Thursday, September 16, 2010

An Escort Girl.

An Escort Girl.


"નકલી  અશ્રુમાંય, ક્યારેક ગીત  છલોછલ  હોય છે..!!
 નયન  ભલે  હો   બેજાન, સંગીત  કોલાહલ  હોય છે..!!""


========

હિમાલયની રમ્ય ગોદમાં, ત્રણ દિવસનું ટૂંકું  વેકેશન માણવા જવા, તલપાપડ થયેલો  અને તેનાં જ આખીરાત સ્વપ્ન જોતો, સોહામણો, કસરતી બદન ધરાવતો,  ૩૬ વર્ષીય  અભિનવ, દીલ્હીની  ફાઈવસ્ટાર હૉટલના, અત્યંત મોંઘા સ્યૂટની, નરમ-નરમ ઠંડી બેડ પરથી, સવારે ૧૦ વાગે અચાનક જાગ્યો ત્યારે, તે  કોઈજ કારણ વગર, બેચેનીનો અનુભવ કરવા લાગ્યો.

જાણે, કાંઈક અજુગતું બનનાર હોવાની અનભૂતિ, અભિનવને થવા લાગી. પોતાની બેડમાં, બાજુમાં સુતેલી ચિત્રાને, ન  નિહાળતાંજ, તેની છઠ્ઠી ઈંદ્રિયના બળે, મનમાં લપકારા સાથે, ચેતવણીની ઘંટડી રણકવા લાગી. તે સ્ફૂર્તિથી ઉઠ્યો અને બાથરૂમ તરફ દોડ્યો. ચિત્રા બાથરૂમમાં પણ ન હતી..!!

બીજું  કાંઈ  ન  સૂઝતાં, અભિનવ  ઝડપથી, નિત્યક્રિયાઓ  પતાવીને, હૉટલના  રિસેપ્શન  કાઉન્ટર પર તપાસ કરવાનું વિચારી, હજી વસ્ત્રો જ બદલી રહ્યો હતો, ત્યાંતો   સ્યૂટના  ડૉર પર નૉક થયું. અભિનવને  મનમાં હાશ થઈ, ' ચિત્રા આવી ગઈ લાગે છે..!!' 

અભિનવે ઉતાવળે, દરવાજો ખોલ્યો, તો  તે ડઘાઈ ગયો. નજર સામે હૉટલના મેનેજરની સાથે, પોલીસ ઈન્સ્પેક્ટર અને કેટલાક પોલીસમેન ઉભા હતા.
એક  ક્ષણની સ્તબ્ધતા બાદ, મહામહેનતે, અભિનવ એટલુંજ બોલી શક્યો," યસ, વ્હૉટ કેન આઈ ડુ ફોર યુ, સર? એની થીંગ સિરિયસ?"

" આર યુ મિસ્ટર અભિનવ મહેતા?" પોલીસ ઈન્સ્પેક્ટરે, શક્ય તેટલા સૌમ્ય સ્વરે પૂછ્યું. અસમંજસમાં સપડાયેલા અભિનવે, હકારમાં ડોકી હલાવી.

પોલીસ ઈન્સ્પેક્ટરે,  લાગણીહીન, આદેશાત્મક સ્વરે કહ્યું, " સર, આપની સાથે આવેલાં, ચિત્રા મેડમની લાશની ઓળખ માટે, આપે મારી સાથે આવવું પડશે..!!"

" ચિત્રાની લાશ? ", આ સાંભળીને, અભિનવના મનમાં, વિચિત્ર વિચારોનું દ્વંદયુદ્ધ શરૂ થઈને, છઠ્ઠી ઈંદ્રિયને કારણે , લપકારા સાથે, ચેતવણીની ઘંટડી જોરશોરથી, રણકવાનો ઘોંઘાટ શરૂ થઈ ગયો. " ચિત્રા અને લાશ? હજી કાલે રાત્રે તો ચિત્રાએ, પોતાને મનભરીને, પ્રણયના ગરમા-ગરમ પાઠ ભણાવ્યા હતા? અચાનક શું થયું?"

