Friday, July 16, 2010

પાપી પેટ

પાપી પેટ

" કુછ   ખાને  કો દે,  પાપી પેટ કા સવાલ હૈ, રે બાબા,
 સાથ  હરડે ભી દે,  બદહઝમી કા બબાલ  હૈ, રે બાબા..!!"


==========

પ્રિય મિત્રો,

હમણાં, થોડા દિવસ અગાઉ, એક પીઢ, ઉંમરલાયક ડોક્ટરમિત્ર મળ્યા. વાત નીકળતાં, મને કહે," જ્યાં આજે, પોતાની ફિગર જાળવણી અને તેનાં જેવાંજ, અન્ય કારણસર, આજની માતાઓ, પોતાનાં નવજાત શિશુને, સ્તનપાન કરાવવાને બદલે, અસલી-નકલી કંપનીઓના, સારા-નરસા દૂધ પર ચઢાવી દેતી હોય, પછી તે બાળક, સહેજ મોટું થતાંજ, બહારનું, બીન આરોગ્યપદ, ફાસ્ટફૂડ પસંદ કરે તેમાં નવાઈ શી?"

તે  ડોક્ટરમિત્રના મત અનુસાર, આયુર્વેદમાં ઉલ્લેખ છે," શરીરની તમામ બીમારીઓનું એક માત્ર કારણ, આપણું બગડેલું  પેટ છે."

આ ડોક્ટરમિત્રની વાતમાં, નિતાંત સત્ય ડોકાય છે. આ  વાતને, ચિંતનની એરણ પણ ચઢાવવામાં આવે તો,  જ્ઞાત થશેકે, સમગ્ર જીવનમાં, આ પાપી પેટે પજવ્યો ન હોય, તેવો એકપણ માનવ, ધરતી પર મળવો મુશ્કેલ છે..!!

કેટલાક જન્મથીજ નસીબદાર હોય છે, તેમની થાળીમાં, માતાએ હેતથી રાંધેલી, વાનગીઓ ક્યારેય દગો કરી, પેટ ખરાબ કરતી નથી.

મને એક મિત્ર કહે,"  મોટાભાગના, માનવીઓનું સદનસીબ, લગ્ન થતાંની સાથેજ, બદનસીબીમાં પલટાઈ જાય છે. માતાના હાથનું, અત્યાર સુધી ધરાઈને ખાનાર માણસ, પત્નીના હાથે રાંધેલા ભોજનની ટીકા કર્યા  વગર રહી શકતો નથી,  અંતે જખ મારીને, તે અને તેનું પાપી પેટ, ટેવાઈ જાય છે."    

જોકે, મને  આ મિત્રની વાત આંશિક સત્ય લાગે છે..!! બાકી તો  ખરો, બદનસીબ માણસ, તેને કહી શકાયકે, માતાના હાથે રાંધેલા ભોજનના જેવોજ, એકધાર્યો સ્વાદ, લગ્ન પછી, પત્નીના હાથે બનાવેલા ભોજનમાં પણ હોય..!!

આવા એક, બદનસીબ મિત્રને હું ઓળખું છું, તેઓનું કહેવું છેકે," માતા અને નવી આવેલી પત્ની, બંનેની રાંધણકળા, એકસરખા સ્વાદ વાળી, સરસ ભાવે તેવી, હોય તે, સરવાળે દુઃખ આપે છે..!!"

મને આશ્ચર્યચક્તિ થયેલો જોઈ, તેમણે ઉમેર્યું," અરે,ભાઈ..!! માતા અને પત્ની સિવાય, પછી બીજા કોઈના હાથે રાંધેલું, કોઈ દિવસ જમવું પડે તો, અકળામણ થાય છે."

એકવાર એક મિત્રએ, મને તેમને ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. હું સમયસર પહોચીં ગયો. હું,  મારો મિત્ર અને તેના વૃદ્ધ દાદા સાથે જમવા બેઠા.

