Friday, August 27, 2010

પૂર્વજન્મ -"राज़ पिछले जनम का" Former Birth - Reincarnation.

પૂર્વજન્મ -"राज़ पिछले जनम का" Former Birth - Reincarnation.

पुनरपि जननं पुनरपि मरणं,पुनरपि जननी जठरे शयनम् |
ईह    संसारे     बहुदुस्तारे,       कृपयापारे     पाहि        मुरारे ||
भज गोविंदम्,     भज गोविंदम्,   भज गोविंदम्,       मूढ़मते |   (२१)


( રચયિતા-પરમપૂજ્ય જગદગુરુ શ્રી આદિ શંકરાચાર્યજી )

============

જાણવા જેવું,

નામઃ Dr. Newton

અભ્યાસઃ  * M.B.B.S., M.D.(  Kurnool Medical College, Kurnool -૧૯૯૪)  * પોસ્ટ ગ્રેજ્યુએશન (Nizam's Institute of Medical Sciences, Hyderabad- 2000)

સિધ્ધિઃ   * મૅડીટેશન દ્વારા, 'Out of body journey's' અને  'Past-life visions' ના સાધક.પથદર્શક ગુરુઃ  તત્વજ્ઞાની, બ્રહ્મર્ષિ પૂ.શ્રીસુભાષ પાત્રી સાથે મુલાકાત- ૧૯૯૦   ( http://www.pssmovement.org/pss/Movement/Brahmarshi_patriji.html  )   .

* હૈદરાબાદ ખાતે, `Pyramid Past Life Therapy Clinic`ની સ્થાપના.

* અત્યાર સુધી આશરે ૮૦૦૦, જેટલી વ્યક્તિઓને, પૂનર્જન્મ જ્ઞાન અંગેની સઘન સારવાર.

============

નામઃ-ડૉક્ટર તૃપ્તી જૈન.( તાલિમ ગુરુ- Dr. Newton.)

સ્થળઃ-મુંબઈ

વ્યવસાયઃ-ક્લિનિકલ સાયકૉલોજીસ્ટ.

કાર્યસ્થળઃ-

* જાણીતી સંસ્થા `સેતુ - SETU ` સાથે કાર્ય કર્યુ.

* .ક્લિનિકલ સાયકૉલોજીસ્ટ તરીકે,૧૯૮૨માં સ્પાસ્ટિક સૉસાયટી ઑફ ઈંડિયા સાથે જોડાયા.

* .મુંબઈની અલગ અલગ સ્કૂલ્સમાં,રિહેબીલિટેશન અને ટ્રેઈનીગ આપવાનું કાર્ય કર્યું.

* .વર્ષોના અનુભવ બાદ,લઘુતાગ્રંથી અને આત્મવિશ્વાસના અભાવથી પીડાતા બાળકોથી લઈને વયસ્ક સુધીના,તમામની આંતરિક શક્તિને જગાડવાના કાર્ય માટે,પોતાની પ્રાઈવેટ પ્રેક્ટિસ શરુ કરી.

* . પોતાના અનુભવના આધારે, ડૉક્ટર તૃપ્તી જૈન એ, ` Attention Deficit Disorder (ADD) and Attention Deficit Hyperactivity Disorder (ADHD)` ની ઉપચારપધ્ધ્તિઓ ઉપર ઘણું કાર્ય કર્યું.

*. હાલમાં ડૉ.તૃપ્તી જૈન, NDTV Imagine ના રિયાલિટી શૉ "રાઝ પિછલે જનમકા" માં,` Reincarnation therapist`,તરીકે કાર્ય કરે છે.

============

પ્રિય મિત્રો,

ગત ડિસેમ્બર - ૨૦૦૯માં, NDTV Imagine પર રિયાલિટી શૉ "રાઝ પિછલે જનમકા - સિઝન - ૧" ઓન ઍર થયો હતો, જે અત્યંત ચર્ચાસ્પદ-વિવાદાસ્પદ થયો હતો.