જોકે, અભિનવ, યાંત્રિક રૉબૉટની માફક, સહુની પાછળ લીફ્ટમાં પ્રવેશીને,  હૉટલના,  ટોપ ફ્લૉર પર આવેલા, સહુથી વિશાળ, મોંઘામાં મોંઘા,લક્ઝુરિયસ પૅન્ટહાઉસ સ્યૂટમાં,  ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યારે સ્થળ  પર, બેડમાં એક નહીં, બે અર્ધનગ્ન લાશ પડી  હતી. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, પ્રથમદર્શી રીપોર્ટ મુજબ, કોઈ ઝેરી પીણું લેવાથી, બંનેના તત્કાળ મોત નિપજ્યાં હતાં..!!

એક  લાશ હતી ચિત્રાની અને બીજી આ હૉટલના માલિક મિસ્ટર આલમ શેખની. અભિનવ બેચેન  થઈ ગયો.

ચિત્રા અને હૉટલના માલિક  એકસાથે, એકજ પથારીમાં? અર્ધનગ્ન હાલતમાં? શું ચિત્રા, પોતાને ડબલક્રોસ કરતી હતી? હોઈ શકે..!! આખરે તો  તે  હતી, એક ઍસ્કૉર્ટ  ગર્લ  જ  ને?"

ચિત્રાની લાશની ઓળખવિધિ પતાવી, પોતાના સ્યૂટમાં પડેલા, ચિત્રાના તમામ સરસામાનનું પંચનામું કરી, પોલીસમેનને  સોંપી, સ્ટેટમેન્ટ લખાવી, અભિનવ પોલીસની કંટાળાજનક, થકવી નાંખતી કાર્યવાહીમાંથી મુક્ત થયો ત્યારે, બપોરના બે વાગવા આવ્યા હતા.

અચાનક તેને યાદ આવ્યુંકે, સવારથી તેણે પેટમાં કશુંજ નાખ્યું નહતું, તેની પ્રિય કૉફીનો એક ઘૂંટ પણ નહીં..!!

પોતાનો સાથ છોડીને, જગતમાંથી, અચાનક જ વિદાય થઈ ગયેલી ચિત્રાની ગેરહાજરીમાં તેને, હવે બીજીવાર પોતાના સ્યૂટમાં પરત જવાનું મન ન થયું. વિચારોથી ઘેરાયેલો અભિનવ, યંત્રવત મનથી, ગ્રાઉન્ડ ફ્લૉરના અત્યંત સજાવટવાળા,  પુલસાઈડ  રેસ્ટોરન્ટ તરફ  વળ્યો.

" કેટલી સુંદર હતી ચિત્રા? જાણે  કોઈ  કુશળ  શિલ્પીએ, મન  મૂકીને, અત્યંત દિલથી, નિરાંત લઈને ઘડી હોય તેવી, રૂપકડી ડૉલ સમી, ચિત્રા..!!" અભિનવ બે વર્ષ પહેલાં, ચિત્રા સાથે થયેલી પ્રથમ મુલાકાતના ફ્લૅશબેકમાં પ્રવેશ્યો.

અભિનવ, બ્રાસ અને મેટલની હેન્ડીક્રાફ્ટ આઈટમનો, આખાય ગુજરાતનો  હૉલસેલ ડીલર હતો. સાવ નાનામાં નાની આઈટમથી લઈને, મોટામાં મોટી પ્રતિમાઓ અને કળાના બેજોડ નમૂનાઓનો, તે કુશળ પારખુ હતો. ભારતભરમાં આવેલા, બ્રાસ અને મેટલના આર્ટ ઉત્પાદકોનો, તે  લાડકો  ખરીદદાર વેપારી હતો. સમયસર પૅમેન્ટ, ક્યારેક તો ૧૦૦% એડવાન્સ પૅમેન્ટ કરીને તેણે, ચેન્નાઈ, ઑરિસ્સા, કેરાલા, આંધ્રપ્રદેશ અને દેશના અન્ય રાજ્યમાંના, નાના, મોટા સર્વે ઉત્પાદકોનો વિશ્વાસ સંપન્ન કરી લીધો હતો.