મારા મિત્રએ કહ્યું," મારા દાદા, છેલ્લા પંદર વર્ષથી, જમતી વખતે મૌન પાળે છે, ઈશારાથી પણ નહીં માંગવાનું..!! વળી, તેઓએ, થાળીમાં પીરસાયેલી કોઈપણ  વસ્તુ ન છાંડવાનો પણ, નિયમ કર્યો છે."

મને આશ્ચર્ય થયું," તો પછી, દાદાને કોઈ વસ્તુ ફરી જોઈતી હોય તો?"

તે મિત્રએ કહ્યું," મોટાભાગે તો, એકવાર પીરસાયા પછી,તેઓ બીજીવાર તે વસ્તુ માંગતા નથી. પણ કદાચ, કોઈ વસ્તુ વધારે ભાવે તો, તે પહેલાંજ ખાઈ લે, જેથી પીરસનારને ખ્યાલ આવેકે, તેમને તે વસ્તુ ભાવી છે, તેથી  ફરી પીરસવી."

મારી જીજ્ઞાસા સંતોષાઈ ગઈ. થાળી પીરસાઈને આવતાંજ અમે, ભોજન લેવાનું શરું કર્યું.

જોકે, એકજ પંગતમાં, જમતી વખતે, મારું ધ્યાન, કોઈ નાના બાળકની માફક, જમવા કરતાં, દાદા શું કરે છે..!! તે પર વધારે હતું.

મેં જોયુંકે, દાદાએ, સહુથી પહેલાં, દૂધીનું શાક પતાવ્યું. પેલા મિત્રનાં પત્ની, રોજની આદત મુજબ, તેમને ફરીથી દૂધીનું શાક પીરસી ગયાં.

બીજી આઈટમને રહેવા દઈને, દાદા ફરીથી, પીરસાયેલું શાક ખાઈ ગયા. પેલા મિત્રનાં પત્નીને થયું, `આજે દાદાને શાક વધારે ભાવ્યું લાગે છે..!!` તેથી તેઓ ફરીથી, શાક પીરસવા આવ્યાં.

જોકે, મારા આશ્ચર્ય વચ્ચે, જમતી વખતે, એકધારા પંદર વર્ષથી મૌન પાળતા, દાદા અચાનક ગુસ્સે થઈને બરાડ્યા," રાં...ની..!! રહેવા દે, દૂધીનું શાક  કડવું છે..!!  મને એમકે, છાંડવું ન પડે તેથી તે કડવું શાક, પહેલાં પતાવી દઉં, તો મને એકલાને તું  દીધે   રાખે   છે?"

મારા દેખતાં, પોતાની પત્ની પર, દાદા બગડ્યા તે જોઈને, ભોંઠપ અનુભવતા, મિત્રએ પત્નીને અમસ્તી ટકોર કરી," તારે ધ્યાન રાખવું જોઈએને? કાકડી,દૂધી,તૂરીયાં ચાખીને જ શાક બનાવવું જોઈએ."

મિત્રની વાત સાંભળી દાદા વધારે બગડ્યા," મારા  નિયમની --- પૈણી નાંખી..!!  તમે બંને જણ,  દૂધીનું  શાક ઝાપટી ગયા તમને, ભાન ના પડ્યું?"

ત્યારબાદ, ઠપકો સાંભળીને, અમારો જમવામાંથી રસ ઉડી ગયો.

આવું ઘણીવાર બને છે. ઘણાને તૂરા, તીખા,ખારા,ખાટા, કડવા, મીઠા, બગડેલા, ઉતરેલા ખોરાકના સ્વાદની સમજ નથી પડતી હોતી.

(પછી દાદાની માફક, પેટ પણ આપણા પર નારાજ થઈને,  બગડે જ ને..!!)

