Thursday, July 14, 2011

લોહી ભીનાં આંસુ - FACE BOOK`S TRUE STORY

લોહી ભીનાં આંસુ - 
FACE BOOK`S TRUE STORY
સૌજન્ય-ગૂગલ

મોસમ  ત્યજશે  સાથ, વેરી સમય સરતાં જ? 


આંસુ  વહે, થૈ  રક્ત  ભીનાં, તું દૂર થાતાં જ? 

========

અમેરિકા, દુનિયાભરના માનવીઓની સ્વપ્ન નગરી..!!
અમેરિકા, દુનિયાભરના માનવીઓની ડૉલરિયા રોટી..!!
અમેરિકા, દુનિયાભરના માનવીઓની સંમોહિની..!!
અમેરિકા,અમેરિકા,અમેરિકા..!! એટલે..બસ..અમેરિકા..!!


મિત્રો, મોટાભાગે કેટલાક પ્રસંગ આકસ્મિક હોય પરંતુ, પ્રત્યેક ઘટનાને એક ઇતિહાસ હોય?  પ્રસંગ, મોટાભાગે વાર્તા બને જ્યારે ઘટના,ઇતિહાસને સાથે રાખી, લઘુ-ગુરુ નવલકથા બને? અત્યારે હું જે વર્ણવા જઈ રહ્યો છું તે, નથી વાર્તા, નથી નવલિકા કે, નથી નવલકથા..!! 


આતો છે માત્રને માત્ર,એક અસહ્ય સત્ય-વ્યથા-કથા..!! 


થોડા દિવસ પહેલાં,ફેસબુક પર, મારી એક અમેરિકન મિત્રનો મને  મૅસેજ મળ્યો અને હું અત્યંત વિષાદ-વિચાર-ચિંતનમગ્ન થઈ ગયો..!!


મૅસેજ હતો, મારી ફેસબુકીય મિત્ર કૅરોનો. 


શું હતો એ સંદેશ?


કૅરો લખે છે," ડિયર, આઈ નીડ યોર હેલ્પ અર્જન્ટ..!! પ્લીઝ કૉન્ટેક્ટ મી સુન..!! ઈટ્સ એન ઇમર્જન્સી?"


કૅરોના સંદેશામાં છુપાયેલી વ્યગ્રતા તથા પરિસ્થિતિની અગત્યતાને સમજી, અયોગ્ય તથા વિપરીત ટાઈમ ઝોન હોવા છતાં, મેં તરત તેનો સંપર્ક કર્યો અને મારી નવાઈ વચ્ચે, કૅરોએ તરત મને રિસ્પૉન્સ આપ્યો..!!


પરંતુ ત્યારબાદ, અત્યંત વ્યથિત કૅરોએ, મને જે કાંઈ જણાવ્યું તે સાંભળી, હું અસમંજસ ની સ્થિતિ અનુભવતો, અત્યંત વિષાદ-વિચાર-ચિંતન મગ્ન થઈ ગયો છું..!!


હવે આપ  મને કહેશોકે," અરે, ઓ લેખક મહાશય, જરા ઊભા રહો..!! પહેલાં એ તો કહોકે, આ કૅરો છે કોણ?"


કૅરો..કૅરો..કૅરો..!! બાળપણથી આકાશને આંબવાનાં સ્વપ્નમાં રાચીને,વારંવાર ધરતી પર ઉંધે કાંધ પટકાતી, માં વિહોણી કૅરો, પોતાના પિતાનું એકમાત્ર સંતાન એવી, આશરે ચાળીસ વર્ષની આયુ ધરાવતી, મૂળ અમેરિકન નાગરિક યુવતી છે. 


માત્ર સત્તર વર્ષની વયે, માતાના અવસાન બાદ પિતા આલ્ફ્રેડે, બીજી યુવતી સાથે લીવ ઈન રીલેશનશીપ સ્વીકારી, કૅરોને  `જિસસ` ભરોસે તરછોડીને, અમેરિકાના રિવાજ મુજબ, પિતાએ પોતાના સ્વતંત્ર જીવન-માર્ગે, સ્વાર્થની આંગળી ગ્રહીને, ચાલતી પકડી, તે આજની ઘડીને કાલનો દિ`..!!


