Wednesday, February 3, 2010

એ તો હું, પ્રણવ..!!

એ તો હું, પ્રણવ..!!

"હાશ થઈ ને પ્રેમ નું, પરિણામ હું પામી ગયો,
અઠે થઈ દ્વારિકા, તુજ ઉરમાં હું જામી ગયો."

===========

આણંદ પહોંચીને, રિક્ષા ભાડે કરી,સરનામાનો કાગળ, હાથમાં રાખીને,સ્થળ આવતાંજ,રિક્ષામાંથી ઉતરીને,પૈસા ચૂકવી, હું ધીરેથી આગળ વધ્યો,
તો મને થોડો ખચકાટ થયો. સામે દેખાતા આ સુંદર બંગલામાં, સફેદ વસ્ત્રધારી સ્ત્રી-પુરૂષોની અવરજવર થઈ રહી હતી.બંગલાની બહાર, નાના સરખા ગાર્ડનમાં એક મંડપ જેવું બાંધેલું હતું, તેમાં કોઈનો ફૉટો મૂકીને, બેસણાની વિધિ ચાલી રહી હોય તેમ મને લાગ્યું.

મને લાગ્યું, કોઈ ગુજરી ગયું લાગે છે..!! છતાંય,એક ક્ષણ રોકાઈ, હવે અહીં સુધી આવીને, પાછા વળવું ઠીક નહીં, એમ વિચારીને હું તે બંગલા તરફ આગળ વધ્યો.

"પ્રણવ દાદા અહીં રહે છે ?" એક સુંદર બંગલાના પ્રાંગણમાં ઉભા રહીને, બહાર ઉભેલાં, સફેદ વસ્ત્રધારી, એક બહેનને મેં સવાલ કર્યો.
હું જાણે બીજા કોઈ ગ્રહમાંથી આવેલો હોઉં તેમ, મારી સામે એકધારું જોઈ રહીને, એ બહેને સામે સવાલ કર્યો, "ક્યાંથી આવો છો?"

"બહેન, હું અમદાવાદથી આવું છું, જો પ્રણવભાઈ હોય તો મારે મળવું છે." મેં અત્યંત નમ્રતાપૂર્વક જવાબ આપ્યો.મને થયું, બેસણા જેવા પ્રસંગે,આટલી ભીડમાં, હું એકલોજ રંગીન કપડાં પહેરીને પહોંચ્યો હતો, કદાચ તેથીજ, તે બહેને મને ધારી-ધારીને જોયો હશે.

"મારી સાથે આવો ",તે બહેન મને, ભીડભાડથી ભરેલા, બેઠકરૂમ તરફ દોરી ગયાં.

મને થયું," અંદર આવીને મેં ઠીક નથી કર્યું .આજે મારે પાછા વળી જવાની જરૂર હતી. પણ છેક અમદાવાદથી આણંદ સુધી, પ્રણવદાદાને મળવા આવ્યો હતોને,પાછો વળી જાત,તો કદાચ મને તેનો રંજ થયા કરત..!! કાંઈ વાંધો નહીં, એ બહાને આ કુટુંબમાં, કોઈ દુઃખદ બનાવ બન્યો હશે તો,તેમના દુઃખમાં સહભાગી થવાશે..!!" મેં મન મનાવ્યું.

પેલાં બહેન, અંદરના રૂમમાંથી,પાણીનો ગ્લાસ લઈને, પાછા ફર્યાં.મેં વિવેકપૂર્વક ના પાડી તો,મારી સામેના સોફા પર, ધબ દઈને બેસીને,મારા પૂછ્યા વગરજ, તેમણે મને માહિતી આપી," અમારાં સંધ્યાબા ગુજરી ગયાં છે. આજે બારમાની વિધિ ચાલે છે, તેથી દાદા (પ્રણવ દાદા) બંગલાની પાછળ, વિધિમાં બેઠા છે.તમારે થોડી રાહ જોવી પડશે."

મેં બીજું કશું બોલ્યા વગર, માથું હલાવી સંમતિ આપી.તે બહેન પાછા અંદર ચાલ્યાં ગયાં.

આટલી બધી ચહલપહલ અને શોરબકોર વચ્ચે પણ, મનને એકાંત ખૂણે લઈ જઈને, હું પ્રણવદાદા અને સંધ્યાબાના પ્રસન્ન દાંપત્યના, ઊંડા વિચારે ચઢી ગયો.