કેટલાક માણસોને જીવનમાં, ક્યારેય, રોજના ભોજનનો સ્વાદ (દાળ-શાક-કઠોળ,વિગેરે.)  એકસરખો મળ્યો નથી હોતો. કેટલાકને ત્યાં તો રસોઈ મોંઢામાં પણ ન જાય તેવી, જાતજાતના બેસ્વાદભરી બનાવાતી હોય છે.

પહેલાંના જમાનામાં, કન્યાને પસંદ કરવા, મુરતિયા પક્ષનો નારી વિભાગ, કન્યાના હાથે બનેલી રસોઈ, જમે ત્યારબાદ જ કન્યાને પાસ કરવામાં આવતી. હવે તેવું નથી, તેથી લગ્ન પછી, જીવનમાં, અનેક ટંટા-ઝઘડા અને પ્રશ્નો ઉભા થાય છે.

આપણા ગુજરાતના, સૌરાષ્ટ્ર પંથકની, ઘણી લોકકથાઓમાં, ભોજનના સ્વાદ બાબતે ટીકા કરતાં,  કોઈ દીયરને, તેની ભાભી, સરખું રાંધનારી, પદમણી નાર લઈ આવવા, ટોણો મારે છે.

આ સાથેજ, પેલો શૂરવીર, ભર્યા ભાણે થી `હડપ` દઈને ઉઠી જઈ, સરસ રાંધી આપે તેવી પદમણી,જાણે આ વીરબંકાને રાંધી ખવડાવવા,  તેની રાહ જોઈને, રસ્તે બેઠી ન હોય?`

તેમ તેને શોધવા,   ફીલ્મવાળાઓની, કટાઈ ગયેલી તલવાર અને ભાડાનો, મેલો-ઘેલો ડ્રેસ પહેરી, પાઘડી બાંધીને, ઘોડી  કે   ટટ્ટુ જેવા પ્રાણી પર જુલમ આચરતો, તેના  પર સવાર થઈ, નીકળી પડે છે, તેવી અનેક ગુજરાતી ફીલ્મો બનીય ખરી અને  કેટલાય પાપી પેટના બળેલાઓએ,  પૈસા ખર્ચીને, તે જોઈ પણ ખરી?

મને ઘણીવાર લાગે છે, આપણા બધાનો ભોજન અંગેનો, રોજનો કકળાટ સાંભળીને જ, કેટલાય સમજુ,  વિદ્વાનોએ,  કપાળે લાલ, પીળા, લાંબાંટૂંકાં, ટીલાંટપકાં તાણી અને ભગવાં કે સફેદ લુગડાં પહેરીને, સાધુબાવાનો ભેખ ધારણ કર્યો હોવો જોઈએ.

તેમના મનમાં ચોક્કસ એમ હોવું જોઈએકે, " એ...ય...ને...તે..!! મંદિરમાં રંધાતા, ભક્તોએ  આપેલા, મેવા- મીઠાઈ આરામથી ના જમીએ તે વળી, ઘરસંસારની લપમાં પડીએ? "


જે દિવસે, ખરાબ જમવાનું બન્યું હોય ત્યારે,  પતિદેવકે, સાસુ-નણંદ જેવા, મહાનુભવ, હક્ક સમજીને,  રસોઈ બનાવનાર વહુને, " તારી માઁ એ તને રાંધતાં શીખવાડ્યું નથી?" તેમ કહીને, તેણે  રાંધેલી ખરાબ રસોઈ, સારી પેઠે ઝાપટ્યા બાદ, જમ્યા અને તેને  વઢ્યાના, સંતોષનો ઓડકાર ખાય છે..!!

જોકે,  રાંધનાર માતા-પત્ની-બહેનોને, જે  સ્થિતિમાં, ઘરકામના અનેક દબાણ વચ્ચે, ભોજન બનાવતાં જોઈએ, ત્યારે તેમની ખરેખર મુશ્કેલીઓનો, આપણને ખ્યાલ આવે..!!

