Sunday, March 6, 2011

વાસંતી બહાર- સપ્તરંગી અલબેલી હોળી

વાસંતી બહાર- સપ્તરંગી અલબેલી હોળી

રંગ   બિખેરે   કુદરતને ઔર ઢોલ  બજાતા ઢોલી હૈ,
મનમેં ઉમંગ, તનમેં તરંગ, બુરા ન માનો, હોલી હૈ.

================================

" તમે હોળી ધુળેટી રંગેચંગે રમો છો?"

" અમે એવાં તે કયાં નઠારાં કામ કર્યાં છે કે, અમારે મોઢાં કાળાં કરાવવા પડે?"

" અરે..!! ભલા માણસ,જે લોકો હોળીધુળેટી મનાવે છે, તે બધા શું નઠારાં કામ કરતા હશે?"

" એ જે હોય તે, હોળીને દિવસે કોઈપણ ઘેરૈયાની તાકાત નથીકે, આપણને રંગનો છાંટોય અડકાડી શકે?"

 મિત્રો, આપ જ કહો, હવે આમને શું કહેવું?

જોકે, પ્રકૃતિએ તેના રંગોની છટા અત્યંત ઉદારતાથી છૂટા હાથે, ચોતરફ રેલાવી હોય તેમાં વળી, વિદાય માટે આપણી અનુમતિ ઇચ્છતી શરદઋતુની આલ્હાદક સવારમાં પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિના અનેરા અલૌકિક રંગ ભળ્યા હોય ત્યારે, આ સુંદર ઈશ્વરદત્ત વાતાવરણની રંગછટાથી અલિપ્ત રહેવાની મનસા ધરાવતા, આવા અરસિક મિત્રની સાથે વધારે દલીલો શું કરવી..!!

ભારત હોય કે વિદેશ, હોળીનો તહેવાર એટલે મનમાંથી પરસ્પર પ્રત્યેની કડવાશ ત્યજીને, સબંધને નવેસરથી મઠેરવાનો તહેવાર છે.

આપણા દેશ માટે પૌરાણિક કાળથી કહેવાય છેકે આ ધરતી નર્યું સોનું અને ચાંદી ઉગાડે છે. આપણા દેશની મહેનતુ પ્રજામાંથી લગભગ સિત્તેર ટકા વસ્તી માત્ર અને માત્ર કૃષિઉદ્યોગ પર નભે છે, ફાગણ માસની પૂર્ણિમાએ ઉજવાતા હોળીના તહેવારનું કોઈ રૅશનાલિસ્ટ ધાર્મિક મહત્તાની દ્રષ્ટીથી સમર્થન ન કરે તોપણ આ તહેવારને, સારા વરસાદ બાદ ખેતરોમાં લહેરાતા અનેક પ્રકારના પાક અને વૃક્ષો પર ઝૂલતા ફળફળાદિના નયનોને શીતળતા બક્ષતા અને કુદરત પરત્વે આભાર પ્રગટ કરવાના ઉત્સવ તરીકે જરૂર સમર્થન કરશે.

વસંત ઋતુના આગમન સાથેજ કુદરતના અનેક પ્રકારના રંગની અનેરી રંગોળીનો નયનરમ્ય નજારો જોતાંજ માનવીનું મન, તે રંગોને નજરમાં કેદ કરવા મથે છે આ રોમાંચ સાથેજ શરૂ થાય છે, રંગોનો ઉત્સવ એટલેકે હોળીધુળેટી. આમતો આપણો દેશ, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી નાતજાત,રંગ પહેરવેશ, ભાષાવૈવિધ્ય, ખાન-પાન અને તહેવારોની બાબતે, સમગ્ર વિશ્વમાં ભાતીગળ મનાય છે.

હોળીધુળેટી કથામાહાત્મ્ય.

ફાગણ સુદની પૂર્ણિમા એટલે હોળીનો તહેવાર. હોળીના તહેવારને પર્યાવરણવાદીઓની ભલે નજર લાગી ગઈ હોય છતાંય ભારતભરમાં આજે આ તહેવાર યુગોથી તેની અસલી રંગત અને પરંપરા સાથેજ વર્ષોવર્ષ  ઊજવવામાં આવે છે. ખરેખર તો હોળી ક્યારથી મનાવાય છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ પુરાણોમાં જોવા મળતો નથી, પરંતુ મહાકાવ્ય મહાભારતના સમયમાં હોળી મનાવતા હોવાનો ઉલ્લેખ થયેલો છે.જોકે, હોળી મનાવાતી હોય તેવાં ઘણાં ભીંત તૈલચિત્રો જૂના રાજમહેલો અને હસ્તલિખિત પ્રતોમાં છેક ૧૭મી સદી અગાઉથી જોવા મળે છે. બાદશાહ અકબર-જોધાબાઈ; જહાઁગીર-નૂરજહાઁ વચ્ચે રમાતી હોળીધુળેટીને, તે સમયે ` ઈદ-એ-ગુલાબી` અથવા `આબ-એ-પાશી (રંગોકી બૌછાર) ` તરીકે ઓળખવામાં આવતી હતી.