તેથીજ,  સુંદર પ્રતિમાઓ અને કળાના બેજોડ નમૂનાઓના ઍક્પોર્ટ બિઝનેસ  દ્વારા, આ વર્ષે , તેને `ગ્રેટેસ્ટ  ઍક્ષ્પોર્ટ  મરચન્ટ ઓફ  ધ  ઈયર`નો  ઍવોર્ડ,  સતત પાંચમી વખત, પ્રદાન થયો હતો. જોકે, અભિનવની પ્રગતિ નિહાળીને, સમવ્યવસાયી લોકો મોઢામાં આંગળાં નાખી જતા હતા. માત્ર વીસજ વર્ષની વયમાં, એક ગોઝારા ઍક્સિડન્ટમાં, માતાપિતાને ગુમાવી ચૂકેલો  અભિનવ,  પિતાના ધંધે વળગ્યો ત્યાર પછી તેણે પાછું વળીને જોયું નહતું..!!

આવીજ  એક બિઝનેસ પાર્ટીમાં, તેના એક મિત્ર વેપારીએ,  ચિત્રા સાથે તેની ઓળખાણ કરાવીને, ચિત્રાને પોતાની સાથે ઍસ્કૉર્ટ ગર્લ તરીકે રાખી લેવા ભલામણ કરી ત્યારે, એકલવાયી અને અત્યંત શુષ્ક-નીરસ જિંદગી જીવી રહેલો  તથા અત્યારસુધી પોતાના બિઝનેસના વિકાસ સિવાય, અન્ય કોઈ બાબત પર ધ્યાન ન આપી શકેલો, અભિનવ, ચિત્રાના તેજોમય, ઝગારા મારતા ચુંબકીય સૌંદર્યથી ખેંચાઈને, તેની સાથે તમામ મર્યાદાઓ વટાવીને, એક આકર્ષક સબંધે બંધાઈ ગયો..!!

બે વર્ષના, સતત સહવાસ દરમિયાન, અભિનવ જેમજેમ, ચિત્રાને  ઓળખતો ગયો  તેમ, તેને  ચિત્રાના અંતરમનમાં વસતા, કોઈ દર્દનો અહેસાસ થવા લાગ્યો. જોકે, ઘણું  પૂછવા છતાં, ચિત્રાએ ક્યારેય, તેની સમક્ષ એ  રહસ્ય   છતું  ન જ  કર્યુંકે, " પોતે કોણ હતી? પોતાનું વતન કયું? અરે..!! પોતાનું સાચું નામ શું છે?", તે સર્વ સવાલો, અભિનવ માટે,  છેક  છેવટ સુધી, એક કોયડા સમાનજ  રહ્યા..!!

અભિનવ, એટલું તો જાણીજ ગયો હતોકે, આ બદનામ ધંધામાં, ચિત્રા પોતાની મરજીથી તો નહોતી જ આવી, કોઈ મજબૂરી, તેને આ ધંધામાં ખેંચી લાવી હતી..!!
ઘણીવાર તો, ચિત્રા પ્રત્યે, પોતાના હ્યદયમાં જન્મેલી, લીલી કૂંપળસમી  લાગણીની  ભાવાવેશી ક્ષણોમાં,  ચિત્રા, `ખરેખર એક, પેઈડ ઍસ્કૉટ ગર્લ છે`, તે પણ, અભિનવ વિસરી જતો હતો..!!

