Monday, July 4, 2011

કૉલેજ લાઈફ


કૉલેજ લાઈફ.

સૌજન્ય ગૂગલ.

http://www.youtube.com/watch?v=F-5dVUmQBQ0

મિત્રો,આપે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે,કોઈ કૉલેજ કૅમ્પસ્ નો નજારો નિહાળ્યો છે?

આશા, ઉમંગ અને તરવરાટથી ભર્યા-ભર્યા રુપકડાં, નર-માદા પતંગિયાં જાણે ચંચળતાપૂર્વક ઊડાઊડ ના કરતાં હોય?

નવા વાતાવરણની આનંદભર મૂંઝવણ,સામાન્ય પરિચયમાં મોબાઇલ નંબર ની આપ-લે, આ ફોર્મ ને તે ફોર્મ, ઑલટાઇમ ફેવરીટ કૉલેજ કેન્ટીન,વગેરે...વગેરે...વગેરે..!!

વડોદરાની આવીજ એક નામાંકિત કૉલેજના,મુક્ત વાતાવરણમાં,કવિકા કૉલેજનું આર્ટ્સ ફેકલ્ટીનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી,દ્વિતીય વર્ષમાં પ્રવેશી હતી.આજે કૉલેજના પ્રથમ દિવસે જુના મિત્રોને મળવાનો ઉમંગ લઈ, ગ્રે જિન્સ અને લાઇટ યલો કલરના ટીશર્ટમાં સજ્જ થઈ, કૉલેજ જવા કવિકા કાયનેટીક ઉપર સવાર થઈ ત્યાંતો, તેનો મોબાઈલ રણક્યો..!! 

કવિત્વ હતો."હાય હની..!! તું કૉલેજ આવે છે ને? હું પહોંચું છું, O.K.Bye..!!" 

કવિકા કૉલેજ જવા અધીર થઈ ગઈ. તેણે કૉલેજ પહોંચવા કાઇનેટીક મારી મૂક્યું.

કવિત્વ આર્ટ્સ ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો,એક સોહામણો,તેજસ્વી વિદ્યાર્થી હતો.તે મૂળ તો રાજપીપળાનો,પરંતુ વડોદરા,બોયઝ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો.

પરિચયમાં તો, એક સંદર્ભગ્રંથ માટે,લાઇબ્રેરિયન સાથે,જીભાજોડી કરતી કવિકાને,કવિત્વએ ગ્રંથ શોધી આપી,તેમાં કયા પ્રકરણમાં શું વાંચવા મળશે?તે વિસ્તારથી સમજાવ્યું ત્યારે તો કવિકા તેના ઉપર આફરીન થઈ ગઈ,પછી તો મુલાકાત,વિચારોની આપ-લે માં એવું સામ્ય વર્તાયું કે, બંને એકબીજાને ક્યારે, દિલની પણ આપ-લે કરી બેઠાં,તેની સૂધબૂધ ના રહી.

કવિત્વને કૉલેજની બહાર ઊભેલો જોઈ રોષમાં, કવિકા એના ઉપર કાઈનેટીક સાથે એવી ઝડપથી ધસી ગઈ જાણે,પરીક્ષા પછી વેકેશનમાં સંપર્ક ન કરવા બદલ કવિત્વને સજા કરવાની ના હોય!!

"અરે...!! અરે..!! મને વાગી જશે તો?"કહી કવિત્વ સ્ફૂર્તિથી દૂર કૂદી ગયો.

કવિકાની નબળાઇને જાણતા કવિત્વએ સ્વરચિત મુક્તક ફેંક્યું,

"મધમીઠું મલકો છો તમે,હૈયે ઉભરાઇ છલકો છો તમે!
કર્ણનાદ ન સુણ્યો તેથી શું?રુંવે-રુંવે તો રણકો છો તમે!!"

કવિકા ગુસ્સો ઉતારી,ફૂ..ઉ..સ્ કરી, ખરેખર મધમીઠું મલકી ઊઠી .