આ કેવી રીતે થયું હશે ? હજુ ગયા મહિને જ, પ્રણવદાદા અને સંધ્યાબા મને અમદાવાદમાં મળ્યાં ત્યારે તો,બંને સાવ સાજાંનરવાં દેખાતાં હતાં.પછી આમ, અચાનક,આ ઉંમરે, આવી પ્રફુલ્લિત,જિંદાદિલ, માયાળુ જોડીને, ખંડીત કરીને, ઈશ્વરને શું મળ્યું હશે?

સંધ્યાબાના અવસાનના, સમાચાર સાંભળીને, મને બહુ દુઃખ થયું. અંદરના ઓરડામાંથી રહી-રહીને, કોઈના ડૂસકાં ભરવાનો,ધીમો અવાજ આવતો હતો.

હજુતો, ગયાજ મહિને, હું મારા એક સાહિત્યપ્રેમી મિત્રને ત્યાં, અનાયાસે મળવા જઈ ચડ્યો, ત્યારે તેમને ત્યાં મહેમાન આવેલા જોઈ, વધારે સમય ના લેતાં, થોડીવાર આડીઅવળી વાતચીત કરીને, મેં જવા માટે મિત્રની રજા માંગી,ત્યારે તેમણે, " ઉભા રહો, હું મહેમાનોની ઓળખાણ કરાવું." કહીને,બાજુના રૂમમાં બેઠેલા પ્રણવદાદા અને સંધ્યાબાને બહાર બોલાવી,સાહિત્ય-સંગીતપ્રેમી તરીકે મારી ઓળખાણ આપી.મેં તેમને નમસ્તે કર્યા.

પ્રણવદાદા આશરે ૭૫ની ઉંમરના હોય અને સંધ્યાબા ૭૦ નાં હોય તેમ મને લાગ્યું,તેઓ બંને ખૂબ વાંચન રસ ધરાવતાં હતાં,અને સંગીતમાં પણ એટલાજ ગુણીજન શ્રોતા લાગ્યા.

થોડીવાર વાતચીત કર્યા પછીતો,પ્રણવદાદા અને સંધ્યાબા જે ખીલ્યાં. મને થયું મેં જવાની ઉતાવળ કરી હોત તો ? આવી સાહિત્ય રસિક બેલડીની, સાક્ષાત ગંગામાં ડૂબકીનું પુન્ય ગુમાવ્યું હોત..!!

જુનાં નાટક,જુની ગુજરાતી ફિલ્મો અને સરસ્વતીચંદ્ર જેવી મહાનવલ હોય કે, જુની પ્રેમકથાઓ, જુનાં - નવાં નાટકોની તાત્વિક, બૌદ્ધિક ચર્ચાએ, હ્યદયમાં જાણે ગુલાબનો બગીચો લહેરાવી દીધો. આજના દિવસે મને શ્રોતા બનવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું હતું તેનો મેં સાચા શ્રોતા બનીને પુરેપુરો લાભ ઉઠાવ્યો.

તેમાંય જ્યારે જીગર અને અમીની કથા અને તે ફિલ્મના સુંદર ગીતની વાત નીકળી ,ત્યારે અમારા મિત્રના ખૂબ આગ્રહથી, સંધ્યાબા અને પ્રણવદાદાએ, ડ્યુયેટમાં ," સજન મારી પ્રીતડી, સદીઓ પુરાણી," ભાવવાહી કંઠે, એકદમ સ્વરમાં, ગાઈ સંભળાવ્યું, ત્યારે આ બેલડી,પોતેજ જાણે જીગર અને અમી હોય તેમ લાગ્યું.

હું જ્યારે ઘેર જવા માટે મિત્રને ત્યાંથી ઉઠ્યો, ત્યારે પ્રણવદાદા અને સંધ્યાબા સાથે કોઈ પૂર્વજમના ઋણાનુબંધથી હું જોડાઈ ચૂક્યો હતો અને તેઓ પણ.

મને આગ્રહ કરીને,પંદર દિવસ બાદ તેમના પૌત્રનો જન્મદિવસ હતો,તે પ્રસંગે,આણંદ તેમના બંગલે હાજર રહેવા, બંનેએ ખૂબ આગ્રહ કર્યો.મેં તેમના આગ્રહને માન આપવાનું વચન પણ આપ્યું,પણ સંજોગોવસાત હું તે શુભ પ્રસંગે,એ બાળકને આશિષ આપવા જઈ ના શક્યો,તેનો મને ખૂબ વસવસો થયો.