તેજ પ્રકારે, કેટલીક પાર્ટીમાં,  અભિનવ પ્રત્યે, નાની-નાની બાબતોમાં, ચિત્રાની મમતા અને પ્રેમભરી કાળજીને જોઈને, અભિનવ-ચિત્રાના અસલી સબંધને ન જાણતા, નવાસવા વેપારી મિત્રો, ચિત્રાને, અભિનવની સુંદર  પત્ની સમજીને   ભૂલથી, `ચિત્રાભાભી`,નું સંબોધન કરી બેસતા હતા..!!

જોકે, તેવા સંજોગોમાં, અભિનવની અને ચિત્રાની નજર એક  થતી ત્યારે, કોણ  જાણે કેમ, બનાવટી ખુશીનાં આંસુથી સજળ થયેલાં, ચિત્રાના નયનમાં, આશાનું કોઈ  મધુર ગીત ટપકતું હોય તેમ, અભિનવને ભાસતું..!!

" શું, છેલ્લા બે વર્ષથી પોતાનો પડછાયો થઈને, સતત સાથેજ રહેતી, પ્રેમાળ, સુંદર,  અત્યંત સૉફિસ્ટિકેટેડ મેનર્સ ધરાવતી, રૂપપ્રતિમા  ચિત્રા, આજે  હતી ન  હતી  થઈ ગઈ?  હવે,  વધારે વિચારીશ તો પાગલ થઈ જઈશ? ", તેમ વિચારીને, અત્યંત ઝડપથી, પેટમાં સેન્ડવીચ અને કૉફી, કમને પધરાવીને અભિનવ, પોતાના સ્યૂટમાં જઈ, `હવે શું કરવું?` તે વિચારવા લાગ્યો.

અભિનવના જીવનમાં, ચિત્રા પહેલી અને  અત્યારેતો છેલ્લી સુંદરી હતી. સવારે, ચિત્રાને લઈને, હિમાલયની ગોદમાં, મીની વેકેશન માણવાના, અભિનવનાં  સ્વપ્ન ચકનાચૂર થઈ ગયાં હતાં.

હવે, આ ઍવૉર્ડ સમારંભમાં આવેલા અન્ય મિત્રોને, આ કમનસીબ ઘટનાની જાણ થાય અને તેમના અનેક વેધક  સવાલોના જવાબ આપવાની નોબત આવે, તે અગાઉજ, શક્ય તેટલી ઝડપથી, પોતાના વતન અમદાવાદ ભેગા થઈ જવામાંજ શાણપણ છે તેમ લાગતાં, અભિનવ, ઉતાવળે પોતાના વસ્ત્રો અને વસ્તુઓ  સમેટવા લાગ્યો.

સઘળાં  વસ્ત્રો અને પોતાની અન્ય ચીજવસ્તુઓ, એકઠી કરીને જ્યાં અભિનવે, પોતાની બેગમાં મૂકવા, પોતાની બેગ ઉઘાડી ત્યાંતો, તેમાં સહુથી ઉપર, અત્યંત મરોડદાર  અક્ષરે, ચિત્રાએ લખેલો, અંતિમ પત્ર તેના હાથમાં  આવ્યો. કોઈ ભૂખ્યો માણસ,  ભોજન પર તૂટી પડે  તેમ,  અભિનવ  અત્યંત ઉતાવળે, ચિત્રાના પત્રને વાંચવા લાગ્યો.

" અભિનવ,

હું તમને કયા સંબોધનથી સંબોધું?  નથી હું તમારી પ્રેમિકા, કે નથી હું તમારી પત્ની? તેથીજ, આગળ-પાછળ કશુંજ લખ્યા વગર, આપને કેવળ,`અભિનવ` નામથી સંબોધું છું, આશા છે, આ ગુસ્તાખી બદલ, તમે મને માફ કરશો..!!

