Saturday, April 16, 2011

વાર્તા-`વિચારવાયુ`


વાર્તા-`વિચારવાયુ`
(Courtesy Google Images)


તારા નયનોની ઝાંઝરીને, બાંધ જરા, કાજલના દોરે,
ભૂલથીય જો રણકી, તો હું કેમે, ઝાલ્યો નહી રહું..હાઁ?

========

જયપાલના મનના કેન્દ્ર બિંદુમાંથી, વિચારોનું એક નાનું સરખું વલય, જાણેકે ઉઠ્યુંને, ઝૂ..ઉ..ઉ..ઉ..મ, કરતુંક ને,આખા મસ્તકમાં વર્તુળાકારે ફેલાઈ જઈને, બેસૂરી કિકિયારીઓ કરતું, ગોળ-ગોળ ચક્કર-ભમ્મર ફરવા લાગ્યું..!!

શહેરની ભીડભાડ ભર્યા માર્ગ પર,વાહનોથી ભરચક સડક ,મધ્યે કાર ડ્રાઈવ કરી રહેલા જયપાલને લાગ્યું, કાર સહિત તેનું આખું શરીર, સડકની વચ્ચોવચ ગોળ-ગોળ ઘૂમી રહ્યું છે અને કારના સ્ટિયરીંગ પરથી તેનો કાબૂ છૂટતો જાય છે?

જયપાલે સહસા કારને બ્રેક મારી,તે સાથેજ કાર કારમી ચિચિયારી સાથે, સડક પર ચોંટીને ઉભી રહી ગઈ. ટાયરની ચિચિયારી સાથેજ, કારની પાછળ ડેકી સાથે અથડાઈ જવાથી, એક સાયકલ સવારે પણ ચિચિયારી ભરી ગંદી અશ્લીલ ગાળ કાઢી..!!

જોકે, કારચાલકને, સ્ટિયરીંગ પર માથું ઢાળીને, અર્ધબેભાન હાલતમાં નિહાળીને, સાયકલસવાર કોઈ કાયદાકીય ઝંઝટમાં ફસાઈ જવાના અજ્ઞાત ભયથી,બીજી ગાળને ગળામાં જ સમાવીને, જયપાલ સામે, ભય-આશ્ચર્ય તથા તિરસ્કારના ભાવ સાથે, નિહાળતો, લગભગ ભાગી જ ગયો..!!

થોડીવાર પછી કળ વળતાં, જયપાલે આપમેળે ઝૂકી ગયેલું માથું, જરા બળપૂર્વક ઉંચુ કર્યું, ત્યારે તેની કારની આસપાસ કેટલાક ભલા માણસો, જાણેકે તેને મદદનો હાથ લંબાવીને ઉભા હોય તેમ ઉભેલા જણાયા. તે તમામ અજાણ્યા મિત્રો સામે, જયપાલે આભારવશ ફિક્કું હસીને, કારને ફરીથી સડક પર વહેતી મૂકી દીધી.

જયપાલને પોતાની જાત પર ખૂબ ગુસ્સો આવ્યો," મેં આવું વિચાર્યુંજ શા માટે? કેમ બીજા કોઈના જીવનમાં, ક્યારેય આટલી ગંભીર સમસ્યા આવીજ નહીં હોય? શું વિધાતા માત્ર તેનેજ હેરાન કરવાનું પ્રણ લઈને બેઠી હશે? શું મારા જીવનમાં સમસ્યા જો આવી છે, તો તેનો કોઈ ઉકેલ નહીં હોય?"

જયપાલને લાગ્યું, મનના કેન્દ્ર બિંદુમાંથી બીજું વિચાર વલય આકાર લેવાની તૈયારી છે,ફરીથી તે વર્તુળ ઝૂ..ઉ..ઉ..ઉ..મ, કરતુંક ને, આખા મસ્તકમાં વર્તુળાકારે ફેલાઈ જઈને, બેસુરી કિકિયારીઓ કરી તેને હેરાન કરે તે પહેલાં, સમયસર પોતાના ઘેર પહોંચી જવું જ વધારે સલામતીભર્યું છે..!!


પોતાના મનને બીજા વિચારે ચઢાવવા,જયપાલે કાર રેડિયો ઑન કર્યો. કોઈ જુની ફિલ્મનું ગીત વાગી રહ્યું હતું," હર ફિક્ર કો ધૂયેં મેં ઉડાતા ચલા ગયા, મૈં જિંદગીકા સાથ નિભાતા ચલા ગયા..!!"


