Friday, August 6, 2010

નં-૧૩ - વિસરાતી વાર્તા-`નાકકટ્ટી`; વિસ્તરતી વાર્તા- `ચોરીચપાટી`

નં-૧૩ - વિસરાતી વાર્તા-`નાકકટ્ટી`; વિસ્તરતી વાર્તા- `ચોરીચપાટી`

" માઁ, હું તો,  તારા ભરોસે,  જન્મું છું, ભૂલ કરજે  માફ..!!"
  કરું  હું, કો`  કસૂર, તો દઈ સંસ્કાર,  દિલ કરજે  સાફ..!!"


==========

વિસરાતી વાર્તા-`નાકકટ્ટી.`

એકવાર, એક ગામમાં, વારંવાર ચોરીઓ થવા લાગી. પોલીસ ખાતું તરતજ કામે લાગી ગયું. પરંતુ, ગમે તે કારણસર, તે ચોરને પકડવામાં દર વખતે, નિષ્ફળ જવા લાગ્યું.ગામમાં ચોરીના બનાવ ઉપરાછાપરી બનવા લાગ્યા.

પ્રજાજનોની હાડમારી વધવા લાગી. સાવ ઓછી વસ્તી ધરાવતું ગામ છતાં, આટલા બધા  પોલીસવાળા  ભેગા મળીને, એક ચોરને  ના પકડી શકે? બહુ કહેવાય...!!

છેવટે, ચોરીના બનાવ, ન જ અટકતાં, ગામ લોકોએ પોતેજ, પોતાની માલમિલકતની, સ્વયં રખેવાળી કરવાનો નિર્ણય કર્યો.

ગામના આગેવાનોએ, કેટલાક મજબૂત બાંધાના  યુવાનોની, એક ટોળી બનાવી, જે આખી રાત આખા ગામની ફરતે, રૉન મારીને, ચોરી કરવા આવેલા ચોરને, ચોરીના માલ સાથે રંગેહાથ, પકડી પાડે તેમ નક્કી થયું.

ઉત્સાહી યુવાનો, હાથમાં, તલવાર, ધારિયાં અને લાઠી જેવાં હથિયારો લઈને, ગામની મિલકતનું રક્ષણ કરવા માટે, કામે લાગ્યા.

અને ખરેખર, ચાર દિવસમાંજ, સ્વરક્ષણની આ યોજના કામ લાગી ગઈ. ચોરી કરવા આવેલો ચોર, ચોરીના માલ સાથે, ગામની રખેવાળી કરતા યુવાનોના હાથે ચઢી ગયો.

બધાએ,  થોડો મેથીપાક ચખાડીને તેને, પોલીસસ્ટેશને લઈ જઈ, પોલીસને સોંપી દીધો.

પોલીસે, પકડાયેલા ચોરની, પૂછપરછ કરતાં માલૂમ પડ્યુંકે, આ ચોર બાજુનાજ, નાના શહેરમાંથી, એકલોજ ચોરી કરવા આવતો હતો. અને આ  ગામના મકાનો, દૂર-દૂર હોવાથી, તેને ચોરી કરવાની સરળતા પડવાથી, તે આ ગામમાં ચોરી કરવા વારંવાર, પેધો પડ્યો હતો.

પોલીસે તેને લૉકઅપમાં, સળીયા પાછળ ધકેલી દીધો અને તેના કુટુંબમાં, જીવિત એકમાત્ર સદસ્ય એવી, ઘરડી માઁને, બયાન લખાવવા બોલાવી.

ઘરડી માઁએ, દીકરાની વિરૂદ્ધ બયાન લખાવ્યુંકે, તે નાનપણથીજ ચોરીઓના રવાડે ચઢી ગયો હતો અને પોતાની શિખામણ પણ, તેના ગળે ઉતરતી નહ્તી. તેજ કારણે તે આજે અઠંગ ચોર બનીને, જેલના સળીયા ગણી રહ્યો છે..!! તેને પોતાના આવા, વંઠી ગયેલા, દીકરા સાથે કોઈ લેવાદેવા નથી અને તે પોતાની માઁને  મળવા પણ  આવતો  નથી.

પોલીસ અધિકારીને, તે ગરીબ, ઘરડી માતાની હાલત પર દયા આવી, અને તેને વધારે હેરાન કર્યા વગર, તેમણે છોડી દીધી.