જોકે,બીજાજ દિવસે, મારા ઉપર પ્રણવદાદાએ મોકલાવેલું એક કવર આવ્યું. કવર જોઈને મને થોડી નવાઈ લાગી, મેં કવર ખોલ્યું તો ,તેમાં સંધ્યાબાએ, પ્રણયદાદાને, પોતે લખેલા, વરસો જુના, પ્રેમપત્રોનું બંડલ હતું. હું સાવ સુન્ન મન સાથે લાગણીશીલ થઈ ગયો.

અમારી પહેલીજ મુલાકાત, ત્રણ કલાકની, સળંગ સાહિત્ય ચર્ચા અને તેમાં હું " જુના પ્રેમપત્રો અંગે, એક લેખ લખવા વિચારું છું" તે વાક્ય , સંધ્યાબાએ ક્યારે મનમાં સંઘરી લીધું હશે ?

કદાચ,મારો પરિચય તેમને મન વસ્યો હોય, છતાંપણ, પોતાના પ્રેમપત્રો મને આપીને,
કોઈ તેમના અંગત જીવનમાં, મને ડોકિયું શા માટે કરવા દે?

જોકે, સંધ્યાબાએ મોકલાવેલા પત્રોથી, જુના પ્રેમપત્રો અંગે, લેખ લખવાનું, મારું કામ સરળ થઈ ગયું.

આ પ્રેમપત્રોનો ઉપયોગ, " OLD નશો - GOLD પ્રેમપત્રો",ના મથાળાથી લખેલા લેખ માટે કર્યા પછી, સારી રીતભાત વાળા માણસ તરીકે, સંધ્યાબાને આ પત્રોનું બંડલ, ટપાલમાં પરત કરવાને બદલે રૂબરૂ જ આપવા જવું જોઈએ તે,મારી જવાબદારી અને કર્તવ્ય પણ બનતું હતું.

છેવટે, આજે આણંદ જઈશ,કાલે જઈશ કરતાં-કરતાં એક માસ વીતી ગયો. આજે તો,બધું કામ પડતું મૂકીને, આણંદ આવ્યો, તો આજે સંધ્યાબા...???

" ભાઈ, પ્રણવદાદા તમને મળ્યા ?" અચાનક પેલાં બહેને ફરીથી આવીને મને સવાલ કર્યો. વિચારતંદ્રામાંથી બહાર આવી, મેં નકારમાં ડોકું હલાવ્યું.

"ભૂલી ગયા લાગે છે..!! બેસો, હું હમણાંજ બોલાવું. " અહીને તે અંદર ચાલતાં થયાં,ત્યાં સામેજ પ્રણવદાદા આવતા જણાયા," દાદા, આ ભાઈ તમને મળવા અમદાવાદથી આવ્યા છે, ક્યારના બેઠા છે..!!" બહેને કહ્યું.

" અરે.તમે.!! તમને સમાચાર કોણે આપ્યા ?" પ્રણવદાદા એમ સમજ્યાકે, હું સંધ્યાબાના મૃત્યુના સમાચાર સાંભળીને,મળવા દોડી આવ્યો હતો. જોકે,સમય પારખીને, હું ખોટું બોલ્યો.અન્ય કામ માટે આણંદ આવ્યો હતો,તેથી મળવા આવ્યો છું, તેમ મેં જણાવ્યું.

સાવ નંખાઈ ગયેલા ચહેરે, પ્રણવદાદા,મારી બાજુમાં આવીને બેઠા. સંધ્યાબા અંગે, હું કોઈ સવાલ કરું ? તે પહેલાં, દાદાએ સામેથીજ, મને સંક્ષિપ્તમાં વિગત જણાવી.

સંધ્યાબાનું, અચાનક, બ્લડપ્રેશર વધી જતાં,બાથરૂમમાં, પડી ગયાં હતાં. તેમને બ્રેઈન હેમરેજ થઈ જવાથી, ડૉક્ટર આવે તે અગાઉજ, તેમણે દેહ મૂકી દીધો.

મને લાગ્યું, પ્રણવદાદા જાણે પરાણે સ્વસ્થતા રાખવા મથી રહ્યા હતા.પહેલી મુલાકાતમાં, જીવનતત્વથી ભરપૂર જણાતા, પ્રણવદાદા, સંધ્યાબાના વિરહમાં,જીવનનો આનંદ, જાણે ગુમાવી બેઠા હોય તેમ મને લાગ્યું.