આ શૉનો છેલ્લો ઍપિસોડ તા;  જાન્યુઆરી ૨૦૧૦ માં રજુ થયા  બાદ, ફરીથી, નવેસરથી, આ કાર્યક્રમમાં, સહભાગી થવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઓની, લગભગ ૧૦ લાખ ઈંન્કવાયરીઝ આવવાને કારણે સિઝન -૨ ,રજુ  કરવાનો, નિર્ણય લેવામાં આવ્યો , તેમ ચેનલનાં સૂત્ર જણાવે છે.

જોકે, આ  વિવાદાસ્પદ કાર્યક્રમ સિઝન -૨,  `IPL` ની લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટસ ને કારણે, પાછળ ધકેલાયો હતો, તે  ફરીથી સિઝન-૨ લઈને, ઑક્ટોબર માસના, પ્રથમ સપ્તાહથી ઑન ઍર થવા જઈ રહ્યો છે.

જોકે, આ કાર્યક્રમની સામાજીક  અસર નોંધવા જેવી છે..!!

એકવાર, એક સહકારી બેંકમાં,  બેંક મેનેજરસાહેબની કૅબીનમાં, હું  કામ અંગે, બેઠો હતો. પટાવાળાભાઈ પાણી લઈને આપવા આવ્યા. અચાનક મેનેજર સાહેબને, પાણીનો ગ્લાસ આપતાં, પટાવાળાભાઈના હાથમાંથી, ગ્લાસ છટકી ગયો.

મેનેજરસાહેબને, મેં આપેલા, અગત્યના બધાજ  કાગળ તથા તેમના કપડાં, પાણી-પાણી થઈ ગયાં.

મેનેજરસાહેબ ગુસ્સામાં તાડૂક્યા," ધ્યાન રાખો હોય તો, દેખાતું નથી..!! ગયા જનમમાં, ગધેડો  હોઈશ..ગધેડો...!!"

આ સાંભળીને, મેનેજરસાહેબના રોજના કકળાટથી, કંટાળેલા પટાવાળાભાઈએ, હળવેથી જવાબ આપ્યો," સાહેબ, દરેક જનમમાં, તમારા રાખ્યા, અમે કામે રહ્યા છે..!!"

પોતાનાં ભીનાં થયેલા, પેન્ટ-શર્ટની ચિંતામાં, મેનેજરસાહેબ, પડ્યા હતા, તેથી તેમને, પેલા પટાવાળાભાઈના ઉત્તરનો, મર્મ કદાચ નહીં સમજાયો હોય?

પણ,પટાવાળાભાઈએ, પોતાને `ગધેડો` કહેનાર, તુંડમિજાજી મેનેજરને, હળવેથી, સારી ભાષામાં `કુંભાર` ગણાવ્યા, તે જોઈને, મારા ચહેરા પર, આછેરું સ્મિત ઉપસી આવ્યું..!!

તે જોઈ,  ` સાહેબ સાથે, કેવો બદલો લીધો?`, તેમ દર્શાવતી, સૂચક દ્રષ્ટિ, મારી સામે કરતા,પેલા, પટાવાળાભાઈ,  કૅબીનની બહાર ચાલતા થયા.

મને ઘણીવાર વિચાર આવેછેકે, પાછલા જન્મ વિષે જાણકારી મેળવવાની લોકોને, આટલી  બધી જિજ્ઞાસા શામાટે થતી હશે?  શું આ જન્મની ઉપાધિઓ, તેમને ઓછી પડતી હશે?

જોકે, NDTV Imagine ના સિઝન-૨ ના, આ  કાર્યક્રમ માટે માત્ર ૨૫ દિવસમાં, લગભગ ૮૦૦૦ કૉલ્સ ઈન્ક્વાયરી આવતાં, ભારતના લોકોને, આ  બાબતે કેટલી બધી જિજ્ઞાસા હોવાનું પ્રમાણ મળે છે..!!

NDTV Imagine`, `રાઝ પિછલે જનમકા સિઝન-૧ - ૨`,કાર્યક્રમના `ક્રિએટીવ કન્ટેન્ટ હેડ`, સુશ્રી શૈલજા કજરીવાલ  છે.

