Tuesday, July 19, 2011

સહકારિતાનું સમુદ્રમંથન, અઢળક સમૃદ્ધિનું કંચન.

સહકારિતાનું સમુદ્રમંથન,
અઢળક સમૃદ્ધિનું કંચન.


=======

જીવનમાં આપણી મુખ્ય જરૂરિયાત છે કોઈ એવી વ્યક્તિની કે, જે આપણે કરી શકીએ તેમ હોઈએ તે આપણી પાસે કરાવે.- રાલ્ફ વાલ્ડો એમરસન.

=======

પ્રિય મિત્રો, સન-૧૮૯૩ માં સાઉથ આફ્રિકાના પિટરમેરીટ્ઝબર્ગ ખાતે, એક ગુજરાતી-ભારતીય બૅરિસ્ટર, નામે-શ્રીમોહનદાસ કરમચંદ ગાંધીને, ત્યાંના ગોરા લોકો દ્વારા વંશીય ભેદભાવ દાખવી, રેલવેના પ્રથમ શ્રેણીના કમ્પાર્ટમેન્ટમાંથી, તૃતીય શ્રેણીના કમ્પાર્ટમેન્ટમાં જવા માટે ફરજ પાડવાના તિરસ્કૃત દુરાગ્રહ સામે વિરોધ દર્શાવતાં, શ્રીગાંધીને તે ટ્રેઇનમાંથી ફરજિયાતપણે બહાર ફેંકી દેવામાં આવ્યા અને તે દિવસથીજ ભારત પર ગોરા અંગ્રેજોના એકાધિકાર શાસનના પતનનો પ્રારંભ થયો. આ ધૃણિત બનાવ બાદ, અંગ્રેજ શાસિત, ગુલામ ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ કાજે, અંગ્રેજો સામે,આ ભારતીય, ગુજરાતી-`સાબરમતી ના સંતે`, કોઈપણ ખડગ કે ઢાલ વગર, સમગ્ર દેશના સ્વયંભુ સાથ-સહકાર દ્વારા,  `અહિંસક અસહકાર આંદોલન`ની તલવાર જે રીતે વીંઝી, તેનાં પરિણામોએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું અને છેવટે ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ થઈ..!!

અત્રે,પૂજ્ય શ્રીગાંધીબાપૂનું ઉદાહરણ નોંધવાનો ઉદ્દેશ્ય એજ કે, " સહકારના પ્રત્યેક શુભ કાર્યારંભમાં ક્યાંકને ક્યાંક, સ્થાપિત બળવાન હિતો દ્વારા, અસહકાર ભાવ દર્શાવી આચરવામાં આવતી, અત્યાચારી અતિશયોક્તિની ચરમસીમા કારણભૂત હોય છે." 

આ ચિંતનના સમર્થનમાં, પૂજ્ય શ્રીગાંધીબાપુનું જ એક પ્રખ્યાન કથન નોંધવાને મન કરે છે,
"Non-co operation with evil is as much a duty as is co operation with good." 

અર્થાત્, સમાજમાં સારા માણસો સાથે સહકાર સાધવો જેમ સર્વની ફરજ છે, તેજ પ્રકારે દુષ્ટ લોકો સાથે અસહકાર દર્શાવવો તે પણ, આપણી ફરજનો જ એક હિસ્સો છે. 

મિત્રો, આપણે જાણીએ છેકે, માનવી સામાજિક પ્રાણી છે,વળી પૃથ્વી પર વસતા સર્વ જીવોમાં, તે સહુથી વધુ બુદ્ધિશાળી પ્રાણી છે. પોતાના વ્યક્તિગત તથા સમાજના વિકાસ અને સમૃદ્ધિ કાજે, પોતાના મનોજગતનું સમુદ્રમંથન સતત કરતો રહીને અંતે, `એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના,સાથી હાથ બઢ઼ાના સાથી રે,`નું સૂત્ર અપનાવી, પરસ્પરના સહકારથી, મનવાંચ્છિત ફળ પ્રાપ્ત કરીનેજ, તે જંપે છે. 

આથીજ, વિશ્વમાં છેક સન- ૧૯૨૩ની સાલથી,`આંતરરાષ્ટ્રીય સહકારિતા સંગઠન-International Co-operative Alliance.`ના નેજા હેઠળ, દર વર્ષે જુલાઈ માસના પ્રથમ શનિવારે, `વિશ્વ સહકારિતા દિન-International Co-operative Day ` ઊજવાય છે.જેમાં `United Nations General Assembly`ના, સન-૧૯૯૨ના ઠરાવ નં.૪૭/૯૦ થી, સન-૧૯૯૫થી સયુંક્તપણે આ ઊજવણી કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે, ૧૪મી નવેમ્બરથી ૨૦મી નવેમ્બર સુધી,`આંતરરાષ્ટ્રીય સહકારી સપ્તાહ` ઊજવવામાં આવે છે.

ધરતી પર માનવજાતની ઉત્પત્તિ વિષયક અનેક કથાઓ માંહે ની એક કથા મુજબ, હિબ્રૂ બાઈબલમાં(Book of Genesis માં) દર્શાવ્યા પ્રમાણે, ઈશ્વર `યહોવાહ`એ ફક્ત સાત જ દિવસમાં બ્રહ્માંડનું સર્જન કરી પૃથ્વી પર, સર્વપ્રથમ માનવ પ્રાણી, `આદમ-Adam-man તથા ઈવ-Eve-woman`નું સર્જન કર્યું અને ઈશ્વરે તેઓને આજ્ઞા કરીકે, આસપાસના બાગ-બગીચામાંથી,`જ્ઞાન-વૃક્ષ-The Tree of Knowledge` સિવાયના અન્ય કોઈપણ વૃક્ષનાં ફળફળાદિ,તેઓ પોતાનું જીવન ટકાવવા માટે ખાઈ શકે છે, પરંતુ ઈવ દ્વારા ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તે નારીએ પોતે, તે વૃક્ષનું ફળ ખાવા સાથે-સાથે તે ફળ, આદમ પ્રત્યે સ્નેહ-સદ્ભાવ-સહકાર દાખવતાં, તેને પણ ચખાડ્યું..!! ત્યારથી આજ દિન સુધી આદમ અને ઈવ દ્વારા,,`સાથી હાથ બઢ઼ાના..!!` સૂત્રને અનુસરવાના, પરસ્પરની અવિરત સહકારી પ્રવૃત્તિના થયેલા મંડાણને કારણે, સમસ્ત વિશ્વના ખૂણે-ખૂણે, આજે પણ એક અથવા બીજા સ્વરૂપે,તે સહકારી-સૂત્રનાં અનેક સારાં-માઠાં પરિણામ પ્રવર્તમાન છે?