નાનું બાળક રડતું હોય, ઘરનાં તમામ સભ્યને, એકજ આઈટમ, અલગ-અલગ સ્વાદવાળી ભાવતી હોય, સાથેજ સવારથી ઑફિસે જનારા સદસ્યોની બૂમાબૂમ, વચ્ચે, પાછા સતત રણકતા ટેલીફોન એટેન્ડ કરવા પડતા હોય..!! આવી પરિસ્થિતિ  જે  ભોગવતું   હોય, તેનેજ  તે   ટેન્સનનું   ભાન   થાય.

"ખાના-ખજાના" ફેઈમ, હોસ્ટ સૅફ શ્રીસંજીવકપૂરને, એક ઈન્ટરવ્યુમાં, સવાલ કરાયો," તમે તમારે ઘેર, કોઈ દિવસ, પત્નીને બાજુમાં બેસાડી, જાતે રાંધીને, તેમને કોઈ વાનગી, જમાડો છો?"

સંજીવકપૂરે જવાબ આપ્યો," જરૂર કેમ નહીં..!! પરંતુ, મને મારી પત્નીના હાથે બનાવેલ વાનગી વધારે ભાવે છે..!!"

હવે, શ્રીસંજીવકપૂર  સાચું કે ખોટું બોલ્યા તે રામ જાણે..!!  પણ, મોટા ભાગની, હૉસ્પિટાલિટી ઈંન્ડસ્ટ્રીમાં,  ભોજન તૈયાર કરનારા કૂક (રસોઈયા), મોટાભાગે પુરૂષ હોય છે અને આપણે એમ માની શકીએ કે, તેમાંના ઘણા બધા, પોતાની માતાકે, પત્નીના  હાથનું, ભોજન માફક ન આવતાં, આ વ્યવસાયમાં જોડાવા માટે પ્રેરાયા હશે?

એમ કહેવાય છેકે, " પેટનો બળ્યો, ગામ બાળે..!!"

સરખું ભોજન ન કર્યું હોય તેવો માણસ, સામાને, કારણ  વગર વડચકાં ભરતો થઈ જાય છે. અમારા વડીલ હહેતાકે,  આપણા ઘરમાં શુભપ્રસંગ હોય ત્યારે, જમણવારની આઈટમ અને તેમાં જોઈતા કરિયાણાનું લીસ્ટ બનાવવા, કોઈ દિવસ ભૂખ્યા માણસને બેસાડવો નહીં.

નહીં તો, ૫૦૦ માણસની જગ્યાએ, લીસ્ટ ૮૦૦ કે ૧૦૦૦ માણસનું બનાવશે..!!

વાત તો સાચી છે, પોતે ભૂખ્યો હોય, તો હંમેશા, ભોજનસમારંભમાં, આવનાર મહેમાનના, પેટનું માપ પણ, ચોક્ક્સ ન નીકળે..!!  જમીને લીસ્ટ બનાવવા બેઠેલો માણસ, પોતે ધરાયેલો હોવાથી, કાચી સામગ્રીમાં, ઘણોજ કાપ મૂકીને, લીસ્ટ બનાવે, તે સ્વાભાવિક છે.

ઘણા અમીર ઘરમાં, રાંધવા માટે, રસોઈયા-મહારાજ  કામે રખાય છે. છ્તાંય આપણે સિરિયલ્સમાં જોઈએ છે તેમ,  ઘરના નારી વિભાગ દ્વારા , " બેટા, આજ તેરે લીયે મૈંને, અપને હાથોંસે, ખીર બનાયી હૈ..!!" તેવા  ડાયલોગ, ઘણીવાર  ફટકારાય છે.

