Sunday, July 11, 2010

અમાસે ઉગે ચાઁદ?

અમાસે ઉગે ચાઁદ?

" અમાસે ઉગે ચાઁદ? બીજું  શું  જોઈએ..!!
  દિલને  ડસે  યાદ,  બીજું  શું જોઈએ?"


નોંધઃ-  આ પત્ર-કથા, મારા જેવા, તમામ, કામઢા, નિષ્ઠુર અને  સ્વાર્થી  માનવીઓને અર્પણ, જેને પાછળથી,  પસ્તાવા માટે, ઘરમાં કોઈ ખૂણો મળવાનો નથી અને પલાળવા માટે આંખમાં પાણી. આ પત્ર-કથા  વાંચીને, કોઈ પોતાના સ્વજનને સોડમાં લઈ, ભૂલથીય, તેના માથે, હેતનો હાથ ફેરવશે તો, આ લખ્યું લેખે લાગશે..!!


========

પ્રિય  અમી,

આજે,  આપણા લગ્નની,  પાંત્રીસમી લગ્નગાંઠના દિવસેજ, મારાથી  અલગ થયે, તને પુરા તેર દિવસ થયા.

આજે, તારાથી કાયમી  છૂટકારાનો, અમાસ જેવો કાળો ડિબાંગ અંધકાર, મારા દિલને,  ઘેરી રહ્યો છે,  ત્યારે છેવટે,  દિલને  ડસતી  યાદ  રૂપે પણ,  તું  ચાઁદ થઈને દિલમાં  ઉગી છે.,!! મારે બીજું  શું  જોઈએ? ઘરમાં સગાંવહાલાંની ચહલપહલનો પાર નથી અને મારા મનમાં વિચારોનો પણ..!!

આખી જિંદગી, મારા તાપના, વધતા વ્યાપને કારણે, તું  સાવ દબાયેલી, કચડાયેલી, મૂંઝાયેલી ફરતી રહી. મને  આજે, તું નથી ત્યારે,  ભાન  થાય  છેકે, તારે મને અને મારે તને  ઘણું  કહેવું  હતું,  પરંતુ  કોણ  જાણે  કેમ, તારી મૂંઝવણે  અને  મારા  અહંકારે, આખી  જિંદગી, આપણે  ખપ  પુરતી જ વાત કરી.

ભણેલીગણેલી પણ,  સાવ ગરીબ ઘરની, ગામડે ઉછરીને, મોટી થયેલી તું,  ખબર નહીં...!!   મને, તારા માટે પહેલેથીજ,  કોઈ આકર્ષણ નહતું.

એવું  નહતુંકે, હું   તે   સમયે  કોઈના પ્રેમમાં હતો. પણ  મને પહેલીજ નજરે, તારામાં કાંઈક  ખૂટતું હોય  તેમ  લાગ્યું..!!  છતાંય, જાણે  કોઈ  વશીકરણ થયું હોય તેમ, તારી સાથે, મેં લગ્ન તો કર્યાંજ..!!

સાચું કહું..!!  આપણી સુહાગરાતના દિવસે, તારા શરીરમાંથી, પ્રસરતી, તીવ્ર ગામઠી ગંધથી , મને તારા પ્રત્યે, એવો તો, અજાણ્યો અણગમો ઉપજ્યોકે,  તે રાત્રે, મેં,  એક પશુનું  હૈયું ઘારણ કરીને, મન વગર યંત્રવત,  બધી જ   ક્રિયાઓ  પૂર્ણ   કરી.

જોકે,   તને તો,  જાણે   જનમ-જનમથી ચાહતો   હોઉં,  તેવા ફીલ્મી  ડાયલોગ્સ  ફટકારીને, મારા અણગમા અંગે, મેં  કશીજ  જાણ  થવા ન દીધી. મને આજે લાગે છે, તારા સંસ્કારી,  આજ્ઞાંકિત,  સમર્પણ ભાવને, કદાચ મારા કોઈ, ફીલ્મી ડાયલોગ્સની પણ જરૂર ન હતી. તારે મન તો,  હું  જ સર્વસ્વ  હતો.

બીજાજ  દિવસથી, તારા   હાથની   મહેંદીનો રંગ ઉતરે ત્યાંતો,  કોઈને  પૂછ્યા વગર, તું ઘરના સર્વે સદસ્યની સેવામાં એવી, પ્રવૃત્ત  થઈ ગઈકે, ત્યારબાદ સળંગ  ૩૫  વર્ષ  સુધી, ના તો કોઈ દિવસ તેં રજા માંગી, ના કોઈએ તને રજા ભોગવવાનો મોકો આપ્યો...!!

