Saturday, January 16, 2010

દાનવીર-કર્ણ-શ્રીજશવંતસિંગસાહેબ.

કટાક્ષ-દાનવીર-કર્ણ-શ્રીજશવંતસિંગસાહેબ.

કેટલાક વાસી-તાજા સમાચાર

૧.આદરણીય શ્રીઅડવાણીજીએ શ્રી જશવંતસિંગની હાકલપટ્ટીમા પોતાની સંમતી ન લેવાઇ હોવાનું જણાવ્યું.

૨.આદરણીય શ્રી શૌરીસાહેબે ચૂટણીમાં હાર બાદ"હમ્પી-ડમ્પી" અને ન જાણે બીજું શું-શું કહ્યું.

૩.પૂજ્ય રામદેવજીબાબાએ કરોડો રુપિયામાં એક ટાપુ ખરીદ્યો.

૪.દક્ષિણ આફ્રિકામાં ૧૦૦ વર્ષ અગાઉ પૂજ્ય બાપૂ જ્યાં રહેતા હતા,તે મકાન ફ્રાન્સની એક કંપનીએ ખરીદ્યું.
જ્યાં તે પૂજ્ય બાપૂનું ગાંધી મ્યુઝિયમ ઉભું કરશે.

૫.આ મકાનના વર્તમાન માલિક નેન્સી-જેરોડ બોલે જણાવ્યુંકે,"કંપની ગાંધીજીનું સન્માન જાળવી તેને હેરિટેજ સ્થળ બનાવશે,
તે વાતથી તેમને ઘણી રાહત થઇ છે."

૬.સરકારે નિરાશા વ્યક્ત કરી,કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે કહ્યુંકે,"રાષ્ટ્રીય ભાવના દુભાઇ છે.હું આ ઐતિહાસિક સંપત્તિ ખરીદવા કોઇ કસર નહીં છોડું."

૭.ભાજપાના ભૂ.પૂ.નેતા શ્રીજશવંતસિંગે તેમના પુસ્તક"જિન્નાહઃ ઇંડીયા-પાર્ટિશન-ઇંડીપેન્ડન્સ"ના લોકાર્પણ પ્રસંગે,
મુંબઇ ખાતેના ઝીણા હાઉસ ઉપર તેમનાં પૂત્રી દિના વાડીયાનો અધિકાર હોવાનું સ્ટેટમેન્ટ આપ્યું.

(ખાસ નોંધ-મે જાગતાંજોયેલાં બિહામણાં સપનાંઓનું આ વર્ણન માત્ર છે.મારા લેખને ગંભીરતાથી લેવા નહીં,બંધબેસતી પાઘડી પહેરવી નહીં.મહેરબાની કરીને લાગણી દુઃભાયાના નામે મને પજવવો નહીં.)


પ્રિય મિત્રો,

પરમ દેશભક્ત મતદાર નાગરિક તરીકે,ઉપરના સમાચાર વાંચી,આપનો ક્રોધ અને ઉશ્કેરાટ જો શમી ગયો હોય તો પછી હું કાંઇક કહું?

આદરણીય શ્રીશૌરીસાહેબ આપ તો અનેક ભાષાઓના સાહિત્યના પ્રખર અભ્યાસુ છો,પણ,માંગેલું છાપું વાંચી,એક સાવ ગરીબ,નવરા,બેકાર નવયુવકે મને ,"એલીસ-વન્ડરલેન્ડ-હમ્પી-ડમ્પી"નો અર્થ પુછ્યો,ત્યારે હું ય ગોટે ચઢી ગયો.માથા ઉપરથી બંપર જાય એવું ના બોલો તો સારું ભૈ સા`બ !!,
અમને તકલીફ પડે છે.(બીજાને સમજાવતાં).

આદરણીય શ્રીશૌરીસાહેબ,આપે લોકસભાની ચૂંટણીના ચાલુ પ્રચારની વચ્ચે પી.એમ.ઇન વેઇટીંગ શ્રીઅડવાણીજી સામે ગતકડું છોડી,શ્રીમોદીજીને,ભાવી પી.એમ.તરીકે પ્રસંશા કરી,સ્થાપિત કરી દીધા એમાં,કમ સે કમ ગુજરાતનો મતદાર તો મૂંઝાયો,જોકે એ વખતે શિસ્તબધ્ધ કાર્યકર શ્રીજશવંતસિંગ મૌન હતા.(સારું હતું).

આપે ચિંતન બેઠકમાં જો એમ કહ્યું હોતકે,"લોકસભામાં,જ્યાં સુધી યુ.પી.-પૂર્વોત્તર અને દક્ષિણના પટ્ટામાં ભાજપને સારી સંખ્યામાં (બધી નહીં) બેઠકો નહીં મળે,ત્યાં સુધી ભાજપમાં પી.એમ.ઇન વેઇટીંગના તમામ દાવેદારોએ,૧૫૦ ની આસપાસ બેઠકોથી સંતોષ માની,બગાસાં ખાતાં-ખાતાં,દિવાસ્વપ્ન જોવાનાં-બસ."તો કાંઇક લેખે લાગત.એક મતદાર તરીકે અમારી એવી ઇચ્છા ખરી કે,આવતી લોકસભાની ચૂંટણી શ્રીરાજનાથસિંગજી ના બદલે પક્ષપ્રમુખ તરીકે આપના નેજા હેઠે થાય.(જો..જો...અતિ નમ્ર થઇ ના પાડતા નહીં પાછા...હા...)