હૈદરાબાદના, , " Dr. Newton, M.B.B.S., M.D., Past-life Regression Therapist ", પાસે તાલિમ લઈને, હવે  સ્વતંત્ર  પ્રેક્ટીસ  કરતાં, સુપ્રસિદ્ધ ડૉ. તૃપ્તિ જૈન,  પાછલા જનમના રહસ્યની, પરાગતિ કરાવવામાં નિષ્ણાત  થેરાપિસ્ટ તરીકે તથા કાર્યક્રમના એન્કર તરીકે, અભિનેતા રવિ કિશન, અગાઉની સિઝન-૧, ની માફક સિઝન -૨ માં પણ, સેવાઓ આપશે.

`રાઝ પિછલે જનમકા સિઝન-૨` માં, ભાગ લેવા માટે, કેટલાક જાણીતા, સફળ સ્પોર્ટસ પર્સન્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. અધિકારીક, સૂત્રોના જણાવ્યા અનુસાર, " સિઝન-૧ કરતાં પણ સિઝન-૨ વધારે રસપ્રદ બનશે."

જોકે, `રાઝ પિછલે જનમકા સિઝન-૨` નું, ફૉરમેટ યથાવત રાખવામાં આવ્યું છે. આ સિઝનમાં,  પેશન્ટ તરીકે, આમ  જનતા ખાસ જોવા નહીં મળે. આનું  કારણ  જગજાહેર  છે. ચેનલ્સ-ચેનલ્સ વચ્ચે, એકમાત્ર,  `TRP` ની  હોડ...!!

RPJK સિઝન -૨ 2010 માં ભાગ લેવા માટે યોગ્યતાઃ

* વય ૧૮ વર્ષથી ઉપર હોવી જરૂરી.

* કાર્યક્રમમાં, સહભાગી થનાર વ્યક્તિ, કાયદાકીય રીતે માન્ય હોવી જોઈએ.

* કાર્યક્રમમાં, સહભાગી થનાર વ્યક્તિ પાસે, નાગરિકત્વ, ઉંમર અને ઓળખનાં પ્રમાણ હોવાં જોઈએ.

* કાર્યક્રમમાં, સહભાગી થનાર વ્યક્તિ, તનમનથી મૅડીકલી ફીટ હોવી જોઈએ.

રાઝ પિછલે જનમકા સિઝન-૧ માં, કેટલીક સૅલિબ્રિટીના પૂર્વજન્મમાં બનેલા, કેટલાક નોંધપાત્ર પ્રસંગોઃ-

* આ સારવાર દરમિયાન, શેખર સુમન, તેમના પૂર્વજન્મના, મૃત દીકરાને મળ્યા.
 
* સેલિના જેટલી, વર્લ્ડ વૉર-૨ માં, એક સૈનિક તરીકે યુદ્ધમાં, બહાદુરીપૂર્વક લડતાં, મરણને શરણ થઈ, તે જ્ઞાત થયું.
  
* મૉનિકા બેદી, તેનાં ત્રણ બાળકો ધરાવતી એક પોર્ટુગીઝ લૅડી હતી,જેની નજર સમક્ષ, કાર અકસ્માતમાં, તેના પતિનું મૃત્યુ થયું હતું.

* રાજપીપળાના યુવરાજ, માનવેન્દ્રસિંઘ, પૂર્વજન્મમાં, એક ગરીબ ખેડૂત હતા.જેમના દીકરાનું અકાળે મૃત્યુ થતાં તેમની પત્નીને લાગેલા, આઘાતને કારણે, તેમનું લગ્નજીવન, દુઃખમય વીત્યું હતું.
  
* સંભાવના શેઠ, એક મુસ્લિમ યુવતી હતી, જે પોતાના કાકા દ્વારા અત્યંત સતામણી બાદ મૃત્યુ પામી હતી.

* આ શૉના હૉસ્ટ, રવિ કિશન, પૂર્વ જન્મમાં, સન ૧૮૯૦માં, મનાલી ખાતે, એક નાગા સાધુ હતા અને મોક્ષગતિ મેળવવા પ્રયત્ન કરતા હતા.