લગ્નના દોઢ વર્ષે તેં, બાર્બી ડૉલ જેવી રૂપાળી, કૃત્વાને જન્મ આપ્યો, ત્યારે હું તે સમયે, ધંધાર્થે દિલ્હીની ફાઈવસ્ટાર હૉટલની કૉન્ફરન્સરૂમમાં, બિઝનેસ મીટીંગ ઍટેન્ડ કરી રહ્યો હતો.

દીકરીના જન્મ બાદ, પંદરમા દિવસે, હું પરત ફર્યો ત્યારે,  દીકરી કૃત્વાને,   હરખથી મારી પાસે  લઈને તું  આવી ત્યારે, દીકરી પર એક અછડતી નજર નાંખીને, મારા બિઝનેસ કૉલ્સમાં, હું બીઝી  થઈ  ગયો  હતો. તને  કેવું  લાગશે..!! તેની પણ, મેં પરવા ન કરી.

હું  મારા  ધંધામાં  એવો  પ્રવૃત્ત  હતો કે,  લગ્નના ચોથા વર્ષે , તેં એક સુંદર  દીકરા `કર્મ` ને જન્મ આપ્યો, પણ મને તો, તેનોય   હરખ   નહતો. એમાં શું? તેં   તારી ફરજ બજાવી હતી. તારી આંખોમાં, લાચારીભરી, મનાઈ જોવા છતાં,  મારા મિલિટરી શિસ્તના કોરડાને,આપણા  સમજુ  દીકરા   કર્મ  પર,  મેં  એવો તો   વિંઝ્યોકે,  મારાથી કંટાળીને,  અભ્યાસના બહાને, મને ભોળવીને, કર્મ  લંડન (U.K.) ભેગો થઈ ગયો, તે  આજની  ઘડીને  કાલનો  દિ`..!!  પરત   ફર્યો  જ નહીં.

દીકરા કર્મના   પલાયનવાદ પર, મને તેની સાથે વાંધો હોય, પણ મને ક્યારેય  સમજાયું  નહીં કે, તું  તો  તેની  માઁ  હતી. તને  કર્મની  જરૂર હતી. પરંતુ, મારા ગુસ્સાથી ડરીને, તેં ક્યારેય તેને મળવાની ઈચ્છા, મારી સમક્ષ જાહેર ના કરી.

મને યાદ છે, લગ્ન પછીના, એકમાસ બાદ, તારી  સાથે, તારા પિયરના, દરિદ્રતાની ચાડી ખાતા, મકાન (મારી સાસરી) માં, પ્રથમવાર હું આવ્યો, ત્યારે જમાઈ આવ્યાની ખુશીમાં, તારા બા - બાપાએ, આગતાસ્વાગતા કરીને, પાછા ફરતી વેળાએ,  થોડુંક તણાઈને પણ, મને  પૅન્ટ-શર્ટનું  કાપડ આપ્યું હતું, જે  જોતાંજ  મને ગમ્યું નહીં અને  આપણે ત્યાં આવતાંજ,  તારી હાજરીમાંજ,  ઘરના નોકરને, તે કાપડ,  મેં  પધરાવી દીધું.  તે સમયે તારી આંખમાં પાણી, જેવું  કૈંક તરવર્યું  હતું  તેવું  છે....ક, આજે મને ઘ્યાનમાં આવે છે..!!

ઘરમાં, તારી હાજરીમાં, મારી તમામ જરૂરીયાત, સંતોષાય તેવી રીતે ક્યારે ચીજવસ્તુઓ, આગોતરી ગોઠવાતી રહેતી, તેની મને આજે, તારી ગેરહાજરીમાં, સમજ પડે છે.

અરે..!!  લગ્ન પછીના, એકજ અઠવાડિયામાં તો  તને, મારે ચ્હા ઓછી ખાંડની જોઈએ, મારો રૂમ કાયમ સાફ જોઈએ, કે પછી જમવા બેસું  ત્યારે, ફૂલકા રોટલી ગરમ અને પ્રવાહી વસ્તુઓ માટે, ક્યા બાઉલમાં, કેવી ચમચી જોઈએ..!!  તે તમામ બાબતની, તારી પાસે જાણકારી હતી.

મને પાણીની તરસ ક્યારે લાગશે? હું હજું પાણી માટે  કહું, તે પહેલાંતો, ઠંડા પાણીના જગ અને ગ્લાસ સાથે તું સામે જ ઉભી હોય..!! એ વાત અલગ છેકે, હું તે બાબતની નોંધ લેવાની દરકાર સુદ્ધાં કરતો નહીં. જોકે, તુંય મારી ઉપેક્ષાથી ટેવાઈ ગઈ હતી.