માફી તો બીજી એક વાતનીય માંગવાની છે. હું  એક ભણેલી-ગણેલી સુસંસ્કૃત પણ, છેવટે તો એક  વેશ્યા હોવા છતાં, તમને મનોમન ચાહવાની ગુસ્તાખી કરી બેઠી છું..!!

કોઈએ અજાણતાં કરેલા, `ચિત્રાભાભી`ના સંબોધનને વાસ્તવિક સ્વરૂપ આપવાની, મને, હ્યદયના એક ખૂણે, ઘણીવાર લાલચ જાગી ગઈ હતી.મને એ અણસાર પણ છેકે, તમારા મનમાં પણ, મારા માટે કૂણી લાગણીનાં બીજ રોપાઈ ચૂક્યાં છે?  

પરંતુ,  તમારા જીવનમાં  તમે , મને કાયમી સ્થાન આપો તો પણ, હું  ક્યારેય તે લઈ શકું તેવી સ્થિતિમાં નથી. હું જાણું છું કે હું એવી સરિતા છું, જેમાં તમારા જેવા એકાદ પવિત્ર વરસાદી જળ સિવાયનાં, ઘણાબધાં ગંદા નાળાંએ, મને સાંગોપાંગ મલિન કરી નાંખી છે..!!  ઉપરાંત,  મારો ખરડાયેલો  ભૂતકાળ ક્યારેય, મારો ભરડો છોડે, તેમ મને લાગતું નથી.

ખેર..!! આ પત્ર મળશે ત્યારે, હું આ જગતને અને મારા ખૂબ પ્રેમાળ `આકા`ને, સદાયને માટે છોડીને, એક અનંત યાત્રાએ, ચાલી નીકળી હોઈશ..!!

તમે મને ગઈકાલે સવાલ કર્યો હતોકે, " ચિત્રા તું કેમ બેચેન અને ચિંતાતુર જણાય છે?"

જવાબમાં, વધારે લંબાણથી આખી કથા કહેવાને બદલે, હું એટલુંજ કહીશકે, આજથી  છ વર્ષ અગાઉ,   `બુક કિપીંગ અને  હૉટલ રિસેપ્શનિસ્ટ`નો ડિપ્લોમા કંમ્પ્લીટ કર્યા બાદ, જ્યારે  મોહમયી  મુંબઈ નગરીમાં,  (મારું વતન),  હું  એક હૉટલમાં, રિસેપ્શનિસ્ટની જૉબ પર લાગી, ત્યારે અત્યારે આ હૉટલના માલિક મિસ્ટર  આલમ શેખ, તે હૉટલના મેનેજર હોવાથી, ` ઍઝ - યુઝવલ` લગ્નની લાલચ આપીને, મને  બેફામપણે, જાનવરની માફક, ભોગવતા રહ્યા, એટલુંજ નહીં મને, અનેક પ્રકારે બ્લૅકમેઈલ કરીને,  તેમના અત્યંત હાઈપ્રોફાઈલ  કસ્ટમર્સને પણ, ઍસ્કૉર્ટ ગર્લ  તરીકે સપ્લાય કરવા લાગ્યા.

હું પાછા વળી ન શકાય તેટલે દૂર દોડી ગઈ હોવાથી, છેવટે મેં, જાતેજ આ બદનામ કાર્ય, મારી મરજીથી સ્વીકારી લીધું..!!

પણ, હું એટલું જરૂર કહીશ, તમે મને  મળ્યા ત્યારપછી, મેં ક્યારેય અન્ય કોઈજ  કસ્ટમર સાથે, ક્યારેય  ડીલ નથી કર્યું. આપણે અહીં દીલ્હીમાં આવ્યાં, ત્યારે તમારી આંખોમાં, મને જમાનાનો સામનો કરીને પણ, તમારા જીવનમાં, કાયમી સ્વીકારવાનો નિર્ણય કરી લીધાની, ચમક દેખાઈ હતી?