* ભવિષ્યોતત્તર પુરાણ કથનાનુસાર હોળી એટલે યજ્ઞ (હોમ) અને માનવ (લોક). માનવ જાતિના કલ્યાણ કાજે કરવામાં આવતા હોમને હોળી કહે છે. સતયુગમાં રાજધર્મના સિદ્ધાંતો અનુસાર રાજ્ય કરનારા,રઘુ નામના સમ્રાટના સામ્રાજયમાં સર્વત્ર સુખશાંતિ પ્રવર્તતી હતી તેવામાં એક દિવસ એના રાજ્યમાં દુન્ધા નામની રાક્ષસીએ નાનાં બાળકોને ભયભીત કરીને હાહાકાર મચાવી દીધો. આ રાક્ષસીના ભયને ટાળવા દોરાધાગા મંત્ર તંત્રનો ઉપાય પણ જ્યારે કારગર ન નીવડ્યો ત્યારે નારદમુનીની સલાહ અનુસાર ફાગણ સુદની પૂર્ણિમાના દિવસે, સમ્રાટે પથ્થર અને લાકડાંની ચિતા પ્રગટાવીને તે રાક્ષસીનો નાશ કર્યો ત્યારથી આ હોળીનો તહેવાર મનાવાય છે.

બીજા દિવસે જલકળશને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ માનીને, જલની પૂજા કરી તેના દ્વારા સ્નાન કરવાનો મહિમા છે જે ધુળેટીના નામથી ઓળખાય છે.આ જલકળશની પૂજા કરવાનો વિધિ પણ ભવિષ્યોત્તર પુરાણમાં દર્શાવેલો છે.

* વિષ્ણુપુરાણ તથા ભાગવતકથામાં દર્શાવ્યા મુજબ, જ્યારે બાળ કૃષ્ણને મારી નાખવા તેમના મામા કંસે પૂતના નામની રાક્ષસીને, વિષથી ભરેલાં સ્તન સાથે એ ઈરાદાથી મોકલીકે તેનું ધાવણ પામતાંજ બાળ કનૈયો મરણને શરણ થશે..!! જોકે, ભગવાન કૃષ્ણએ મામા કંસ અને રાક્ષસી પૂતનાના મલીન ઈરાદાને પામી જઈને, પૂતનાનું શરીર શોષાઈ જાય તેમ સ્તનપાન કરતાં, પૂતના પોતેજ મૃત્યુના મુખમાં હોમાઈ ગઈ.પૂતનાનું મૃત શરીર માયાને કારણે અદૃશ્ય થઈ ગયું તેથી મથુરાના પ્રજાજનોએ, એક રાક્ષસીનો અંત આવતાં, પૂતનાના પૂતળાને ઉત્સવનું રૂપ આપીને અગ્નિદાહ આપ્યો, જે હોળી તરીકે ઉજવાય છે.

* પુરાણ કથા મુજબ દૈત્યરાજ હિરણ્યકશિપુના ભક્ત પુત્ર પ્રહ્લાદને મારી નાખવા અસુર પિતા અનેક પ્રયત્ન કર્યા છતાં સફળ ન થયો ત્યારે આ કાર્ય સાધવા, અસુરરાજે પોતાની બહેન હોલિકાને બોલાવી. પોતાને અગ્નિમાં કદાપિ બળી ન શકે તેવી ચૂંદડી વરદાનમાં મળી હતી તે ઓઢીને, ભક્ત પ્રહ્લાદને ખોળામાં લઈને હોલિકા વરદાનયુક્ત ચૂંદડી ઓઢીને ચિતામાં ગોઠવાઈ ગઈ. જોકે ઈશ્વરના નામસ્મરણને કારણે ભક્ત બાળક પ્રહ્લાદ પર, ઈશ્વર કૃપાથી ચૂંદડી ઓઢાઈ જવાથી, બાળક પ્રહ્લાદ અગ્નિમાંથી હેમખેમ બહાર આવ્યો જ્યારે હોલિકા ચિતાગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ. આસુરીવૃત્તિ સામે દૈવીશક્તિનો વિજય થયો તે દિવસે ફાગણ સુદ પૂર્ણિમા હોવાથી હોલિકાના નામ પરથી આ તહેવાર હોળી તરીકે પ્રસિદ્ધ થયો. ત્યારબાદ ભગવાને નૃસિંહરૂપ ધારણ કરીને દૈત્યરાજ હિરણ્યકશિપુનો પણ સંહાર કર્યો તેથી હોળીધુળેટીનો આનંદોત્સવ મનાવાય છે.

