Wednesday, March 24, 2010

વાર્તામાં કથા.

વાર્તામાં કથા.

" સાચાં કે ખોટાં, ખબર કેમ પડશે...!! 
બેરંગી  આંસુના, બે -રંગ  હોવા જોઈએ. "
   ખારાં કે મીઠાં, ખબર કેમ પડશે...!! 

બે  ઘૂંટ આંસુના,  સુવાંગ  પીવા જોઈએ?"

બેરંગી = ઊડી ગયેલા રંગનું ; સુવાંગ = આખે આખા
==========

આખી ઑફિસમાં બે દિવસથી ચાલતી,સાફસફાઈની ધમાલનો છેવટે આજે અંત આવ્યો હતો. કંપનીના નવા મેનેજર કાલથી આવવાના હતા.જૂના G.M. શ્રીપ્રશાંત  રાવલસાહેબની વાત અલગ હતી. તેઓ કાલે નવા આવનાર  G.M. ને  ચાર્જ આપીને, નિવૃત્ત થતા હતા એટલે, તેઓ  નિવૃત્તિના મૂડમાં હોવાથી, સ્ટાફને,  છેલ્લા કેટલાય સમયથી, મઝા - મઝા પડી ગઈ હતી. સમય - કસમય આવવું, જવું, ચા - પાણી, નાસ્તો, ટોળટપ્પા અને ગામગપાટા મારવા વગેરે વગેરે..!!     

જોકે, કંપનીના કેટલાક જાગૃત કર્મચારી, બરાબર ફરજ બજાવતા ખરા, પણ એવા કર્મચારી કેટલા..!! આંગળીની વેઢે ગણવા પડે એટલાજ.

આમ જોવા જાવ, તો એવા જાગૃત કર્મચારીજ ખબર લાવ્યાકે, નવા આવનાર જનરલ મેનેજર સાવ માથાના ફરેલા હતા.કોઈપણ કર્મચારીની ભૂલ થાય એટલે સીધું  પાણીચુંજ પકડાવી દેતા હતા.કદાચ એટલેજ ઘણા માસથી દરેક કર્મચારીના ટેબલ પર, આળસમાં એકઠી થયેલી ફાઈલોના ગંજની સાથે સાથે, આખી ઑફિસની સાફસફાઈ પણ શરૂ થઈ અને બઘા થાકીને લોથપોથ થઈ ગયા, પરંતુ ઑફિસ ચકાચક થઈ ગઈ.

આજે કંપનીના કામે આવનાર,બહારની પાર્ટીઓને, ઑફિસનું વાતાવરણ,તરવરાટથી ભર્યુંભર્યું લાગ્યું. જાણે  ઑફિસનો કાયાકલ્પ થયો ના હોય..!!
અરે..!! ઑફિસની ક્યાં માંડવી? કંપનીના પટાવાળાથી લઈને, ચીફ ઍકાઉન્ટન્ટ સહિત તમામ કર્મચારીઓ, નવાં ઈસ્ત્રીટાઈટ, મોભાદાર વસ્ત્રો ઠઠાડીને આવ્યા હતા.ઑફિસની એકમાત્ર સ્ત્રી કર્મચારી, આધેડ ઉંમરે પહોંચેલી,જૂના G.M. ની પર્સનલ સેક્રેટરી, મારિયા પણ આજે અત્યંત માનસિક તણાવમાં લાગતી હતી. ખબર નહીં, નવા G.M.  સાથે ફાવશે કે નહીં?