પણ, અહીં ફરીથી, મારા જીવનને નર્કની ગર્તામાં ધકેલનાર, પાશવી શેતાન આલમ શેખ, મારા ભૂતકાળનું  વિષાદી સ્મરણ બનીને હાજર હતો. મને લાગે છેકે, આવાંજ પાપનાં નાણાંમાંથી, હાલમાં,  આલમ આવી શાનદાર, આલિશાન હૉટલનો માલિક બની બેઠો હોય તેમ લાગે છે?

મને ગઈકાલે જોતાંજ, શેતાન આલમે, ફરી એકવાર, તેની સાથે પથારી ગરમ કરવા દબાણ કરવાનું, બ્લૅકમેઈલની કક્ષાનું, આમંત્રણ મને  પાઠવ્યું  છે. જેથી પ્રથમ તો, આલમ શેખનો આતંકી  ડર અને ત્યારબાદ તેના પર, મને ચઢેલા અસીમ  ગુસ્સાને કારણે, મારા જેવી અનેક માસુમ કન્યાઓનું  જીવન બરબાદ કરનાર, પાપી  આલમને , સજા આપવાનો, મેં નિર્ણય કર્યો છે..!!

ગઈકાલે સાંજે, હું શોપીંગ કરવા ગઈ હતી, ત્યારે, મારી મારકણી અદાના જોર પર, મારા અને આલમ માટે, મેં `સાઈનાઈડ` ની વ્યવસ્થા કરી લીધી છે.

અત્યારે સવારના ચાર થવા આવ્યા છે, તમે  ભરઊંઘમાં,  કોઈ  મીઠા સ્વપ્નમાં રાચતા, પ્રિન્સ જેવા, વહાલા લાગી રહ્યા છો. તમારા હોઠના મખમલી સ્પર્શને, મારા હોઠ પર, છેલ્લીવાર કાયમ માટે મઢીને, હું હવે  આલમના  સ્યૂટમાં, તેને  આખરી` KISS OF DEATH` આપવા જઈ રહી છું..!!

શક્ય હોય તો મને માફ કરશો.

ઓ, મારા અભિનવ...!!  મારી લાશનાં બીડાયેલાં, બેજાન, મૃતપ્રાય નયનમાં, તમને જો કોઈ, ઘોંઘાટિયું સંગીત ગાજતું લાગે તો માનજોકે, આવતા જન્મે, તમને પૂર્ણસ્વરૂપે પામવા, યમરાજ અને વિધાતા સાથે, હું  જોરદાર ઝઘડો કરી રહી છું..!!

આવતા જન્મે તો, કેવળ તમારીજ,

અભાગી ચિત્રા."

=========

અચાનક, અભિનવના  સ્યૂટનો દરવાજો  નૉક થયો,

આ પત્ર વાંચીને, અવાક, શૂન્યમનસ્ક અને ક્ષુબ્ધ થઈ ગયેલો, અભિનવ દરવાજો ખોલાવા ઉઠ્યો ત્યારે, ભારે વિચારોના દબાણ હેઠળ, કાયમી આદત પ્રમાણે, સહસા તેનાથી બોલાઈ ગયું," ચિત્રા,  હરી-અપ  પ્લી..ઝ..!! જોજે, ફ્લાઈટ ચૂકી ના  જવાય?"

મિત્રો, આપને એમ થાય છેનેકે, " ચિત્રા ઈશ્વરની પાસે જવાની ફ્લાઈટ, ચૂકી ગઈ હોત તો કેવું સારું થાત?"

મનેય, મનમાં એમજ થાય છે પણ, સવાલ લાખનો, એ નડે છેકે,
" બધાને  ઍસ્કૉર્ટ કરનારને, કોણ ઍસ્કૉર્ટ કરે?"

માર્કંડ દવે. તાઃ ૧૬ - સપ્ટેમ્બર ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.