* જોકે દેશ-કાળ-સગવડ-પરંપરા તથા લોકમાન્યતાઓ બદલાતાં હોળીના ઉત્સવમાં" બાર ગાઉએ બોલી બદલાય" તેમ તહેવારની ઉજવણીમાં થોડા ઘણા ફેરફાર જોવા મળે છે. શિશિર ઋતુની સમાપ્તી સાથે, વસંતઋતુ પ્રાગટ્ય થતાંજ કૃષિ આધારિત જનજીવન પદ્ધતિ અપનાવીને જીવનનિર્વાહ કરતા આર્ય સમાજ માટે તાજા ઉગેલાં ધનધાન્ય આનંદ અને સમૃદ્ધિ લઈને આવે તેવી લાગણીનો ઉદય થાય તે સ્વાભાવિક છે. શબ્દ કપદ્રુમમાં હોલાનો અર્થ વસંત ઋતુની વધામણી તેમ કરવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન અગ્નિદેવને તાજા ઉગેલાં ધાન્યને ધરાવવાનો રિવાજ પ્રચલિત થયો જેથી માનવ મન તથા સમાજમાં પ્રવર્તતી આસુરી શક્તિઓને અગ્નિદેવ બાળીને ભસ્મ કરી દે.

* ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને વસંત ઋતુને પોતાનોજ અંશ ગણાવીને તેને ` ઋતુનાં કુસુમાકરઃ` તરીકે ઓળખાવી છે.અગ્નિમાં શેકેલા અન્નને સંસ્કૃતમાં `હોલાકા` કહે છે, જેના પરથી હીન્દીમાં `હોલી` અને ગુજરાતીમાં હોળી શબ્દ પ્રચલિત થયો મનાય છે.દેવદેવીઓને ધરાવીનેજ નવા અન્નને ગ્રહણ કરવું તેવી આર્ય પરંપરાનો ઉત્સવ એટલે હોળી.

* ફાગણ વદ બીજનો દિવસ તે ભરતખંડના મહારાજા શ્રીનરનારાયણ ભગવાનનો પ્રાગટ્ય દિવસ હોવાથી તથા દ્વાપર યુગમાં આજ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ગોપ ગોવાળોએ ફૂલના હિંડોળે બેસાડીને ઝૂલાવી, ગુલાલ ઊડાડી રંગોત્સવ ઊજવ્યો હોવાથી તે દિવસને`ફૂલડોલ ઉત્સવ` તરીકે વૈષ્ણવ પંથી મંદિરોમાં રંગેચંગે ઉજવાય છે.

હોળીધુળેટી પૂજાઅર્ચન.

હોળીના દિવસે સાંજે ગામ અને નગરના અગત્યના ચારરસ્તે (ચકલે) કે પછી પાદરમાં,આ માટે એક ખાડો ખોદીને સાક્ષાત્ અગ્નિદેવને નવું ધાન્ય અર્પણ કરવાના ભાવ સાથે નવો શિયાળુ પાક તથા એક સિક્કો મુકેલી નાની માટલી ખાડામાં મુકવામાં આવે છે.ત્યારબાદ તેના ઉપર લાકડાં-ઘાસ-પુળા-છાણાં વગેરેનો ઢગલો કરીને, તેના પર એક વિજયધ્વજ ફરકાવી, રક્ષોધ્ન મંત્રોચ્ચાર સાથે અગ્નિ પ્રગટાવાય છે.અબાલ-વૃદ્ધ સહુ નરનારી,હોળીની આસપાસ જલધારા કરીને આદરપૂર્વક હોળીની પરિક્રમા કરે છે. આ ઉપરાંત તેમાં શ્રીફળ-ધાણી-દાળિયા વગેરે પણ હોમાવામાં આવે છે.

હોળીનો બીજો દિવસ ધુળેટીના નામે મનાવવામાં આવે છે જેમાં એકમેકના ચહેરા પર ગુલાલ તથા અન્ય રંગો દ્વારા વસંત ઋતુનાં વધામણાં કરવામાં આવે છે.

