Thursday, July 22, 2010

મેઘમલ્હાર.

મેઘમલ્હાર.

" દાદા,  વરસાદી ફોરે,   થોડાં  ઝરમરિયાઁ   કરીએ..!!
 ચાલો,  આપણ  બંને,   થોડાં   છબછબિયાઁ કરીએ..!!"


===========

પ્રિય મલ્હાર,

અત્યાર સુધી તો બેટા, વરસાદ એટલે શું, તેની તને ક્યાં સમજ હતી?  પણ હવે, તું ત્રણ વર્ષનો થયો.

આ વખતના ઉનાળામાં, આકરા ૪૭* ડીગ્રી તાપની, તને સમજ પડતી અને  મારા ઍ.સી. રૂમમાં આવીને, ઠંડક અનુભવીને, તું `હાશ` ઉચ્ચારતો.

 "દાદા, બહાર બહુ  ગરમી છે, નહી,?" સવાલ કરતો,તને જોઈને, મને સાનંદાશ્ચર્ય થતું.

છતાંય, છતાં...ય, મને મૂરખને, ગઈકાલે, એટલું ભાન ન થયુંકે,  હવે વરસાદમાં છબછબિયાઁ કરવાની, તારી વય - મોસમ શરૂ થઈ ગઈ..!!  

જોકે, છેલ્લા બે દિવસથી, વરસતા વરસાદની ભીનાશ, તારા હ્યદયને ગલગલિયાઁ, કરાવતી હતી, તે પણ મારા ઘ્યાન પર કેમ ન આવ્યું? હું તે, તારો કેવો ડફોળ દાદો છું..!!

આમ તો, આ  બે દિવસ દરમિયાન, તેં મને કરેલા, ગોળગોળ પ્રશ્નો પરથીજ, મારે સમજી જવાની જરૂર હતી, કે તારા જીવનની, શરૂઆતના, સમજણભર્યા તબક્કાના, આ પહેલા - પહેલા,  ઝરમર વરસતા, વરસાદમાં નહાવાનું, તને ખૂબ-ખૂબ મન થયું છે.

જોકે, મને હવે ઘરનાં  બધાંની વાતચીત પર થી સમજ પડે છેકે, તે બધા પાસે,  વરસાદમાં, પહેલીજ વાર નહાવા  જવા દેવાની જીદ્દ, તું કરી ચૂક્યો છે.પણ, રખેને..!!   તું માંદો  પડે  તો? એવી બીકે, તને કોઈએ રજા ન આપી, એટલુંજ નહીં, તારો ઈરાદો બધાંએ પારખી લઈ, તું છાનોમાનો વરસાદમાં, નહાવા ન ભાગી જાય, તેથી સમૂહ સંપ કરીને, ઉપરથી બધાંએ,  તને  જાણે  નજરકેદ  કરી લીધો..!!

મને ખબર છે, બેટા..!! આપણા જીવનમાં, સાવ નાના, તારી ઉંમરના હોઈએ, ત્યારે વરસાદમાં નહાવાની મઝાની, કલ્પના માત્ર, શરીરમાં રોમાંચની કેવી લહેર દોડાવે..!!

તને કહું..!! અમે નાના હતા..ને..!! ત્યારે તો દરરોજ નિશાળેથી છૂટીએ, ત્યારે ધોધમાર વરસાદ પડતો અને અમને પાછા ઘેર આવવા, કોઈ કાર કે અન્ય વાહન લેવા ન આવે..!!  જાતેજ ચાલીને ઘેર આવવાનું..!!  અને પછી તો, દફ્તર પલળે, મને કાયમ ન ગમતાં બધાં ચોપડાંને, નોટબુક પલળે, તે બહુ ગમતું.

વળી, અમને જે સાહેબ ન ગમતા હોય, તેમની નોટમાંથી, પાનાં ફાડી, નાની નાની, કાગળની હોડી બનાવી, ગામની શેરીઓમાં, વેગથી વહેતા, વરસાદી પાણીમાં, સહુ ભાઈબંધ, તે હોડીની રેસ લગાવતા, મારી હોડી વચ્ચે અટકી જાયતો, પાછો હું   દોડીને, તેને, વાંકો વળી, હાથના ધક્કાથી આગળ ધકેલતો.

વરસાદના પાણીથી, તરબતર થયેલો, હું  ઘેર પહોંચું તો, બા કે બહેન, હાથમાં ટુવાલ લઈને ઓટલા સુધી દોડી આવે. મને કોરાં કપડાં પહેરાવે.

મીઠા ઠપકા સાથે, બા મારા માટે, ગરમગરમ ઉકાળો લાવે સાથે, ગરમ નાસ્તો પણ આપે. જોકે, બેટા રોજ  આટલા પલળવા છતાંય, મને ભાગ્યેજ શરદી કે તાવ આવતો..!!

પણ હવે, તારા માટે તો,  બધું ઉંધું - ઉંધું  થઈ ગયું છે. તને વાતે -વાતે માંદો થઈ જવાની ટેવ છે. ઘરનાં બધાં તને ઍ.સી. કારમાં,  શાળાએ મૂકવા - લેવા આવે છે. ( એટલે તેય ચાન્સ નહીં?)  તને, કાગળની હોડી બનાવતાં શીખવાડવાનો ઘરમાં કોઈની એ પાસે સમય નથી.

હજુ તો, આકાશમાં વાદળ ઘેરાય, ત્યાંજ ` વરસાદ આવશેજ` તેમ  ધારણા બાંધી લઈને,  તને નજરકેદ કરી લેવાની બધાં તૈયારી કરી લે છે..!!

બેટા, મને માફ કરજે, તારા જીવનના પહેલા વરસાદમાં, પહેલીવાર નહાવાનો, તારો  અધિકાર અને હક્ક છે તેમ હું નિખાલસપણે માનું છું.

તારી સાથે, મને પણ  બાળપણ યાદ કરીને, વરસાદમાં નહાવાનું અને તને વરસાદમાં, નહાતો અને પછીથી, ઠંડકથી, તારા કડકડતા દાંત, ડગડગતી દાઢી તથા તને નાની-નાની ધ્રૂજારી કરતો જોવાનું બહુજ, મન છે.

મને, તારી આંખની, નાની સરખી કીકીમાંથી, ટપકતા આનંદની વર્ષામાંથી, ઉડેલી છાલકને, મારી આંખોમાં  ભરી લેવાની, ખૂબ ઈચ્છા થાય છે.

પણ હું લાચાર છું. મને નાનપણમાં  તો, મારી બા, મીઠો ઠપકો આપીને, ભૂલ માફ કરતી હતી. કદાચ હવે તેવું નથી?

તને તેડીને ઉભેલા, મારા હાથમાં, નિસાસો નાંખતો, અત્યારે, વરસતા વરસાદને,  નિહાળતો તું,  આંખમાં બોર બોર જેટલાં આંસુ સાથે, રડે છે.

પણ હવે, તારી મમ્મી, તને અને તારી બા (દાદી), મને વઢે તો......?

બેટા, દાદાની લાચારી, તું સમજી ગયો?


===========

તા.ક. પાઠકશ્રી, આપનું  ભીનાશભર્યું  બાળપણ , હજી જીવીત છે?

માર્કંડ દવે. તાઃ-૨૨ -જુલાઈ -૨૦૧૦.

No comments:

Post a Comment

વરિષ્ઠ કલાકારોના સન્માન સમારંભની કેટલીક યાદગાર ક્ષણો.