 સન-૧૯૯૭ માં અમેરિકન લેખક,લેક્ચરર,ઉપચારક, `Carol Bowman`, M.S., ( Born 14 October 1950 ) દ્વારા લખાયેલ, `Children`s Past Lives (1997)` અને `Return from Heaven ( 2001)`માં પ્રથમવાર પૂનર્જન્મના ખ્યાલ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

* આપને ઉંચાઈથી ડર લાગે છે?

* આપણને ભ્રમણા થાયકે,`પ્રથમવાર મળ્યા છતાં, હું આ વ્યક્તિને અગાઉ મળી ચૂક્યો છું?`

* આપને કોઈ સ્થળની પ્રથમ, મુલાકાત લેતાં એમ ભાસ થાય છેકે, તમો આ સ્થળ પર અગાઉ આવી ચૂક્યા છો?

* આપને એકની એક વિગત દર્શાવતા સ્વપ્ન વારંવાર આવે છે?

* આપ ખરી મુસીબતમાં હોવ ત્યારે, કોઈ સાવ અજાણ્યા માણસ કે અણધાર્યા સંજોગો, તમને સંકટમાંથી ઉગારે, તેમ બન્યું છે?

* જો, આપણે નાનપણમાં અગ્નિથી દાઝ્યા હોઈએ, તો ભૂતકાળનો તે અનુભવ, વિસરાઈ ગયો હોવા છતાં, આપણને અગ્નિનો અજ્ઞાત ભય, સતત સતાવે છે?

* આપને ક્યારેય એવી લાગણી થાય છેકે, આ બનાવકે, પ્રસંગ અગાઉ અનુભવમાં આવી ગયેલો છે?  અંગ્રેજીમાં આવી લાગણી માટે,`Deja vu - ડેઝાવ્યૂ`, શબ્દ છે.

* ક્યારેક, કોઈ  કાર્ય આપણે અગાઉ ક્યારેય ન કર્યું હોવા છતાં, આપણે તે કાર્ય કરવામાં નિષ્ફળ ગયા થયા હોવાની લાગણી અનુભવાય અને કોઈ અજ્ઞાત અનુભવ  આપણને, કોઈ  નવું  કાર્ય આરંભ ન  કરવા ચેતવે?

NDTV Imagine ના રિયાલિટી શૉ "રાઝ પિછલે જનમકા" ના મૂળ કોન્સેપ્ટ પ્રમાણે,અલગ - અલગ ક્ષેત્રની સેલિબ્રિટીઝ તથા સામાન્ય માનવીને પીડતા કાયમી ફૉબિયા-અજ્ઞાત ડરને, પ્રથમ ધ્યાનમાં લઈને,તેમને પાછલા જન્મની બનેલી ઘટનાઓમાં,સફર કરાવાય છે.

તે માટે,એક્પર્ટ થેરાપિસ્ટ ડૉ.જૈન દ્વારા,અપનાવાયેલી પદ્ધતિ અનુસાર,ફૉબિયાના દર્દીને,સૌ પ્રથમ,ધીરે ધીરે માનસિક તાણ ઘટાડી,પૂર્ણ આરામની સ્થિતિમાં લઈ જવામાં આવે છે.બાદમાં ગાણિતીક સંખ્યા આધારિત ધ્યાન પદ્ધતિ દ્વારા,પૂર્વજન્મમાં બનેલી ઘટનાઓના આધારે,વર્તમાન જીવનમાં હેરાન કરતા ફૉબીયાનું કારણ શોધવામાં આવે છે.રિયાલિટી શૉ ના દર્શકોની સરળતાને કારણે,પૂર્વજન્મની તમામ ઘટનાઓનું,નાટ્યરુપાંતર કરી દ્રશ્યશ્રાવ્ય રુપે,રજૂ કરાય છે.છેલ્લે ફૉબીયાના દર્દીને થયેલા અનુભવની ચર્ચા કરવામાં આવે છે.