અમે પ્રાથમિક વિભાગમાં ભણતા ત્યારે, મૂળ સાત રંગ સરળતાથી યાદ રહે તે માટે અમારા ચિત્ર શિક્ષકશ્રીએ, અમને સાતે સાત રંગનો પ્રથમ અક્ષર લઈને એક સૂત્ર બનાવી આપેલું," લા-લી-ભૂ-પી-વા-ના-જા." અમને આ રંગોની ઓળખ માટે તે ચિત્રશિક્ષકશ્રી, નગરની બહાર આવેલા ગાર્ડનમાં લઈ જઈને અસલ પ્રકૃતિની ગોદમાં બેસાડી આ સાતેસાત રંગોની ઓળખ કરાવતા. એટલું જ નહી, સન ૧૭૦૬માં, રંગચક્ર (COLOUR CIRCLE)ના શોધક જગવિખ્યાત, ભૌતિકશાસ્ત્રવિદ્‍, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી,રસાયનવિજ્ઞાનશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની, તથા ધર્મશાસ્ત્રી એવા, બ્રિટીશ વિજ્ઞાની સર આઈઝેક ન્યૂટન દ્વારા પ્રતિપાદિત થયેલો સિદ્ધાંત પણ શિખવાડેલ કે, સાત રંગના મિશ્રણથી જે રંગ બને તે રંગ સફેદ હોય છે, જેને શાંતિનું પ્રતિક મનાય છે.આ ઉપરાંત અન્ય સાત રંગો પણ માનવ સ્વભાવની લાગણી અને ખાસિયત સાથે એકાકાર છે તે પણ વિજ્ઞાન દ્વારા સિદ્ધ થયેલી બાબત છે.

જોકે,હવેતો ડીજીટલ ટેક્નોલૉજીના યુગમાં, શાળામાં છેક નર્સરી ના વર્ગથીજ રંગોની ઓળખ ક્યાંતો કૉમ્પ્યૂટરના ચળકતા સ્ક્રીન ઉપર કેપછી, અત્યંત મોંઘાં કાગળ પર છપાયેલા રંગ અથવા તો અત્યંત મોંઘા પેન્સિલ કલરથી લઈને જાતજાતની ટ્યુબમાં કેદ રંગો દ્વારા કરાવવામાં આવે છે. આજના બાળકો પ્રકૃતિનું મંગલ વાતાવરણ અને અસલ પ્રાકૃતિક રંગોના સંગથી વંચિત છે. કદાચ આથીજ આ બાળકો વયસ્ક થઈ સંસારની જવાબદારીઓ વહન કરે ત્યારે તેઓને પોતાના જીવનના મુશ્કેલ સમયમાં, જીવનના નવરસ સાથે આ સાતરંગોની યથાયોગ્ય મેળવણી દ્વારા, જીવનકળા સાધ્ય કરવામાં અનેક મૂંઝવણો સહન કરવી પડે છે.

દેશ-વિદેશમાં હોળીનું મહત્વ.

દેશ વિદેશમાં પ્રત્યેક ઋતુના ફેરફારને આવકારવાની પોતાની આગવી પરંપરા તથા પદ્ધતિઓ પ્રવર્તમાન છે. હોળીનો તહેવાર પણ દરેક ઠેકાણે અલગ અલગ રીતે મનાવાય છે.

આપણા દેશભરમાં ઉજવાતો હોળીનો તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિની શાલીનતાને અનુરૂપ રંગબેરંગી રીતે આનંદ ઉત્સાહપૂર્વક ઉજવાય છે.