ખરેખર,અત્યારે મૂકાયો તેવા ધર્મસંકટમાં,જીવનમાં હું ક્યારેય નહતો મૂકાયો.

મને એ સમજ નહોતી પડતીકે, સંધ્યાબાની અંગત મૂડી જેવા અલભ્ય, પ્રેમપત્રો, પ્રણવદાદાને અત્યારે પરત કરવા કે ના કરવા?

શું આ સમય-સંજોગ યોગ્ય ગણાય ?

સંધ્યાબાની છેલ્લી યાદગીરી જોઈને, માંડ સ્વસ્થતા જાળવવા મથતા, પ્રણવદાદા સાવ હામ ગુમાવી બેસશે તો?

મને લાગ્યું," જો અત્યારે પત્રો આપવાની મૂર્ખામી કરીશ તો, મારી જાતને, ક્યારેય હું માફ નહીં કરી શકું."

જમીને જવાના પ્રણવદાદાના, આગ્રહને વિવેકપૂર્વક ટાળીને, હું ઉભો થઈ હજુ દરવાજે પહોંચું, ત્યાંતો મારી પાછળ આવેલા, દાદા મારા ખભે, માથું ઢાળીને, છૂટા મોંઢે રડી પડ્યા. હું ઉભો હતો ત્યાંજ મારા પગ જડાઈ ગયા. દાદાનો રડવાનો અવાજ સાંભળી, બધા સગાંવહાલાં તરત બેઠકરૂમમાં દોડી આવ્યા.

બધાંએ, પ્રણવદાદાને સાંત્વના આપવાનો પયત્ન કર્યો, પરંતુ, જીગરને મૂકી ને અમી ચાલી જતાં,છેલ્લા બાર-બાર દિવસથી, પરાણે સ્વસ્થતા ધારણ કરેલું, મહોરું આજે ઉતરી ગયું હતું.

સહેજ સ્વસ્થતા કેળવીને,દાદાએ મને પૂછ્યું," તમે સંધ્યાનો આભાર માનવા આવ્યા હતાને ? મારી અનુમતિ મેળવીને, તેણે તમને,પત્રોનું એક બંડલ મોકલાવ્યું હતું."

મને હવે લાગ્યુંકે, " આ પ્રેમપત્રોનું બંડલ, હવે હું જો અત્યારે, પ્રણવદાદાને નહીં આપું તો મૂરખ ગણાઈશ..!! "

મેં હળવેથી તે બંડલ, થેલીમાંથી કાઢીને પ્રણવદાદાના હાથમાં મૂકી દીધું. પરંતુ આમ કરવા જતાં,આંસુ સારવાનો વારો, હવે મારો હતો.

થોડીવાર બેસીને, હું અમદાવાદ પરત આવવા નીકળ્યો, ત્યારે પ્રણવદાદાની, મારી સામે તાકીને જોઈ રહેલી નજરમાં, ફરી જલ્દી મળવા આવવાની વિંનંતીનો, અત્યંત કરૂણ, ભાવ હતો. કદાચ, તે કાંઈક કહેવા ઈચ્છતા હોય તેમ મને લાગ્યું.

જોકે, હજુ જીગર અને અમીની વાર્તાનો, એક અત્યંત દુઃખદ અંત મારે જાણવાનો બાકી હતો.

મારા અમદાવાદ આવ્યા પછીના ત્રીજા જ દિવસે, પ્રણવદાદા અને સંધ્યાબાની મૂલાકાત કરાવનાર,મારા અમદાવાદના મિત્રનો ફૉન આવ્યો. મારા અમદાવાદ આવ્યા પછી, સંધ્યાબાના પેલા પ્રેમપત્રોનું બંડલ લઈને, ચોવીસ કલાક સુધી,ખાધાપીધા વગર, પ્રણવદાદા પોતાના ઓરડામાં સૂનમૂન બેસી રહ્યા હતા.

આ જોઈને, દાદાને સંધ્યાબાની સ્મૃતિઓમાંથી, જલ્દી મૂક્ત કરવાના, શુભઆશયથી, સંધ્યાબાએ લખેલા,પેલા પ્રેમપત્રો, ફાડીને, ઘરની બહારના ડસ્ટબીનમાં, પ્રણવદાદાના દીકરાની વહુએ નાખી દીધા.