યુનિવર્સિટી ઑફ વર્જિનીયા,અમેરિકાના પ્રોફેસર,`ઈયાન સ્ટીવન્સન` નું સશોધન કહેછેકે, "પૂર્વજન્મની માન્યતા અંગે કોઈ પણ ખાત્રીપૂર્વક દાવો કરી શકે નહીં,એવા કોઈ પુરાવા નથી,જે તે થીયરીને સાબિત કરી શકે.પરંતુ એટલા પુરાવા જરુર છે,જેથી પૂર્વજન્મની માન્યતાને નકારનારાને પડકારી શકાય." તેઓએ જીવનની અંતિમ `માઈક્રો ક્ષણોના` અનુભવનું પણ બારીક અધ્યયન કરેલું છે.

રાઝ  પિછલે જનમકા સિઝન-૧ કરતાં, સિઝન-૨ માં, બોલીવુડમાંથી, હાલના અભિનેતા-અભિનેત્રી જેવાકે, સુસ્મિતાસેન, પ્રિટી ઝીન્ટા, ક્રિકેટર હરભજનસિંઘ, કૉમેડીયન રાજુ શ્રીવાસ્તવ ઉપરાંત, સંજય દત્ત, ઓમ પુરી, રાહુલ રૉય,  રાહુલ દેવ, શ્રદ્ધા નિગમ (ચૂડિયાઁ અને ક્રિશ્ના અર્જુન સિરિલ્સની અભિનેત્રી), જુહી બબ્બર ( અભિનેતા રાજ બબ્બરની દીકરી તથા `કાશ આપ હમારે હોતે, - સોનુ નિગમ` ની હિરોઈન.) તથા અનુભવી અને પીઢતા ધરાવતા વિતેલા જમાનાના, સુપરસ્ટાર મનોજકુમાર, રાજેશ ખન્ના, જેવી બોલિવુડની સેલિબ્રિટીઝ, પણ સામેલ હશે? તેમ મનાય છે.

આ લોકપ્રિય કાર્યક્રમ સિઝન -૨ માં, રાહુલ મહાજન, કરિશ્માકપૂર, નિલિમા અઝીમ ( પંકજકપૂરની પત્ની અને  શાહિદકપૂરની  મમ્મી ) તથા બીજી કેટલીક સેલિબ્રિટીઝના, રસપ્રદ ઍપિસોડ, જે સિઝન-૧ સમયે શૂટ કરીને, સિઝન-૨ માટે રિઝર્વ રખાયા હતા, તે ઉપરાંત, નવા ૨૦ ઍપિસોડ મળીને,  કુલ - ૩૦ ઍપિસોડ, રજુ કરાશે. જે સોમવાર થી શુક્રવાર દરમિયાન, દરરોજ રાત્રે - ૯.૩૦ કલાકે પ્રસારિત થશે.

આમતો, આ કાર્યક્રમ માટે, વિતેલા જમાનાની કામણગારી અભિનેત્રી રેખાનો પણ, સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, પોતાની રીતે જ, જિંદગીને માણવા ટેવાયેલી, સમજદાર રેખાએ,  પોતાના જીવન વિષે, જાહેરમાં કોઈ નવો વધારે વિવાદ કે ગૉસિપ ન ચગે તે માટે, વિવેકપૂર્વક ઑફર નકારી હતી.

જોકે, એક સામાન્ય માનવીના મનમાં ઉઠતી જીજ્ઞાસાની માફક જ, પાછલા જન્મ  વિષે જાણકારી મેળવવાની ઈતેંજારીને કારણે,  ચુલબુલી  રેખાએ,  ડૉ. તૃપ્તિ  જૈન પાસે, ખાનગી, પ્રાયવેટ, સેસન કરાવ્યું હોય તો, નવાઈ નહીં..!!