બંગાળમાં ફાગણ સુદ ચૌદસ-પૂર્ણિમા તથા પડવાના દિવસે લોકો ઉપવાસ કરીને અગ્નિ પૂજા કરી હોળી મનાવે છે.બંગાળમાં હોળીને `દોલ જાત્રા`કહે છે જે ચૈતન્ય મહાપ્રભુના જન્મદિન સ્વરૂપે મનાવાય છે.  કોંકણ અને મહારાષ્ટ્રમાં પણ હોળી ઉજવાય છે જેને,`શિમગો` કહે છે.મહારાષ્ટ્ર તથા ગોવામાં ગુલાલ ઉડાડી સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજીત કરાય છે.પંજાબના હોલા મહોલ્લામાં શિખો દ્વારા શક્તિપ્રદર્શનના કાર્યક્રમ યોજાય છે.દક્ષિણમાં હોલીને `કામદહન` કહે છે. તામિલનાડુમાં કામદેવ રતીની કથા આધારિત વસંતોત્સવ ઉજવાય છે.મણિપૂરમાં નદીકિનારે યોંગસાંગ નામની નાનકડી ઝૂંપડી બનાવીને હોળી ઉજાવાયછે. છત્તીસગઢમાં લોકગીતોના કાર્યક્રમ આયોજિત થાય છે. મધ્યપ્રદેશના માલવામાં `ભગોરિયા`ના નામથી હોળી મનાવાય છે.બિહારમાં હોળીના શુભ દિને મંદિરોમાં અલગ અલગ ધનધાન્ય,ફળફૂલના શણગાર કરાય છે.ઉત્તરપ્રદેશમાં વૃંદાવનના બાંકેબિહારી મંદિર તથા ઈસ્કોન મંદિરમાં ધામધૂમથી હોળી ઉજવાય છે.ગોકુળ-મથુરા-વૃંદાવન-નંદગાઁવ અને રાધાજીની જન્મભૂમિ વરસાણાનો (બરસાના) સમગ્ર વિસ્તાર એટલેકે વ્રજભૂમિની લઠમાર હોળીની રંગત માણવા દેશ વિદેશથી માનવમહેરામણ ઉમટે છે. જોકે, ઉત્તર ભારતમાં વ્રજભૂમિ અને ભરતપુરમાં એકમેક પર પથ્થર નાંખીને હોળી મનાવવાની હિંસક પરંપરાને આજના યુગમાં હવે સમાપ્ત કરવા જેવી છે. મારવાડ-રાજસ્થાનમાં તો કહેવત છેકે," દિવાળી અઠેકઠે પણ હોળી તો ઘરેજ.` તેની ડફલી અને ઘૂઘરાના તાલ સાથે કરાતા ઘુમ્મર ડાન્સ લાજવાબ હોય છે. કુમાઉમાં શાસ્ત્રીય સંગીતની બેઠકનું આયોજન કરાય છે. હરિયાણામાં રંગોની રેલમછેલ, ખાસ કરીને નવી આવેલી ભાભી અને દિયરની મજાકમસ્તી માણવા જેવી હોય છે. આપણા ગુજરાતમાં શ્રદ્ધાળુ ભક્તો, હોળી પ્રગટતાં સુધી ભૂખ્યા રહે છે જેને `હોળીભૂખ્યા` કહે છે. આ દિવસે દેવમંદિરોમાં અપાર ભીડ જોવા મળે છે.દ્વારિકા,ડાકોર તથા નાથદ્વારા સુધી પગપાળા સંઘયાત્રાનું આયોજન કરાય છે. ભગવાનને કેસૂડો મિશ્રિત પાણી તથા ગુલાલ છંટાય છે.

આ ઉપરાંત વિદેશોમાં પણ આપણા દેશમાંથી સ્થળાંતર થયેલા NRIs દ્વારા આપણી પ્રાચીન પરંપરા મુજબ હોળી ઉજવાય છે.

ઋતુના બદલાવના તહેવારને વિદેશીઓ તેમની આગવી ઢબે એકમેકની મજાક-મશ્કરી કરીને, પરસ્પર મૂર્ખ બનાવીને ઉજવણી કરે છે. અમેરિકામાં આવા નિર્દોષ મનોરંજનને,`હેલોવિન` કહે છે. પશ્ચિમ જર્મનીમાં પણ આવા નિર્દોષ મનોરંજનની પ્રથા છે. થાઈલેન્ડ તથા બ્રહ્મદેશમાં રંગની જગ્યાએ એકમેક પર સુગંધિત દ્રવ્ય છાંટવાનો રિવાજ છે. ગ્રીસદેશમાં નારીનું પૂજન કરીને હોળી પ્રગટાવાય છે.

ટૂંકમાં, હોળીએ માત્ર અગ્નિ પ્રગટાવીને તેની પ્રદક્ષિણા કરવાનો તહેવાર નથી. સમગ્ર માનવજાતના વિનાશનું 
 જો કોઈ કારણ બને તો તે બાહ્ય પરિબળ કે દુશ્મન નહીં પરંતુ અંતરમનમાં પજવતા રહેતા સ્વાર્થી, વિકારી, અહંકારી દુર્ગુણ જેવા અંતઃશત્રુઓ જ હોઈ શકે.  હોળીધુળેટીનો તહેવાર એ તો ફાગણના સપ્તરંગી રંગોથી જીવન જીવવાની કળાને આત્મસાત કરાવતો, સંયમની સમજણ આપતો, સત્ય અને ઈશ્વરનામ સ્મરણનો મહિમા સમજાવતો, તેમજ પરસ્પરની કટૂતાને વિસારે પાડીને ભાઈચારા અને શાંતિનો સંદેશ ફેલાવતો, માનવના તમામ દુર્ગુણો અને મનની મલિનતાને બાળીને ભસ્મ કરતો અત્યંત લોકરંજક-લોકપ્રિય તહેવાર છે.