ઘણા માણસોને, `પારકા ભાણે હંમેશા, મોટો લાડુ`, ની માફક બીજાની પત્નીના હાથની રસોઈ, ખૂબ ભાવતી હોય છે.. !! (ખરાબ હોય તોય?),

આવા વિરલાઓ પાછા, પોતાની અર્ધાંગિનીની હાજરીમાં, બીજાની પત્નીની, રસોઈનાં વખાણ કરવાની, ધૃષ્ટતા કરવા જેવી, ગંભીર ભૂલ પણ, ક્યારેક કરી નાંખતા હોય છે. ( પછી, શું થાય છે..!! અરે,ભાઈ, મને શી ખબર?)

આવાજ, પડોશમા રહેતા, બે કપલમાં , નવી આઈટમ ચાખવા મોકલવાના ચાલતા, વાટકી વ્યવહાર, દરમિયાન, પડોશણે  મોકલાવેલી વાનગીનાં વખાણ કરતા, પોતાના પતિદેવને, પાઠ ભણાવવા, અકળાયેલી પત્નીએ, નવોજ નૂસ્ખો અપનાવ્યો.

બીજું કાંઈ નહી..!!  બાજુના પડોશમાંથી, વાળુ કે રાંધેલા, વધેલા ભોજનનું દાન, મેળવીને, પોતાના ઘેર માંગવા આવનાર દરેકને, તે માથા ફરેલ પત્ની- પોતાના પતિદેવના દેખતાંજ, " લે, પડોશણના  હાથનું ખાઈને, તારે આની જરૂર પડશે..!!" કહીને શેઠ બ્રધર્સના, `કાયમચૂર્ણ`ની ફાકી, હરડે-ચૂરણ, દાનમાં આપવા લાગી.

મને ખાત્રી છે,  પેલા પતિમહાશય, પડોશણની રસોઈનાં વખાણ કરતા, બંધ થયા જ હોવા જોઈએ..!!

જાણીતા  યોગગુરુનો વિડીયો અને  શિબીર ઍટેન્ડ કરતા, એક ભાઈ, મને કહે," આ બાબાને તેમના પોતાનાજ, વાયુમૂક્તાસન કે ઉદરસફ્ફાસન પર વિશ્વાસ ન હોય, તેમ લાગે છે..!!"

મેં પૂછ્યું," કેમ, આમ કહો છો?"

તે યોગશિષ્યએ કહ્યું," અરે.. યોગાસનથી, પેટ સાફ આવેકે ન આવે? તો પછી, તેમણે  અનેક જાતના વિવાદ ઉભા કરીને, આયુર્વેદિક દવાઓનો વેપલો શું  કામ શરુ કર્યો, તેમને યોગ પર શંકા હશે તોજ આમ કરેને?"

જોકે, મને પાછળથી જાણ થઈકે, આ ભાઈએ તે યોગબાબાને, તેમની આયુર્વેદિક દવાઓનો સ્ટોર ચલાવવા દેવા, અરજી કરી હતી,  (ફ્રેંચાઈઝી?), જે વેઈટીંગ લીસ્ટને કારણે, પેંન્ડીંગ હોવાથી, તે શિષ્ય નારાજ થઈને, યોગગુરુનું,  આમ વાંકું બોલતા હતા. 

ઘણા, નરનારીને, ચિત્રવિચિત્ર, બેસ્વાદભર્યું ભોજન લઈને, બદહઝમી થાય છે, પરિણામે તેઓની  હાજરીમાં, એરફ્રેશનરના ઉત્પાદકોને  કમાણીમાં, તડાકો પડે છે.

આવા સમયે ઘણા, રૂમાલ દબાવીને હસતાં-હસતાં અને ઘણા બોલ્યા ચાલ્યા વગર, ત્યાંથી  આઘાપાછા થઈ પેલાને, સાવ એકલો પાડી દે છે, બોલો..!! કોઈને  આવું કરાય?

