Friday, January 15, 2010

મહોરું

મહોરું

કોઇ વૃક્ષ જ્યારે રસદાર ફળોથી લચી પડે ત્યારે તે ધરતી તરફ ઝૂકીને આભાર વ્યક્ત કરે,વિનંતી કરેકે,
"હે,ધરતીમાતા,મને સંભાળજે.ક્યાંક મારા જ ભાર થી,હું મૂળસોતું ભોંયભેગું ના થઇ જાઉં."

ગંગાસ્વરુપ રેવાબા એમના દીકરા,દીકરીને આજ દાખલો આપતાં,"જિંદગીમાં ગમેતેટલી સફળતા મેળવો પણ ધરતી પર નાં મૂળ ઉખડે નહીં તે જોજો."આ શિખામણ એવીતો કારગર નીવડી હતીકે,મોટો દીકરો પ્રાકેત,તેની પત્ની લવના અને નાની દીકરી દીપા તથા જમાઇ ઓજસના,દિલમાં બરાબર ઘર કરી ગઇ હતી.બંને પરિવારના ભવ્ય બંગલા,એકજ સોસાયટીમાં,આવેલા હતા.અઢળક ધનસંપત્તિની હોવા છતાં,રેવાબાએ રોપેલા સંસ્કારને કારણે,નવી પેઢી પણ,
નિરાભિમાની,નમ્ર અને મૃદુભાષી હતી.દીપા,ઓજસને સંતાનમાં ત્રણ વર્ષની,બાર્બી ડૉલ જેવી સુંદર સારા હતી,તો પ્રાકેત-લવનાને આઠ વર્ષનો મંદાર હતો..

આવા અઢળક સુખની છાંય વચ્ચે એકજ દુઃખ હતું.મંદાર નામનું ફળ બરાબર પાક્યા વગરનું રહી ગયું હતું.હા,મંદાર મંદબુધ્ધિ ધરાવતો બાળક હતો.તેનો આઇ.ક્યુ. પૂર્ણ વિકસીત થઇ શક્યો ન હતો.દવા,સારવાર કરવા છતાં,જોઇએ તેટલો ફેર પડતો ન હતો.મંદાર જલ્દી સાજો થાય તે માટે,પાંસઠ વરસનાં રેવાબા,આ ઉંમરે પણ,રાતદિવસ તબીબી સારવાર ઉપરાંત દેવદેવી,મંદિર,પૂજનઅર્ચન,દોરાધાગા,બાધાઆખડી,ના જાણે ક્યાં ક્યાં ધક્કા ખાતા હતાં.મંદાર અનાયાસે કોઇક બુધ્ધિપૂર્વકનું કામ કરી નાંખે,તો રેવાબા રાજીનારેડ થઇ જતાં.મળવા આવનારાં દરેકને,"મારા મંદારે આજે આ કર્યુંને,મારા મંદારે આજે તે કર્યું."કહી તેના વખાણના પુલ બાંધી દેતાં.

પ્રાકેત,લવના,દિપ્રા,ઓજસ પણ મંદારને ખૂબ સાચવે.ઘણી વાર તો સારાને નારાજ કરી,રડાવીને પણ,બધાં મંદારને ખૂબ મહત્વ આપે.સામાન્યરીતે એનું પરિણામ જે આવવું જોઇએ તેજ આવ્યું હતું.મંદાર ખૂબ જીદ્દી થઇ ગયો હતો.એનાં તોફાન અને ગુસ્સો વધી ગયો હતો.

આજનીજ વાત લ્યોને,માર્કેટમાં ગયેલી દીપા,નાનકડી સારા માટે મીકીમાઉસનું મહોરું(માસ્ક)ખરીદી લાવી.સારા એ મહોરું પહેરીને ખૂબ ખૂશ થતી હતી,ત્યાંજ મંદાર આવ્યો અને એ મહોરું લેવા જીદ કરવા લાગ્યો.આઠ વર્ષના મંદારમાં,ચાર વર્ષના બાળક જેટલીજ બુધ્ધિ,અને એમાં વળી પાછો ગુસ્સો અને જીદ ભળ્યાં.મંદારને ચૂપ કરાવવા,દીપાએ સારા પાસેથી લઇ,મહોરું મંદારને આપ્યું,ત્યારે સારાએ જોરથી ભેંકડો તાણ્યો.એમ કાંઇ બધીજ જીદ પુરી કરી મંદારને વધારે બગડવા થોડોજ દેવાય? મંદારને બીજી વાતે ચઢાવી,રેવાબાએ,ઘર મંદિરમાંથી બાલઠાકોરને ભોગ ધરાવેલી.લાડૂડી આપી એને સમજાવી દીધો.મંદાર જીદ ભુલી ગયો,ત્યારે બધાંના જીવને શાંતિ થઇ.