 દરેક મનુષ્યએ પોતાના ક્ષણભંગુર જિંદગીના સત્યને ઓળખીને જીવનમાં ભક્ત પ્રહ્લાદ જેવી દ્રઢ ઈશ્વરનિષ્ઠા,સહનશીલતા,ક્ષમાશીલતા,કરુણા,દયા અહિંસા જેવા માનવીય ગુણોનું આરોપણ કરવું જોઈએ.અગ્નિપુરાણોક્તિ અનુસાર જપનો મહિમા સમજીએ તો;

जकार जन्म विच्छेद पकार: पापनाशक: |
तस्माद् जप इति प्रोत्त्को जन्मपापविनाशक: ||

અર્થાત્- `જકાર` એટલે ફરી જન્મ ન લેવો પડે.`પકાર` એટલે પાપનો નાશ. ભગવાનના નામનો જપ તમામ જન્મોના પાપનો નાશ કરે છે તથા મનુષ્ય જન્મજન્માંતરના ફેરામાંથી મૂક્ત થાય છે.

હોળી અને સાહિત્ય-સંગીત-ફિલ્મી વારસો.

 શ્રીમદભાગવત મહાપુરાણમાં સમૂહ રાસનું વર્ણન કરવામાં આવ્યું છે.કાલિદાસના કુમારસંભવમ તથા માલવિકાગ્નિમિત્રમમાં વસંતોત્સવનું રસાળ વર્ણન અંકિત છે.આ ઉપરાંત હોળીનાં રાધા-કૃષ્ણએ મનાવેલા વસંતોત્સવ, કેપછી અવધમાં રામસીતાએ મનાવેલ હોળી પર્વ હોય, આ તમામ હોળીગીત તથા વાર્તાઓની અમર રચનાઓ, પ્રાચીન કવિઓ ભારવિ, માઘ, કબીરજી, સૂરદાસ, રહીમ,રસખ઼ાન,મીરાંબાઈ તથા અર્વાચીન રચનાકારમાં પ્રેમચંદજી,રાજા હરદોલ,ઓમપ્રકાશ અવસ્થીજી જેવા ઘણા સિદ્ધહસ્ત રચનાકારોએ રચી છે.
હોળીના અર્વાચીન સ્વરૂપમાં, માનવ-માનવ વચ્ચે સબંધમાં, વેરભાવ ત્યજીને મિત્રતા કાયમ કરવા અર્થે નિર્દોષ ઉપહાસ, ઠઠ્ઠો, મજાક-મસ્તીને સ્થાન આપવામાં આવ્યું છે. હીન્દી સાહિત્ય જગતમાં `ચાર લાઈનાં` પ્રસ્તુત કરીને પ્રસિદ્ધ થયેલા હાસ્ય કવિશ્રીસુરેન્દ્ર શર્માજી; શ્રીકાકા હાથરસીજી; શ્રીશૈલ ચતુર્વેદીજીએ હોળીના પર્વ નિમિત્તે યોજાતા હાસ્ય કવિસંમેલનોમાં પોતાની વક્રોક્તિ વ્યંગરચનાઓ દ્વારા ડંકો વગાડી દીધો છે.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તો મોટાભાગે રાગ કાફી માત્રને માત્ર હોળીનો રાગ ગણાય છે. હોળીમાં ધમાર ઉપરાંત ધ્રુપદ, છોટા અથવા બડ઼ા ખ્યાલ, ઠૂમરીની તથા રાગ વસંત, હિંડોલ, દાદરા વગેરેની બંદિશ અનેક નામાંકિત શાસ્ત્રીય-ફિલ્મી ગાયક-ગાયિકાઓએ અનેક માધ્યમમાં તદ્દન અલગ અલગ પ્રકારે રજુ કરેલ છે. આ ઉપરાંત ઝાંઝ-પખવાજ-મંજીરા તથા કાંસીજોડના લયબદ્ધ તાલની સાથે વૈષ્ણવ સંપ્રદાયમાં ગવાતા હવેલી સંગીતની વાસંતી ધરોહર પર કોઈપણ સંગીતપ્રેમી ગૌરવ અનુભવ્યા વગર રહી શકતો નથી.