માત્ર સત્તર વર્ષની વયે કૅરોએ, પૈસેટકે સમૃદ્ધ એવા, પોતાના એક વિલાસી બૉયફ્રેન્ડનો આશ્રય સ્વીકાર્યો અને કૅરો એકવીસ વર્ષની ઉંમરે પહોંચતાં-પહોંચતાં તો, પ્રથમ એક પુત્રી તથા બાદમાં એક પુત્રની માતા પણ બની ગઈ...!!


બે બાળકોની માતા બનતાં જ,કૅરોના  શરીરનો રસકસ ઊડી ગયેલ નિહાળીને, અમેરિકાના રિવાજ મુજબ, પૈસાપાત્ર ઐયાશી બોયફ્રેન્ડે પણ,  કૅરોને  `જિસસ` ભરોસે તરછોડીને, પોતાના સ્વતંત્ર જીવન-માર્ગે ચાલતી પકડી..!!


હવે? હવે શું? 


કેટલાક ભારતીય સંવેદનશીલ, ખાસ કરીને ગુજરાતી મિત્રોની મદદથી, કૅરોએ પોતાના જીવન-સંઘર્ષની પ્રત્યેક ક્ષણ સાથે, જાતેજ યુદ્ધે ચઢવાનું નક્કી કર્યું અને શરૂઆતમાં, ત્યાં વસતા ગુજરાતી મિત્રોની સહાયતાથી,  એક નાનકડી જોબ સાથે જીવનયાત્રા નવેસરથી શરૂ કરી. પરંતુ, હજી તો કૅરો, પોતાની ડગમગતી જીવન નૈયાને સંભાળવાનો કોઈ સંનિષ્ઠ પ્રયત્ન કરે ત્યાંતો..!! 


કૅરોના નસીબમાં જાણે સદૈવ લોહી ભીનાં આંસુ સારવાનું લખ્યું હોય તેમ, સુવિખ્યાત (એક્સ) ટ્વીન ટાવર્સ વિધ્વંસ પ્રલયના ગોઝારા દિવસે, માતા કૅરોની આનાકાની છતાં,આ  ટાવર્સમાં આવેલી એક ઑફિસમાં, તેના મિત્ર અને તેના ડૅડી સાથે ગયેલ, નાનકડો રૂપાળો દીકરો વિલિયમ, સહુની સાથે આતંકવાદી રાક્ષસી કાળનો કોળિયો બની ગયો..!! 


વહાલસોયા દીકરા વિલિયમના અકાળ મોતના સમાચાર સાંભળી કૅરો અને તેની એક માત્ર દીકરી સૅલ્વા, કારમા આઘાતથી, જડ જેવાં બની ગયાં.  


જોકે, અમેરિકન ગવર્નમેન્ટ તથા ફરીથી કેટલાક ઉદાર ભારતીય મિત્રો, કૅરોની  મદદે આવ્યા અને સહુની હુંફાળી  સહાયતાને પગલે,  કૅરોની આર્થિક યાત્રા, આજે તો એક નાનકડા પરંતુ, પોતાની સ્વતંત્ર માલિકીના  `ફૂડ કૉર્ટ` સુધી પહોંચી ગઈ છે.


અને હા, આ એજ ફૂડ કૉર્ટની આવકનો પ્રતાપ છેકે જેના બળે, બાળપણથી માતાના કારમા જીવન સંઘર્ષને જોઈને, પોતાની માતા પ્રત્યે અનહદ લાગણી-પ્રેમ ધરાવતી, કૅરોના જીવનની હવે એકમાત્ર આશા સમી, સમજદાર દીકરી સૅલ્વાને આગળ અભ્યાસ કરાવી પોતાના પગભર થવામાં કૅરો સફળ થઈ શકી છે. 


અત્રે એ નોંધવું જરૂરી છેકે, દીકરી સૅલ્વાના મોટાભાગના યુવા મિત્ર ગુજરાતી છે અને તેથીજ કદાચ સૅલ્વા પોતાની જાતને,  અમેરિકન મુક્ત, સ્વચ્છંદ સંસ્કૃતિની માયાજાળમાં ફસાતાં, સુપેરે બચાવી શકી છે..!!