પોલીસ ઑફિસરના ટેબલ સામેજ આવેલ, લૉકઅપના સળીયા પાછળ, પુરાયેલા પેલા ચોર દીકરાએ, પોતાની માઁને, અત્યંત કરૂણ અવાજે, સાદ દેતાંજ, માઁ નું હ્યદય પીગળી ગયું અને તે, પોતાના દીકરાને, મળવા લૉકઅપરૂમ પાસે ગઈ.

પરંતુ, અચાનક ના બનવાનું બની ગયું..!!

પેલા ચોર દીકરાએ, માતાને કાનમાં એક વાત હહેવાનું બહાનું કાઢીને, છેક પોતાની પાસે બોલાવી, પોતાની માઁ ના નાક ઉપર એટલાતો જોરથી બચકું ભર્યુંકે,  માઁ લોહીલુહાણ થઈ ગઈ.

પોલીસવાળાઓએ, અત્યંત બળપૂર્વક, માઁ ને, દીકરાની ચૂંગાલમાંથી છોડાવી ત્યારે, જાણ થઈકે, માઁના નાકનો, આગળનો ઢીલો ભાગ, દીકરાએ ભરેલા, જોરદાર બચકાને કારણે, સાવ  કપાઈને જુદો પડી ગયો હતો.

ઘરડી  માઁ, નાકકટ્ટી થઈ ગઈ હતી.

આટલું ધૃણાસ્પદ કૃત્ય કર્યા  બાદ  પણ,  દુઃખથી કણસતી માઁ ને  જોઈને, નફ્ફટાઈપૂર્વક   હસતા ચોર  દીકરાને, બરાબરનો મેથીપાક આપીને,પોલીસ ઑફિસરે જ્યારે, ચોરદીકરાએ, પોતાનીજ માઁને, શામાટે   ઘાયલ   કરી? તેમ  કારણ  જાણવા માગ્યું, ત્યારે...!!

ચોર દીકરાએ એટલુંજ  કહ્યું," નાનપણમાં સાત જ  વર્ષની અણસમજુ  ઉંમરે, પહેલીજવાર ચોરી કરીને, લાવેલા પૈસા, અત્યારે, મારા વિરૂદ્ધ બળાપા કાઢતી, આ માઁ એ,  સ્વીકાર્યા ન   હોત અને તે સમયે, મને આકરી સજા કરી હોત અથવા સાચી સમજ આપી હોત તો, આજે જેલના સળીયા પાછળ, મારી જિંદગી બરબાદ  ન  થાત...!!"

ઉપસંહારઃ-  બાળકને , સારા સંસ્કાર આપવા માટે, સાચા-ખોટા કાર્યોની સમજ, તેને બાળપણથીજ આપવી જોઈએ.

==========

વિસ્તરતી વાર્તા- `ચોરીચપાટી.`

આજે  મેઘાવી ખૂબ ખૂશ હતી. દસમા ધોરણમાં અભ્યાસ કરતો, તેનો એકમાત્ર લાડકવાયો દીકરો `સંપર્ક`, શાળાની પ્રથમ કસોટીમાં, ૯૯% જેટલા, સારા માર્ક્સ મેળવીને  આખાય વર્ગમાં, પ્રથમ આવ્યો હતો. જો આમજ  મહેનત સાથે, તે  અભ્યાસ કરશે તો, આખાય રાજ્યમાં ન્યૂ એસ.એસ.સી. બૉર્ડની પરીક્ષામાં, એક થી દસમાં નંબર લાવીને, પોતાના કુટુંબને ચોક્કસ પ્રતિષ્ઠા અપાવશે..!!

મેઘાવીએ, આ વાત જાણીને, પોતાના દીકરા સંપર્કને, ખૂબજ ભાવતી મીઠાઈ  `સુખડી`, ઉતાવળે-ઉતાવળે બનાવી નાંખી.

અરે..!! કોઈજ દેખીતા કારણ વગર, ચોટલો લેવાના બહાને, બહાર ઓટલા પર, ઉભી રહીને, મેધાવીએ, આસપાસનાં પડોશની બહેનપણીઓને પણ, સંપર્ક શાળામાં, પ્રથમ નંબરે આવ્યાની વધામણી ખાધી. આ  વાત જાણીને,  સહુએ આનંદ વ્યક્ત કર્યો.