`સહકાર`શબ્દનો અર્થ 

એક જગવિખ્યાત કહેવતમાં ભલે એમ કહેવાયું હોય કે," एक म्यान में दो तलवारें नहीं समातीं ।"( Two swords do not fit into one scabbard.) પરંતુ, માનવ સંબંધોમાં મોટાભાગે આમ નથી હોતું, પરસ્પરના સહકાર દ્વારા, વિશ્વમાં સમગ્ર માનવજાતે પોતાની બુદ્ધિનો અકલ્પનીય સદુપયોગ કરીને, સતત વિકાસની જે પરમ ગતિ પ્રાપ્ત કરી છે તે બેહદ વિસ્મયકારક છે. સંત શ્રીતુલસીદાસજીના પ્રખ્યાત બોધવચન,'તુલસી ઈસ સંસારમેં ભાત ભાત કે લોગ, સબસે હિલમિલ ચાલિયે, નદી-નાવ સંજોગ" ને સાર્થક કરીને, માનવ, પરસ્પરના સહકારથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળતા મેળવવાનો પરિશ્રમ સતત કરતો રહે છે.

જોકે, આમતો સહકારનો સરળ અર્થ, પરસ્પર કે સંયુક્ત સહાય, સહયોગ, કાર્ય, પરિશ્રમ, ભ્રાતૃભાવ, હિતસંબંધનું ઐક્ય, સંલગ્નતા, જોડાણ, મંડળ, મંડળી વગેરે થાય છે. જે મનોભાવ અને સંયુક્ત કાર્ય પ્રણાલી અંતે, માનવ-માનવના, મિલનસારપણા, સામાજિકતા, મિત્રાચારી વૃત્તિ, આતિથ્ય-ભાવના, મંડળ પ્રિયતા, સામૂહિક નાગરિકતા, સામાજિક સંપર્ક, સામાજિક પ્રવૃત્તિ, સામાજિક વહેવાર, સહકાર્યકરત્વ, સહકારભાવના, ઉત્સવપ્રિયતા જેવા અનેક ગુણોમાં પરિવર્તન પામે છે.
આ અંગે સરળ વ્યાખ્યા કરતાં, `International Co-operative Alliance (ICA), કહે છેકે,"સહકારિતા એ મરજિયાત સંસ્થાન છે, જેમાં પ્રાપ્ત થનાર સેવાઓ, દરેકને માટે ઉપલબ્ધ હોય છે અને ધર્મ,જાતિ,સમાજ, વંશ,રાજકારણને ધ્યાનમાં લીધા વગર, પ્રત્યેકના સભ્યપદની જવાબદારી સ્વીકારવા હંમેશા તત્પર હોય છે." 

આપણે લેખના પ્રારંભે જોયું તેમ, સહકારિતા-પ્રવૃત્તિના ઉદ્ભવકાલ અંગે અનેક મતમતાંતર હોઈ શકે પરંતુ, જ્યારથી વિશ્વના દરેક દેશોને, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ કાજે, આ પ્રવૃત્તિની અગત્યતા-ઉપયોગિતા તથા જરૂરિયાત જણાતાં, માનવ સમાજમાં પ્રવર્તમાન આર્થિક, સામાજિક અને બૌદ્ધિક વિષમ અસમાનતાને, કાયદા અને નિયમો દ્વારા નિયમન કરી, તેને સહકારી પ્રવૃત્તિ દ્વારા પરસ્પર સાંકળી લઈને, સહકારી પ્રવૃત્તિને કાયદેસર માન્યતા પ્રાપ્ત થઈ તેને જ આપણે સહકારી 
પ્રવૃત્તિનો પ્રારંભ-કાલ ગણી શકીએ.


અહીં સવાલ એ થાયકે, શું આપણા શાસ્ત્રોમાં સહકારી પ્રવૃત્તિનું કોઈ એક, સજ્જડ ઉદાહરણ મળી આવે ખરું? 

કેમ નહીં,જરૂર મળી આવે..!! સહકારિતાનાં સારાં-માઠાં પરિણામો સાથે આ રહ્યું, આવું જ એક સજ્જડ ઉદાહરણ,..!!

શ્રીમદ્ભાગવતના આઠમા સ્કંધમાં વર્ણવ્યા પ્રમાણે, દેવો અને દાનવોએ,અમરત્વ પ્રદાન કરનાર અમૃત પ્રાપ્તિ કાજે, ભગવાનની પ્રેરણાથી સમુદ્રમંથનનો શુભારંભ કર્યો તેને આપણે સહકારિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકીએ..!!

બાપે માર્યાં વેર હોય તેમ રાક્ષસો કાયમ દેવો સાથે સતત યુદ્ધ કરતા રહેતા હતા, છતાંય સમુદ્રમંથન દ્વારા અમૃત પ્રાપ્ત કરીને, અમરત્વને પામવાની અદમ્ય મહેચ્છાએ, તેઓએ પરસ્પર સંધિ કરીને સમુદ્રમંથન સમાન અત્યંત મુશ્કેલ જણાતું મહાભગીરથ કાર્ય શરૂ કર્યું.

નાગરાજ વાસુકિને અમૃતમાં હિસ્સો આપવાની લાલચ આપી, વિશાળકાય કાચબા સ્વરૂપે પ્રગટ થયેલા પરમાત્માની પીઠ પર, ક્ષીરસાગરમાં મંદરાચલ પર્વતને  સ્થાપિત કરીને, દેવો-દાનવોએ સંપીને સમુદ્રમંથનની શરૂઆત કરી. ભગવત્કૃપાથી અનેક હાથ એકઠા થવાથી, સહકારિતાના અદમ્ય બળને કારણે, સમુદ્રમંથન કરતાં-કરતાં, અનેક અન્ય પદાર્થોની સાથે-સાથે અમૃત પણ પ્રાપ્ત થયું.

જોકે, દાનવોએ તરતજ અમૃત-કળશ  પડાવી લીધો અને તેનું પાન કરવા માંહે-માંહે ઝઘડવા લાગ્યા, ત્યારે ભગવાને મોહિની સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી,દાનવોને છેતરીને, માત્ર દેવોનેજ અમૃત-પાન કરાવ્યું.