અંતે, કંપનીના ગેટને, પસાર કરીને નવા G.M. સાહેબની કાર આવીને, કંપનીના  કાર્યાલયના,  દરવાજે ઉભી રહી. મોટાભાગના કર્મચારી, નવા G.M.સાહેબને આવકારવા માટે, ઑફિસના દરવાજે,હાથમાં ફૂલના ગુલદસ્તા સાથે,ચહેરા પર  કૃત્રિમ, ઔપચારિક હાસ્ય ધારણ કરીને, ઊભા હતા. કારનો દરવાજો ખૂલતાંજ,કારની પાછળની સીટ પરથી, ફક્ત પચ્ચીસ વર્ષની ઉંમરનો  જણાતો એક, સોહામણો યુવાન, ત્વરાથી બહાર આવ્યો.કસાયેલું ખડતલ શરીર, આત્મવિશ્વાસથી ભરેલી બૉડીલેંગ્વેજ અને સહુથી વધારે ધ્યાન ખેંચે તેવી બાબત, તેની સામાને વશીભૂત કરનારી,ચમકદાર,આકર્ષક, માંજરી આંખો.આટલી સાવ નાની ઉંમરના  G.M. સાહેબને, બધા કર્મચારીઓએ, નમસ્કાર કરવા કે હાય-હલ્લો કહેવું, તેવી સમંજસમાં પડેલા, સહુએ છેવટે મનને કળ વળતાં, ફાવ્યો તે પ્રકારે આવકાર આપીને જેમતેમ, બધા કર્મચારીઓ ઑફિસમાં, નવા G.M. સાહેબની પાછળ પાછળ દોરાયા. નવા બૉસની P.S. મારિયા તેમને તેમની કૅબીનમાં દોરી ગઈ.

કર્મચારીઓએ, નવા બૉસની સાવ નાની ઉંમર જોઈને, હળવાશનો અનુભવ કર્યો, પરંતુ ફક્ત દસજ મિનિટ પછી, સહુ ફરીથી ટેન્શનમાં આવી ગયા. નવા બૉસે, કંપનીના કૉન્ફરન્સરૂમમાં, સ્ટાફની અરજન્ટ મીટિંગ બોલાવી હતી. બધાજ ઉતાવળે પગલે કૉન્ફરન્સ રૂમમાં દાખલ થયા.

કોઈજ ઔપચારિકતા દાખવ્યા વગર, સીધાજ ઊભા થઈને, નવા G.M. સાહેબે પોતાનો પરિચય આપ્યો," હું  તેજસ શર્મા, M.B.A ; L.L.B. મૂળ વતન -કાનપુર, યુ.પી. મને સીધી વાત કરવી ગમશે. કંપનીની આ ઑફિસની કેટલીક અનિયમિતતાઓ અંગે હેડઑફિસમાં, ઘણીજ ફરિયાદ થયેલી છે. આજથી સખત મહેનત કરવા સહુ તૈયાર થઈ જશો તેવી અપેક્ષા છે. મિસિસ મારિયા, આ છે આપનો,આપના વતનમાં ટ્રાન્સફર અંગેનો ઑર્ડર.આપની અરજી-વિનંતી માન્ય રાખવામાં આવી છે. આવતીકાલથી ઑફિસમાં નવી  P.S. ચાર્જ સંભાળશે. કોઈને કાંઈ પૂછવું છે? Is there any question? !!........!! O.K. આપ સહુ જઈ શકો છો."

કૉન્ફરન્સ રૂમની, બહાર નીકળીને ઑફિસનો બોલકો કર્મચારી  પાટીલ બોલ્યો," સાલું...!! આ માણસને જજ કરવો ઘણોજ અઘરો લાગે છે..!! સ્વભાવ કેવો છે ? સમજ નથી પડતી..!!" બધા જાણે પાટીલની વાત સાથે સંમત હોય તેમ, ડોકી ધૂણાવીને, કામે વળગ્યા.

બીજા દિવસે ઑફિસમાં, જાણે હજારો તારલા ઝગમગી ઊઠ્યા હોય અને તેની વચ્ચે પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો હોય એમ,તેજસની હમઉમ્ર મિસ ચારૂ, નવા બૉસની, નવી પર્સનલ સેક્રેટરીના રૂપમાં હાજર થઈ ગઈ. પાટીલ જેવા કેટલાય કર્મચારીઓ, એજ સાંજે ક્ષણનોય વિલંબ કર્યા વગર,નવાં વસ્ત્રો  ખરીદવા, તૈયાર વસ્ત્રોના, શોરૂમમાં આંટા મારતા જોવા મળ્યા.  