આ  કાર્યક્રમના એન્કર તરીકે, અભિનેતા રવિ કિશનને, કોઈ ખાસ સેલિબ્રિટીના,પાછલા જનમ અંગે ગૂઢ  રહસ્ય જાણવાનું હોય તો તેઓ કોને પસંદ કરે? તેમ સવાલ કરતાં, તેઓએ, બેધડક જણાવ્યુંકે,

" કોંગ્રેસ અને યુ.પી.એ. ગવર્નમેન્ટના સર્વેસર્વા, શ્રીમતી સોનિયા ગાંધી. તે એટલા માટેકે,  પૂર્વજન્મમાં, સૉનિયા ગાંધી, ચોક્કસ ભારતીય હોવા જોઈએ, તેથીજ, તેઓ અન્ય દેશમાંથી, ભારતમાં વસવાટ કરીને, આ જન્મે, આપણા દેશની એક શક્તિશાળી પર્સનાલિટી બની શક્યાં છે, તેમ હું માનું છું. "

રવિએ ઉમેર્યું," બીજા છે,  સ્ટાર ઓફ ધ મિલેનિયમ, શ્રી અમિતાભ બચ્ચનજી.  તે એટલા માટેકે, શ્રીબચ્ચનસાહેબ, આજે, લગભગ ૬૮ વર્ષની, ઢળતી વયે પણ, `પા` ફીલ્મ જેવો, ચેલેન્જીંગભર્યો રૉલ, અત્યંત પ્રવીણતાથી નિભાવી શકે છે, તે ધ્યાને લેતાં, તેમની આ  મહાન અભિનય ક્ષમતા પાછળ, કેવળ આ જન્મનો જ નહીં પૂર્વજન્મના સંસ્કારનો પણ  ફાળો હોવો જોઈએ...!!"

જોકે , રિયાલિટી શૉ "રાઝ પિછલે જનમકા" , માં દર્શાવાયેલી પૂર્વજન્મની વિભાવના નવી નથી.

યુગો પહેલાં,લખાયેલા,આપણા શાસ્ત્રપુરાણ,વેદ અને રામાયણ અને મહાભારત તથા જૈન ધર્મના, મહાગ્રંથોમાં,આવાં અનેક પાત્રો સાથે આ પ્રકારના પૂર્વજન્મ,પુનર્જન્મના કિસ્સા બન્યા હોવાનો ઉલ્લેખ છે.

* ગંગાસંહિતા અને બ્રહ્માવૈવાર્ત પુરાણમાં દર્શાવ્યા પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણને મારવા આવેલ રાક્ષસી `પુતના`, પૂર્વજન્મમાં રાક્ષસ રાજ બાલીની, રત્નમાલા નામની દીકરી હતી. ભગવાન શ્રીકૃષ્ણના, વામન અવતારમાં, વામનજીને જોઈને,રત્નમાલાને વામનજી પ્રત્યે દીકરા જેવો ભાવ થયો તથા તેમને સ્તનપાન કરાવવાની ઈચ્છા કરી,જેને ભગવાને,આવનાર કૃષ્ણાવતારમાં પૂર્ણ કરવાનું વચન આપ્યું, એટલુંજ નહીં તેનો રાક્ષસ યોનીમાંથી, ઉદ્ધાર (મોક્ષ) પણ કર્યો.

* આચાર્ય દ્રોણના કહેવાથી,પાંડવો દ્વારા દ્રુપદ રાજાને હરાવી, આચાર્ય દ્રોણે અર્ધું રાજ્ય પડાવી લેતાં,તેનો બદલો લેવા માટે,એક યજ્ઞનું આયોજન કર્યું, જેમાંથી, દ્રોપદી અને તેમનો ભાઈ ધૄષ્ટદ્રુમ્ન પ્રગટ થયાં. તે સમયે દ્રોપદીની ત્વચા કાળી હોવાથી,તે `કૃષ્ણા`(અંધકાર) પણ કહેવાયાં.દ્રોપદી ત્યારબાદ પાંડવોને વરીને,આચાર્ય દ્રોણને મહાભારતના યુધ્ધમાં પરાજીત કરી,હણીને છેવટે પિતાનો બદલો લીધો.