મિત્રો, આપણે જો આ પુરાણ-કથાને આજના સંદર્ભે મૂલવીએ તો, નીચે દર્શાવેલ બાબતો આપણું તરફ ધ્યાન આકર્ષિત થશેકે,

* આજે પણ,`ઝાઝા હાથ રળિયામણા` ન્યાયે, સહકારી પ્રવૃત્તિ દ્વારા અમૃત પ્રાપ્ત કરી શકાય છે.

* આજે પણ સહકારિતાના સમુદ્રમંથનમાંથી `કામધેનુ` ગાય તથા `કલ્પવૃક્ષ` પ્રાપ્ત થાય છે, જે સર્વ કોઈને ન્યાલ કરી શકે છે.

* જોકે, આજે પણ, સહકારિતાની દૈવીપ્રવૃત્તિમાં અમૃત પ્રાપ્ત થતાંજ, તેમાં રાહુ-કેતુ નામના રાજકારણી રાક્ષસો, દેવ જેવું છદ્મરૂપ ધારણ કરીને, સહકારિતાનું અમૃત-પાન કરવા સદૈવ તત્પર રહે છે..!!

* અને આજે પણ, સહકારી પ્રવૃત્તિમાં `કાલકૂટ`નામનું નિષ્ફળતાનું વિષ પણ ક્યારેક મળી આવે છે તથા આ મહાવિનાશકારી વિષ-પાન, સહકારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત નિર્દોષ અને ભોળા સામાન્ય સભાસદોને (નીલકંઠને) પીવાનો વારો આવે છે..!!)

જોકે, સમગ્ર માનવ સમાજને સતાવતી આર્થિક અસમાનતા,રાગ-દ્વેષ તથા અમાનવીય સ્વરૂપ મૃત્યુનો નાશ કરનારા, સહકારી પ્રવૃત્તિના આવા અદ્ભુત અમૃતનું પાન કરીને, દરેક માનવીની મનોકામના અમર થઇ શકે છે. આમ સહકારી પ્રવૃત્તિ,તે સર્વ પ્રકારની સુખાકારી, શાંતિ, સમુન્નતિ, પૂર્ણતા તથા કૃતકૃત્યતાનું મૂળ છે. આથીજ તો કહેવાય છેકે,"Sticks in a bundle cannot be broken."

ભારતમાં સહકારી પ્રવૃત્તિનો ઇતિહાસ.

છેક, સન-૧૯૭૫માં અર્થશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે આ લેખકે, અમારી કૉલેજના પ્રોફેસરસાહેબને, ગભરાતા સ્વરે સવાલ કર્યો હતો," સર, `ભારતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસનો ઇતિહાસ`ની દળદાર બુકના દરેક પાનાં પર, એટલા બધા આંકડા આપેલા છેકે, તે તમામને પરીક્ષા સમયે કેવીરીતે યાદ રાખવા, તે બાબતે મૂંઝવણ થાય છે..!!"

તરત, અમારા વિદ્વાન પ્રોફેસરસાહેબે, જાણેકે કોઈ નાના બાળકને સમજાવતા હોય તેમ, સરળ ઉદાહરણ આપીને, મને સમજાવ્યું," ભઈલા, તારી મમ્મી કેરીની સીઝનમાં બરણી ભરીને અથાણું બનાવે છે, બરાબરને? પણ તારા ભાણામાં, દરરોજ તું કેટલું અથાણું લે છે, ફક્ત એક-બે ચમચીને? બસ, તેજરીતે પુસ્તકમાં ભલે ગમે તેટલા આંકડા આપ્યા હોય પરંતુ, તેને કયારે, ક્યાં, કેટલા પ્રમાણમાં ટાંકવા તેજ મહત્વનું છે..!!"

`ભારતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસનો ઇતિહાસ` અંગે લખતા સમયે, આજે પણ મને, અમારા વિદ્વાન પ્રોફેસરસાહેબની, તે સલાહ યાદ આવી છે, તેથી ઝાઝા આંકડા ની જંજાળમાં ઊંડા ઉતર્યા વગર, અત્રે આપણે માત્ર તથ્યનેજ નોંધીશું?


મિત્રો, ભારતમાં સહકારી પ્રવૃત્તિને લગભગ એક શતાબ્દી કરતાં વધારે સમય વીતી ચૂક્યો છે.

સન-૧૯૫૭માં પ્રદર્શિત થયેલી,ગ્રામીણ ભારતના ગરીબ ખેડૂતની લાચારીનું આબેહૂબ ચિત્રણ કરતી, `એકેડેમી ઍવોર્ડ` માટે, પરદેશની ભાષા માટે સર્વપ્રથમ પાંચ ફિલ્મમાં નોમિનેટ થયેલી, સ્વ.નરગીસજીના સુંદર અભિનયથી શોભતી, સ્વ.મહેબૂબખાનની બ્લૉક બસ્ટર હિન્દી ફિલ્મ, મધર ઈન્ડિયા` માં દર્શાવાયેલી, જમીનદારીની તે સમયની શોષણપ્રથાને આબેહૂબ વર્ણવે છે.

આઝાદીના સમયકાળ પહેલાંના સમયમાં, સત્તરમી સદી સુધી, બ્રિટિશ સંસ્થાનોના વસાહતી યુગમાં, બ્રિટિશ કંપનીના મનસ્વી મહેસૂલ વેરાના અસહ્ય ભાર ઉપરાંત, વારંવારની દુષ્કાળ તથા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરવાને કારણે, ભારતમાં મોટાભાગના ખેડૂતો સહિત તમામ પ્રજાજનોની હાલત દયાજનક બની ગઈ હતી. દેશમાં એટલી હદ સુધી સંસાધનોની અછત ઊભી થઈ હતી કે, પ્રસિદ્ધ ઈતિહાસકાર મેડિસને કરેલા એક તારણ પ્રમાણે, સત્તરમી સદી શરૂઆત દરમિયાન, વિશ્વની કુલ આવકમાં, સમગ્ર યુરોપના ૨૩.૩% સામે, ભારતનો હિસ્સો માત્ર ૩.૮% જેટલો અંદાજ્યો હતો. આપણો ઔદ્યોગિક વિકાસ લગભગ સ્થગિત થઈ ગયો હતો. આપણા દેશમાં જીવનદર તથા સાક્ષરતા દર પણ, વિશ્વની સરખામણીએ સહુથી તળિયે હતો.