મેઘાવી જાણતી હતી, આ  લોકોની માફકજ, સંપર્કના પપ્પા પંકજ પણ, સાંજે  ઑફિસથી આવીને, આ વાત જાણશે, તો ખૂબ રાજી થશે.મેઘાવીએ મનમાં નિશ્ચય કરી લીધો, આજે તો સંપર્કના પપ્પા ગમેતે બહાનું કાઢે, આજે સાંજે સંપર્કની, નવી સાયકલ ખરીદવાની જીદ, પોતે પુરી કરશેજ..!!

અત્યાર સુધી તો, અકસ્માત થવાના ભયથી અને  પોતાના રહેઠાણથી, સંપર્કની શાળા સાવ નજીક હોવાથી, સંપર્કની વાત, તેના પપ્પાએ માની ન હતી. પણ હવે વાત અલગ હતી. સાયકલ અપાવી હોય તો, સંપર્કનો  કિંમતી  સમય  કેટલો  બચી  જાય..!!

વળી, આ વખતે, એક માઁ તરીકે, વિશેષ ધ્યાન આપીને, સારા, નામાંકિત શિક્ષકોને, મોં માંગી ફી આપીને,  ટ્યુશન  બંધાવી, સંપર્કને બૉર્ડની એક્ઝામમાં, સારા ટકાથી પાસ કરવાનું,  મેઘાવીને  જાણે, આંધળું  ઝનૂન  વળગ્યું   હતું.

મેઘાવી ઘરનું, રસોડાનું, બધુંજ કામ પરવારીને  હવામાં સ્વપ્નના મહેલ ચણવા લાગી.

આજ શાળામાં, તેની  ખૂબ અભિમાની  બહેનપણી રત્નાનો દીકરો  સચીન  તેના  સંપર્ક સાથે અભ્યાસ કરતો હતો, તેય ભણવામાં હોશિયાર હોવાથી, સંપર્ક સાથે, અભ્યાસ બાબતે, વારંવાર તેની હરિફાઈ થતી અને દર વખતે, રત્નાનો  સચીન,  સારા માર્ક્સ સાથે, આખીય શાળામાં પ્રથમ ઈનામ મેળવી જતો.

આ વખતે રત્નાને વટ મારવાની એકપણ તક, મેઘાવી  આપવા માંગતી નહતી.

"લાવ, પેલી ચીબાવલી, અભિમાની રત્નાને ફૉન કરીને થોડી બળતરા કરાવું," તેમ મનમાં વિચારીને, મેઘાવીએ, રત્નાને મૉબાઈલ જોડ્યો.

જોકે, રત્નાએ ફૉન ઉઠાવતાંજ, અત્યંત ગંભીર અવાજે, મેઘાવીને તરતજ, સંપર્કની શાળામાં, આચાર્યના કાર્યાલયમાં, મળવા આવવા જણાવ્યું. રત્નાએ એમ પણ કહ્યુંકે, તે પોતે પણ, અત્યારે શાળામાં આચાર્યની ઑફિસની બહારજ  બેઠી  છે અને  સંપર્કના પપ્પા પંકજને પણ, આચાર્યશ્રીએ ફૉન કરીને રૂબરૂ મળવા બોલાવ્યા છે, તે ઑફિસેથી આવવા નીકળી ગયા છે."

મેઘાવી, રત્નાને, કશું વધારે પૂછે ત્યાંતો, રત્નાએ ફૉન કાપી નાંખ્યો. અત્યાર સુધી, હવામાં ઉડતી, મેઘાવી અચાનકજ જાણે, ધરતી પર પટકાઈ.

"શાળામાં એવું તે,  શું બન્યું હશે, તે પંકજ અને મને, આચાર્યશ્રીએ, મળવા માટે, તાત્કાલિક બોલાવવા પડે?" મનમાં આવા, અનેક તર્કવિતર્ક કરતી, મેઘાવી, ઉતાવળે. શાળાએ પહોંચી, ત્યારે સંપર્કના પપ્પા, પંકજ આવી ગયા હતા અને આચાર્યની ઑફિસમાં, તે અને રત્ના બેઠા હતા.

મનમાં એક ભય અને ધ્રાસ્કા સાથે, મેઘાવી, જ્યારે આચાર્યની ઑફિસમાં દાખલ થઈ ત્યારે, ત્યાં જાણે અદાલત બેઠી હોય તેમ, માહોલ હતો.

એક ખૂણામાં, અત્યંત ધ્રૂજતો, સંપર્ક, તેના પપ્પાની બીકે, રડમસ ચહેરે, ગભરાટભર્યા ભાવ સાથે ઉભો હતો. રત્નાની ખુરશી પાસે, તેનો દીકરો સચીન ઉભો હતો અને પંકજ..!!