સંજ્યલીલા ભણસાલીની ફીલ્મ, " હમ દિલ દે ચૂકે સનમ` માં, સલમાન ખાન, અતિશય આગ્રહથી, ખમણ-ઢોકળાં જેવું, ભોજન લઈને, ગેસ-ગળતરની હોનારતથી, કોઈને નુકશાન ન  થાય, તે કાજે, સલમાન ધાબા પર, જાય છે. જ્યાં  આ અવાજને, કરફ્યૂના અમલની, સાયરન માનીને, ઐશ્વર્યા રાય, ઘરમાં ચાલી જાય છે..!!

ઉપર પેલા પીઢ ડૉક્ટરસાહેબે જણાવ્યું તેમ, આ પાપી પેટ આપણા પર નારાજ ન થાય તે માટે, નીચે જણાવેલ બાબત ધ્યાનમાં લેવા જેવી ખરી..!!

* બહારથી ખરીદાતા, તૈયાર ભોજનના પેકૅટ પર ઍક્સ્પાયરી ડેટ અવશ્ય ચેક કરો.

* આપનાં દસ વર્ષ સુધીનાં બાળકોને, ફાસ્ટફૂડની ટેવ ન પડવા દેશો. તેને ભાવતી ફાસ્ટફૂડ આઈટમ, થોડી તકલીફ વેઠીને,. ઘેરજ બનાવવાનું રાખો.

* તમારા નાક પર વિશ્વાસ કરવાનું શરુ કરી,તેને કૂતરાનાં નાક જેવું સંવેદનશીલ બનાવો.

* ઘરના ફ્રિજનું ટેમ્પરેચર, યોગ્ય ઋતુમાં, યોગ્ય છેકે, નહીં તેનું ધ્યાન રાખો.

* સવારનું સાંજે ખાવું પડે, તેટલું બધું રાંધો નહી. ટીવી પર આવતા રસોઈ શૉ, મુજબ રાંધીને, ઘરનાં સભ્યો પર, તેના પ્રયોગ કરવાનું બંધ કરો.

* આંખને અને જીભને ન ગમે તેવી, (ફૂગ ચઢેલી) જમવાની સામગ્રી, બીજાને પધરાવ્યા વગર, તેનો કાયમી નાશ કરો.

* દવાખાને જવું પડે, તેટલું બધું, પેટ એકજ સમયે, ભરશો નહી.

* ઍલર્જિ, ડાયરિયા કે, અન્ય તકલીફ, કાયમી ઘર કરે તે પહેલાં, સારવાર લો.

* આ માટે દાદીમાઁનાં, જુનાં ઘરગથ્થુ, ઓસડિયાઁ, હાથવગાં રાખો.

આજની તારીખે, ઘણા પુરુષો, પોતાની સવારની ચ્હા, જાતેજ બનાવીને પી લેતા હોય છે.

મારા આવાજ, એક મિત્ર  પાસે,  જાતે ચ્હા બનાવવા અંગે, મેં રહસ્ય જાણવા ઈચ્છ્યું, તો તેમણે મારા પર ચિઢાઈને વડચકું ભર્યું,

"  ગમે તેવું રાંધેલું તો સમજોને કે, હું જમી લઉં છું, પણ  શું પત્નીના હાથની, શીવામ્બૂ ચ્હા ય મારે, રોજ પી લેવી..!! સાલું, સવારમાં, દિવસ સુધારવા ચ્હા તો સરખી જોઈએને?"

તેમનું દર્દ મને સ્પર્શી ગયું, કદાચ એટલેજ બધા, વારંવાર કહે છે,

"ચ્હા બગડી તેની સવાર, દાળ બગડી તેનો દિવસ, અથાણું બગડે  તેનું વરસ, અને વહુ બગડી તેનો ભવ બગડ્યો?"

મિત્રો,  આ કથન સાચુંકે, ખોટું..!!  મને, ભોળા માણસને, શી ખબર..!!

બાય ધ વૅ..!!  આપ `શીવામ્બૂ ચ્હા` ગટગટાવો છો  કે, જાતે બનાવીને?"

માર્કંડ દવે. તાઃ૧૬ - જુલાઈ - ૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.