Friday, January 15, 2010

તથાસ્તુ

તથાસ્તુ

હરીભરી વસંતના મદભર્યા,આલ્હાદક વાતાવરણમાં,સોળે કળાએ એક પોયણી ખીલી,નમણી,નાજુક,જોતાંવેંત વહાલ ઉભરાઇ આવે તેવી કન્યા.હા,એનું નામ પણ પોયણી.પિતા ઓમકારનાથ,એક નામાંકિત ભજનિક અને માતા રુચા,એક સંસ્કારી ગૃહિણી.પોયણી એમનું એકમાત્ર ચીંથરે વિંટ્યું રતન.કુટુંબ માત્ર ત્રણજણ નું,પણ સંગીત શીખવા આવતા શિષ્યગણ થી ઘર સદાયે ભર્યું ભર્યું લાગતું.


ઓમકારનાથના અકિંચન વ્રતધારી સ્વભાવે,એમને ઘણા ઓછા અસબાબ ના માલીક બનાવેલા.માલીકીમાં ગણો તો,એમના સુરીલા કંઠેથી રચાયેલાં,ભાવવાહી ભજન.આજે અહીં તો કાલે ત્યાં,સમગ્ર ભારતભરમાં,વ્યસ્તતાભર્યો પ્રવાસ કરી,તેઓ ભજનાનંદ લૂંટાવતા.પરંતુ,કહે છેને કે,સૂરજ હંમેશાં આથમવા માટે જ ઉગે છે.અકિંચન વ્રત અને ઢળતી ઉંમરમાં હવે કેવળ ઇશ્વર ઉપર ની અસીમ શ્રધ્ધા એજ એમનો સહારો અને બીજો સહારો એમના સમર્થ જ્ઞાની ગુરુ પ.પૂ.શ્રીનંદબાબા નો.ઓમકારનાથ ગુરુજીના સાંનિધ્યમાં,સત્સંગમાં હંમેશાં તરબતર રહેતા.

ગુરુપુર્ણિમા ના શુભ દિવસે,સવારે પ્રાતઃકાળમાં ઓમકારનાથ,સ્નાનાદિ પતાવી,પરિવાર-શિષ્યગણ સહિત,પ.પૂ.ગુરુજી શ્રીનંદબાબા ની પૂજાઅર્ચના કરી આશીર્વાદ લાભાર્થે,આશ્રમમાં હાજર હતા.પૂર્ણ શાસ્ત્રોક્તવિધી થી શ્રીગુરુપૂજા સંપન્ન થયા બાદ,થોડી હળવાશભરી પળોમાં,ઓમકારનાથને ચિંતામાં ડૂબેલા જોઇ,આત્મીયતાસભર મંદ સ્વરે પ.પૂ.ગુરુજીએ ચિંતાનું કારણ પૂછ્યું.


"બાપજી, સારા,સંસ્કારી કુટુંબમાં પોયણીનું સગપણ નક્કી કર્યું છે,ચાતુર્માસ પછી લગ્ન લેવાશે,મારી પાસે પોયણીને શુભપ્રસંગે આપવા કાંઇ નથી,તેથી જીવ કચવાય છે.જોકે,વેવાઇ એ મારી સ્થિતિ અનુસાર દહેજ કે કરિયાવર માટે પ્રેમથી,આગ્રહ કરી વિવેકપૂર્વક ના પાડી છે.આપે હજાર હાથવાળા ઉપર શ્રધ્ધા રાખતાં શીખવ્યું છે,છતાં દીકરીનો બાપ છું ને!"

પિતાનો પ્રેમ જોઇ પોયણી અને માતા રુચાબહેન ની આંખ ભરાઇ આવી,ગદગદ્ હૈયે પોયણી બોલી,"પિતાજી,તમે ચિંતા કરશો મા. મારે ખરેખર કાંઇ જ જોઇતું નથી.આપણા સંસ્કાર મુજબ,બસ મને કાનની બુટ્ટી અને ફક્ત ગીતાજી નો એક ગૂટકો (હથેળીમાં સમાય એવડો ગીતાજીનો ગ્રંથ) આપજો."