જોકે,પાટીલ,મહેતા,સોલંકી વગેરેનાં નવાં વસ્ત્રોનો ખર્ચ સાવ માથે પડ્યો, મિસ ચારૂ, કોઈને કામ વગર ગપ્પાં મારવા, પોતાના ટેબલ પાસે, એક મિનિટ પણ ઊભા રહેવા દેતી નહતી.

બસ, ઈર્ષાથી પીડાતા,કેટલાક દિલફેંક કર્મચારીઓ, પોતાને જાણે, થોડાજ  દિવસમાં, બૉસના સ્વભાવની જાણ થઈ ગઈ હોય તેવા, દાવા કરવા લાગ્યા. "અહીં આવતા પહેલાં તેજસ અને ચારૂ બંને, અન્ય ઑફિસમાં પણ સાથેજ ફરજ બજાવતા હતા.ત્યારથીજ તેજસને ચારૂ સાથે લફરૂં છે. ઑફિસ છૂટ્યા પછી પણ બંને સાથે રખડે છે..!! આવા બીનઅનુભવી  છોકરડાને તો આપણે કાચોને કાચો ખાઈ જઈશું..!!" વગેરે વગેરે..!! 

પરંતુ, આ  યુવાન નવા G.M.સાહેબને,બીનઅનુભવી છોકરડો સમજીને, અંડર ઍસ્ટીમેટ કરનારાના,ઘણા બધાના હોઠ થોડા દિવસમાંજ સાવ સીવાઈ ગયા.

માત્ર એક માસના ગાળામાં, ચાંપલુશી કરનારાને, કડકાઈથી અને પ્રામાણીક, મહેનતુ સ્ટાફને પ્રેમથી વશ કરીને,તેજસે ઑફિસની પાટા પરથી ઊતરી ગયેલી ગાડીને, ચપટી વગાડતાંજ ફરી પાટા પર ચઢાવી,એટલુંજ નહીં. ઍક્સપ્રેસની માફક પૂરપાટ દોડતી પણ કરી દીધી. અચાનક આવી પડેલા, કામના અતિશય  બોજને કારર્ણે, કેટલાક.કર્મચારીઓ તો બદલી કરાવવા અથવા અન્યત્ર નોકરી શોધવાની પેરવીમાં પડ્યા.

કામચોર અને ખટપટીયા સ્ટાફ દ્વારા, નવા બૉસને અહીંથી ઝડપથી વિદાય કરવાના, ભગાડવાના ષડયંત્રના એક ભાગ રૂપે, અવનવાં ષડયંત્ર અજમાવવાનું શરૂ થયું જેમાં આ બધી બહેકાવતી વાતોમાં, ચલતાપુર્જા સ્વભાવના, ઑફિસના યુવાન પટાવાળા રમેશને, એક ગંભીર ગેરસમજ ઊભી થઈ ગઈ. રમેશને હાથો બનાવી, તેના સતત કાન ભંભેરવાનું આ સ્ટાફે શરૂ કર્યું હતું,જેમાં તેજસ અને ચારૂના ખરાબ સંબંધની, મનઘડંત  વાર્તાઓનો રમેશના કાચા કાન ઉપર રીતસર મારો ચલાવવાનું શરૂ થયું. 

ઑફિસના પટાવાળા રમેશનાં લગ્નને  ત્રણ વર્ષ થયાં હતાં.લગ્ન સમયે અને ત્યારબાદ પ્રથમ વર્ષેજ, પત્નીને પ્રથમ બાળકના, કસમયના " Miscarriage"  વખતે હૉસ્પિટલના લાંબા બીલને કારણે, રમેશને તેના માથાના વાળ જેટલું દેવું થઈ ગયું હતું. લૂચ્ચા અને સ્વાર્થી સ્ટાફે તેને નવા બૉસને પૈસેટકે ખંખેરવાનો, ખતરનાક ઉપાય બતાવ્યો.જેમાં લેણદારોના વ્યાજ ભરીને અને મુદ્દલની પઠાણી ઉઘરાણીથી ત્રાસેલો, રમેશ અમલ કરવા પણ તૈયાર થઈ ગયો.