પ્રથમ વર્ષના અંતે શરુ થયેલો પરિચય, હવે પૂરેપૂરા રંગમાં ખીલી ઊઠ્યો હતો.કૉલેજના સાચા-ખોટાં અનેક જોડા-કજોડાંની વચ્ચે આ જોડી,તેની બૌધ્ધિકતાને કારણે વિદ્યાર્થી,અધ્યાપકગણથી લઈ આચાર્ય સુધી પ્રિય બની ગઈ હતી.

બંને પ્રેમીપંખીડાં કેન્ટીન,લાઇબ્રેરી,રેસ્ટોરન્ટ અને ક્યારેક નવી ફિલ્મ જોવા જતાં,પરંતુ આજસુધી ખાનદાન કવિત્વએ, કવિકાના શરીર સાથે છૂટછાટ લેવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો ન હતો..

કવિત્વએ,આજે નવી ફિલ્મ જોવાનું વચન આપી,કવિકાને થિયેટર પર બોલાવી હતી.શૉ શરૂ થયાને અડધો કલાક થઈ ગયો,પણ ના કવિત્વ આવ્યો કે,ના એનો ફોન આવ્યો.મોબાઈલ પણ સ્વીચઑફ આવતો હતો,

"કવિત્વની તબિયત બે દિવસથી ખરાબ હતી,વધારે ખરાબ તો નહીં થઈ હોય ને?'

બૉયઝ હૉસ્ટેલ પર આવવાની કવિત્વએ મનાઈ કરી હોવા છતાં, ચિંતાને કારણે, કવિકાએ કાઈનેટીક હોસ્ટેલની દિશામાં ભગાડ્યું.

વામકુક્ષિની મઝા માણતા,વૉચમેનને કવિત્વનો રૂમ પૂછતાં,હોસ્ટેલના પ્રથમ માળ પર,સૌથી ખૂણામાં આવેલી એક રૂમ તરફ તેણે આંગળી ચીંધી.બપોરનો સમય હોવાથી મોટાભાગના રૂમ બંધ હતા,અનેક તર્ક-વિતર્ક કરતી કવિકા,કવિત્વના રૂમના દરવાજા પાસે પહોંચી ત્યાંજ એના પગ થંભી ગયા.

કવિત્વના રૂમમાંથી દબાતા અવાજે કોઇ યુવાન કન્યા ઝઘડો કરતી હોય તેમ લાગ્યું.કવિત્વ તેને,ઓશિયાળા,નરમ અવાજે સમજાવવાની કોશિશ કરતો હતો.દરવાજે ઉભા રહી કવિકાએ પાંચ મિનિટ જે સાંભળ્યું,તેનાથી કવિત્વની ખાનદાની અને સંસ્કારના લીરેલીરા ઊડી ગયા.

ઝડપથી સીડી ઊતરી કવિકા,ભયંકર આઘાત ને કારણે કાઈનેટીક સ્ટાર્ટ કરવાનું ભૂલી,એના પર બેસી પડી.બીજી પાંચ મિનિટ પછી કવિત્વના રૂમમાં થી નીકળી,હોસ્ટેલના દરવાજે આવેલી કન્યા,બીજી કોઈ નહીં પણ કવિત્વની ક્લાસમેટ મહિમા હતી.કવિકા એને ઓળખતી હતી.મહિમા સાવ ગરીબ ઘરની, દેખાવ તથા અભ્યાસમાં પણ સાવ સામાન્ય હતી.

મહિમાની માનસિક  સ્થિતિ તથા વિનંતીને કારણે,પાસેના બગીચામાં બેસી કવિકાએ, મહિમાની દર્દનાક કહાણી ધ્યાનથી સાંભળી.કવિકાએ, મહિમાને સાંત્વના આપી ઘેર વિદાય કરીને તરતજ અત્યંત ગુસ્સામાં આવી જઈને કવિત્વને મળવા બોલાવ્યો.

રેસ્ટોરન્ટમા મળવા આવેલા કવિત્વને,કવિકાનો પહેલો સવાલ એ હતો કે,"તેં મહિમા સાથે દગો કેમ કર્યો અને મને આ બાબતે અંધારામાં કેમ રાખી?"