મારી બા (તારી સાસુ ) પણ, આખી જિંદગી આ  રીતેજ, કુટુંબ અને પોતાનાં બાળકોની સેવા આજીવન કરતી રહી.

બાના પિયરમાંથી,  એકવાર આખું  કુટુંબ, ચારધામની જાત્રાએ ગયું,  ત્યારે બાની ઘણીજ ઈચ્છા હોવા છતાં, હું  માંદો હોવાથી તે જઈ ના   શકી. ત્યારે  મારા માથા ઉપર, ઠંડા પાણીનાં પોતાં મૂકતાં, તે બોલી હતી, " મારે મન  તમારાં બધાંની સેવા, એજ  મોટી જાત્રા છે.

જોકે, મને ખબર છે, તેનું હ્યદય બહુ કકળ્યું હતું. તેથીજ, ક્યારેય  સિનેમા જોવા ન જનારી  બા,  તે જમાનામાં આવેલી, ` ચારધામ કી યાત્રા` નામની, બ્લેક એન્ડ વ્હાઈટ, હિન્દી ફિલ્મ જોવા, મને સાથે લઈને ગઈ હતી. પરદા પર દેખાતાં મંદિરની ધજાઓનાં દર્શન માત્રથી, મનનું સમાધાન કરતાં, તેને  ફાવી ગયું હતું.

મને આજે મનમાં થાય છેકે, કદાચ તારી પણ ચારધામ જવાની ઈચ્છા હતી, જે  મેં ક્યારેય પૂર્ણ ન કરી. એ વાત અલગ છેકે,  મારે ધંધાર્થે, મથુરા જવાનું થયું, ત્યારે  શ્રીકૃષ્ણ જન્મ સ્થાન (કારાવાસ) નાં દર્શન કરવા ગયો હતો અને મને અચાનક બા યાદ આવી, ત્યારે હું  ત્યાં  શરમ  વગર, ભાવુક  થઈને  ખૂબ રડ્યો.
મનમાં ભગવાનને, મેં પ્રાર્થના પણ કરી હતીકે, જો આજનાં દર્શનનું કોઈ પૂન્ય મળવાનું હોય તો તે, મારી  શ્રીજીશરણ થયેલી બાને મળે, મને નહી..!!

ત્યારેય, મેં નિષ્ઠૂરતાથી તને યાદ ન કરી, એટલુંજ નહીં..!!   જ્યારે તને, તારાં પિયરીયાં સાથે ચારધામયાત્રા જવાની તક મળી  ત્યારે,  મારી, કથિત, બનાવટી, માંદગીનું બહાનું કાઢીને, તને જવા ન દીધી. તે સમયે પણ, તું  મને  જાતજાતના સોગન  દઈને  દવાખાને લઈ ગઈ  અને મારી પ્રત્યેક ગોળી-ટીકડીને યાદ રાખીને, સમયસર આપી, મારી સેવા કરી.

આપણા લગ્નનાં પાંત્રીસ વર્ષના સહવાસ દરમિયાન, ક્યારેક,   તારા તાવથી ફફડતા શરીર, કે માથા પર, મેં   ક્યારેય, હેતનો હાથ ફેરવ્યો નથી. એવી સ્થિતિમાં પણ, મેં  મારી કોઈ સગવડમાં ઉણપ ના  રહે, તે માટે, આખુંય  ઘર ગજવીને, તને સદાય દોડતી રાખી.

મને ખબર ન હતીકે, તારું શરીર, આ કારણે, અનેક રોગોનું, માનીતું ઘર બની ગયું હતું..!!

છેવટે તું, ફરીથી ઉભી ન  થવાને કાજે  સુતી. હોસ્પિટલમાં, છેલ્લા એક કલાક, ચાલેલા સનેપાતની સ્થિતિમાંય , દીકરી  કૃત્વા પાસે, તું મારૂં ઘ્યાન રાખવા જાતજાતના લવારા કરતી હતી.  દીકરો કર્મ જાણે  સામે આવીને ઉભો હોય, તેમ તેને  મારા પ્રત્યેનો રોષ ત્યજીને, મને માફ કરવા, કર્મને વિનવતી હતી.

છેવટે, મારા હાથમાં  હાથ  રાખવાની, અંતિમ ઈચ્છા  જાહેર કરી, અચાનક, તેં   કાયમ માટે આંખ  મીચીં દીધી ત્યારે, હોસ્પિટલના કંપાઉન્ડમાં, ટહેલતો હું,  એક બિઝનેસમેન ને ત્યાં થયેલા, દીકરાના જન્મ બદલ, મોબાઈલ પર, તેને અભિનંદન આપતો હતો.