અત્યાર સુધી, પોતાની અનિશ્ચિત જિંદગીમાં વેઠેલા, નિશ્ચિત, અસહ્ય, વંઠેલા દર્દને કારણે, સદા અનરાધાર વહેતાં, લોહી ભીનાં આંસુને સ્થાને, ચારિત્ર્યવાન, સમજદાર દીકરી સૅલ્વાની અસીમ પ્રગતિ જોઈ, પ્રેમાળ માતા કૅરોની પાંપણ પર હજી તો, શુદ્ધ  હર્ષ-મિશ્રિત, અણીશુદ્ધ આંસુ તરવરે ત્યાંતો...!!


અચાનક એક દિવસ, પોતાની સાથે,પોતાના ફૂડ કોર્ટ પર કામ કરતી, પોતાની સહાયક કર્મચારી નેન્સી, અત્યંત ઘાયલ હાલતમાં, તેની એક નાનકડી  છ માસની દીકરી સાથે, કૅરોને ઘેર આવી, ધોધમાર રડવા લાગી.


હા, પોતાના `ફૂડ કોર્ટ`ની કર્મચારી નેન્સીનો ઇતિહાસ કહેતો હતોકે, અમેરિકાના રિવાજ મુજબ, નેન્સીને પણ તેના હિંસક ડ્રગ ઍડિક્ટ બૉયફ્રેન્ડે, અસહનીય માર મારીને ઘરમાંથી બહાર તગેડી મૂકી હતી, એટલુંજ નહીં..!! તે વિકૃત માનસ બૉયફ્રેન્ડ, અહીં કૅરોને ઘેર આવીને પણ, નેન્સીને સતાવવાની, મારવાની ધમકી ફોન દ્વારા આપી, તેને ડરાવી રહ્યો હતો..!!


જોકે, આ  ધમકી ફોગટ પણ ન હતી..!! કૅરોને ઘેર નેન્સીને  મારવા, આ માથાફરેલ શખ્સ, ખરેખર રૂબરૂ આવી પણ પહોંચ્યો..!! એ તો, સમયસૂચકતા વાપરી કૅરોએ પોલીસને જાણ કરતાં, તરત નેન્સીના બૉયફ્રેન્ડને પોલીસે પકડ્યો તો ખરો પરંતુ,  જતાં-જતાં  હિંસક ડ્રગ ઍડિક્ટ બૉયફ્રેન્ડે, અમેરિકન કાયદા પ્રમાણે, ત્રણ-ચાર દિવસમાં જામીન મળતાં જ,  જેલમાંથી બહાર આવ્યા બાદ, નેન્સીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.


નેન્સીના લૉયરે આપેલી સલાહ મુજબ, નેન્સીનો જીવ બચાવવા કૅરોએ,તેની છ માસની દીકરીને સાચવવાની જવાબદારી પોતાના શિરે લઈને, નેન્સીને થોડી આર્થિક સહાયની સાથે-સાથે, પોતાની કાર તથા નવો મોબાઈલ આપીને, સમગ્ર મામલો થાળે પડે ત્યાં સુધી, થોડા દિવસ દૂર જવા સહમત કરી લીધી. 


દોસ્તો શું ખરેખર, નેન્સી દૂર ચાલી ગઈ? 


જીહા..!! એક સપ્તાહ બાદ કૅરોના મોબાઈલ પર, નેન્સીનો ટૂંકોને ટચ `SMS` આવ્યોકે, પોતે હવે ક્યારેય પરત નહીં આવે..!! કૅરો ચાહે તો,છ માસની તેની દીકરીને ગમે ત્યાં સરકારી અનાથાલયમાં દાખલ કરી શકવા મુક્ત છે?


માનો, કૅરો ફરીથી આસમાનથી ધરતી પર પટકાઈ..!! ઉપકારનો બદલો જાણે અપકારથી વાળતી હોય તેમ, એક તો પોતાની કર્મચારી નેન્સીએ,પોતાની કાર, નવો મોબાઈલ તથા આર્થિક મદદનો ઉપહાસ ઉડાડ્યો, તે જાણે ઓછું હોય તેમ, નમકહરામ નેન્સીએ, તેની છ માસની એક સાવ માસૂમ, નિર્દોષ બાળકીને, કૅરોની ગોદમાં ઠાલવી દીધી હતી..!! એક માતા આટલી હદે સ્વાર્થી બની શકે?