હોળીના સંગીતની એક ખાસિયત તેની તાલબદ્ધતા છે જે ભલભલાંનું હૈયું અને પગને થીરકતા કરી મૂકે છે. નૃત્યમાં ચાહે કત્થક હોય કેપછી ગામના પાદરે ગવાતાં સાવ સરળ આદિવાસી લોકનૃત્ય હોય, હોળીનું વાતાવરણ લોક હૈયાંને રોમાંચિત કરી મૂકે છે.હોળીના પર્વ નિમિત્તે અજમેરના ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ગવાતા હોળીગીત આપણા દેશના સાંપ્રદાયિક સદભાવની અનુભૂતિનાં દર્શન કરાવે છે.

આપણા ભારતની દરેક ભાષાઓની ફિલ્મમાં હોળીના ઉત્સવને સ્થાન આપવામાં આવ્યું છે. મોટાભાગે રંગીન ફિલ્મનો તબક્કો શરૂ થયો ત્યારથી હોળીની રંગછટાને કચકડે કંડારવાની લાલચ  ભાગ્યેજ કોઈ દિગ્દર્શક ટાળી શક્યા હશે..!! આ બાબતે કલાગુરુ શ્રીવ્હી.શાંતારામજીની જૂની ફિલ્મ` ઝનક ઝનક પાયલ બાજે`, અથવા નવરંગ ફિલ્મના` આયા હોલી કા ત્યોહાર`  હોળીગીતનું ફીલ્માંકન આજે પણ માણવા લાયક છે. શક્તિસામંતજીની`કટી પતંગ`નું `આજ ન છોડેંગે` તથા રમેશ સીપ્પીજીની સુપર ડુપર બ્લૉક બસ્ટર ફિલ્મ `શોલે`નું હોળી ગીત ફિલ્મના નવાસવા શિખાઉ દિગ્દર્શક માટે માઇલસ્ટોન સમાન ગણાય છે. આ ઉપરાંત શ્રીશશીકપૂરજીની કલાત્મક ફિલ્મ,`ઉત્સવ` હોય કેપછી યશ ચોપડ઼ાજીની સામાજિક ફિલ્મ, `સિલસિલા`નું `રંગ બરસે`, અથવા યશ ચોપડ઼ાજીની શાહરૂખખ઼ાન અભિનીત ફિલ્મ `ડર`નું `અંગ સે અંગ લગા લે` હોળીગીત હોય, આ તમામ ફિલ્મની બોક્સઓફિસ પર સફળતામાં હોળીગીતોનો મહત્વનો ફાળો ગણી શકાય.

હોળીના ઉત્સવમાં આટલું ના કરશો.

આજની ફાસ્ટ અને તણાવયુક્ત જીવન પદ્ધતિમાં આપણા દેશના તહેવારો જ્યારે એકમાત્ર ચિંતામુક્ત થવાનાં લોકપ્રિય સાધન છે ત્યારે, તેની ઉજવણી કરતી વેળાએ આ સાતરંગના રસોત્સવમાં ભંગ ન પડે અથવા એકમેકના સબંધ મધુર થવાને બદલે વધુ કડવાશભર્યા થઈ ન જાય તે માટે, ઉત્સવના આનંદનો અતિરેક હોવા છતાં, આટલી સાવચેતી જરૂર રાખશો.

* કોઈની મરજી વિરુદ્ધ તેને નુકશાન થાય તે રીતે હોળી ન રમશો.

* કોઈને ત્યાં તાજા મરણ જેવો દુઃખદ પ્રસંગ બન્યો હોય તેમને અજાણતાંપણ હોળી રમવા ન કહેશો.

* કેસૂડો, ચંદન, ગુલાબજળ તથા અન્ય ફૂલોથી બનાવેલા કુદરતી રંગોના ઉપયોગને ઠેકાણે કૅમિકલયુક્ત રંગોનો ઉપયોગ કદાપિ ન કરશો. તેનાથી ચામડી તથા આંખ,કાન, નાક, ગળા અને અન્ય જીવલેણ રોગ નોંધાયા નાં ઉદાહરણ દર વર્ષે બહાર આવે છે.

* ભાંગ-ઠંડાઈ કે અન્ય ભળતાસળતા નશામાં મસ્ત થવાની લાલચ ન કરશો. તેનાથી  પેટ,કીડની, લિવરના અનેક પ્રકારના રોગ ઉપરાંત, કાયદાના ભંગ સહિત, નશાના કાયમી બંધાણી બની જવાનો ખતરો છે.

* ઉત્સાહના અતિરેકમાં, મજાકમસ્તી, કે ઠઠ્ઠા-મશ્કરી કરતી વખતે કોઈના કાળા ગોરા રંગ અથવા શારીરિક કે માનસિક ખોડખાંપણ પર મજાક અથવા તો અશ્લીલ વ્યવહાર ક્યારેય ન આચરશો.