પંકજ,  આચાર્ય પાસેથી કોઈ વિગત મેળવતા હોય તેમ, તેમની વાત ધ્યાનથી,તેમની સાંભળી રહ્યા હતા.

થોડીજ વારમાં, મેઘાવીને, આખીય બાબત જ્ઞાત થઈ ગઈ. વાત ખૂબ ગંભીર હતી અને તેના સજ્જડ પુરાવા પણ મોજુદ હતા.

સંપર્કે, સચીનની નવીજ , સાયકલની ચોરી કરીને, બહાર સાયકલની દુકાનવાળાને, માત્ર સો રૂપિયામાં, વેચી દીધી હતી. બહાનું  પણ પોતાની મમ્મી મેઘાવી, ખૂબ બીમાર હોવાથી, તાત્કાલિક પૈસાની જરૂર હોવાથી, પોતાનીજ સાયકલ હોવાનું જણાવીને, તે વેચી હતી.

જોકે, દુકાનવાળાએ, આચાર્યશ્રીના કહેવાથી તથા પોલીસકૅસની બીકે, તરતજ સાયકલ પરત કરી હતી.આચાર્યશ્રીએ, તથા રત્નાએ પણ, ભણવામાં હોશિયાર એવા, સંપર્કની પહેલીજ ભૂલ સમજીને, તેને ઉદારતાથી માફ કરી દીધી હતી.       

પોતાના તેજસ્વી, હોનહાર દીકરા માટે, મેઘાવીની આંખમાં, ઘડીભર પહેલાં, ગૌરવથી ઉભરાયેલાં આનંદનાં આંસુ, હવે અત્યંત વેદનાનાં આંસુ બનીને, ઉભરાવા લાગ્યાં.

પોતાનો દીકરો સંપર્ક, રત્નાના દીકરા સચીન કરતાં, આજે ફરીથી, ઉતરતી કક્ષાએ (નંબરે) પહોંચી ગયો હતો. મેઘાવીની વેદનાએ, જાણેકે, તેની વાચા હણી લીધી હતી.

છેવટે, અત્યંત ગુસ્સાથી ધ્રૂજતા પંકજ અને  અત્યંત ડરથી ધ્રૂજતા સંપર્કની પાછળ-પાછળ, લથડતા પગલે, મેઘાવી, આચાર્યશ્રીની ઑફિસની બહાર નીકળી ત્યારે એક જાગૃત માઁ, એમ વિચારતી હતીકે," મારા ઉછેર અને સંસ્કારમાં ક્યાં ખામી રહી ગઈ?"

મિત્રો, મેઘાવીના સ્થાને આપ હોત તો, સંપર્કને સુધારવા શું  ઉપાય કરત? જરા જણાવશો?

કદાચ, આપે દર્શાવેલો ઉપાય, કોઈ માર્ગ ભૂલ્યા સંપર્ક અને, જાગૃત માઁ, મેઘાવીને કામ લાગી જાય..!!

માર્કંડ દવે.તાઃ ૦૬ ઑગસ્ટ, ૨૦૧૦.

2 comments:

  1. sampark ni babatma teni mae tena chhokrana examma first avavani jid chhodi ane koshish karvi joiti hati ke te sanskari bane. haju modu nathi thayu sampark sathe besi santithi vat kari tatha tene koi pan vastu mate jid chhodi ane maatrsafal jindgi safal rite jive te jou. ma bap haju pan sari kervani gnan apta pustak ane sari sikhaman thi sampark ne badali sake chhe. pan aa kam dhirj ane visvas sathe karvu padse matr gusso ke saja e upay nathi pan prem ane visvas j sampark ne sudhari sakse

    ReplyDelete
  2. sampark ni babat ma mabape matra dhirj tatha prem thi vartnuk karvi rahi . mabap balkona jindgima je compitisan rupi samassy nakhe chhe tena thi matra balak same mabap ni jid udaharn bani jay chhe . pachhal thi te ej kareche athi mabape potanu vartan sudharvu rahu have rahi vat samparkni to samay gayo nathi prem vatsalya dvara haju tene badli sakay chhe. tenama tamara potana mate visvas umero. yad rakho mahatma gandhijie khud chori kari hati pan temna pitana vatsalya bharya vicharoe temne chormathi mahatma banavya. a kam asan nathi pan dhiraj ane prayatna dvara haju sampark ma sanskar bhari sakay chhe

    ReplyDelete

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.