જોકે, આતો અમેરિકા છે મિત્રો,અહીં તો કાંઈપણ બનવું શક્ય છે..!!


બાળપણથી માતાને ગુમાવનાર કૅરોને,પોતાના ખોળામાં રમતી માસૂમ,નિર્દોષ બાળકી ઉપર એવું હેત ઉપજ્યુંકે, તેણે લૉયરની મદદથી કોર્ટમાં અરજી કરી,આ બાળકીની કાયદેસરની કસ્ટડી માંગી છે, જોઈએ હવે આગળ કોર્ટ શું નિર્ણય કરે છે?


આમતો આ અસહ્ય સત્ય-વ્યથા-ચિતાર અહીં પૂર્ણ થવો જોઈએ,ખરુંને? 


પણ, ના આતો એક અભાગી નારીનાં, લોહી ભીનાં આંસુનો ચિતાર છે, જે સાવ સહેલાઈથી પૂર્ણતાને થોડોજ પામવાનો?


હવે આપને થશેકે," કૅરોની આ વ્યથામાં તેને, તમારી એવી તે કઈ મદદની જરૂર પડી, તે તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવી પડી?"


અધીરા થાવ મા..!! કહું છું ભાઈ, કહું છું..!! 


આપણા ગુજરાતમાંથી, કૅરોને એક કીડની દાતા જોઈએ છે અને તે માટે બદલામાં, કીડની દાતાને, કૅરો ગમે તેટલા રૂપિયા (ડૉલર) આપવા તૈયાર છે..!!


જીહા, સુખની હરખાતી મોસમે ફરીથી કૅરોનો સાથ ત્યજી, તેને લોહી ભીનાં આંસુ સારવા, કટાણે મોસમ-પલટો કર્યો છે. કૅરોની બંને કીડની ફેલ થઈ ગઈ છે. 


અમેરિકામાં નવી કીડની માટે હૉસ્પિટલ્સમાં પાંચ વર્ષનું વેઈટીંગ લિસ્ટ ચાલે છે. પોતાની દીકરી સૅલ્વાનું બ્લડ-ગ્રૂપ,માતાના બ્લડ-ગ્રૂપ સાથે મેચ થતું નથી. હવે? હવે શું કરવું? 


પિતા આલ્ફ્રેડે અચકાતાં-ખચકાતાં, કીડની માટે બ્લડ-ટેસ્ટ તો કરાવ્યો પણ, તેમાં બ્લડ ગ્રૂપ તો મેચ ન જ થયું, ઉપરાંત DNA ટેસ્ટમાં વળી એ જાણવા મળ્યુંકે, તે પોતે, કૅરોનો અસલી પિતા છે જ નહીં..!! થઈ રહ્યું? નકલી પિતાને (!!),અસલી  દુખયારી  કૅરો સાથે સબંધ તોડવાનું એક વિશેષ નક્કર બહાનું મળી ગયું?


મિત્રો,અત્યારે તો કૅરોને મેં મારાથી બનતી તમામ સહાયનું આશ્વાસન આપ્યું છે પરંતુ, અત્યંત વ્યથિત હ્રદયે, રડતા સ્વરે, કૅરોએ, મને જે કાંઈ જણાવ્યું તે સાંભળી, હું અસમંજસ ની સ્થિતિ અનુભવતો, અત્યંત વિષાદ-વિચાર-ચિંતન મગ્ન થઈ ગયો છું..!!


કેટલાક સવાલ છે, જેના જવાબ મને મળતા નથી.


* કૅરોને, ભારતમાં,ગુજરાતમાં કીડની વેચાતી મળશે તેવી સલાહ આપનાર અમેરિકન ગુજરાતી મિત્રને મારે શાબાશી આપવી? આ ગુજરાતી સલાહકાર મિત્રએ, કૅરોને કીડની-દાન આપવા પોતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો હશે?


* માનોકે, ગુજરાતમાંથી, કોઈ કીડની-દાતા,આર્થિક વળતરની આશા રાખ્યા વગર, કૅરોને કીડની દાન કરશે તેથી, કૅરો ફરીથી સુખની મોસમની આશા રાખી શકશે?