જયપાલને, આ ગીતના, ગીતકાર પર ચીડ ચઢી, "આ કવિઓ, શું જેમ ફાવે તેમ લખતા રહેતા હશે? જીવનની ભયંકર ચિંતાઓ, જો આમ ધુમાડો થઈને ઉડી જતી હોત તો, આજે તેને આટલા ખરાબ વિચારો શા માટે આવતા હોત?"


આટલી તકલીફ વચ્ચે પણ, જયપાલ મનમાંને મનમાં હસી પડ્યો..!! "આજે તેને થયું છે શું? આ વિચારવાયુ, છેક ઘર સુધી તેનો પીછો નહીં છોડે કે શું?"


મને એક લેખક તરીકે, અત્યારે એમ લાગે છેકે, જયપાલના મનના કેન્દ્ર બિંદુમાંથી ઉઠતા વિચાર વલય, ઝૂ..ઉ..ઉ..ઉ..મ, કરતાક ને,તમારા આખા મસ્તકમાં વર્તુળાકારે ફેલાઈ જઈને, બેસુરી કિકિયારીઓ કરે, તે પહેલાં મારે તમને હવે કહી દેવાનો સમય આવી ગયો છેકે, ખરેખર જયપાલના મનમાં ખરેખર ક્યા વિચારો તેને સતાવી રહ્યા હતા..!!


તો સહુથી પહેલાં તો એ જાણી લો કે, જયપાલ પોતે કોણ છે? એક નાનો સરખો બિઝનેસમૅન, ધંધામાં સારી કમાણી, ઘેર નવવિવાહિત રૂપવતી નમણી પત્ની `ગૌરી` , ઘરના નામે એક સુંદર વિશાળ ફૂલવાડી..! બસ, પોતાના જીવનમાં માનો ચારેબાજુ આનંદ જ આનંદ..!! સવારે મોડા ઉઠવું, નિરાંતે ઑફિસે પહોંચવું, સાંજના પાંચ વાગતા તો, વિશ્વાસુ મેનેજરને કામ સોંપી, વહેલા-વહેલા ઘર ભેગા થઈ, નાજુક નમણી ગૌરી સાથે એવા તો તોફાને ચઢવું કે, તે જોઈને બેડરૂમની દિવાલો પણ શરમાઈ જાય..!!

બિઝનેસ-ઑફિસના કામના ટાઈમટેબલને, ક્યારેય ગંભીરતાપૂર્વક ન અનુસરનાર જયપાલ, પોતાની પત્ની ગૌરીનું ધ્યાન રાખવાથી માંડીને, તેને અનર્ગળ હેત-પ્રેમ કરવા સુધીના, પ્રત્યેક `કામ`ના ટાઈમટેબલનું પાલન એટલું તો અત્યંત ચૂસ્તતાપૂર્વક કરતો કે, અત્યાર સુધી બેડરૂમની દિવાલો પાછળ, શરમથી મોઢું સંતાડવા મથતી બેશરમ-શરમ, તેને પોતાનેય ચઢેલા `કામ` નો તોફાની આફરો શમતાંજ, દોડીને બારીઓના હાંફતા પડદાઓ પાછળ છૂપાઈને, જયપાલ-ગૌરીને એકમેકના પ્રેમ સાંનિધ્યને મનભર માણતાં એકટશે, બેશરમીથી જોઈ રહેતી..!!

પણ,અચાનક આ શુંથઈ ગયું? ખરેખર, વિધાતા માત્ર જયપાલને જ હેરાન કરવાનું પ્રણ લઈને બેઠી હશે? શું જયપાલના જીવનમાં આવેલી સમસ્યાનો કોઈ ઉકેલ નહીં હોય?"

સમસ્યા,સમસ્યા,સમસ્યા..!! કેવી છે, કઈ છે સમસ્યા?

આ રહી તે..!! આજે સવારે જ પત્નીના વોર્ડરોબમાં, પોતાની ફાઈલ શોધવા જતાં, કોઈ અજાણ્યા પુરુષના હાથે લખાયેલો એક પ્રેમપત્ર જયપાલના હાથે ચઢી ગયો..!! વાંચીને જયપાલના હ્રદયમાં માનો એક ઊંડો ચીરો પડી ગયો..!!

એક સમયે તો જયપાલને એમ વિચાર તો આવ્યો જ, "દુઃખી શું કામ થવું,સીધું મોંઢામોંઢ ગૌરીને જ પૂછી ના લઉં, આ પ્રેમપત્ર તને કોણે લખ્યો છે? "

પરંતુ કોણ જાણે કેમ, ગૌરીને એવો પ્રશ્ન કરવાની, જયપાલની હિંમત જ ન ચાલી..!!