આજે હજી તેજસ સવારે,પોતાની કૅબીનમાં પ્રવેશીને,પોતાની બેઠક પર સ્થાન લે ત્યાંતો, પાછળ પાછળ, રમેશ ટ્રે માં પાણીનો ગ્લાસ લઈને દાખલ થયો અને તેજસની સામે હાથ જોડીને ઊભો રહી ગયો. તેજસે તેની સામે પ્રશ્નાર્થ નજરે જોયું તો, રમેશે ચહેરા પર,અત્યંત દાયામણા ભાવ લાવીને તેજસને વિનંતી કરીકે," સાહેબ, આજે મારો જન્મદિવસ છે અને મારી તથા મારી પત્ની ગોપીની એવી ઈચ્છા છેકે, આપ મારે ત્યાં સાંજે  શ્રીસત્યનારાયણભગવાનની કથા રાખી છે તેમાં જરૂર પધારો. જોકે, મેં ગોપીને કહ્યુંકે, સાહેબ કામમાં ખૂબ વ્યસ્ત રહે છે અને એવા મોટા માણસ આપણે ત્યાં નહીં આવે, પણ તે ગાંડી માની નહીં.સાહેબ, આપ સાંજે સાત વાગે મારે ત્યાં આવશો?"

તેજસે ફક્ત એક મિનિટ વિચાર કરીને,તરતજ રમેશનું આમંત્રણ સ્વીકાર્યું તથા રમેશનું સરનામું એક કાગળમાં ટપકાવી લીધું.સાહેબે આટલી ઝડપથી કોઈજ આનાકાની વગર આમંત્રણ સ્વીકાર્યું, તેથી રમેશને ઘણુંજ આશ્ચર્ય થયું.રમેશે,તેજસ પાસે એક કલાક વહેલા જવા રજા માંગીને, તે ઘેર જવા વિદાય થયો.   

સરનામું શોધીને,તેજસ સમયસર, રમેશના ઘેર પહોંચ્યો,ત્યારે રમેશ ઘરમાં હાજર નહતો. ઘરમાં રમેશ હાજર નથી, જાણી ખચકાઈને, તેજસ દરવાજે  જ  ઊભો રહી ગયો.જોકે રમેશની પત્ની  ગોપીએ તેને હરખથી આવકાર્યો અને આગળના નાનકડા ઓરડામાં,એક જૂની ખુરશી પર બેસાડ્યો,ત્યારે તેજસને પોતાની ઑફિસના  પટાવાળાની દરિદ્રતા જોયા પછી ઘણુંજ દુઃખ થયું. રમેશની પત્ની ગોપીનાં વસ્ત્ર પણ, સાવ જૂનાં, ચોળાયેલાં પણ, સ્વચ્છ હતાં.

થોડીવાર રમેશની  રાહ જોયા પછી, ઘરમાં શ્રીસત્યનારાયણભગવાનની કથા રાખી હોવાનો કોઈજ અણસાર ન જણાતાં, તેજસ, રમેશની પત્નીની રજા લઈ, વિદાય થવા જ્યાં ઊભો થાય ત્યાંતો, રમેશની પત્ની બંને રૂમની વચ્ચે ના ઉંબરે, બારસાખ પર હાથ રાખીને  આંખમાં તરતાં આંસુ સાથે ઊભી રહી ગઈ. તેજસ ફરીથી ખચકાટ સાથે  ઘરની બહાર જવાને બદલે ઊભો રહી ગયો. છેવટે મૌન તોડીને તેજસે પૂછ્યું," બહેન, મને લાગે છે આજે કથાના બહાને, મને કાંઈક કહેવા અહીં બોલાવ્યો લાગે છે..!!  તમારે કે રમેશે,તમારી તકલીફ અંગે, મને જો કાંઈક કહેવું હોય તો, તમારો ભાઈ સમજીને , સંકોચ વગર કહી શકો છો."