એક પવનની લહેરખી કે પછી,એક નાનીસરખી કાંકરી,તળાવના શાંત પાણીમાં તરંગો રચી દે છે.જિંદગીનું પણ એમજ છે.છેલ્લા ત્રણ દિવસ થી શરદી,ખાંસી અને તાવમાંથી બ્લડપ્રેશર ઘટી જતાં,રેવાબાને ફેફસાંમાં વધુ પડતો કફ ભરાઇ ગયો.અંતે શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી.તરત ઘર પાસેજ આવેલી સારી હૉસ્પિટલમાં રેવાબાને દાખલ કર્યાં,ત્યારે હળવા હ્ર્દયરોગના હુમલાનું નિદાન થતાં બધાં ગભરાઇ ગયાં.બે દિવસની સઘન,ઉત્તમ સારવારને કારણે,હવે રેવાબાને ઘણું સારું હતું.હવે ફક્ત શ્વાસ લેવામાં થોડી તકલીફ પડતી હતી.જોકે તકેદારીનાં પગલાંરુપે,મોટાડૉક્ટરસાહેબ સૂચના ના આપે,ત્યાં સુધી ઑક્સિજન આપવાનું હજુ ચાલુ રાખવાનું હતું.રેવાબાને થોડું સારું થતાંજ એમનાં વહાલાં બંને બાળકો તીવ્રતાથી યાદ આવી ગયાં.રેવાબાના મનની વાત જાણે દીપા જાણી ગઇ હોય તેમ થોડીવારમાંજ,સારાને લઇને તે સ્પેશિયલ રુમમાં દાખલ થઇ.સારાને જોતાંજ રેવાબાની અડધી બિમારી ગાયબ થઇ ગઇ.

છેક એક અઠવાડીયે રેવાબાના મોં પર સ્મિત રેલાયું.સિસ્ટરે આવી દીપાને દવાનું પતાકડું પકડાવ્યું.થોડીવાર પછી દવા લઇ પાછી આવવાનું કહી દીપા ઉઠી,ત્યારે રેવાબાએ મંદારને યાદ કર્યો.દીપાએ કહ્યું,"બા,અહીં દવાખાનામાં મંદાર તોફાન કરશે,રહેવાદોને,એકબે દિવસમાં તમને રજા આપવાની વાત થઇજ ગઇ છે."રેવાબા કાંઇ બોલ્યા નહીં,પણ મંદારને જોવાની લાલસા,એમના ચહેરા ઉપર સાફ દેખાતી હતી.મંદાર માટે રેવાબાની માયા દીપા સમજતી હતી,એટલેજ એણે ઘેર જઇ,પ્રાકેતને વાત કરી.મંદાર તો બે દિવસથી રેવાબાને મળવા જીદે ભરાયો હતો.એનેય બા વગર ગમતું નહતું.