સ્વાભાવિકપણે, આઝાદી સમયે અંગ્રેજોએ ભારતને, દેશના દર્દનાક ભાગલા ઉપરાંત અનેક આર્થિક સમસ્યાઓના સંપેતરા સિવાય અન્ય કશું  નોંધપાત્ર આપ્યું નહતું. સન-૧૯૪૭માં મળેલી આઝાદી બાદ રશિયાના પ્રભાવમાં આવી જઈને આપણે સામ્યવાદ અને મૂડીવાદના મિશ્રણ જેવી `સમાજવાદી અર્થવ્યવસ્થા`ને  પ્રાધાન્ય આપ્યું. તે સમયે કોઈ પણ પ્રકારનો ધંધો-ઉદ્યોગ શરૂ કરવા માટે, અત્યંત જટિલ લાઇસન્સ પ્રક્રિયાએ દેશની પ્રગતિને રૂંધવા સાથે-સાથે, ભ્રષ્ટાચારને પણ ઉત્તેજન આપ્યું અને આથીજ સન-૧૯૪૭થી ૧૯૯૦ સુધીનો આ સમયગાળો `લાઇસન્સરાજ` તરીકે ઓળખાયો. જોકે, સન-૧૯૬૫ બાદ, કૃષિ-લઘુઉદ્યોગ તથા પરિવહન ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય થવાને કારણે હરિત ક્રાંતિ સર્જાઈ અને દેશ ખાદ્યાન્ન ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યો.

આજેપણ, દેશના ગામડામાં રહેતા આશરે ૭૪ કરોડમાંથી લગભગ ૬૫ કરોડ લોકો કૃષિ આધારિત જીવન જીવે છે તથા આપણા દેશમાં વાવણી લાયક કુલ વિસ્તાર લગભગ ૧૨,૭૦,૦૦૦ વર્ગ કિ.મી છે ત્યારે, તાજેતરની માહિતી પ્રમાણે, દેશના શત પ્રતિ શત ગ્રામ્યવિસ્તારને આવરી લેતી, સહકારી પ્રવૃત્તિમાં, વિવિધ પ્રકાર પ્રવૃત્તિઓ કરતી, સમગ્ર દેશમાં નોંધાયેલ કુલ  સાડા છ લાખથી વધુ સહકારી મંડળીઓ, જેની વિશ્વભરમાં સહુથી વધારે મહિલાઓ સભાસદ સહિત કુલ સભાસદ સંખ્યા `અધધધ` કહેવાય તેટલી, લગભગ ૨૪ કરોડ થવા જાય છે. આ સહકારી મંડળીઓ દ્વારા, કૃષિ ધિરાણ, માર્કેટિંગ, નાગરિક ધિરાણ, ડેરી ઉદ્યોગ, ખાંડ ઉત્પાદન, ગૃહ નિર્માણ, ગ્રાહક ભંડારો જેવા ગરીબ સભાસદને સ્વનિર્ભર કરવામાં સહાય કરતા, સ્વરોજગારીનાં અનેક વિવિધ કાર્યોને કારણે, સામાન્ય ગરીબ ગ્રામીણ પ્રજાજન હવે,`મધર ઇન્ડિયા` ફિલ્મના પાત્રો જેવો લાચાર કે જમીનદારની `ધકેલ પંચા દોઢસો` જેવા અસહ્ય વ્યાજની શોષણખોરીનો ભોગ બનતો અટકી ગયો છે. 

હવે, આપણે સાચા અર્થમાં ગૌરવ લઈ શકીએ તેમ છેકે, સહકારિતામાં સમાવિષ્ટ માનવીય મૂલ્યો, સ્વાવલંબન, સામાજિક સમાનતા, સામાજિક ન્યાય, સામાજિક સંવાદિતા ઉપરાંત, દેશના વિકાસ માટે એકતા, સમર્પણ, પ્રામાણિકતા, પારદર્શકતા, જવાબદારી વહન, પરસ્પર સદ્ભાવ જેવા ઉચ્ચ નૈતિક મૂલ્યની સ્થાપનામાં સહકારિતાનો નોંધપાત્ર ફાળો છે તેમ કહેવામાં કોઈજ અતિશયોક્તિ નથી.

સહકારી પ્રવૃત્તિએ, આત્મનિર્ભરતાના મામલે, સહુથી વધારે ફાયદો જો કોઈને કરાવ્યો હોય તો તે, આપણા દેશની મહિલાઓ છે આથીજ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુ.એન.) પણ સ્વીકારે છેકે, મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે સહકારિતા સિવાય ઉદ્ધાર નથી.સહકારિતા અંગે કેટલીક કહેવતો તથા સુપ્રસિદ્ધ કથન.

* " ફક્ત એક આંગળી દ્વારા,જમીન પર પડેલી કોઈ વસ્તુ ઉઠાવવી મુશ્કેલ છે." ભારતીય કહેવત.

* "પ્રત્યેક સક્ષમ માનવીની પાછળ બીજો એક સક્ષમ માનવી કાર્યરત હોય છે." ચાઈનીઝ કહેવત.

* " અજ્ઞાનતાના રણમાં સમજદાર માણસ સમૂહમાં પ્રવાસ કરે છે,જ્યારે મૂર્ખ સાવ એકલો..!!" - અમેરિકન કહેવત.

*" પ્રવાસી ભલે અલગ-અલગ વહાણમાં પ્રવાસ કરે, પરંતુ આખરે કોઈ એકજ કિનારે તો, તેને સમૂહમાંજ ઊતરવું પડે છે." માર્ટિન લ્યૂથર કિંગ જુનિયર(૧૯૨૯-૧૯૬૮.)

*" જો તમો, તમારા હાથ મિલાવશો તો તરતજ તમારા દિલ પણ એકમેકમાં ભળી જશે." વિલિયમ શેક્સપિયર
( બ્રિટિશ નાટ્યકાર-કવિ-૧૫૬૪-૧૬૧૬.)

* " આપણે સહુ,આપણા આત્મા થકી હંમેશા એકમેક સાથે સંકળાયેલા છે."- જ્યોર્જ બર્નાર્ડ શૉ (આયરિશ લેખક-૧૮૫૬-૧૯૫૦.)

*"અઢળક મૂડી કે બુદ્ધિક્ષમતા હોવા છતાં કોઈ એકલો માનવી ત્યાં સુધી સફળ નથી થઈ શકતો,જ્યાં સુધી તે અન્યનો સહકાર ન મેળવે." ઑરીસન સ્વૅટ માર્ડેન (અમેરિકન લેખક-૧૮૫૦-૧૯૨૪.)