ચ્હા-નાસ્તો કર્યા વગર જ, સવારથી ઘરની બહાર તે નીકળી પડ્યો હતો અને રોજ દોડીને વહેલો ઘેર પહોંચે તેના બદલે, અત્યારે રાત પડી છતાં, વિચારવાયુના વલયમાં અટવાતો જયપાલ ભીડભરેલા રસ્તે, કેટલાય સહયાત્રીઓની ગાળો ખાતો-ખાતો "શું કરું, હું શું કરું?" નો જાપ જપતો, અંધારે અટવાઈ રહ્યો હતો..!!

પોતે જેને આટલો બધો પ્રેમ કરે છે તે વહાલી પત્ની અને તેય પાછી બેવફા?

જોકે,પોતે જ લાડમાં ઘણીવાર ગૌરીને ચીઢવતો," જાનુ, તુ એટલી રુપાળી અને રસાળ છેને કે, જો તું બીજા કોઈ ની પત્ની હોત તોય તને સાંગોપાંગ પામવા, હું તારી પાછળ હાથ ધોઈને પડી જાત..!! હું જરાય ઝાલ્યો ન રહેત..હાઁ..!!"

આટલું સાંભળીને, ગૌરી, સાવ ખોટે-ખોટું, જયપાલ પર એવું તો ચીઢાતી કે, જયપાલ ની છાતી પર પોતાના કોમળ હાથની, બંધ નાજુક મુઠ્ઠી મારવા લાગતી..!!

જોકે, આ બહાને બેડરૂમની દિવાલો,ફરીથી થોડું શરમાઈ લેવાનો લહાવો ઉઠાવી લેતી..!!
ખેર, જેમતેમ કરીને, કાર તથા જાતને સંભાળતો જયપાલ ઘરભેગો તો થયો, પણ, પોતાને દિવસભર સતાવતા રહેલા ગંભીર સવાલનો ઉત્તર મેળવવાનો મોકો, ઘેર પહોંચીને પણ તેને ન જ મળ્યો.કારણ?

દરવાજામાં પ્રવેશ કરતાંજ તેણે,પોતાના જિગરી દોસ્ત પ્રથમને ગૌરી સાથે, ગૌરીની નાજુક હથેળીમાં તાળીઓ દઈને, જોર-જોરથી હસતો જોયો. "નક્કી આ જ છે, ગૌરીને પ્રેમપત્ર લખનારો પ્રથમ જ છે..!! અરે હા, યાદ આવ્યું, આ અક્ષર તો પ્રથમના જ છે? મને પહેલાં કેમ યાદ ન આવ્યું?"

જયપાલને દરવાજામાં પ્રવેશતો જોઈ, ગૌરી અને પ્રથમ જાણે કોઈ ચોરી કરતાં પકડાઈ ગયા હોય તેમ, ચહેરે-મહોરે જરા ઓઝપાઈ ગયાં હોય, તેમ જયપાલને આભાસ થયો..!!

ગૌરી અને પ્રથમને, એકમેક સાથે, ઠઠ્ઠામશ્કરી કરતાં જોઈ, જયપાલને મનમાં ખૂબ ગુસ્સો આવ્યો. તેના હાથમાં જો રિવૉલ્વર હોત તો કદાચ, તેજ ક્ષણે બંનેને ગોળીએ પણ દઈ દેત, એટલો બ..ધો ગુ..સ્સો..!!

પણ કોણ જાણે,અચાનક જયપાલને શું સૂઝ્યું?

પોતાના જિગરી મિત્ર પ્રત્યે, ચહેરા પર શક્ય તેટલો નફરતનો ભાવ પ્રગટ કરીને, પેલો પ્રેમપત્ર ખીસ્સામાંથી બહાર કાઢીને જયપાલે, પ્રથમના હાથમાં તે કાગળ પકડાવી દીધો.

પ્રથમે કાગળની ગડી ખોલીને, પત્ર પર સહેજ ઉડતી નજર ફેરવી ત્યાંતો, `ફૂ..ઉ..ઉ..ઉ..સ` કરતૂકને, પ્રથમ ફરીથી જોરથી હસી પડ્યો, સાથે જ પ્રથમે તે પત્ર નફ્ફટાઈપૂર્વક ગૌરીના હાથમાં મૂકી દીધો..!!

ગૌરીએ પણ પત્ર જોતાંજ, ફરીથી જોરથી હસતાં-હસતાં,તેના તરફ પ્રથમે લંબાવેલી હથેળીમાં જોરદાર તાળી આપી..!!