પૂ.નંદબાબાએ એટલુંજ કહ્યું,"તમારી ચિંતા કરવાવાળો પ્રભુ બેઠો છે."
શિષ્યગણ સજળ નેત્રે પિતા-પુત્રીના પ્રેમને રોમરોમ માં અનુભવી રહ્યો.

સમય ને વિતતાં વાર ના લાગી.શુભમુહૂર્તે પોયણીનાં લગ્ન નક્કી થયાં.ઇશ્વર અને ગુરુજી ઉપર અસીમ શ્રધ્ધા ના કારણે, સગાંવહાલાં,મહેમાનોની ઉપસ્થિતિમાં,લગ્નની કોઇજ તૈયારી વગર પણ,ઓમકારનાથ સાવ નિશ્ચિંત જણાતા હતા.લગ્નના બે દિવસ પહેલાં,આશ્રમમાં થી ગુરુજીએ ઓમકારનાથને મળવા કહેણ મોકલ્યું.

ઓમકારનાથ ગુરુજીના ચરણસ્પર્શ કરી ઉભા થયા ત્યાં,તો જાણે ઇશ્વરીય આદેશ છૂટ્યો,"કાલે સ્નાનાદિ પતાવી,આશ્રમમાં આશીર્વાદ માટે,બ્રાહ્મમુહૂર્તમાં સહુથી પહેલા આવી જજો."

પૂજ્ય ગુરુજીના કથનને પથ્થરની લકીર માની,બીજે દિવસે વહેલી સવારે,ઓમકારનાથે પૂ.ગુરુજીને સાષ્ટાંગદંડવત્ પ્રણામ કર્યા, ના એમણે કાંઇ માગ્યું, ના પૂજ્ય નંદબાબાએ કાંઇ આપ્યું,ગુરુજીએ મનમાં ફક્ત "તથાસ્તુ" કહ્યું.

બપોર ઢળતાં જ ઓમકારનાથ ના આંગણે બબ્બે ટ્રક ભરીને લગ્નનો સામાન ઠલવાઇ ગયો,જેમાં એક દીકરી ના લગ્નપ્રસંગે અપાય તેવી તમામ વસ્તુ, જેવીકે, ઘરેણાં,વાસણ,સૂટકેસ, સાડીઓ, તિજોરી,ગાદલાં,પલંગ અને ના જાણે બીજું શું શું!!! સાથે મુંબઇના,૮૨ વર્ષના,એક વડીલ શેઠનો પત્ર,


"આદરણીય ઓમકારભાઇ,આપ મને ભુલી ગયા હશો.આપે મારા બંગલે,પાંચ વર્ષ અગાઉ,પૂજ્ય શ્રીમદ્ ભાગવત પારાયણ પ્રસંગે,દસ દિવસ સુધી ભજનાનંદ પિરસ્યો હતો,આપના અકિંચનવ્રત ને કારણે આપે કશું માગ્યું નહીં,મેં કશું આપ્યું નહીં.મને દીકરી પોયણીના લગ્નની ગઇકાલે ખબર મળતાં જ,ઘણી ઉતાવળે આ તુચ્છ ભેંટ મોકલી છે,જે સ્વીકારી,મને ઉપકૃત કરશોજી,દીકરીને મારા આશીર્વાદ.આપનો સદૈવ ઋણી,........"

સજળ થયેલાં નેત્રોએ,ઓમકારનાથને,શેઠના નામ નીજગ્યાએ,જાણે શામળ`શા શેઠ વંચાયું.શામળીયાની હાજરી વર્તાતી હતી.ઉપસ્થિત સર્વે ના કંઠે ડૂમો ભરાયો,

નવાઇ તો એ વાત ની હતી કે, સામાન માં કાન ની બે સુંદર બૂટ્ટીઓ અને ગીતાજીનો ગૂટકો પણ હતો.

"તથાસ્તુ"   આટલું અસરદાર હોઇ શકે?સાચા સંત હ્યદય માટે કદાચ..હા..!

માર્કંડ દવે.અમદાવાદ.
તાઃ૦૩-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.