* "અનેક વિશિષ્ટ માનવી એકઠા ન થાય ત્યાંસુધી, તે સદ્ગુણનું કોઈ મહત્વ નથી." બેન્જામિન ફ્રેંકલિન (અમેરિકન વિજ્ઞાની અને ફિલૉસૉફર-૧૭૦૬-૧૭૯૦.)

*" પ્રત્યેક દિવસે મને ભાન થાય છેકે,મારી ભીતરની અને બાહ્ય જિંદગી,અન્ય સર્વના આધારે ટકી રહી છે. તેથી, જેટલું તેઓ મને આપે છે તેટલું, તેમને પરત કરવું તેજ મારો સાચો ધર્મ છે." આલ્બર્ટ આઈનસ્ટાઈન- જર્મન-યુ.એસ.વિજ્ઞાની-૧૮૭૯-૧૯૫૫.)

* "મનુષ્યને તમામ આફતમાંથી ઉગારવાનો એક જ ઉપાય છે, તે છે એકમેકનો સહકાર." બર્નાર્ડ રુસ્સેલ(બ્રિટિશ તર્કશાસ્ત્રી અને ચિંતક-૧૮૭૨-૧૯૭૦.)


સહકારી પ્રવૃત્તિમાં અગ્રેસર ગુજરાત.

ઇતિહાસ પ્રમાણે સૌરાષ્ટ્ર-ગુજરાતનો પશ્ચિમી સમુદ્ર કિનારો, ભગવાન શ્રીકૃષ્ણના સમયથી, ભારતના એક પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે.મૌર્ય,પ્રતિહાર,ગુપ્ત કે ચાલુક્ય વંશના અનેક રાજાઓએ કાલક્રમે ગુજરાતને સમૃદ્ધિ અર્પી જેને કારણે, મહંમદ ગજનવી જેવા અનેક લૂંટારાની દાનત બગડતી રહી અને ગુજરાત પર અનેકવાર હુમલા થતા રહ્યા. 

આમતો ગુજરાતનો ઇતિહાસ લગભગ ૨૦૦૦ વર્ષ જેટલો જૂનો છે પરંતુ, દેશની આઝાદી બાદ મહારાષ્ટ્ર ના સંયુક્ત રાજ્યમાંથી, મહાગુજરાતની ચળવળ બાદ જ્યારે, તારીખ-૧, મે, ૧૯૬૦ના રોજ વર્તમાન ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને આજદિન સુધી, ગુજરાતે સહકારી ક્ષેત્રે અકલ્પનીય હરણફાળ ભરી છે, તેથી ગુજરાતમાં હાલ ૬૦,૦૦૦ જેટલી સહકારી મંડળીઓ છે અને ગુજરાતના કુલ ક્ષેત્રફળ – ૧,૯૬,૦૨૪ વર્ગ કિ.મી.માં નિવાસ કરતી, શાંતિપ્રિય-વેપારી માનસ ધરાવતી આશરે ૬,૦૦,૦૦,૦૦૦ (છ કરોડ)ની જનસંખ્યા, સહકારી પ્રવૃત્તિનાં મીઠા અમૃતફળ ચાખી રહી છે.

ગુજરાતમાં કૃષિક્ષેત્રે, સરકારના વિવિધ વિભાગોની જાગૃતિ તથા સહાયતાને કારણે, રાજ્યમાં સરદાર સરોવર પરિયોજનાની ૧૭.૯૨ લાખ હેક્ટર સહિત, કુલ ભૂમિગત જળ સિંચાઈ ક્ષમતા આશરે ૬૪.૮૮ લાખ હેક્ટર જેટલી થઈ છે, જેથી ઘઉં,બાજરી,કપાસ,તમાકુ, મગફળી ઉપરાંત કેસર કેરી જેવાં ફળફળાદિ,ખાદ્યતેલ વગેરે અનેક કૃષિ ઉત્પાદનમાં, ગુજરાત આજે દેશભરમાં અગ્ર સ્થાન ધરાવે છે. 

આ ઉપરાંત,ગુજરાતમાં, પશુપાલન પ્રવૃત્તિ દ્વારા, દુધાળાં ઢોરઉછેર અને તેનાં દુધમાંથી બનતી વિવિધ જીવનજરૂરી પ્રોડક્ટનો ચરોતરિયો સહકારી પાયો, ૧૯૪૬માં લોહપુરૂષ શ્રીસરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી ત્રિભોવનદાસ પટેલની પ્રેરણા અને પ્રયાસો તથા ડો. શ્રી વર્ગિસ કુરિયન ની અથાક મહેનતને કારણે નંખાયો. જેમાં અમૂલ બ્રાન્ડે, સહકારી ક્ષેત્રનો અપ્રતિમ વિકાસ કરી, શ્વેતક્રાંતિ કરી બતાવી તથા હાલમાંજ અમૂલે, “ वसुधैव कुटुंबकम्” ના સૂત્રને સાર્થક કરી, દેશના સીમાડા લાંઘીને વિદેશોમાં પણ પોતાની પ્રોડક્ટના વેચાણક્ષેત્રે નવતર વિક્રમ સ્થાપવાની સંભાવના પેદા કરી છે. દૂધની સહકારી પ્રવૃત્તિમાં સૌથી વધુ મહિલા સભ્યો છે અને માત્ર મહિલાઓ થકી સંચાલિત દૂધમંડળીઓની સંખ્યા પણ દિવસે-દિવસે વધતી જાય છે. દેશમાં હાલ કુલ ઉત્પાદનના ૮૦ ટકા જેટલું દૂધ સહકારી ક્ષેત્રથી આવે છે તેથી એમ કહેવાય છેકે, ગ્રામીણ વિકાસની `કામધેનુ` ડેરીઉદ્યોગ છે. 