જોકે, ગયા અઠવાડિયે,  તારા  પ્રસ્થાનના સમાચાર, કર્મના  કાકાએ,  તેને આપ્યા તો,  તેણે  મારી  સાથે વાત કરવાનો ઈન્કાર કરીને, સ્પષ્ટ જણાવી દીધું," આખી જિંદગી, મારા ગુસ્સાથી સદાય, ડરીને  ક્ષણેક્ષણે  મરતી માઁ, તો  તેણે મારા  જેવા જલ્લાદ પતિ સાથે લગ્ન કર્યાં તે  દિવસેજ  મૃત્યુ  પામી  હતી."

કર્મએ, પોતાની બહેન, કૃત્વાનું કહ્યું પણ ના માન્યું અને કહ્યું," માઁ પાસે, સહુથી વધારે, તું રહી છે  કૃત્વા, હવે માઁ તો ગઈ, દીકરાની બધીજ  ફરજ  તું  જ  બજાવી દેજે. મારે તેના પતિ સાથે કોઈ સબંધ નથી. હું  તેમનું  મોં  પણ  જોવા  માંગતો  નથી..!!"

અમી, કદાચ તું ચાલી ગઈ તે સારું  થયું, દીકરા  કર્મની, મારા પ્રત્યેની આટલી બધી નફરત કદાચ, તારાથી સહન જ  ના થાત..!!     

શુક્લજી (ગોરમહારાજ) કહે છે આજે તારો પિંડ મૂક્યા પછી, તું  સાચેજ,  મારાથી,   સાવ અલગ થઈ જઈશ.  શુક્લજી   અત્યારે એજ, તારા તેરમાની વિધિના કોઈ મંત્રપાઠ કરે છે,

પણ આજે રહી-રહીને તારાથી અલગ થવાનો વિચાર મારા દિલને એવો ડસે છેકે, જાણે મારા દિલમાં, વેદનાની સારડીએ, અનેક છેદ કર્યાં છે અને તે છેદમાં થી નીંગળતી, દુઃખભરી યાદ સાથે, હ્યદયને, યમદૂત મુઠ્ઠીમાં મસળતા હોય તેવું લાગે છે.

મહારાજ મને, તારો પિંડ વહેરવા દર્ભ આપે છે, પણ મારી આંગળીઓ ધ્રૂજે છે. હું તેને પકડી શકતો નથી.


મારી આસપાસ ઉભેલા, બધા કોઈ દોડાદોડી કરતા હોય તેમ લાગે છે. હું મારા ડિલ - દિલ અને દિમાગ- નું સંતુલન ગુમાવી બેઠો હોઉં, તેમ લાગે છે.

અમી,આજે તું નથી ત્યારે, મને તારી કિંમત, હવે રહી રહીને, સમજાઈ ગઈ છે. તારો આ પિંડ વહેરીને, તને  હું   મારાથી  અલગ નહીં થવા દઉં. આજે પણ હું તને મોટી યાત્રાએ જતાં રોકીશ, પરંતુ, પસ્તાવાના અંશ અને સાચેસાચ, તને આખી જિંદગી દુભવનારા આ દેહને ત્યાગીને..!!

હુંય  તારી  પાસે આવું છું, આવતા જન્મે તારી  સાથે, ફરી ઘરસંસાર માંડીને, મારી તમામ ભૂલોનું, સાચા દિલથી, પ્રાયશ્ચિત કરવા..!! જોજે, ઉતાવળ કરીને, તું હવે મારાથી, વેગળી ન થતી.

મારા પર  તને, હજુ શ્રદ્ધા  નથી?   લે, આ...આ, શ્વાસ મૂક્યો, બ....સ..!!
પ્રાયશ્ચિત કરાવા ઈચ્છતો, તારો ગુન્હેગાર,

અભાગિયો જીગર."

============
તા.ક. આવું પ્રશ્ચાતાપિયું મોત કોને ખપે? આ સવાલનો જવાબ, કદાચ  અહંકારનો શ્વાસ લેનારા, બધા પાસે હશે..!!
============

માર્કંડ દવે.તાઃ૧૧ જુલાઈ ૨૦૧૦.

1 comment:

  1. શ્રી માર્કંડભાઇ,
    ઘણા બધા પતિદેવો(!)ની આંખ ઉઘાડી નાખતો પત્ર. તમારો આ પત્ર વાંચી કોઇ એકાદ પતિદેવ(!) વહેળાસર સમજી જશે તો ય તમારી મહેનત લેખે લાગશે.

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.