* અસંખ્ય હાનિકારક બેક્ટેરિયા અને ગંદકીયૂક્ત કાદવ-કીચડ કરતાં તો સાદા પાણીથી હોળીનો આનંદ માણવો વધારે હિતાવહ છે.

*સાવ અજાણ્યા લોકોને રંગી નાખવાની ધાકધમકી આપીને તેની પાસે હોલીની ઘેર (લાગો-રૂપિયા) ન ઉઘરાવશો, આમ કરવું ગેરકાયદે છે.

મિત્રો, આમતો છેક જલાલુદ્દીન અકબર બાદશાહના સમયથી હોળીમાં સર્વશ્રેષ્ઠ મૂર્ખ શિરોમણિનો સરપાવ પ્રદાન કરવાના હાસ્યકાર્યક્રમ આજે પણ ઘણાં રાજ્યમાં સફળતાપૂર્વક યોજીને નિર્દોષ આનંદ માણવામાં આવે છે ત્યારે જે રીતે આપણા બેશરમ-નફ્ફટ-નાગા રાજકારણીઓએ ભેગા મળીને, આપણે તેમને ઉમળકાભેર ખોબલે-ખોબલે વોટ આપીને રાજગાદીએ બેસાડ્યા બાદ, આપણને એટલેકે જનતાને દરરોજ મૂર્ખશિરોમણિના સરપાવ વહેંચીને, અસહ્ય મોંઘવારી, ભ્રષ્ટાચાર,  બી.ટી.રીંગણના તાયફા, ટુ-જી સ્પેક્ટ્રમ ટેલિકોમ કૌભાંડ, નિષ્ફળ ગૃહપ્રધાન ચિદંબરમના લવારા, ડુંગળી સહિત અન્ય જીવનજરૂરી અન્નના ભાવવધારા મુદ્દે શરદ પવારનું `ન રો વા કુંજ રો વા`નું નીંભર વલણ, જમ્મુ-કાશ્મીરનો સળગતો પ્રશ્ન, પીડીપી પાર્ટીની બેગમ મુફતીના પાકિસ્તાન અને ચીન પરસ્તી, માયાવતીની આવકથી વધારે સંપત્તિનો લટકતો સીબીઆઈ કોર્ટ મામલો, મમતાદીદીનો હિંસક નક્સલવાદીઓ પ્રત્યેનો ખુલ્લેઆમ પક્ષપાત, ત્રાસવાદીઓને માફી આપવા માટે ગુલામનબી આઝાદની નફ્ફટ ભલામણ, છાશવારે ભાવવધારા સાથે પેટ્રોલ, ડીઝલ, ગેસ, કેરોસીનના ભડકે બળતા ભાવ તથા તેની ચોરીને રોકવા નિષ્ઠાથી ફરજ બજાવવા ઇચ્છતા ડેપ્યુટી કલેક્ટરને જીવતા બાળી મૂકવાના બનાવો, આટઆટલાં લાભ લેવા છતાં લોકસભા- રાજ્યસભાની સ્થગિત થયેલી કાર્યવાહી ને કારણે કિંમતી સમય તથા આપણા પરસેવાનાં ટૅક્સની રકમનો થયેલો દુર્વ્યય, કૉમનવેલ્થ, આદર્શ સોસાયટીના જાહેર કૌભાંડ અને આ સર્વે બાબતોમાં શિરમોર સમી વડાપ્રધાને જાહેર કરેલી મોરચા સરકારના વડા હોવાને કારણે નિષ્ફળતાનાં ગાણાં ગાઈને, નબળા લીડરે જાહેર કરેલી નબળાઈ-મજબૂરી-લાચારી (..!!) દ્વારા દેશની તમામ પ્રજાને રોજની હૈયાહોળી પ્રગટાવીને, તેમના નસીબના આધારે અગ્નિપરિક્ષા આપવા ચિંતાગ્નિમાં (કે ચિતાગ્નિ?) ધકેલી દેવામાં આવ્યા છે.ત્યારે...!! હે નૃસિંહાવતાર પ્રભુ, આપને ફરીથી પ્રગટ થવાનો સમય પાકી ગયો છે..!! રાક્ષસોના ત્રાસમાંથી મૂક્ત કરવા હવે નહીં તો ક્યારે પ્રગટ થશો? ભલે, હોળી તે સહનશક્તિની કસોટી કરવાનો તહેવાર છે પરંતુ પ્રભુ, આ હોળીએ પ્રગટ થશો તેવી આશા રાખીએ?

માર્કંડ દવે. તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧.

1 comment:

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.