જોકે, હરિતક્રાંતિ અને શ્વેતક્રાંતિ ઉપરાંત, ગરીબી નાબૂદીની દિશામાં, નાના-મોટા ગૃહઉદ્યોગ પણ, સહકારિતા નું હથિયાર અસરકારક પરિબળ બન્યું છે. ગુજરાત રાજ્ય ની ‘જ્યોતિ ગ્રામ યોજના’ અંતર્ગત બધા ૧૮૦૬૬ ગામડાઓમાં વીજળી પહોચાડી દેવામા આવી હોવાને કારણે, સહકારી ધોરણે, અનેક પ્રકારના ગૃહઉદ્યોગની મંડળીઓની અસરકારક પ્રશંસાપાત્ર કામગીરી શક્ય બની છે, જેથી હાલ લાખો પરિવારને રોજીરોટી પ્રાપ્ત થઈ રહી છે. સહકારિતા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર નામાંકિત મહાનુભાવ 

સહકારિતા દ્વારા સામાજિક ન્યાયના સિદ્ધાંતને વરેલા વિશ્વના કેટલાક નામાંકિત મહાનુભાવનો અત્રે ઉલ્લેખ અસ્થાને નહીં જ ગણાય..!! બહુ દૂર નજર ન દોડાવીએ તોપણ, સામાજિક સમરસતા,ન્યાય તથા સહકારિતાના પ્રચાર-પ્રસારના ઇતિહાસમાં,ઉલ્લેખનીય મહાનુભાવોમાં, 

* સન-૧૭૭૧માં વેલ્શ ખાતે જન્મેલા રોબર્ટ ઑવન- Robert Owen (14 May 1771 – 17 November 1858) સમાજવાદ અને સહકારિતાના સ્થાપક તથા પુરસ્કર્તા મનાય છે.

* સન- ૧૮૬૦માં, St Thomas' Hospital-London, ખાતે, વિશ્વની પ્રથમ નર્સિંગ સ્કૂલના સ્થાપક તથા સેવાની મૂર્તિ એવાં અંગ્રેજ નર્સ- ફ્લૉરેન્સ નાઇન્ટેન્ગલ Florence Nightingale (12 May 1820 – 13 August 1910)

* સન- ૧૯૪૩માં ન્યૂયોર્ક-અમેરિકા ખાતે જન્મેલા, સામાજિક સહકારિતાને બળ પુરુ પાડવા, બિન નફાકારક,`Ashoka: Innovators for the Public`, નામની સંસ્થાના સ્થાપક, વિલિયમ બિલ ડ્રેટૉન.

* ભારતમાં, માનવ અધિકાર તથા `ભૂદાન`ની ચળવળને પોતાનો જીવનમંત્ર બનાવનાર શ્રીવિનોબા ભાવે. (Vinayak Narahari Bhave (September 11, 1895 - November 15, 1982) 

* ગ્રામીણ બેંક તથા સહકારિતાના સામાજિક સાહસના પુરસ્કર્તા, સન-૨૦૦૬માં નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત થયેલ, સન-૧૯૪૦માં,ચિત્તાગોંગ-બાંગ્લા દેશ ખાતે, જન્મેલા શ્રીમહમ્મદ યુનુસ.

* સન- ૧૯૯૯માં પદ્મવિભૂષણનું તથા મેગ્સેસે ઍવોર્ડ,વર્લ્ડ ફૂડ પ્રાઇસનું બહુમાન મેળવનાર, કેરાલાના કોઝિકૉડ ખાતે સન-૧૯૨૧માં જન્મેલા, આણંદ-ગુજરાત ખાતે સન-૧૯૫૫ શ્રીસરદાર પટેલ,સ્થાનિક ઉત્સાહી ખેડૂત શ્રીત્રિભોવનદાસ પટેલ તથા શ્રીમોરારજી દેસાઈના સહકારથી વિશ્વ પ્રસિદ્ધ,`અમૂલ` બ્રાન્ડની શ્વેતક્રાંતિના ટેકનોક્રેટ પ્રણેતા એવા ડૉ.શ્રીવર્ગિસ કુરિયન.

* સન- ૧૯૩૪ માં મહારાષ્ટ્ર-ભારતમાં જન્મેલા, પ્રજાસત્તાક ભારતના હાલના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ  શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલ જેઓએ,`સન્ત મુક્તાબાઇ સહકારી સાકર કારખાના` નામે જાણીતી સહકારી શુગર ફૅક્ટરીની સ્થાપના કરી છે. સહકારી ક્ષેત્રનું ભયસ્થાન-વધતી રાજકીય દખલગીરી

`જ્યાં મધ દેખાય ત્યાં મધમાખીઓ દોડતી આવે` તે ન્યાયે દેશના સંચાલનની સંસ્થાઓ પર, યેનકેન પ્રકારે ચૂંટણીઓ જીતીને રાજકારણીઓએ કરેલો કબજો ઓછો પડતો હોય તેમ, સહકારી ક્ષેત્રમાં આજકાલ જાણે રાજકારણનો ઝેરીલો એરું આભડી ગયો હોય તેમ અનુભવાઈ રહ્યું છે. આ ક્ષેત્રમાં પ્રવેશ કરી, પ્રભુત્વ જમાવી, તે દ્વારા સહકારી ક્ષેત્રને મળતી સામાજિક-સરકારી-અર્ધસરકારી નાણા સહાયમાંથી ભ્રષ્ટાચારી રીતરસમ અજમાવીને, તેનો અન્ય જગ્યાએ અંગત દુરુપયોગ કરવો, તમામ સભાસદોને પોતાના પગની એડી નીચે દબાણમાં રાખી ચૂંટણીઓ સમયે સત્તાસ્થાન સુધી પહોંચવા, સભાસદોને પોતાની મરજી પ્રમાણે લોભ-લાલચ-ધાકધમકી દ્વારા મજબૂર કરવા તથા મંડળીઓનાં તમામ ચાવીરૂપ સ્થાન પર સગા-વહાલાં-દવલાં ગોઠવી દેવા જેવી નિંદનીય પ્રથાને અમલમાં મૂકવા જેવી, સહકારી પ્રવૃત્તિના મૂળમાં ઘા કરતી અનેક રાક્ષસી પ્રવૃત્તિઓ રાજકારણીઓ દ્વારા આચરવાનાં અનેક ઉદાહરણ તાજેતરમાં પ્રકાશમાં આવ્યા છે.

આજ કારણસર તાજેતરમાં, ભ્રષ્ટ સહકારી મંડળીઓ હોય કે કૌભાંડી સહકારી બેંકો, રિઝર્વ બેંક સફાળી ઊંઘમાં થી જાગી હોય તેમ, તેમની સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે જેથી અનેક ભ્રષ્ટ રાજકારણીઓ તથા તેમના ભ્રષ્ટ મળતિયાની ઊંઘ હરામ થયેલી જોવા મળે છે..!!

સહકારી પ્રવૃત્તિને ઉગારવાના કારગર ઉપાય.