* કૅરોની જિંદગી જ જ્યારે દાવ પર લાગી છે ત્યારે, તેવા સંજોગોમાં, અમેરિકન કોર્ટ, નેન્સીની છ માસની બાળકીની જવાબદારી  કૅરોને સોંપશે?


* આપણા દેશમાં છાશવારે થતા, અકસ્માતો તથા આતંકવાદી હુમલા બાદ, યોગ્ય તબીબી સારવાર, સરકારી સહાય વગર, બંને કીડની ડેમેજ થવાથી, જ્યારે હજારો લોકો રઝળે છે તેવામાં, અમેરિકાથી મોંમાગ્યા ડૉલર ખર્ચવાની તૈયારી સાથે આવેલી કૅરોને મદદ કરવી, મારી ફેસબુકીય ફરજિયાત ફરજ બને છે?


જોકે, કૅરોને, મારે જવાબ તો પાઠવવોજ પડશે, પણ તે જવાબ, મારે આપના વિદ્વતાપૂર્ણ પ્રતિભાવ દ્વારા મેળવવાનો એક નમ્ર પ્રયાસ કરી જોવો છે તેથી આ વ્યથા-ચિતાર અત્રે રજૂ કર્યો છે. 


આ સત્ય ઘટનાનાં તમામ પાત્રોનાં નામ કાલ્પનિક હોઈ શકે છે પરંતુ, કથાનક હરગિજ નહીં.


જોઈએ,આગળ શું થાય છે. હું તો કૅરોના સંપર્કમાં છુંજ. આપને, કૅરોની જિંદગીમાં આગળ શું થયું? તે જાણવાની જો જિજ્ઞાસા જાગી હોય તો, મને જેમ-જેમ માહિતી મળશે તેમ-તેમ, કૅરો વિષાદ કથા ફરીથી આગળ અવશ્ય માંડશું..!!

ત્યાં સુધી, આપની અમૂલ્ય સલાહ-પ્રતિભાવનો ઇંતેજાર, બીજું વળી શું?

બાકી સાચું કહું..!!

અમેરિકા, દુનિયાભરના માનવીઓની સ્વપ્ન નગરી..!!
અમેરિકા, દુનિયાભરના માનવીઓની ડૉલરિયા રોટી..!!
અમેરિકા, દુનિયાભરના માનવીઓની સંમોહિની..!!
અમેરિકા,અમેરિકા,અમેરિકા..!! એટલે..બસ..અમેરિકા..!!

માર્કંડ દવે.તાઃ૧૪-૦૭-૨૦૧૧.  

3 comments:

 1. અમેરિકા, દુનિયાભરના માનવીઓની સંમોહિની..!!

  Mara mate to kidney ni arrangment thai to saruj kahevay, thodik practicle vaat etle jo koi aarthik bhid ma sapdayelo manas daan karva taiyar thai to ba bbe pariwar bachi jaay evi maari lagni chhe... baaki tamari kalpanane ame to pahochi shakiye em nathij...

  Mail aa ID par moklavjo...

  --
  Thanks and Regards,

  Sanjay Thorat
  "Convert life into celebration"

  ReplyDelete
 2. માર્કન્ડભાઇ,

  કથા, લઘુકથા કે નવલકથા આવા જ કોઇ આસપાસના સંજોગોમાંથી મળી આવતી હો છે છે ને? પણ સત્ય ઘટનાનો વિષાદ કદાચ વધુ સ્પર્શી જતો હોય છે. ઇશ્વર હવે તો કૅરો પર ક્રુપા કરે એવી પ્રાર્થના.  Rajul Shah
  http://www.rajul54.wordpress.com

  ReplyDelete
 3. hi sir ...
  aa saru chhe ke tame facebook ne positively lo chho ,
  baaki eva ketlaay chhe ke je facebook frnds ne faltu timepass maane chhe..
  have kero ni vaat.
  as a frnd tamaare eni help karvi joiye ...
  ane kai nai to ek advrtse ke pa6i je ko em .. loko tatha mitro ne jaan karvi joiye ...
  jo aa story sachi hoy .. to jarur thi hu kais ke tame saaru kaam karyu ke aa group ma share karyu ..
  koi kidney donor jarur thi malse ...
  ane last ma mari ek req. chhe ..
  mane facebook ma dkarsho ??

  https://www.facebook.com/maulikk911

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.