* પાંચાલ નરેશ દ્રુપદને,દ્રુપદે કરેલા વચનભંગ બદલ,બદલો લેવા,ગુરુ દ્રોણના આદેશથી અર્જુને,હરાવી દીધા. રાજા દ્રુપદ,કુંવરી `અંબા`ના પિતા હતા, ત્યારબાદ પૂનર્જન્મમાં, કુંવરી `અંબા`,`શીખંડી` કહેવાયાં.મહાભારતના યુદ્ધમાં `શીખંડી` એ દ્રોણના મૃત્યુનું કારણ બની બદલો લીધો.

* સતી પાર્વતીમાતા,હિમાલય પુત્રી હતાં, પતિ શિવજીનું અપમાન સહન ના થવાથી,યજ્ઞવેદીમાં કુદી પડી, ફરીથી જન્મ લઈને, ભગવાન શિવજીનેજ પતિ તરીકે,પામવા માટે,ઘોર તપ કર્યું.

યુનિવર્સિટી ઓફ વર્જિનીયાના,ચાઈલ્ડ એન્ડ ફૅમીલી સાયકિયાટ્રીક ક્લિનિકના ડાયરેક્ટર ડૉ..`Jim Tucker` M.D એ પોતાના પૂર્વજીવનની યાદ અંગે સંશોધન કરીને `Life Before Life`,નામનું પુસ્તક લખ્યું છે,જેમાં તેઓએ આશરે ચાલીસ વર્ષના ગહન સંશોઘનનો સમાવેશ કર્યો છે.

એમ કહેવાય છેકે,પૂર્વજન્મમાં ઘટેલી ઘટનાઓ,બાળકને લગભગ ત્રણ વર્ષ સુધી યાદ રહે છે.શ્રીકિરિટ રાવતની અધ્યક્ષતામાં, "International Center for Survival and Reincarnation Researches, India",એ આ અંગે ઘણું રિસર્ચ કર્યું છે.

આપણી ન્યુઝ ચેનલ્સ માટે પણ,આ વિષય સર્વદા `હૉટ ટૉપિક` રહ્યો છે,આપને યાદ હશેકે, થોડા સમય અગાઉ, ટીવી ન્યુઝમાં,અમેરિકન છાંટવાળું,અંગ્રેજી બોલનારા એક , સ્કૂલના વિદ્યાર્થીના ઈન્ટરવ્યુ આવ્યા હતા,ત્યારે પૂર્વજન્મ અંગે ઘણી વિસ્તારપૂર્વક ચર્ચાઓ,દિવસો સુધી થઈ હતી.

આપણા ફિલ્મ ઉદ્યોગે પણ,આપણે કંટાળી જઈએ,તેટલી સંખ્યામાં ફિલ્મો બનાવી,આ વિષયને, વટાવીને રોકડી કરવામાં પાછી પાની કરી નથી.જોકે,આજ વિષય ઉપર, પૂનર્જન્મ વિશે ઘણી સારી ગણાય તેવી, ફિલ્મો પણ બની છે.જેમાં અશોકકુમારની `મહલ`, રાજકુમારની ફિલ્મ` નીલકમલ `, ઋષિકપૂરની `કર્ઝ`,(જેના ઉપરથી હિમેશ રેશમિયાએ એજ નામની ફ્લોપ ફિલ્મ બનાવી હતી) વિગેરે નોંધપાત્ર છે.

સમગ્ર વિશ્વમાં,જૂદા જૂદા પ્રદેશ વિસ્તારમાં, પૂનર્જન્મના આજ વિષય ઉપર રમૂજ, કટાક્ષ, કહેવતો તથા લોકકથાઓ વર્ષોથી દાદા-દાદી,પોતાના સંતાનો અને પૌત્ર-પૌત્રીઓને કહેતા આવ્યા છે.કદાચ આપે પણ બાળપણમાં આવી કથાઓ સાંભળી હશે.

NDTV Imagine ના રિયાલિટી શૉ "રાઝ પિછલે જનમકા"ના કૉન્સેપ્ટને માનવો,ના માનવો દરેકની મરજી ઉપર આધાર રાખે છે.