બસ, આટલું સાંભળતાંજ, રમેશની પત્ની, રૂમના ઉંબરે, ધબ દઈને બેસી પડી અને અત્યંત કરૂણ ભાવ સાથે, ધ્રૂસકેને ધ્રૂસકે રડવા લાગી. તેજસને સમજ ન પડી કે તેણે હવે શું કરવું..!! ગોપીને રડતી મૂકીને જાય તે પણ ઠીક નહીં. છેવટે કશુંજ ન સુઝતાં તેજસ ફરીથી ખુરશીમાં બેસીને, ગોપીનું આક્રંદ બંધ થાય તેની રાહ જોવા લાગ્યો.

થોડીવાર પછી કળ વળતાં,રડવાનું બંધ કરીને, ગોપીએ જે કાંઈ જણાવ્યું તે તેજસ માટે, અત્યંત અઘાતજનક તથા ચોંકાવનારું  હતું.

ગોપીની અનિચ્છા  છતાં, છેલ્લા કેટલાય દિવસથી, રમેશના ઘરમાં ઑફિસના અન્ય કર્મચારીઓ, પાટીલ, મહેતા અને સોલંકીની લગાતાર મીટિંગ ચાલતી હતી અને તેમાં નક્કી કરવામાં આવ્યું હતુંકે, રમેશ કોઈપણ બહાને તેજસને પોતાને ઘેર બોલાવી, તેની પત્ની ગોપીની છેડતી કરવા બદલ, બદનામ કરી ઑફિસમાંથી બીજે બદલી કરાવી લેવા, તેજસને મજબૂર કરે તો, રમેશનું બધુંજ દેવું ચૂકવાઈ જાય તેટલી રકમ, પેલા ત્રણ બદમાશ કર્મચારીઓ, રમેશને આપશે.

આ ભયંકર કાવત્રામાં,પેલા બદમાશ કર્મચારીઓના સહકારથી, આ જ કંપની સાથે ગેરકાયદેસર ધંધો કરતા, કેટલાક વેપારીઓ પણ સામેલ હતા જેમને તેજસ  નડતો હતો,તેથી તેઓએ પણ રમેશને વધારાનું ઈનામ આપવા બાંહેધરી આપી હતી. 

આમપણ  તેજસ અને તેની પર્સનલ સેક્રેટરી મિસ ચારૂના સંબંધને કારણે, અફવાનું બજાર ગરમ હતુંજ, તેમાં તેજસની બદનામીનો એક વધારાનો હથોડો મારતાંજ,તેજસ બદલી કરાવે તો પછી, ઑફિસમાં ફરીથી જલ્સા જ જલ્સા થવાના હતા. આવીજ  ધૃણાસ્પદ મનોકામના સાથે, પાટીલ, મહેતા અને સોલંકી અરધો કલાક પછી,રમેશને લઈને  આવવાના હતા.

છેલ્લે,ગોપીએ ઉમેર્યું," સાહેબ, મનેય બધાની જેમ, સુખમાં જીવવાના અરમાન છે,પણ આવી રીતે ? હું એવી સ્ત્રી નથી.મારો અંતરાત્મા હજી જાગે છે સાહેબ."

વિકટ પરિસ્થિતિમાં, અનેક ત્વરિત નિર્ણય કરવા ટેવાયેલા, તેજસે એક ક્ષણમાંજ અહીં  પણ  કેટલાક ત્વરિત નિર્ણય કરીને, મિસ ચારૂ સહિત ઑફિસના, અન્ય તમામ  કર્મચારીઓને, ફટાફટ ફોન કરીને સૂચનાઓ આપી. પંદર મિનિટમાંજ રમેશનું ઘર ઑફિસના અન્ય કર્મચારીઓથી ભરાઇ ગયું.

પાટીલ, મહેતા અને સોલંકી, રમેશ અને બીજા બે ઓળખીતા, ભ્રષ્ટ પોલીસમેન સાથે, બદદાનત સાથે, રમેશના ઘરની શેરીનો વળાંક વળ્યા ત્યારે, શેરીના ચોકમાં, પંડિતજી  શ્રીસત્યનારાયણની કથા  શરૂ કરવાની તમામ, તૈયારી કરી ચૂક્યા હતા. પાટીલ, મહેતા,સોલંકી અને રમેશે જોયુંકે, તેજસ, મોબાઈલ ઉપર શહેરની જાણીતી હૉટલવાળાને, એક કલાક પછી, આશરે ૫૦ માણસની રસોઈ પહોંચાડવાનો  ઑર્ડર આપી,રમેશનું સરનામું નોંધાવી રહ્યો હતો.