કવિત્વએ ગુન્હેગારની જેમ માથું નીચે નમાવી દીધું,તે કવિકાની સાથે નજર મેળવીને વાત કરવાની સ્થિતિમાં ન હતો," કવિકા, તું મને મળી તે અગાઉ, સાવ સામાન્ય પરિચયમાં,મને મળવા માટે, પ્રથમવાર મહિમા જ્યારે મારી હૉસ્ટેલ ઉપર આવી ત્યારે, સમજદારી દાખવીને, મેં તેને તરત વિદાય કરી દીધી હતી તથા સ્પષ્ટ જણાવી દીધું હતુંકે, મારું કામ હોય તો મને કૉલેજમાં મળવું. પરંતુ,તેના ગયા પછી,મારા રૂમ પાર્ટનરે,મારું બ્રેઈન વૉશ કરી મને, કૉલેજ લાઈફ માણી લેવા તથા તારી ગર્લફ્રેન્ડ સામેથી કોઈ દિવસ પહેલ નહી કરે, કે પછી તું નપુંસક તો નથી ને? એમ ટોણો મારી ઉશ્કેરતાં, મારું મન વિચલિત થઈ ગયું, એજ સમયે નીચે ગયેલી મહિમા ફરી કાંઈક પૂછવા, પરત આવી તો, અમે મનભર એકાંત માણી શકીએ તે માટે, મારી સામે આંખ મિચકારીને રૂમ પાર્ટનર બહાર જતો રહ્યો, એ નબળી ક્ષણે, મહિમા ની આનાકાનીને સ્ત્રીસહજ વિરોધ માની લઈ,હું ના કરવાનું કરી બેઠો. હા,અમારાથી લક્ષ્મણરેખા ઓળંગાઈ ગઈ છે.મારે તને ગુમાવવી ન હોવાથી મેં તારાથી આ વાત છુપાવી હતી.એ ફક્ત એકવારની ભૂલ હતી.મને માફ કરી દે."

કવિકાએ રોષપૂર્વક કહ્યું,"કવિત્વ,મને તો તેં ક્યારનીય ગુમાવી દીધી છે.તું જો સાચે મર્દ હોત તો તારા રૂમ પાર્ટનરને તેં એક લાફો મારી દીધો હોત.સાવ આવારા રુમપાર્ટનરની ઉશ્કેરણીથી,તારા ભરોંસે તને મળવા આવેલી, કોઈ નિર્દોષ ગર્લફ્રેન્ડની જિંદગી બરબાદ કરે.!! તેવા કવિત્વ ને હું ઓળખતી નથી, ઓળખવા માંગતી પણ નથી."

કવિકા ગુસ્સામાં ધ્રૂજતી ઊભી થઈ. રેસ્ટોરન્ટના દરવાજા સુધી જઈ કૈંક યાદ આવ્યું હોય તેમ કવિત્વ પાસે પાછી ફરી,"જો તારામાં થોડી પણ માનવતા અને ખાનદાની બચી હોય તો,ખરા દિલથી મહિમાની માફી માંગી,એને સ્વીકારી, તેની સાથે લગ્ન કરી લેજે. અને હા,મને ફરી કદી મળવાનો પ્રયત્ન ના કરીશ."

આ બનાવ પછી કવિત્વ કદી કૉલેજમાં દેખાયો નથી.કોઈકે કહ્યું કે, બદનામી ના ડરથી તે રાજપીપળા જતો રહ્યો છે.પછી મહિમાનું શું થયું? તેની પણ કવિકાને,જાણ નથી.કવિકાને કવિત્વ વિષે કોઈ પૂછે તો,તે સાવ ઉદાસીભર્યું ફિક્કું હસી લે છે.

કવિકાને એટલી જાણ અને ખાત્રી જરૂર છે કે,આ કારમા આઘાતથી,તેનું દિલ તૂટી જવાથી,તે આ વર્ષે ચોક્કસ ફેઇલ થવાની છે.

આપને શું લાગે છે? કવિકા પરીક્ષામાં ફેઇલ થશે કે જીવનમાં?

કવિકાએ,કવિત્વને ભૂલ માફ કરી,અપનાવી લેવો જોઈએ?

માર્કંડ દવે.અમદાવાદઃતાઃ૧૪-૦૭-૨૦૦૯.

1 comment:

  1. 1.જીવનની પરીક્ષામાં પાસ ...
    2.કવિત્વને સ્વીકારવાની જરૂર નથી.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.