"સાલાં..!! બંને ને જરા શરમ પણ નથી આવતી?" જયપાલનું મન બહુ ખાટું થઈ ગયું, તેને લાગ્યું, "પેલું વિચારવાયુનું વલય, તેના મનના કેન્દ્ર બિંદુમાંથી, ફરી પાછું ઝૂ..ઉ..ઉ..ઉ..મ, કરતુંક ઉઠીને, આખા મસ્તકમાં વર્તુળાકારે ફેલાઈ, બેસુરી કિકિયારીઓ પાડતું, ગોળ-ગોળ ચક્કર-ભમ્મર ફરવા લાગશે કે શું?"

અને ખરેખર ચક્કર ચઢવાથી, બંને હાથે પોતાનું માથું પકડી, શરીરની સમતુલા જાળવવા મથતો જયપાલ, પોતાની પાસેના સોફા પર ધબ્બ દઈને બેસી પડ્યો..!!

હવે ગૌરીને જયપાલની ચિંતા થઈ હોય કે ગમે તે થયું? પરંતુ, ગૌરીએ હસવાનું પડતું મૂકીને, જયપાલને પાણીનો ગ્લાસ આપ્યો, ત્યારે જયપાલ, તે બંનેને ઉદ્દેશીને, માંડ-માંડ એટલું બોલી શક્યો," આ બધું શું છે યાર, તારા હાથે લખેલો આ પ્રેમપત્ર, ગૌરી પાસે?"

હવે તો પ્રથમ પણ ગંભીર બની ગયો, તેને ખ્યાલ આવી ગયોકે, કાંઈક કાચું કપાતું હોય તેમ લાગે છે..!!

તેથીજ વાતને વધારે લંબાવ્યા વગર, પ્રથમ બોલ્યો," શું યાર, તું પણ..!! ડફોળ, તારા એંગેજમેન્ટ પછી, તેં ગૌરીભાભીને લખેલા પ્રેમપત્રની મારા હાથે લખેલી, આ હૂબહૂ નકલ માત્ર છે. ગૌરીભાભીને પામ્યા પછી, સાલા, અગાઉ તું પ્રેમપત્રમાં, કેવું-કેવું લખતો હતો, તેય ભૂલી ગયો?"

જયપાલના ચહેરા પર, હજીય મૂંઝવણ લીંપાયેલી જોઈને, ગૌરી બોલી," મારા પ્રાણનાથ, પ્રથમભાઈને અભિનંદન તો આપો? બે દિવસ બાદ, તેમની મનગમતી પ્રિયતમા સાથે તેમની સગાઈ છે..!! તેમની પ્રિયાને પ્રેમપત્ર પાઠવવા, પ્રથમભાઈએ મારી મદદ માગી એટલે તમારા જુના કાવ્યાત્મક પ્રેમપત્રની એક નકલ તેમને કરવા દીધી હતી? હવે કાંઈ સમજ્યા?"

ગૌરીની આટલી વાત સાંભળી, ત્યાં તો અધકચરા મલકાયેલા ચહેરે, જયપાલે સહસા ઉભા થઈને, પ્રથમને કસીને બાવડેથી પકડ્યો અને દરવાજા બહાર ધકેલી દઈને મજાકના અંદાજમાં દરવાજો બંધ કરતાં,બોલ્યો," સાલા ચાલ, અત્યારે ભાગ અહિથી, તારા એંન્ગેજમેન્ટના દિવસે મળીશું. અત્યારે તો, મારા પ્રેમપત્ર ના `પ્રેમ`ને અમલમાં મૂકવાનો સમય થઈ ગયો છે..!!"

સાલું, મને કેમ એવું લાગ્યુંકે, બેડરૂમની દિવાલો પાછળ શરમથી મોઢું સંતાડવા મથતી, બેશરમ-શરમને પોતાને પણ માનો કે,`કામ` નો તોફાની આફરો ચઢ્યો હોય અને તે દોડીને બારીઓના હાંફતા પડદાઓ પાછળ છૂપાઈને, જયપાલ-ગૌરીને એકમેકના પ્રેમ સાંનિધ્યને મનભર માણતાં એકટશે, બેશરમીથી જોઈ રહેવા બેબાકળી બની ગઈ હોય..!!

પ્યારા દોસ્તો, આપ પણ, અત્યારે એવુંજ અનુભવી રહ્યા છો કે શું?

માર્કંડ દવે. તાઃ- ૧૬-૦૪-૨૦૧૧.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.