સહકારી પ્રવૃત્તિને મૃતપ્રાય થયેલી નિહાળવા થનગની રહેલા, કેટલાક ખરાબ-અસામાજિક તત્વોને અંકુશમાં લેવા, કેન્દ્ર સરકારે બંધારણમાં સુધારો કરી સહકારી પ્રવૃત્તિના વહીવટમાં રહેલાં છીડાં પૂરવા, પાંચ સભ્યોની એક સમિતિ રચી, તેમની ભલામણ અનુસાર, કેટલાક નિયંત્રણો નવેસરથી લાદીને,સંસદમાં તાજેતરમાંજ એક બીલ તૈયાર કર્યું છે. જેની વિગતો અનુસાર,

* કેન્દ્ર સરકારે દેશની ગ્રામ પંચાયતોને જેરીતે એક કાયદા હેઠળ આવરી લીધી છે, એ જ રીતે સહકારી ક્ષેત્રે પણ એકરૂપતા લેવી. 

* સહકારી સંસ્થાઓને વ્યાપક બનાવવી. 

* સહકારી પ્રવૃત્તિનું સંચાલન, જાણકાર તાલીમ પામેલા નિષ્ણાતોના હસ્તક સોંપવું.

* સહકારી ક્ષેત્રે, ખાસ કરીને જગતના તાત ખેડૂતને, ઓછામાં ઓછા વ્યાજે વધુમાં વધુ ધિરાણ મળે તે નિશ્ચિત કરવું.

* સહકારી મંડળીઓને આવકવેરા મુક્તિ આપવા વિચારવું.

આ અસરકારક સુધારાને કારણે દેશભરની સહકારી પ્રવૃત્તિ પર હકારાત્મક અસર પડવાનો આશા સેવવી વધુ પડતી ન ગણવી જોઈએ..!! મરજિયાત મુક્ત સદસ્યતા, લોકશાહી પદ્ધતિથી સંચાલન, યોગ્ય નફાકારકતા સાથે વેપાર, સદસ્યોને યોગ્ય વળતર, ધર્મ તથા રાજકારણનો શૂન્ય હસ્તક્ષેપ, દેવામુક્ત આર્થિક વ્યવહાર, સદસ્યોને યોગ્ય તાલીમ, સમાન ધ્યેય ધરાવતી સહકારી સંસ્થાઓ સાથે તાલમેલ, સમાજના ઉત્કર્ષનો આદર્શ, જેવા અનેક સુધારા અપનાવીને સહકારિતાને અસરકારક જરૂર બનાવી શકાય છે. 


સહકારી પ્રવૃત્તિ- કેન્દ્ર સરકાર અને રાજ્યોની ભૂમિકા.

ભારતીય બંધારણના ભાગ-૪ માં, આર્ટિકલ ૪૩ની સેક્સન ૪૩-અ મુજબ, ભારતના કોઈપણ રાજ્યમાં, ગ્રામ્ય વિસ્તારના ગૃહઉદ્યોગ, સ્વતંત્ર વ્યક્તિગત અથવા સહકારી ધોરણે કાર્ય કરતી સંસ્થાને સામાજિક તથા પરંપરાગત સમાન તક પૂરી પાડવાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે દરેક રાજ્યને તે અંગે યોગ્ય કાયદા ઘડવાની છૂટ આપવામાં આવી છે.

જોકે, તેનું એક વિપરીત પરિણામ એ આવ્યું કે, દરેક રાજ્યમાં સહકારી ક્ષેત્રે હાલ અલગ- અલગ કાયદા પ્રવર્તે છે. આ તમામ રાજ્યોમાં એકસમાન કાયદાના પ્રાવધાન માટે બંધારણના ભાગ-૪ના આર્ટિકલ-૪૩ માં ૪૩-બી નો સુધારો, તાજેતરમાં, મે-૨૦૧૧ નારોજ કેબીનેટમાં મંજૂર કરવામાં આવ્યો છે. જે ખરડો સંસદ દ્વારા પસાર થતાં, દરેક રાજ્યની મંજૂરી મળ્યા બાદ અમલમાં આવશે.બંધારણમાં કરાનાર આ ૧૧૦મા સુધારાની જોગવાઈ અનુસાર,

* સહકારી ક્ષેત્રે,તમામ રાજ્યોમાં એકસમાન કાયદા અમલમાં મૂકવા.

* સહકારી કમિશનની ચૂંટણી ચૂંટણીપંચ દ્વારા અથવા કોઈ સ્વતંત્ર સ્વાયત્ત બોર્ડ રચીને, તેના દ્વારા સમયસર, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવી. 

* સહકારી મંડળીના બોર્ડમાં વહીવટદારની નિમણૂક છ માસથી વધુ સમય માટે ન રાખવી.

* મંડળીઓના સ્વતંત્ર વ્યવસાયિક ઑડિટ કરાવવું.  

* નાણાકીય વર્ષ પૂરું થયાના છ માસની મુદતમાં દરેક સહકારી મંડળીની જનરલ બોડીની મિટિંગ બોલાવવી, 

* મંડળીઓના કદને ધ્યાને લીધા વગર,વધુમાં વધુ ૨૧ ડાયરેક્ટરોની જોગવાઈ લાગુ કરવી. 

* સહકારી મંડળીઓના ચોપડાઓ, માહિતી અને હિસાબો જોવાની દરેક સભાસદને છૂટ આપવી.

* બૅન્કના ડિપોઝિટર્સને પણ સભાસદ તરીકેનો દરજ્જો આપવો. 

* સહકારી મંડળીઓના હોદ્દેદારોની મુદત ફક્ત પાંચ વર્ષની જ રાખવી.

* કો-ઓપ્ટ કરાયેલા સભ્યને બોર્ડમાં હોદ્દેદાર તરીકે ચૂંટાવા નહીં.

* નાણાકીય વર્ષ પૂરું થયાના છ માસની અંદર તમામ સહકારી મંડળીઓએ રિટર્ન ફાઈલ કરવાં.