રમેશે, અચંબાથી ગોપી સામે જોયું પણ, તે તો શ્રીસત્યનારાયણ ભગવાનનો શીરો-પ્રસાદ તૈયાર કરવાની તૈયારીમાં વ્યસ્ત હતી. છેવટે ચૂપ રહેવામાંજ શાણપણ સમજીને, પોલીસમેનને ઈશારાથી  વિદાય કરી દઈ, પાટીલ, મહેતા અને સોલંકી, ભગવાનની કથા શરૂ થતાંજ, કથા- શ્રવણમાં ધ્યાનસ્થ થઈ ગયા હોય તેમ નીચી નજરે, જાણે, કાંઇજ ન જાણતા હોય તેમ, પલાંઠીવાળીને, અન્ય સ્ટાફ મેમ્બર્સ સાથે,પાથરણા પર બેસી ગયા. રમેશ અને તેની પત્ની ચૂપચાપ, પૂજામાં બેઠા.

અંતે, શ્રીસત્યનારાયણ ભગવાનનો પ્રસાદ અને ભોજનથી તૃપ્ત થઈને, સહુ મહેમાનો, પોતાને આમંત્રણ આપવા બદલ, રમેશનો આભાર માનીને રવાના થયા.

જોકે, એ બાબત અલગ છેકે, બીજા દિવસે  કંપનીની આ ઑફિસમાં, તેજસની સૂચનાથી, મિસ ચારૂએ, S.S.C. પાસ, રમેશને  જુનીયર ક્લાર્કનું પ્રમોશન અને તેની પત્ની ગોપીને, રમેશની જગ્યાએ પટાવાળા તરીકે કામે રાખવાનો, લેખીત ઑર્ડર, રમેશના હાથમાં  મૂક્યા,ત્યારે રમેશ, છાના-છાના, મૂંગા-મૂગા, આંસું સારતો હતો. મિસ ચારૂને એ સમજ ના પડીકે, રમેશનાં આંસુ દુઃખનાં છે કે હરખનાં..!!

જોકે, મિસ ચારૂએ તો, પાટીલ, મહેતા અને સોલંકીને પણ લેખીત ઑર્ડર આપ્યા. પણ તે તો તેમની બરતરફીના..!! તેજસના બારામાં,  પાટીલે, જતાં-જતાં મહેતા અને સોલંકીને એટલુંજ કહ્યુંકે, " સાલુ, આ માણસને જજ કરવો ઘણોજ અઘરો લાગે છે..!! સ્વભાવ કેવો છે ? સમજ નથી પડતી..!!"

ભાઈ, પાટીલ તને તો, ભગવાન શ્રીસત્યનારાયણનો સ્વભાવ પણ ક્યાં સમજાયો છે...!!  કથા સાંભળી, શીરાનો પ્રસાદ ખાધો,તોય પેલા સાધુ વાણિયાને ભગવાન ફળ્યા તેવા તને ના ફળ્યા...!!

જરૂર, ભગવાન અને પ્રસાદ પણ, સારી દાનત ધરાવનારનેજ ફળતા હોવા જોઈએ...!!  કેમ,  આપ શું માનો છો?

ખરા છે યાર, આ ભગવાન પણ, નહીં...!!

માર્કંડ દવે. તા.૨૪-૦૩-૨૦૧૦.

1 comment:

 1. વાર્તાને આજના જમાના પ્રમાણે ઢાળી ને

  અલગ રીતે આપે વળાંક આપ્યો અને

  અંત સુંધી રસધારા વહેતી રહી કે વાંચવાની

  એક મજા મળી.

  રમેશ પટેલ(આકાશદીપ)  વીસમી સદીના લાલ….રમેશ પટેલ(આકાશદીપ)
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.