કેટલાકના મતે આવા શૉ, સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવવાનું કાર્ય કરે છે?  જે  યોગ્ય  નથી. તેથીજ `ભારત જ્ઞાન-વિજ્ઞાન ગાથા` જેવી કેટલીક સ્વૈચ્છિક સામાજીક સંસ્થાઓ દ્વારા, પંજાબ અને હરિયાણાની નામદાર હાઈકૉર્ટમાં, પિટિશન ફાઈલ  કરી છે જે, હજુ અનિર્ણિત છે.

સત્ય એ છેકે , NDTV Imagine ના રિયાલિટી શૉ "રાઝ પિછલે જનમકા",માં જેટલી સરળતાથી ફૉબીયાના દર્દીઓને પૂર્વજન્મની સફરમાં લઈ જવામાં આવે છે,તે સામાન્ય બુધ્ધિ ધરાવતી વ્યક્તિ માટે પણ ગળે ઉતારવું મૂશ્કેલ છે.

આ રિયાલિટી શૉને રસપ્રદ બનાવતા,દ્રશ્ય-શ્રાવ્ય, નાટ્યરુપાંતર, શૉના હોસ્ટ, અભિનેતા રવિ કિશનનો ભેદભરમ ઉભો કરતો અભિનય અને તેવુંજ વાતાવરણ ઉભું કરતુ પાર્શ્વસંગીત, વિગેરે પણ શંકામાં ખરેખર વધારો કરે છે..!!

વળી આવા શૉને કારણે,તેમાં ઉલ્લેખ કરાતા,પૂર્વજન્મના સગાં એવાં,હાલમાં હયાત પરિવારોને માટે, `વાંદરાના રુઝાવા આવેલા, ઘાને ખંજવાળીને લોહી કાઢવા જેવી,` દુઃખદ બાબત સાબિત થઈ શકે છે.

જો,ખરેખર આટલી સરળ પ્રક્રિયાથી, પૂર્વજન્મ અંગે જ્ઞાત થવાય તો, તે જોઈને, આ જન્મે મારા લમણે લખાયેલા ગદ્ધાવૈતરાથી કંટાળીને, મને પણ આ સારવાર કરાવવાની ઈચ્છા જાગી હતી.

પરંતુ, કદાચ, હૉસ્ટ શ્રીરવિ કિશનભાઈ અને હું પૂર્વજન્મમાં, સગા ભાઈ-ભાઈ હોઈએ અને , મારી સારવાર કરનાર સુશ્રી તૃપ્તીબહેન, અમારા બંનેના માલિક, હોવાના રુઈએ, અમો બે ભાઈઓને ડફણાં મારીને, માટી વેંઢારવાનું ગદ્ધાવૈતરૂં  કરાવતા હોય, તેવું રહ્સ્યોદઘાટન થાય તો?

બસ, આજ ડરથી મેં ભાગ લેવાનું માંડી વાળ્યું. સાલું..!!  મારા કારણે કોઈને ભોંઠપ અનુભવવી પડે તે, મને તો  જરાય ન  ગમે..હા..આ..!!

આમેય, આપણા વડીલો  કાયમ, ભૂતકાળને પાછળ છોડીને, જીવવાની સલાહ આપતા હોય છે, જે ફિલસુફી ઘણાખરા અંશે બિલકુલ વ્યાજબી છે.

ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં એટલેજ કહ્યું છે,

" અહં બ્રમ્હાસ્મિ॥" ( હું જ બ્રહ્મ છું, હું શરીર નથી, હું નિરંજન, નિરાકાર,અજર,અમર આત્મા છું.)

જેને, " નૈંનં છિંન્દન્તી શસ્ત્રાણી,નૈનં દહતિ પાવકઃ।" ( આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી.)

તો પછી, જવા દો ને ..!! રિયાલિટીનાં નામે, આપણને છેતરતાં, ટીવીનાં આવા બધાં ગતકડાંને..!!

મનોરંજન સમજીને સહન કરે રાખો,ભાઈલા, સમજો જરા..!!

રિમોટ કોના હાથમાં હોય છે ?

બસ દબાવતા રહો,ચેનલ બદલતા રહો. બીજું શું...!!!

માર્કંડ દવે.તાઃ ૨૭ ઑગસ્ટ ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.