રેવાબાની દવા,કપડાં જેવી જરુરી વસ્તુઓ લઇ,મંદાર અને લવના હૉસ્પિટલ જવા નીકળ્યા.ગાડીમાંથી માર્કેટની દુકાનો જોઇ,કેટલાય સવાલો કરી કરીને આખા રસ્તે મંદારે,લવનાનું માથું ચઢાવી દીધું.હૉસ્પિટલના ઝાંપે કાર ધીમી પડતાંજ,ભારે થઇ ગઇ.કટલરીની એક લારીમાં,મંદાર મીકીમાઉસનું મહોરું લટકાવેલું જોઇ ગયો,પછીતો એ મહોરું લેવા એણે જે જીદ કરી છે!!ઘેર પાછા વળતાં એ મહોરું લઇ આપવાનું કહી લવનાએ એને માંડમાંડ શાંત કર્યો.મંદારને જોઇ રેવાબા રાજીરાજી થઇ ગયાં.મંદારના કાલાઘેલા પ્રશ્નો અને ફરિયાદોની વણઝાર શરુ થઇ ગઇ."બા,તમે ઘેર કેમ નથી આવતાં?તમને શું થયું છે?ઘેર મમ્મી મને વઢે છે."રેવાબા પણ જાણે સાવ સાજાં થઇ ગયાં હોય તેમ ઑક્સિજનનું માસ્ક હટાવી,એને જવાબ આપવા લાગ્યાં.લવનાએ એમને વાર્યાંએ ખરાં,"બા આરામ કરો,એની જોડે વધારે વાત ના કરશો."રેવાબાએ કહ્યું"તને ખબર ના પડે,મંદાર તો મારો શ્વાસ છે શ્વાસ.તારે ડૉક્ટરને દવા બતાવવા જવું છે ને?જા બેટા જઇ આવ."

"મંદાર,બાને પજવતો નહીં,ઘમાલ ના કરીશ,હું હમણાં આવું છું હોં!"કહીને લવના ડૉક્ટરની કૅબીન તરફ જવા રુમની બહાર નીકળી.રેવાબાને ઉધરસ ચઢતાં,એમણે ઑક્સિજનનું માસ્ક ફરીથી મોં ઉપર લગાવ્યું,બસ થઇ રહ્યું,પછી તો ગજબ થઇ ગયું,રેવાબા ઉધરસ ખાઇને બેવડ વળી ગયાં,શ્વાસની તકલીફ અનેક ઘણી વધી ગઇ,પણ રુમમાં સાવ એકલાં,અશક્ત રેવાબા લાચાર હતાં.મીકીમાઉસનું મહોરું સમજી,મંદબુધ્ધિ એવા મંદારે,રેવાબા પાસેથી,ઑક્સિજનનું માસ્ક આંચકી લીધું હતું.મંદારને એમ લાગ્યું,જાણે બાએ એનું મીકીમાઉસનું મહોરું છીનવી લીધું.રેવાબાથી બોલાતું પણ ન હતું.પોતાની જીદ પુરી થતાં રાજીપા સાથે,ઑક્સિજન માસ્કને મોં ઉપર લગાવી,રુમના એક ખૂણામાં રમતો મંદાર,રેવાબાને પહેલાં ઝાંખો ઝાંખો દેખાયો અને પછી સાવ દેખાતો બંધ થઇ ગયો.રેવાબા બેભાન થઇ ગયાં.

એતો રેવાબાની આવરદા હજુ લાંબી હશે તેથીજ લવના સમયસર આવી જતાં,દોડીને સિસ્ટરને બોલાવી લાવી,ડૉક્ટર પણ દોડી આવ્યા.રેવાબાને તરત બીજું ઑક્સિજન માસ્ક લગાવી સારવાર શરુ કરી ત્યારે છેક બે કલાક પછી તે ભાનમાં આવ્યાં.પ્રાજક્તનો ઠપકો મળવાના ડરથી,લવના ગભરાઇ ગઇ હતી તેને દીપા ઓજસે સંભાળી લીધી.મીકીમાઉસનું મહોરું અપાવવાના બહાને સમજાવીને મંદારને પ્રાકેત ઝાંપા બહાર લઇ ગયો.

મંદારને સાજો કરવા કરેલાં,દેવદેવી,મંદિર,પૂજનઅર્ચન,દોરાધાગા,બાધાઆખડી,સઘળાં આજે,મંદારને બદલે રેવાબાને ફળ્યાં હતાં.રેવાબા,પ્રાકેત,લવના,દીપા,ઓજસ બધાંય,હજુ આજે પણ,મંદાર નામનું કાચું રહી ગયેલું ફળ પકવવા તનતોડ મહેનત કરે છે.આવો જીવલેણ બનાવ બનવા છતાં,રેવાબાને મંદાર એટલોજ વહાલો છે.

રેવાબા મન મનાવે છેકે,ભગવાન,જિંદગીમાં,દરેક જણને,માંગેલું બધું કાયમ નથી આપતો.આ બાબતે આપનું શું માનવુંછે?

માર્કંડ દવે.અમદાવાદ.તાઃ૨૩-૦૭-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.