જોકે, બંધારણના આ સૂચિત સુધારાનો સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા, નવો સુધારેલ કાનૂન, સાદો, સરળ હોવા અંગે, સભાસદોના લાભ અકબંધ રહે તે અંગે, લોક કલ્યાણનો હેતુ માર્યો ન જાય તે અંગે, કાયદાના અર્થઘટનના અનેક મુદ્દાઓ-વિવાદો- તકરારોના સરળ નિવારણ અંગે, સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એવા તમામનું ઉત્તરદાયિત્વ નક્કી કરવા અંગે, રજિસ્ટ્રારની કામગીરીને નિયંત્રણમાં રાખવા અંગે, સહકારિતાની સ્વાયત્તતા સાચવાય તે અંગે, અનેક શંકાકુશંકા વ્યક્ત કરીને, કેટલાક સ્થાપિત હિતો દ્વારા ચારેકોર વ્યાપક વિરોધ થઈ રહ્યો છે, તેવા સંજોગોમાં, સહકારી પ્રવૃત્તિને મહત્તમ ઊંચાઈ પ્રદાન કરવા, રાજકારણથી મુક્ત કરી, વર્ષોથી આ ક્ષેત્રે જામી પડેલા સ્થાપિત હિતો તથા વચેટિયા તત્વો અને નફાખોરોને અંકુશમાં રાખી, સહકારી પ્રવૃત્તિનો મહત્તમ લાભ તેમાં સંકળાયેલા છેવાડાના સદસ્ય સુધી પહોંચે તથા આ પવિત્ર પ્રવૃત્તિ, આવાં તત્વોથી શોષણમુક્ત રહે તેવો કડક કાયદો ઘડાવો જોઈએ.

તાજેતરની સ્થિતિ અનુસાર, દેશમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહેલા આર્થિક વૃદ્ધિદર, વિપુલ પ્રમાણમાં કુદરતી સંપદા તથા સસ્તી રોજગારીની ઉમદા તક જેવા વિવિધ સાનુકૂળ કારણોસર, વિદેશી મૂડીરોકાણના પ્રવાહમાં સતત વધારો થવાને કારણે, એક પ્રામાણિક અંદાજ મુજબ, ૨૦૨૦ની સાલ સુધીમાં ભારતનો માથાદીઠ જીડીપી ચારગણો થવાની વકી છે ત્યારે એ બાબત શંકા રહિત છેકે, આર્થિક  વૃદ્ધિદરની આ સિદ્ધિમાં સહકારી પ્રવૃત્તિનું મહત્તમ યોગદાન અવશ્ય હશેજ..!! 


પ્રિય વિદ્વાન પાઠક મિત્રો, અંતે ટૂંકમાં ફરીથી મહાભારતના એક અદ્ભુત માર્મિક પ્રસંગને ટાંકીને, આપણા લેખનું સમાપન કરીએ. 

પાંડવોના વનવાસ દરમિયાન એકવાર,જંગલમાં ધર્મરાજાને પાણીની ખૂબ તરસ લાગી. તેઓની આજ્ઞા લઈ સહુ પ્રથમ નકુલ, બાદમાં સહદેવ, ભીમ, અર્જુન પાણી શોધવા ગયા અને જ્યારે ઘણીવાર સુધી બધા ભાઈ પરત ન ફર્યા ત્યારે તેઓને શોધવા, અંતે ધર્મરાજ યુધિષ્ઠિર જાતે નીકળ્યા. જ્યાં એક સરોવરને કિનારે, તેઓએ, પોતાના તમામ ભાઈઓને મૃતાવસ્થામાં નિહાળતાં, અત્યંત દુઃખી થઈ, તે  વિલાપ કરવા લાગ્યા.

ધર્મરાજાએ, સરોવરમાં મૃત અવસ્થામાં પડેલા, પોતાના ભાઈઓ પાસે જવા, જ્યાં પગ ઉઠાવ્યો ત્યાંતો અચાનક એક યક્ષ પ્રગટ થયો અને તેણે શરત કરીકે, પોતાના સવાલના સાચા જવાબ આપ્યા બાદ જ તે સરોવરમાં પ્રવેશી શકશે..!!

ધર્મરાજને પૂછાયેલા અનેક પ્રશ્નોમાં, આપણા આજના લેખને ઉપયોગી એક યક્ષ-પ્રશ્ન છેકે,"જગતનું મોટામાં મોટું આશ્ચર્ય શું છે?"

ત્યારે, ધર્મરાજા ઉત્તર આપે છેકે," જગતમાં માનવીની નજર સમક્ષ, અનેક માનવ રોજ મૃત્યુને વરે છે, છતાંપણ બાકીના લોકો પોતે જાણે ક્યારેય મૃત્યુ પામવાના નથી તેમ માનીને વર્તે છે, તે જગતનું સહુથી મોટામાં મોટું આશ્ચર્ય છે..!!"

સહકારી પ્રવૃત્તિની મલાઈદાર સંસ્થાઓ તથા બેંકોમાં અનેક વર્ષોથી, ચાવીરૂપ સ્થાનો પર અડ્ડા જમાવીને, આ `કામધેનુ`નું દૂધની જગ્યાએ લોહી પણ ચૂસી લેનારા, આવાં અસામાજિક તત્વો અથવા તો, `જો પોતાને દ્રાક્ષ ખાવા ન મળેતો, દ્રાક્ષ ખાટી છે`, તેમ કહી, સહકારી પ્રવૃત્તિની પેટભરીને નિંદા કરનારા, કેટલાક હૈયા ફૂટ્યા અનેક સ્થાપિત હિતશત્રુ,  ધર્મરાજાએ યક્ષને પાઠવેલો સચોટ ઉત્તર હૈયે ધરી, સહકારિતાના વિકાસમાં,શું પ્રેરણારૂપ યશભાગી બનશે? ઈશ્વર જાણે...!! જોકે, એક પ્રખ્યાત સુભાષિત પ્રમાણે,

अधमा धनमिच्छन्ति धनमानौ तु मध्यमाः।
उत्तमा मानमिच्छन्ति मानों हि महतां धनम् ॥

અર્થાત્- "અધમ વર્ગના માણસો કેવળ ધન એકઠું કરવા ઇચ્છે છે.મધ્યમ શ્રેણીના માણસો ધન અને માન બંનેની અપેક્ષા રાખે છે.પરંતુ ઉત્તમ કોટિના માણસો તો કેવળ માન જ માગે છે.ઉત્તમ લોકોનું ધન પોતાને મળતું માન અને સત્કાર છે."

આશા રાખીએકે, આ માર્મિક સુભાષિતને આત્મસાત્ કરી સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ સત્તાધીશ, સાચા અર્થમાં ટ્રસ્ટીશિપનો ભાવ મનમાં ધરી, આ પવિત્ર પવૃત્તિને મલિન કરતાં પરિબળોને અસરકારક રીતે નાથશે તથા આ પવિત્ર `કામધેનુ`ને પૂરતું સંરક્ષણ આપશે.

જોકે, અત્યારે તો, આપણા દેશમાં, ઈશ્વરે ફરીથી અવતાર લેવાની તાતી જરૂરિયાત હોય તેમ આપને નથી લાગતું..!!

માર્કંડ દવે. તારીખ-૨૮-૦૬-૨૦૧૧.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.