્યાં જશે?

શું પોતાના મનની શાંતિ માટે,  તેમને  તમારાંથી  અલગ રહેવાનો નિર્ણય મજબૂરીમાં, લેવો પડે તેમ તમે ઈચ્છો છો?

કદાચ, માણસ આવા સ્વભાવને કારણેજ, નોકરી-ધંધાકે, સંયુક્ત કુટુંબભાવ જાળવી રાખવામાં નિષ્ફળ જાય છે.

મને એક કિસ્સો ધ્યાનમાં આવે છે.

એક કુટુંબના મોટાભાઈ, કોઈ કારણસર ઘંઘાર્થે, બહારગામ ગયા. ત્યાંથી આશરે ચાર કલાક સુધી, ઘરનાં સદસ્ય  તેમને, મૉબાઈલ પર સંપર્ક કરવા પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ માત્ર રીગ વાગે, પણ કોઈ ફૉન ઉઠાવે નહીં.

જેમજેમ, મોટાભાઈનો, સંપર્ક ન થાય તેમ, વધુને વધુ અમંગળ વિચારો, ઘરનાં સર્વેને આવવા લાગ્યા.હવે રીતસર બધાં ગભરાઈ ગયાં. મોટાભાઈની બેજવાબદારી પર  હવે બધાંને ગુસ્સો પણ આવવા લાગ્યો.

છેવટે પાંચ કલાક પછી, મોટાભાઈએ, કોઈના અજાણ્યા મૉબાઈલ પરથી, પિતાજીનો  સંપર્ક કર્યો. પિતાજીનો પિત્તો ખસી ગયેલો હતો, તેથી તેમણે `અત્યાર સુધી ક્યાં હતો?` કહીને ગુસ્સાથી ફૉન કાપી નાંખ્યો.

થોડીવાર પછી, ફરીથી પિતાજીના મૉબાઈલની રીંગ વાગી. આ વખતે કોઈ હોસ્પિટલના ડૉક્ટર બોલી રહ્યા હતા,` તેઓએ આપેલી વિગત અનુસાર, મોટાભાઈને, ગંભીર રોડ અકસ્માત થયો હતો અને તેમને અંતિમ શ્વાસ લેતાં પહેલાં, પિતાજી સાથે વાત કરવાની ઈચ્છા હતી.

પરંતુ, પોતાના ક્રોધી સ્વભાવને કારણે, તેઓ પોતાના દીકરાની સાથે વાત કરવાથી વંચિત રહી ગયા. ક્રોધથી, કોઈની વાત સાંભળ્યા વ્ગર, આવું પણ પરિણામ આવી શકે,  તે સહન કરવાની તૈયારી, આવો ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતા માણસો રાખશે?  

આપણા `Loud` વાણીવર્તનને, જાણેઅજાણે સહન કરતા, સામા માણસો માટે, આપણે ` અનિવાર્ય અનિષ્ટ -  Essential   Evil `, હોઈએ તો પછી, તેમને પણ આપણે `Essential   Evils`, માનીને સહન કરવામાંજ શાણપણ છે.

આવું વર્તન કરીને, આપણે સામેની વ્યક્તિને, દબાવી આપણું ધાર્યું કરાવી લેવાનો આનંદ ઘડીભર માણી લઈએ.  અથવા જાહેરમાં આવું વર્તન કર્યા બાદ, આસપાસ નજર ફેરવીને, ` હું   કેટલી વિકટ જવાબદારી ધરાવતો,  અગત્યનો માણસ છું`, તેવો પ્રભાવ ઉભો કરી શકીએ.

પરંતુ, આપણે એ  બાબત ભૂલી જઈએ છેકે, આપણે  આપના મનના વાડામાં, આપણી એક ભૂલથી રહી ગયેલા, એકજ છીંડાંને કારણે, આપણા સદવિચાર-વર્તનનું મારણ કરવા આવેલા અહંકારી સ્વાર્થી સિંહના  શિકાર, જાતેજ બની જઈએ છે.

સદવિચાર કે  વર્તન, માઁસાહારી નથી, તેથી અહંકાર અને સ્વાર્થી સિંહને, અંતે ક્યાં તો ભૂખે મરવું પડે છે,

કે પછી  જખ મારીને, મનના વાડામાં પડેલું, પશ્ચાતાપનું તરણું  ( ઘાસ )  ખાવાનો વારો આવે છે.

આજે એક વિદ્વાન  મિત્રએ, મોકલેલી એક  સુંદર લિંકના  વિચારને માણો. ( શ્રીરાકેશભાઈ, `THANKS`.)

REMEMBER:- VALUE HAS A VALUE ONLY IF,  ITS VALUE IS VALUED.

અર્થાતઃ- કિંમતી એવી, કિંમતની કિંમત સમજો, ત્યારેજ  કિંમતની કોઈ કિંમત હોય છે.

"  Imagine life as  a game in which you are juggling  some five balls in the air.

They are WORK, FAMILY,HELTH,FRIENDS AND SPIRIT and you`re keeping all of these in the air.

You will soon understand that WORK is a rubber ball. If you drop it, it will bounce back.

But the other four Balls - FAMILY, HELTH, FRIENDS and SPIRIT are made of glass.

If you drop one of these ; They Will never be the same. you must understand that and strive for it."

" WORK EFFICIENTLY DURING OFFICE HOURS AND LEAVE ON TIME.

GIVE  THE REQUIRED TIME TO YOUR FAMILY , FRIENDS, ANE HAVE PROPER REST.

Brayan Dyson ( Former CEO of Coca Cola.)

લિંકઃ-  http://www.bwtorrents.com/showpost.php?p=2037950487&postcount=1

ચાલોને, ચેતી જઈએ. હવે તો, મન-મોતી અને કાચ તૂટે તોય કાયમી સંધાય તેવી ટેકનોલૉજી ઉપલબ્ધ છે

હા, બૉસ. ફાયદો ઉઠાવવોજ હોય તો, એકલા મૉબાઈલનો શા  માટે? શા માટે `પશ્ચાતાપ` બ્રાન્ડ ઍડહેસિવનો નહીં


માર્કંડ દવે. તાઃ ૧૯ - જુલાઈ - ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.