શ્રીશૌરીજી,અમે આપને આગ્રહ સાથે,એટલા માટે કહીએ છેકે, આવતી ચૂંટણીમાં ભાજપની સરકાર આવે અને આપ પક્ષપ્રમુખ હોવ તો શ્રીજશવંતસિંગને પાછા પક્ષમાં લઇ,"પાકિસ્તાન-ઝીણા અન્યાય નિવારણ સમિતિ" બનાવી,એમાં શ્રીજશવંતસિંગજીને અધ્યક્ષ તરીકે નીમી શકો!!!! જરા વિચારો.

(તા.ક.બ્રેકીંગ ન્યુઝ)
(મને નવાઇ લાગી!!! હજુ તો હું આ સમિતિનો ઉલ્લેખ કરું છું,ત્યાંતો ઝી ન્યુઝ માં અત્યારે બ્રેકીંગન્યુઝ આવે છેકે,ગુજરાતના દરિયાઇ માર્ગે પાકિસ્તાની બોટ સાથે માછીમાર ન હોય એવા કેટલાક શંકાસ્પદ માણસો ઝડપાયા છે.પાકિસ્તાનને કેવીરીતે જાણ થઇ હશે? શ્રીજશુભાઇને સમિતિમાં કાર્યકરોની જરુર પડશે!!!)

એ...ય.... ને પછી તો દુનિયાભરમાં આપણી વાહ....વાહ...થઇ જશે.

શ્રીજશુભાઇ બાપાની મિલકત(એમના બાપાની નહીં) દિનાબહેનને અપાવી,સ્વ.શ્રીઝીણાસાહેબની મિલકત પર દીકરીના અધિકારના કાયદાને,ભાગલાના સમયની પાછલી અસરથી,લાગુ કરાવી શકશે.

રાષ્ટ્રવાદના પ્રખર સમર્થક તથા અવારનવાર સમીટ યોજી સમગ્ર ભારતભરને માર્ગદર્શન આપતા પરમપૂજ્ય યોગગુરુબાબાશ્રીએમનો કરોડો રુપિયામાં ખરીદેલો ટાપુ રાષ્ટ્રવાદના વિચાર-વિકાસાર્થે,અડધી કિંમતે પણ વેચીને અથવા એ ટાપુના બદલામાં,પૂજ્ય બાપૂનું,સાઉથ આફ્રિકા-જોહનિસબર્ગનું ૧૦૦ વર્ષ જુનું ઐતિહાસિક મકાન જેતે કંપની પાસેથી પરત મેળવી,રાષ્ટ્રને શ્રીજશુભાઇના શુભહસ્તે અર્પણ કરાવી,તે વખતે ભૂ.પૂ.ગણાતા,(હાલના)
કોલસામંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલભાઇનું અધુરું સ્વપ્ન પુરું કરી,એમને લાગેલા દુઃખ અને રાષ્ટ્રીય ભાવનાને લાગેલી ઠેસ ઉપર મલમ લગાવશે.

હાલમાં આ મકાન વેચનાર પૂજ્ય બાપૂપ્રેમી મકાનમાલિક શ્રીનેન્સીભાઇની ભલામણથી,મકાન ખરીદનાર કંપની"વૉયેજર્સ ડ્યુ મોન્ડ"પણ,
(પૂ.બાબાના ટાપુનો કબજો લીધા પછી-ઝખ મારીને) એ ઐતિહાસિક મકાનનો કબજો આપણને સોંપી દેશે.

જો છતાંય નાણાં ખૂટશે તો,દારુબંધીના પ્રખરહિમાયતી પૂજ્ય શ્રીગાંધીબાપૂના ઉપરોક્ત ઐતિહાસિક મકાનનો કબજો મેળવવાના કાર્યમાં,લિકર-કિંગ શ્રીમાલ્યાસાહેબની અમૂલ્યસેવા પણ માંગી શકાશે!!!(દર વર્ષે નવાં પ્રેરણાદાયી કેલેન્ડરના વેચાણથી મળેલી રકમ,એ આવાં સારાં કામોમાં જ વાપરે છે!!!)

પૂજ્યબાપૂનાં ચશ્માં ચોરાતાં ના અટકાવી શકનારા નેતાઓને હવે શરમાવું નહીં પડે, કારણ કે,આદરણીય પક્ષપ્રમુખ!!! શ્રીશૌરીજી,તથા,"પાકિસ્તાન-ઝીણા અન્યાય નિવારણ સમિતિ"ના અધ્યક્ષ!!! શ્રીજશુભાઇના ઉમદા વિચારોને આત્મસાત કરી,અનુસરી ચશ્માંચોર પણ સુધરી જઇ આત્મસમર્પણ કરતા થઇ જશે.