પ્રણવદાદાને આ બાબતની જાણ થતાં,અત્યંત ગુસ્સામાં આવી જઈને, ડસ્ટબીનમાંથી ફાટેલા પત્રોના ટુકડા વિણતાં-વિણતાં, પ્રણવદાદાને, હ્યદયરોગનો જીવલેણ હુમલો આવતાં, સ્થળ પર જ ઢળી પડ્યા,તે ફરી ઉભા ના થઈ શક્યા.

હાથમાં, સંધ્યાબાના પ્રેમપત્રોના ફાટેલા ટુકડા સાથે, જીગર-પ્રણવદાદા,અમી-સંધ્યાબાને મળવા ચાલી નીકળ્યા હતા.
મને થયું, " આ તે કેવું મોત ? આઘાતજનક કહેવાયકે અલૌકિક ?"

મારી આંખ કોરી હતી,પણ હૈયું ચોધાર રડતું હતું. " દાદા તમે આ શું કર્યું..!! જો પત્રો ફાટી ગયા તેથી, સંધ્યાબાની સ્મૃતિ પ્રતિક ગુમાવ્યાનું દુઃખ તમને હતું તો મને ખબર કરવી હતીને ?"

હું આગળ વિચારી ના શક્યો. નહીતર મારે,પ્રણવદાદાને કહેવું હતુંકે, તમને પૂછ્યા વગર, સંધ્યાબાના આ પત્રોની, ઝેરોક્ષ નકલ કઢાવવાનું, માનવતાવિહીન,
કૃત્ય કરવાની, મેં અધમ ધૃષ્ટતા કરી હતી.

પણ હવે તો, ઘણુંજ મોડું થઈ ગયું હતું. સંધ્યાબાના પ્રેમપત્રોની, ઝેરોક્ષ આપીને, પ્રણવદાદાના પ્રાણ બચાવવાની વાત તો દૂર,મારા માનવતાવિહીન કૃત્યની,માફી માગવાની તક પણ હું ખોઈ બેઠો હતો.હવે હું શું કરૂં?

મારાં મમ્મી-પપ્પા તો હું દસ વર્ષ અગાઉ ખોઈ બેઠો છું, આજે દાદા અને બાને ગુમાવીને, ફરીથી જાણે હું માબાપ વિહોણો થયો હોઉં, તેમ મને ભાસે છે.કદાચ પહેલાં કરતાં, વધારે દુઃખના અનુભવ સાથે...!!

મારા બ્લોગઃ-http://markandraydave.blogspot.com/2010/02/old-gold.html પર પોસ્ટ કરેલા, " Old ,નશો -Gold,પ્રેમપત્રો." નો લેખ, આ વૃદ્ધ પ્રેમાળ દંપતીના, અદ્વિતીય,અલૌકિક પ્રેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે છે. કહેવાની જરૂર ખરી કે, આ લેખમાં સ્થળ અને પાત્રોનાં નામ બદલી નાખ્યાં છે?


સ્વ. સંધ્યાબાએ, સ્વ.પ્રણવદાદાને લખેલા શબ્દોમાં કહું તો...!!

" નથી કશું ગમતું મને, તમારા પત્રની રાહમાં, ભટકું છું તમને મળવા તમારી રાહમાં,
નથી તમને ખબરકે, કેટલું દર્દ છે આહમાં, મારું અસ્તિત્વ મીટાવી દઉં તારી યાદમાં."

" તે હી દિનો દિન ગચ્છતી, ન જાણ્યું જાનકી નાથે,સવારે શું થવાનું છે?"
અર્થઃ- ઈશ્વર આપડા બંનેની પ્રિત ક્યારે બગાડે તેની આપણા બે માંથી એકને પણ ખબર નથી,એટલે જ આપણા બંનેની પ્રિતો બગાડતા નહી.

આવા પ્રેમના સાક્ષાત પ્રતિક સમા, દંપતીને શ્રદ્ધાંજલિ અર્પતાં, આ લેખના મારા શબ્દો,વામણા લાગે તો, સમજજો કે, વાંક, માઁ સરસ્વતીજીનો નહીં,મારી અલ્પમતિનો છે.

મને લાગે છેકે,વાયદો કરીને, કોઈને મળવામાં ક્યારેય મોડું ન કરવું જોઈએ,નહીંતર ક્યારેક, શ્રદ્ધાંજલિ આપતા શબ્દ પણ સાથ છોડી જશે..!!

માર્કંડ દવે. તા.૦૩-૦૨-૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.