આદરણીય શ્રીપી.એમ.ઇન વેઇટીંગ નિવૃત્ત થયા હશે તો પ્રજાના લાભાર્થે સક્રિય થવા વિચારશે,અથવા શ્રીજશુભાઇને,સ્વ.શ્રીઝીણા અંગેની શ્રેણીબધ્ધ પુસ્તક શૃંખલા પ્રગટ કરવા માટે,શ્રીઝીણાના જન્મનાં સમયે બળોતિયાં ખરીદીથી માંડીને તેમની મઝાર પર છેલ્લા સમયે કોણ હાજર-ગેરહાજર હતું તેની
"ઝીણા માં ઝીણી" જાણકારી મેળવવામાં મદદ કરશે!!!

મુ.દિનાબહેન,કદાચ એમને વારસામાં મળેલા ઝીણાહાઉસને ઉદારતાથી ભારતના માનવઅધિકારપંચને કેટલીક શરત સાથે ભેંટ આપશે,

જેમાં મૂખ્ય શરત,આપણે ત્યાં પકડાયેલા કસાબભાઇ જેવા અનેક,આતંકવાદી ભાઇઓ માટે ઝીણાહાઉસને અદ્યતન સુધારણા ગૄહ બનાવી,
તેમાં દરરોજ ચિકન-બિરિયાની જેવાં ભાવતાં ભોજન અને તેમના જન્મ દિવસે કૅક,ફક્ત ને ફક્ત હૉટેલ તાજ માંથી જ પુરાં પાડવાનાં રહેશે.
(સ્વાદ ચાખી ગયા છે ભા....ઇ.)

બીજી મહત્વની શરત સુધરી ગયેલા આતંકવાદીઓને!! (હી...હી...હી... એ કોણ હસ્યું? શરમ નથી આવતી?)
પૂર્ણ સન્માન સાથે પાકિસ્તાન પરત ખાસ વિમાનમાં મુકવા જવાની રહેશે,જેમાં માનવઅધિકારવાળા સાથે શ્રીજશુભાઇ જેવા અનુભવીને ખાસ વળાવીયા તરીકે મોકલવાના રહેશે,જેથી

૧.પાકિસ્તાનમાં શ્રીજશુભાઇને બહુમાન (મૅડલ મેળવવા) માટે અલગથી જવાની જરુર ન પડે અને

૨.શ્રીજશુભાઇ,એમની વધેલી થોડીઘણી ચોપડીઓ પણ વેચતા આવે.( એક પંથ દો કાજ).

ભાઇ,એવી ફરિયાદો સંભળાયા કરે છેકે.આપણા અનેક કવિ-લેખક મિત્રોનાં પુસ્તકો ન વેચાતાં,આજીવિકા મેળવવા સંઘર્ષ કરવો પડે છે,
આદરણીય મુરબ્બી શ્રીવિનોદભાઇ ભટ્ટસાહેબ જેવા ઘણા સિધ્ધહસ્ત લેખકનાં પુસ્તકો પસ્તીબજારમાં રઝળે છે.(એમણે જાતે જોયાં છે.)

શ્રીજશુભાઇ,અમોએ ચોપડી ભલે પસ્તીને લાયક લખી હોય!! જ્યાં ચોપડીનું લોકાર્પણ હોય ત્યાં વિવાદ ઉભો કરી વેચતાં,અમોને આવડે નહીં ને ભા....ઈ.

હવે મને સમજાયુંકે,ચોપડી લખવી સહેલી હશે,વેચવી કેટલી અઘરી છે!!! (મફત વહેંચવી પ...ણ)

સાલું,હું તો થોડા મહિના એકાંતવાસ ભોગવી છ ભાગની દળદાર નવલકથા ઘસડી મારવાનું વિચારતો હતો,

થેંક્સ, જશુ....ભા....ઇ તમે મારી અક્કલ ઠેકાણે લાવી દીધી,
કારણ,એમાં તો એવું છે ને!! જશુભા....ઇ,આ રીતે ચોપડી વેચવાની આપણી લેન (લાઇન!) નહીં ને? એટલે.

કોઇને હવે મારી નવલકથા વાંચવા ન મળે તો,ભોગ એમના,હું શું કરું!!!(ગુજરાતી સાહિત્યજગતને ભરપાઇ ન થાય એવું નુકશાન થશે!! બીજું શું?)

ખાસ નોંધ-મે જાગતાંજોયેલાં બિહામણાં સપનાંનું આ વર્ણન માત્ર છે.મારા લેખને ગંભીરતાથી લેવા નહીં,બંધબેસતી પાઘડી પહેરવી નહીં.મહેરબાની કરીને લાગણી દુઃભાયાના નામે મને પજવવો નહીં.આમેય આપણે સહુ ભેગા મંળી આવા લાખો લેખ લખીશું તોય કોઇની પૂંછડી સીધી થાય તેમ તમને લાગે છે?

માર્કંડ દવે.તા-૦૯-૧૦-૨૦૦૯.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.